ભારત – ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ – ભાગ ૪ : અંતિમ તબક્કો– ૧૯૩૫થી ૧૯૪૭ ::પ્રકરણ : ૩૮ – ૧૯૪૨ના શહીદો

દીપક ધોળકિયા

આ બાજુ દેશમાં ‘ભારત છોડો’ આંદોલનની ઊગ્રતા તો બે-ત્રણ મહિનામાં ઓસરી ગઈ, પણ એ ચાલતું રહ્યું અને લોકો પોતાનું બલિદાન દેતા રહ્યા. મહાત્મા ગાંધીએ આંદોલનને છૂટો દોર આપી દીધો હતો પણ જેલના સળિયા પાછળ ધકેલી દેવાયેલા કોંગ્રેસના નેતાઓને દેશમાં સૂનકાર ભાસતો હતો. આમ છતાં ૧૯૪૫માં વિશ્વયુદ્ધના અંતે સરકારે બધાને છોડવાનું શરૂ કર્યું ત્યારે એમના સત્કાર માટે ઠેકઠેકાણે હજારોની ભીડ ઊમટી પડી. કદાચ નેતાઓને પણ આશ્ચર્ય થયું હશે કે લોકોમાં હજી પણ આઝાદીની જ્યોત જલતી હતી. ખરેખર તો ૧૯૪૫ પછી જનતાએ જ કોંગ્રેસનું મનોબળ વધાર્યું. સરકારી દમનને કારણે નેતાવિહોણી જનતા ઉલટી વધારે દૃઢતાથી અંગ્રેજ સરકારનો સામનો કરવા કટિબદ્ધ થઈ ગઈ હતી. આજે રાજકારણમાં આગળ વધતાં પહેલાં ૧૯૪૨ના શહીદોને અંજલિ આપીએ. તે પછી નેતાઓ પાસે આવતા અઠવાડિયે જશું અને આ લેખની શરૂઆતનો તાર સાંધશું.

‘ભારત છોડો’ આંદોલનમાં ભાગ લેવા બદલ દેશમાં એક જ જણને – આસામના કુશલ કુંવરને – ફાંસી થઈ અને બાકી અસંખ્ય લોકો સરઘસો પર પોલિસના ગોળીબારમાં મૃત્યુને વર્યા. પહેલાં કુશલ કુંવરની વાત કરીએ તે પછી ગુજરાતના શહીદોને અંજલિ આપીએ, કારણ કે બધાને નામજોગ યાદ કરવાનું સહેલું નથી.

કુશલ કુંવર (kushal-konwar અને indianfolklore.org)

