પુરુષોતમ મેવાડા
હવે એ છોકરો કૉલેજમાં આવ્યો. અંગ્રેજી મીડિયમમાં પહેલાં બે વર્ષ તેને ખૂબ જ તકલીફ પડી, માર્ક્સ ઓછા થવા લાગ્યા. અહીં પણ એક ખરો રાહબર મિત્ર મળ્યો, જે કૉલેજના પ્રાધ્યાપકોને સાથે લઈ ‘મૈત્રી’ નામની સંસ્થા ચલાવતો હતો. એમાં કંઈ પણ ફી લીધા સિવાય કૉલેજના જ પ્રાધ્યાપકો સેવા આપીને કાચા અને ગરીબ વિદ્યાર્થીઓને વધારાના ક્લાસ લઈને સંસ્થામાં ભણાવતા હતા. આ મિત્રે એક વધારાની સવલત કરી આપી. એ જ્યાં બેંકમાં નોકરી કરતો હતો ત્યાં તેનું પણ ખાતું ખોલાવી આપ્યું. એ ખાતામાં એણે અને બીજા એક બહેન મિત્રે સાથે મળીને પૈસા જમા કરાવીને એ છોકરાને ભણવાની જરૂરિયાત પૂરી પાડી. (આજના જમાનામાં આવા મિત્રો મળવા લગભગ અશક્ય છે.)
સાઇકલ લઈને કૉલેજ જવાનું હતું. ફરજિયાત NCC Training માટે પણ વહેલી સવારે જવું પડે. ઘણીવાર છોકરો માંદો પડે, ત્યારે એ ટ્રેનિંગ આપનાર ‘ડોગરા’ છોકરાને શિક્ષા કરે. દોડીને આખા મેદાનનું ચક્કર લગાવવા કહે. એકવડિયો અશક્ત બાંધો અને ભૂખ્યા પેટે ગયેલો છોકરો થાકીને, હાંફીને પડવાની અણી પર હોય ત્યારે છોડે! એકવાર ડોગરાએ ગુસ્સે થઈ પૂછ્યું;
“પઢ કર ક્યા બનોગે?”
“સા’બ, ડૉક્ટર બનના ચાહતા હું.” છોકરાએ વટથી કહ્યું.
“તૂ ક્યા ડાક્ટર બનેગા.” બોલીને એણે છોકરાનો બેલ્ટ પકડ્યો, અને એક હાથે હવામાં અધ્ધર કરીને નીચે ફેંક્યો. પછડાટથી છોકરાને થોડું વાગ્યું, પણ માનસિક આઘાત વધારે લાગ્યો. તેણે જઈને પ્રિન્સિપાલ સાહેબને બધી વાત કરી, અને એ મહામાનવે એ છોકરાને NCC Trainingમાંથી Exemption આપતો મેમો લખી આપ્યો.
મેડિકલની એન્ટ્રન્સ ટેસ્ટમાં ભલે છેલ્લી પાટલીએ, પણ તેને પ્રવેશ મળી ગયો. તેના આનંદમાં સહભાગી થનારા લોકો ઘણા ઓછા હતા. આનંદ હોય કે દુઃખ, એણે એકલાએ જ ભોગવવાનું હતું.
પેલો મિત્ર તે શ્રી અરુણ શાહ, જે વડોદરામાં નાનાં બાળકોના સર્વાંગી વિકાસાર્થે ‘ભૂલકાં ભવન’ નામની સંસ્થા ચલાવી રહ્યા છે. પેલાં બહેન તે પશ્યન્તિબહેન દેસાઈ!
ડૉ. પુરુષોતમ મેવાડાનો સંપર્ક mevadapa@gmail.com વીજાણુ સરનામે થઈ શકે છે