ભાત ભાત કે લોગ : કુંવરજી મહેતાએ સરદાર વલ્લભભાઈનું મુત્સદ્દીપણું બરાબર પચાવેલું

જ્વલંત નાયક

દેશ આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યો છે ત્યારે આઝાદીના ઇતિહાસ સાથે તાણાવાણાની જેમ ગૂંથાઈ ગયેલી કેટલીક બાબતોનો અભ્યાસ થવો જોઈએ. બીજા નેતાઓ ખરા, પણ દેશના ખૂણે ખૂણેથી મોટા જનસમૂહને આઝાદીની ચળવળમાં જોડવાનું શ્રેય બે નેતાઓને આપવું પડે. એક તો મહાત્મા ગાંધી અને બીજા સરદાર વલ્લભભાઈ પટેલ. આ બન્ને શીર્ષસ્થ નેતાઓ ખૂબ સારા ‘કમ્યુનિકેટર’ હતા. પોતાના વિચારોને પ્રજાના બહોળા વર્ગ સુધી કઈ રીતે ફેલાવી શકાય, ભૂખી-નિર્માલ્ય પ્રજાને લાંબી લડત માટે કઈ રીતે તૈયાર કરી શકાય, એની ભરપૂર આવડત આ બન્ને નેતાઓમાં હતી. એમણે સૌથી મહત્વનું કામ દરેક વિસ્તારમાં સ્થાનિક સ્તરે કાર્યકરો-લોકનેતાઓ ઉભા કરવાનું કર્યું.

ગત અંકમાં આપણે જેમની વાત માંડેલી, એ ભક્ત પાટીદાર કાર્યકર કુંવરજી મહેતા અને એમના લઘુબંધુ કલ્યાણજી મહેતા આવા જ લોકનેતાઓ હતા. એ સમયે નેતા એટલે કોઈ પદ પર બેઠેલો માણસ નહિ, પણ લોકોની વચ્ચે જઈને ઉભો રહે, અને લોકોને સાચી દિશામાં દોરવણી આપી શકે એવો માણસ. કુંવરજીભાઈમાં લોકોને સાચી દિશામાં દોરવણી આપવા જેવી કુશળતા તો હતી, પણ એ સાથે જ ખોટી દિશામાં જઈ રહેલા જાડા-જબરા લોકોને પોતાની દિશા તરફ દોરી લાવવાની મુત્સદ્દીગીરી પણ હતી.

ગત અંકમાં આપણે જોયેલું કે પાટીદાર સમાજના જ એક પ્રભાવી અગ્રણી ગણાતા નારણજી પટેલ પોતાના ગામના પોલીસ પટેલ હોવાને કારણે અંગ્રેજ સરકારના ખાસ હતા. આજુબાજુના વિસ્તારમાં પણ નારણજીનો ધાક અને માન, બન્ને! બીજા પોલીસ પટેલોને ય અઘરા નિર્ણયો લેતી વખતે નારણજી પટેલની સલાહનો ખપ પડતો. પાટીદાર સમાજની સાથે જ બીજા સમાજો અને અંગ્રેજ સરકારને પણ વરાડ ગામના પોલીસ પટેલ એવા નારણજીની મુત્સદ્દીગીરી અને નેતૃત્વમાં સંપૂર્ણ શ્રદ્ધા. કુંવરજીભાઈને પણ નારણજી સાથે સારું બનતું, પણ નારણજી અંગ્રેજ સરકારના પીઠ્ઠુ હોવાને કારણે એમને ના-કર લડતમાં જોડવાનું કામ અઘરું! વળી નારણજી જેવા અગ્રણી ચળવળમાં ન જોડાય, તો બીજા અનેક લોકો પણ છેટા જ રહે!

