ભારત – ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ – ભાગ ૪ : અંતિમ તબક્કો– ૧૯૩૫થી ૧૯૪૭ ::પ્રકરણ : ૩૭: આઝાદ હિન્દ ફોજની લડાઈ

દીપક ધોળકિયા

આઝાદ હિન્દ ફોજનું મુખ્ય કેન્દ્ર રંગૂનમાં (હવે યંગોન) ખસેડવાનો સુભાષબાબુનો નિર્ણય એમની યુદ્ધની વ્યૂહરચના વિશેની ઊંડી સૂઝ દર્શાવે છે. આંદામાન-નિકોબાર ટાપુઓ જાપાને એમના હાથમાં સોંપી દીધા પણ યુદ્ધની નજરે આ ટાપુઓનું કંઈ મહત્વ નહોતું. નેતાજી સમજી ગયા હતા કે એમને ભારત ન પહોંચવા દેવા માટે જાપાને આંદામાન-નિકોબાર ટાપુઓ આપી દેવાની ઉદારતા દેખાડી છે, કારણ કે ત્યાંથી નૌકાદળની મદદ વિના આઝાદ હિન્દ ફોજના સૈનિકો ભારત તરફ ન જઈ શકે. એ રસ્તો તો બર્મામાંથી જ મળવાનો હતો. એમનો બર્મામાં ઑફિસ શરૂ કરવાનો નિર્ણય જાપાનને પસંદ ન આવ્યો.

પૂર્વ એશિયાના હિન્દુસ્તાનીઓ

પૂર્વ એશિયામાં એ વખતે લગભગ ૩૦ લાખ હિન્દીઓ વસતા હતા. જાપાનમાં તો હતા જ, પણ એકલા બર્મામાં દસ લાખ અને મલાયામાં એંસી હજાર હિન્દીઓ હતા. બર્મામાં તો કોંગ્રેસની સ્થાનિકની શાખા પણ ત્યાંના હિન્દીઓએ જ બનાવી હતી. વેપારીઓની ઇંડિયન ચૅમ્બર ઑફ કૉમર્સ પણ હતી અને વેપારીઓ હિન્દવાસીઓનાં હિતોની બરાબર કાળજી લેતા હતા. પરંતુ મલાયાના હિન્દીઓ રાજકીય દૃષ્ટિએ રંગૂનના હિન્દીઓ કરતાં વધારે જાગૃત હતા. ત્યાંના શિક્ષિત હિન્દીઓ મજૂરોને પણ સંગઠિત કરવામાં સક્રિય હતા. બ્રિટિશ સરકાર જ્યાં પોતાની વસાહતો હતી ત્યાં હિન્દીઓને જવા દેતી હતી પણ એમનાં સુખસગવડની એને દરકાર નહોતી. એમની સાથે ઓરમાયું વર્તન પણ થતું; દાખલા તરીકે, ભારતીય માલિકીનાં છાપાં પર સેન્સરશિપ લાગુ થતી હતી પણ બ્રિટિશ માલિકીના અખબારો આવાં બંધનોથી મુક્ત હતાં. આથી બ્રિટિશ સત્તા માટે એમના મનમાં જરાય આદરભાવ નહોતો. થાઈલૅંડમાં પણ ઘણા ભારતીયો હતા અને બીજા વિશ્વયુદ્ધના અરસામાં થાઈલૅંડમાં ભારતીય સંસ્કૃતિનો પ્રભાવ પણ વધ્યો હતો. એ જ રીતે વિયેતનામના સાયગોન અને હાનોઈમાં સિંધીઓની મોટી વસ્તી હતી. રંગૂનમાં હેડક્વાર્ટર્સ રાખવાથી બર્મા, મલાયા, સિંગાપુર, વિયેતનામ, બેંગકોક વગેરે સ્થળોએ સ્થાયી થયેલા અસંખ્ય હિન્દીઓનો મોટા પાયે ટેકો મળવાની આશા પણ હતી.

