અમેરિકન ડ્રીમ – સ્વપ્નિલ સફર : સોલ્ટ લેક સીટી અને યલ્લો સ્ટોન નેશનલ પાર્ક

દર્શા કિકાણી

૧૬/૦૬/૨૦૧૭

હોટલમાં સવારે છ પહેલાં તો બ્રેકફાસ્ટ તૈયાર હતો. પણ કોઈ જ વ્યવસ્થા ન હતી. ભીડ અને પડાપડી. એમાં વેજીટેરીયન વસ્તુઓ માટે તો વધુ તકલીફ હતી. અમે થાકી અને કંટાળીને દૂર જ રહ્યાં. બધાં ગયાં પછી જ્યુસ, બ્રેડ-બટર અને દૂધ મળ્યાં જેનાથી કામ ચલાવ્યું.સવાર સવારમાં વહેલાં દરિયા કિનારે  કન્વેન્શન સેન્ટરમાં લઈ ગયાં. હજી તો અજવાળું પણ થયું ન હતું. દરિયાના પાણી પર ધુમ્મસ હતું. પક્ષીઓ ઉડતાં હતાં. કન્વેન્શન સેન્ટરમાં તો કંઈ જોવા જેવું ના લાગ્યું પણ દરિયા કિનારાનો માહોલ બહુ સરસ હતો. યલો સ્ટોનથી પાછાં વળતાં પણ અમે સોલ્ટ લેક સીટી રોકવાના હતાં અને સીટી ટુર લેવાના હતાં એટલે આટલી વહેલી સવારે કોઈનો મૂડ કન્વેન્શન સેન્ટર જોવામાં હતો જ નહીં. યલ્લો સ્ટોન નેશનલ પાર્ક જોવાની ઉત્કંઠા હતી એટલે થોડા જ સમયમાં બધાં બસમાં ગોઠવાઈ ગયાં.

થોડા સમયમાં ઘણાં સ્થળો જોવાના હોય એટલે જો બધાં બસ-યાત્રીઓ સમયસર બસમાં આવે નહીં તો બાકીનાં યાત્રીઓનો સમય બગાડે. ગાઈડે સરસ નિયમ બનાવ્યો. જે યાત્રી છેલ્લું આવે તેણે ગીત ગાવાનું. અમે તો વહેલાં આવીને બસમાં બેસી ગયાં હતાં પણ નિયમનું ઉદઘાટન કરવા દિલીપભાઈએ રાજ્કપૂરનું સરસ ગીત ગાયું. ચીના મુસાફરોએ પણ તાળીઓનો તાલ આપ્યો અને ગીતને ઉત્સાહથી વધાવી લીધું. એક ચીની મુસાફર તો રાજકપૂરનો ચાહક હતો અને તેને તો રાજકપૂરની ફિલ્મના ઘણાં ગીતો આવડતા હતાં!

બસની સવારી લાંબી હતી. બસમાંથી આસપાસ જોવાનું બહુ સરસ હતું. ક્યારેક ઝોકું આવી જાય તો થાય કે આપણે કંઈક ચૂકી ગયાં ! પર્વતો, ગ્રીનરી, રસ્તાઓ …. બધું જ ગમે તેવું. જમવા માટે યલ્લો સ્ટોન ટાઉન (Yellow Stone Town) બસ ઊભી રાખી. નાનકડું સગવડભર્યું ગામ બહુ સરસ હતું. એક મોટો રસ્તો અને રસ્તાની બંને બાજુ જીવન-જરૂરિયાતની વસ્તુઓ માટેની દુકાનો, રેસ્ટોરાં, ગીફ્ટ શોપ વગેરે. થોડે દૂર નાનાં નાનાં ઘરો અને લોજ દેખાતાં હતાં. અમે થોડા ફળો અને દૂધ લીધાં અને બાંકડા પર બેસીને જમવાનો પ્રોગ્રામ પાડ્યો. રાતના અહીં જ આવીને રહેવાનું હતું એવું સાંભળીને આનંદ થયો.