કુશલ કુંવરનો જન્મ આસામના ગોલાઘાટ જિલ્લાના ગામ બલિજાન ચરિયાલીમાં ૧૯૦૫ના માર્ચની ૨૧મીએ થયો. ૧૯૨૦માં એ સ્કૂલમાં ભણતા હતા ત્યારે જ અસહકાર આંદોલનમાં કૂદી પડ્યા. તે પછી જીવનનિર્વાહ માટે નોકરી કરી પણ ૧૯૩૬માં બધું છોડીને દેશની આઝાદી માટે પોતાનું જીવન સમર્પિત કરી દીધું. ૧૯૪૨માં ઑગસ્ટ ક્રાન્તિની શરૂઆત થતાં એમણે સરૂપાથર જિલ્લામાં કોંગ્રેસે બનાવેલી શાંતિ સેનાની સરદારી લીધી. એ વર્ષના ઑક્ટોબરની દસમીએ સરૂપાથરના યુવાનોની મૃત્યુ વાહિની (Death Squad)ના કેટલાક ક્રાન્તિકારીઓએ એક મિલિટરી ટ્રેનને પાટા પરથી ઉથલાવી નાખી. આમાં અસંખ્ય સૈનિકો માર્યા ગયા. ધૂંવાંફૂંવાં થયેલી સરકાર આડેધડ ધરપકડો કરવા લાગી. અનેક લોકો દમનનો ભોગ બન્યા, ૧૩મી તારીખે કુશલ રેલવે સ્ટેશન તરફ જતા હતા ત્યારે પોલીસે એમને પકડી લીધા. એમના બચાવમાં ઘણા વકીલો આગળ આવ્યા પણ શાંતિ વાહિનીનો એક સભ્ય પુલિન બરુઆ પોલીસનો સાક્ષી બની ગયો. કુશલ કુંવર, કનકેશ્વર કુંવર, ધર્મકાન્ત ડેકા અને ઘનશ્યામ સૈકિયાને મોતની સજા કરવામાં આવી. પણ કુશલ સિવાયના ત્રણ જણની દયાની અરજી મંજૂર કરીને એમની મોતની સજા ઘટાડીને દસ વર્ષની જેલની સજા અપાઈ. કુશલ કુંવર કોઈ જાતના હિંસાત્મક કાર્યમાં માનતા નહોતા પણ એમણે ગેરકાનૂની કેસમાં પોતાનો બચાવ ન કર્યો. ૧૫મી જૂને એમને વહેલી પરોઢે ફાંસી આપી દેવાઈ. વિદેશી સરકારે છેક ૧૭૫૭થી જ હિંસાનો રસ્તો લીધો હતો અને કાનૂનને નામે અસંખ્ય ગેરકાનૂની હત્યાઓ કરી તેમાં કુશલ કુંવર અંતિમ હતા.

ગુજરાતના શહીદો -૧૯૪૨

(વિરોધ દેખાવોમાં ભાગ લેનારા અને પોલીસની ગોળીથી અથવા જેલમાં થયેલા અત્યાચારોને કારણે કે અત્યાચારોને પરિણામે ગંભીર હાલતમાં છોડી દેવાયા પછી મૃત્યુ પામ્યા હોય તેવા સ્વાતંત્ર્યવીરો. બધાં નામો અંગ્રેજીની આલ્ફાબેટ પ્રમાણે છે. નામોનો ક્રમ કોઈનું વધારે કે ઓછું મહત્ત્વ દર્શાવતો નથી).

. છોટાભાઈ પટેલઃ જન્મ ૧ ઑક્ટોબર ૧૯૦૮. ગામ ધુણાદરા, જિલ્લો ખેડા. ૧૮મી ઑગસ્ટે ડાકોરમાં એક સરઘસ પર પોલીસે ગોળીબાર કરતાં એમનું મૃત્યુ થયું.

. ચીબાભાઈ પટેલઃ પિંજારત, સૂરત. ‘ભારત છોડો’ આંદોલનમાં પોલીસે પકડ્યા અને જેલમાં અત્યાચાર ગુજાર્યો. ઑક્ટોબરમાં જેલમાં જ મૃત્યુ.

. ગોરધનદાસ રામીઃ જન્મ ૧૯૨૦. ગામ બાબરા, જિલ્લો અમદાવાદ. ૯મી ડિસેમ્બરે અમદાવાદમાં સરઘસ નીકળ્યું તેના પર પોલીસે ગોળીબાર કરતાં એમનું મૃત્યુ થયું.

. ગોવિંદરાવ ઉતરાણકરઃ જન્મ ૧૫ માર્ચ ૧૯૧૭. મહેસાણા જિલ્લો. એ ગ્રેજ્યુએટ હતા અને સ્થાનિકની સ્કૂલના હેડ માસ્ટર હતા. ૨૫મી ડિસેમ્બરે વિસનગરમાં એક સરઘસ નીકળ્યું તેમાં ગોવિંદરાવ પણ હતા. એક પોલીસ કોન્સ્ટેબલે શાંતાબેન પટેલ નામની એક મહિલા અને એના પિતા સાંકળચંદ પટેલ તરફ રિવૉલ્વર તાકી પણ એ ગોળી છોડી શકે તે પહેલાં ગોવિંદરાવે રિવૉલ્વર ઝુંટવી લેવાની કોશિશ કરી ત્યારે પોલીસે એમના પર જ ગોળીઓ છોડી દીધી. ૧૯૪૩ની ૧૫મી જાન્યુઆરીએ એમનું હૉસ્પિટલમાં અવસાન થયું.