નારણજીની પોતાની વાત કરીએ, તો એમને ગાંધી, સરદાર માટે અંદરખાને બહુ માન. આઝાદીની લડતનું મહત્વ પણ સમજે અને કુંવરજીભાઈની શક્તિઓથી પણ માહિતગાર. તેમ છતાં પોલીસ પટેલ તરીકેની નોકરી છોડવાની એમની જરાય તૈયારી નહિ! એટલે સરદાર જેવા નેતા પ્રત્યે અંદરખાને અહોભાવ હોવા છતાં ક્યારેય ખૂલીને એમના સમર્થનમાં ન આવે! પણ એક ઘટના એવી બની કે એનો લાભ લઈને કુંવરજી પટેલે બરાબર સોગઠી મારી!

થયું એવું કે ૧૯૩૦માં દાંડી સત્યાગ્રહ પછી ગાંધીજીની ધરપકડ થયેલી. સરદાર પણ એ સમયે જેલમાં. એટલે વિવિધ વિસ્તારોમાં ના-કરની લડત ઉપાડવાની જવાબદારી કુંવરજીભાઈ સહિતના અનેક કાર્યકરો પર આવી પડી. એવું નક્કી થયું કે બારડોલી તાલુકામાં વિશાળ પરિષદ બોલાવી  તેમાં ના-કરની શકવર્તી લડતનો પ્રારંભ કરવાનો ઠરાવ કરાવવો. અહીં ‘શકવર્તી’ શબ્દ એટલે વાપર્યો છે કે અત્યાર સુધી ભારતમાં છૂટાછવાયા આંદોલન થયેલા. પણ દાંડી કૂચ અને એ પછીના બનાવોએ રાષ્ટ્રીય સ્તરે અસહકારના આંદોલનનો પાયો પાકો કરેલો. હવે જે કોઈ આંદોલન દેશના ગમે એ ખૂણે થાય, એના પર સમગ્ર દેશની નજર રહેતી હતી. ભારતની સ્વતંત્રતાના ઇતિહાસમાં ૧૯૩૦ પછીનો આ ગાળો અતિમહત્વનો અને સંપૂર્ણપણે ઘટનાપ્રચુર રહેવાનો હતો. અને એટલે જ બારડોલી સહિતના સમગ્ર દ.ગુજરાતના ખેડૂતો ના-કરની લડતનો ઠરાવ પડે કે તરત એમાં કૂદી પાડવા તૈયાર હતા. આ માટે બારડોલીમાં યોજાનારી તાલુકા પરિષદમાં હાજર રહેવા માટે ગામેગામના અગ્રણીઓને નિમંત્રણ મોકલાઈ ગયા હતા. આવું એક નિમંત્રણ વરાડ ગામના પોલીસ પટેલ હોવાને નાતે નારણજી પટેલને પણ મળેલું. જોકે કુંવરજીભાઈ અંદરખાને ઇચ્છતા નહોતા કે નારણજી તાલુકા પરિષદમાં હાજરી આપે. કેમકે અંગ્રેજ સરકારનો એ કાંધિયો જો કંઈક આડુંઅવળું નિવેદન આપી દે તો લોકોના જુસ્સા પર અવળી અસર થાય! આથી મુત્સદ્દી કુંવરજીએ પોલીસ પટેલના હોદ્દાને છાજે એવો ખાસ આગ્રહ કરતો પત્ર નારણજીને લખ્યો જ નહિ, એના બદલે નિમંત્રણ આપતું સાદું પતાકડું મોકલી આપેલું. એમને એમ કે આવું કરવાથી નારણજી રીસાઈ જશે અને તાલુકા પરિષદમાં આવશે જ નહિ. આથી તાલુકા પરિષદમાં કોઈ જાતનું ઉંબાડિયું થવાનો ભય ટળશે, અને પાછળથી નારણજીને તો મનાવી લેવાશે!

