ભાત ભાત કે લોગ : આઝાદીનો અમૃત મહોત્સવ : કર્મયોગી કુંવરજીભાઈ મહેતા જેવાને તો યાદ કરવા જ પડે!

જ્વલંત નાયક

આઝાદીના ૭૫મા વર્ષની ઉજવણી રૂપે ફરી એક વાર દાંડી કૂચ યોજાઈ ગઈ. આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી થઇ રહી છે ત્યારે સહેજે વિચાર આવે કે મહાત્મા ગાંધી અને સરદાર પટેલ જેવા નેતાઓએ એ સમયે ટાંચા સાધનોની મદદ વડે દેશના આટલા મોટા જનસમૂહને કઈ રીતે પોતાની સાથે જોડ્યો હશે! આ મહાન કાર્ય માટે ગાંધી-સરદારની કમ્યુનિકેશન સ્કીલને તો ક્રેડિટ આપવી જ પડે, સાથે જ ગાંધી-સરદારને પોતાના લોહીમાં પચાવનાર પાયાના કાર્યકરો પણ ન ભૂલાય! આજે એવા જ એક કાર્યકરની વાત કરવી છે.

***     ***     ***

ઇસ ૧૯૦૭માં સુરત ખાતે કોંગ્રેસનું અધિવેશન ભરાયું. એ સમયે ‘હિન્દ સ્વરાજ’ અને ‘વંદે માતરમ’ જેવા દેશપ્રેમને વરેલા રાષ્ટ્રીય સામયિકોની બોલબોલા હતી. દેશના યુવાનો આ સામયિકો દ્વારા રાષ્ટ્રીય પ્રવાહો અને સ્વાતંત્ર્ય સંગ્રામને જાણી-પચાવી રહ્યા હતા. એવો એક યુવાન દક્ષિણ ગુજરાતના વાંઝ ગામે શિક્ષકની નોકરી કરે. ઉંમર માત્ર ૨૨ વર્ષ. લોકમાન્ય ટિળકથી એ ખાસ્સો પ્રભાવિત. સુરતના અધિવેશન બાદ તો એને રાષ્ટ્રભક્તિની ચાનક ચડી. એવામાં વળી ટિળક મહારાજની ધરપકડ થઇ અને આ શિક્ષક યુવાન એવો ઉકળ્યો, કે પોતે હજારેકની વસ્તી ધરાવતા ગામમાં વિરોધસભા ભરવાની જાહેરાત કરી બેઠો!

અંગ્રેજોના રાજમાં તમે સરકારી નોકરી કરતા હોવ, અને અંગ્રેજ શાસન વિરુદ્ધ કોઈ પ્રવૃત્તિ કરો તો પરિણામ શું આવે? એ સમયે બચ્ચા બચ્ચાને આવા ‘પરિણામ’ ખબર હતી, પણ રાષ્ટ્રભક્તિ જેની નસોમાં ઉછાળા મારવા માંડેલી, એવા પેલા યુવાને પોતાના વાંઝ ગામમાં લોકમાન્ય ટિળક મહારાજની ધરપકડના વિરોધમાં જાહેરસભા ભરી નાખી! સભા તો ભરી તો ભરી, એમાં અંગ્રેજ સરકાર વિરુદ્ધ આગઝરતું ભાષણેય કર્યું! પત્યું! સભાનો અહેવાલ વાંચીને રોષે ભરાયેલા સરકારી તંત્રે આ જુવાનિયા શિક્ષકની તાબડતોબ બદલી કરી નાખી. વળી માસ્તર સાહેબ કાયમ માટે સરકારી રડારમાં ચડી ગયા એ નફામાં!

