કલમના કસબી : કનૈયાલાલ મુનશી – પાટણની પ્રભુતા

રીટા જાની


ગુજરાત હંમેશા વ્યક્તિવિશેષથી સભર રહ્યું છે. વ્યક્તિવિશેષ પણ એવા વિશિષ્ટ પછી તે ગુજરાતનો પાયો નાખનાર  મૂળરાજ સોલંકી હોય કે પછી મહાત્મા ગાંધી. ગુજરાતની ભૂમિની તાસીર છે કે અહીં એવા રાજકારણીઓ, મુત્સદ્દીઓએ  જન્મ લીધો  છે જેનો સમાજજીવન, પ્રજાજીવન અને ઇતિહાસ પર ઊંડો પ્રભાવ પડ્યો છે. આ વ્યક્તિવિશેષનો પ્રભાવ અને વર્ચસ્વ આત્મસાત કરીને કઈક નવુ પ્રાપ્ત કર્યું છે, જેની વાત મારે આજે કરવી  છે. આ વાતનું મહત્વ એ સમયે તો હોય જ પણ  આજે પણ એટલું જ  છે. ગુજરાતની ગરિમાનું ગાન પાટણની પ્રભુતાના પદ વિના અધૂરું છે.

સરસ્વતી નદીના કિનારે વસેલ અને ગુજરાતના સ્વર્ણિમ યુગનું સાક્ષી પાટણ, ગુજરાતને  ગુજરાત નામ મળ્યું તે પછી લગભગ છસો પચાસ વર્ષ સુધી  પાટનગર રહ્યું. સોલંકી રાજવીઓની રાજધાનીનું આ નગર -પાટણ એક કાળે વિસ્તાર અને વાણિજ્યમાં, શોભા અને સમૃદ્ધિમાં, વૈભવ, વીરતા અને વિદ્યામાં અગ્રસર હતું.  2014માં યુનેસ્કો દ્વારા તેને વિશ્વ ધરોહર સ્થળ તરીકે જાહેર કરવામાં આવ્યું. આવું પાટણ કનૈયાલાલ મુનશીની વિખ્યાત નવલકથા ‘પાટણની પ્રભુતા’, ‘ગુજરાતનો નાથ’, ‘રાજાધિરાજ’ અને ‘જય સોમનાથ’માં  કેન્દ્રમાં  છે.

આ એ નવલકથા છે, જેની અનેક આવૃત્તિઓ થઈ ગઈ છે. આ એ નવલકથા છે, જે ઐતિહાસિક નવલકથાઓમાં ફક્ત તેની લોકપ્રિયતાને કારણે જ નહિ પરંતુ તેની અનેકવિધ ગુણવત્તાના લીધે સર્વોત્તમ પુરવાર થઈ છે. આ એ નવલકથા છે જે ગુજરાત અને મહારાષ્ટ્રની શાળા કોલેજોમાં પાઠ્યપુસ્તક તરીકે ભણાવાતી રહી છે.

