બીરેન કોઠારી
(આ શ્રેણીમાં ‘શોલે’ ફિલ્મમાં દેખા દેતા, નાની પણ ચિરંજીવ ભૂમિકા ભજવતા વિવિધ પાત્રોની, ફિલ્મની સ્ક્રીપ્ટમાં ન હોય એવી કાલ્પનિક કથાઓ મૂકવામાં આવી છે.)
ધનલક્ષ્મી જન્મી ત્યારથી જ રૂપેરંગે આંખ ઠારે એવી હતી. તેને જોનારા કહેતા હતા કે એ મા પર ગઈ છે. માનું નામ ભાગ્યલક્ષ્મી. તેનું વતન કાઠિયાવાડ. દર વરસે સારંગખેડામાં યોજાતા મેળામાં બનવારીલાલ નિયમીત જતા. ત્યાં જ એમને ભાગ્યલક્ષ્મી મળી ગયેલી. જો કે, ભાગ્યલક્ષ્મીનું મૂળ નામ શું હતું એ કોઈ જાણતું નહોતું, પણ બનવારીલાલને આ નામ પહેલેથી ગમતું હતું. આથી તેમણે તરત જ ‘ભાગ્યલક્ષ્મી!’નો ઉદ્ગાર કાઢ્યો. એ સાથે જ આ નવું નામ જાણે કે ગમી ગયું હોય એમ ભાગ્યલક્ષ્મીએ ગરદન હલાવી. બનવારીલાલ તેને કહે, ‘તારું નામ ભલે ભાગ્યલક્ષ્મી હોય, પણ હું તો તને લક્ષ્મી કહીને જ બોલાવીશ. વાંધો નથી ને?’ ભાગ્યલક્ષ્મીએ ફરી ગરદન હલાવી. બનવારીલાલ સમજી ગયા કે તેને વાંધો નથી.
સારંગખેડાથી રામગઢ દૂર હતું. ભાગ્યલક્ષ્મી સાથે એટલે દૂર ન જઈ શકાય. તેમણે ગમે એમ કરીને ટેમ્પાનો જુગાડ કર્યો. પોતે પણ ભાગ્યલક્ષ્મીની સાથે જ ગોઠવાયા. આખે રસ્તે તે ભાગ્યલક્ષ્મી સાથે વાતો કરતા રહ્યા. પોતાના ભાગ્યમાં તેના આવવાથી લક્ષ્મીયોગ છે, પોતાને ઘેર કોણ કોણ છે વગેરે વાત તેમણે કહી. એમાંથી કોની સાથે વધુ ફાવશે અને કોની સાથે ઓછું એ પણ જણાવ્યું. ભાગ્યલક્ષ્મી પણ ચૂપચાપ સાંભળતી રહી. ટેમ્પો છેક રામગઢ સુધી જાય એમ નહોતો. ગાંવખેડા સુધી સડક હતી. એ પછી કાચો રસ્તો હતો. ગાંવખેડા રેલ્વે સ્ટેશન પણ હતું, જ્યાં દિવસમાં બે વખત ગાડી આવતી. ગાંવખેડાથી રામગઢ સુધીનો રસ્તો ભાગ્યલક્ષ્મી સાથેની વાતોમાં ક્યાં પસાર થઈ ગયો એનો ખ્યાલ જ ન રહ્યો. રસ્તામાં બે-ચાર પરિચીતો મળ્યા. તેમણે બનવારીલાલને પૂછ્યું, “બનવારીલાલ, હવે તમે આ ઉંમરે આને સંભાળી શકશો? ” બનવારીલાલ જવાબમાં બે હાથ જોડતા અને મલકાતા.
બનવારીલાલનું ઘર પાણીની ટાંકીની સામે હતું. ગામમાં હજી વીજળી નહોતી આવી, પણ કોક દૂરંદેશી નેતાએ અહીં પાણીની ઓવરહેડ ટાંકી બનાવી રાખેલી. ઘેર પહોંચવા માટે બનવારીલાલને ગામ વીંધીને જવું પડતું. રસ્તે જે મળે એ પહેલાં બનવારીલાલ સામું જોતું, પછી ભાગ્યલક્ષ્મી સામું જોતું અને હસતું. બનવારીલાલ ‘જે રામજી કી’ની મુદ્રામાં બે હાથ જોડતા અને મલકાતા મલકાતા આગળ વધતા.
ઘેર પહોંચ્યા ત્યારે આરતીની થાળી સજાવીને તૈયાર હતી, કેમ કે, ઘેર ખબર પહોંચી ગઈ હતી કે બનવારીલાલ આવી રહ્યા છે. બનવારીલાલ આંગણામાં પ્રવેશ્યા કે તરત આરતીની થાળી બહાર લાવવામાં આવી. ભાગ્યલક્ષ્મીને કપાળે તિલક કરાયું. આરતી ઉતારવામાં આવી. ત્યાં સુધીમાં આસપાસ થોડા લોકો એકઠા થઈ ગયેલા. નાળિયેર ફોડવામાં આવ્યું અને સૌને પ્રસાદ વહેંચાયો. બનવારીલાલ બોલ્યા: ‘એનું નામ મેં ભાગ્યલક્ષ્મી પાડ્યું છે, પણ આપણે એને ‘લક્ષ્મી’ કહીશું.’