. ગુણવંત માણેકલાલ શાહઃ જન્મ ૧૯૨૪. જિલ્લો અમદાવાદ. ઉંમર ૧૮ વર્ષ. ૯મી ડિસેમ્બરે એક સરઘસ પર પોલીસના ગોળીબારમાં ગંભીર ઈજાઓ પહોંચ્યા પછી મૃત્યુ પામ્યા.

. કુમારી જયાવતી સંઘવીઃ જન્મ ૧૯૨૪. જિલ્લો અમદાવાદ. ૬ઠ્ઠી એપ્રિલ ૧૯૪૩ના અમદાવાદમાં સરઘસ નીકળ્યું તેમાં એ જોડાયાં. પોલીસ દળ સરઘસ પર ત્રાટક્યું ત્યારે નાસભાગમાં પડી ગયાં. એ એમના માટે પ્રાણઘાતક બન્યું અને એ જ દિવસે એમનું અવસાન થયું.

. ઝીણાભાઈ મેસુરિયાઃ ‘ભારત છોડો’ આંદોલનમાં સક્રિય હતા. પોલીસે એમની ધરપકડ કરી લીધી. જેલમાં એમના પર શારીરિક ત્રાસ ગુજારવામાં આવ્યો. એમાં એ સખત માંદા પડી ગયા. તે પછી એમને છોડવામાં આવ્યા પણ બે-ત્રણ મહિનામાં જ એ મૃત્યુ પામ્યા.

. કાનજીભાઈ આણંદજી બારૈયાઃ જિલ્લો ભાવનગર. એમના ગામમાં ૨૨મી ઑગસ્ટે સરકારના વિરોધમાં સરઘસ નીકળ્યું તેમાં એ જોડાયા. પોલીસે ગોળીબાર કરતાં મૃત્યુ થયું.

. કુમારી (ડૉ.) પ્રભાવતીઃ સૂરત. ‘ભારત છોડો’ આંદોલનમાં ભાગ લેવા માટે જેલવાસ ભોગવ્યો. ત્યાં અમાનુષી અત્યાચાર અને ભયંકર ગંદકીને કારણે બીમાર પડી ગયાં. એમને છોડવામાં આવ્યાં પણ એ જ વર્ષમાં એમનું મૃત્યુ થયું.

૧૦. મગનભાઈ પટેલઃ ગામ માતવડ, તાલુકો જલાલપુર, જિલ્લો નવસારી. ૨૨મી ઑગસ્ટે એમના ગામમાં જાહેર સભા મળી તેના પર પોલીસે ગોળીબાર કર્યો. મગનભાઈ ઘાયલ થઈ ગયા અને ત્યાં જ એમનું મૃત્યુ થઈ ગયું.

૧૧. મણિલાલ પટેલઃ જન્મ ૯ ફેબ્રુઆરી ૧૯૨૨. ગામ ચાણસ્મા, પાટણ. મણિલાલ અને એમના ત્રણ-ચાર મિત્રોએ ‘ભારત છોડો’ આંદોલનમાં સત્યાગ્રહ કેમ કરવો તે શીખવવાનું પોતાના માથે લીધું. એ ગામેગામ જતા. ૧૮મી ઑગસ્ટે એક ગામેથી પાછા ફરતાં અડાસ રેલવે સ્ટેશને પહોંચ્યા ત્યારે કેટલાક સિપાઈઓ એમના તરફ આવતા હતા. મણિલાલ અને એમના મિત્રો જાતે જ પોલિસ તરફ આગળ વધ્યા. પોલીસે પૂછ્યું ત્યારે એમણે પોતે ‘સત્યાગ્રહી’ છે એમ કહ્યું. એમણે એ પણ કહી દીધું કે અમારી ધરપકડ કરવી હોય તો કરી લો. સિપાઈઓએ એક ક્ષણની પણ રાહ જોયા વિના ગોળીઓ વરસાવી. એમાં મણિલાલના પ્રાણ ગયા.