અંતે ૧૯૪૪ના માર્ચમાં જાપાને બર્મામાંથી મણિપુર પર હુમલો કર્યો. એનું નિશાન ઇમ્ફાલ હતું. જાપાને ૭૦,૦૦૦ સૈનિકોને લડાઈમાં ઉતાર્યા અને ભારે અનિચ્છા સાથે આઝાદ હિન્દ ફોજની ગાંધી બ્રિગેડ અને આઝાદ બ્રિગેડ અને સુભાષ બ્રિગેડના એક ભાગના ૬,૦૦૦ સૈનિકોને ડાબે અને જમણે રહેવાની છૂટ આપી. કૅપ્ટન શાહનવાઝ ખાનના હાથમાં આઝાદ હિન્દ ફોજનું નેતૃત્વ હતું. સામે પક્ષે, બ્રિટનના દળમાં ગોરખાઓ, બીજા ભારતીયો વગેરે મળીને ૧,૨૦,૦૦૦ સૈનિકો હતા પણ જાપાનના હુમલાની શરૂઆત સાથે જ બ્રિટિશ દળો પાછળ હટતાં ગયાં. એમનો વ્યૂહ એવો હતો કે સપ્લાય લાઇનની નજીક રહેવું.

ચારે બાજુ, બધા મોરચે બ્રિટિશ દળો પરાજિત થતાં હતાં તે સાથે બ્રિટિશ ઑફિસરોએ હિન્દુસ્તાનીઓની પરવા કરવાનું છોડી દીધું હતું અને એમને ભગવાન ભરોસે મૂકી દીધા હતા. કૅપ્ટન લક્ષ્મી એ વખતે પોતાના પતિ સાથે એમની ક્લિનિકમાં હતાં. ત્યાંથી ભાગી છૂટવાની એમને ચેતવણી મળતાં એ ભાગી છૂટ્યાં પણ રસ્તામાં પાછળથી જાપાની સૈનિકો આવતા હતા. એમનાથી બચવા માટે બન્ને જણ રસ્તાની પાસે નાની ખાઈમાં ઊતરી ગયાં. જાપાની સૈનિકોએ એમને જોઈ લીધાં અને એમની સામે મશીનગન ગોઠવી દીધી પણ હિન્દુસ્તાની છે એવી ખબર પડતાં જવા દીધાં.

બ્રિટિશ ફોજમાં પ્રેમ કુમાર સહગલ પણ હતા. એમની બટાલિયનને પાછા હટવાનો આદેશ મળી ચૂક્યો હતો. પણ એ જ સવારે એમના બ્રિટિશ સાથીનો સંદેશ મળ્યો હતો. જાપાનીઓ એના બંકર સુધી પહોંચી ચૂક્યા હતા. સંદેશમાં તો તરત ભાગી છૂટવાની ચેતવણી હતી પણ પ્રેમ કુમાર ઉલ્ટું સમજ્યા કે મદદ માટે જવાનું છે. એ ત્યાં ગયા તો જાપાની સૈનિકોએ એમને ઘેરી લીધા.

પ્રેમ કુમાર પોતાનાં સંસ્મરણોમાં કહે છે કે જાપાની સૈનિકોને હિન્દુસ્તાનીઓને જાનથી ન મારવાનો હુકમ હતો. પ્રેમ કુમારને આગળ તરફ હાથ બાંધીને એક ખુરશીમાં બેસાડી દેવાયા. થોડે દૂર એક બ્રિટિશ ઑફિસર હતો. એક જાપાની ઑફિસર આવ્યો અને પ્રેમ કુમાર સામે બંદૂક તાકી પણ પછી “તારા પર ગોળી વેડફાય નહીં” એવા ભાવ સાથે તલવાર કાઢી. બ્રિટિશ ઑફિસરને પકડ્યો અને એનું ડોકું કાપી નાખ્યું. સહગલ પર નજર રાખવા બેઠેલા એક જાપાની સૈનિકે એમનું નામ અને ધર્મ પૂછ્યાં અને બોલી પડ્યોઃ “ઇન્દોકા…”? “ગાન્જીકા”…? સહગલ ‘ઇન્દોકા’નો અર્થ તો સમજ્યા અને કહ્યું “ઇન્દોકા યસ, ગાન્જીકા નો” તરત જ જાપાનીએ બે હાથ ભેગા કરીને એમના માથા પર ફટકો માર્યો. સહગલે વળતો મુક્કો માર્યો. પણ પછી જાપાની બોલવા લાગ્યો કે “નિપ્પોન પહેલા નંબરે, જનરલ તોજો બીજા નંબરે અને ગાન્જી ત્રીજા નંબરે” હવે સહગલ સમજ્યા કે ‘ગાન્જીકા’ એટલે ‘ગાંધીનો માણસ!” એટલે કે હિન્દુસ્તાની. એમણે હા પાડી. પ્રેમ કુમાર સહગલ યુદ્ધકેદી બન્યા. (પછી એ આઝાદ હિન્દ ફોજમાં જોડાયા. લાલ કિલ્લામાં બ્રિટિશરોએ આઝાદ હિન્દ ફોજના ત્રણ નેતાઓ સામે કેસ ચલાવ્યો તેમાં એ જ પ્રેમ કુમાર સહગલ, શાહ નવાઝખાન અને સરદાર ગુરબખ્શ સિંઘ ઢિલ્લોં હતા. એમણે પાછળથી ઝાંસી કી રાની બ્રિગેડનાં કૅપ્ટન લક્ષ્મી સાથે લગ્ન કર્યાં).

