સમાજ દર્શનનો વિવેક : પ્રસાર માધ્યમોથી દોરવાયેલા આપણે

કિશોરચંદ્ર ઠાકર

લગભગ 6000 વર્ષ પહેલા માણસે લેખનકળા શોધી. આ શોધથી તેને લખવાવાંચવાની એવી પ્રત્યાયનની કે પ્રસારની  એક નવી રીત સાંપડી. આમ છતાં સંદેશા પ્રસારણની ઝડપમાં વધારો તો નહિવત થયો. હજારો વર્ષ સુધી ઝડપી સંદેશા પહોંચાડવા માટે મુખ્યત્વે ઘોડા પર જ આધાર રાખવો પડ્યો. છેવટે તાર(Telegram)ની શોધથી માણસે સંદેશો પહોંચાડવાની ઝડપમાં બહુ મોટી છલાંગ મારી.

જો કે  આ ઝડપ તો  એક વ્યક્તિથી બીજી વ્યક્તિ  સુધી જ સંદેશો પહોંચાડવા પૂરતી સીમિત હતી. રેડિયોની શોધે  આ કસર દૂર  કરી. એક જ સમયે અનેક  લોકોને  સંદેશો પહોંચાડવા માટે રેડિયો એક અસરકારક સાધન બની ગયું. અલબત્ત મુદ્રણકાળાની શોધ અને તેમાં થયેલી પ્રગતિ તેમજ ઝડપી વાહનવ્યવહારની સુવિધાથી  વર્તમાનપત્રો પણ ખૂબ ઓછા સમયમાં વધારે લોકો સુધી પહોંચ્યા લાગ્યાં.

પરંતુ છેલ્લા પચાસસાંઈઠ વર્ષોમાં  તો પ્રસાર માધ્યમોએ અદભૂત પ્રગતિ કરી છે, ખાસ કરીને ટેલિવિઝનની શોધ અને તેના પ્રસારે સિનેમા- નાટક જેવા મનોરંજનનાં સાધનો ઘરઆંગણે લાવી દીધા. દુનિયાના કોઈપણ ખૂણે બનેલા બનાવના   સમાચારો મિનિટોમાં જ મળવા લાગ્યા. વર્તમાનપત્રો, સામાયિકો, રેડિયો, ટેલિવિઝન વગેરે  માહિતીના પ્રસારણ માટેના  પ્રબળ માધ્યમો બન્યા.  લગભગ ત્રીસેક વર્ષથી એમાં  ઈન્ટરનેટનો ઉમેરો થતા આપણે માહિતીનો વિસ્ફોટ  અનુભવી રહ્યા છીએ.  કેટલીક વાર  એક મોટું પુસ્તકાલય ફંફોસતા ન મળે એ માહિતી  ઇ‌ન્ટરનેટથી  મિનિટોમાં  જ મળી જતી હોય છે. આ પ્રસાર માધ્યમોનો આપણાં જીવનમાં એટલો બધો પગપેસારો છે કે  વ્યાપક  અર્થ ધરાવતો માધ્યમ  શબ્દ પ્રસાર માધ્યમનો  પર્યાય બની ગયો છે. આ લેખમાં પણ માધ્યમને એ અર્થમાં જ  લઈશું.

જ્યાં સુધી માત્ર મુદ્રિત કે શ્રાવ્ય માધ્યમ હતા ત્યાં સુધી તેના ગેરફાયદા સહિતનો પ્રભાવ આપણા પર પ્રમાણમાં ઓછો હતો. પરંતુ  ટેલિવિઝન અને ત્યાર પછી આવેલા સોશિયલ મિડિયા જેવાં દૃશ્યશ્રાવ્ય માધ્યમોના લાભ અને હાનિ બન્ને વધી ગયા. તેના અન્ય  લાભ કે ગેરલાભ  વિષે  ઘણું કહેવાયું છે.  અહીં આ માધ્યમોથી આપણે કેવા દોરવાઈ જતા હોઈએ છીએ તે બાબતે જ  વિચારીશું.