પછીનાં વરસોમાં ભાગ્યલક્ષ્મી બનવારીલાલના ભાગ્ય માટે ખરેખર લક્ષ્મી પુરવાર થઈ. વખત જતાં તેણે ધનલક્ષ્મીને જન્મ આપ્યો. ધનલક્ષ્મીને જોતાં જ સૌ કહેતાં, ‘બિલકુલ એની મા પર ઊતરી છે.’ બનવારીલાલના માથે પત્ની ઉપરાંત નાનકડી બસંતીની પણ જવાબદારી હતી. તેમને પોતાને કોઈ સંતાન નહોતું. પણ બસંતીનાં માબાપ બસંતીને નાની મૂકીને જ એક દોઢ વરસના આંતરે અવસાન પામેલાં. બસંતીની મા મરતાં પહેલાં પોતાની બહેનને બસંતીની જવાબદારી ભળાવતી ગયેલી. બનવારીલાલ સાળીની દીકરીને સગી દીકરીની જેમ જ ઉછેરવા લાગ્યા. બનવારીલાલ ગાંવખેડા સ્ટેશનની બહાર ઘોડાગાડી લઈને ઉભા રહેતા. તે રામગઢ અને બેલાપુર વચ્ચે ઘોડાગાડી ચલાવતા. બન્ને ગામ એકબીજાથી વિરુદ્ધ દિશામાં હતા, આથી બેલાપુરનું ભાડું બે રૂપિયા, અને રામગઢનો દોઢ રૂપિયો તે લેતા.
જાતવાન ઘોડીની તલાશમાં તે સારંગખેડામાં ભરાતા ઘોડાના મેળામાં ગયેલા. ભાગ્યલક્ષ્મી તેમને ત્યાં જ મળી ગયેલી.
બનવારીલાલ બસંતીને પણ ઘોડાગાડીમાં બેસાડતા અને તેને ચલાવતાં શીખવતા. પોતાની ખેતીવાડી તો હતી નહીં, એટલે ઘોડાગાડી જ તેમની આવકનો એક માત્ર સ્રોત હતો. ભાગ્યલક્ષ્મીએ ધનલક્ષ્મીને જન્મ આપ્યો અને એ મોટી થવા લાગી. બસંતી સાથે તે બહુ જલ્દી હળી ગઈ. બસંતી તેને લાડમાં ‘ગધૈયા’ પણ કહેતી. તેની સાથે વાતો કર્યા કરતી. હા, આમ, લાંબી બક બક કરનાર બસંતીને ‘ધનલક્ષ્મી’ જેવું લાંબું નામ ન ફાવ્યું એટલે તેણે ટૂંકાવીને ‘ધન્નો’ કરી દીધેલું.
વખત વીતતો ગયો. બનવારીલાલ વૃદ્ધ થયા. એક વાર ઘોડાગાડી ચલાવતા હતા ત્યારે જ તેમને હૃદયરોગનો હુમલો આવ્યો અને તત્ક્ષણ મૃત્યુ પામ્યા. એ વખતે ઘોડાગાડી સાથે જોડાયેલી ભાગ્યલક્ષ્મી જ તેમના શબને લઈને પાછી ઘેર આવી હતી. માલિકનો વિરહ સહન ન થયો કે ગમે એમ, બે-ચાર દિવસમાં જ ભાગ્યલક્ષ્મી પણ મૃત્યુ પામી.
હવે ઘોડાગાડી ખેંચવાની જવાબદારી ધન્નો પર, અને ઘર ચલાવવાની જવાબદારી બસંતી પર આવી ગઈ. ‘એક યુવતી ઉઠીને આમ ઘોડાગાડી ચલાવે?’ ગામમાં આવી ચણભણ થતી ત્યારે આખાબોલી બસંતી કહેતી, ‘ધન્નો ઘોડી થઈને ઘોડાગાડી ખેંચી શકે તો પોતે ઘોડાગાડી કેમ ન ચલાવી શકે?’ આમ, ધન્નો બસંતીની સખી અને એક રીતે આદર્શ જેવી બની રહેલી.
બસંતી જે રીતે ‘ચલ ધન્નો’ બોલે એ મુજબ ધન્નો ઈશારો પામી જતી અને દોડવા લાગતી. આ વિસ્તારમાંના કુખ્યાત ડાકૂ ગબ્બરસિંઘે એક વાર પોતાની ટોળકી સહિત હોળીના દિવસે હુમલો કર્યો ત્યારે બસંતી અચાનક ‘ચલ ધન્નો’ બોલી કે તરત જ એ દોડવા લાગી હતી. અને એ દોડતી ઘોડાગાડીમાં ગબ્બરસિંઘને પકડવા માટે ઠાકુરે બોલાવેલા બન્ને મારાઓ ચડી બેઠા હતા. ગોળીઓની રમઝટ ચાલી હતી. આખી બાજી પલટી નાખવામાં ધન્નોની ભૂમિકા અગત્યની રહી હતી.
