આપણે કેટલા પ્રાચીન ? – લેખાંક ૬

– પ્રવાસી યુ. ધોળકિયા

આપણા સાંસ્કૃતિક ઈતિહાસના વારસામાં ડોકીયું કરતી આપણી આ શ્રેણી ‘આપણા સાંસ્કૃતિક ઈતિહાસ્માં ડોકીયું’ના પાંચ લેખાંક પુરા થયા.

છેલ્લા લેખાંકમાં આપણે ‘દેવાસુર યુગ’ વિશે સંક્ષિપ્ત અવલોકન કર્યું. આ યુગની  સમાપ્તિ સાથે જ ચાર યુગોમાંનો પ્રથમ યુગ કૃત-સત યુગ પુરો થયો. આ યુગની અવધિ ૩,૬૦૦ વર્ષની હતી.

હવે આપણે ત્રેતા યુગના પ્રથમ ૫,૦૦૦ વર્ષના કાળખંડમાં પૂર્ણ થયેલ પંચજન દેશ, પાંચ પ્રજાઓના યુગ વિશે ટુંકમાં જાણીશું.

+              +              +              +

પંચજન્ય યુગ

હિંદી ભાષામાં અયુર્વેદના ઈતિહાસ પર રત્નાકર શાસ્ત્રીએ એક અદ્વિતિય પુસ્તક, भारतके प्राणाचार्य,માં આયુર્વેદના ઈતિહાસને પંચજનના ઈતિહાસ સાથે સરસ રીતે સાંકળી લેવામાં આવેલ છે. વૈદિક ગ્રંથોમાં આ પાંચ પ્રજાઓ વિશે પ્રમાણમાં વિસ્તૃત માહિતી મળે છે. પરંતુ શતપથ બ્રાહ્મણ  પાંચ પ્રજાને સ્થાને  દસજન વિશે એક યાદી આપે છે, જે નીચે પ્રમાણે છે:

જન પ્રથમ રાજવીનું નામ  ધર્મશાસ્ત્ર અન્ય માહિતી
૧) માનવ વૈવસ્ત મનુ ઋગ્વેદ દશ મંડળ, ૧૦૨૮ સુક્ત
૨) પિતર વૈવસ્ત યમ યજુર્વેદ ૪૦ અધ્યાય, ૨૦૦૦ છંદ
૩) ગન્ધર્વ વરૂણ અથર્વવેદ ૭૬૦ સુક્ત, ૬૦૧૫ છંદ
૪) અપ્સરા સોમ આંગિરસ વેદ રંભા, મેનકા, ઉર્વશી વગેરે અપ્સરાઓ
૫) નાગ અર્બુદ કાદ્વેય સર્પ વિદ્યા  

સ્વર્ગલોકના મહાન અધિનાયકો

૬) યક્ષ રાક્ષસ વૈશ્રવણ કુબેર દેવજન વિદ્યા
૭) અસુર (દૈત્ય દાનવ) અસિત ધાન્વ માયાવેદ હિરણ્યકશિપુ, પ્રહલાદ, બલિ વગેરે
૮) મત્સ્યજીવી (નિષાદ) મત્સ્ય સમ્મદ ઈતિહાસવેદ  

શ્રી રામને વનવાસ દરમ્યાન આ બન્ને પ્રજાએ ભારે મદદ કરી હતી

૯) સુપર્ણ (કૃષ્ણવર્ણ નીગ્રો) તાર્ક્ષ્ય વૈવસ્ત પુરાણ
૧૦) દેવ ઈન્દ્ર સામવેદ ૧૫૪૯ મંત્ર; દેવલોકનો અધિષ્ઠાતા ઈન્દ્ર

