શબ્દસંગ : અનહદ પક્ષીપ્રેમી: કવિ ‘તેજ’

નિરુપમ છાયા

કચ્છી કાવ્યસાહિત્યની શોભા કવિ ‘તેજ’ નો આપણે પરિચય મેળવ્યો  એ જ અરસામાં એમણે ચિર વિદાય લીધી. કવિતા સાથે પ્રકૃતિને પ્રાણમાં સમાવીને જીવતા આ કવિને પક્ષીઓ પ્રત્યે પણ એટલો જ અગાધ પ્રેમ. એ કહે છે,

વેતાં કિત્તે ચોજા મૂંકે ,   
આઉં રાં પખીએજે પાડેમેં;  
વસાં ભલેં ગોઠમેં પણ સા મુંજો સીમાડેમેં .

પંખીઓ પ્રત્યેના આ અનહદ પ્રેમનાં ફળસ્વરૂપે આપણને કવિ ‘તેજ’ ના નોખા પાસાંનો પરિચય કરાવતું  પુસ્તક ‘પખીયનજીયું પિરોલિયું’  મળ્યું છે. કવિ આ પુસ્તકનો સાર આ આપતાં લખે છે,

   ‘હીંયારી હીંયે રખી મું લિખી વિધા પખી’.
          (પ્રેમ છલકતા હૈયે મેં પંખીની આ વાત લખી છે.)

કચ્છીમાં પ્રચલિત પિરોલી કાવ્ય શૈલીમાં, પક્ષીનું  વર્ણન આપી, કચ્છી ગદ્યમાં તેનો પરિચય આપ્યો છે. આમ આ પુસ્તક ગદ્યપદ્યનો સમન્વય છે.  પુસ્તકની ભૂમિકા આપતાં કવિ લખે છે, “હું કોઈ પંખી વિશારદ કે નિષ્ણાત નથી, પણ પંખીઓ સાથે નાનપણથી જ લાગણી. પંખીઓ પ્રત્યે માયા એટલી કે જોયા કરું તો બસ જોયાં જ કરું. નાનકડો હતો ત્યારે ફળિયામાં ભાઈબંધો સાથે રમતા હોઈએ ત્યારે  ઊંચે આકાશમાં પસાર થતાં કુંજ પક્ષીને જોઈ હાથ ઊંચા કરી તેને બોલાવતા. બાળપણના આ ખેલમાં પણ પક્ષીઓ માટે પ્રેમ જ છલકતો હતો. વસંતમાં કોયલ બોલે અને સામે હું પણ કુ..ઉ..એવો સ્વર કાઢું. તો કોયલ સામે એનાથી પણ મોટા અવાજમાં પડઘો પાડે કુ…ઉ….કુ…ઉ..  મેં કબૂતર પણ ઘણાં પાળેલાં. અમે કબૂતરને  લઈ ગામ પાસેના થોડા દૂરના સ્થળે જઈએ અને ત્યાં એમને ઉડાડીએ. પછી ઘરે પહોંચીએ તે પહેલાં તો એ પાછાં આવી ગયાં હોય.” નાનપણનો આ રસ ઘટ્ટ થતો ગયો વિસ્તરતો પણ ગયો. પંખી જોઈને એની નોંધ કરી લેવાની ટેવ પડી. ક્યારેક  ખ્યાલ ન આવે તો કોઈ વટેમાર્ગુ મળે તેને પૂછી લે અને એ જે નામ કહે તે  લખી લે. આમ ડાયરી ભરાણી. પછી તો કચ્છીમાં એની પિરોલી એટલે કે ઉખાણાં બનાવ્યાં જેનો ઉકેલ પંખીનું નામ હોય. સાહિત્યમાં પ્રતિષ્ઠિત થયા અને કચ્છમાં  ‘કોઠારા જૈન મિત્ર મંડળે’ સન્માન કર્યું ત્યારે મંડળના  અગ્રણી કિશોર સાંયાએ એક દૂરબીન ભેટ આપ્યું. બસ પછી તો જોઈએ શું? સીમાડે રખડતા રહે. મિત્ર દોલતસિંહને સાથે લઈ જાય. પોતે દૂરબીનથી પંખી જુએ અને એનું વર્ણન કરતાં જાય અને મિત્ર એ લખતા જાય. પછી ઘરે આવી, પુસ્તકોમાંથી એ વર્ણનો મેળવી જુએ અને પોતાની ડાયરીમાં નોંધી લે. એમના પક્ષીપ્રેમથી પરિચિત  ચાહકો દ્વારા પક્ષી વિશેનાં પુસ્તકો પણ મળતાં ગયાં. મુંબઈથી અને અમેરિકાથી બીજાં બે  દૂરબીન પણ મિત્રોએ મોકલ્યાં. કવિ ‘ તેજે’  કચ્છમાં જોવા મળતાં ૪૦૦ જાતનાં પંખીમાંથી ૩૦૮ જાતનાં પંખીઓનું નિરીક્ષણ કર્યું છે. આ માટે એમને ત્રણ દાયકા લાગ્યા. રણ, દરિયા, ઝાડી, જંગલો સાથેનો કચ્છ પ્રદેશ, શિકારની ઓછી પ્રવૃત્તિ, ઓછાં ઔદ્યોગિક એકમો,  કચ્છમાં જીવદયાની ભાવના એ બધાંને  કારણે પંખીઓ રહી શકે છે. જો કે હવે પરિસ્થિતિમાં ઘણું પરિવર્તન આવ્યું છે. એટલે જ પ્રકૃતિનું રક્ષણ કરવાની વાત કરતાં કવિ કહે છે, ‘મીં વસંધા થીએં પાણી છિલંધા થીએં, ને બારાતુ પખી ડેખા ડીંધા થીએં’ (વરસાદ વરસે, જળ છલકાય અને પરદેશી પંખી અહીં આવતાં થાય,)

