નલિન શાહની નવલકથા : પ્રથમ પગલું – પ્રકરણ ૧૩

સાચી કળા તો જ્ઞાની થયા વગર વાતોમાં જ્ઞાનનો ભાસ કરાવવામાં છે.

નલિન શાહ

માનસીની અમેરીકા જતાં પહેલાં આસિત સાથેની છેલ્લી સફર હતી. બંનેમાંથી એક પણ ફરવાના મૂડમાં નહોતાં. ગાડીમાં જ બેસીને તેઓ ખંડાલાની પહાડીઓને નિરખતાં રહ્યાં. બંને માટે વિરહની પળનો સામનો કે વિચાર કરવાની કલ્પના પણ કંપાવનારી હતી. ‘વાઈફને કેમ છે?’ માનસીથી અનાયાસે પૂછાઈ ગયું. ‘ડિપ્રેશનની માત્રા વધતી જાય છે. જે કરે છે એ બધું યંત્રવત્‍. મેં પણ વાસ્તવિકતા સ્વીકારી લીધી છે. એની પાસે કોઈ પણ વાતની અપેક્ષા રાખતો નથી.’ થોડી વાર મૌન જાળવી એ બોલ્યો, ‘આપણે બધા સંજોગોના ગુલામ છીએ. તું નવી જિંદગીમાં પગ મૂકી રહી છે. હું પ્રાર્થના કરૂં છું કે તને જિંદગીમાં કોઈ નિષ્ફળતાનો સામનો ના કરવો પડે. આપણે શું પામ્યાં ને શું ગુમાવ્યું એની યાદોને વાગોળવા કરતાં આવતી કાલને એક આહ્‌વાન – એક પડકાર સમજી એનો સામનો કરજે. હું ઇચ્છું છું કે તું સુખી થાય, તારી નાનીનો ભોગ સાર્થક થાય. તારી કાબેલિયતમાં મને ભરોસો છે. મારી એક જ આકાંક્ષા છે. તું સફળતા પ્રાપ્ત કરે ને મસીહાનું બિરુદ પામે. મેં તને કોઈ રીતે નિરાશ કરી હોય તો એને મારી લાચારી સમજી માફ કરજે.’ માનસી સજળ નેત્રે સાંભળી રહી. કોઈ પ્રત્યુત્તર ના આપ્યો. પાછા ફરતાં આખે રસ્તે બંનેએ ચૂપકીદી સેવી. આસિત પાસે શબ્દો ખૂટી પડ્યા હતા ને માનસીને મન કશું પણ કહેવું વ્યર્થ હતું.

માનસીના ઘર પાસે ગાડી થોભાવી આસિત બોલ્યો, ‘હું એરપોર્ટ પર વિદાય આપવા ન આવું તો ખોટું ના લગાડતી.’ ને એનો હાથ હાથમાં લઈ પૂછ્યું, ‘કેમ નહીં આવું એમ પણ પૂછવાનો પ્રયત્ન પણ ન કરીશ.’

‘પૂછવાનું હવે કંઈ બાકી નથી રહ્યું.’ માનસીએ નીચું મોં રાખી કહ્યું.

‘મારાથી વિદાયની એ પળ નહીં જીરવાય.’ માનસી મૌન રહી.

‘તારા લગ્નમાં તો બોલાવીશ ને?’ આસિતે વાતનો દૌર બદલી હળવાશથી પૂછ્યું.

‘એ પળ જીરવાશે?’ માનસીએ ઊંચું જોઈ પડકાર ફેંકતી હોય એવા લહેજામાં પૂછ્યું.

‘જે વસ્તુ અનિવાર્ય છે, તારા હિતમાં છે એને માટે કોઈ પણ ભોગ આપવાની તૈયારી છે મારામાં. મેં તને સાચા દિલથી ચાહી છે ને એ ચાહની પૂર્ણતા કેવળ ત્યાગમાં છે.’

‘એ તમે માનો છો, હું નહીં.’ માનસીએ મક્કમતાથી કહ્યું.

‘એ તારી ઉંમર બોલે છે તું નહીં. હું કેવળ વાસ્તવિકતાને અનુસરું છું.’

થોડી પળોનું મૌન સેવી આસિતે નીચા વળી ગાડીનું હેંડલ નીચું કરી દરવાજો ખોલ્યો ને માનસીએ પગ બહાર મૂક્યા.

