‘શોલે’ની સૃષ્ટિ :શૂટિંગમાં શહીદ બનેલો અનામી કલાકાર

બીરેન કોઠારી

(આ શ્રેણીમાં ‘શોલે’ ફિલ્મમાં દેખા દેતા, નાની પણ ચિરંજીવ ભૂમિકા ભજવતા વિવિધ પાત્રોની, ફિલ્મની સ્ક્રીપ્ટમાં ન હોય એવી કાલ્પનિક કથાઓ મૂકવામાં આવી છે.

આ શૃંખલાની આ અંતિમ કડી છે. હજી ઘણાં પાત્રો વિશે આ રીતે લખી શકાય એમ છે, પણ ‘રસના ચટકા’ને ન્યાયે આટલેથી ઈતિશ્રી કરીએ.

આ સફરમાં જોડાનાર સૌ મિત્રોનો આભાર.)


દેખીતી રીતે જ જણાતું હતું કે શોકનો પ્રસંગ હતો. ઓહોહો! લોંગ શૉટમાં જોતાં એમ જ લાગે કે જાણે કીડીયારું ઉભરાયું છે. કાળાં વસ્ત્રધારીઓની ભીડ ઉમટી પડી હતી. હૈયેહૈયું દળાતું હતું. તેને લઈને મીડ શૉટમાં પણ એમ જ દેખાતું હતું. એક જ બાબત આ માહોલને અનુરૂપ નહોતી લાગતી. અને તે એ કે આવનાર સૌ કોઈ મૃતકનાં સ્વજનો સાથે તસવીર ખેંચાવવા પડાપડી કરી રહ્યા હતા. શું મૃતક કોઈ મોટી હસ્તી હતી? કે તેણે એવી કોઈ મરણોત્તર સિદ્ધિ હાંસલ કરી હતી? કે પછી તેણે પોતાના સમાજના હિત માટે શહીદી વહોરી હતી? કંઈ સમજાતું નહોતું.
અલબત્ત, એ તો બહારના લોકોને! સમાજના લોકો બરાબર સમજતા હતા. એટલે તો સૌ ઉમટી પડ્યા હતા. આ સમાજમાં આમ પણ ભણતરનું મહત્ત્વ ઓછું. મોટા ભાગનો વર્ગ શ્રમિક. આખું વરસ શ્રમ કરતા રહેવું એ જ એમનો ધર્મ. અરે, ધર્મ કે ઈશ્વરમાં પણ એમની રુચિ નહીં, તો કળા અને સંસ્કૃતિમાં ક્યાંથી હોય! નાટકસિનેમામાં જાય તો ત્યાં પોતે તો ન માણે, પણ જે માણતું હોય એનેય હેરાન કરે. વ્યક્તિત્ત્વવિકાસ જેવા શબ્દનો હજી આ સમાજમાં પ્રવેશ થવો બાકી હતો. એમ સમજો ને કે ‘ચરે, ફરે, રતિ કરે, ગર્ભને ધરે, અવતરે, મરે’ પંક્તિ સિતાંશુ યશશ્ચંદ્રે કદાચ આ જમાતને જોઈને જ લખી હોય તો નવાઈ નહીં. અને છતાં આ સમાજમાં એક હીરો એવો પાક્યો કે જેણે હિન્દી સિનેમાની ઈતિહાસસર્જક ફિલ્મમાં કામ કર્યું.
ગૂગલના પ્રતાપે હવે સૌ કોઈ જાણે છે કે ફિલ્મના પડદે સૌ કોઈ અદાકારો અભિનય જ કરતા હોય છે. એટલે કે તેઓ પ્રેમ કરે યા લડેઝઘડે, એ બધો અભિનય જ હોય. અરે, તે મૃત્યુ પામે એ પણ અભિનય હોય. એટલે કે કેમેરા સમક્ષ તેઓ મૃત હોવાનો અભિનય કરે, અને શૉટ પતે કે ખંખેરીને ઊભા.