તેના પાત્રો  સોલંકી યુગના વંશજો છે. રાજા કર્ણદેવ અને મીનળ રાજ ચલાવી રહ્યા છે. દેવપ્રસાદ જે પોતાના જ કુળનો છે તેને દૂર કરી દીધો છે, એટલું જ નહિ પણ રાજખટપટના ભાગરૂપે તેની પત્ની હંસાથી છૂટો પડી દીધો છે.  તેને સત્તાથી બાકાત કરવામાં આવે છે. અહમથી દાઝેલા માણસને ચંદનલેપ પણ શાતા નહિ આપે. છતાં દેવપ્રસાદ અને તેના પુત્ર ત્રિભુવનને માટે પાટણનું હિત સર્વોપરી છે. મીનળને સત્તાનો ગર્વ છે કે પાટણ તે ચલાવી રહી છે. હકીકતે તે બુદ્ધિશાળી, તેજસ્વી, બાહોશ, દ્રઢ અને મુત્સદ્દી મંત્રી  મુંજાલની બુદ્ધિથી રાજ ચલાવી રહી છે. પણ સમય બદલાય છે અને કર્ણદેવ મૃત્યુ પામે છે ત્યારે મીનળ મુંજાલને પણ દૂર કરી એકલા હાથે રાજ કરવા માગે છે. મુંજાલ એ અતિ બુદ્ધિશાળી અને પ્રતાપી વ્યક્તિ છે, જે મીનળને ચંદ્રાવતીથી અહીઁ લાવે છે, કર્ણદેવ સાથે પરણાવે છે અને તેને પ્રિય બનાવે છે. તે વ્યક્તિગત રીતે આત્મત્યાગી છે.  તે પોતાની પત્નીનો ભોગ આપે છે, પોતાની બહેન હંસા જેણે દેવપ્રસાદ સાથે પ્રેમલગ્ન કર્યા હોય છે તેને પણ કેદમાં નાખે છે. માત્ર મીનળ અને ભરતખંડમાં પાટણની ધજા ફરકતી રાખવા બધું જ કરી છૂટે છે. મુંજાલના બધા ઉપકાર ભૂલીને મીનળ જતિની વાતમાં આવીને સત્તાના નશામાં  મુંજાલને પણ દૂર કરે છે. પણ પછી હાથમાંથી બાજી સરકતી લાગે છે. મીનળને ડર લાગે છે કે ક્યાંક મુંજાલ અને દેવપ્રસાદ મળી ન જાય. દેવપ્રસાદ અને મુંજાલને મળતા અટકાવવા તે હંસાને દેવપ્રસાદ પાસે મોકલે છે. વર્ષો પછી બે પ્રેમી જ્યારે મળે છે, ત્યારે બધી રાજખટપટ ભૂલી એકબીજામાં ઓતપ્રોત થઈ જાય છે. ત્યારે તેઓ જે મહેલમાં છે તે મહેલને આનંદસુરી આગ લગાડે છે. હંસા અને દેવપ્રસાદ એકબીજાને ભેટીને સરસ્વતી નદીમાં કૂદી પડે છે ને જાન ગુમાવે છે. આ સમાચાર દેવપ્રસાદના પુત્ર ત્રિભુવનને મળે છે. મીનળ મુંજાલને મનાવવા  નગર બહાર હોય છે. અહીં ઉંમરમાં નાનો પણ તેજસ્વી  ત્રિભુવન પાટણ સંભાળે છે.  મીનળ મુંજાલને મનાવે છે. મુંજાલ ત્રિભુવનને સમજાવે છે ને રાણી મીનળ પાટણમાં પાછી ફરે છે. મુંજાલ આવતા જ પાટણનું બધું તંત્ર નિયમિત અને વિનયશીલ બની જાય છે, એ મુંજાલની ધાકનો પ્રતાપ છે. મુંજાલની નજર નીચે કર્ણદેવના મૃત્યુને સવા મહિનો પૂરો થતાં જયદેવ પરાક્રમી ગુર્જરેશોના સિંહાસને બેસે છે. જયદેવના રાજ્યાભિષેકને ભૂલી જાય એવા દબદબાથી દંડનાયક ત્રિભુવનપાળ અને પ્રસન્નમુખીના લગ્ન થાય છે.

આ તો થોડી ઝાંખી આ નવલકથાની… મુનશીજીએ  કર્ણદેવ, મીનળ, મુંજાલ જેવા ઐતિહાસિક પાત્રો લઈ તેમાં આનંદસુરી જેવા કાલ્પનિક પાત્રો ઉમેરી કથાની એવી સુંદર ગૂંથણી કરી છે કે વાચક પોતે પણ એ કથાનો એક ભાગ બની જાય છે. મીનળ-મુંજાલ, હંસા-દેવપ્રસાદ અને પ્રસન્ન-ત્રિભુવનની પ્રણયકથા એટલી તો સંવેદનાસભર છે કે વાચક એ પ્રેમરસમાં ન ભીંજાય તો જ નવાઈ. મુનશીની મહત્તા એ છે કે તેઓ  ફક્ત શુષ્ક ઇતિહાસ પીરસતા નથી  કે પછી તેમના પાત્રો દ્વારા નથી નીતિ કે સદગુણોનો કોઈ સંદેશ  આપવા  માગતા. તેમણે તો પોતાની કલ્પનાનું સુંદર, રસપ્રચુર, ભાવપૂર્ણ વિશ્વ રચ્યું છે. તેમની કથાના પાત્રો તેજસ્વી, શૌર્યવાન, વીરત્વથી છલકતા, પ્રતાપી,પરાક્રમી અને પ્રેમઘેલા  પ્રણયી છે. તેમની કથામાં  રાજરમતના આટાપાટા છે, મેઘગર્જના સમ શબ્દના પ્રવાહો છે ને ચોટદાર સંવાદો પણ છે. પાત્રો ઇતિહાસમાંથી લીધા હોવા છતાં  મુંજાલને રાજનીતિ કરતાં જોઈએ તો આજના રાજકારણની યાદ આવી જાય. તો પ્રસન્ન અને ત્રિભુવનની પ્રણયકથા જાણે આજના સમયની જ હોય તેવું વાચક અનુભવે એ મુનશીની કલમનો કસબ નહિ તો બીજું શું છે?

અહી એક વાત ઉડીને આંખે વળગે છે કે રાજકીય અંધાધુંધીમાં પણ દરેક પાટણવાસી ધર્મ કે જાતિના બધા મતભેદ અને  વેરભાવ ભૂલી પાટણની અખંડિતતાને ઉની આંચ ન આવે માટે એક થઈને ઊભા રહે છે અને એ જ છે પાટણની પ્રભુતા. આ વાત કોઈપણ રાષ્ટ્ર માટે આજે પણ એટલી જ સાચી છે. જ્યારે પટ્ટણીઓ એક થઈને ઊભા રહે છે ત્યારે  જ અકબંધ રહે છે પાટણની પ્રભુતા.


સુશ્રી રીટાબેન જાનીનો સંપર્ક janirita@gmail.com વિજાણુ સરનામે થઈ શકે છે.

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.