‘માનસી’ આસિતે બારી પાસે મોં લાવી કહ્યું, ‘ગુડબાય કહેવાની તો હિમ્મત નથી મારામાં, પણ એટલું જરૂર કહીશ કે તારો નિર્ણય સાચો હતો કે મારો એનો ચુકાદો સમય આવશે. ને… ને… ભવિષ્યમાં કદાચ મળવાનું થાય તો…’

‘એટલે!!!’ માનસી એ ચૌંકીને પૂછ્યું.

આસિતે વાક્ય પુરું ના કર્યું ને ગાડી સ્ટાર્ટ કરી હંકારી ગયો.

એરપોર્ટ પર માનસી આતુરતાથી આસિતની રાહ જોતી રહી. એના છેલ્લા શબ્દો “ભવિષ્યમાં કદાચ મળવાનું થાય તો…” એના મગજમાં ગુંજતા રહ્યા. પ્રયત્નો કરવા છતાં એ શબ્દોનો અર્થ ના કળાયો… છતાં ઊંડે ઊંડે એને આશા હતી કે આસિત એને વિદાય આપવા આવ્યા વગર ના રહે. પણ આસિત ના આવ્યો.

માનસીથી ઉંમરમાં નાની અને એની નાનીની દેખરેખ હેઠળ કેળવાયેલી નર્સ ફિલોમિના સિવાય એવું ત્યાં કોઈ હાજર નહોતું જે જાણતું હોય ને એને ભાળ કરે કે આસિત માટે એરપોર્ટ પર આવવું કોઈ પણ ભોગે શક્ય નહોતું. એ એની પત્નીની અંતિમ ક્રિયામાં રોકાયેલો હતો.

નર્સ ફિલોમિનાએ કારણવશ ચુપકીદી સાધી.

**** **** ****

         અમેરિકામાં હ્યુસ્ટનમાં સ્થાપિત “ટેક્ષસ હાર્ટ ઈન્સ્ટિટ્યુટ”માં માનસિક ફિઝિશનના કોર્સમાં દાખલ થઈ. પરાગ એ જ ઈન્સ્ટિટ્યૂટમાં સર્જરીના અભ્યાસ માટે પ્રવેશ મેળવ્યો હતો.

પરદેશમાં એક જ દેશના વિદ્યાર્થીઓ એકબીજાના સંપર્કમાં આવે એ સ્વાભાવિક હતું. માનસી શક્ય હોય ત્યાં સુધી બધાથી અલગ રહેતી. કોઈ એક જૂથમાં ભળી ઉજાણીના કે સાથે હરવા ફરવાના પ્રસંગો ટાળતી. કારણ એટલું જ હતું કે એની નાનીના પસીનાની કમાણીના એક એક ડોલરનો ખર્ચ સંભાળીને કરવો પડતો હતો. એને એક જ લગન હતી કે ડીગ્રી હાંસલ કરી નાનીની આકાંક્ષા પૂરી કરવી અને કે.ઈ.એમ જેવી સાર્વજનિક હોસ્પિટલને એની સેવાઓ અર્પણ કરવી. જે હોસ્પિટલમાં નાનીએ જિંદગીનાં બહુમૂલ્ય વર્ષો નર્સ તરીકે ગાળ્યાં હતાં ત્યાં માનસીને એક નિષ્ણાત ડૉક્ટરના હોદ્દે પ્રકાશતાં જોઈ નાની ફૂલી નહીં સમાય. માનસી માટે એ પળનું મૂલ્ય સૌથી વધુ હતું. ડૉક્ટર તરીકે કેટલા પૈસા કમાશે એ વસ્તુ ગૌણ હતી.

માનસીનું વ્યક્તિત્વ પરાગને પહેલી નજરમાં જ આકર્ષી ગયું હતું પણ ઓળખાણ કેવળ ઔપચારિક હોવાથી એ દોસ્તી કરવાની તકની વાટ જોતો હતો. છ મહિનામાં કોલેજનાં પ્રાંગણમાં મુલાકાતોના પ્રસંગ ઘણા આવ્યા હતા પણ સંકોચનું આવરણ હજી અકબંધ હતું.

આડકતરી રીતે પરાગે માનસીની નજીકની સહેલીઓ મારફત એની બાબતમાં જેટલી ભાળ મેળવી શકાય એટલી મેળવી’તી. માનસીની આર્થિક નબળાઈ, એની નાનીનો ભોગ ને એના પ્રત્યે માનસીની નિષ્ઠા. આ બધું જાણી એ એવી તકની વાટ જોતો હતો કે એ માનસીને કોઈ રીતે મદદરૂપ થાય જેના થકી એ એની આભારવશ બને.

