સુરાવલી, સિનેમા અને સ્મૃતિઓ – (૪) ત્યારે અને અત્યારે | (૫) જ્યારે એક જોડી તૂટે છે

નલિન શાહ

{નલીન શાહના અંગ્રેજી પુસ્તક Melodies, Movies and Memories (૨૦૧૬) નો અનુવાદ}

(અનુવાદ: પિયૂષ મ. પંડ્યા)

() ત્યારે અને અત્યારે

નવી શતાબ્દિના સૂર્યોદયની વેળાએ ફિલ્મી સંગીતઉદ્યોગની ચડતી કળા થવા લાગી હતી. એ સંજોગોમાં સંગીતકારો પોતપોતાની કારકીર્દિનો સૂર્ય આથમે તે પહેલાં આ તકનો મહત્તમ લાભ ઉઠાવી લેવા માંગતા હતા. ૧૯૯૩ની ફિલ્મ ‘રોજા’ના સંગીતથી પ્રકાશમાં આવેલા એ.આર. રહેમાનની વાત કરીએ તો ત્રણ ભાષામાં બનેલી એ ફિલ્મનાં ગીતોની કેસેટ્સના વેચાણ પર એમને ૫૦% લેખે રોયલ્ટી રૂપે રૂપિયા ૫૦ લાખ જેવી રકમ મળી હોવાના અહેવાલ હતા અને એ પણ ૧૯૯૬ના અરસામાં.

એ.આર. રહેમાન

આવા તોતિંગ વળતર એ બાબત સૂચવતાં હતાં કે હાલના સંગીતકારોથી વિપરીત, અગાઉના જમાનાના સંગીતકારોએ એમનું જીવન પૂરી નિષ્ઠાથી પોતાની કળાને સંપૂર્ણ બનાવવા પાછળ ખર્ચી નાખ્યું હતું. એ સંગીતકારોએ સર્જેલું સંગીત સમયના સિમાડાઓ ઓળંગી ગયું છે, તો પણ એ લોકો ખપ પૂરતું માંડ કમાઈ શક્યા હતા. અછૂત કન્યા(૧૯૩૬), ભાભી(૧૯૩૮), કંગન(૧૯૩૯) તેમ જ બંધન(૧૯૪૦) જેવી બોમ્બે ટૉકીઝની સંગીતપ્રધાન ફિલ્મો પ્રચંડ કામયાબીને વરી, તેમાંસંગીત પીરસનાર સરસ્વતીદેવી આ ક્ષેત્રમાંથી નિવૃત્ત થયાં પછી ૧૯૫૦ આસપાસના અરસામાં શૂલ્કની પરવા કર્યા વિના સંગીત શીખવતાં હતાં, એ વાત અત્યારે કોણ માની શકે? ફિલ્મોમાં સંગીત આપીને રળેલાં નાણાં થકી એમના બે છેડા માંડ પૂરા થતા હશે. છેલ્લા દિવસોમાં એમને હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યાં ત્યારે તમામ ખર્ચ એમનાં પાડોશીઓએ ઉઠાવ્યો હતો.

ધ્રુપદ ગાયકીના અને કથકના સાધક તેમ જ ખ્યાતનામ સંગીતકાર ખેમચંદ પ્રકાશને તાનસેન(૧૯૪૩), સિન્દૂર(૧૯૪૭)અને મહલ(૧૯૫૦) જેવી ફિલ્મોના સંગીત માટે આજે પણ યાદ કરવામાં આવે છે.