ઇમ્ફાલ ભણી કૂચ

૧૯૪૪ની ૪થી ફેબ્રુઆરીએ આઝાદ હિન્દ ફોજે ભારત-બર્માની સરહદે ગોળીબાર શરૂ કરી દીધો અને આરાકાન પહાડ પર ભારતીય ત્રિરંગો લહેરાવ્યો. બોઝ અને ગાંધી બ્રિગેડો ‘ઍક્શન’માં હતી. અહીંથી આઝાદ હિન્દ ફોજે હિન્દુસ્તાનની સીમામાં બેધડક ડગ માંડ્યાં અને પાલેલ, મોરે, સંગરાર અને નાગા પર્વતશૃંખલાનાં ઘણાં ગામોમાં ત્રિરંગો લહેરાવ્યો. અહીંથી એક ટુકડી કોહીમા તરફ આગળ વધી અને એના પર કબજો કરી લીધો. બીજી ટુકડીએ દીમાપુર અને સિલ્ચર સર કર્યાં. આઝાદ હિન્દ ફોજે ચાર મહિનામાં ૧૫,૦૦૦ ચોરસ માઇલનો વિસ્તાર પોતાના કબજામાં લઈ લીધો અને નેતાજીએ આઝાદ પ્રદેશના ગવર્નર તરીકે મેજર જનરલ એ. સી. ચૅટરજીની નીમણૂક કરી.

દરમિયાન, ઇમ્ફાલ માટે ખૂનખાર લડાઈ ચાલતી રહી. ઘણા ઇતિહાસકારો ઇમ્ફાલની લડાઈની સરખામણી જાપાનના ઓકિનાવા અને રશિયાના લેનિનગ્રાદ માટેની લડાઈ સાથે કરે છે. હજારો હિન્દુસ્તાની સૈનિકો આ લડાઈમાંથી કદી પાછા ન ફર્યા. પરંતુ છ મહિના સુધી આઝાદ હિન્દ ફોજે ઇમ્ફાલ પર એટલું દબાણ ચાલુ રાખ્યું કે સાથી રાષ્ટ્રોના સૈનિકોને ખાધાખોરાકી પહોંચાડવાના માર્ગો ખોરવાઈ ગયા અને વિમાન મારફતે સામગ્રી પહોંચાડવી પડી. સાથી રાષ્ટ્રો માટે ઇમ્ફાલ છોડી દેવું પડે એવી સ્થિતિ ઊભી થઈ ગઈ હતી.

વરસાદ અને દગાખોરી

પરંતુ એ જ તબક્કે ભારે વરસાદે બ્રિટિશ દળોને શ્વાસ લેવાની નવરાશ આપી. એ ફરી સંગઠિત થવા લાગ્યાં. ઇમ્ફાલ છોડવાનો હુકમ રદ કરી દેવાયો. બીજી બાજુ, આઝાદ હિન્દ ફોજના સૈનિકો મેલેરિયા, ઝાડાઉલટીની બીમારીઓમાં સપડાયા.