ચર્ચામાં આગળ વધીએ તે પહેલાં આપણે એ વાત ખાસ ધ્યાન રાખવાની છે કે ઉપરોક્ત દસ પ્રજા આપણા જેવી હાડચામ અને મનોવૃત્તિ ધરાવતી માનવજાતિઓ જ હતી. દુર્ભાગ્યે આજથી ૨,૫૦૦ વર્ષ પહેલાં પુરાણ ગ્રંથોનું નવસંસ્કરણ કરવામાં આવ્યું ત્યારે તેના નકલકર્તા સુતો અને માગધોએ કોઈ અગમ્ય કારણસર આ પ્રજાઓને દેવો, અર્ધદેવો, પ્રાણીઓ અને પક્ષીઓમાં રૂપાંતરિત કરી આપણી પ્રાચીન ઐતિહાસિક પરંપરાને સાવ  નકામી અને હાસ્યાસ્પદ બનાવી દીધી. તેથી આજે આ ભવ્ય ઐતિહાસિક પરંપરાને કોઈ માનવા તૈયાર નથી.

આપણે જે સ્વર્ગલોકનો ઈતિહાસ અત્રે પ્રસ્તુત કરી રહ્યા છીએ તે આ મુજબ પાંચ ભાગમાં વિભાજિત હતો -૧) દેવલોક ૨) નાગલોક ૩) યક્ષલોક ૪) કિન્નરલોક અને ૫) ગાંધર્વલોક. અત્રે જે માહિતી આપી છે તે મહદ અંશે રત્નાકર શાસ્ત્રીના પુસ્તક પર આધારિત છે.

આ સ્વર્ગલોક એટલે શું એ સવાલ આપણા મનમાં ઉઠવો સ્વાભાવિક છે. આપણે તેઓ અર્થ મૃત્યુના સંદર્ભમાં કરીએ છીએ, પરંતુ ઉપનિષદ ગ્રંથો પ્રમાણે  તેનો સાચો અર્થ  સુખમય અને પ્રકાશમય પ્રદેશ થાય છે. સ્વર્ગનો એક બીજો અર્થ થાય છે એવો પ્રદેશ જ્યાં જગતની મહાનદીઓનાં મૂળ છે. તેનો વિસ્તાર પૂર્વાંત સાગરથી લઈને અપાશંત સાગર સુધી હિમાલય પર્વત પર હતો. જેને આપણા ગ્રંથો ત્રિવિશ્ટ્ય વિસ્તાર તરીકે ઓળખાવે છે તે આ હિમાલય પર્વત પાસે આવેલ તિબેટનાં શિખરો પરથી જગતની સાત મહાન નદીઓ વહે છે.

આ સ્વર્ગલોક પહેલાં હિરણ્યકશિપુ, પ્રહલાદ અને બલિ અસુરોના કબજામાં હતો ઈન્દ્ર અને વિષ્ણુ આદિત્યોએ પ્રયુક્તિ યોજી બલિરાજાને બધું છોડી પાતાળલોક જવા બાધ્ય કર્યો, ત્યારે આ આદિત્યો (દેવો) અને તેમના સાથી મિત્રોને સ્વર્ગલોકનો સ્વતંત્ર અધિકાર મળ્યો. વાચક મિત્રોને જણાવી દઈએ કે સ્વર્ગલોક એ કોઈ આકાશ સ્થિત પ્રદેશ નહોતો, પરંતુ પૃથ્વીનો એક ભૂભાગ હતો.

રામાયણ અને મહાભારતમાં સ્વર્ગલોકનાં અદ્‍ભૂત વર્ણનો મળે છે. વન પર્વના ૧૮મા અધ્યાયમાં યુધિષ્ઠિર અને લોમશની સ્વર્ગયાત્રાનું કાવ્યમય શૈલીમાં વર્ણન મળે છે. અહીં તમામ પ્રકારની સુખસુવિધાઓ ઉપલબ્ધ હતી. તેથી પંચજન્ય યુગની સમાપ્તિ પછી હજારો વર્ષ પુરાં થયે પેદા થયેલી પેઢીઓએ સ્વર્ગલોકને મૃત્યુ સાથે જોડી દીધો. તેમની માન્યતા એવી હતી કે આવા સુખમય પ્રદેશમાં આપણાં વડીલો મૃત્યુ પછી પણ  અહીં શાંત અને સુખમય જીવન વ્યતીત કરે.