ખેમચંદ પ્રકાશ

(ફિલ્મ મહલના)‘આયેગા આનેવાલા’ ગીતથી લતા મંગેશકરની કારકીર્દિ ઘડાઈ એવું કહી શકાય. ખેમચંદે જ ફિલ્મ ઝીદ્દી(૧૯૪૮)માં કિશોરકુમારને તક આપી. નૌશાદને ફિલ્મસંગીતના પાયાના સિધ્ધાંતો એમણે જ સમજાવ્યા. પણ એમને ચૂકવવામાં આવતા મહેનતાણાની વાત કરીએ તો બે હજાર રૂપીયા જેવડી રકમ મેળવવા માટે એમણે એક કંજૂસ નિર્માતા પાસે નજીકના સગાના મોતનું બહાનું કાઢવું પડ્યું હતું. સને ૧૯૫૦માં એમના મૃત્યુ સમયે બોમ્બે ટૉકીઝમાં ખેમચંદનો માસિક દરમાયો માત્ર રૂપીયા ૧૫૦૦/-નો હતો.

૧૯૪૦ના મધ્યભાગમાં પન્નાલાલ ઘોષ જેવા વિખ્યાત વાંસળીવાદકે એક ફિલ્મમાં વાંસળીવાદન માટે રૂપીયા ૫૦૦/-ની માંગણી કરી ત્યારે ભડકેલા નિર્માતાએ કહ્યું, “શું? એક ભૂંગળીમાં જરા અમથી હવા ફૂંકવાના ૫૦૦ રૂપિયા?” જવાબમાં ઘોષે ટાઢે કલેજે પરખાવ્યું, “એ જરા અમથી હવા ફૂંકવાની આવડત કેળવવામાં મારી જીંદગી ખર્ચાઈ ગઈ છે!”

પન્નાલાલ ઘોષ. જમણે તબલાં ઉપર નીખિલ ઘોષ

પ્રસિદ્ધ ગાયક-સંગીતકાર ગોવીંદ રાવ ટેમ્બેએ ૧૯૩૦ના દાયકાની શરૂઆતમાં પ્રભાત ફિલ્મ કંપની તરફથી મળેલી દરખાસ્તને પૈસાની લાલચમાં( ભલે એ રકમ નજીવી હતી) આવ્યા વગર ઠૂકરાવી હતી એ વાતની આજે તો કલ્પના પણ કરવી મૂશ્કેલ લાગે છે. ના પાડવાનું કારણ? પ્રભાતે પૂના ખાતે સ્થળાંતર કર્યું હતું અને ટેમ્બે કોલ્હાપૂરના નિર્મળ, શાંત માહોલને છોડવા નહોતા ઈચ્છતા. એ જ રીતે પંકજ મલ્લિક મુંબઈના ફિલ્મનિર્માતાઓની લાલચમાં આવીને એમનું પ્રિય શહેર કલકત્તા છોડવા ક્યારેય તૈયાર ન થયા.

ગુલામ મહંમદ {મીરઝા ગાલીબ(૧૯૫૪), પાકીઝા(૧૯૭૧)} અને જમાલ સેન {શોકીયાં(૧૯૫૧), દાયરા(૧૯૫૩)} જેવા સંગીતકારો નાણાકિય ભીડમાં જીવ્યા અને કંગાલીયતમાં મૃત્યુ પામ્યા. એક અત્યંત સૂરીલા સંગીતકાર વિનોદ{એક થી લડકી(૧૯૪૯), અનમોલ રતન(૧૯૫૦)}ની કહાણી પણ આવી જ છે. અમુક સંગીતકારો કમાયા, પણ આજના યુગના સંગીતકારો જેટલી સહેલાઈથી તો નહીં જ. હિન્દી ફિલ્મી સંગીતના પિતામહ તરીકે જાણીતા આર.સી. બોરાલને ન્યુ થિયેટર્સમાં માસિક રૂપીયા ૧૨૦૦/- ચૂકવવામાં આવતા હતા, જે તે સમયે સૌથી મોટી રકમ હતી. કે.આસીફે ગુલામ હૈદરને ફિલ્મ ફૂલ (૧૯૪૫) માટે રૂપીયા ૨૫,૦૦૦/- ની અને તે પછી મહેબૂબખાને ફિલ્મ હુમાયુ(૧૯૪૫) માટે એક લાખ રૂપીયાની દરખાસ્ત મૂકી, તે બાબત ચર્ચાનો વિષય બની ગઈ હતી.

