ફિર દેખો યારોં : દીવાનખાનામાં રહેલા હાથીને અવગણવાનો હકારાત્મક અભિગમ

બીરેન કોઠારી

‘યુદ્ધ ચાહે કોઈ પણ જીતે, તેનો અંજામ કંઈ પણ આવે, એક સૈનિક હંમેશાં કશુંક ખોઈ દેતો હોય છે.’ શબ્દશ: નહીં, પણ ભાવશ: બોલાયેલો આ સંવાદ અસલમાં જાપાની દિગ્દર્શક અકીરા કુરોસાવાની શાશ્વત ફિલ્મ ‘સેવન સમુરાઈ’નો છે. આ ફિલ્મથી પ્રેરિત અનેક અંગ્રેજી-હિન્‍દી ફિલ્મોમાં તે પાઠાંતરે પુનરાવર્તિત થતો રહ્યો છે.

કોવિડ-19ની પ્રવર્તમાન અભૂતપૂર્વ પરિસ્થિતિમાં આ સંવાદ જરા જુદી રીતે કહી શકાય. ‘ચૂંટણી ગમે એ જીતે, પરિણામ કંઈ પણ આવે, મતદાતા હંમેશાં કશુંક ખોઈ દેતો હોય છે.’ બંગાળની ચૂંટણીનાં પરિણામોએ વધુ એક વાર આ સત્યને ઉજાગર કરી આપ્યું છે. કયો પક્ષ જીત્યો અને કયો હાર્યો એની ખુશી કે શોક કરતાંય હજાર ગણો માતમ આખા દેશને ઘેરી વળ્યો છે. આવા સમયે ‘બંધારણીય ફરજ’ તરીકે ચૂંટણી યોજાય, બેય પક્ષના નેતાઓ પોતાની ગરિમાને કોરાણે મૂકીને ગમે એવા મુદ્દાઓને પ્રચારમાં ઢસડી લાવે, ચૂંટણીસભાઓમાં એકઠી થયેલી મેદની જોઈને હરખાય, અને સમાંતરે દેશ આખામાં ભડભડી રહેલી ચિતાઓની તસવીરો પણ પ્રકાશિત થતી રહે એ જોઈને ભલભલા પાષાણહૃદયી પણ પીગળી જાય. છતાં આ નેતાઓના પેટનું પાણી ન હાલે. એકલદોકલ નાગરિકોને માસ્ક ન પહેરવા બદલ આકરો દંડ પડાવવામાં આવે, ક્યાંક તો તેમને બેરહેમીથી ફટકારવામાં આવે, અને એ જ સમયે અન્યત્ર યોજાયેલી પ્રચારસભામાં ઉમટેલી મેદની જોઈને રાષ્ટ્રના વડાપ્રધાન હરખ વ્યક્ત કરે ત્યારે એક નાગરિક તરીકેની લાચારી બહુ પીડે.

દેશભરમાં સર્જાયેલી આરોગ્ય કટોકટી જે વાઈરસ થકી સર્જાઈ એને કુદરતી પ્રકોપ ગણીએ, પણ એ કટોકટીને પગલે જે મુશ્કેલીઓ ઉભી થઈ એ માનવસર્જિત છે. આટલી મોટી અને અચાનક આવી પડેલી કટોકટીને પહોંચી વળવા માટે તંત્ર કદાચ સક્ષમ ન હોય એ સમજી શકાય, પણ આ સમયે તંત્રનો અભિગમ, તેનો વ્યવહાર અને તેનું વલણ, તેનાં પગલાંની દિશા મહત્ત્વનાં છે. કેવું વિચિત્ર કહેવાય કે રાષ્ટ્રીય નેતાગીરી એક રાજ્ય કક્ષાની ચૂંટણીના પ્રચારમાં ગળાડૂબ હોય, અને નજર સામે દેખાતી વરવી વાસ્તવિકતાઓને એ રીતસર નજરઅંદાજ કરે.

આ બેદરકાર વલણ માટે કોઈ પણ ખુલાસો ગળે ઉતરે એવો નથી. દેશના નાગરિકોને તેમની પડખે પોતે રહ્યા હોવાનું લાગે એ આવા સમયે જરૂરી છે. તેને બદલે એ જ મોટીખોટી ઘોષણાઓ અને તરંગી નિર્દેશો થકી સત્તાધીશો નાગરિકોની હાલાકીમાં ઓર વધારો કરી મૂકતા જણાયા છે. જો કે, સત્તાધીશો માટે આ બાબતની ક્યાં નવાઈ છે? અગાઉ અનેક વખત બની ચૂકેલી બાબતોનું જ આ પુનરાવર્તન છે. પણ આ વખતની પરિસ્થિતિ વધુ ગંભીર છે.