બસમાં બેઠાં અને બસ તો પછી ચાલી. એક ચીની બહેનનો વારો આવ્યો ગીત ગાવાનો. તેઓ બહુ ગભરાતા હતાં. કલાક રહીને ગીત ગાઈશ એમ કહી એમની સીટ પર જતાં રહ્યાં. વરસાદ હતો અને વાદળો ઘેરાયેલાં હતાં એટલે યલ્લો સ્ટોન નેશનલ પાર્કની મુલાકાત કેવી રહેશે તેનો સંદેહ હતો. પેલા ચીની બહેન વાયદા અનુસાર ગીત ગાવા આવ્યાં અને ડરતાં ડરતાં ગીત ગાઈને ગયાં. ગીતમાં તો મઝા ના આવી પણ ફાયદો એ થયો કે બધાં મુસાફરો સમયસર બસમાં આવી જતાં! થોડી વારમાં  દૂરથી ‘યલ્લો સ્ટોન નેશનલ પાર્ક’નું બોર્ડ દેખાયું. યલ્લો સ્ટોન નેશનલ પાર્ક ઘણો વિશાળ છે અને ઘણાં પ્રવેશ દ્વારો  છે. અમે પાર્કના પશ્ચિમના પ્રવેશ દ્વારથી પ્રવેશ લીધો. ગરમી બહુ જ પડશે, વરસાદ પણ પડશે અને ભૂખ-તરસ લાગે તેવી ચેતવણી બાદ અમે પાણી, નાસ્તો, રેઈનકોટ વગેરે લઈ ચાર-પાંચ કિમી ચાલવાની તૈયારી સાથે બસમાંથી ઊતર્યાં. બધાંએ નીચે ઊતરી ‘યલ્લો સ્ટોન નેશનલ પાર્ક’ ના બોર્ડ સાથે ફોટા પડાવ્યાં.

લગભગ ૩૫૦૦ ચો. માઈલમાં  ( 3500 sq. miles ) ફેલાયેલ આ નેશનલ પાર્ક અમેરિકાના ૩ રાજ્યોમાં પથરાયેલ છે :

 • વ્યોમિંગ (Wyoming) પાર્કના ૯૬%
 • મોન્ટાના ( Montana) પાર્કના ૩%
 • ઇડાહો ( Idaho) પાર્કનો  ૧%

તેમાં ૨૯૦ ધોધ, રંગીન  કેન્યન, પર્વતો, નદી, તળાવો, ગરમ પાણીનાં ઝરા, જંગલો વગેરે આવેલ છે. અને જંગલી ભેંસ એટલે કે બાયાસન, એલ્ક, શિયાળ, રીંછ વગેરે વન્ય પશુ-ધન પણ છે. લાખો વર્ષો પહેલાં અહીં જ્વાળામુખી ફાટ્યો હતો અને તેના ધગધગતા લાવાને લીધે જમીન ખડકાળ બની ગઈ છે. કોઈ કોઈ ઠેકાણે આ લાવા હજુ પણ જીવંત છે. કાદવના કુંડમાં સલ્ફરની તીવ્ર ગંધ વાળો આ લાવા ખદબદ થયાં કરે છે! મૂળ અમેરિકનો૧૧,૦૦૦ વર્ષોથી અહીં રહેતાં આવ્યાં છે.