નૌશાદને ફિલ્મ રતન(૧૯૪૪)ના સંગીત માટે માટે રૂપીયા ૮૦૦૦/- મળ્યા હતા. એની અપ્રતિમ સફળતા પછી એ હકપૂર્વક પોતાનું વાજબી મહેનતાણું લેવાનો દાવો કરવા લાગ્યા. મુબઈમાં આમ કરનારા એ પહેલા સંગીતકાર હતા. તે વર્ષે એક કે બે ફિલ્મો જ કરતા હતા. ફિલ્મ આઝાદ(૧૯૫૫)નું સંગીત તૈયાર કરવા માટે એમણે રૂપીયા એક લાખની દરખાસ્ત ન સ્વીકારી કારણ કે એમને કહેવામાં આવ્યું કે એ કામ ટૂંક સમયમાં પૂરું કરી દેવાનું હતું. આર.કે.ફિલ્મ્સના પરિઘની બહાર કામ કરીને શંકર-જયકિશન થોડું ઘણું કમાયા. ઓ.પી. નૈયરે પોતાના નિર્માતાઓ પાસેથી તગડી રકમ વસૂલી. એવી સફળતા છતાં પણ એ લોકો કમાણીમાં અને ધંધાદારી રીતરસમોમાં આજના સંગીતકારો કરતાં ખાસ્સા પાછળ હતા. કવિ અને વાર્તાલેખક ડી.એન.મધોક કમાણીની બાબતે કદાચ એકમાત્ર અપવાદ હતા. કહેવાય છે કે ૧૯૪૦ના સમયગાળામાં તે ફિલ્મ દીઠ એક લાખ રૂપીયા કમાતા હતા. જો કે એ નિવૃત્ત થયા ત્યારે પોતાની વૈભવી જીવનશૈલી અને જરૂરીયાતવાળાઓને મદદ કરવાની વૃત્તિથી એમની પાઈ પાઈ ખર્ચાઈ ગઈ હતી.

૧૯૯૮માં હું એ.આર.રહેમાનને ચેન્નાઈ ખાતેના એના નિવાસસ્થાને મળ્યો ત્યારે એમણે મને કહેલું કે મુંબઈ(ની ફિલ્મી દુનિયા)ની મૂષકદોડમાં જોડાવાની પોતાની ઈચ્છા નહોતી. છેવટે એમને પણ એનો ભાગ બની ગયા વગર ચાલ્યું નહીં.

    *———————-*———————-*———————*———————-*———————*

     () જ્યારે એક જોડી તૂટે છે

સંગીતકાર બેલડી નદીમ-શ્રવણ પૈકીના નદીમ સૈફીએ સને ૨૦૦૫માં પોતાના જોડીદાર શ્રવણ સાથે છેડો ફાડ્યો, ત્યારે શ્રવણ રાઠોડની કારકીર્દિ ઉપર જાણે શાપરૂપી છાયા ફરી ગઈ.

નદીમ અને શ્રવણ

સુખ્યાત શાસ્ત્રીય ગાયક ચતુર્ભૂજ રાઠોડના પુત્ર શ્રવણમાં એક સમર્થ સંગીતનિર્દેશક બનવાની ક્ષમતા હતી. પણ, એમણે મેળવેલી નામનામાં નદીમ જોડાયેલા હતા. તેમની ઓળખ એક જોડી તરીકેની હતી. એટલે બેમાંથી કોઈ પણ એક જણ માટે એકલા આગળ વધવું મુશ્કેલ હતું. નિરપવાદ રીતે દોહરાતા ઈતિહાસને ખોટો પાડવામાં શ્રવણ પણ નિષ્ફળ ગયા.