પંખી જાતની ખૂબી વર્ણવતાં કવિ લખે છે,

‘વિડેસનું ઉડી અચેં વૈઆ ડિસ ગિની; મુલકમેં મીં વઠા તેંજી ખબર કેં ડિની ?
(આ વૈયા પક્ષીઓ જુઓ. આ પ્રદેશમાં વરસાદ થયો એ સમાચાર એમને કોણે આપ્યા ?)

આ ઉપરાંત પણ પક્ષીઓની અનેક  વિશેષતાઓ પણ તેમણે કાવ્યશૈલીમાં વર્ણવી છે.

કચ્છના રાજવી પરિવારના અને પક્ષીવિદ મ. કુ. હિંમતસિંહજી એમના પ્રત્યે આદર દર્શાવતાં લખે છે,”અડધા સૈકાથી મારા પક્ષી નિરીક્ષણ દરમિયાન મેં પણ નથી જોયાં એવાં પક્ષીઓની નોંધ કવિ ‘તેજે’ કરી છે. આ પ્રકારનું કામ કરતાં આયખું વીતી જાય, પણ કવિ ‘તેજે’ આની પાછળ  મંડ્યા રહીને માત્ર બે દાયકામાં પૂરું કર્યું છે. તેમણે કરેલી ખાસી વિગતવાર નોંધમાં પક્ષીના કદ, રંગ, ચાંચ, પગ, તેમની ખાસિયતો,વર્તણુંક વગેરે જોવા મળે છે. તેમણે ચીવટપૂર્વક પંખી જોવા મળ્યાં તે કચ્છી પંચાંગ પ્રમાણેની તિથિ પણ લખી છે.”

