ચેલેન્‍જ.edu : ફુરસદના સમયની કેળવણી

રણછોડ શાહ

 

વસુધા અને વિદ્યા વિશે વિવિધ રસોનો વાસ,
આંબો ચૂસે મિષ્ટ રસ, લે આંબલી ખટાશ.

દલપતરામ કવિ

શાળા-કોલેજમાં એપ્રિલ અને મે માસમાં રજાઓ હોય છે. પ્રત્યેક વર્ષે આ મહિનાઓમાં વેકેશન હોય છે. સમગ્ર ભારતમાં લાખોની સંખ્યામાં વિદ્યાર્થીઓ આ સમયનો કેવી રીતે ઉપયોગ કરવો તે જાણતા નથી. તેથી આ સમયને વેડફે છે. વિદ્યાર્થીની સમજશક્તિ લગભગ ધોરણ પાંચ પછી વિકસતી જાય છે. તે લગભગ વીસ વર્ષની ઉંમર સુધીમાં ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરે છે. આ રીતે જોઈએ તો પ્રત્યેક વિદ્યાર્થીમાં સમજણ આવ્યા બાદ તેના સમગ્ર જીવનકાળનાં સરેરાશ દસ વર્ષ શિક્ષણ પ્રાપ્ત કરવામાં વિતાવે છે. દ૨ વર્ષે બે વેકેશન આવે તો તેની જિંદગીમાં વીસ વેકેશન આવે. વળી ધોરણ દસ અને ધોરણ બાર જેવા કારકિર્દીના વળાંકના વર્ષે તો આ વેકેશન ખૂબ લાંબું પણ હોય છે.

આજની આપણી શિક્ષણ વ્યવસ્થામાં વિદ્યાર્થીને તેના ફુરસદના સમયમાં શું કરવું જોઈએ તેનું શિક્ષણ આપવામાં આવતું નથી. અગાઉના કરતાં આજે નવરાશનો સમય પણ ખૂબ વઘ્યો છે. ટેકનોલોજીના ઉપયોગને કારણે પણ સમયનો બચાવ થાય છે. પેટ્રોલથી ચાલતાં વાહનો આજના વિદ્યાર્થીને હાથવગાં થવાથી શાળા કે કોલેજ જવા કે પરત આવવાના સમયમાં પણ ઘટાડો થયો છે. આ રીતે અગાઉના સમયમાં વિદ્યાર્થી પાસે ફુરસદનો જે સમય રહેતો તેના કરતાં અનેક ગણો વધારે સમય આજે તેની પાસે છે. જો તેને આ સમયનો સદઉપયોગ કરવાનું શીખવવામાં નહીં આવે તો તેની સ્થિતિ “આળસુ મગજ શેતાનનું કારખાનું (An idle mind is a devil’s workshop) જેવી થશે. જો તેને આ સમયનો ઉપયોગ કેવી રીતે કરવો તેની સમજ નહીં આપવામાં આવે તો તે આખો દિવસ મોબાઈલને મચેડયા કરશે. ટી.વી.ની સામે કોથળાની જેમ બેસી રહેશે. તેની પાસે કાંઈ કામ ન હોવાથી તે સમયનો સદ્‍ઉપયોગ કરવાને બદલે તેને વેડફશે, વ્યય કરશે. આ સંજોગોમાં આપણા શાળા-કોલેજના શિક્ષણ દરમિયાન જ “ફુરસદના સમયની કેળવણી” જેવા વિષયને દાખલ કરવો જોઈએ. આ આજનો ગંભીર પ્રશ્ન છે. તેથી તેના તરફ તાત્કાલિક ઘ્યાન આપવાની જરૂર છે.

શાળા – કોલેજના વિદ્યાર્થીઓને ઉપયોગી બને તેવા થોડાક સૂચનો નીચે મુજબ હોઈ શકે.