આવા સમયે સચ્ચાઈ પર ઢાંકપિછોડો કરવો, તેને દબાવવા માટે કોઈ પણ હદે જવું એ લોકશાહીનું નહીં, સરમુખત્યારશાહી માનસ છે. સર્વોચ્ચ અદાલતે ઘોષણા કરવી પડી કે કોઈ નાગરિક સામાજિક નેટવર્કિંગનાં માધ્યમ પર કોવિડ અંગેની સહાય માંગે તો તેને એ અધિકાર છે. સત્તાતંત્ર ‘ખોટી માહિતી’ ફેલાવવા બદલ એ નાગરિક પર ખોટાં પગલાં ભરે કે એને દબાવવાનો પ્રયત્ન કરે તો એ અદાલતનો અનાદર ગણાશે. આ ઘોષણા સર્વોચ્ચ અદાલતે કઈ પરિસ્થિતિમાં કરવી પડી હશે એ સમજવું અઘરું નથી.

પ્રત્યેક પરિવારમાંથી કોઈ ને કોઈ કોવિડથી અસરગ્રસ્ત હશે, અને પોતાના પરિચીતના મૃત્યુથી વ્યથિત હશે. આવા સમયે માનસિક સ્વસ્થતા ટકાવી રાખવી અઘરી, છતાં જરૂરી છે. ગુજરાતમાં કોવિડ જેટલી જ નુકસાનકારી લહેર કહેવાતી હકારાત્મકતાની ચાલી રહી છે. માનસિક સ્વસ્થતા અને આ પ્રકારની હકારાત્મકતા બન્ને અલગ અભિગમ છે. આવી કહેવાતી હકારાત્મકતાના અંચળા હેઠળ નજર સામે દેખાતી સચ્ચાઈને અવગણવાનું કહેવામાં આવે છે. આવી વાત કરનારા નાગરિકોને ખબર નથી, અથવા તો બરાબર ખબર છે કે તેઓ એ રીતે સરકારની અકર્મણ્યતાનો પાંગળો બચાવ કરી રહ્યા છે. પોતાને થયેલા એકલદોકલ સારા અનુભવોથી વ્યાપક વાસ્તવિકતા બદલાઈ જતી નથી. દેશ, રાજ્ય કે પક્ષનું રાજકારણ ઘરનાં આંગણે આવીને ટકોરા મારતું હોય, વિના પરવાનગીએ ઘરમાં પ્રવેશી જતું હોય ત્યારે ‘મને રાજકારણમાં રસ નથી’ એમ કહીને હકારાત્મકતાની વાત કરવી એ દિવાનખાનામાં રહેલા હાથીને અવગણવા જેવી બાબત છે. રાજકારણમાં રસ ધરાવવો ન ધરાવવો એ અંગત રસરૂચિની બાબત છે, પણ રાજકારણનાં વરવાં સામાજિક પરિણામો સમગ્ર દેશ ભોગવી રહ્યો હોય, અને એ કેવળ માન્યતા કે દૃષ્ટિકોણની નહીં, વરવી સચ્ચાઈની વાત હોય ત્યારે રાજકારણમાં રસ ભલે ન લઈએ, પણ હકારાત્મકતાની વાત કરવી એ મહાપલાયનવાદ છે.

ગુજરાતમાં કહેવાતું ચિંતન અને કહેવાતી હકારાત્મકતા એ આમ તો કોવિડ પહેલાંની વ્યાપક બિમારી છે, પણ આવી જીવલેણ કટોકટીમાં આ બિમારી વધુ ઘાતક લાગે છે.

આપણા ચૂંટેલા પ્રતિનિધિઓમાં આપણા તારણહારને જોવાની વૃત્તિમાંથી બહાર આવવું રહ્યું. યાદ રાખવું કે પક્ષ કે નેતા ગમે એ હોય, નાગરિકો માટે નક્કર કામ થાય અને યોગ્ય વ્યવસ્થાતંત્ર ઊભું થાય એ જરૂરી છે. નાગરિકોએ કોઈ પક્ષના કે નેતાના પ્રવક્તા બનીને તેનો આંધળો બચાવ કરવાની શી જરૂર? એક કુદરતી આપત્તિ કાબૂબહાર બને ત્યાર પછી પણ દેશના અગ્રણીઓ તેને અવગણે, યોગ્ય પ્રયાસો કરવાને બદલે ચૂંટણીપ્રચારને જ મુખ્ય લક્ષ્ય બનાવે, સત્તાતંત્ર અસંવેદનશીલ, અણઘડ અને નાગરિકોને હાલાકીમાં મૂકતા નિર્ણય લીધા કરે એ દર્શાવે છે કે નાગરિકોના ભોળપણમાં નેતાઓને કેટલો બધો વિશ્વાસ છે! તેમને ગળા સુધી ખાત્રી છે કે એક વાર આ સમય પસાર થઈ જાય અને એ પછી ચૂંટણી આવશે તો કાયમી હાથવગા મુદ્દાઓથી જ એ જીતાઈ જશે. એ રીતે જોઈએ તો નાગરિકોની કહેવાતી હકારાત્મકતા કરતાં નેતાઓની હકારાત્મકતા અને નાગરિકોમાં તેમના અતૂટ વિશ્વાસ બદલ તેમને સલામ કરવી પડે.


‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૦૬-૦૫–૨૦૨૧ના રોજમાં આ લેખ પ્રકાશિત થયો હતો.


શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

Author: Web Gurjari

5 thoughts on “ફિર દેખો યારોં : દીવાનખાનામાં રહેલા હાથીને અવગણવાનો હકારાત્મક અભિગમ

  1. દીવાનખાનામાં રહેલા હાથીનો સ્વીકાર કરીને માનસિક સ્વસ્થતા જાળવવી.

 1. પ્રશ્ન પુછવાનું કારણ હવે જણાવું –
  આ જાતની ચર્ચાઓને સામાન્ય માણસની પરિભાષામાં દીવાનખંડની ચર્ચાઓ ( Drawing room discussions ) કહેવામાં આવે છે. એ મોટા ભાગે મિડિયામાં આપણને જે પીરસવામાં આવે છે – તેના આધારે હોય છે.

  હવે મિડિયાની વાત કરીએ તો એની પાછળ બહુ ઊંડી અને ખતરનાક રાજરમતો હોય છે . સામાન્ય માણસ તો એમના માટે એક પ્યાદું પણ નથી હોતો . એમને તો ટોળાં પોતાની બાજુ વાળવાના હોય છે. એમને સલ્તનતો સ્થાપવાની હોય છે. આવા અભિપ્રાયો મોટા ભાગે પોસ્ટ – મોર્ટમ જ હોય છે – મડદાં ચીરવાની વાત !
  દા.ત. આ જ વાત લઈએ તો ચુંટણીઓ પહેલાં કોઈ માઈના પૂતે એમ વિચાર્યું ન હતું કે, ‘ ચુંટણીઓ’ મોકૂફ રાખવી જોઈએ એવી મોટી મસ આ કટોકટી છે ,’
  કમભાગ્યે …. આપણે સ્વતંત્ર રીતે વિચારવાની શક્તિ ખોઈ બેઠા છીએ,

 2. TRU TELL BY SURESH BHAI. LOST INDEPENDENT THINKING BY MEN-WOMEN. RAM TERI GANGA MELI NU TRUE DERSHAN. HAZARO DEAD BODY TO DAY SWIM ON GANGA. COVID-19

 3. સુરેશભાઈ,
  આપનો મુદ્દો બરાબર સમજાયો નહીં. ઊંડી અને ખતરનાક રાજરમતો મિડીયાની હોય જ છે, અને રાજકીય પક્ષોની એનાથી વધુ ઉંડી હોય છે. એનો અર્થ એ તો નહીં ને કે આપણે જે નજર સામે દેખાય એની આગળ પણ આંખ આડા કાન કરવા! આ ચર્ચાને તમે ‘ડ્રોઈંગ રૂમ ડિસ્કશન’ માનતા હો તો ભલે, એનો શો વાંધો હોય? પોસ્ટ મોર્ટમ પણ જરૂરી પ્રક્રિયા છે. એ શોખ માટે નથી કરાતું, પણ મૃત્યુનું કારણ જાણવા અને એ પછી શક્ય હોય તો એને નિવારવા માટે કરવામાં આવે છે. સ્વતંત્ર રીતે વિચારવાની શક્તિ એક સમૂહ તરીકે આપણે ખોઈ બેઠા હોઈએ તો એ જાગ્રત કરવાનો જ આ પોતાના સ્તરનો પ્રયાસ છે. ચૂંટણીની વાત કરીએ તો…જવા દો. એમ એક એક મુદ્દો લઈને ચર્ચા કરવાનો અર્થ નથી. અહેવાલો સ્પષ્ટ જ છે, અને બધું ઉઘાડું છે. એને જોવાની અને સ્વીકારવાની જરૂર છે.

Leave a Reply

Your email address will not be published.