***     ***     ***

દાંડીયાત્રા ૫ એપ્રિલ ૧૯૩૦ના દિવસે નવસારી નજીકના દાંડી પાસે પહોંચી, મહાત્મા ગાંધીએ ચપટીક મીઠું ઉપાડ્યું અને કાળા કાયદાનો ભંગ કર્યો એ સાથે જ જાણે આખા દેશમાં ક્રાંતિનું મોજું ફરી વળ્યું. આખી દુનિયાએ આ ઘટનાની, અને એ સાથે જ ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામની નોંધ લીધી. એન્ડ ધ રેસ્ટ ઇઝ હિસ્ટ્રી! ભારતની સ્વાતંત્ર્ય ચળવળોનો ઇતિહાસ બહુ રસપ્રદ છે. ગાંધીજી વિશે અઢળક લખાયું છે, લખાતું રહે છે. પરંતુ ગાંધીજી જે કંઈ કરી શક્યા, એના પાયામાં રહેલા સમર્પિત કાર્યકરો-નેતાઓ પણ ભુલાવા ન જોઈએ. ગાંધીજીએ આઝાદીની ચળવળ સાથે જ સમાજ સુધારણાની કવાયત પણ આદરેલી. એમને કેટલાક એવા કાર્યકરો-સેનાપતિઓ મળી ગયા, જેમને પ્રતાપે બહોળો જનસમૂહ ગાંધીજી સાથે જોડાયેલો રહ્યો. આવું જ એક વ્યક્તિત્વ એટલે ઉપર જેની વાત કરી એ યુવાન શિક્ષક કુંવરજીભાઈ મહેતા. દક્ષિણ ગુજરાતના આ ભક્ત પાટીદાર સમાજના યુવાને ગાંધીની સત્યપ્રિયતાની સાથે જ સરદાર વલ્લભભાઈ પટેલના મુત્સદ્દીપણાને ય પૂરેપૂરું પચાવેલું. એ કમનસીબી છે કે આપણે આપણા લોકનાયકોને વિસારે પાડી દીધા છે, પણ ગાંધી-સરદાર ક્યારેય કુંવરજીભાઈને ભૂલ્યા નહોતા. કામ રાજકીય ચળવળનું હોય કે સામાજિક સુધારાનું હોય, સરદાર સાહેબ કુંવરજીભાઈને હંમેશા પહેલી હરોળમાં રાખતા. આ કુંવરજીભાઈ પટેલના જીવનના અમુક કિસ્સા જાણવા જેવા છે.

લેખની શરૂઆતમાં જે ઘટના લખી, એની સાથે જ આ કિસ્સાનો તંતુ જોડાયેલો છે. સરકારની ખફગી વહોરી લેનાર યુવાન માસ્તર કુંવરજી મહેતાની તાબડતોબ વરાડ બદલી કરવામાં આવી. એ વખતે વરાડમાં નારણજી પટેલનો સૂર્ય સોળે કળાએ તપે. નારણજી પોતે ઉંચા પૂરા. સુખી પરિવારના ખેડૂત પાટીદારનું હોય એવું પ્રભાવક શરીર સૌષ્ઠવ અને એને અનુરૂપ ચહેરો. આખું વ્યક્તિત્વ એવું કે એમની સામે ઉભેલ માણસ પ્રભાવ હેઠળ આવ્યા વિના રહે નહિ. એમાં પાછા એ ગામના પોલીસ પટેલ. એટલે અંગ્રેજ સરકારનું ય પીઠબળ અને આખા વિસ્તારમાં રાજવી વટ. આવા આ નારણજી પટેલને કાને વાત આવી કે રાષ્ટ્રભક્તિને ચાળે ચડેલો એક જુવાનિયો માસ્તર બદલી પામીને ગામમાં આવ્યો છે. ગામના પોલીસ પટેલ તરીકે આવા વિદ્રોહીને પહેલેથી જ કાબૂમાં રાખવો સારો, એવી નારણજીની સમજ ખરી. એમણે તો તરત ચિઠ્ઠી લખીને નિશાળે મોકલાવી. “કુંવરજી, મને અત્યારે આવીને મળી જાવ.” આખા પંથકમાં નારણજીનો રુઆબ એવો કે આવી ચિઠ્ઠી મળ્યા બાદ ભલભલો ચમરબંધી ય કાચી સેકંડનો વિલંબ ન કરે! પણ આ તો કુંવરજી! વળતી ચિઠ્ઠીએ કુંવરજીએ જણાવ્યું, “હમણા બાળકોને ભણાવું છું. નિશાળ પતે એટલે સીધો તમને મળવા આવીશ.”