બસમાંથી ઊતરીને ઠંડીમાં થથરતાં થથરતાં અમે ચાલવાનું શરુ કર્યું. કુદરતે સુંદરતાનો ખજાનો ખોલી નાખ્યો છે. રસ્તામાં ઠેરઠેર ગરમ પાણીના નાના મોટા ઝરા કે ગીઝર્સ જોયા. પીળા પરિઘવાળા ઝરામાં  વાદળી પાણી ભર્યું હોય જેમાં આકાશનાં વાદળોનું પ્રતિબિંબ પડતું હોય અને એમાંથી સફેદ ઝાંખો  ધુમાડો નીકળતો દેખાય. આ ધુમાડાને લીધે વાતાવરણ રોમાંચક લાગે. એક પછી એક નાના મોટા ઝરા જોતજોતા અડધો કિમી.ચાલ્યાં હોઈશું ત્યાં એક મોટી હોટલ અને સ્ટોર આવ્યાં. ઠંડી તો લાગતી જ હતી અને ત્યાં કાફે દેખાયું!  અમે હોટલમાં ગયાં. સરસ ફાઈવસ્ટાર હોટલ હતી. કૉફી માટે લાઈન હતી, પણ કૉફી લઈને અમે પહેલે માળે આવેલ અગાશીમાં બેઠાં. બેસવાની સરસ સગવડ કરી હતી. વરસતા વરસાદમાં રેઈનકોટ અને વાંદરાટોપી પહેરીને અમે  ગરમાગરમ કૉફી પીધી! એક સુંદર ફોટો તો પડવો જ જોઈએ તેમ વિચારતા હતાં ત્યાં  મોટી ઉમરનાં એક બહેને અમારો સરસ ફોટો પાડી આપ્યો. નજીકમાં જ મોટું ટોળું હતું : ઓલ્ડ ફેઈથફૂલ ગીઝર જોવા માટે. એક વફાદાર પ્રેમીની જેમ ચોક્કસ સમયે તે હાજર થઈ જાય! આ ગીઝરમાંથી દર ૯૦ મિનિટે વિસ્ફોટ થતો. શરૂઆતમાં ધીમેથી અને પછી જોરથી. સદીઓથી આ સમયપત્રક જળવાઈ રહ્યું છે. એટલે જ એનું નામ ઓલ્ડ ફેઈથફૂલ ગીઝર પડ્યું છે! અમે હોટલમાંથી નીચે ઉતરી ટોળામાં ઘુસી ગયાં અને પાણીના ફુવારાની રાહ જોવા લાગ્યાં. ટોળામાં અનેક દેશોનાં કાળાં-ધોળાં, ઊંચાં-નીચાં બધી જાતનાં ટુરીસ્ટ હતાં. બરાબર સમયે ધીમેધીમે પાણીનો ફુવારો છૂટ્યો અને પછી તો ફોર્સ વધતો ગયો અને બે મિનિટમાં તો પ્રચંડ દબાણથી ૬૦-૭૦ ફૂટને આંબી ગયો! ફુવારાના પાણીની સાથેસાથે લોકોની બૂમોનો ટેમ્પો પણ વધતો ગયો. ફુવારો પાછો ધીમેધીમે સમીને જમીનમાં ઊતરી ગયો. કુદરતની કેવી અજાયબી! બે-પાંચ મિનિટમાં તો આખું આવર્તન સમાપ્ત, આખી ઘટના પૂર્ણ!

આખા પ્રદેશ ત્રણ ભાગમાં વહેંચાયેલ છે :  લોઅર ગીઝર બેઝીન, અપાર ગીઝર બેઝીન અને મિડવે ગીઝર બેઝીન. મિડવે ગીઝર બેઝીનમાં બે સરસ ગીઝર : ગ્રાન્ડ પ્રીસ્મેટીક સ્પ્રિંગ અને એક્સેલ્સિઅર ગીઝર. અમે ગ્રાન્ડ પ્રીસ્મેટીક સ્પ્રિંગ ગયાં. નામ પ્રમાણે જ તે ખરેખર ગ્રાન્ડ એટલે કે ભવ્ય છે. ૩૫૦-૪૦૦ ફૂટનું વ્યાસ ધરાવતું આ ગીઝર રંગોનો ઊભરાતો અને છલકાતો હોજ છે. લાલ અને લાલના બધા જ શેડ, પીળો, વાદળી અને વાદળી રંગના અસંખ્ય શેડ…… જમીન પર દોરાયેલી ભવ્ય રંગોળી! કોઈ પણ વર્ણન કે કોઈ પણ ઉપમા તેને ઓછી પડે! આટલાં વરસાદ અને આટલી ઠંડીમાં પણ અમે એને મન ભરીને માણ્યું. કુદરતની કરામતને પહોંચી વળવા માણસ હજી પામર છે!

