લ્યો,આ ચીંધી આંગળી : યાદ-એ-આદમ શેખાદમ (ભાગ ૧)

રજનીકુમાર પંડ્યા

(મર્હૂમ શાયર શેખાદમ આબુવાલા ૧૯૮૫ના મે ની ૨૦ મીએ જન્નતનશીન થયાહતા. (જન્મ ૧૫-૧૦-૧૯૨૯). તેમની સ્મૃતિઓને તાજી કરતો લેખ.)


“મોત કોને ગમે છે? જિંદગી કોને વહાલી નથી? આટલા ઈશારામાં બુવાજીસાહેબા, તમે સમજી જશો કે તમારો લાલ તમને શું કહેવા માગે છે ? આ ૨૯મી સપ્ટેમ્બર હનીની વરસગાંઠ છે. એ તમને ખાસ યાદ કરે છે, અને સલામ લખાવે છે.” આ પચ્ચીસમી સપ્ટેમ્બર ૧૯૬૧નો પત્ર વાંચતા અગાઉ એ હકીકતની જાણકારી મેં મેળવી લીધેલી. એક તો એ કે બુવાજીસાહેબા એટલે એની બા અને હની એટલે એની મહેબૂબા. પણ “મોત કોને ગમે છે ? ને જિંદગી કોને વહાલી નથી ?” એ શબ્દો શેખાદમે છેક જર્મનીથી શા માટે પોતાની માતાને લખ્યા હશે અને ઈશારો એટલે કયો ઈશારો ?

બહુ વિચિત્ર પરિસ્થિતિમાં મુકાવું પડે છે  ક્યારેક. પ્રશ્નો જાગે, પીડે અને છતાંય પૂછી શકાય નહીં. ખરખરે આવ્યા હોઈએ ત્યારે ખરેખર ખરખરો જ કરાય. મરનારના સ્વજનનું નિવેદન લેવાય નહીં. એના ઈતિહાસ પર તૂટી પડાય નહીં. રડવું આવે તોય બાળકની જેમ છુટ્ટે મોંએ રડી દેવાય નહીં. એની કોઈ મીઠી સ્મૃતિ પર ખડખડાટ હસી પણ શકાય નહીં. આવા આવા અંકુશો લાદવા પડે છે જાત પર !

પણ મન તો ચહેરા વગરનું હોય છે. ગમે ત્યાં વિચરી શકે. એટલે ચહેરાને એકદમ ખરખરાથી રંગેલો રાખીને મારે મારા સ્મૃતિવનમાં ભટકવા નીકળી પડ્યું. બહુ પાંખાં પાંખાં ઝાડવાં  હતાં શેખાદમની સ્મૃતિનાં ! ત્રણ-ચાર પ્રત્યક્ષ મુલાકાત, ત્રણ-ચાર પત્રો, ત્રણ-ચાર કોઈ કોઈ સાથે પાઠવેલી યાદીઓ.પણ ધીરે ધીરે આ બધું સઘન થતું જતું હતું. ત્યાં જ વરસતાં વરસતાં વીખરાઈ ગયેલી વાદળીની જેમ એ એ રીતે વિખરાઈ ગયો કે નેજવું કરીને ક્ષિતિજ પર નજર નાખતાં, ખેંચતાં પણ એની ભાળ ન મળે. થોડુંય આમાં ભીંજાયા એટલી જ કેવળ સ્મરણમાધુરી શેષ રહે.

એની છેલ્લામાં છેલ્લી સ્મૃતિ હતી. તેની પહેલામાં પહેલી યાદ આવી. છેતરપિંડીની ! શેખાદમે મને છેતર્યો હતો. મેં પત્ર લખી ફરિયાદ કરી તો જવાબમાં એણે લખ્યું કે “ભાઈ, જાતને ચતુર માનતા કાગડાને છેતરવો એ કોયલનો ધર્મ છે.”  મને એ વખતે હસવું આવી ગયું હતું – આ વાંચીને. અને અત્યારે પણ, સિરાજ રંગવાલાને મળતી વખતે પણ.

‘કેમ?’ મને શેખાદમના બનેવી સિરાજ રંગવાલાએ પૂછ્યું :‘શું થયું ?’