(૦૧) વાચન શિબિર : શાળા કક્ષાએથી પ્રત્યેક વેકેશનમાં વાચનશિબિરનું આયોજન કરી શકાય. આજે આપણા વિદ્યાર્થીઓ વાચનથી તો વિમુખ થયા છે. આ સંજોગોમાં તેમને તે તરફ વાળવા માટે આ પ્રવૃત્તિની તાતી આવશ્યકતા છે. નાની ઉંમરે થોડા કલાકોની આ પ્રવૃત્તિનો સમય ધીરે ધીરે વધારી શકાય. શરૂઆતમાં વાર્તાથી શરૂ કરી ગંભીર વાચન તરફ વિદ્યાર્થીને લઈ જઈ શકાય. પુસ્તકની વિવિધતા તેમાં અગત્યનો ભાગ ભજવશે. આ કાર્યક્રમની શરૂઆત માતૃભાષાથી કરી, રાષ્ટ્રભાષા અને ત્યાર બાદ અન્ય ભાષા તરફ વિદ્યાર્થીઓને વાંચવા માટે ટેવ પાડી શકાય. જરૂ૨ પડે તો વેકેશનના છેલ્લા બે કે ત્રણ દિવસ આ પ્રવૃત્તિ માટે અલગ ફાળવી શકાય. વયને ઘ્યાનમાં રાખી વિષય અને પુસ્તકોની વિવિધતાની પસંદગી જ એવી થાય કે વિદ્યાર્થીઓ આકર્ષિત થઈને સામેથી આવી શિબિરોમાં આવે. જો ન આવે તો તેને ફરજિયાત પણ કરી શકાય.

(૦૨) લેખન શિબિર:  વિદ્યાર્થી વાંચતો થશે તો જ લખતો થશે. જીવનમાં વાચન અને લેખન મહત્વનું સ્થાન ધરાવે છે. પોતાના વિચારો વ્યક્ત કરવાનું ઉત્તમ સાધન લેખન હોય છે. જીવનમાં અનેક પ્રસંગોએ વક્તવ્ય આપવાનું હોવાથી આ કળા હસ્તગત કરવાનું જરૂરી જ નહીં, પરંતુ અત્યંત આવશ્યક છે. આપણે શાળા કોલેજોમાં જે નિબંધો લખાવીએ છીએ તેના કરતાં અલગ પ્રકારના વિષયો પસંદ કરવા જોઈએ. વિદ્યાર્થીને ભવિષ્યમાં ઉપયોગી બને તેવા વ્યવહારુ વિષયોની પસંદગી કરવી જોઈએ. આ પસંદગીમાં મનોવિજ્ઞાનના જાણકારને સ્થાન આપી તેના જ્ઞાનનો ઉપયોગ કરી વય અને કક્ષા અનુરૂપ વિષયોની પસંદગી કરવી જોઈએ.

(૦૩) ચલચિત્રોની રજૂઆત : વિદ્યાર્થીના મગજ ઉપર ઉત્તમ ચલચિત્રોની ખૂબ ઊંડી અસર પડે છે. દૃશ્યશ્રાવ્યનું આ સર્વોત્તમ સાધન છે. વિદ્યાર્થી એકલો કે તેના કુટુંબ સાથે ચલચિત્ર જુએ અને તેના મિત્રો સાથે જુઓ તેમાં આસમાન- જમીનનો ફેર પડે છે. મિત્રવર્તુળની (Peer group)ની અસર તદ્દન ભિન્ન હોય છે. જુદી જુદી ઉંમરના બાળકો માટે પસંદ કરેલી ફિલ્મો બતાવવાનો કાર્યક્રમ શૈક્ષણિક સંસ્થાઓ યોજી શકે. શિક્ષણ વિભાગ પણ વેકેશનમાં પ્રત્યેક શહેરમાં ટોકીઝના માલિકોના સહકારથી વિશિષ્ટ ફિલ્મો માત્ર વિદ્યાર્થીઓ માટે રજૂ કરે. આ પ્રકારની ફિલ્મો ઉપલબ્ધ છે, “રંગ દે બંસતી’, “ચક દે ઈન્ડિયાઃ, જેવી નવી તો કેટલીક જૂની ફિલ્મો “દો આંખે બારહ હાથ’, “બૂટ પોલીશ’ વગેરે બતાવી શકાય. વળી વિદ્યાર્થીઓ માટે આવી ફિલ્મો રાહત દરે પણ દર્શાવી શકાય. તો ભવિષ્યમાં આ સમયે દર્શાવવા માટેની વિશિષ્ટ ફિલ્મોનં નિર્માણ કરવાનું પણ નિર્માતાઓ વિચારી શકે. હવે તો ટેક્નોલોજીની મદદથી શાળામાં જ આ કાર્યક્રમ યોજી શકાય એમ છે.