પણ કુંવરજી મહેતાની ગણતરી આ વખતે સાવ ઉંધી પડી. નારણજી પટેલ તો પતાકડાના નિમંત્રણેય તાલુકા પરિષદમાં બીફોર ટાઈમ પહોંચી ગયા! એમનો હેતુ જરા જુદો હતો. એમના આગમનના સમાચાર મળતા જ કુંવરજીને ફાળ પડી. “નક્કી આ ડોસા હવનમાં હાડકું નાખશે!” પણ કુંવરજી ક્યાં ગાંજ્યા જાય એમ હતા! એ તો પોતાનો ઉચાટ છુપાવીને નારણજીને સત્કારવા સામા દોડ્યા!

“આવો આવો નારણજી પટેલ! સારું થયું તમે આવી ગયા, નહિતર હું હમણાં જ તમને લેવા માટે મોટર મોકલવા વિચારતો હતો! તમારી ખાસ જરૂર પડી છે. આવો આપણે બેસીને થોડી વાતો કરી લઈએ.” હજી તો નારણજી પોતાની ગાડીમાંથી ઉતરીને કશું બોલે એ પહેલા જ કુંવરજીએ પોતાની સોગઠી મારી.

“કેમ ભાઈ, તમને સત્યાગ્રહીઓને વળી મારા જેવા સરકારી માણસની શું જરૂર પડી?” જમાનાના ખાધેલ નારણજીભાઈએ શંકાશીલ નજરે પૃચ્છા કરી.

“તમારી પાસે આવ્યા વિના કોઈ છૂટકો જ નહોતો. જેલમાંથી સરદાર સાહેબનો સંદેશો છે કે – ‘બારડોલી તાલુકામાં ના-કરની લડત ઉપાડવી હોય તો એની આગેવાની વરાડના નારણજી પટેલને જ સોંપવી પડે! એમની શક્તિઓમાં મને પૂરો વિશ્વાસ છે!’ – હવે બોલો, સરદાર સાહેબની આજ્ઞાનું પાલન તો કરવું પડે ને?!” કુંવરજી બોલ્યા. હકીકતે આવો કોઈ સંદેશો સરદાર સાહેબે મોકલ્યો નહોતો. પણ આ પ્રકારનો ગપગોળો હાંકીને પાકા મુત્સદ્દી કુંવરજી મહેતાએ જમાનાના ખાધેલ નારણજી પટેલની દુખતી રગ પકડી હતી! હકીકતે એ સમયે એકેએક ખેડૂત સરદાર વલ્લભભાઈ પટેલને દેવ ગણતો. નારણજીને ય સરદાર સાહેબ માટે અંદરખાને ઘણું માન, પણ સરકારી માણસ હોવાને કારણે જાહેરમાં કશું બોલી ન શકતા. વળી પોતે સરકારી માણસ હોવાથી સરદાર સાહેબને પોતાને માટે અણગમો હશે, એવી પાકી શંકા નારણજીભાઈના મનમાં ખરી.

“કુંવરજીભાઈ, આ તમે શી વાત કરો છો? વલ્લભભાઈને મારામાં આટલો બધો વિશ્વાસ છે? જાહેરસભામાં તો વલ્લભભાઈ મારી વિરુદ્ધમાં બોલતા હતા!” નારણજીભાઈએ પોતાની શંકા જાહેર કરી.