૧૨. મણિશંકર ધીરજલાલઃ જન્મ ૧૯૧૮. તાલુકો ડાકોર, જિલ્લો ખેડા. એમના ગામે ‘ભારત છોડો’ આંદોલન માટે જાહેર સભા યોજાઈ તેના પર પોલીસના ગોળીબારમાં મૃત્યુ પામ્યા.

૧૩. મનુભાઈ મહેતાઃ જિલ્લો રાજકોટ. આઠમી ઑગસ્ટે આંદોલન શરૂ થયું તે સાથે જુદા જુદા ઠેકાણે સભાસરઘસો થવા લાગ્યાં. ઑગસ્ટમાં જ આવા એક કાર્યક્રમ દરમિયાન પોલીસની ગોળીનો શિકાર બન્યા.

૧૪. મનુભાઈ પટેલઃ જન્મ ૨૯ જુલાઈ,૧૯૩૦. ચકલાશી, જિલ્લો ખેડા. ઉંમર ૧૨ વર્ષ. ‘ભારત છોડો’ આંદોલનનું એક સરઘસ એમના ગામમાં જ નીકળ્યું. આ બાર વર્ષનો છોકરો કશા પણ ભય વિના ત્રિરંગો લઈને નીકળ્યો, પોલીસની ગોળીથી વીંધાઈ ગયો.

૧૫. મોહન કાળાઃ ગામ પિલુદરા, જિલ્લો મહેસાણા. એમના ગામમાં સરઘસ નીકળ્યું તેના પર પોલીસે ગોળીબાર કરતાં જાન ગયો.

૧૬. મોહનદાસ પટેલઃ દહેગામ જિલ્લો વડોદરા. એમના ગામમાં સરઘસ નીકળ્યું એમાં એ જોડાયા અને પોલીસની ગોળીથી મૃત્યુ પામ્યા.

૧૭. મોહનલાલ પટેલઃ ગામ કાન્તિપુર, જિલ્લો ખેડા. પોલિસના ગોળીબારમાં માર્યા ગયા ( વિગતો ઉપર ૧૧-મણિલાલ પટેલ પ્રમાણે)

૧૮. મોરારભાઈ પટેલઃ જ્ન્મ ૧૮૯૦. ખડી ફળિયા, તા. મહુવા જિલ્લો સૂરત. ૨૨મી ઑગસ્ટે એક સરઘસ નીકળ્યું તેના પર પોલીસના ગોળીબારમાં મૃત્યુ થયું.

૧૯. મોરારભાઈ પોચિયાભાઈઃ કરાડી, જિલ્લો નવસારી. ૨૨મી ઑગસ્ટે નીકળેલા સરઘસમાં પોલીસે કરેલા ગોળીબારમાં ઘાયલ થયા અને મૃત્યુ પામ્યા.

૨૦. નાનુભાઈ પટેલઃ ગામ કરજીસણ, તાલુકો કડી, જિલ્લો મહેસાણા. એમણે ૧૯૩૦ના સવિનય કાનૂન ભંગ (મીઠાનો સત્યાગ્રહ) આંદોલનમાં સક્રિય ભાગ ભજવ્યો. તે પછી ૧૯૪૨ના ભારત છોડો આંદોલનમાં પણ જોડાયા. ૩૦મી સપ્ટેમ્બરે અમદાવાદમાં એક સરઘસ પર પોલીસે ગોળીબાર કર્યો તેમાં મોતને ભેટ્યા.

૧. નારણભાઈ મોહનભાઈ પટેલઃ અમદાવાદ. ૨૫મી સપ્ટેમ્બર ૧૯૪૨ના અમદાવાદમાં સરઘસ નીકળ્યું. પોલીસે એને વીખેરી નાખવા ગોળીબાર કર્યો તેમાં મૃત્યુ થયું.