(૦૪) સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની શિબિર: ગુજરાત રાજ્યનું યુવક સેવા અને સાંસ્કૃતિક વિભાગ પ્રત્યેક વર્ષે રાસગરબા, નાટકો તથા અન્ય સ્ટેજની કૃતિઓની સ્પર્ધા રાખે છે. આ પ્રવૃત્તિમાં ખૂબ ઓછા પ્રમાણમાં સંસ્થાઓ ભાગ લે છે. વળી જે સંસ્થાઓ વર્ષોથી ભાગ લે છે તે જ હોય છે, નવી સંસ્થાઓનો ઉમેરો બહુ ઓછો થાય છે. આ સંજોગોમાં વિવિધ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની શિબિર પ્રત્યેક વેકેશનમાં થાય અને પ્રવૃત્તિને અંતે તેની રજૂઆત થાય તો વિદ્યાર્થીનો “સ્ટેજ ફીઅર” (stage fear) દૂર થઈ જાય. વળી આ કક્ષાએ જ તેના જીવનમાં ઉપયોગી છે તેવો એકાદ શોખ પણ વિક્સે. પાછલી ઉમરે કોઈ પણ શોખ ન હોય તો તેને જિંદગી બોજારૂપ લાગે છે. આપણે કોઈ પણ શોખના વિકાસ માટે કોઈ વિશિષ્ટ પ્રયત્ન કરતા નથી. આ કાર્યક્રમમાં ભારતના મહાન સંગીતકારોની સી.ડી. કે ટી.વી.ના માઘ્યમથી વિદ્યાર્થીઓ સમક્ષ લાવી શકાય. પ્રત્યેક ભાષાના ઉત્તમ નાટકોની વી.સી.ડી. બનાવી વિદ્યાર્થીઓ સમક્ષ રજૂ કરી શકાય.

(૦૫) રમતગમત શિબિર: આજનો વિદ્યાર્થી વ્યાયામના અભાવે માયકાંગલો થતો જાય છે. એક જમાનામાં વ્યાયામ શાળાઓનું અસ્તિત્વ હતું તે હવે લગભગ નામશેષ થયું છે. પોળ, ફળિયા કે શેરીનું સ્થાન સોસાયટીઓએ લઈ લીધું છે. પ્રત્યેક સોસાયટીમાં કોમન પ્લોટ હોય જ છે, પરંતુ તેનો રમતગમત માટે ભાગ્યે જ ઉપયોગ થાય છે. આ સંજોગોમાં પ્રત્યેક શાળામાં વેકેશન અગાઉનું એક સપ્તાહ રમતગમત માટે જ ફાળવવામાં આવે. વાર્ષિક પરીક્ષાથી કંટાળી ગયેલ વિદ્યાર્થીને આ ગમશે. આ સમયે શૈક્ષણિક સંસ્થાઓ મેદાની તથા ઓરડાની (1040૦01) રમતોનું આયોજન કરે જ તેવું ફરજિયાત કરવું જોઈએ. આ સમય દરમિયાન વ્યાયામ શિક્ષકના માર્ગદર્શન હેઠળ શાળાના તમામ શિક્ષકોને આ જવાબદારી સોંપી તેનું વ્યવસ્થિત આયોજન થાય તો વિદ્યાર્થીનું સ્વાસ્થ્ય સુધરે, તે પ્રવૃત્તિશીલ બને અને સમયનો સદ્‍ઉપયોગ કરવાનું શીખે. વર્ષમાં એકાદ માસ રમતો રમવાને બદલે સમગ્ર વર્ષ દરમિયાન આ પ્રવૃત્તિ ચાલુ રહે તે જરૂરી છે. વળી મે વેકેશનમાં વરસાદ કે અન્ય કોઈ વિઘ્ન ન હોવાથી શાળા-કોલેજના મેદાનોનો રમતગમત માટે ઉપયોગ થઈ જ શકે. વિદ્યાર્થી ખેલદિલી અને સહકારની ભાવના માત્ર રમતના મેદાન ઉપરથી જ શીખી શકે.