એ તક એને ધાર્યા કરતાં વહેલી સાંપડી. એક વાર ગૃપમાં બધાં શોપિંગમાં ગયાં હતાં. બધાંએ કેટલાંક નવલકથા, બાયોગ્રાફી વગેરેનાં પુસ્તકો અને જરૂરી વુલન કપડાં ખરીદ્યા- કેવળ માનસી સિવાય. પરાગના ધ્યાનમાં જરૂર આવ્યું, પણ કારણવશ કાંઈ પૂછ્યું નહીં. અઠવાડિયા બાદ એણે કેમ્પસમાં માનસીને કમ્પાઉન્ડમાં એકલી બેન્ચ ઉપર બેસીને વાંચતા જોઈ. એ થોમસ હાર્ડીની નવલકથા ‘રીટર્ન ઓફ ધ નેટીવ’ વાંચી રહી’તી. ‘હેલ્લો, મીસ સરૈયા’ અભિવાદન કરી એ બેંચ ઉપર નજદીક બેઠો. ‘હેલ્લો’ માનસી બોલીને ચોપડી બંધ કરી. પરાગને સાહિત્યનો કોઈ શોખ નહોતો ન એને હૃદયરોગને લાગતાંવળગતાં પુસ્તકો સિવાય કાંઈ પણ વાંચવાની જરૂરત સમજાઈ હતી. ‘મને એ જાણી બહુ આનંદ થયો કે તમે આજકાલની “બેસ્ટ સેલર્સ”ના નામથી વેચાતી ચોપડીઓ નથી વાંચતાં.

‘મને કેવળ ક્લાસિક સાહિત્ય વાંચવું ગમે છે.’

‘જેવું કે?’ પરાગે પૂછ્યું.

‘જેન ઓસ્ટિન, જ્યોર્જ એલિયેટ, થોમસ હાર્ડી, ચાર્લ્સ ડીકન્સ જેવા.’

‘શું કહો છો? આ તો મારા ફેવરિટ ઓથર્સ છે. કેટલું સામ્ય છે આપણી પસંદગીમાં!’

પરાગની ખુશનસીબી હતી કે આ વિષયમાં કાંઈ વધારે પૂછવાનું માનસીએ જરૂરી ના સમજ્યું કારણ ન તો એણે કોઈ લેખકનું નામ જાણ્યું હતું, નહોતો એને પુસ્તક વાંચવાનો શોખ. ‘મારી આ બુક પૂરી થવા આવી છે. કાલે તમને આપીશ વાંચવા.’

‘માફ કરજો, હું પુસ્તક ખરીદું છું; ઉછીનું લઈ વાંચવું એ મારા સિદ્ધાંતની વિરૂદ્ધ છે. કેટલી અફસોસની વાત છે કે હિન્દુસ્તાનમાં લેખકો કદી પૈસા નથી કમાતા, કારણ પૈસાપાત્ર લોકો મોજશોખની વસ્તુઓ વસાવી શકે છે, પણ પુસ્તક ઉછીનાં લઈને વાંચે છે- જો વાંચવાની જરૂર લાગે તો. એ લોકો પાસે પૈસા છે, પણ સંસ્કારીતા, સંસ્કૃતિનો અભાવ છે.’ માનસી અચરજથી સાંભળી રહી. કેટલો શોખ હતો એને પોતાની લાઇબ્રેરી વસાવવાનો; પણ આર્થિક સ્થિતિના કારણે સાર્વજનિક લાઇબ્રેરીનો સહારો લેવો પડ્યો હતો. માનસીના ગયા પછી પરાગ વિચાર કરતો બેસી રહ્યો, ‘માનસી જેવી કોઈ વિલક્ષણ વ્યક્તિત્વ ધરાવતી સ્ત્રીને આકર્ષવા માટે કેવળ મેડિકલનું જ્ઞાન પૂરતું નથી. થોડી ઘણી કલા અને કલાકારો વિષે, સાહિત્ય અને સાહિત્યકારો વિષેની જાણકારી હોવી જરૂરી છે અને એને માટે કલા સમજવાની કે સાહિત્ય વાંચવાની જરૂર નથી. સાચી કળા તો જ્ઞાની થયા વગર વાતોમાં જ્ઞાનનો ભાસ કરાવવામાં છે.’ મનમાં ને મનમાં પરાગે પોતાની કાબેલિયત માટે પોતાને ધન્યવાદ આપ્યા.

થોડા દિવસ અનાયાસે માનસીની મુલાકાત થઈ, ‘મિસ સરૈયા, એક વિનંતી કરી શકું છું?’