કોઈ સમારંભમાં એકવાર નૌશાદે જોડીમાં સંગીતનિર્દેશન કરનારા સંગીતકારો વિશે વક્રોક્તિ કરી. લક્ષ્મીકાંત-પ્યારેલાલ જોડીમાંના પ્યારેલાલ ત્યારે મંચ ઉપર ઉપસ્થિત હતા. એ આ ટીપ્પણી થકી છેડાઈ ગયા. એમણે તીવ્ર કટાક્ષમય અંદાજમાં કહ્યું કે અગાઉના કેટલાક સંગીતકારો એક કરતાં વધારે સક્ષમ સહાયકો વડે ઘેરાયેલા રહેતા. એ સહાયકોએ એમનાં ગીતોમાં મોટો ફાળો આપ્યો છે.

વાત સાચી હશે, પણ એવા એકલ સંગીતકારો એટલા પ્રસિધ્ધ હતા કે આવી વાતોનું ખાસ કશું વજૂદ નહોતું. બીજી બાજુ જોઈએ તો સફળ જોડીઓ પૈકીના કોઈ એક સંગીતકારના પ્રદાનની કોઈ જ નોંધ ન લેવાતી. ભૂતકાળમાં આવી જોડીઓ ખંડિત થયા પછી શું થયું એની ઉપર નજર નાખીએ.

૧૯૪૧માં લાહોરમાં બનેલી ફિલ્મ ખજાનચીના પંજાબી ઠેકાવાળા ગીત-સંગીતે સંગીતની દુનિયામાં ક્રાંતિ સર્જી દીધી. એ સમયે પૂનાની પ્રભાત ફિલ્મ કંપનીના બે ભાગીદારો દામલે અને ફતેહલાલને એમની ફિલ્મોના બંધિયાર થવાને આરે આવેલા સંગીતની શૈલીમાં ફેરફાર કરવાની જરૂર સમજાઈ. એમણે લાહોર જઈ, પંડિત અમરનાથને પોતાની કંપનીની ફિલ્મોમાં સંગીત પીરસવા માટે વિનંતી કરી. પં.અમરનાથે પોતાને બદલે પોતાના નાનાભાઈઓ હુશ્નલાલ અને ભગતરામની ભલામણ કરી. દેખાવડા પંજાબી એવા હુશ્નલાલ નીવડેલા વાયોલીનવાદક અને શાસ્ત્રીય ગાયક હતા. એમનાથી છ વર્ષે મોટા ભગતરામ અત્યંત કુશળ હાર્મોનિયમવાદક હતા. એ બન્ને સૌપ્રથમ સંગીતકાર જોડી તરીકે ઉપસી આવ્યા. તેમના સંગીતવાળી પહેલી અને સફળ ફિલ્મ ચાંદ {૧૯૪૪ દો દિલોં કો યહાં દુનીયા)} અને પછી પ્યાર કી જીત{૧૯૪૮ (એક દિલ કે ટૂકડે હજાર હુએ)} તેમ જ બડી બહન {૧૯૪૯ ( બિગડી બનાનેવાલે બિગડી બના દે, ચૂપ ચૂપ ખડે હો જરૂર કોઈ બાત હૈ)} જેવી ફિલ્મોનાં જબરદસ્ત લોકપ્રિય થયેલાં ગીતો થકી એ લોકોએ સીનેઉદ્યોગમાં મોખરાનું સ્થાન મેળવી લીધું.

હુશ્નલાલ અને ભગતરામ

આ જોડી માટે લતાએ એનાં યાદગાર ગીતોમાંનાં કેટલાંક ગાયાં. શંકર (જયકિશન) અને ખય્યામ ફિલ્મી સંગીતના પાયાના સિધ્ધાંતો એમની પાસેથી શીખ્યા હતા. પહેલાં હુશ્નલાલના દિલ્હી જતા રહેવાથી અને એ પછીનાં પાંચ વર્ષમાં સને ૧૯૬૮માં ૪૮ વર્ષની ઉમરે એમનું મૃત્યુ થવાથી ભગતરામને ટકી રહેવા માટે મૃત્યુપર્યંત ભારે સંઘર્ષ કરવો પડ્યો. પાંચ વર્ષ પછી સાવ ગુમનામ અવસ્થામાં એમનું પણ અવસાન થયું.