(૦૬) વિશિષ્ટ મહાનુભાવોનું મીલન:  આ સમય દરમિયાન જીવનમાં પુરવાર થયેલ અને સમાજ માટે કાંઈ વિશિષ્ટ પ્રદાન કરેલ વ્યક્તિઓની વિદ્યાર્થીઓ સાથે મુલાકાત થાય તેવું આયોજન કરી શકાય. ખાસ કરીને આજનો વિદ્યાર્થી તેના જીવનમાં સફળતા પ્રાપ્ત થાય તે માટે સતત “રોલ મૉડેલ” ને શોધે છે. ઈતિહાસના પાત્રો બતાવવાને બદલે તેને જીવંત વ્યક્તિઓનો પરિચય કરાવવામાં આવે તો તે પોતે પણ કંઈક કરી શકે તેમ છે તેવું અનુભવે. આવી વ્યક્તિઓ સાથેની વાતચીતનું આયોજન (Inter action) કરવાથી તે જાણી શકશે કે પ્રામાણિકતાપૂર્વક કાર્ય કરીને પણ આગળ આવી શકાય છે. વિદ્યાર્થી પોતાની મૂંઝવણ-સમસ્યા અંગેના પ્રશ્નો મહાનભાવને પૂછી ઉકેલ લાવી શકશે.

(૦૭) પ્રવાસ – પર્યટન:  પ્રત્યેક ગામ કે શહેરમાં નજીકના સ્થળોએ પર્યટન ઉપર જઈ શકાય તેવા સ્થળો તો હોય જ છે. આ સમયે સ્થળનું મહત્વ નથી પરંતુ વિદ્યાર્થીઓ એક કે બે દિવસ સાથે રહી સમૂહભાવના વિકસાવે તે આવશ્યક છે. આ સંજોગોમાં સ્થળની પસંદગી વય કક્ષાને ઘ્યાનમાં રાખી કરવામાં આવે તો વિદ્યાર્થીઓ ચાલતા કે સાયકલ ઉપર જઈ શકે. આ રીતે વિદ્યાર્થી પોતાના ઘરની નજીક આવેલ જોવાલાયક સ્થળોની જાણકારી મેળવશે. પોતાના વેકેશનના સમયનો સદ્‍ઉપયોગ કરશે. કદાચ એકના એક સ્થળે વારંવાર જવું પડે તો પણ વાંધો નથી. કારણ કે મોટી ઉંમરે વ્યક્તિ બાળપણના દિવસો યાદ કરે છે ત્યારે સૌ પ્રથમ પોતાના વતનને જ યાદ કરે છે.

(૦૮) અરસપરસ રહેવું : આજે સમાજમાં વિભક્ત કુટુંબોનું અસ્તિત્વ આવી ગયું હોવાથી વિદ્યાર્થી સંયુક્ત કુટુંબના લાભાલાભથી અજાણ છે. ક્યારેક તો ઘરમાં માત્ર એક જ સંતાન હોવાથી વહેંચીને ખાવાની તેને આદત જ હોતી નથી. આવી પરિસ્થિતિમાં ચાર કે પાંચ મિત્રોનું જૂથ વારાફરતી એકબીજાને ત્યાં એક એક દિવસ રહે તેવું આયોજન ચોક્કસ જ વિચારી શકાય. આવા જૂથો બનાવતી વખતે સંસ્થાના વ્યવસ્થાપકો કેટલીક બાબતોની કાળજી રાખે તો વિદ્યાર્થીઓને ઘણું આપી શકાય. આ અરસપરસના રહેઠાણ દરમિયાન અત્યંત સંપત્તિવાળા અને આર્થિક રીતે નબળા વાલીના વિદ્યાર્થીઓ અરસપરસને ત્યાં જાય તેવું ગોઠવી શકાય. નાત, જાત, ધર્મના વાડાઓ પણ દૂર કરવાનું આયોજન આ રીતે કાર્ય કરતાં શકય બને.