(૧) દેવલોક

દેવલોકના અધિષ્ઠાતા ઈન્દ્ર હતા. દેવલોકના વિસ્તારમાં તિબેટ, અમરાવતી, અને નંદનવન આવેલાં હતાં. તેની સરહદે સુમેરૂ, એટલે કે પામીર, પર્વત આવેલો હતો. અહીં ચિરયૌવન રહેતું હતું. અપ્સરાઓનાં નૃત્યો, ગાંધર્વો્નાં સંગીત અને કિન્નરોનાં ગાનથી  ઈન્દ્રનો દરબાર જગપ્રસિદ્ધ હતો. ત્યાં કલ્પવૃક્ષ પણ હતું. શ્રમ કર્યા વિના લોકોને બધો ભોગવિલાસ પ્રાપ્ય હતો.

દેવ લોકના નાયક ઈન્દ્ર ભારે બળવાન હતા. વેદાગ્રંથોમાં ઈન્દ્રના બળ અને તાકાતની ભારે પ્રશંસા કરવામાં આવી છે. આ માટે ઈન્દ્ર સોમરસનું સતત પાન કરતા. આપણા ગ્રંથોમાં ઈન્દ્રને નમુચિ, સંબર, કેશિ અને ઋત્ર ઉપરાંત અનેક શત્રુઓનો વધ કરનાર તરીકે દર્શાવવામાં આવ્યા છે.પરંતુ ઈન્દ્ર મહા વિદ્વાન પણ હતા. પ્રારંભનાં જીવનનાં વર્ષો બ્રાહ્મણ જીવન જીવી વેદોની અનેક ઋચાઓ તેઓએ રચી. ઈન્દ્રના પાંચ ગુરુ હતા,જેમાં પરમેષ્ઠિ (કાશ્યપ), બૃહસ્પતિ, યમ. અશ્વિનીકુમાર અને કૌશિકનો સમાવેશ થાય છે. ગુરુઓની પાસેથી વિદ્યા પ્રાપ્ત કરી, તેમણે ૧) એન્દ્ર વ્યાકરણશાસ્ત્ર, ૨) આયુર્વેદ અર્થશાસ્ત્ર, ૩) મીમાંસા શાત્ર, ૪) ઈતિહાસ પુરાણ, ૫) ગાથા અને છંદ, ૬) બ્રાહ્મણ ગ્રંથ અને ૭) મંત્ર (વેદ) એમ સાત શાસ્ત્રોની રચના કરી. તે ઉપરાંત દેવલોકમાં ઈન્દ્રે એક ભવ્ય વિદ્યાપિઠની સ્થાપના કરી હતી, જેમાં તે સમયના સપ્તર્ષિ વમ્શજો, અત્રિ, ભૃગુ, વસિષ્ઠ, વાસુદેવ, અસિત અને ગૌતમ ઋષિઓ હતા. અત્રે અધ્યયન કર્યા બાદ આ ઋષિઓ વેદના જ્ઞાતા અને અનેક શાસ્ત્રોના જાણકાર બન્યા.