આઝાદ હિન્દ ફોજની નબળી બાજુ એ રહી કે એની હવાઈ દળનો ટેકો ન મળ્યો કેમ કે જાપાની હવાઈ દળને ત્યાંથી હટાવી લેવાયું હતું. જાપાનની પોતાની સ્થિતિ પણ ખરાબ હતી. એ પોતાનાં ભૂમિદળોને પણ મદદ કરવામાં અડચણોનો સામનો કરતું હતું,

આ જ સમયે આઝાદ હિન્દ ફોજના બે ઑફિસરો મેજર પ્રભુ દયાલ અને મેજર ગ્રેવાલ બ્રિટિશ પક્ષે ચાલ્યા ગયા. એમણે બ્રિટિશ લશ્કરી અધિકારીઓને બાતમી આપી કે આઝાદ હિન્દ ફોજ સાધનસામગ્રીની ખેંચ ભોગવતી હતી અને એમની સપ્લાય લાઇન કપાઈ ગઈ હતી. આમ છતાં ફોજ ઑગસ્ટ સુધી હિંમતથી મુકાબલો કરતી રહી. પરંતુ નેતાજીને લાગ્યું કે હવે આગળ વધવું તે વધારે ખુવારીને આમંત્રણ આપવા જેવું છ. એમણે ઑગસ્ટમાં પીછેહઠનો હુકમ આપી દીધો.

ચલો દિલ્હી

પરંતુ નેતાજી પોતાના સંકલ્પમાં મોળા નહોતા પડ્યા. એમણે મોરચા પર લડનારાઓથી અલગ, સામાન્ય હિન્દુસ્તાનીઓને ફોજની મદદ માટે તૈયાર કરવા નાગરિક મોરચો ખોલ્યો અને મોરચે લડનારા સૈનિકોને બે નવા નારા આપ્યા – ‘ચલો દિલ્હી’ અને ‘ખૂન…ખૂન..ખૂન’! ઘરઆંગણા માટે એમના નારા હતા – “કુલીય ભરતી” અને “કરો સબ નિછાવર ઔર બનો સબ ફકીર”!

બીજા હુમલાની તૈયારી

નેતાજીએ તરત બીજા હુમલાની તૈયારી શરૂ કરી દીધી. સિંગાપુર, મલાયા અને થાઈલૅન્ડથી કુમક પણ આવી પહોંચી હતી. આ દળોએ પહેલાં જનરલ એન. એસ. ભગત, એમના પછી કર્નલ અઝીઝ અહમદ અને તે પછી મેજર જનરલ શાહ નવાઝ ખાનના તાબામાં કામ કર્યું. એની નીચેનાં દળોની આગેવાની કર્નલ ગુરબખ્શ સિંઘ ઢિલ્લોં, કર્નલ પ્રેમ કુમાર સહગલ, અને કર્નલ એસ. એમ હુસેનને સોંપાઈ. આઝાદ હિન્દ્દ ફોજ પાસે હવે સાધનસામગ્રીની અછત નહોતી અને પહેલા હુમલાનો અનુભવ લઈ ચૂકેલા સ્વાતંત્ર્યવીરો લાંબો વખત આરામ કર્યા પછી નવા હુમલા માટે થનગનતા હતા. બીજી બાજુ સાથી રાષ્ટ્રોની સેના પણ વધારે સજ્જ હતી. આમ છતાં મેકિટિલા અને પોપા હિલ્સ પર આઝાદ હિન્દ ફોજે કબજો કરી લીધો. પણ સાથી દળોએ એના ઉપર ફરી ફતેહ મેળવી. આઝાદ હિન્દ ફોજે પણ વળતો હુમલો કરીને એ ફરી જીતી લીધાં. આવું ઓછામાં ઓછું દસ વાર બન્યું.

પણ ફરી દગલબાજોએ બાજી પલટી નાખી. મેજર મદાન, મેજર રિયાઝ, મેજર ગુલામ સરવર અને મેજર ડે બ્રિટીશ બાજુએ ચાલ્યા ગયા. આમ છતાં, મેજર જનરલ શાહ નવાઝ ખાન, કર્નલ પ્રેમ કુમાર સહગલ, કર્નલ ગુરબખ્શ સિંઘ ઢિલ્લોં, કર્નલ અર્શદ, કર્નલ હુસેન, મેજર મેહર દાસ જેવા ઘણાયે દેશભક્ત ફોજી અફસરો દેશને આઝાદ કરાવવાના ધ્યેયમાં દૃઢતાથી ટકી રહ્યા હતા.