(૦૯) વ્યવસાય પસંદગી શિબિર: વિદ્યાર્થીઓ મોટે ભાગે દેખાદેખીથી ઉચ્ચતર શિક્ષણની તથા વ્યવસાયની પસંદગી કરતા હોય છે. વધુ અભ્યાસ માટે કોલેજના જે અભ્યાસક્રમમાં વિદ્યાર્થી જોડાવવા માંગે છે તેમાં પાયાના કયા કયા વિષયો સમાયેલા છે, તેની જાણકારી પ્રાપ્ત કરી લેવી જોઈએ. જો તે વિષયો તેના ધોરણ-૧૨ સુધીના અભ્યાસક્રમમાં સામેલ થયા ન હોય અથવા ઉપરછલ્લી માહિતી મેળવી હોય તો આ સમયગાળા દરમિયાન તેની શકય તેટલી તમામ જાણકારી પ્રાપ્ત કરી લેવી હિતાવહ છે જેથી ઉચ્ચ અભ્યાસક્રમના સમયગાળામાં મુશ્કેલી પડે નહીં. વિવિધ વ્યવસાયમાં જોડાયેલ વ્યક્તિઓને આમંત્રણ આપી તેમને વિદ્યાર્થીઓ સમક્ષ પોતાના વ્યવસાયના ફાયદા અને ગેરકાયદા સમજાવવાનું જણાવવામાં આવે. વ્યવસાય માત્ર પૈસા કમાવવા માટે જ નહીં પરંતુ જીવનમાં કાંઈક કરવા માટે પણ છે તેની સમજણ આપી શકાય. જેથી પાછલી ઉંમરે ખોટા વ્યવસાયમાં ફસાઈ ગયાનો અફસોસ ન રહે અને વિદ્યાર્થી માટે યોગ્ય વ્યવસાયની પસંદગી કરવાની અનુકૂળતા રહે.

(૧૦) નાની – મોટી તાલીમ : આ ખૂબ જ અગત્યનો મુદ્દો છે. જો વેકેશનના સમય દરમિયાન શાળાના ઉપલા ધોરણના અને કોલેજના વિદ્યાર્થીઓને કોઈને કોઈ વ્યાવસાયિક કામગીરીમાં જોડી દેવામાં આવે તો તેમને જે તે વ્યવસાયની પ્રત્યક્ષ તાલીમ મળે. વ્યવસાયમાં સમયનું મહત્વ, કામગીરીની ત્વરા, વાતચીતની કળા, વસ્તુની ગણવત્તા વગેરેનો ખ્યાલ આવે. વળી ચાર પાંચ વેકેશન દરમિયાન એ જુદા જુદા ચાર પાંચ વ્યવસાયની તાલીમ મેળવી શકે. આ સમય દરમિયાન પોતાને કઈ કામગીરી, વ્યવસાય કે નોકરી અનુકૂળ આવશે તેનું જ્ઞાન તેને પોતાના અનુભવ દ્વારા જ પ્રાપ્ત થઈ શકે. કામ આપનાર વ્યક્તિ ધારે તો વિદ્યાર્થીને થોડીક આર્થિક મદદ પણ કરે જેથી વિદ્યાર્થીને “શીખતાં શીખતાં કમાવો (Earn while you learn)” ના સિદ્ધાંતની પણ સમજ પડે. આપણા દેશમાં આ નવી વાત છે, પરંતુ પરદેશમાં મોટા ભાગે ઉચ્ચ શિક્ષણના ખર્ચની વ્યવસ્થા વિદ્યાર્થીઓ જાતે જ કરી લેતા હોય છે. આ પ્રવૃત્તિની આપણા દેશ માટે તો ખૂબ જરૂર છે.

આ પ્રકારની પ્રવૃત્તિઓ પ્રત્યેક સંસ્થા પોતાની અનુકૂળતા મુજબ કરી શકે. પરંત સરકાર અભ્યાસક્રમના ભાગરૂપે આવી પ્રવૃત્તિઓ દાખલ કરશે તો રજાઓ — વેકેશન ઉપયોગી અને ઉત્પાદક પુરવાર થશે. કદાચ બેચાર કુટુંબો ભેગા થઈને વ્યક્તિગત ધોરણે પણ આમાંથી કેટલીક પ્રવૃત્તિઓનું ચોક્સ જ આયોજન કરી શકે.

આચમન:

‘આપીને હાથતાળી એ છટકી જશે, અરે!
પકડાયો ના કોઈથી કદી પકડાય છે સમય,
રહેશે એ છેલ્લા શ્વાસ સુધી સાથમાં, અને
‘મનસૂર’ સૌની સાથમાં દફનાય છે સમય.

મનસૂર કુરેશી.

 


(નોંધ: ચિત્રો પ્રતીકાત્મક છે અને નેટ પરથી લીધેલાં છે.)


(શ્રી રણછોડ શાહનું વીજાણુ સરનામું: shah_ranchhod@yahoo.com )

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.