નલિન શાહની નવલકથા : પ્રથમ પગલું – પ્રકરણ ૧૪

ત્યાં સુધી તમારા તરફ જોવાની ઉદ્ધતાઈ વારેઘડીએ થતી રહેશે

નલિન શાહ

આર્ટ સ્કૂલમાં રાજુલે પ્રશંસનીય પ્રગતિ સાધી હતી. જે એની કાર્યક્ષમતા અને કલાની અસાધારણ સૂઝબૂઝને આભારી હતી. રાજુલને એ વાતનું સતત ભાન હતું કે પોતાની કામયાબી શશીની આકાંક્ષા, જીદ ને મદદને કારણે જ શક્ય બની. એ વીસમા વર્ષમાં પ્રવેશ કરી ચૂકી હતી.

ચિત્રકલામાં દર્શાવાયેલા પ્રેમ અને યૌવનની કલ્પનાનો પરિચય, અંગ્રેજી સાહિત્યનું જ્ઞાન, સંપન્ન અને સંસ્કારી કુટુંબોમાંથી આવેલી સહેલીઓનું સાન્નિધ્ય અને રમણીય વાતાવરણ પ્રાપ્ત થતાં રાજુલ અનાયાસે ભવિષ્યનાં સોનેરી સપનાં જોતી થઈ ગઈ હતી.

રાજુલ ત્રીજા વર્ષમાં પ્રવેશ કરી ચૂકી હતી. શશી એક સ્વસ્થ બાળકીની માતા બની હતી. એની બધી માવજત શશીની માએ શશીને ત્યાં રાજાપુરમાં રહીને કરી હતી. શશીના પ્રયત્નોથી હવે ત્યાં એક જમાનામાં પછાત કહેવાતા ગામમાં પણ દવાખાનાની ને પ્રસુતિગૃહની વ્યવસ્થા ઉપલબ્ધ હતી. બેબીના જન્મ ટાણે એને જોવા અને આનંદ વ્યક્ત કરવા રાજુલ રાજાપુર આવી ગઈ હતી. હવે લગભગ વરસ પુરું થવા આવ્યું હતું. રાજુલ એની વ્યસ્તતાને કારણ આવી નહોતી શકી, પણ તેઓ પત્રો મારફત સતત સંપર્કમાં રહેતાં હતાં.

છેલ્લા બે મહિનાથી રાજુલના કોઈ સમાચાર નહોતા. શશીથી પણ ખાસ કંઈ લખાયું નહોતું ત્યાં એક દિવસ રાજુલનું પરબીડિયું આવ્યું. ખાસ્સુ લાંબુંલચક લખ્યું હોય એમ લાગ્યું. પરબીડિયા પર રાજુલના હસ્તાક્ષરો ઓળખી શશીએ ખોળામાં સુતેલી બેબીને જગાડ્યા વગર આતુરતાથી એ ખોલ્યું ને પહેલાં જ વાક્યે એણે સ્તબ્ધતા અનુભવી. તારીખ પણ બે મહિના પહેલાંની હતી.

તા. ૨૮-૯-૧૯૭૦

દીદી,

હું તને હેતુપૂર્વક આંચકો આપવા નથી માગતી, પણ વાત જ એવી છે કે તું આંચકો અનુભવ્યા વગર નહીં રહે. પહેલાં થયું કે હું પ્રત્યક્ષ ત્યાં આવી તારી સામે વાતોનું સ્પષ્ટીકરણ કરું પણ મીડ ટર્મ એક્ઝામ નજીક આવી હોવાથી આવવા-જવાનો સમય ફાળવી શકાય તેમ નહોતો, કદાચ તારો ડર પણ એમાં કારણભૂત હોઈ શકે. એટલે જ આ પત્ર…

દીદી, હું પ્રેમમાં પડી છું. તારે માટે તો હું હજી નાની ઢીંગલી જ હોઈશ, પણ એકવીસમાં વર્ષમાં પ્રવેશ કરતી બાળા પુખ્ત વયની ને સમજદાર ગણાય એમ માનીને આ બધું લખવાની હિમ્મત કરું છું.

હા દીદી, આ પ્રેમ ક્યારે થયો, કેમ થયો? એ હું નથી જાણતી; પણ એટલું જરૂર કહીશ કે આ પ્રેમ પહેલો ને છેલ્લો છે એમાં શંકાને સ્થાન નથી.

યાદ છે, મેં તને આ પહેલાં એક છોકરા માટે લખ્યું હતું જે મારામાં રસ લેતો હોય એમ મને લાગ્યું’તું, આ એ જ છે.

