વાંચનમાંથી ટાંચણ : જીવનનૌકાના નાવિક

સુરેશ જાની

બાંગ્લાદેશના ગાંધી તરીકે પ્રખ્યાત શ્રી. મહમ્મદ યુનુસ તો તેમને મળેલ નોબલ ઈનામથી વિશ્વ વિખ્યાત બની ગયા. પણ લગભગ એમના જ સમકાલીન સર ફઝલ આબિદ વિશે આપણે ત્યાં ખાસ જાણકારી નથી. એ ખોટ પૂરી કરવાનો આ પ્રયાસ છે.

૧૯૭૨માં પાકિસ્તાનથી છૂટા પડ્યા બાદ બાંગ્લાદેશની હાલત બહુ જ કફોડી હતી. વિશ્વના સૌથી  વધુ ગરીબ દેશમાં તેની ગણતરી થતી હતી. પશ્ચિમ પાકિસ્તાને કરેલ આર્થિક તબાહી, યુદ્ધ અને દર સાલ આવતા ગંગા/ બ્રહ્મપુત્રા નદીના પૂરથી સર્જાતો વિનાશ – આ બધાં પરિબળોના કારણે બાંગ્લાદેશ માટે કોઈ ઊજળા ભાવિનાં એંધાણ જ ન હતા. એ વખતે ફઝલ સાહેબના જીવનની દિશા જ પલટાઈ ગઈ.

૨૭, એપ્રિલ – ૧૯૩૬ ના દિને સિલ્હટના બનિયાચોન્ગ ગામમાં અમીર કુટુંબમાં તેમનો જન્મ થયો હતો. એમના મા બાપના ઉભય પક્ષે સમાજમાં આગળ પડતો ભાગ અને નેતાગીરી લેનારાઓનો તોટો ન હતો. પણ ફઝલભાઈને કિશોરાવસ્થામાં મોટી મોટી સ્ટીમરો બાંધનારા થવાનું ઘેલું લાગ્યું હતું. આ મકસદથી  ૧૮ વર્ષની ઉમરે  તેઓ ઇન્ગ્લેન્ડના ગ્લાસ્ગોમાં ઉચ્ચ શિક્ષણ લેવા ગયા હતા. પણ ત્યાં ગયા પછી તેમને જણાયું કે, આ માટે માદરે વતનમાં (એ વખતે પૂર્વ પાકિસ્તાન) કારકિર્દી બનાવવા કોઈ શક્યતા ન હતી. આથી ૧૯૬૨માં તેમણે ચાર્ટર્ડ  એકાઉન્ટન્ટની ઉપાધિ પ્રાપ્ત કરી. વતન પાછા ફરી તેઓ શેલ ઓઈલ કમ્પનીમાં જોડાઈ ગયા અને ઉત્તરોત્તર બઢતી પામતા ગયા.

પણ ૧૯૭૦ માં આવેલ અભૂતપૂર્વ પૂરના કારણે સર્જાયેલ તબાહી નિહાળી તેમનો અંતરાત્મા જાગી ગયો અને ઉચ્ચ  સ્થાન પરની સવલતોમાંથી મન ઊઠી ગયું. તેમણે નોકરીની સાથે સાથે જનસેવાના કામોમાં સહાય કરવાનું શરૂ કર્યું. આ સાથે જ તેમના જીવન ધર્મની તેમને પ્રતીતિ થઈ ગઈ.

તરત જ શરૂ થયેલા,  બાંગ્લાદેશના સ્વાતંત્ર્ય સંગ્રામ વખતે તેમને ત્યાં રહેવું હિતાવહ ન લાગ્યું અને ઇન્ગ્લેન્ડ  જતા રહ્યા અને ત્યાં વૈભવી ફ્લેટમાં રહેવા લાગ્યા.  ત્યાં પણ તેઓ  સ્વદેશના સ્વાતંત્ર્ય માટેની પ્રવૃત્તિઓમાં જોડાયા.

બાંગ્લાદેશ સ્વતંત્ર થયા બાદ ફઝલ વતન પાછા ફર્યા. ભારતમાં હિજરત કરી ગયેલા નિરાશ્રિતો પાછા  ફરતાં તેમને પુનર્વસવાટ કરાવવા અને પગભર કરવાની તાતી જરૂર ઊભી થઈ હતી. ફઝલે પોતાનો  ઇન્ગ્લેન્ડ ખાતેનો ફ્લેટ વેચી દીધો અને પૂર્ણ રીતે નૈરૂત્ય   બાંગ્લાદેશના સુલ્લા ખાતે આ કામમાં જોડાઈ ગયા.    બસ, આ જ ઘટના અને ૧૯૭૨માં એક મહાન સંસ્થાની સ્થાપના થઈ ગઈ. .