૨. નરહરિભાઈ રાવળઃ અમદાવાદના વિદ્યાર્થી. ઑગસ્ટમાં એક સરઘસ નીકળ્યું તેમાં એમને પોલીસે પકડી લીધા. જેલમાં પોલીસે એમના પર સિતમ વરસાવ્યો. ૩૦મી ઑક્ટોબરે જેલમાં જ મૃત્યુ થઈ ગયું.

૩. નાથાલાલ શાહઃ જન્મ ૧૯૨૩. ગામ રામપુરા, જિલ્લો અમદાવાદ. એક સરઘસમાંથી પોલીસે એમને પકડી લીધા. ૯મી નવેમ્બર ૧૯૪૩ના રોજ જેલમાં પોલિસના અતિશય અત્યાચારને કારણે મૃત્યુ થયું.

૪. નટવરલાલ વનમાળીદાસ શાહઃ તાલુકો નડિયાદ. ૧૮મી ઑગસ્ટે ખેડામાં એક સભા પર પોલીસે ગોળીબાર કર્યો તેમાં એમનો બલિ લેવાયો.

૫. નવિનચંદ્ર વેરાગીવાળાઃ મૂળ સૂરતના પણ કલકત્તામાં રહીને ભણતા હતા. ગાંધીજીએ ‘ભારત છોડો’નું એલાન કર્યું ત્યારે એમણે પોતાની કૉલેજની આસપાસ વિરોધ પ્રદર્શન યોજવાનો પ્રયાસ કર્યો. પોલીસે એમને પકડીને કોયમબત્તુરની જેલમાં મોકલી દીધા. ત્યાં પોલીસના અત્યાચારને કારણે ૧૯૪૩ની શરૂઆતમાં જેલમાં જ અવસાન થયું.

૬. પુષ્પવદન મહેતાઃ અમદાવાદ જિલ્લાના વતની. ૧૯૪૩ની ૧૦મી જાન્યુઆરીએ અમદાવાદમાં સરઘસ નીકળ્યું તેના પર પોલીસે ગોળીબાર કર્યો તેમાં માર્યા ગયા.

૭. રમણલાલ દેસાઈઃ મૂળ સૂરતના પણ નાગપુર રહેતા હતા. ૧૯૪૨માં નાગપુરમાં ઝંડા સત્યાગ્રહમાં જોડાયા. એમની ધરપકડ થઈ. જેલમાં પોલીસે એમની સાથે પાશવી વ્યવહાર કર્યો. નવેમ્બરમાં એમને પૅરોલ પર છોડવામાં આવ્યા પણ બહાર આવ્યા પછી થોડા દિવસોમાં મૃત્યુ પામ્યા.

૮. રણછોડભાઈ પટેલઃ જન્મ ૧૯૨૪. ખડી ફળિયા, તા. મહુવા જિલ્લો સૂરત. ૨૨મી ઑગસ્ટે એક સરઘસ નીકળ્યું તેના પર પોલીસના ગોળીબારમાં મૃત્યુ થયું. (જૂઓ ઉપર ૧૮– મોરારભાઈ પટેલ)

૨૯. રસિકલાલ જાનીઃ જન્મ ૧૯૨૬ અમદાવાદ. ૯મી ડિસેમ્બરે સરઘસ પર પોલીસના ગોળીબારમાં મૃત્યુ થયું.

૦. રતિલાલ પટેલઃ જન્મ ૧૯૧૭. ગામ ભાદરણ, જિલ્લો ખેડા. ૧૮મી ઑગસ્ટે પોલીસે વીંધી નાખ્યા (વિગતો ૧૧-મણિલાલ પટેલ અને ૧૭-મોહનલાલ પટેલ)

૧. શંકરભાઈ ધોબીઃ જન્મ ૧૯૨૮ તાલુકો ડાકોર, જિલ્લો ખેડા. ૧૪ વર્ષનો વિદ્યાર્થી. ગામમાં સરઘસ નીકળ્યું તેને રોકવા માટે પોલિસે ગોળીબાર કર્યો તેમાં મૃત્યુ થયું.

