આપણા હોવાપણાની સાવ સાચી વાત લખ

પરાજીત ડાભી

ગઝલ

આપણા હોવાપણાની સાવ સાચી વાત લખ, જો આવડે તો.
હાથમાં લઈને કલમ તારી બધી ઓકાત લખ, જો આવડે તો.

સૂર્યને જે બાનમાં રાખે અને વ્યાપાર કિરણોનો કરે છે,
એમના ઘરમાં ઘૂસીને ઘોર કાળી રાત લખ, જો આવડે તો.

કોઈ પણ કારણ વગર ફૂલો કરે અવહેલના આ કંટકોની,
પાનખરનો સાવ સુક્કો એક તો આઘાત લખ, જો આવડે તો.

હા, હવે મારે મને મારો પરિચય આપવો છે સાવ સાચો,
તું મને મળવા હવે મારી જ મુલાકાત લખ, જો આવડે તો.

હે કવિ, તારી કવિતા સાંભળીને માણસો જાગી ગયા છે,
એ ફરી સૂવે નહિ એ શબ્દની તાકાત લખ, જો આવડે તો.

                                                 પરાજીત ડાભી.

આસ્વાદ

રક્ષા શુક્લ

 પરાજીત ડાભી…સ્મૃતિમાંથી ન ભૂસી શકાય તેવું એક નામ. તાજેતરમાં જ આ ઉત્તમ ગઝલકારને આપણે ગુમાવ્યા છે. ગુજરાતી ગઝલને એની ખોટ હંમેશા સાલશે. મોત સામે સતત લડતા આ જાંબાઝ કવિ જાણે ૨૦૧૫થી જ એનો પગરવ પામી ગયા હતા અને એમણે ‘ફરી હું મળું નાં મળું’ નામનો ૧૦૧ સુંદર ગઝલો સાથેનો કાવ્યસંગ્રહ આપણી સામે મૂક્યો. મરણોન્મુખ કવિ કલમ સાથે સાતત્યપૂર્ણ જીવીને જાણે અપરાજિત, ઉન્નત મસ્તક હતા. ‘કવિતા કોઈ આવીને લખાવી જાય છે એવું સતત અનુભવતા આ અદ્ભુત કવિને કવિતાથી મળતો ક્ષણિક આનંદ, આત્મરતિ, અભિમાન, પ્રસિદ્ધિ કે પૈસો કશું જ ખપનું લાગતું નહોતું એટલે જ પોતાને ગમતી જીવાયેલી પળો સુધી પહોંચવા માટે બચેલો એકમાત્ર રસ્તો એમને કવિતાનો જ લાગ્યો. જીવલેણ બીમારી સામે લડતા રહીને ત્રીજો કાવ્યસંગ્રહ ‘એક મિસરો તું લખી દે’ પણ આપ્યો. આ ઉત્તમ કવિજીવને વંદન સાથે આવો, એમના શબ્દોમાં પ્રવેશ કરીએ.              

               ભાવનગરની બુધસભામાં અલપઝલપ મળેલા કવિ પરાજિત ડાભીને એમની ગઝલો દ્વારા હું વધુ ઓળખું છું. મળી ત્યારે જ એમની ગઝલો જેવી જ સરળતા અને સંવાદની ઋજુતા પ્રથમ નજરે જ સ્પર્શી ગયેલી. પણ પરિચયની સઘન કડી તો કવિતા જ. એમની બળુકી ગઝલોના ચુસ્ત રદીફ-કાફિયા ઉત્તમ કવિ તરીકે એમની નોંધ લેવા આપણને મજબૂર કરે છે. પોતાની જ ગઝલોને અચંબિત થઇ જોતા રહે છે. કવિ સતત કંઇક તીર્યકની શોધમાં હોય એવું લાગે છે. તેઓ કહે છે કે..

‘હું નવો કક્કો, નવી બારાખડી શોધી રહ્યો,

જે લખ્યા વિણ પણ લખાયે ‘ને ફરી ભૂસાય ના.’

                એમની ‘જો આવડે તો’ ગઝલમાં એક ચેલેન્જ છે. કવિ પોતાની ઓકાતને, શબ્દની તાકાતને, પોતાની જ જાતને મળવાની હિંમતને અને કવિઓને જાણે પડકારે છે. પાંચ ફૂટનો આપણો દૈહિક આકાર તો છે જ છે. પરંતુ કવિ ધીરે ધીરે બાહ્યથી ભીતર તરફની ગતિ કરતા સુક્ષ્મ તરફ આગળ વધે છે. ‘સ્વ’ના સત્યની ખોજ કરતા કરતા પોતાની જ મર્યાદાઓને જોવાની અહીં વાત છે. નર્મદે ‘મારી હકીકત’માં આ જ વાત કહી છે. આનું શ્રેષ્ઠ ઉદાહરણ ગાંધીજીના ‘સત્યના પ્રયોગો’થી મોટું કોઈ હોય ના શકે. માણસનું જીવન કેટકેટલાં સ્તર પર જીવાતુ હોય છે. અન્ય એક ગઝલમાં કવિ લખે છે કે..

‘વ્યાપ મળ્યો ત્યાં વ્યાપી લીધું,

પોતાનું કદ માપી લીધું.’


સુશ્રી રક્ષાબહેન  શુક્લનો સંપર્ક  shukla.rakshah@gmail.com વીજાણુ સરનામે કરી શકાશે.


વેબ ગુર્જરી પર પ્રકાશન અંગેની વિચારણા સારૂ આપની કવિતા નીચેનાં વીજાણુ સરનામે પદ્ય વિભાગનાં સંપાદકોને મોકલી શકો છો-

સુશ્રી દેવિકા ધ્રુવ – ddhruva1948@yahoo.com
સુશ્રી રક્ષા શુક્લ – shukla.rakshah@gmail.com

 

Author: Web Gurjari

1 thought on “આપણા હોવાપણાની સાવ સાચી વાત લખ

Leave a Reply

Your email address will not be published.