“બોલવું પડે, નારણજીભાઈ! તમારી વિરુદ્ધ બોલવું પડે. તમારા જેવા મહામુત્સદ્દીની સમજમાં આ વાત આવ્યા વિના કેમ રહે? આજ સુધી તમે રહ્યા સરકારી માણસ. સરદાર સાહેબ જો જાહેરમાં તમારી ટીકા કરે, તો જ સરકાર તમારા પર વિશ્વાસ મૂકે ને? સરદાર સાહેબ તમારી દશા ધોબીના કુતરા જેવી થોડી થવા દે?” કુંવરજીએ આવું કહીને અજબ દાવ રમી લીધો. પોતાને મોટા મુત્સદ્દી માનતા નારણજીભાઈનો અહમ પણ પંપાળી લીધો, અને સરદાર સાહેબને નામે જે ગપગોળો ગબડાવેલો, એને તાર્કિક રીતે સાચો પણ સાબિત કરી દીધો! “સરદાર સાહેબને તમારી કાર્યશક્તિ વિષે પહેલેથી માન છે. તમે સરકારી અધિકારી હોવા છતાં મેં તમારી સાથે સંબંધ જાળવી રાખ્યો, એ સરદાર સાહેબની આજ્ઞાથી જ! વલ્લભભાઈને ખાત્રી છે કે વરાડના પોલીસ પટેલ નારણજી ઉપરથી ભલે સરકારી માણસ મનાતા હોય, પણ અંતરથી તેઓ પ્રજાની સાથે જ છે. મોકો આવ્યે તેઓ પ્રજાની પડખે જ ઉભા રહેશે. નારણજીભાઈ, આજે મોકો આવ્યો છે. સરકારની પડખે રહેવામાં તમારે કંઈક સાચાખોટા કામ કરવા પડ્યા હશે. આજે એ તમામ કૃત્યોને ધોઈ નાખવાની તક ભગવાને આપી છે. ના-કરની લડતનો ઠરાવ તમે જ તાલુકા પરિષદમાં મૂકો તો રંગ રહી જાય!” કુંવરજીભાઈની આ વાત તદ્દન સાચી હતી, જે નારણજી પટેલને ઊંડે સુધી અસર કરી ગઈ. એમના આત્મા અને અક્કલ વચ્ચે જે સંઘર્ષ વર્ષોથી ચાલતો હતો, એમાં આખરે આત્માની જીત થઇ. નારણમુખીએ સાપ કાંચળી ઉતારે એમ પોલીસ પટેલની નોકરી છોડી અને બારડોલીની તાલુકા પરિષદમાં ના-કરની લડતનો ઠરાવ પોતાને હસ્તે જ મુકવાનું જાહેર કર્યું. આ આખી ઘટનાની વીજળી પડે એવી અસર થઇ! અંગ્રેજોના કાંધિયા ગણાતા જાડા-જબરા અગ્રણીએ જ અંગ્રેજ સરકાર સામે ખુલ્લો બળવો પોકાર્યો એમાં હજારો ખેડૂતોની લડતને જાણે મજબૂત અવાજ મળી ગયો!

કુંવરજી મહેતાએ આવા તો કંઈક ખેલ પાડ્યા. એમની એક ખાસિયત એ હતી કે બીજા ગાંધીવાદીઓથી તેઓ થોડા જુદા હતા. ગાંધી કે સરદાર પ્રત્યેની એમની પ્રીતિમાં સહેજે શંકા ન રાખી શકાય. પણ અઘરા કામ પાર પાડવા માટેનો એમનો અભિગમ કોઠાસૂઝ ધરાવતા પાટીદારને છાજે એવો રહેતો. તેઓ ગાંધી કરતાં કદાચ સરદાર જેવા વધુ હતા. સદાયે ચુસ્ત ગાંધીવાદી આદર્શોને વળગી રહેવાને બદલે તેઓ ‘કાર્યસાધક કોઠાસૂઝ’ના ઉપાસક રહ્યા! નારણજી પટેલવાળા કિસ્સામાં કોઈ ચુસ્ત ગાંધીવાદીને છાજે એ રીતે એમણે માત્ર સત્ય જ બોલવાનું રાખ્યું હોત તો સત્યાગ્રહીઓને નારણજી પટેલ જેવો મજબૂત આગેવાન ન મળ્યો હોત. ઉલટાનું દાધારીંગા નારણજીએ અંગ્રેજ સરકાર પક્ષે રહીને આંદોલનને ખાસ્સું નુકસાન પહોંચાડ્યું હોત!