એ પછી એક વાર ગબ્બરસિંઘના ડાકૂઓ તેની પાછળ પડ્યા ત્યારે બસંતીએ ‘ચલ ધન્નો!’ કહેતાં જ તે ઈશારો સમજી ગઈ હતી અને ગાડી સાથે દોડવા લાગી હતી. તેમાં દોડીને ચડી ગયેલી બસંતીએ ‘ચલ ધન્નો, આજ તેરી બસંતી કી ઈજ્જત કા સવાલ હૈ’ કહેતાં જ ‘બગડદમ બગડદમ’ કરતીક પવનવેગે ભાગી હતી. એ વખતે ઘોડાગાડીના એક પૈડાએ દગો દીધો, છતાં એક પૈડે ધન્નો ગાડીને ખેંચતી રહી.
એમ તો બસંતીને છેડવા માટે વીરુએ ગાયેલા ગીત ‘કોઈ હસીના જબ રૂઠ જાતી હૈ તો…’ વખતે એકદમ તાલબદ્ધ રીતે દોડીને, પોતાના ડાબલાના અવાજ થકી આર.ડી.બર્મનની ધૂનમાં મૂલ્યવૃદ્ધિ પણ કરી હતી. એ રીતે તેણે પોતાની માલિકણના આ સંબંધ બાબતે સંમતિ દર્શાવી હતી.
છેલ્લે પોતાનું કામ પતાવીને વીરુ પાછો જાય છે ત્યારે તેની સાથે ડબ્બામાં બસંતી પણ બેઠી હોય છે. ધન્નોની બહુ ઈચ્છા હતી કે પોતે પણ ટ્રેનમાં બેસી જાય, કેમ કે, અહીં ટ્રેન મોટે ભાગે ખાલી રહેતી. જો કે, એ જીદ કરતી નથી અને એક સમજદાર સાથીદારની જેમ પોતે ઠાકુર બલદેવસિંહને ત્યાં જ સેવા આપીને આયખું વીતાવશે એમ મનોમન વિચારી લે છે.
પૂરક નોંધ:
હેમામાલિનીએ આ ફિલ્મના પડદે ધન્નો સાથે જે સ્ટંટ કરેલા જોવા મળે છે એ હકીકતમાં રેશમા પઠાણ નામની યુવતીએ કર્યા હતા. ડાકુઓ બસંતીનો પીછો કરે છે એ દૃશ્યમાં ઘોડાગાડીથી છૂટું પડી જતું પૈડું પૂર્વયોજિત નહીં, અનાયાસ થયેલી ઘટના હતી. આમ છતાં, રેશમાએ તે બખૂબી ભજવી. તે પોતે ઘવાઈ, પણ આખું દૃશ્ય પૂરું કર્યું.
રેશમા પઠાણ હિન્દી ફિલ્મોની પહેલવહેલી ‘સ્ટન્ટ વુમન’ તરીકે ઓળખાય છે. તેમણે અનેક નાયિકાઓની બૉડી ડબલની ભૂમિકાઓ પડદે ભજવી છે.
રેશમા પઠાણનો નાનકડો ઈન્ટરવ્યૂ અહીં જોઈ શકાશે.
રેશમા પઠાણ પર બનેલી, 2019માં રજૂઆત પામેલી, આદિત્ય સરપોતદાર દિગ્દર્શીત ફિલ્મ ‘ધ શોલે ગર્લ: રેશમા પઠાણ’ Zee5 ચેનલ પર જોઈ શકાય છે.
આ ફિલ્મમાં બિદીતા બાગે રેશમાની ભૂમિકા ભજવી હતી. ફિલ્મનું ટીઝર અહીં જોઈ શકાશે.
‘શોલે’ની રજૂઆતના લગભગ સાડા ત્રણ દાયકા પછી હેમામાલિનીએ મુંબઈના કમિશ્નરને એક પત્ર પાઠવીને શહેરમાં ચાલતી ઘોડાગાડીની સવારીઓ પર પ્રતિબંધ મૂકવા અનુરોધ કર્યો હતો. ‘પીપલ ફૉર એથિકલ ટ્રીટમેન્ટ ફૉર એનિમલ્સ’ (PETA) વતી તેમણે આ રજૂઆત કરી હતી, જેમાં જણાવેલું: ‘ધન્નો નામની એક અદ્ભુત સહકલાકાર ‘શોલે’માં હતી. સદ્ભાગ્યે એ પ્રેમાળ પાત્રને જવલ્લે જ અંદાજ હશે કે તેના પિતરાઈઓને કેવી કેવી યાતના વેઠવી પડે છે.’ ટૂંકમાં, મુંબઈના ઘોડાઓની બદતર સ્થિતિના સંદર્ભબિંદુ તરીકે તેમણે ‘ધન્નો’નો ઉલ્લેખ કર્યો હતો.
(તસવીરો: નેટ પરથી, લીન્ક: યુ ટ્યૂબના સૌજન્યથી)
શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)