Bangladesh Rehabilitation Assistance Committee

ત્યાર પછીની આ સંસ્થાની પ્રગતિની ગાથા જગમશહૂર છે. ૨૦૦૨ ની સાલમાં આ સંસ્થાએ આંતરરાષ્ટ્રીય કામગીરી શરૂ કરી અને માત્ર બાંગ્લાદેશના ૮૪ જિલ્લાઓમાં જ  નહીં પણ એશિયા અને આફ્રિકાના ૧૦ પછાત દેશોમાં આ સત્કાર્ય ફેલાઈ ગયું.

‘બ્રાક’ સંસ્થા શિક્ષણ, સ્વાસ્થ્ય, નાની નાણાંકીય મદદ (micro-finance)   માનવ અધિકાર, માનવ કૌશલ્ય વિકાસ અને ગૃહ ઉદ્યોગના ઉમદા ધ્યેયોને વરેલી છે.  તેમનું આ મહાન અભિયાન ઉપાડી લેવા બહુ મોટી ટીમ તેમણે તૈયાર કરી છે. ગરીબીની રેખાની નીચે જીવતાં લોકોની ( ખાસ કરીને સૌથી વધારે અસર જેમના જીવન પર થાય છે, તેવી દરિદ્ર મહિલાઓની) આ સંસ્થા તારણહાર છે. એમને દારૂણ પરિસ્થિતિમાંથી પગભર થઈ આગળ વિકાસ કરવા માટે એક વિશિષ્ઠ યોજના કાળક્રમે ઊભી થઈ છે, અને એનો લાભ લાખો વંચિતોને મળી રહ્યો છે.

વિશ્વભરની સંસ્થાઓએ એમના આ મહાન કામની કદર કરીને ૨૧ જેટલા એવોર્ડ આપી એમનું બહુમાન કર્યું છે – જેમાં રેમન મેગ્સેસે એવોર્ડ મુખ્ય છે.  નેધરલેન્ડનો Order of Orange-Nassau  શાહી એવોર્ડ પણ તેમને એનાયત કરવામાં આવ્યો છે. ઇન્ગ્લેન્ડની રાણીએ એમને નાઈટહુડની ભેટ આપી છે, જેના કારણે એમના નામની આગળ ‘સર’ નો ખિતાબ જોડવામાં આવે છે.

 

જોરીનાનો એક જ નાનકડો દાખલો એમના મહાન કાર્યની સાક્ષી પૂરે છે.    બાંગ્લાદેશના સાવ પછાત ગામમાં જન્મેલી જોરીનાને કોઈ શિક્ષણ મળ્યું ન હતું. ૧૫ વર્ષની ઉમરે એનાં લગ્ન થઈ ગયાં અને પતિની ક્રૂરતાની હદ તો એ આવી કે, દારૂણ ગરીબીના કારણે બે બાળકો અને જોરીનાને છોડીને એ ભાગી ગયો. આપઘાત કરવાના નિર્ણય સુધી પહોંચી ગયેલી જોરીનાને ‘બ્રાક’નો સહારો મળ્યો અને એનું જીવન પલટાઈ ગયું.

૨૦૦૫ માં એને પોતાના પગ પર ઊભા રહેવાની તાલીમ મળી અને અઠવાડિયે એક ડોલર, બે ગાય અને અઠવાડિક પ્રોત્સાહન માટે સ્વયંસેવકોના સહારા અને માર્ગદર્શન સાથે એના નવજીવનની શરૂઆત થઈ. આજે જોરીનાનું પોતાનું મકાન અને જમીન છે અને એ વિસ્તારમાં સૌથી મોટી દુકાન તે ચલાવે છે. આટલું જ નહીં; પોતાના જેવી અનેક પીડિતાઓની તે ઉધ્ધારક બની ફઝલની મશાલને આગળ ધપાવી રહી છે.

આવી ૨૦ લાખ મહિલાઓની જીવનમાં ‘બ્રાક’ ના પ્રયત્નોથી રોશની ઝળહળી ઊઠી છે.

૨૦૧૯ માં ઢાકા ખાતે શ્વાસ લેવાની તકલીફના કારણે તેમનું અવસાન થયું; પણ તેમના પુત્ર શર્મને તેમનો વારસો આગળ ધપાવ્યો છે.

શર્મનના આ વિડિયો નિહાળી આપણે આ મહાન માનવ સેવકને અંજલિ અર્પીએ.

 


સંદર્ભ –

https://en.wikipedia.org/wiki/Fazle_Hasan_Abed

https://www.ted.com/talks/shameran_abed_4_steps_to_ending_extreme_poverty

https://en.wikipedia.org/wiki/BRAC_(organisation)

http://www.brac.net/


શ્રી સુરેશભાઈ જાનીનાં સંપર્કસૂત્રઃ

· નેટજગતનું સરનામું: ‘ગદ્યસૂર’ અને ‘કાવ્યસૂર’નો સમન્વય – સૂરસાધના

· ઇ-પત્રવ્યવહારનું સરનામું: sbjani2006@gmail.com

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.