પાછાં આવતાં કેલ્શિઅમ કાર્બોનેટની ડીપોઝીટથી બનેલ મેમોથ હોટ સ્પ્રીન્ગ્સ જોયું. નોરીસ નદીમાંથી સદીઓથી આવતા પાણી અને તેણે લીધે થતી ડીપોઝીટને લીધે અને પાણીના જુદાજુદા ઉષ્ણતામાનને લીધે પીળી અને ભૂખરી આલ્ગી ડેવેલોપ થઈ છે જેને લીધે સ્પ્રિંગના પાણીનો રંગ પીળો, લાલ,  કેસરી અને ક્યાંક લીલો દેખાય છે.એટલું અદ્ભુત દ્રશ્ય ! આંખોમાં ભરી શકાય તેટલું ભરીને અમે બસમાં બેઠાં.

સવારે જ્યાં જમ્યા હતાં તે જ નાના યલ્લો સ્ટોન ગામમાં અમે આવી પહોંચ્યાં. સુંદર સગવડભર્યું ગામ છે. સરસ લોજમાં અમને ઉતારો આપ્યો છે. ગ્રાઉન્ડ ફ્લોર પર જ રૂમો હતી. એક જ બહેન ૩૦-૪૦ રૂમની આખી હોટલ સંભાળી રહ્યાં હતાં. બધાંને પોતપોતાની રૂમની ચાવી આપ્યાં બાદ કોઈને કંઈ ફરિયાદ હોય તો તે સાંભળવા પણ તે તૈયાર હતાં. મારે હેર ડ્રાયર જોઈતું હતું. તરત જ લાવી આપ્યું અને રીક્વેસ્ટ કરી કે સવારે મારા હાથમાં જ આપજો. વરસાદને લીધે બૂટ પણ ભીના થઈ ગયાં હતાં. કપડાં પણ ભીનાં થયાં હતાં. સવારે ગયાં હતાં તે સ્ટોરમાં જઈ ફળો, દૂધ, દહીં વગેરે લાવવું હતું…… થોડાં ફ્રેશ થઈ બૂટ અને કપડાં સૂકવવાની વ્યવસ્થા કરી. એ.સી. ચાલુ કરી ઊંચા તાપમાને મૂકી બૂટ તેની ઉપર ઊંધાં ગોઠવી દીધાં જેથી સવાર સુધીમાં પહેરવા જેવા થઈ જાય. હેર ડ્રાયરથી ભીનાં કપડાં સૂકવી લીધાં. સ્ટોરમાં જઈ જરૂરી વસ્તુઓ લઈ આવ્યાં. તાજાં ફળો, દૂધ અને જ્યુસ સાથે સાંજના જમણનો આનંદ લીધો. રંગીન સપનાં નહીં પણ રંગીન યાદોને વાગોળતાં વાગોળતાં અમે સૂઈ ગયાં.


સંપર્ક : દર્શા કિકાણી : ઈ –મેલ – darsha.rajesh@gmail.com

Author: Web Gurjari

6 thoughts on “અમેરિકન ડ્રીમ – સ્વપ્નિલ સફર : સોલ્ટ લેક સીટી અને યલ્લો સ્ટોન નેશનલ પાર્ક

 1. Realistic writing……
  ટીકાઓ પણ એટલી વ્યાજબી હોય છે કે આકરી નથી લાગતી. દા.ત. સોલ્ટ લેક સીટી ની હોટલ નો અનુભવ.
  યલો સ્ટોન નેશનલ પાર્ક ફરવાની મજા આવી

 2. Yellowstone national park is one of our favorite places. Beautiful description. Enjoyed every bit of it. Glad you had good experiences. Amrish

  1. Thanks, Amrishbhai! We had taken a conducted tour to Yellow stone. Had no idea about how it would be. But, it turned out to be an excellent experience!

Leave a Reply

Your email address will not be published.