આ પુસ્તકમાંથી કેટલાંક પક્ષીઓ વિષે આપણે જાણીશું. અગાઉ કહ્યું તેમ પક્ષીની વિશેષતા દર્શાવતી ઉખાણાં રૂપે  બે પંક્તિ, એનાં કચ્છી, ગુજરાતી, અંગ્રેજી અને પક્ષીવિજ્ઞાન પ્રમાણે એનું શાસ્ત્રીય નામ અને બોમ્બે નેચરલ હિસ્ટરી સોસાયટીનાં પુસ્તકોમાંથી એની સુંદર રંગીન તસ્વીરો અને પછી કચ્છીમાં એ પંખીનો વિસ્તૃત પરિચય એ ક્રમમાં આ પુસ્તક પક્ષીનો આપણી સાથે પરિચય કરાવે છે.

પક્ષીજ્ઞાન આપતાં આ  પુસ્તકનો પ્રારંભ, વિદ્યા અને જ્ઞાનની દેવી માતા સરસ્વતીને વંદનાનાં પ્રતીકરૂપે એનાં વાહન એટલે મોરના પરિચયથી થાય છે જે લેખકની ભાવસભર કલ્પનાદૃષ્ટિનો પણ પરિચય કરાવે છે.

હવે જુઓ આ પરિચય.  કચ્છી નાં: કારાયલ. ગુજરાતી નાં: મોર. અંગ્રેજી નાં : indian peafowl. scientific Name: Pavo cristatus. અને એની આ પિરોલી :

સામરે રખે સિરમથે સરસતિ કેં વાન ; પખિયેંજી જાતમેં ઈ જિજો જાજરમાન. 

પરિચય આપતાં ‘તેજ’ લખે છે,  ‘ઇન જેડો રૂપારો, રંગીલો મિઠે અવાજવારો બેઓ કોય પખી નાય….કારાયલકે મું કરો વિચ્છી ખેંધેં ડિઠો આય. તીં  ઢેલ-મોર ફરફૂલ, ધાંઈ ને પનેજા કુપર પણ ખેંતા…” કેટલું ઝીણવટથી એમણે નિરીક્ષણ કર્યું છે! મોર વિછી ખાય એ આપણને નવી માહિતી મળે છે. હવે આ પિરોલી પરથી પંખી ઓળખો:

‘રા’ લાખેજા જાનીડા ઈ રણમેં કરીં રખાલ, સૂરત સીંભાજે હીયેંકે, છંઢેઆ અભીલગુલાલ’.
(રા’ લાખા ફુલાણી -કચ્છના રાજા-ના પ્રાણપ્રિય, રણમાં નિવાસ રાખે, જેમનો દેખાવ હૃદયને ગમી જાય, જાણે અબિલગુલાલ છાંટ્યા હોય !)

ખ્યાલ આવી જ ગયો હશે. તમે કહી ઉઠશો, અરે ! એ તો સુરખાબ ! સાચું. હંજ (કચ્છી નામ), સુરખાબ (ગુજરાતી નામ) Greater Flamingo અને જૈવિક નામ Phoenicopterus Ruber…  કવિ લખે છે, ‘…લાખો ફુલાણી ઇનીં પખીયેંકે રણમેં રક્ષણ ડિનેં વેં…હંજકે કો આવગો અવાજ નાંય., પણ પાણીમેં મછીમારી કંધા વેં ને પંઢમેં વિડેં તેર તાંભડીમેં કકરા કુછેં તેડો અવાજ કઢેંતાં’. હા, લાખા ફૂલાણીએ એમને રક્ષણ આપેલું. એમનો એવો કોઈ વિશિષ્ટ ધ્વનિ  નથી. પણ જયારે પાણીમાં માછલી પકડતાં પકડતાં વઢી પડે તો તાંબડીમાં કાંકરા કહ્ખ્ડે તેવો અવાજ કાઢે. એમની અન્ય ટેવો અને શારીરિક વર્ણન પણ કર્યું છે. આ પંખી વિષે એક બીજી પિરોલી પણ બનાવી છે.

                       ‘અચોં તેર થોડા, વિનો તેર ગચ્ચ; ‘તેજ’ અસાંકે લજ, અસીં પથિક પરડેસજા.’
અમે પરદેસી પંખી કેવાં? આવીએ  ત્યારે થોડાં અને જઈએ  ત્યારે મોટી સંખ્યામાં..’તેજ’ તું અમને ઓળખ.’