‘બોલો.’ માનસીએ પૂછ્યું.’

‘મારે થોડી શોપિંગ કરવી છે, મદદ કરશો?’

‘એમાં હું શું મદદ કરી શકું?’ માનસીએ વિસ્મયથી પૂછ્યું.

શિમલામાં તાલીમ પામેલા પરાગની વાતચીતની ઢબ કોઈને પણ અસર કરે એવી હતી.

‘જ્યારે મદદની જરૂર હોય, ને તે પણ તમારી, ત્યારે જ માગું ને? બહુ વાર નહીં લાગે, દૂર પણ નથી જવાનું. કલાક-દોઢ કલાકમાં પાછાં આવી જઈશું.’

માનસી એની વિનંતીનો અનાદર ન કરી શકી અને ગાડીમાં બેઠી.

એક વિશાળ બુક સ્ટોર પાસે ગાડી પાર્ક કરી અંદર દાખલ થયાં. ‘તમારી ને મારી પસંદ લગભગ સરખી છે એટલે તમે સિલેક્ટ કરો. ચાર ચોપડી તમે વાંચીને પસંદ કરી હોય એવી ને બે-ત્રણ તમે વાંચી ન હોય પણ વાંચવા માગતાં હોય એવી.’ પરાગે કહ્યું.

માનસી કાંઈ સમજી નહીં, છતાં એણે ચોપડીઓ પસંદ કરી. પરાગે બે પાર્સલ જુદાં રાખવાની સેલ્સમેનને સૂચના આપી.

હું જાણું છું કે પેન્ટિંગની મહાન કૃતિઓની આબેહૂબ પ્રિન્ટ્સ પણ અહીં મળે છે. તો એક મારા રૂમમાં લગાવવા ઇમ્પ્રેશનીસ્ટ પેઈન્ટરની કૃતિ સિલેક્ટ કરો. સીઝાં, વાન ગો અથવા એવા જ કોઈની જોઈએ છીએ.

‘તમને પેઈન્ટિંગમાં પણ રસ છે?’ માનસીએ નવાઇ પામી પૂછ્યું.

‘હું કાંઈ એમાં ઊંડો નથી ઊતર્યો પણ ઇમ્પ્રેશનીસ્ટને પસંદ કરૂં છું.’ પરાગે નમ્રતાનો ડોળ કરતાં કહ્યું.

માનસી સીઝાંનો એક પ્રિન્ટ પસંદ કરીને બહાર આવી. તેઓ ગાડીમાં બેઠાં.

‘માણસનો વ્યવસાય કોઈ પણ હોય.’ માનસીએ એનો અભિપ્રાય વ્યક્ત કર્યો, ‘કલાની અભિરુચિ જિંદગીની પૂર્ણતાનો ભાસ કરાવે છે. કલા કોઈ પણ હોય નૃત્ય, સંગીત, સાહિત્ય કે ચિત્ર.’

માનસીએ નહોતા વાંચ્યા, પણ વાંચવા માંગતી’તી એવાં બે પુસ્તકોનું પેકેટ પરાગે માનસીના હાથમાં મુક્યું.

‘આ મારા તરફથી એક મામૂલી ભેટ છે.’

માનસીએ એ સ્વીકારવાની ચોખ્ખી ના કહી ત્યારે પરાગે કહ્યું.

‘જ્યારથી મેડિકલમાં ગયો ત્યારથી આ બધું સાહિત્ય વિસરાઈ ગયું હતું. તમે મને યાદ દેવડાવ્યું કે સાહિત્યના જ્ઞાન વગર જિંદગી કેટલી અધૂરી હોય છે. આ સાવ તુચ્છ ભેટ એ વાતના પ્રતીકરૂપે છે કે તમારી સલાહની કેટલી કદર કરું છું. ના પાડીને મને નિરાશ ના કરો.’

માનસીએ નછૂટકે એ ભેટ સ્વીકારી.

‘તમને ખોટું ન લાગે તો એક વાત કહું?’ પરાગે ગાડી ચલાવતાં પૂછ્યું.

માનસીએ કેવળ હકારમાં માથું હલાવ્યું.

