ફરી કુદરતના ખોળે : ખટમીઠાં શેતૂર, મલબેરી અને સિલ્ક/ રેશમના કીડા

શેતૂર / Mulberry /Morus alba / Silkworm mulberry

જગત કીનખાબવાલા

એક જમાનામાં સાચું સિલ્ક બનતું તેના માટેના સિલ્કવોર્મ/ રેશમના કીડા ઉછેર માટેનું જૂનું અને જાણીતું તેમજ  સમૃદ્ધ વૃક્ષ એટલે શેતુર/ મલબેરીનું વૃક્ષ. પ્યોર સિલ્કની ઇન્ડસ્ટ્રી માટેના કીડા આ વૃક્ષ ઉપર થાય. તેવીજ રીતે ખાદ્ય મિશ્રણના વિવિધ વોટર સોલ્યૂબલ  રંગ તેમાંથી  બને. ઓરેન્જ, લાલ, મરૂન, કાળો વગેરે રંગ તેના ફળમાંથી. તે ઉપરાંત કપડાને ડાઇંગ/  રંગાટી કામના કાપડ ઉપર રંગ ચઢાવવા માટે ના સારી ગુણવત્તાના રંગ/ પીગ્મેન્ટ પણ તેના ફળમાંથી બને. તેની છાલમાંથી એક જમાનામાં કાગળ બનતો અને તેની ઉપર બુદ્ધ મંદિરોમાં પ્રત લખાતી જે પ્રત લખવાની કલા સમય સાથે વિસરાઈ ગઈ છે. આ કાગળ ખુબ પાતળા બનાવતા અને તે કળા જાપાનમાં ખુબજ વિકસેલી છે.

શેતુરને મોરસ આલ્બા  તેમજ સિલ્કવોર્મ મલબેરી કહે છે. ઘણું ઝડપથી વિકાસ પામે છે અને તેનું વૃક્ષ મધ્યમ કદનું ૧૦ મીટર થી ૨૦ મીટર સુધીની ઊંચાઈ પ્રાપ્ત કરી શકે છે. સામાન્ય રીતે ૬૦ થી ૭૦ વર્ષનું આયુષ્ય આ વૃક્ષ ધરાવે છે અને ઇતિહાસમાં નોંધ છે કે તેનું એક વૃક્ષ ૨૫૦ વર્ષથી પણ વધારે આયુષ્ય સાથે જીવંત છે. ઉષ્ણકટિબઘ્ધ એવા મધ્યમ ગરમ પ્રદેશમાં તેનો ખુબ સારો ઉછેર થાય છે અને તેવા પ્રદેશમાં વ્યાપક પ્રમાણમાં ઉગે છે.

શેતૂર એટલે કે મલબરી ફ્રુટ ખાવામાં જેટલું સ્વાદિષ્ટ હોય છે તેટલા જ તેના અનેક ફાયદા પણ છે. તેમાં પોટેશિયમ, વિટામીન એ અને ફોસ્ફોરસ મોટા પ્રમાણમાં હોય છે. આ ફ્રુટ કાળા રંગનું હોય છે. જો કે લાલ અથવા લીલા રંગમાં પણ મળે છે. લાલા અને  લીલા રંગના શેતૂર થોડાક પાક્યા વગરના ખાવ તો સ્વાદમાં ખાટ્ટા હોય છે. કાળાશ ઉપર લાલ રંગના અને ઘેરાં પીળા રંગના શેતુર સ્વાદમાં ખુબ મીઠા અને ગળ્યા લાગે છે. તેના ફળ મીઠા અને રસદાર હોય છે. જેટલા માણસને ભાવે તેટલાંજ પક્ષીઓને ભાવે. દરેકને માટે પૌષ્ટિક અને ગુણકારી ફળ છે. ઉનાળામાં થતાં આ ઉત્તમ ફળોમાંનું એક ફળ હવે ધીમે ધીમે ફળ તરીકેનું પોતાનું આગવું સ્થાન ગુમાવી રહ્યું છે. કદાચ હાલની નવી પેઢીએ ફક્ત નામ સાંભળ્યું હશે પણ ખાધા નહિ હોય. ગરમીના દિવસોમાં પક્ષીઓને શરીરમાં પાણીનું  પ્રમાણ જાળવવામાં પણ આ રસદાર ફળ ખુબજ ઉપયોગી બની રહે છે. ફળ બેસે ત્યારે વૃક્ષની આસપાસ પક્ષીઓની સતત ચહલ પહલ તેનાં ફળ ખાવા માટે જોવા મળે છે. પક્ષીઓની પ્રજનનની ઋતુ અને શેતૂરના ફળની ઋતુ સાથે આવતી હોઈ પક્ષીઓના બચ્ચાની શારીરિક ક્ષમતા ખુબ સારી કેળવાય છે.