નવાસવા માસ્તર બનેલા જુવાનિયાની આવી ઘૃષ્ટતા જોઈને નારણજીને તો જાણે કાળ ચડયો. કડક ભાષામાં ફરી ચિઠ્ઠી મોકલાવી, “માસ્તર, તમે મને ઓળખતા નથી લાગતા. હું ગામનો મુખી છું. સ્કુલ બોર્ડનો સભ્ય છું. સરકારે નીમેલો કોનસિલિયેટર છું. મારો તમને હુકમ છે કે આ ચિઠ્ઠી મળે એટલે સો કામ પડતાં મૂકીને મને મળવા આવી જશો.” કોનસિલિયેટર એટલે એવું પદ જેની પાસે ગ્રામ્ય વિસ્તારમાં સરકાર વતી દાવો માંડવાની કે ધરપકડ કરવાની સત્તા હોય! હવે આ પદ પર બેઠેલા ગામના મુખી અને સમાજના આગેવાન સામે કોઈ છોકરડા જેવો માસ્તર કેટલુંક વજન ઝીલે? પણ કુંવરજીભાઈ જુદી માટીના હતા, અને એ માટીમાં વળી રાષ્ટ્રપ્રેમનું સિંચન થયેલું. એમણે જરાય ડર્યા વિના બીજી ચિઠ્ઠીનો ય વળતો જવાબ એટલી જ સ્થિતપ્રજ્ઞતા સાથે મોકલાવી આપ્યો, “તમે જે હો તે હો! મારી નિમણુંક ગામના મુખીને ત્યાં નહિ પણ ગામની શાળામાં કરવામાં આવી છે. શાળાનો સમય પૂરો થયા વિના હું નહિ આવી શકું. ફરી ખાત્રી આપું છું કે પાંચ વાગ્યા પછી અવશ્ય આવીશ.” હવે નારણજી પટેલ પાસે રાહ જોવા સિવાય કોઈ ઉપાય નહોતો. કુંવરજીએ જે કારણ આગળ ધર્યું, એ ઉથાપી શકાય એમ નહોતું. એટલે મુખીસાહેબ નછુટકે ગુસ્સો પીને રાહ જોતા બેઠા. સાંજે નારણજી પટેલના દરબારમાં કુંવરજીનું આગમન થયું. ડાયરો આખો કંઈક ભડકો થશે એ વિચારે બેઠો હતો. પણ નારણજી દ્વારા સામ, દંડ, ભેદના શાસ્ત્રો વાપરી લેવાયા છતાં કુંવરજી વિનમ્રતાની સાથે જ મક્કમતા જાળવીને રહ્યા. પોતાનું સ્વમાન જળવાય અને ડાયરા વચ્ચે પોલીસ પટેલનો અહં પણ ન ઘવાઈ જાય, એની કાળજી રાખીને કુંવરજી પોતાની વાત કરતા રહ્યા. આ પ્રસંગે જમાનાના ખાધેલ નારણજીએ કુંવરજીભાઈનું હીર માપી લીધું! નારણજી કડક સ્વભાવના અને અંગ્રેજ સરકારના વફાદાર ખરા, પણ માણસ તરીકે એ ય ઉમદા! કુંવરજી મહેતા સમાજ સુધારણાના કામમાં પણ પાવરધા છે અને બાળકોનું સારું ઘડતર કરી શકે છે એની પ્રતીતિ થયા બાદ નારણજી પટેલ હંમેશા કુંવરજીને મદદરૂપ થયા. પાછળથી કુંવરજીએ અંગ્રેજ સરકારની નોકરી છોડી અને જાહેર જીવનમાં ઝંપલાવ્યું, ત્યારે ય અંગ્રેજોના વફાદાર ગણાતા નારણજીએ સમાજ સુધારણાના કામોમાં બનતી  મદદ કરી.