‘વિનોદ ભટ્ટે એના ‘શેખાદમ ગ્રેટાદમ’ પુસ્તકમાં લખ્યું છે એવું મને થાય છે. મને અત્યારે પોકે ને પોકે હસવું આવે છે. કેવો નટખટ હતો ! યાદ આવી ગયું. મને છેતરેલો !’

કોણ પૂછતું હતું કે કઈ રીતે ? કોઈ નહીં. સિરાજ રંગવાલા ઓરડામાં પડેલા એક વૈભવી પલંગ પર પાછળથી હાથ પસવારીને ગાદલા પર બેઠા હતા. હશે કોઈ યાદી એમના મનમાં પણ. હું શું કામ પૂછું ? મને મારી વાત કરવામાં રસ. મેં કહ્યું : ‘બનેલું એવું કે ધંધુકાની એક સંસ્થા તરફથી બોલવાનું આમંત્રણ મને આવેલું. જવાનું તો ટકોય મન નહીં, પણ લખનારે લખ્યું હતું કે શેખાદમ આબુવાલાનું સન્માન છે, ને એમની ઈચ્છા છે કે તમે આવો. ના પાડવાનો કોઈ ચાન્સ જ ન રહ્યો. શેખાદમનું સન્માન હોય ને મારાથી નખરું કરાય? –‘ચાલો’ મેં કહ્યું કે આવું છું. ગયો ત્યારે હવામાં ‘શેખાદમ ‘આવે છે – આવી રહ્યા છે – દેખાવા જ જોઈએ’નો ભાસ હતો.પણ સવારના આઠ ગણતાં બાર વાગ્યા ને સાંજે અંતરિયાળ થઈ. ધંધુકાના આયોજકો એટલા ભલા કે કોઈ વાતે ઓછું ન આવવા દે. ભલભલા પ્રધાનો હાજર, પૈસાદારો હાજર, પણ શેખાદમની સે કોણ પૂરે ? એના વગર કંટાળો એટલો બધો આવ્યો કે રાતનો નાટારંભ જોવા હું ના રહ્યો અને નાઠો. શેખાદમને ધધડાવીને કાગળ લખ્યો, તો કહે, ’ એટલી અક્કલ નહોતી ? હું તે સન્માન-બન્માનમાં જતો હોઈશ? મેં તો મારી અલાબલા તારા ઉપર નાખી. ‘કાગડો અને કોયલ…’ કોઈ કોઈનાં ઈંડા સેવે.”

વિનોદને વાત કરી તો કહે, ‘શેખાદમની વાત સાચી છે. તું એને પૂરો ઓળખતો નથી. શેખાદમ સન્માન જેવા સમારંભનો માણસ જ નથી.’  વિનોદની વાત સાંભળીને શેખાદમના સાવ નિકટના પરિચયથી વંચિત રહ્યાનો રંજ થઈ આવ્યો. પણ થાય શું ? સમયની સડક પર કોઈને ય ઓવરટેઈક કરી શકવાની વ્યવસ્થા નથી. નહિતર ઝડપથી દોડીને નહીં કપાયેલું અંતર ‘કવર’ કરી લેત. આમ મને થઈ આવ્યું.

આવી મજાકિયા વાત મેં કરી, તો પણ સિરાજ રંગવાલાની આંખમાં પાણી તગતગતાં હતાં. અનરાધાર આંસુ સહન થાય છે, પણ આંખમાં ખૂણે અટકી રહેલાં ટીપાં જોયા જતાં નથી. રુદન માણસને બચાવી લે છે. પણ ડૂમો તો ગૂંગળાવી જ નાખે છે. એવી કંઈક સરખામણી આ બાબતમાં સૂઝી એટલે અકળાઈને મેં એમને કહ્યું કે ‘માલિકની મરજી સામે આપણું કંઈ ચાલતું નથી. ને શેખાદમ તો મિત્રોનાં હૃદયમાં જીવંત છે ને જીવંત રહેશે.’ આવું આવું હજુ વધારે બોલત,પણ મેં જોયું કે આવા સાવ ગ્લિસરીનનાં આંસુ જેવા શબ્દોથી આ માણસ પર થઈ ગયો છે. એને ખુદને કંઈક બોલવું છે. શું ?