શેતુરની ખેતી વ્યાપક પ્રમાણમાં થતી બંધ થઇ ગઈ છે અને એકલ દોકલ ઝાડ જોવા મળે કે લોકો ઉગાડે છે.

શેતૂરની તાસીર ઠંડી હોય છે. ઉનાળામાં લૂ લાગવાથી/ સનસ્ટ્રોકથી બચવા માટે શેતૂરનો ખુબ ઉપયોગ કરવામાં આવે છે. હર્બલ એક્સપર્ટ્સ શેતૂરના રસમાં ખાંડ નાખીને પીવાની સલાહ આપે છે. શેતૂર આંખો માટે ઘણું ફાયદાકારક છે. તેનો રસ પીવાથી આંખોની રોશની તેજ થાય છે. શેતૂરમાં વીટામિન A, કેલ્શિયમ, ફોસ્ફોરસ અને પોટેશિયમ હોય છે. તેનું સેવન કરવાથી બાળકોને જરુરી ન્યુટ્રીશન મળે છે અને સાથે જ તે પેટના કીટાણુ મારવાનું પણ કામ કરે છે.  ઉનાળામાં વારંવાર તરસ લાગે છે ત્યારે શેતૂર ખાવાથી તરસ શાંત થાય છે. પહાડોમાં ટ્રૅકિંગ દરમિયાન શેતૂર ખાવાથી થાક પણ ઓછો લાગે છે.

પાઇ, ટાર્ટસ વાઈન હર્બલ ટી વગેરે બનાવવામાં તેનો વ્યાપક ઉપયોગ થાય છે. સીરપ અને અલ્કોહલ વિનાના પીણાં બનાવવામાં પણ વપરાય છે. આ વૃક્ષના પત્તા ડાયેટ્રી સપ્લીમેન્ટ તરીકે ટીકડીઓ, પાવડર, સીરપ વગેરે બનાવવા માટે વપરાય છે.

કલા, દંતકથાઓ તેમજ પૌરાણિક કથાઓમાં મલબેરી વૃક્ષનું આગવું સ્થાન છે. ૧૮૮૯માં પ્રખ્યાત ચિત્રકાર શ્રી વેન ઘોઘનું ખુબજ પ્રખ્યાત ચિત્ર મલબેરી વૃક્ષનો વિષય તરીકે ઉપયોગ કરીને બનાવેલું છે જે હાલમાં પાસાડેનાના નોર્ટન સીમન  મ્યુઝયમના સંગ્રહસ્થાનમાં રાખેલું છે.  શ્રી વેન ઘોઘ એ તેમના ઘણા ચિત્રોમાં આ વૃક્ષને વિષય તરીકે દોરેલું છે. અંગ્રેજી બાળગીતોમાં પણ પ્રખ્યાત બાળગીત રચાયેલું છે…. હિયર  વી ગો રાઉન્ડ ધ મલબેરી ટ્રી…..

ફૂલ ઉગે અને પાક ફળની ઋતુ પુરી થાય તેટલે તેના પત્તા ખરી જાય છે.

આવો કુદરતના ખોળે, નિરાંત અનુભવીએ.
 સ્નેહ રાખો – શીખતાં રહો – સંભાળ રાખો

   Love – Learn  – Conserve


ફોટોગ્રાફ્સ અને વિડિઓ લેખક: જગત. કીનખાબવાલા)


લેખક: જગત.કિનખાબવાલા – Ahmedabad
Author of the book: – Save The Sparrows
Email: jagat.kinkhabwala @gmail.com

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.