‘શોલે’ની જ વાત કરીએ તો એમાં કેટકેટલા લોકો પડદા પર મરણને શરણ થયા હતા! શરૂઆતમાં માલગાડી પર હુમલો કરતા ડાકુઓમાંથી કેટલા મર્યા એની કોઈ ગણતરી નથી. એ પછી કાલિયા સહિત કુલ ત્રણ ડાકુઓને ખુદ ગબ્બરે ફૂંકી માર્યા. હોળીના હુમલા વખતે ડાકુઓ ઘણા મરાયા, પણ કોઈ ગામવાળું ન મરાયું એ નસીબ! એ પછી જેલમાંથી ભાગી છૂટેલા ગબ્બરના હાથે ઠાકુર બલદેવસિંહનાં પાંચ પાંચ કુટુંબીજનો-બે પુત્રો, એક પુત્રવધૂ, એક દીકરી અને એક પૌત્ર- ઠાર થાય છે. ગબ્બરે એહમદમિયાંના મૃતદેહ સાથે મોકલેલી ચિઠ્ઠી દ્વારા કરેલી માગણી અનુસાર જય અને વીરુ પુરાની ટેકરી પર પહોંચે છે અને એ પછી બોલાતી ગોળીઓની રમઝટમાં કેટલાય ડાકુઓ વીંધાય છે. વીરુને છોડાવવા માટે જય આવે છે ત્યારે તે સાંભા સહિત અનેકને ભડાકે દે છે. સૌથી છેલ્લે જય પણ મરણને શરણ થાય છે. કહેવાનો મતલબ એ કે ફિલ્મમાં નહીં નહીં તોય બેએક ડઝન કલાકારોએ મૃત્યુ પામવાનો અભિનય કરવાનો આવ્યો હતો.
જો કે, એક કલાકાર પોતાની ભૂમિકાને ખરા અર્થમાં જીવી ગયો. તેણે મૃત્યુનો કેવળ અભિનય ન કર્યો, બલ્કે સાચેસાચ મોતને વહાલું કર્યું. સાહજિક અને અભિનય કરતા ન લાગે એવો અભિનય કરવાના ખેરખાં ગણાતા મોતીલાલે સુદ્ધાં આવી હિંમત દાખવી ન હતી.
આ કલાકારના ભાગે એવી ભૂમિકા હતી કે સામ્ભા, કાલિયા કે જગ્ગા જેવા કોઈ ડાકુસહાયક નહીં, પણ ખુદ ગબ્બરના હાથે જ તેનું મોત થાય. એહમદમિયાંને ગબ્બર ખુદ મારે છે કે કેમ, એ તો પડદે બતાવ્યું નથી. એ અનએડિટેડ દૃશ્યમાં પણ ગબ્બર એહમદમિયાંને લોઢાના સળિયાથી ડામ દેતો હોય એમ બતાવ્યું છે. જ્યારે આની હત્યા તો ખુદ ગબ્બર, એકદમ બેરહેમીથી, એક જ ઝાટકે કરી દે છે. તેની હત્યા કરતી વખતે ગબ્બરને તો ઠીક, એ કલાકારને પોતાને પણ ખબર હોય છે કે પોતાનું મૃત્યુ નિશ્ચિત છે. ફિલ્મ માટે શૂટ થયેલું, પણ પછી ફિલ્મમાં ન લેવાયેલું આ દૃશ્ય.