તો કહે કે – ‘આ પલંગ જોયો ?’

સરસ મઝાનો મખમલી સોફા કમ-બેડ જેવો પલંગ હતો. હતો અતિશય સુંદર. પણ એથી શું?

‘આ પલંગ શેખાદમ જર્મનીથી પોતાના માટે લાવેલા.’ એમણે કહ્યું.

‘બરાબર…’ મેં કહ્યું: ‘લાવ્યા હશે… રંગીન માણસ હતા.’

‘ને આ જ પલંગ પર એમણે પ્રાણ છોડ્યો.’ એમણે તાકીને મારી સામે જોયું અને ‘રંગીન’ શબ્દને નજરથી ભડાકે દીધો. પલંગ જોઈને વિલાસના વિચારો જ આવે છે ? એની પર મરવાના નથી આવતા? મરવાના ? આરામથી એના પર છેલ્લો દમ ભરવાના ?

હું એમની સામે જોઈ ન શક્યો. સામે અલમારી પર દૃષ્ટિ ગઈ તો એમાં સામસામે ખૂણે બે મોટી તસવીરો ટેકવેલી હતી. એક વડા મુલ્લાજીની હતી ને સામેના ખૂણે જગન મહેતાએ લીધેલી શેખાદમની હતી. એમાં પણ શેખાદમ શરારતી નજરથી મારી સામે જોઈને હસતો હતો. ભારે ચમકતી આંખો હતી એમાં. ‘કેમ! પલંગ જોઈને છેતરાઈ ગયો ને ! એમ છે ત્યારે…’

‘મને તો એમ કે…’ હું શબ્દો ગોઠવવા માંડ્યો, ‘આપણે તો શું કે એવું સાંભળેલું – સાંભળેલું શું ?પણ હમણાં મુંબઈના એક સાપ્તાહિકમાં શેખાદમના એક ડેન્ટિસ્ટ મિત્રે લખેલું તે વાચેલું કે શેખાદમ એક આખી સૂટકેઈસ ભરીને જર્મનીથી પ્રેમપત્રો લાવેલો તે કસ્ટમ ઑફિસરે મુંબઈના એરપોર્ટ પર જપ્ત કરેલા… એટલે આ પલંગને જોઈને એવું થયું કે આ પલંગ કદાચ…’

‘બીજું શું વાંચેલું?’

‘કે એ જર્મની ગયા પહેલાં કોઈ હિંદુ છોકરીના પ્રેમમાં હતો, ને પછી કોમના કારણે લગ્ન ના થઈ શક્યાં ને પછી એ છોકરી એને લાંબાં લાંબાં પ્રેમપત્રો લખતી હતી. ને પછી એ પત્રો એરપોર્ટ પર કસ્ટમ-ઑફિસરે જપ્ત કરેલા…’

‘અરે, કોઈ કસ્ટમ ઑફિસર કદી કોઈના પ્રેમપત્રો જપ્ત કરી શકે ?કરે છે ? સિવાય કે એ પોતે છોકરીનો બાપ,કે ભાઈ હોય !’ એ બોલ્યા : ‘વાત આખી મરડેલી છે. ક્યાંય થોડુંક પક્ષીય રાજકારણ અંદર ભેળાઈ ગયું છે. જે છોકરીની વાત એ ભાઈએ લખી છે એ તો જર્મનીમાં જ હતી અને પરણેલી હતી. એ દંપતી સાથે શેખાદમને તદ્દન કુટુંબ જેવો નિર્મળ સંબંધ હતો. એ છોકરીના બાપ ઈન્ડિયામાં અને જનસંઘી હતા. લખનાર મિત્ર પણ એવા જ કોઈ પક્ષના… શેખાદમના એ નજીકના મિત્ર સાચા, પણ ઘણાને બેતાલાનાં ચશ્માં હોય છે. દૂરથી જુએ તો જ સ્પષ્ટ ચિત્ર દેખાય, નજીકથી જુએ તો બધું ભેળાઈ જાય.’