એક વાર એ રસ્તામાં મળી ગયો. હું એના સ્કૂટર પર ના બેસવાનું સમજી શકાય એવું કોઈ કારણ શોધી ના શકી એટલે શિષ્ટાચાર ખાતર બેઠી. જ્યારે એણે મને હોસ્ટેલની બહાર ઊતારી ત્યારે એણે દરવાજા પાસે રસ્તામાં જ ઊભા રહી કહ્યું, ‘મિસ મુન્શી, હું જે કાંઈ કહેવા માંગુ છું એ એટલે કે તમે મારે માટે કોઈ ખોટો અભિપ્રાય ન બાંધો. તમે મને ઘણી વાર તમારી સામે એકીટશે જોતાં ભાળ્યો હશે ને કદાચ ગુસ્સો પણ આવ્યો હશે, પણ શું કરું હું મને પોતાને રોકી નહોતો શકતો. એ એટલા માટે નહીં કે તમે દેખાવે સુંદર છો. તમારા દેખાવમાં, હાવભાવમાં એવું કાંઇક છે જે જોનારને આકર્ષ્યા વગર ના રહે. એક કાબેલ અને કલ્પનાશીલ કલાકાર સિવાય તમારા વિશે હું કશું જાણતો નથી. શક્ય છે કે જાણ્યા પછી મારો જુસ્સો ઊતરી પણ જાય કે વધી પણ જાય એ ત્યારની વાત છે. આ સ્કૂલમાં ઘણી સુંદર વિદ્યાર્થીનીઓ છે જે મારી સાથે દોસ્તી કરવા તરસે છે પણ હું એમના તરફ કદી આંખ ઊંચી કરીને જોતો નથી. આને આત્મસ્લાઘા કે આપવડાઈ ના સમજતાં. તમારામાં એવું શું છે એની મને ખબર નથી. શક્ય છે કે તમે પોતે પણ અજાણ હો માટે મારી નજરમાં તમને ખોટ કે ઉદ્ધતાઈ દેખાઈ હોય તો હું માફી માંગુ છું. જાણ્યા વગર મારે માટે તમારા મનમાં કોઈ પૂર્વગ્રહ ના બંધાય એટલે આ સ્પષ્ટીકરણ કરવું પડ્યું.’ મેં શાંતિથી સાંભળી લીધું; કોઈ પ્રતિસાદ ના આપ્યો. એણે સ્કૂટર ચાલુ કર્યું ને મેં હોસ્ટેલમાં જવા પગ ઉપાડ્યા ત્યાં પાછળથી એનો સાદ આવ્યો ‘મિસ મુન્શિ’, હું પાછી વળી, ‘એક બીજી વાત. આર્કિટેક્ટમાં આ મારું છેલ્લું વરસ છે, ત્યાર પછી તો કોઈ મોકો મને મળવાનો નથી માટે ત્યાં સુધી તમારા તરફ જોવાની ઉદ્ધતાઈ વારે ઘડી એ થતી રહેશે એટલે અત્યારથી જ તમારી માફી માગી લઉં છું.’ સાંભળીને હું સાચ્ચે જ હસી પડી. ત્યાર પછી તો સામસામે ભટકાવાના મોકા વધતા ગયા. ક્યારેક કેન્ટિનમાં તો ક્યારેક રસ્તામાં આવતાં-જતાં. શક્ય છે કે એણે મારા આવવા જવાનો સમય નોંધી રાખ્યો હોય. પણ આવી અનાયાસે થતી મુલાકાતો મને ગમવા માંડી હતી. એનું વ્યક્તિત્વ આકર્ષક હતું અને સૌજન્યશીલ પણ એટલો જ હતો. એણે જણાવ્યું ત્યારે જાણ્યું કે એનું નામ સાગર હતું.

ધીરે ધીરે અમે નજદીક આવતાં ગયાં. કોઈ પણ પ્રકારનો સંકોચ રાખવાની પળ વહી ગઈ હતી. અમે ફરતાં તો કેવળ એના સ્કૂટર પર, ટેક્ષીમાં કદાપિ નહીં. કદાચ એને ના પોષાતું હોય!