સુપ્રસિદ્ધ બ્રિટિશ તત્વચિંતક બર્ટા‌ન્ડ રસેલે ઇ સ 1951માં  “વિજ્ઞાનની સમાજ પર અસર” (Impact of science on society) નામનું એક પુસ્તક લખ્યું  છે. તેમાં તેમણે આગાહી કરી હતી કે ભવિષ્યમાં વિજ્ઞાનની પ્રગતિ થતા  પ્રસાર માધ્યમો એટલા પ્રબળ બનશે કે નાગરિકો પોતાની મૌલિક વિચાર કરવાની ક્ષમતા ખોઈ બેસશે. બરફ આપણી નજર સમક્ષ પડ્યો હશે તો પણ  જો  માધ્યમ આપણને એમ કહેશે કે બરફનો રંગ કાળો હોય છે, તો આપણે તેને કાળો માનીને જ ચાલીશું.  આ આગાહી વત્તે ઓછે અંશે દુનિયા આખીમાં સાચી પડતી લાગે છે.

ટેલિવિઝનની શોધ થયાના ખાસ્સા ત્રીસેક  વર્ષ પછી ઇ સ 1959માં આપણા દેશમાં તેની સેવાનો પ્રરંભ થયો. કેટલાકનું ધારવું હતું કે  આપણે ત્યાં ટેલિવિઝન   આવશે તો તેનો ઉપયોગ  સત્યનારાયણની કથાઓ કરવામાં જ  થશે. સાવ એવું  તો ન બન્યું. શરૂઆતમાં ગુજરાતમાં ખેડા  જિલ્લાના પીજ જેવા કે‌ન્દ્ર પરથી   ખેતીવાડી અને પશુપાલન ઉપરાંત  અન્ય લોકશિક્ષણના કાર્યકર્મો  રજૂ  કરવામાં આવ્યા. દૂરદર્શને હિંદી અને પ્રાદેશિક ભાષાઓમાં કેટલીક ઉત્તમ ટિવિ સિરિયલના કાર્યક્રમો પણ આપેલા. રામાયણ અને મહાભારત જેવી શ્રેણીઓથી નવી પેઢીને આપણા આ મહાકાવ્યોનો પરિચય વધુ સારી રીતે  થયો. આ ઉપરાંત  દૂરદર્શને કેટલાક ઉત્તમ કાર્યક્રમો  પણ આપ્યા. દૂરદર્શનની  શ્રેણીઓ અને તેના અન્ય કાર્યક્રમો જેમણે  જોયા  છે તેમને  ખાનગી  ચેનલોના કાર્યક્રમો તદ્દન ઉતરતી  કક્ષાના લાગે છે. જો કે હાથમાં  તેના મોંમા એ ન્યાયે  સત્તાવાળાઓએ તો રેડિયો તેમજ દૂરદર્શનનો  પણ પોતાની  પ્રસિદ્ધિ   માટે  ઉપયોગ કર્યો જ છે. આવા જ કારણસર  ઓલ ઇંડિયા રેડિયોને કોઈએ ઓલ ઇંદિરા રેડિયો પણ કહેલો.

દેશમાં 1991માં  આર્થિક નીતિમાં  ઉદારીકરણ આવ્યા પછી ટેલિવિઝન જાહેરખબરો માટેનું પ્રબળ સાધન બની ગયું. કોઈપણ ચીજવસ્તુની ગુણવત્તા, અનુભવને આધારે નહિ પણ જાહેરખબરના આધારે નક્કી થવા લાગી. માત્ર ગુણવત્તા જ નહિ, આપણને શેની  જરૂર છે  તે ટેલિવિઝનમાં આવેલી જાહેરાતને  આધારે આપણે નક્કી કરવા લાગ્યા.  માત્ર સાબુની જ જાહેરાતો એટલી બધી આવવા લાગી કે ટેલિવિઝનને સોપબોક્સ  કહેવાયું.

ખાનગી ચેનલો આવતા તેમાં જ્યોતિષો અને તાંત્રિકોની જાહેરખબરોનો રાફડો ફાટ્યો. એવી ધારણા હતી કે શિક્ષણ વધતા અંધશ્રદ્ધાનું પ્રમાણ ઘટશે. પરંતુ આ માધ્યમોને કારણે લોકમાનસ પર બાબાઓ અને તાંત્રિકોનું વર્ચસ્વ વધી ગયું.