‘તે દિવસે આપણે ગૃપમાં શોપિંગ કરવા ગયાં હતાં ત્યારે બધાએ ખરીદી કરી હતી- ખાસ કરીને ડ્રેસિસ ને ગરમ કપડાંની. એક તમારા સિવાય. બધાની સામે હું તમને સંકોચજનક સ્થિતિમાં નહોતો મૂકવા માગતો એટલે કાંઈ ના બોલ્યો. હું જાણું છું કે ખર્ચાની બાબતમાં તમે બહુ સભાન રહો છો. એ કદાચ તમારી મજબૂરી હોઈ શકે. પરદેશમાં ઘણાં વિદ્યાર્થીઓને આવી પરિસ્થિતીનો સામનો કરવો પડે છે.’ પરાગ બોલતો રહ્યો ને માનસી નીચું મોં રાખી સાંભળતી રહી. થોડી વારની ચુપકીદી સેવી એણે કહ્યું,

‘તમે કદાચ જાણતા નહીં હશો કે મને ઘેરથી જરૂર કરતાં વધારે પૈસા મળે છે. તેથી પણ વધારે માંગું તો મારી મા મને નિરાશ નહીં કરે. કારણ આર્થિક રીતે સંજોગવશાત હું તમારાથી વધારે ભાગ્યશાળી છું. તમે ઘણાં ટેલન્ટેડ છો, મારાથીય વધારે. તો શું એ ટેલેન્ટને વિકસાવવામાં હું કોઈ રીતે મદદરૂપ થઈ શકું તો શું એ ગુનો કહેવાય ?’

પરાગ થોડી વાર મુંગો રહી ડ્રાઈવ કરતો રહ્યો. પછી વાત આગળ વધારી. ‘તમારા જેવી તેજસ્વી વિદ્યાર્થિનીને કોઈ વિપરીત પરિસ્થિતિનો ભોગ બનતાં જોઈ મારું હૃદય કાંપે છે.’

પરાગના વાક્‌ચાતુર્ય સામે માનસીનું મગજ બહેર મારી ગયું. એને નવાઇ જરૂર લાગી કે હજી તો અભ્યાસક્રમનું એક વરસ પણ પુરું નહોતું થયું અને બંનેના વિભાગો અલગ અલગ હતા તો એણે ક્યાંથી જાણ્યું કે એ બહુ ટેલેન્ટેડ છે ને પૈસાની સંકડાશ અનુભવે છે! જરૂર એણે મારે માટે ભાળ મેળવી હશે! આ સહાનુભૂતિની ભાવના શું એના સહૃદયી સ્વભાવને આભારી હશે!!

પરાગ બોલતો રહ્યો ને માનસી કોઈ પણ પ્રતિસાદ આપ્યા વગર સાંભળતી રહી, ‘શું મને એટલી તક ના આપો કે હું એક સાથી દેશવાસીને કોઈ રીતે ઉપયોગી થઈ શકું? જો મને એક તક આપશો તો હું તમારો ઉપકાર કદી નહીં ભૂલું. હું એને મદદ નથી માનતો, પણ હાલ પૂરતું એડજસ્ટમેન્ટ માનું છું.’ માનસીના મોં પર શરમ અને સંકોચની લાગણી તરી આવી.

‘મહેરબાની કરીને મને નિરાશ ના કરતાં.’ પરાગે નમ્રતાના ભાવ સાથે કહ્યું. ‘તમે એને લોન કે દેવું જે માનવું હોય તે માનજો; ને જ્યારે ભવિષ્યમાં પ્રેક્ટિસ શરૂ કરો ત્યારે ચૂકવી દેજો. હું તો નથી ઇચ્છતો, પણ તમારૂં સ્વમાન આડે આવતું હોય તો કહું છું. આર્થિક ચિંતા તમારી ટેલન્ટને કુંઠિત કરશે; તમારી પ્રગતિમાં અવરોધ પેદા કરશે, ને જો એવું થાય તો હું પોતાને ગુન્હેગાર સમજીશ.. હું તમારી કોઈ પણ મુસીબતમાં ભાગીદાર થવા ઇચ્છું છું ને એ બાબતમાં તમારો નકાર કદી નહીં સ્વીકારું.’

માનસીએ અથાગ મૂંઝવણ અનુભવી. પરાગ ઉપકાર નહોતો કરી રહ્યો; એ તો ઉપકાર માંગતો હતો.

છેવટે એ જ થયું જે પરાગ ચાહતો હતો.

માનસી એ નહોતી જાણતી કે એની પાછળ કરવા ધારેલો ખર્ચો પરાગ માટે એક પ્રકારનું ઇન્વેસ્ટમેન્ટ હતું. જિંદગીના ચોપાટમાં ફેંકાયેલો એક પ્રકારનો પાસો હતો.

આ હતી માનસીનાં જીવનમાં નવા અધ્યાયની શરૂઆત.


(ક્રમશ: )

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.