‘પણ જર્મનીમાં કંઈ શેખાદમ સાવ કોરો…’ પણ વાણીને એક બ્રેક મારી દીધી. વાતાવરણ કેટલું વજનદાર હતું ? એક માત્ર તસવીરમાંના શેખાદમ સિવાય સૌનાં મોં ગમગીનીમાં લપેટાયેલાં હતાં. જે ઓરડામાં શેખાદમે છેલ્લો શ્વાસ લીધો હતો, એ ઓરડામાં અમે બેઠા હતા. સામે જે હતા તે એના બનેવી હતા, નહીં કે કોઈ રહસ્યભેદુ મિત્ર ! એમના હાથમાં શેખાદમે પોતાની માતા ઉપર એકસઠની સાલમાં લખેલો પત્ર હતો, જે અમસ્તો જ એમણે જોવા કાઢ્યો હશે, ને મારે હાથ ચડ્યો હતો. એમાં જ લખ્યું હતું કે મોત કોને વહાલું છે ? જિંદગી કોને વહાલી નથી? બુવાજી (અમ્મા), તમે સમજી જશો કે તમારો લાલ તમને શું કહેવા માગે છે ? – તેનો ભેદ હું સિરાજમિયાંને પૂછવાનો હતો.. શેખાદમની પ્રેમકહાનીઓનો નહીં.

પણ સિરાજ રંગવાલા વકીલ હતા. અમદાવાદના નારાયણનગર રોડ (પાલડી‌) ઉપર વિશ્વકુંજના બસસ્ટેન્ડ પાસે ડી.સી. ગાંધી એસોસિયેટ્સમાં ઑફિસ ધરાવતા બહુ ચાલાક એડવોકેટ હતા.(હવે તો એ પણ જન્નતનશીન છે.તરત જ મારી આંખના સંકોચને પારખી ગયા બોલ્યા :’તમે ફિકર ના કરો. તમને ખબર છે ? હું એમનો બનેવી હતો,  એ સાચું, પણ મિત્ર વિશેષ હતો. એક ચોપડી પણ તેમણે ‘અર્પણ એ બનેવીને કે જેમણે સાળાને મિત્ર માન્યો’ લખીને મને અર્પણ કરી છે. એની કોઈ વાત મારાથી છૂપી નહોતી. પૂછો, શું પૂછવું છે ? એ પત્રમાં ‘હનીની વરસગાંઠ છે અને તમને સલામ લખાવે છે.’ એ હની કોણ એ પૂછવું છે ને !’

‘હની વિષે થોડું વિનોદ ભટ્ટે એમના પુસ્તક ‘શેખાદમ ગ્રેટાદમ’માં લખ્યું છે અને એના પ્રકાશકે પણ થોડી વાત કરી છે. મારે તો એ જાણવું છે કે જિંદગી અને મોતની વાત એમણે કયા સંદર્ભમાં લખી છે ?’

‘જર્મની, શેખાદમ, હની અને અમ્મા… એ ચારે મળીને એક અલગારીની વાર્તા બને છે.’ એ બોલ્યા: ‘કોઈ એકને જુદું પાડીને તમે આખી વાર્તા ન લખી શકો. દરેક પુત્ર એની માતાનો અંશ તો હોય જ છે. છે.પણ શેખાદમ તો એનો શ્વાસ હતો. તમે એ અમ્માને જોઈ છે ? –જેને બે જ પુત્રો હતા અને ફક્ત બે જ માસના ગાળામાં એણે બંને પુત્રોને ખોયા. મોટો અબ્દેઅલી નવમી માર્ચ ઓગણીસસો પંચાસીના રોજ ગયો અને નાનો શેખાદમ વીસમી મેના દિવસે ગયો. અમ્મા મોતીબાઈની હાલતનો અંદાજો આવી શકે છે ?’

‘ક્યાં છે?’ મેં પૂછ્યું ખરું, પણ ‘કેમ છે ?’– પૂછવાની હિંમત ન ચાલી.

‘એમના વહોરવાડના જૂના મકાને.’ એ બોલ્યા :‘શેખાદમે ભલે દેહ અહીં મારા ઘરમાં છોડ્યો, પણ એ સામાન્ય રીતે રહેતા તો હતા ત્યાં જ.’