એક દિવસ મેં મજાકમાં પૂછ્યું કે એક વાર તું ડૉજ કે પ્લાયમોથ જેવી મોટી ગાડી લઈને આવ્યો હતો તે શું મને દેખાડવા? તો એણે હસતાં હસતાં કહ્યું કે એન્યુઅલ ફંક્શનમાં ચીફ ગેસ્ટને લાવવાની જવાબદારી એને સોંપાઈ હતી. ‘હવે ચીફ ગેસ્ટને સ્કૂટર પર તો ના લવાય ને?’ મને હસવું આવ્યું. પૂછવાનું મન પણ થયું કે ‘આવી મોટી મોંઘી દાટ ગાડી તને ચલાવવા કોણે આપી?’ પણ એને સંકોચ ના થાય એટલે ચૂપ રહી.

મને નવાઈ એ વાતની લાગતી હતી કે બીજા છોકરા કોઈ ને કોઈ છોકરીને ઇમ્પ્રેસ કરવા મોટી મોટી વાતો કરે, ફેન્સી પોષાક ધારણ કરે ને ના પોષાય તો પણ તાજ જેવી કોઈ મોંઘી હોટેલમાં લઈ જાય, જ્યારે સાગરે કદી મોટાઈનો ડોળ નહોતો કર્યો. અમે હોટેલમાં કોક વાર જતાં,  પણ સુઘડ ને થોડી મોંઘી જેવી પણ બહુ નહીં. મને કોક વાર થતું કે મને ખુશ કરવા આવી હોટેલમાં પણ શાને જવું જોઈએ? હા, એણે કદી મોટાઈનો દેખાડો કરવા પ્રયત્ન નહોતો કર્યો પણ હું ભારરૂપ તો નથી થઈ રહી ને એ વિચારે ચિંતા થતી હતી. અડધો ખર્ચો હું કરીશ એમ પણ કહેવાની મારી ગુંજાઈશ નહોતી.

એક દિવસ દીદી, એણે સમંદરને કિનારે ટહેલતાં એના પ્રેમનો એકરાર કર્યો ને લગ્ન કરવા સુધીનો મક્કમ ઇરાદો પણ જાહેર કર્યો. હું હેબતાઈ ગઈ. અનાયાસે મારાથી પૂછાઈ ગયું કે શું એ કુટુંબનો ભાર ઉઠાવવા શક્તિમાન હતો? એણે નિખાલસપણે એટલો જ ઘટસ્ફોટ કર્યો, ‘પૈસા કોઈ ચિંતાનો વિષય નથી અને આમેય આવતાં વર્ષે આર્કિટેક્ટ થઈને ક્યાં ને ક્યાંક તો સેટલ થઈ જઈશ.’ મેં કોઈ પ્રત્યુત્તર ના આપ્યો ફક્ત એટલું જ કહ્યું, ‘મારા લગ્નનો નિર્ણય કેવળ મારી દીદીના હાથમાં છે. એ કહે કે કોઈ ભિખારીને પરણ તો હું ભિખારીને પરણીશ; ને એ ના ઇચ્છે તો રાજકુમારને પણ ઠુકરાવી દઈશ.’

મારા પર તારો આટલો પ્રભાવ જાણીને શક્ય છે કે એણે સ્તબ્ધતા અનુભવી હશે, પણ કાંઈ બોલ્યો નહીં.

દીદી, જો તું મારી પ્રેમ કહાનીથી ચમકી હશે તો હવે પછીની વાતો જાણી થથરી જઈશ.

અમારો સંબંધ છૂપો ના રહ્યો. કોલેજમાં વાત પ્રસરી ગઈ. મારી સહેલીઓએ તો મને ઘેરી લીધી. એકે કહ્યું, ‘રાજુલ, તેં તો ખરો શિકાર કર્યો. બધી છોકરીઓ હાથ ઘસતી રહી ગઈ, કોંગ્રેચ્યુલેશન્સ. હવે તો તું રાણીની જેમ રાજ કરીશ.’

મેં કહ્યું, ‘એના સ્કૂટર પર ફરવામાં હું કંઈ રાણી બની ગઈ?’

એ લોકોએ આશ્ચર્ય અનુભવ્યુ ને કહ્યું ‘તું એમ કહેવા માંગે છે કે તને કાંઈ ખબર જ નથી! તું એ પણ નથી જાણતી કે પ્રખ્યાત અબજોપતિ શેઠ પરિવારનો એ એક માત્ર વારસ છે? એમના ડોનેશન પર કેટલી સંસ્થાઓ કાર્યરત છે ને કેટલાં વિદ્યાર્થીઓ નભી રહ્યાં છે!’

મને સાચ્ચે જ ચક્કર આવ્યા. હું હતાશ થઈને બેસી ગઈ. મને લાગ્યું કે મારી સાથે છેતરપીંડી થઈ હતી.

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.