ઈન્દ્ર પ્રભાવશાળી રાજવી ઉપરાંત એક કુશળ રાજનીતિજ્ઞ હતા. તેથી તેણે અસુર અપુત્રી શચિ સાથે લગ્ન કર્યાં હતાં. તેમના પુત્રનું નામ જયંત હતું. ઈન્દ્રનો રાજ્યાભિષેક સુમેરૂ પર્વત, એટલે કે પામીર નામની પર્વતમાળા પર થયો હતો. વૃત્રાસુરે જ્યારે  દેવલોકનું પાણી રોક્યું ત્યારે ઈન્દ્રએ પ્રથમ તેમના પુત્ર કવચ અને પછી દધિચીની મદદ્થી સ્વયં વૃતનો જ વધ કરી નાખ્યો હતો. આમ છતાં તે આપખુદ શાસક નહોતો. પોતાનું શાસન પોતાના પુત્રને સોંપવાને બદલે દેવોમાંની કોઈ વ્યક્તિની પસંદગી બહુમતિ મતને ધ્યાનમાં રાખીને કરેલી.

ઈન્દ્ર અનેક પદવી હતી. તેથી ઈન્દ્રપદનાં જુદાં જુદાં નામો, જેવાં કે શુક્ર, પુરંદર, મધવંત, દેવેન્દ્ર, સુરેન્દ્ર, સુરપતિ અને શુતકૃતુ વગેરે હતાં. મહાભારત કાળ સુધી ઈન્દ્રની હાજરી વર્તાય છે. મહાભારતનાં યુદ્ધ પછી ૩૬ વર્ષનું રાજ્ય ભોગવી યુધિષ્ઠિરે, પોતાના શ્વાન સાથે, જ્યારે સ્વર્ગમાં જવાનો પ્રયાસ કર્યો ત્યારે તેમને છેલ્લી પેઢીના ઈન્દ્રે રોક્યા હતા.  પુરતાં સમાધાન પછી જ યુધિષ્ઠિરને શ્વાન સાથે સ્વર્ગમાં પ્રવેશ મળ્યો હતો.  છેવટે આંતરિક કલહો અને ગૃહયુદ્ધોને કારણે દેવલોક અને ઈન્દ્રપદ નિર્બળ પડ્યાં. છેલ્લે એવો સમય આવ્યો કે પિશાચોના આક્રમણ વેળાએ ઈન્દ્રને રાજા દશરથની મદદ લઈને પોતાનો બચાવ કરવો પડ્યો હતો.

(૨) નાગલોક

પંચજ્ન્યનું બીજું મહત્ત્વનું ઘટક નાગલોક હતું. તેનું વડું મથક કૈલાસ હતું અને તેમના ગણનાયક રૂદ્રશિવ હતા. નાગલોકના વિસ્તારોમાં માનસરોવાર, ધવલાગિરિ, હાલનાં જમ્મુ સિવાયનું કાશ્મીર,સિક્યાંગ (હરિવંશ), લદાખ (હાદક), કારાકોરમ (કાર્તસ્વર), સિંધુકોશ (હિંદુકુશ), દક્ષિણ ગાંધાર (અફઘાનિસ્તાન) અને કંબોજનો સમાવેશ થતો હતો. રૂદ્રશિવ ઈન્દ્રના મિત્ર હતા, એટલે તારકામય અને અંધક અસુરો સામેના યુદ્ધમંમાં શિવની મદદથી ઈન્દ્ર પોતાનું પદ જાળવી શક્યા હતા.

(૩) યક્ષલોક

યક્ષો પંચજન્યના અતિધનવાન અને બળવાન નાયકો હતા. તેઓની રાજધાની અલકાપુરી હતી. તેના ગણનાયક કુબેર અને મણિભદ્ર હતા. યક્ષો પ્રકાંડ પંડિત પણ હતા. મહાભારતમાં આવા એક યક્ષે યુધિષ્ઠિરને માનવજીવનને સ્પર્શતા પ્રશ્નો પૂછીને તેમની પરીક્ષા કરેલી. યુધિષ્ઠિરના ઉત્તરોથી સંતુષ્ઠ થઈ યક્ષોએ પહેલાં મૃત્યુ પામેલા ચાર પાંડવોને જીવિત કર્યા હતા. યક્ષ પ્રદેશમાં અપાર કુદરતી સંપત્તિ અને ખનીજો હતાં. તેનો વેપાર કરીને યક્ષો એટલું ધન અર્જિત કરી શક્યા કે આજે પણ આપણે અઢળક લક્ષ્મી ધરાવનારને કુબેરપતિ કહીએ છીએ. યક્ષો સ્વર્ગલોકના ફાઈનાન્સિયર હતા.