હા, શેખાદમ વિષે પ્રબોધ પરીખ અને દિનેશ શુક્લે પણ વાત કરી હતી. શેખાદમની કવિતા એ વારસાઈ કવિતા હતી. એની માતાના પિતા અબ્દેઅલી ‘કબર’ના તખલ્લુસથી મર્સિયા, ધાર્મિક પદ્ય લખતા હતા. જાણીતા હતા. એમના જમાનામાં એ નાનાજીનો વારસો શેખાદમે લીધો હતો. નાનપણથી જ શોખ વળગ્યો હતો. તારક મહેતા અને શેખાદમ સાવ નાનપણમાં અમદાવાદની ટ્યુટોરિયલ હાઈસ્કૂલમાં સાથે ભણતા ત્યારે કવિ ન્હાનાલાલનું ‘જહાંગીર નૂરજહાં’ શેખાદમે જ તારક મહેતાને આપેલું. કવિતાની આવી નાળથી શેખાદમ માતા સાથે સદાયે જોડાયેલા જ રહ્યા.

(યુવાવયે શેખાદમ)

‘એટલે જ શેખાદમ જર્મની ગયા ત્યારે..’ રંગવાલા બોલ્યા: ’માતા સતત એની પાછળ ઝૂરતી રહી. ચોપનમાં એ પહેલવહેલા જર્મની ગયા. વચ્ચે બે-ચાર વાર નાની-મોટી આવ-જા બાદ કરતાં ફરી છેક ચુમ્મોત્તેરની સાલમાં દેશમાં આવ્યા. પચીસ વરસની ઉંમરે ગયા અને પિસ્તાલીસ વરસની ઉંમરે પાછા આવ્યા. ભારતમાં માતાઓ પોતાના પચ્ચીસ વરસના છોકરાના બાળકને ગોદમાં તેડીને હરખાતી હરખાતી ફરવા માંડી હોય છે, ત્યારે એ ઉંમરે આ અમ્માએ છોકરાના છોકરાની વાત તો દૂર, પણ છોકરાને ખુદને જ નજરથી અળગો થતો જોયો. દિલીપકુમારે નૂરજહાંને કહ્યું હતું તેમ ‘જિતને સાલ આપ હમ સે દૂર રહીં, ઠીક ઉતને હી સાલ હમને આપ કા ઈંતજાર કિયા…’  તેમ જે પળથી શેખાદમ દૂર ગયા એ પળથી અમ્માએ એનો ઈંતેજાર કરવાનું શરૂ કરી દીધું. ઊછળતા પૂર જેવી દીકરાની જુવાની માને જોવા જ ન મળી. હા, ક્યારેક…’ એ બોલતાં બોલતાં અચાનક જ ખામોશ થઈ ગયા. સામેની સફેદ દીવાલ જાણે કે ટી.વીનો પરદો હોય એમ કોઈ દૃશ્યને મનોમન જોઈ રહ્યા.

‘મને એ દિવસો સાંભરે છે..’ એ બોલ્યા: ‘જ્યારે ક્યારેક જર્મની રેડિયોની હિંદી સર્વિસ પરથી એમનો અવાજ સાંભળવા મા રાત-ઉજાગરે રેડિયો પાસે કાન ધરીને કલાકો સુધી બેસી રહેતી. ’શેખા’નો અવાજ કાને પડતાં જ એમના ચહેરા ઉપર કાનથી શેખાને સાંભળ્યાનો આનંદ અને આંખથી એને ન જોઈ શકવાનું દુઃખ એકસામટાં ફરી વળતાં. શેખાદમ ક્યારેક તક મળ્યે એમાં અમ્માનું નામ પણ બોલે. સાત સમુદ્ર પારથી રેડિયોમાં હવામાનની ખલેલ સાથેનો, ક્યારેક સ્પષ્ટ સંભળાતો, ક્યારેક ઊંડો ચાલ્યો જતો પુત્રનો અવાજ અને એ અવાજમાં સંભળાતું પોતાનું નામ… આથી મોટું સુખ, કયો પુત્ર પોતાની માને આપી શકે ?સુખ, આથી વધુ મોટું સુખ હોઈ પણ શું શકે ?’