૨. ડૉ. શિવલાલ પટેલઃ જન્મ ૧૯૦૨. ગામ જેતલપુર તા. દસ્ક્રોઈ, જિલ્લોઃ અમદાવાદ. ‘ભારત છોડો’ આંદોલનમાં ભાગ લેવાના આરોપસર ૧૩મી ડિસેમ્બરે એમની ધરપકડ થઈ. જેલમાં અમાનુષી અત્યાચારને કારણે ૧૯૪૩ના મે મહિનાની ૨૦મીએ જેલમાં જ મૃત્યુ થયું.

૩. શિરીષકુમારઃ જન્મ ૧૯૨૬. ઉંમર ૧૬ વર્ષ. સૂરત. એમણે સરકાર વિરોધી ચોપાનિયાં વહેંચ્યાં. ૧૦મી ઑગસ્ટે નંદરબારમાં વિદ્યાર્થીઓનું સરઘસ નીકળ્યું તેની આગેવાની લીધી. મંગળ બજાર પાસે પોલીસે એમને રોક્યા પણ વિદ્યાર્થીઓએ પરવા ન કરી એટલે પોલીસે લાઠીચાર્જ કર્યો. તો પણ વિદ્યાર્થીઓ ન અટક્યા. માણેક ચોક સુધી વિદ્યાર્થીઓ પહોંચ્યા ત્યારે પોલીસે ગોળીબાર કર્યો. શિરીષ કુમાર છોકરીઓને ગોળીબારથી બચાવવાની કોશિશ કરતા હતા ત્યારે ઘાયલ થયા અને હાથમાં ઝંડા સાથે જ મોતને ભેટ્યા.

૪. સોમાભાઈ પંચાલઃ જન્મ ૧૯૨૭. ગોકુલપુરા, જૂનું વડોદરા રાજ્ય. હવે જિલ્લો પંચમહાલ. વડોદરામાં ‘ભારત છોડો’ના સમર્થનમાં સરઘસ નીકળ્યું તેના પર કોઠી પાસે પોલીસે ગોળીબાર કર્યો તેમાં મોત થયું.

૫. ઠાકુરભાઈ દેસાઈઃ ગામ સુજાન (સૂરત). ઑગસ્ટ મહિનામાં પોલીસે એમને પકડી લીધા. જેલમાં એમના પર સખત જુલમો થયા. ઑક્ટોબર કે નવેમ્બરમાં એમને છોડી દેવામાં આવ્યા.

૬. ઉમાકાન્ત કડિયાઃ જન્મ ૧૫ નવેમ્બર ૧૯૨૧. અમદાવાદ. એમને નાનપણથી જ સામાજિક અને રાજકીય પ્રવૃત્તિઓમાં રસ હતો. નવમી ઑગસ્ટે અમદાવાદના ખાડિયા વિસ્તારમાં લોકોએ સભાસરઘસ યોજ્યાં અને સરકાર વિરોધી સૂત્રો પોકાર્યાં. પોલીસે એમને વીખેરી નાખવા માટે ગોળીબાર કર્યો એમાં ઉમાકાન્ત કડિયાને અસંખ્ય ગોળીઓ વાગી અને એ મૃત્યુને વર્યા.

૭. વિનોદ કિનારીવાલાઃ જન્મ ૨૦ સપ્ટેમ્બર ૧૯૨૪. એ કૉલેજમાં ભણતા હતા. વિદ્યાર્થીઓએ ૧૦મી ઑગસ્ટે કૉલેજના પ્રાંગણમાં જ ભારત છોડો આંદોલન માટે એક સભા રાખી. એ વખતે પોલીસનો આસિસ્ટન્ટ સુપરિન્ટેન્ડન્ટ ત્યાં પહોંચી ગયો અને વિદ્યાર્થીઓ પર ગોળીબાર કરવાનો પોતાની ટુકડીને આદેશ આપ્યો. વિનોદ કિનારીવાલાનું એમાં મૃત્યુ થયું.

