ભગવાન થાવરાણી
‘ ખુમાર ‘ બારાબંકવી સાહેબના તખલ્લુસના મૂળ ઉર્દૂ શબ્દ ‘ ખુમ ‘ માં છે. ખુમ એટલે શરાબ પીરસવાની મોટી સુરાહી. એમાં ભરેલું દ્રવ્ય પીવાથી થતી અસર એટલે ખુમાર. ‘ મયખાના ‘ ફિલ્મ માટે કેદાર શર્માએ લખેલ અને મહેશ ચંદર દ્વારા ગવાયેલ એક ખૂબસુરત ગઝલનો શેર છે:
સાકી સે શિકાયત હૈ હમકો જિસકા યે જહાં મયખાના હૈ
ઉનકો તો પિલાએ ખુમ કે ખુમ, ખાલી મેરા પૈમાના હૈ ..
ખુમાર સાહેબે પણ શાહજહાં, બારાદરી અને સાઝ ઔર આવાઝ જેવી ગણતરીની ફિલ્મોમાં કેટલાક સુંદર ગીતો લખ્યાં પણ એ દુનિયા ઝાઝી રાસ ન આવતાં પાછા ફર્યા મુશાયરાઓ અને બારાબંકી તરફ ! જિગર મુરાદાબાદી સાહેબની જેમ એમનો બુલંદ અવાજ મુશાયરાની રંગતમાં પ્રાણ ફૂંકતો. થોડાક દિવસો પહેલાં એક મિત્રએ એમનો આ શેર યાદ અપાવ્યો :
યે વફા કી સખત રાહેં, યે તુમ્હારે પાંવ નાઝુક
ન લો ઈંતકામ મુજસે, મેરે સાથ સાથ ચલ કે ..
મારા હૈયા-સરસો એમનો જે શેર છે તે આ :
રાત બાકી થી જબ વો બિછડે થે
કટ ગઈ ઉમ્ર – રાત બાકી હૈ …
દ્રષ્ય એવું છે કે કોઈક જ્યારે ‘કોઈક’થી અળગું પડ્યું ત્યારે અડધી રાત હતી. દિવસ, મહિના, વર્ષો વીતતા ગયા. આયખું પણ અંતિમ મુકામે પહોંચવા આવ્યું પરંતુ છૂટા પડ્યાની એ ક્ષણ ત્યાં જ થીજી ગઈ, ફ્રીઝ થઈ ગઈ ! ઉંમર વીતી ગઈ પરંતુ વિખૂટા પડ્યાની એ રાત ક્યાંય ગઈ નહીં, ત્યાં ને ત્યાં જ રહી !
તહઝીબ હાફી નામના શાયર આ વાત જરા જૂદી રીતે કહે છે :
તિરી તરફ ચલે તો ઉમ્ર કટ ગઈ
યે ઔર બાત રાસ્તા કટા નહીં ..
શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ પત્રવ્યવહાર સરનામે થઈ શકશે.
Waaahhh