માતા માટેની લાગણી તો એણે ‘ઘીરતે બાદલ ખુલતે બાદલ’ નામના પોતાના હિંદી કાવ્યસંગ્રહની અર્પણ પંક્તિઓમાં આ રીતે વ્યક્ત કરી છે :

મૈં જનમ લૂં તો મહેરબાં હોના,
તૂ મેરી બારબાર માં હોના,

‘પણ તો પછી જિંદગી અને મોતની વાત શેખાદમે માને કેમ લખવી પડી ?’

‘જર્મની યુદ્ધગ્રસ્ત દેશ હતો.’ એ બોલ્યો: ‘માને સતત ચિંતા રહ્યા કરતી કે ફરી જર્મની યુદ્ધમાં ઝંપલાવશે, અને બોમ્બમારામાં સપડાઈ જશે તો દીકરાનું શું થશે? પૂરો પત્ર વાંચો. જવાબમાં “તમારો દીકરો ‘શેખા’ લખે છે કે હવે લડાઈ થાય તે વાતમાં કંઈ દમ નથી, છતાં જો કોઈ લડાઈ જેવું થાય તો ભારત સરકારનું એલચી ખાતું અમને તરત જ હિંદુસ્તાન સહીસલામતીપૂર્વક મોકલી આપે. માટે ખોટી ફિકર કરશો નહીં. મારી આંખો પણ ખુલ્લી છે… ને હા… હની તમને સલામ લખાવે છે.’

‘હની? એની પ્રેમિકા ?’ મેં પૂછ્યું.

‘હા.’ એમણે જવાબ આપ્યો: ‘જેની સાથે શાદી કરવા માટે એ પોતાના જૂના લગ્નમાંથી તાબડતોબ તલ્લાક લેવા ભારત આવ્યા હતા.’

‘તલ્લાક!’ મને અત્યંત નવાઈ લાગી :‘અરે,શું કહો છો ? શેખાદમ આબુવાલા શાદીશુદા હતા ?’

‘શેખાદમ શાદીશુદા હતા?’ જેવા મારા સીધા સવાલનો સામનો કરવામાં રંગવાલા કદાચ ઊણા ઊતરશે, ગલ્લાંતલ્લાં કરશે એવી મારી ધારણા હતી. પણ પછી એમ થયું કે મેં ક્યાં માહિતી શોધી લાવીને એમને પૂછ્યું હતું ? એમણે જ તો કહ્યું હતું ! એટલે એમને મન આ સામનો નહીં, પણ સુસંગત સંવાદ હતો – હોવો જોઈએ.

પણ છતાં થોડોક ક્ષોભ તો એમને થયો હતો એમ મને લાગ્યું. થોડીક નજર નીચી કરીને એ બોલ્યા : ‘શાદીશુદા હતા, કાયદેસર રીતે હતા, પણ એ કંઈ શાદી કહેવાય એવી શાદી નહોતી.’

વકીલ ઊઠીને આમ બોલે એ નવાઈ કહેવાય. પણ ફક્ત વકીલ નહોતા, બનેવી જ નહીં, મિત્ર પણ હતા –શેખાદમના. એટલે માત્ર વિધિની કાયદેસરતા જ નહીં, પણ નિરર્થકતા પણ એમની નજરમાં આવતી હતી. બોલ્યા : ‘એકાવનની સાલમાં એમની એકવીસ વરસની ઉંમરે સમૂહલગ્ન જેવા કોઈ સમારંભમાં વડા મુલ્લાજીની હાજરીમાં જ એમની શાદી અમારી જ કોમની એક છોકરી સાથે થઈ હતી, પણ શેખાદમ કે એ છોકરી એ બંનેને મન એની કોઈ ગંભીરતા નહોતી. એ વખતે શેખાદમ નોકરી ધંધામાં સ્થિર પણ નહોતા, એટલે દુલ્હનને સાસરે પણ વળાવી ન હતી એનાં પિયરિયાંઓએ. પછી એક દિવસ પણ સાથે રહેવાનો સવાલ જ નહોતો. અરે, સાથે હર્યા ફર્યા હોય કે નાટક સિનેમા જોવા ગયાં હોય એવું પણ નહીં ને ! ને ચોપનમાં તો એ જર્મની ગયા.’