બધા જ સમૂહ માધ્યમો પાસે રાખવમાં આવતી સમાચારો  આપવા માટેની તટસ્થતાની અને  લોકશિક્ષણની અપેક્ષા સોએ સો ટકા ભલે પૂરી ના થાય, પરંતુ એક ધોરણ તો જળવાવું જ જોઈએ.  પરંતુ  રેડિયો અને ટેલિવિઝન ખાનગી હાથોમાં પડતા તેમનું  વેપારી હિત પણ દાખલ થયું. મહત્વ તો  ટી આર પીનું  જ વધ્યું

2012ના અન્ના આંદોલનને વ્યાપક પ્રસિદ્ધિ આપવામાં ટેલિવિઝન અને સોશિયલ મિડિયાનો ફાળો મુખ્ય હતો. જનતાના મોટાભાગને લોકપાલ એ કઈ બલા છે તેની જ માહિતી ન હોવા છતાં એવું ચિત્ર ઊભુ થયું કે ભારતની પ્રજાની વર્ષોથી મુખ્ય માગણી લોકપાલની જ હતી. ત્યાર પછી 1914ની ચૂંટણીમાં સત્તાધારી પક્ષની હાર માટેના  અન્ય કારણો  હશે પણ  એક કારણ અન્ના આંદોલન  બન્યું અને આ આંદોલનની પ્રસિદ્ધિનો  આધાર  ટેલિવિઝન અને  સોશિયલ મિડિયા  જ હતું.

લોક્સભાની ચૂંટણી તો  2014માં થઈ પરંતુ તે પહેલા જ  કોઈ  એક નેતાની છબિ ઉપસાવવામાં સોશિયલ મિડિયા તથા સમૂહ  માધ્યમોએ કસર છોડેલી નહિ.  દેશનાં ઘણા રાજ્યોની તુલનામાં ગુજરાતનો વિકાસ અગાઉથી જ થયેલો હોવા છતાં માધ્યમોના પ્રચારને કારણે દેશના લોકો એવું માનવા લાગ્યા કે ગુજરાતનો વિકાસ કોઈ એક શાસનને જ આભારી છે.

કોમી વૈમનસ્ય ફેલાવવામાં સમૂહ માધ્યમો તથા સોશિયલ મિડિયાનો ખૂબ જ ઉપયોગ થયો.  ટેલિવિઝન પરની ડિબેટમાં અને સોશિયલ મિડિયામાં પાકિસ્તાનને પ્રતિક બનાવીને લઘુમતી સમુદાય પ્રત્યે નફરત ફેલાવવામાં આવી. નાગરિકો પોતાના વાસ્તવિક  સવાલો  ભૂલીને   હિંદુમુસ્લિમની  સમસ્યા   જ  જાણે મુખ્ય સમસ્યા હોય તેમ માનવા લાગ્યા.

2016ના નોટબંધીના નિર્ણયનાં વાજબીપણાંની ચર્ચામાં ભલે ન જઈએ, પરંતુ  સુપ્રિમ કોર્ટે એવી ધાસ્તી વ્યકત કરી હતી કે આવા નિર્ણયથી  દેશમાં હુલ્લડો ફાટી નીકળી શકે છે.  પરંતુ  માધ્યમોએ સુપ્રિમ કોર્ટનો  ભય ખોટો  ઠરાવી દીધો. પ્રચાર એવો  કરવામાં આવ્યો કે નોટબંધીનો હેતુ કાળાં નાણાંની નાબૂદી ઉપરાંત આતંકવાદને નાથવાનો છે. તટસ્થ અર્થશાસ્ત્રીઓના મંતવ્યોની ક્યાંય નોંધ લેવામાં ન આવી, પરંતુ  વોટ્સેપ અને  અન્ય  સોશિયલ મિડિયામાં એવો પ્રચાર થયો કે કાશ્મીરમાં સુરક્ષાકર્મીઓ પર એક પથ્થર ફેંકવા માટે  500 રૂપિયાની નોટ આપવામાં આવે છે! નોટબંધીને અનુમોદન એ દેશભક્તિનો પર્યાય બની ગયો.  આથી  ગરીબ  અને મધ્યમ વર્ગના લોકો નોટબંધી દેશના  હિત માટે જાણે અનિવાર્ય  હોય  તેમ માનીને લાઇનમાં  ઊભા રહી  ગયા.  લગભગ સો જેટલા માણસો(મોટાભાગના ગરીબ લોકો)નાં મૃત્યુ ચલણી નોટ બદલવા માટે  લાઇનમાં ઊભા રહેવાથી જ થયા,  તો પણ  કોઈનું  રુંવાડુ પણ  ફરક્યું નહિ.  આ પ્રભાવ માધ્યમનો જ હતો.