(૪) કિન્નરલોક

સ્વરગલોકનો ચોથો પ્રદેશ કિંપુરુષ દેશ, એટલે કે કિન્નરલોક હતો. આ પ્રદેશમાં આજના હિમાચલ પ્રદેશના કુલુ, ચાંબા, કાંગડા, સપ્તસિંધુ, કાશ્મીરનું જમ્મુ, અને આજુબાજુના વિશાલ પ્રદેશ આવી જાય છે. આજની બિપાશ (વિપાશ), રાવી (ઈરાવતી), અને ચિનાબ (ચંદ્રભાગા) નદીઓનાં મૂળ અહીં આવેલાં છે. કિન્નર પ્રદેશનાં ફળો અને સુકોમેવો તે સમયે પણ વિશ્વભરમાં લોકપ્રિય હતાં. કિન્નરો શ્રેષ્ઠ ગાયકો હતા. તેમની રાજધાનીનું શહેર બાહુલસ્ફિતિ હતું. કિન્નરો મહાન લડવૈયા પણ હતા. તેઓએ જ સ્વર્ગલોકને પિશાચો, એટલે કે પછીના હુણ, શક અને ટર્ક લોકોથી સુરક્ષિત રાખ્યો હતો. એટલું જ નહીં, પણ આપ્ત સ્વર્ગલોકમાં આ પિશાચોને દાસ બનાવી સેવાઓ લીધી હતી. મહાભારતના પ્રખ્યાત કુરુ વંશજોમાં કિન્નરોનું રક્ત વહેતું હતું.

(૫) ગાંધર્વલોક

સ્વર્ગલોકનો પાંચમો પ્રદેશ એટલે ગાંધર્વલોક. તેની રાજધાની પુષ્કાલવતી (આજનું ચારસકા) અને બીજું મહત્ત્વનું નગર પુરુષપુર (આજનું પેશાવર) હતાં.ગાંધર્વલોકોનો વિસ્તાર અતિવિશાળ હતો. તેમાં સુવાસ્તુ (સ્વાત), કંબોજ, સિંધુકોષ (હિંદુકુશ), નિર્વાત અને ઉત્તર ગાંધાર (ઉઝબેકિસ્તાન), સમરકંદ અને બુખારા અને ઉત્તરપ્રદેશના વિસ્તારનો સમાવેશ થાય છે. ગાંધર્વો મહાન સૈનિકો હતા. સંગીત અને કળાકૌશલ્યમાં તેઓ ખૂબ જ નિષ્ણાત હતા. તેથી જ બુદ્ધના સમયની ગાંધાર કળાની વિશ્વે ખાસ નોંધ લીધી છે. ચિત્રસેન ગાંધર્વોના પ્રખ્યાત નેતા હતા. કૌરવોની માતા ગાંધારી ગાંધાર દેશની હતી. ગાંધર્વોનાં સંગીતથી ઈન્દ્રસભાનું મનોરંજન થતું. સાત સ્વરોમાં ‘ગ’ છે તે આ ગાંધારનું પ્રતિનિધિત્વ કરે છે. આજનો પ્રખ્યાત ખમાજ રાગ એ કમ્બોજ થાટનું આધુનિક સ્વરૂપ છે. એવું માનવામાં આવે છે કે સામવેદને સંગીતમાં આ ગાંધર્વોએ મઢ્યો હતો. અષ્ટાધ્યાયી ગ્રંથના કર્તા મહાજ્ઞાની પાણિની ગાંધર્વ હતા.

