ફિર દેખો યારોં : ભેદભાવનાં મૂળિયાં ધાર્યા કરતાં વધુ ઊંડે પહોંચેલાં છે!

બીરેન કોઠારી

માનવજીવનમાં જ્યારથી સંસ્કૃતિનો એટલે કે સભ્યતાનો પ્રવેશ થયો એ પછી અનેક દૂષણો પ્રવેશતાં ગયા એમ લાગ્યા વિના રહે નહીં. પહેલાં જે બાબતો સાવ સહજ અને સ્વીકૃત હતી એ હવે સભ્યતાના અંચળા હેઠળ અસ્વીકૃત અને શરમજનક બનવા લાગી. અલબત્ત, માનવસંસ્કૃતિનું મહાદૂષણ ગણાવવું હોય તો ભેદભાવની વૃત્તિને ગણાવી શકાય. ભેદભાવની આ અધમ વૃત્તિ વિવિધ વિકૃત સ્વરૂપે અમલી બનતી ગઈ. લૈંગિક ભેદભાવ લગભગ સાર્વત્રિક બનતો ગયો. વંશીય કે જાતિગત ભેદભાવ પ્રત્યેક સભ્ય સમાજે પોતપોતાની સમજણ મુજબ અપનાવ્યો. આપણા દેશમાં જાતિગત ભેદભાવનું સૌથી વરવું સ્વરૂપ એટલે આભડછેટ. એનો અર્થ એમ નથી કે અન્ય જાતિઓમાં એ અસ્તિત્ત્વમાં નથી. પ્રત્યેક જ્ઞાતિ કે પેટાજ્ઞાતિને પોતાનાથી નીચી ગણાતી જ્ઞાતિ કરતાં ઉંચા હોવાનું ગુમાન જોવા મળે છે. એથી આગળ, એક જ જ્ઞાતિમાં સુદ્ધાં પોતાનું કુળ ઉંચું મનાતું હોવાના મિથ્યાભિમાનમાં કેટલાય લોકો રાચે છે. હવે તો જ્ઞાતિ આધારિત વ્યવસાયો રહ્યા નથી, પણ જ્ઞાતિ આધારિત કહેવતો કે રૂઢિપ્રયોગોમાં આ માનસિકતા હજી જળવાયેલી છે. ભેદભાવને નાબૂદ કરવાની દિશામાં બનતા કાયદાકાનૂન મોટે ભાગે કાગળ પર જોવા મળે છે, અને તેનો ખરેખરા હેતુ માટે ઉપયોગ ઓછા કિસ્સામાં જોવા મળે છે.

ગયે વરસે મે મહિનામાં અમેરિકામાં પોલિસ દ્વારા જ્યોર્જ ફ્લોઈડ નામના એક નિર્દોષ અશ્વેતના નીપજાવાયેલા મૃત્યુની વિડીયો ક્લીપ ખૂબ પ્રસરી હતી. કેવળ અશ્વેત હોવાને કારણે શ્વેત પોલિસોએ તેની પર શક કર્યો હતો. આ ઘટનાના તીવ્ર પ્રત્યાઘાત પડ્યા હતા. પણ સૌથી અણધાર્યો પ્રતિભાવ જોવા મળેલો કેટલીક અગ્રણી કંપનીઓ તરફથી. કમ્પ્યુટરમાં વપરાતા ભેદભાવ સૂચવતા પ્રચલિત શબ્દોને બદલે તેમણે નવા શબ્દપ્રયોગ અમલી બનાવ્યા હતા. ઈન્‍ટરનેટ સાથે સંબંધિત નેટવર્ક ડિઝાઈનર, ઓપરેટર, વિક્રેતા અને સંશોધકોને સાંકળતા આંતરરાષ્ટ્રીય સમુદાય ‘ઈન્ટરનેટ એન્‍જિનિયરિંગ ટાસ્ક ફોર્સ’ (આઈ.ઈ.ટી.એફ.) દ્વારા ગયા જુલાઈમાં આવા શબ્દોને બદલીને નવા, સાદા શબ્દો બનાવવાનો અને તેને અમલી કરવાનો પ્રસ્તાવ મૂકાયો હતો. આ સૂચનનો હવે અમલ થઈ રહ્યો છે. ઉદાહરણ તરીકે, કમ્પ્યુટરમાં પ્રણાલિનું નિયંત્રણ કરતા પૂરજાને ‘માસ્ટર’ (માલિક) તરીકે અને નિયંત્રિત થતા પૂરજાઓને ‘સ્લેવ’(ગુલામ) તરીકે ઓળખાવાય છે. આ શબ્દો સીધેસીધા જ ભેદભાવસૂચક છે. તેમને બદલીને ‘પ્રાયમરી’ (પ્રાથમિક) અને ‘સેકન્‍ડરી’ (ગૌણ) જેવા શબ્દો સૂચવાયા છે. પ્રતિબંધિત યાદી માટે ‘બ્લૅકલિસ્ટ’ અને સ્વીકારયાદી માટે ‘વ્હાઈટલિસ્ટ’ શબ્દ ચલણી છે. તેને બદલે ‘બ્લૉકલિસ્ટ’ અને ‘અલાઉલિસ્ટ’ જેવા શબ્દો સૂચવાયા. આવા અનેક પ્રચલિત શબ્દોને સ્થાને નવા શબ્દો બનાવાયા અને વપરાશમાં આવતા ગયા. ઘણી કંપનીઓએ પોતપોતાની રીતે પણ આ શબ્દો બનાવ્યા છે. કોઈકે ‘માસ્ટર’ અને ‘સ્લેવ’ને બદલે ‘લીડર’ (અગ્રણી) તથા ‘ફોલોઅર’ (અનુયાયી) કર્યું છે. મુખ્ય વાત એ છે કે આ મૂળભૂત વિચાર સર્વસ્વીકૃત બની રહ્યો છે.