‘પણ તો પછી આ તલ્લાક માટે એણે જર્મનીથી ભારત કેમ આવવું પડ્યું?’

‘કારણ કે શાદી તો કાયદેસર હતી અને જર્મનીમાં પણ એક વાર પરણેલો માણસ બીજી વાર પરણી શકતો નથી, સિવાય કે પ્રથમ લગ્નમાંથી એ તલ્લાક મેળવે – એટલે હની સાથે લગ્ન કરવા માટે એ તલ્લાક લેવા વાસ્તે ભારત આવ્યા. જેમ એ શાદી માટે કોઈને બહુ ઉત્સાહ નહોતો, તેમ એ તલ્લાક માટે કોઈનો વિરોધ નહોતો. તલ્લાક તરત જ થઈ ગયા. પછી શેખાદમ એમ.એ. કરવા થોડું રોકાયા. આ ૧૯૫૯ની વાત છે. પણ પછી શેખાદમ પાછા તરત  જર્મની ચાલ્યા ગયા.’

નસીબદાર કહેવાય શેખાદમ. માથે પહેરેલી ટોપી હળવાશથી ઉતારીને નીચે મૂકી દેવાય. એટલી સરળતાથી તલ્લાક થઈ ગયા. નહીંતર અહીં તો ઘંટીનું પડ ગળેથી ઉતારતાં વાળ કાળામાંથી ધોળા થઈ ગયાના દાખલા છે. શેખાદમ જે કામ માટે ભારત પાછા આવ્યા તે આમ સરળતાથી પતી ગયું. પણ જે શાદી માટે પાછા જર્મની ગયા તે ? તેનું શું થયું ?

રંગવાલા બોલ્યા : ‘ન થઈ. એ શાદી પણ ન થઈ. કોઈના જીવનમાં શાદી સરળ અને તલ્લાક કઠિન હોય છે, શેખાદમના જીવનમાં તલ્લાક સરળ અને શાદી કઠિન હતી. તે રીતે આ બધું કરવા છતાં હનીનાં માબાપ રાજી ન થયાં તે ન જ થયાં, કારણ કે હની લોરેના બાપ એક પાદરી હતા. શેખ અને હનીના પરસ્પર ગાઢ પ્રેમમાં એ શેખના મુસ્લિમ હોવાના કારણે વિરોધમાં હતા, આમ છતાં શેખના તલ્લાક થયા પછી હની સાથે સગાઈ તો થઈ શકી, પણ સતત વિરોધને કારણે લગ્ન તો ન જ થઈ શક્યાં. બાકી હની બોન શહેરમાં રહેતી હતી. તબીબી શાખામાં અભ્યાસ કરતી હતી. અરે, આદમ માટે રસોઈ પણ બનાવતી હતી અને તે પણ ભારતીય વાનગીઓ ! આદમનાં કપડાં-લત્તા પણ ધોઈ આપતી હતી અને ગુજરાતી વાંચતાં પણ શીખી ગઈ હતી. આમ, પૂરો પત્નીભાવ એ આદમને માટે અનુભવવા માંડી હતી. આદમ પોતાની માતાને પત્ર લખતો ત્યારે આગ્રહ કરી કરીને એ સલામ પણ લખાવતી હતી. શેખ પણ ગળું ફુલાવેલા મોરની જેમ માતા પરના પત્રમાં ટહુકો કરતો કે ‘હની સલામ લખાવે છે.’ એ ૧૯૬૧ના ગાળામાં એના પત્રો આવા ખુશમિજાજી હતા, એક મિત્ર જયંત પરમાર પરના પત્રમાં એણે લખ્યું હતું : ‘શેખાદમ નામના કનૈયામાંથી એણે મને પત્નીપરાયણ પતિ બનાવી દીધો છે’. આટલું લખ્યું – પણ, પછી પેલું જુગજૂનું માતાપિતા – વિરોધકાંડનું નાટક ભજવાઈ ગયું. શેખાદમનું હની સાથે મળવાનું તો ઠીક, પણ ફોન પર વાત કરવાનું પણ બંધ થઈ ગયું. અથાક પ્રયત્નો પછી પણ હની સાથે લગ્નમેળાપ તો ઠીક, સામાન્ય મેળાપની શક્યતાઓ પણ ક્ષીણ થઈ ગઈ. અને છેવટે સગાઈ તૂટી ગઈ. હની પણ કંઈ ઓછી દુઃખી નહોતી.એ પણ ‘શેખુ નહીં તો કોઈ નહીં.’ કહીને સાધ્વી (નન) બની ગઈ. શેખથી પણ દૂર ચાલી ગઈ. અને આદમ પણ માના આગ્રહ છતાં ફરી ના પરણ્યા એ એમની પણ ટેક ! પણ એમના જીવનમાં આ અદૃશ્ય હોનારત સરજાઈ ગઈ.