આ દૃશ્ય, એટલે કે ગબ્બર દ્વારા થયેલી વાસ્તવિક હત્યા, એટલે કે એ કલાકારે જીવી જાણેલું મૃત્યુ તેના મરણોત્તર સન્માનનું નિમિત્ત બન્યું. ‘શોલે’ જેવી ઐતિહાસિક ફિલ્મના પડદે દેખા દેવી, અને વાસ્તવિક અભિનય થકી મૃત્યુ વહોરવું તેની એવી સિદ્ધિનું એવું એવરેસ્ટ હતું કે તેના સમાજમાંથી કોઈ તેને આંબી શકવાનું નહોતું. આથી જ શોક મનાવવાને બદલે સમસ્ત સમાજ હરખની હેલીએ ચડ્યો હતો. સૌને હૈયે એક જ વાત હતી કે ‘મરકર ભી જો જીતે હૈ, વો હી જીતે હૈ.’
અફસોસ એક જ હતો. ‘શોલે’ના એકે કલાકાર, દિગ્દર્શક, સહાયક દિગ્દર્શકે કે અન્ય કોઈએ એની નોંધ સુદ્ધાં ન લીધી. તેના પોતાના સમાજમાં તેની શહાદતની ભારે કદર થઈ, એટલું જ નહીં, એ દૃશ્ય ફિલ્મનાં ઉત્તમ પ્રતીકાત્મક દૃશ્યોમાંનું એક ગણાયું. બીજા કોઈએ નહીં તો એહમદમિયાંની ભૂમિકા કરતા કલાકાર સચીન પિલગાંવકરે સુદ્ધાં એક હરફ ન ઉચ્ચાર્યો. સચિન પાસે આટલી અપેક્ષા રાખવી સ્વાભાવિક ગણાય, કેમ કે, તેના મૃત્યુનું દૃશ્ય પ્રતીકાત્મક રીતે દર્શાવવા માટે જ એ મંકોડાને મારવામાં આવ્યો હતો. જો કે, આ અફસોસ માણસ તરીકે આપણને સૌને થાય છે. એ સમાજને તો ગૌરવ લેવા માટે એક નાયક મળી ગયો. આવનારી પેઢીઓ પોતાનાં સંતાનોને ગૌરવભેર કહેતી રહેશે કે આપણા સમાજના એક જણે હિન્દી સિનેમાના ઈતિહાસની મહત્ત્વની ફિલ્મ ‘શોલે’માં રૂપેરી પડદે દેખા દીધી હતી.
ઉપર મૂકેલા દૃશ્યને કાપ્યા પછી, ફિલ્મમાં જોવા મળેલું દૃશ્ય. (0.46 સુધી)


(લીન્‍ક: યુ ટ્યૂબના સૌજન્યથી)


શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

Author: Web Gurjari

3 thoughts on “‘શોલે’ની સૃષ્ટિ :શૂટિંગમાં શહીદ બનેલો અનામી કલાકાર

 1. ભગવદ્ ગીતા અને શોલે વિશે જ્યારે જ્યારે પણ કોઈ ચોરે ચૌટે,પોળ ના ઓટલે,ખેતરના ખાટલે થી વાત નીકળશે તો દૂરદૂર સુધી પહોચવાની જ.સત્યનારાયણ ની કથાની જેમ જ 200 વર્ષ પછી જય વીરુ ઠાકુર ની ગાથા ફોટા સહિત પાંચ અધ્યાય માં કહેવાશે જ અને લોકો જયદેવ અને વિરુસ્વમી ની જય બોલી ને શિરો પ્રસાદ રૂપે ઘરે લઈ જઈ સૌ ને વહેંચશે.
  તમારી જય એમાં પાછલા જન્મ માં આ કથા કોણે કોને કહી હતી અને એને હરિશાચાર્ય નામના અમર થઈ ગયેલા આઠમા અધિકારી એ જગત ને આ કથા આપેલી એ ચર્ચાશે.જય હો બિરુ દેવ કી..

 2. ‘શોલેની સૄષ્ટિ’ ની જે સુક્ષ્મ માર્મિકતાથી બીરેનભાઈએ રજૂઆત કરી તેને આ સ્વાન સોંગ અંકમાં એક અક્લ્પનીય ઊંચાઈ મળે છે.

  એહમદમિયાં ગબ્બર માટે એક મંકોડાથી વધારે ન હતો એ રૂપક જે નવીન દૃષ્ટિથી બીરેનભાઈની નજરે જોવાયું છે તે ‘શોલે’ જેટલું જ યાદ રહેશે.

  આવી ‘મસ્ત’ શ્રેણી બદલ બીરેનભાઈને અઢળક અભિનંદન

 3. આભાર, મિત્રો, આપના પ્રતિભાવ બદલ.
  મને પણ આ શ્રેણી લખવાની એટલી જ મઝા આવી.

Leave a Reply

Your email address will not be published.