બીરેન કોઠારી
અભિવ્યક્તિ સ્વાતંત્ર્યના અનેક અર્થ થતા હોય છે, પણ સરકારને તેનો એક જ અર્થ ખબર હોય છે. સરકારને મન અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય એટલે સરકારનો વિરોધ. પોતાનો કોઈ વિરોધ કરે એ લગભગ દરેક સરકારને ખૂંચતું હોય છે. તેની તીવ્રતા ઓછીવત્તી હોઈ શકે. દરેક કાળે સરકારો અભિવ્યક્તિ સ્વાતંત્ર્યને રુંધવાના પેંતરા કરતી રહે છે. વર્તમાન સમયમાં સામાજિક નેટવર્કિંગ માધ્યમોને કારણે અભિવ્યક્તિ સ્વાતંત્ર્યનો વ્યાપ પ્રસાર-પ્રચાર માધ્યમોથી વિસ્તરીને વ્યક્તિગત સ્તર સુધી આવી પહોંચ્યો છે. પોતાના ખુદના પ્રચાર માટે સરકાર આ માધ્યમોનો છૂટથી ઉપયોગ કરે છે, પણ અન્યો દ્વારા થતા તેના ઉપયોગ પર તે એક યા બીજા બહાના કે કાયદા હેઠળ અંકુશ લાદવા મથતી રહે છે. ઈન્ટરનેટ પર આધારિત ‘ઓ.ટી.ટી.’ (ઓવર ધ ટૉપ) પ્લેટફોર્મ પર દર્શાવાતી સામગ્રી અત્યાર સુધી સરકારી અંકુશની બહાર હતી, તેને સરકારે પોતાના નિયંત્રણ હેઠળ લાવી દીધી.
હવે 6 એપ્રિલે કોઈ પણ જાતની આગોતરી જાણ કર્યા વિના ‘એફ.સી.એ.ટી.’ (ફિલ્મ સર્ટિફિકેટ અપેલેટ ટ્રિબ્યુનલ)ને અચાનક બંધ કરી દીધી છે. અલબત્ત, નોટબંધી, લૉકડાઉન જેવાં સમગ્ર દેશની જનતાને વિપરીત અસર કરતાં પગલાંની જે રીતે કશા આયોજન વિના સાવ ટૂંકી મુદતમાં ઘોષણા અને પછી અમલ કરવામાં આવ્યાં એ પછી વર્તમાન સરકારના આવા નિર્ણયથી નવાઈ લાગે એવું રહ્યું નથી. કયું નવું પગલું સરકાર આ રીતે ભરશે એ જોવાનું રહે છે. ‘એફ.સી.એ.ટી.’ બંધ કરવાના ઓચિંતા નિર્ણયની વાત કરતાં પહેલાં તેના કાર્ય અંગે ટૂંકમાં જાણીએ.
કોઈ પણ ફિલ્મને પ્રદર્શિત કરતાં અગાઉ નિર્માતાએ ‘સી.બી.એફ.સી.’ (સેન્ટ્રલ બૉર્ડ ઑફ ફિલ્મ સર્ટિફિકેશન) પાસેથી મંજૂરી મેળવવી પડે છે. ફિલ્મ શરૂ થતાં અગાઉ મંજૂરીનું આ પ્રમાણપત્ર પડદા પર દર્શાવવામાં આવે છે. ‘સી.બી.એફ.સી.’ ફિલ્મની સામગ્રી મુજબ તેને આ ચાર પ્રકારનાં પ્રમાણપત્ર આપે છે: એ, યુ, યુ/એ તેમજ એસ. આ પ્રક્રિયા દરમિયાન સમિતિને ફિલ્મમાંની અમુક સામગ્રી યોગ્ય ન લાગે તો તેને હટાવવા કે બદલવાનું તે સૂચવે છે યા અમુક ફિલ્મ તે પ્રમાણિત કરતી નથી. આ સંજોગોમાં નિર્માતા ‘એફ.સી.એ.ટી.’નો દરવાજો ખટખટાવે છે.
‘એફ.સી.એ.ટી.’ની રચના માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા, સિનેમેટોગ્રાફ એક્ટ, 1952ના અધિનિયમ 5-ડી અંતર્ગત કરવામાં આવી હતી. દિલ્હીસ્થિત આ સંસ્થાનું મુખ્ય કાર્ય સિનેમેટોગ્રાફ એક્ટના અધિનિયમ 5-સી અંતર્ગત સી.બી.એફ.સી.ના નિર્ણય સાથે સંમત ન થનાર ઉમેદવારોની અપીલ સાંભળવાનું અને તેનો નિકાલ લાવવાનું હતું. એક વડા અને ચાર સભ્યોની બનેલી આ ટ્રિબ્યુનલના હોદ્દેદારોની નિમણૂંક ભારત સરકાર દ્વારા જ થતી. ‘એફ.સી.એ.ટી.’ અનેક નિર્માતાઓ માટે આશિર્વાદરૂપ નીવડી હતી. એક યા બીજા કારણોસર સેન્સર બૉર્ડ ફિલ્મમાં કાપકૂપ સૂચવે, જે નિર્માતા અને દિગ્દર્શકને અયોગ્ય લાગે ત્યારે તેઓ ‘એફ.સી.એ.ટી.’નો દરવાજો ખટખટાવતા. ‘એફ.સી.એ.ટી.’માં તેમને ન્યાય ન મળ્યો હોય એમ લાગે એ પછી જ તેમણે અદાલતનો આશરો લેવાનો થતો. એ રીતે જોઈએ તો, સેન્સર બૉર્ડ અને અદાલતની વચ્ચેનો ફાસલો ઘટાડવામાં ‘એફ.સી.એ.ટી.’ની ભૂમિકા મહત્ત્વની હતી અને અત્યાર સુધી પોતાની આ ભૂમિકા તેણે બરાબર નિભાવી હતી. નમૂના લેખે કેટલાંક ઉદાહરણ જોઈએ.