ક્રિકેટની લોકપ્રિય વેબસાઈટ ઈએસપીન ક્રિકઈન્‍ફો દ્વારા ઘોષણા કરવામાં આવી છે કે અત્યાર સુધી ક્રિકેટમાં કેવળ પુરુષોને જ કેન્‍દ્રમાં રાખીને વપરાતા શબ્દોને લિંગનિરપેક્ષ બનાવાશે. જેમ કે, ‘બૅટ્સમેન’ને બદલે ‘બૅટર’, ‘મૅન ઑફ ધ મેચ’ને બદલે ‘પ્લેયર ઑફ ધ મેચ’ વગેરે…

આટલું જાણ્યા પછી એવો સવાલ થઈ શકે કે આનાથી શો ફરક પડવાનો? આમ કરવાથી ભેદભાવ નાબૂદ થઈ જવાના? વાત સાચી છે. આમ કરવાથી ભેદભાવ તરત નાબૂદ થઈ ન શકે એ હકીકત છે, પણ એ લાંબા રસ્તા પરનું એક સંવેદનશીલ કદમ આને અવશ્ય કહી શકાય.

આ મુદ્દાને ભારતીય પરિપ્રેક્ષ્યમાં મૂકવાથી તેની તીવ્રતા વધુ ખ્યાલ આવી શકશે. ગુજરાતના ઘણા પ્રદેશોમાં વ્યક્તિનું નામ પૂછ્યા પછી ‘તમે કેવા?’ પૂછવાની પ્રથા સગૌરવ ચલણમાં છે. ચોક્કસ જ્ઞાતિ કે કોમના લોકોને સોસાયટીમાં મકાન ન વેચવાનો યા ભાડે ન આપવાનો રિવાજ સામાન્ય છે. શાળાઓમાં વિદ્યાર્થીઓની અટક આધારિત ઓળખની નવાઈ નથી. શહેરમાં રહેતા ઉચ્ચ વર્ણના મનાતા ઘણા લોકોને લાગે છે કે ‘હવે એવા બધા ભેદભાવ નાબૂદ થઈ ગયા છે.’ આ સત્યને પોતાના મનમાં સ્થાપીને કેટલાક એવી દલીલ પણ કરતા જોવા મળે છે કે, ‘સદીઓ જૂની વાતને ક્યાં સુધી રટતા રહેવાનું? નવી શરૂઆત કરો અને જુઓ કે હવે જમાનો બદલાઈ ગયો છે.’ તેમની વાત સાચી છે કે સદીઓ જૂની વાતને ક્યાં સુધી રટ્યા કરવાની? નવી શરૂઆત કરવી જ જોઈએ. પણ એ કોણ કરે? શોષક કે શોષિત? નવી શરૂઆતની વાત કરનાર વ્યક્તિ બીજા જ વાક્યે ‘તમે લોકો’ પર ઊતરી આવે એ સાથે જ એ પહેલ શરૂ થતાં પહેલાં  પૂરી થઈ જાય છે.

જીવતીજાગતી વ્યક્તિઓ કે આખેઆખી જાતિ માટે આવું વલણ હોય ત્યાં ભેદભાવસૂચક શબ્દોને બદલવાનો વિચાર શી રીતે આવી શકે? ભાષાના અમુક ઉસ્તાદો આગળપાછળનો સંદર્ભ સમજ્યા વિના અખાની પંક્તિ ‘ભાષાને શું વળગે ભૂર, રણમાં જે જીતે એ શૂર’ પણ ઠઠાડી દે એમ બને. નજર સામેની નગ્ન વાસ્તવિકતાને અવગણવાના વલણને પ્રવર્તમાન સમયમાં ‘હકારાત્મકતા’ તરીકે ઓળખવામાં આવે છે, જેનો કુટિરઉદ્યોગ બરાબર ધમધમે છે. તેને પરિણામે શબ્દો બદલાય તો પણ માનસિકતા ભાગ્યે જ બદલાય છે. પોતપોતાના પરિચીત વર્તુળમાં ‘દલિત’ માટે, મહિલાઓ માટે, વિકલાંગો માટે તેમની ગેરહાજરીમાં કયા શબ્દો વપરાય છે એ એક વાર વિચારી લેવું. એમ નથી કે ભેદભાવનો ભોગ આ વર્ગ જ બને છે, પણ જાતિ કે લિંગના આધારે સૌથી વધુ ભેદભાવ કદાચ તેમની પર આચરવામાં આવે છે. આ બન્ને બાબતો એવી છે કે જે કોઈના હાથમાં નથી.

આવા સાવ નિરાશાજનક માહોલમાં ભલે કમ્પ્યૂટરને લગતા શબ્દો બદલાય, પણ જે કારણે એ બદલાયા એ ચેષ્ટાનું મહત્ત્વ ઘણું ઘણું છે એમ ચોક્કસ કહી શકાય.


‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૨૯-૦૪–૨૦૨૧ના રોજમાં આ લેખ પ્રકાશિત થયો હતો.


શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.