આ નારણજી સરકારના કાંધિયાને બદલે રાષ્ટ્રપ્રેમી કઈ રીતે બન્યા એનો ય રસપ્રદ ઇતિહાસ છે, જેના મૂળમાં કુંવરજી મહેતાનું મુત્સદ્દીપણું રહેલું છે. સ્વતંત્રતા માટેની ચળવળનો માહોલ બંધાતો જતો હતો, એવા સમયે નારણજીભાઈ સરકારના વિશ્વાસુ તો રહ્યા જ, સાથે કુંવરજીભાઈ જેવા મિત્રો સાથે ય ઘનિષ્ઠ મૈત્રીસંબંધો જાળવી શક્યા. વળી સમગ્ર વિસ્તાર પર અને પાટીદાર સમાજ ઉપર નારણજીનો પ્રભાવ ખાસ્સો. આવી પરિસ્થિતિમાં જો સરકારના સમર્થક એવા નારણજી પટેલ સત્યાગ્રહીઓની વિરુદ્ધમાં કામ કરે તો આંદોલનનું પોત નબળું પડે. સરદાર વલ્લભભાઈ પટેલ સહિતના નેતાઓ આ વાત સારી પેઠે સમજતા હતા. ૧૯૩૦માં મીઠાનો સત્યાગ્રહ થયો અને અંગ્રેજ સરકારે સરદાર વલ્લભભાઈની ધરપકડ કરી. આંદોલનનો સઘળો દારોમદાર હવે કુંવરજીભાઈ જેવા સ્થાનિક કાર્યકરો પર હતો. સરદારે જેલમાંથી સ્પષ્ટ સંદેશો મોકલ્યો, “તમે ચપટીક મીઠું પકવીને જેલમાં ભરાઈ ન જતાં, એના બદલે વખત આવ્યે બારડોલીમાં ના-કરની લડત ઉભી કરજો!”

આપણે ઇતિહાસમાં મીઠાનો સત્યાગ્રહ કે ના-કર લડત વિષે વાંચીએ છીએ. પણ એ પાછળ કુંવરજીભાઈ જેવા સંનિષ્ઠ અને મુત્સદ્દી કાર્યકરોએ કેટકેટલો પરિશ્રમ કરેલો, એ વિષે ભાગ્યે જ જાણીએ છીએ. કોઈ પણ ચળવળમાં પ્રજાના મોટા વર્ગને જોડવામાં આવે તો જ એ ચળવળ સફળ થવાની શક્યતા હોવાની. પણ આ કામ કરવું કઈ રીતે? પ્રજાને પોતાના અંગત પ્રશ્નો તો હોવાના જ, એ સાથે જ પ્રજાના વિવિધ વર્ગો ઉપર જુદા જુદા મહાનુભાવોનો પ્રભાવ પણ હોય જ! પ્રજા જેના પ્રભાવમાં હોય, એવા લોકોને પોતાની સાથે લેવામાં આવે, તો જ વિશાળ જનસમૂહને પોતાની સાથે જોડી શકાય. આ રાજકારણની સાદી અને પાયાની સમજ છે. કુંવરજીભાઈ પોતે ઝાઝું ભણ્યા નહોતા. ગાંધી કે સરદારની માફક વિલાયતની દુનિયા જોઈ નહોતી. પણ આ ખેડૂત પાટીદારની કોઠાસૂઝ ભારે ધીંગી! આજે જેટલી આસાનીથી આપણે સત્યાગ્રહની ચળવળ વિષે વાંચી નાખીએ છીએ, પ્રજા માટે એ કામ એ સમયે એટલું આસાન નહોતું! સરકાર સામે પડવામાં જાતજાતના જોખમો. જપ્તીથી માંડીને જેલવાસ વેઠવા સુધીનો વારો આવે. કદાચ પોલીસની ગોળીએ વીંધાઈ જવાની તૈયારીય રાખવી પડે! આવા સમયે જો સમાજના પ્રભાવશાળી લોકો મોટા પાયે આગેવાની લે તો જ પ્રજાને ભરોસો બેસે. લોકોની નાડ પારખવામાં ઉસ્તાદ કુંવરજી આ વાત બરાબર સમજતા હતા. આથી એમણે સમાજના પ્રભાવશાળી ગણાતા લોકોને ચળવળમાં જોડવાનું અને રાષ્ટ્રપ્રેમના રંગે રંગવાનું શરુ કર્યું. સમાજના આગેવાનોમાં મોખરે મૂકાતું નામ નારણજી પટેલનું પણ હતું!