એ જ રીતે સને ૧૯૭૧માં જયકિશનના અવસાન પછી પણ શંકરે જોડીના જ નામ હેઠળ સંગીત આપવાનું ચાલુ રાખ્યું પણ એ કારગત ન નીવડ્યું.

શંકર

જયકિશનના મૃત્યુ થકી જોડી ખંડિત થઈ એ પહેલાં જ એ બન્ને વચ્ચે કેટલીક ઉકલી ન શકે તેવી ગાંઠો પડી ગઈ હતી. એ લોકો એકબીજાથી સ્વતંત્ર રીતે સંગીત તૈયાર કરતા થઈ જ ગયેલા. આમ છતાં તેઓ એક ટીમ તરીકે કામ કરતા હોવાથી ફેર નહોતો પડ્યો. જયકિશનની કાયમી વિદાય પછી અત્યંત પ્રતિભાવાન એવા શંકરેપણ વ્યર્થ સંઘર્ષ કરવો પડ્યો. એમના પથદર્શક એવા રાજકપૂરે સુદ્ધાં એમની અવગણના કરી. પોતપોતાની કારકીર્દિની ટોચ ઉપર હતા ત્યારે હુશ્નલાલ-ભગતરામ કે શંકર-જયકિશન અલગ થઈ ગયા હોત તો પણ પરિણામ આ જ આવ્યું હોત, જે એમની લોકપ્રિયતાના અસ્તાચળે આવેલું.

લક્ષ્મીકાંત-પ્યારેલાલ વચ્ચેના મતભેદો સપાટી ઉપર આવ્યા એ પહેલાં એમનું એકચક્રી શાસન ૨૫ વર્ષ કરતાં વધુ સમય માટે ચાલ્યું. મતભેદ થવાથી એમના હરિફોએ મગરનાં આંસુ વહાવ્યાં અને ફિલ્મનિર્માતાઓને કશુંક અમંગળ થવાનો ભય લાગ્યો. આથી આ જોડીનો સંભવિત વિચ્છેદ ચર્ચાનો મોટો વિષય બની ગયો. જો કે કશુંયે અઘટીત બને તે પહેલાં એ બન્નેએ પરસ્પર સમાધાન કરી લીધું. આખરે લક્ષ્મીકાંતનું અવસાન થયું. એ પછી પ્યારેલાલ એકલપંડે ટકી ન શક્યા. કલ્યાણજી અને આણંદજી તો ભાઈઓ હતા એટલે લોહીની સગાઈ થકી જોડાઈ રહ્યા. કલ્યાણજીના દીકરા વિજુ શાહ સંગીતનિર્દેશક તરીકેની ઉભરી આવ્યા ત્યારે કલ્યાણજીએ શાણપણભર્યો નિર્ણય અપનાવી અને યુવાપ્રતિભાઓને પ્રોત્સાહન આપવા ઉપર ધ્યાન કેન્દ્રીત કર્યું. પરિણામે  આણંદજીની કારકીર્દિનો અંત આવી ગયો.

આણંદજી

જ્યારે સંગીતના માધુર્યનો યુગ ચરમસિમાએ હતો ત્યારે ‘એક એટલે એકલવાયો’ (મૂળ અંગ્રેજી ગીત ‘One is a lonely number’) ઉક્તિ યથાર્થ બની રહી હતી એમ કહી શકાય.


નોંધ……..  ગીતો એનો વ્યવસાયિક ઉપયોગ નહીં થાય એવી બાહેંધરી સાથે યુ ટ્યુબ ઉપરથી લેવામાં આવ્યાં છે.


મૂલ્યવર્ધન…….. બીરેન કોઠારી.


શ્રી પિયૂષ પંડ્યાનું વીજાણુ સંપર્ક સરનામું: piyushmp30@yahoo.com

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.