સ્વર્ગલોકના પતનનું કારણ પણ ગાંધર્વો જ બન્યા. ગાંધર્વોના નાયક નગ્નજીતે ગાંધર્વલોકને મહાસત્તા બનાવ્યો હતો. પણ તેના નાલાયક પુત્રે ફક્ત ગાંધર્વલોકનો જ નહીં પણ સ્વર્ગલોકનો પણ વિનાશ નોતર્યો. તેને ઈન્દ્રપદ જોઈતું હતું. તે માટે તે એટલી હીન કક્ષાએ ગયો કે તેણે ઈન્દ્ર સામે પિશાચોની મદદ માગી, અને જીત મેળવી. કાળક્રમે પહેલાં આ પિશાચો અને પછી ચીન અને મધ્ય એશિયાના મુસ્લિમોએ મોટાભાગનો સ્વર્ગલોક જીતી લીધો.

+             +             +             +

સ્વર્ગલોકમાં જ્ઞાતિપ્રથા ન હતી. પ્રમાણમાં ત્યાં અપરાધો પણ ઓછા બનતા છતાં પણ જો આવા કોઈ અપરાધીઓ અપરાધ કરતાં પકડાય તો તેઓને નીચેના નર્કલોકમાં  દેશવટો આપવામાં આવતો. વાચકોને એ જાણીને આશ્ચર્ય થશે કે નર્કલોક પણ પૃથી પર જ સ્થિત હતો. નર્ક એટલે જ્યાં પાણી નીચે વહે છે. સ્વર્ગલોકથી નીચેના વિસ્તારને  નર્કપ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે. તે આપણા ઉત્તર ભારતનો જ પ્રદેશ હતો. અહીં ભારે જંગલો હતાં અને અહીં રહેતા મુળ નિવાસીઓ અને સ્વર્ગલોકથી આવેલા અપરાધીઓને સ્વર્ગલોકમાં તાલિમ પામેલા સપ્તર્ષિના વંશજોએ જ શિક્ષિત અને સંસ્કારી બનાવ્યા. પરિણામે નર્કપ્રદેશ આગળ જતાં આર્યાવર્ત તરીકે ઓળખાયો.

અહીની પ્રજાએ પુરાતન યુગમાં સ્વર્ગલોકમાં થયેલ બ્રહ્મા, વિષ્ણુ, મહેશ અને માતાજીઓને પોતાનાં આરાધ્ય દેવદેવીઓ બનાવ્યાં. વેદનો ૐ, વિષ્ણુનું ચક્ર, શિવજીનું ત્રિશુળ, બ્રહ્માજી અને માતાજીને બેસવાનાં સ્થાનક , કમળ, આર્યોનાં, એટલે કે આપણાં, અતિપ્રિય ધાર્મિક પ્રતિક બન્યાં. આપણાં મંદિરો મેરૂપર્વત અને હિમાલયનાં અન્ય શિખરો જેવાં બનાવાયાં. આ રીતે સ્વર્ગલોકનું સ્થાન આર્યાવર્તે લીધું.

મહાભારત જણાવે છે કે આર્યાવર્ત એટલે પવિત્રતમ ભૂમિ. યજ્ઞો કરાવતા વેદઋષિ દીર્ઘતમસ ભૂમિની પ્રશંસા કરતાં કહે છે કે –

प्र द्यावा यज्ञैः पृथिवी ऋतावृधा मही स्तुषे विदथेषु प्रचेतसा ।
देवेभिर्ये देवपुत्रे सुदंससेत्था धिया वार्याणि प्रभूषतः ||


ક્રમશઃ….ભાગ ૭ માં


શ્રી પ્રવાસી ધોળકિયાનો સંપર્ક pravasidholakia@yahoo.com.વીજાણુ સરનામે થઈ શકે છે.

Author: Web Gurjari

1 thought on “આપણે કેટલા પ્રાચીન ? – લેખાંક ૬

Leave a Reply

Your email address will not be published.