પ્રજનન માટે જ આવતાં આ સુરખાબની ઓળખ કવિએ કેવી લાક્ષણિકતાથી આપી છે! સુરખાબ અહીં જન્મ લેતાં હોવાથી કોઈકે તો કહી જ દીધું કે સુરખાબ તો કચ્છનાં !. જે જન્મભૂમિ હોય એ જ વતન હોય ને?

અને આ પિરોલી ઉકેલો….  ‘ઢોરેં ભેરો હલે, જાણે પગમેં પાઈ; વૈસાખેં રંગ ફિરે, સે ભધરે તાંઈ.’

કચ્છીમાં ગાયડી, ગુજરાતી ઢોરબગલો, અંગ્રેજી Cattle Egret અને જૈવિક નામ Bubulcus Ibis. કવિ લખે છે કે આ પક્ષી ઢોર સાથે જ ચાલે અને ઢોર ચાલે એટલે જમીન પરની  ઉડે એ જીવાત ખાય. ચૈત્ર માસથી જ એની રંગ બદલવાની ક્રિયા શરુ થઇ જાય. ચોમાસામાં શરીર  કેસરી રંગનું અને ચાંચમાં લાલાશ વધુ દેખાય. લેખકે તેને ઉંદરનો શિકાર કરતાં પણ જોયો છે.

પાનેપાન સાથે પ્રેમ થઈ જાય એવાં આ પુસ્તકમાંથી શું આપવું અને શું છોડવું એવી  દ્વિધા પણ થાય. અહીં તો કેટલું સનાવી શકાય?  પુસ્તક વિષે ખ્યાલ આવે અને વાંચવાની જીજ્ઞાસા જન્મે  એટલા પૂરતી આ આચમની. અંતે પ્રકૃતિનો પાર પામી શકાય નહીં. તોયે વૈવિધ્યતા અને કમાલનું એક ઉદાહરણ જોઈએ.

                  કામણગારો કસભી વ્યે ન-તો લિખ થાઈ; પન સિબી મારો ભનાય તડેં ચોવાજે મેરાઈ.    

મેરાઈ એટલે દરજી. કચ્છીમાં સૂઈ, ગુજરાતી દરજીડો, અંગ્રેજી Common Tailor Bird અને જૈવિક નામ orthotomus Sutorius વિષે કવિ લખે છે કે પાન સિવીને માળો બનાવતો આ કામણગારો કસબી એટલે જ મેરાઈ કહેવાય.મનુષ્યનાં વસ્ત્રો સીવતા દરજીની જેમ સિવીને માળા બનાવતું આ પક્ષી પણ એટલે દરજીડો. બે પાંદડાં ભેગાં કરી, તેમની કિનારી ખાસ દોરાથી સિવી, બે પાંદડાં વચ્ચે કપાસ ભરી, માળો બનાવે. કોઈક દરજીડો તો ત્રણ પાંદડાં પણ સિવે. આક્ડામાંથી મળતા સફેદ રેશમી દેખાતા તાર પણ એમાં ભરે. કેટલી કલાત્મક રચના !

અત્યારે તો  આ પુસ્તક અપ્રાપ્ય છે. પણ હવે ‘તેજ’ સદેહે નથી રહ્યા ત્યારે આ કિમતી જણસ જેવું પુસ્તક માત્ર કચ્છમાં જ નહીં ગુજરાત અને દેશમાં પહોંચે તો તેમની સ્મૃતિ તો સચવાશે જ, પણ માનવ અને પ્રકૃતિના સંબંધની દિશા પણ ઉઘડશે.


[લેખક-પ્રકાશક: કવિ ‘તેજ’. સંપાદક: પૂ. મુનિ ભુવનચંદ્ર મ. સા. સજાવટ: લાલ રાંભિયા]


શ્રી નિરુપમ છાયાનું વિજાણુ સંપર્ક સરનામું : njcanjar201@gmail.com

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.