બધા શહીદો સમક્ષ આપણે નતમસ્તક છીએ.

૦૦૦

સંદર્ભઃ

(૧) કુશલ કુંવર (kushal-konwar અને indianfolklore.org)

(૨) DICTIONARY OF MARTYRS: INDIA’S FREEDOM STRUGGLE (1857-1947) Vol.III. Government of India (Released on 19 March 2019).

(૧૮૫૭નો સ્વાતંત્ર્ય સંગ્રામ, ૧૯૦૫માં બંગભંગ વિરુદ્ધનું આંદોલન. ૧૯૨૦નું અસહકાર અને ખિલાફતનું આંદોલન, હિન્દુસ્તાન સોશ્યલિસ્ટ રીપબ્લિકન આર્મીના અને બીજા ક્રાન્તિકારીઓના સશસ્ત્ર વિદ્રોહ, ૧૯૩૦નો મીઠાનો સત્યાગ્રહ, ૧૯૪૨નું ભારત છોડો, આંદોલન આઝાદ હિન્દ ફોજમાં રહીને મોતને વરેલા સૈનિકો, ૧૯૪૬માં નૌકાદળના સૈનિકો (રેટિંગ) અને સુભાષબાબુના જન્મ દિવસની ઊજવણી વગેરે અનેક તબક્કે લોકોએ જાન કુરબાન કર્યા છે. આમાં ભારત સરકારે પ્રકાશિત કરેલી આ ગ્રંથમાળા ( ચાર ભાગ-છ પુસ્તક) બહુ ઉપયોગી છે. આ લેખ આ ગ્રંથમાળાના ત્રીજા ભાગને આધારે તૈયાર કરેલો છે. પરંતુ આ ગ્રંથમાળામાં શહીદોનાં નામ અંગ્રેજી આલ્ફાબેટ પ્રમાણે ગોઠવીને સંકલિત કરાયાં છે એટલે દરેકને ઘટના પ્રમાણે અલગ પાડવાનું ભગીરથ કાર્ય છે. આથી ઇતિહાસની આ દરેક ઘટનામાં શહીદોનો અલગ સંગ્રહ તૈયાર કરવાની જરૂર છે. સદ્‌ભાગ્યે, આ ગ્રંથોના ઍડીટર સંપૂર્ણતાનો દાવો નથી કરતા એટલે બીજા પણ અનામી શહીદો હોઈ શકે છે. ગુજરાતની બાબતમાં પણ નામો બાકી રહી ગયાં હોય એ શક્ય છે).

સ્રોતઃ (નીચે અલગ અલગ ગ્રંથોની લિંક આપી છે, એમના પર ક્લિક કરીને ડાઉનલોડ કરી શકાશે):

· Volume -1 Part -I [Delhi, Haryana, Punjab and Himachal Pradesh 1857-1919]  (1.06 MB)

· Volume -1 Part – II [Delhi, Haryana, Punjab and Himachal Pradesh 1920-1947] (1.22 MB)

· Volume -2 Part – I [UP, Uttarakhand, MP, Chhattisgarh, Rajasthan and J&K 1857-1947] (1.35 MB)

· Volume -2 Part – II [UP, Uttarakhand, MP, Chhattisgarh, Rajasthan and J&K 1857-1947]  (1.34 MB)

· Volume -3 [Maharashtra, Gujarat and Sind 1857-1947] (1.14 MB)

· Volume – 4 [Bengal, Bihar, Jharkhand, Odisha, Assam, Arunachal Pradesh, Manipur, Meghalaya, Mizoram, Nagaland and Tripura 1857-1947] (1.71 MB)


શ્રી દીપક ધોળકિયાનાં સંપર્કસૂત્રો
ઈમેલઃ dipak.dholakia@gmail.com
બ્લૉગઃ મારી બારી

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.