નિર્માતા પહલાજ નિહલાણીની ફિલ્મ ‘રંગીલા રાજા’ (2019)માં સેન્સર બૉર્ડે 17 સ્થાને કાપકૂપ સૂચવી હતી. ‘એફ.સી.એ.ટી.’ની સમિતિએ ફિલ્મ જોયા પછી તેમાંથી 9 કાપકૂપ રદ કરી, 3ને માન્ય રાખી, 4 સ્થાને નિર્માતા એ કરવા કબૂલ થયા અને એકને સેન્સર બૉર્ડે માન્ય રાખ્યું.
આ જ પહલાજ નિહલાણીના અગાઉ સેન્સર બૉર્ડના ચૅરમૅન તરીકે કાર્યરત હતા. એ દરમિયાન અરવિંદ કેજરીવાલ પર બનેલા એક દસ્તાવેજી ચિત્ર ‘એન ઈનસિગ્નિફિકન્ટ મેન’ને પ્રમાણપત્ર આપતાં પહેલાં નિર્માતાઓને તત્કાલીન વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ‘ના વાંધા પ્રમાણપત્ર’ લાવવાની વિચિત્ર અને અભૂતપૂર્વ માંગણી કરી હતી. ત્યારે પણ ‘એફ.સી.એ.ટી.’એ પોતાની ભૂમિકા ભજવતાં એવા કોઈ પ્રમાણપત્રની જરૂર ન હોવાનું જણાવ્યું હતું.
બ્રિટિશ-અમેરિકન ફિલ્મ ‘ધ ડેનિશ ગર્લ’ને નાના પડદે પ્રદર્શિત કરવા માટે સેન્સર બૉર્ડે શરૂઆતમાં યોગ્ય પ્રમાણપત્ર આપીને મંજૂર કર્યા પછી પોતાનો નિર્ણય બદલ્યો હતો. એ વખતે ‘એફ.સી.એ.ટી.’ દ્વારા આ નિર્ણયને ઉલટાવવામાં આવ્યો હતો.
આવાં અનેક ઉદાહરણો છે, જેમાં ‘એફ.સી.એ.ટી.’ દ્વારા સેન્સર બૉર્ડના નિર્ણયમાં ફેરબદલ કરવામાં આવી હોય.
કશી ઘોષણા યા ચર્ચા વિના ‘એફ.સી.એ.ટી.’ને સમેટી લીધા પછી હવે નિર્માતાએ સેન્સર બૉર્ડના નિર્ણયની સામે અપીલ કરવી હોય તો વડી અદાલતનો જ આશરો લેવો એમ સરકારે જણાવ્યું છે. વડી અદાલતો નિકાલ ન થયેલા કેસોના ભારણથી લદાયેલી છે. ભારત સરકારના ન્યાય વિભાગ હેઠળ કાર્યરત, દેશભરના ન્યાયાલયોના આંકડા એકઠા કરીને દર્શાવતી ‘નેશનલ જ્યુડિશિયલ ડેટા ગ્રીડ’(એન.જે.ડી.જી.) અનુસાર ફક્ત મુંબઈ વડી અદાલતમાં નિકાલ ન થયો હોય એવા દિવાની દાવાઓની સંખ્યા 41,24,497 છે. આ દાવાઓમાં હવે ‘એફ.સી.એ.ટી.’ નાબૂદ થવાથી ઉમેરાનારા દાવાઓ ઉમેરાશે તો તેનો નિકાલ ક્યારે થશે? ફિલ્મ એવો વ્યવસાય છે જેમાં અનેક લોકો અને પુષ્કળ નાણાં સંકળાયેલાં હોય છે. વિલંબનો અર્થ અહીં જંગી આર્થિક નુકસાન થાય છે.
આખું ચિત્ર જોઈએ એટલે સમજાય કે એક તરફ સેન્સર બૉર્ડ ઉપરથી કોઈ પણ કારણોસર ફિલ્મમાં કાપકૂપ સૂચવે અને બીજી તરફથી આ નિર્ણયને પડકારી શકાય એવી જોગવાઈ રદ કરી દે. સરવાળે નિર્માતાઓએ અદાલતનાં ચક્કર કાપવાં પડે. એવા જ નિર્માતાઓ, દિગ્દર્શકો કે કલાકારો ફાવી શકે કે જે વડાપ્રધાનના, તેમની નીતિઓના કેવળ સમર્થક જ નહીં, પ્રશંસક પણ હોય. સરકારની નીતિરીતિ જોતાં વડાપ્રધાનની નીતિઓની, વલણની ટીકા કરતા કલાકારોની ફિલ્મોને સેન્સર બૉર્ડ ગમે તે કારણ આપીને ટલ્લે ચડાવ્યે રાખે એ શક્યતા વધુ છે. સેન્સર બૉર્ડ સરકારના ઈશારે નાચે એની ક્યાં નવાઈ છે? અભિવ્યક્તિ સ્વાતંત્ર્યનો તેમને મન એક જ સંકુચિત અર્થ છે.
‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૧૫-૦૪–૨૦૨૧ના રોજમાં આ લેખ પ્રકાશિત થયો હતો.
શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)