પરંતુ ૧૯૪૫ આવતાં સુધીમાં જાપાનનાં વળતાં પાણી થઈ ગયાં હતાં. હવે જાપાની સેના હારેલી લડાઈ લડતી હતી. રંગૂન પર ફરી બ્રિટિશ દળોએ કબજો કરી લીધો ત્યારે નેતાજી ત્યાં જ હતા. એમની અનિચ્છાની પરવા કર્યા વિના એમના સાથીઓએ એમને બેંગકોક તરફ નીકળી જવાની ફરજ પાડી. રસ્તામાં એમના ઘણા સાથીઓ માર્યા ગયા. ઝાંસી કી રાની બ્રિગેડની ઘણી મહિલા સૈનિકો પણ મોતને ભેટી. ૧૮ દિવસ પગપાળા ચાલીને નેતાજી બેંગકોક પહોંચ્યા ત્યારે ત્યાં એમનું હિન્દુસ્તાનીઓએ ઊમળકાભેર સ્વાગત કર્યું. નેતાજીએ અહીં લોકોને હાક્લ કરી –“તુમ મુઝે ખૂન દો, મૈં તુમ્હેં આઝાદી દૂંગા”!

નેતાજી બેંગકોકથી સિંગાપુર પહોંચ્યા અને ત્યાં આઝાદ હિન્દ ફોજના શહીદોનું સ્મારક ઊભું કરવા માટે તૈયારીઓ શરૂ કરી દીધી. ત્યાંથી એ બેંગકોક પાછા ફર્યા ત્યારે છઠ્ઠી ઑગસ્ટે અમેરિકાએ જાપાનના હીરોશીમા શહેર પર પરમાણુબોંબ ફેંકીને જાપાનને થથરાવી મૂક્યું. નવમીએ નાગાસાકી બોંબનો શિકાર બન્યું. તે સાથે જાપાનની શરણાગતીની વાતો શરૂ થઈ ગઈ અને ૧૧મી ઑગસ્ટે જાપાને હાર માની લીધી.

આ સાથે આઝાદ હિન્દ ફોજની લશ્કરી કાર્યવાહીનો – અને એ સાથે ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામના એક ઝળહળતા પ્રકરણનો પણ – અંત આવ્યો.

અને એ બધું ઓછું હોય તેમ એ વખતે પ્રસારિત થયેલા સમાચારો પ્રમાણે નેતાજી અને એમના હિન્દુસ્તાની સાથીઓ અને કેટલાક જાપાની લશ્કરી અધિકારીઓનું વિમાની અકસ્માતમાં મૃત્યુ થયું. ભારતના ક્ષિતિજેથી એક મહાન સિતારો, મહાન જનનાયક ચિર વિદાય લઈ ગયો.

(સંદર્ભ ૧માં દર્શાવેલા પુસ્તકના લેખક સરદાર રામ સિંઘ રાવલ આઝાદ હિન્દ ફોજમાં હતા અને યુદ્ધકેદીઓની છાવણીમાંથી પોતાના બે સાથીઓ સાથે ત્રણ હજાર માઇલ પગપાળા રંગૂનથી ઇમ્ફાલ પહોંચ્યા હતા).

000

સંદર્ભઃ

1. INA Saga by Sardar Ram Singh Rawal (publication date not available).

2. The Forgotten Army by Peter Ward Fay (The University of Michigan Press)

3. https://www.livehistoryindia.com/history-daily/2020/03/25/battles-of-imphal-kohima-a-time-to-heal

https://idsa.in/system/files/jds/jds_8_3_2014_HemantKatoch.pdf


શ્રી દીપક ધોળકિયાનાં સંપર્કસૂત્રો
ઈમેલઃ dipak.dholakia@gmail.com
બ્લૉગઃ મારી બારી

Author: Web Gurjari

1 thought on “ભારત – ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ – ભાગ ૪ : અંતિમ તબક્કો– ૧૯૩૫થી ૧૯૪૭ ::પ્રકરણ : ૩૭: આઝાદ હિન્દ ફોજની લડાઈ

Leave a Reply

Your email address will not be published.