(માતા સાથે શેખાદમ)

‘પછીની હાલતનો અંદાજ આજે પણ આ સાંભળ્યા પછી કોને ના આવે? ન આવે તેણે તો શેખાદમના એક સો આઠ પંક્તિ ધરાવતા આક્રંદ કાવ્ય ‘દસ સાલ બાદ’ કે જે એમણે ‘અપને એક ખ્વાબ કો દફના કે અભી આયા હૂં’ નામના ઉર્દૂ કાવ્યસંગ્રહમાંથી લીધું છે, તેનો આટલો અંશ વાંચવો જોઈએ.

યે વહી ખત હૈ મિરી જાન, તુઝે યાદ નહીં,
મૈંને અક્સર જિસે લિકખા થા લહૂ સે અપને,
અપને તકિયા કે તલે રખકે જો સો જાતી થી,
તો જો બન જાતે થે ચુપચાપ ગુલાબી સપને.

                    ************

તેરી ઉલફત કે ફક્ત એક ઈશારે પે સનમ,
મૈં ચલા આયા તિરે પાસ વતન છોડ અપના,
અબ મૈં કિસ મુંહ સે તિરે પ્યાર કા દામન માંગૂં,
તૂ જો ચલ દી હૈ મુઝે છોડકે મુંહ મોડ અપના.

*************

અપને ઈક ખ્વાબ કો દફના કે અભી આયા હૂં,
અબ મુઝે ચૈન સે સોને દે તો અચ્છા હોગા,
મૈં બહુત જોર સે હંસતા રહા દસ સાલ તલક,
દો ઘડી કે લિયે રોને દે તો અચ્છા હોગા.

*************

મૈં તો બદબખ્ત હૂં સબસે ભી જિયાદા આદમ,
અબ મૈં ક્યાં હૂં ફક્ત આવારા-સા ઈક સાયા હૂં,
કૌન મુર્દોં કોં હંમેશા કે લિયે રખતા હૈ.
અપને ઈક ખ્વાબ કો દફના કે અભી આયા હૂં.

‘એક અરસા પછી’ રંગવાલા બોલ્યા: ‘શેખાદમના પત્રો પણ આવતા બંધ થઈ ગયા. એની માહિતી પણ આવતી બંધ થઈ ગઈ. કારણ ?


( વધુ આવતા સપ્તાહે)


લેખકસંપર્ક

રજનીકુમાર પંડ્યા.,
બી-૩/જી એફ-૧૧, આકાંક્ષા ફ્લેટ્સ, જયમાલા ચોક,મણિનગર-ઇસનપુર રૉડ,અમદાવાદ-૩૮૦૦૫૦
મો. +91 95580 62711 ( વ્હૉટ્સએપ) / લેન્ડલાઇન- +91 79-25323711/ ઇ મેલ: rajnikumarp@gmail.com

Author: Web Gurjari

4 thoughts on “લ્યો,આ ચીંધી આંગળી : યાદ-એ-આદમ શેખાદમ (ભાગ ૧)

  1. જલ્દી થી બીજા સપ્તાહ ની રાહ જોઈ રહ્યા છીએ સાહેબ, બાકી શેખાદમ જેવા વ્યક્તિ નું જીવન અને કવન જાણવાની કોને ઈચ્છા ના હોય !આભાર સાથે બલવીર સિંહ જાડેજા

Leave a Reply

Your email address will not be published.