નારણજી અંદરખાને સત્યાગ્રહીઓને પક્ષે ખરા, પણ અંગ્રેજ સરકાર તરફથી ‘પટલાઈ’ સ્વરૂપે જે માનપાન મળતા, એનો મોહ છૂટતો નહોતો. વળી તેઓ પોતાની જાતને મહા-મુત્સદ્દી માનતા. એટલે કોઈની વાતમાં એ ઝટ આવે નહિ. કુંવરજી ભાઈ સાથે ઘનિષ્ઠ મૈત્રી ખરી, પણ અંગ્રેજ સરકારના પોલીસ પટેલ અને સરકાર વિરોધી ચળવળકારની દોસ્તી કોઈની આંખે ન ચડે, એ માટે એક સલામત અંતર કુંવરજીભાઈ સાથે ય જાળવી રાખેલું. બીજી તરફ કુંવરજીભાઈ પણ જાણતા કે નારણજી પટેલ સરકારના વિશ્વાસુ છે. સત્યાગ્રહની બાબતે એમને સાથે રાખવામાં જોખમ પૂરેપૂરું! પણ એ સાથે જ બીજા પોલીસ પટેલો અને ખેડૂતો તેમજ પાટીદાર સમાજ ઉપરનું નારણજી પટેલનું પ્રભુત્વ પણ અવગણી ન શકાય એવું! જો નારણજી આડા ફાટે તો બારડોલીમાં ના-કરની લડતનો પાયો નાખવાનું કામ અઘરું બની જાય!

પણ એના કરતા ખુદ નારણજી પટેલ જ સરકારી પટલાઈ બાજુએ મૂકીને ના-કર લડતનું રણશિંગુ ફૂંકે તો? એવું શક્ય બને તો તો બીજા અનેક ગામ-પટેલો એમને અનુસરે અને પછી તો આખું બારડોલી લડતમાં ઝુકાવે! પણ આ કામ કરવું કેમ? મહામુત્સદ્દી ગણાતા નારણજી પટેલને સરકારી પટલાઈને બદલે સત્યાગ્રહીઓ બાજુ ખેંચવા કેમ? આ મામલામાં કુંવરજી પટેલને પોતાની કોઠાસૂઝ અદભૂત કામે લાગી! એ વિષે અને બીજી કેટલીક મહત્વની ઘટનાઓ વિષે જાણીશું આવતા સપ્તાહે. પણ એ પહેલા એક વાતનો ધોખો કર્યા વિના નથી રહી શકાતું, કે સ્વાતંત્ર્ય ચળવળની સાથે જ સમાજ સુધારણાના ક્ષેત્રે પાયાનું કામ કરનાર કુંવરજીભાઈ મહેતા જેવા વ્યક્તિનો એક્કેય ફોટો સુધ્ધાં આપણી પાસે નથી!


શ્રી જ્વલંત નાયકનો સંપર્ક jwalantmax@gmail.com પર થઇ શકે છે.

Author: Web Gurjari

1 thought on “ભાત ભાત કે લોગ : આઝાદીનો અમૃત મહોત્સવ : કર્મયોગી કુંવરજીભાઈ મહેતા જેવાને તો યાદ કરવા જ પડે!

Leave a Reply

Your email address will not be published.