કુંવરજી મહેતાના જીવનવૃતાંતમાં આવા તો અનેક કિસ્સાઓની ભરમાર છે. તેમની મૂળ અટક પટેલ, પણ શિક્ષકની નોકરી કરી હોવાથી તેઓ ‘કુંવરજી મહેતા’ તરીકે જ વધુ જાણીતા થયા. તેમણે સમાજ સુધારક તરીકે પણ નેત્રદીપક કામગીરી કરેલી. ‘મતિયા પાટીદાર’ તરીકે ઓળખાતા પાટીદારોના અલગ ફાંટાને એમણે પાટીદાર સમાજની મુખ્ય ધારા સાથે જોડવાનું કામ કરેલું. તત્કાલીન આસિસ્ટન્ટ કલેકટર શિવદાસાનીએ જયારે કુંવરજીભાઈની સમાજ સુધારક તરીકેની દ્રઢતાની પરીક્ષા લેવાનું નક્કી કર્યું ત્યારે એમણે ભરી સભામાં હરિજનને હાથે પાણી પીધું. એટલું જ નહિ પણ કુંવરજીભાઈનો પડ્યો બોલ ઉપાડનારી આખી સભાએ હરિજનના હાથે પાણી પીધું! એ જમાનામાં આ બનાવ બહુ ક્રાંતિકારી ગણાય. એનું પરિણામ એ આવ્યું કે કુંવરજી મહેતાથી પ્રભાવિત થઈને અંગ્રેજ સરકારની નોકરી કરનાર શિવદાસાની પણ નોકરી છોડી સત્યાગ્રહી બન્યા! પોતાના ભક્ત પાટીદાર સમાજને ખોટું મરજાદીપણું બાજુએ મૂકીને સ્વાતંત્ર્યની લડતમાં બીજા વર્ગો સાથે ખભેખભા મિલાવતા કરવાનું ક્રાંતિકારી કામ પણ કુંવરજી અને એમના લઘુબંધુ કલ્યાણજી મહેતાએ કરી દેખાડ્યું. ગાંધીજી કે સરદાર સાહેબને આઝાદીની ચળવળમાં જે સફળતા મળી, એમાં કુંવરજીભાઈ મહેતા અને એમના લઘુબંધુ (કે જેઓ આઝાદી પછી ગુજરાત વિધાનસભાના પ્રથમ અધ્યક્ષ બનેલા) કલ્યાણજીભાઈ મહેતા જેવા પાયાના કાર્યકરોનો ફાળો બહુ મોટો છે, જેમણે લોકોની વચ્ચે જઈ, લોકોના મોટા સમૂહને ગાંધી-સરદારની સાથે જોડી રાખવાનું કામ કર્યું. આજે જ્યારે આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવાઈ રહ્યો છે ત્યારે આ લેખ, એ સહુ પાયાના નામી-અનામી કર્મઠ કાર્યકરોને ગજા મુજબ અપાયેલી શ્રધ્ધાંજલિ સમાન છે!

અને છેલ્લે બે વાત, કુંવરજીભાઈ વિશેની આ તમામ માહિતી બાબુભાઈ વૈદ્ય દ્વારા લખાયેલ પુસ્તક ‘રેતીના વહાણ’માંથી મળી છે. પુસ્તકમાં કુંવરજીભાઈના જીવનની અનેક મહત્વની ઘટનાઓનું રસાળ આલેખન છે. આ પુસ્તક હાલમાં લગભગ દુર્લભ છે. આવા પુસ્તકોનો જીર્ણોધ્ધાર સમાજ માટે બહુ જરૂરી ગણાય. બીજી એક વાત, ગયા હપ્તામાં કુંવરજીભાઈનો એક્કેય ફોટો જડતો ન હોવાનો ધોખો લેખને અંતે કરેલો. જે વાંચીને કિરણભાઈ પટેલ નામના એક વાચક મિત્રે કુંવરજીભાઈ મહેતા અને એમના લઘુબંધુ કલ્યાણજીભાઈ મહેતાના ફોટોગ્રાફ્સ મુંબઈ સમાચારને મોકલી આપેલા, જે તમે અહીં છપાયેલા જોઈ શકો છો. એમનો સવિશેષ આભાર.


શ્રી જ્વલંત નાયકનો સંપર્ક jwalantmax@gmail.com પર થઇ શકે છે.

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.