દેશમાં કોરોનાની મહામારી આવ્યા પછી તેના વિશેની જાગૃતિ ફેલાવવમાં માધ્યમોનો મોટો ફાળો છે. પરંતુ  ટેલિવિઝનની કેટલીક ચેનલોમાં  અને સોશિયલ મિડિયામાં એવું ચિત્ર ઊભુ કરવામાં આવ્યું કે આ મહામારી માટે માત્ર તબલીગી જમાતના મુસ્લિમો જવાબદાર છે.  તેમાનાં કેટલાકને જેલમાં પણ  પૂરવામાં આવ્યા. આ કુપ્રચારને  આગળ લંબાવીને    આખો  મુસ્લિમ સમાજ  કોરોના  ફેલાવી રહ્યો  હોય તેવું ચિત્ર ઊભુ કરવામાં આવેલું. શાકભાજી વેચનારને તેનું નામ પૂછીને જો લઘુમતી સમુદાયનો હોય તો  પરેશાન  કરાયાના સમાચાર પણ જાણવામાં આવેલા.  જો કે કોર્ટે તો પછીથી તબલીગી સમાજના નેતાઓને નિર્દોષ જાહેર કરી દીધા હતા, પરંતુ  જે નુક્શાન  થવાનું  હતું તે થઈ ચૂક્યું  હતું.

માધ્યમો ચોક્કસ  વર્ગના હિતમાં પ્રજાના વાસ્તવિક  સવાલોની ઉપેક્ષા પણ કરે છે. દેશમાં  તાળાબંધી પછી  શ્રમિકોની  હિજરત અને તેમણે  સહન કરેલી હાલાકીના સમાચાર બહુ ઓછી ચેનલોએ યોગ્ય પ્રમાણમાં દર્શાવેલા. આવી જ પરિસ્થિતિ ખેડૂત આંદોલનની છે. આઝાદી પછીનું સૌથી મોટું અહિંસક આંદોલન હોવા છતાં તેની પૂરતી નોંધ તો ન લેવાઈ, પણ તેની સામે અપપ્રચાર કરવામાં આવ્યો.

એ જ રીતે સોશિયલ મિડિયામાં વહેતી મૂકવામાં આવતી બેસુમાર અફવાઓથી દોરવાયેલા લોકોએ અનેકના જાન અને માલનું નુક્શાન કર્યું છે.

કોઈપણ અભિપ્રાય પર આવવા માટે આપણી પાસે પ્રમાણસરની અને સાચી માહિતી હોવી અનિવાર્ય છે. કોઈપણ દેશમાં ક્યારેય નાગરિકો  પાસે સો ટકા સાચી માહિતી હતી નહિ. પરંતુ  માધ્યમો આટલા મોટા ગજાના ન હતા  ઉપરાંત  તેનાં પરની માલિકીનું કે‌ન્દ્રીકરણ થયું  ન હતું.  આથી નાગરિકો પાસે પ્રમાણમાં પોતાનો સ્વતંત્ર અભિપ્રાય બાંધવાની શકયતા વિશેષ હતી.  પરંતુ હવે આટલા પ્રબળ માધ્યમો આવતા એ શકયતા ખૂબ ઘટી ગઈ છે.  સત્તા અને સંપતિ ધરાવતા વર્ગનો  માધ્યમો પર અંકૂશ આવવાથી લોકમત પણ તેમની તરફેણમાં જ  રહશે. આ પરિસ્થિતિમાંથી ઉગરવાનો કોઈ રસ્તો હાલ તો દેખાતો નથી. માધ્યમ દ્વારા  આપવામાં આવતી માહિતી માટે જો આપણી પાસે નીરક્ષીર  વિવેક ન હોય તો  વ્યક્તિગત રીતે જેટલા આપણે આ મધ્યમોથી દૂર રહીશું તેટલો આપણો પોતાનો સ્વતંત્ર અભિપ્રાય બાંધી શકીશું ભલે ને પછી એ અભિપ્રાય કોઈ ચીજ વસ્તુની ખરીદી બાબતે હોય કે પછી રાજકીય મત બાબતે હોય.

(જો દેશમાં ભણેલાનું પ્રમાણ વધારે હોત તો અમે ચૂંટણી હારી ગયા ન હોત, કારણ કે ભણેલાઓ પોતાના પ્રત્યક્ષ અનુભવને આધારે નહિ પણ છાપું વાંચીને મત આપે છે.

દેવકા‌ન્ત બરુઆ- તે વખતના કોંગ્રેસ પ્રમુખ-નું 1977ની ચૂંટણીના પરિણામો પછીનું નિવેદન)


શ્રી કિશોરચંદ્ર ઠાકરના સપર્ક સૂત્રો :-પત્રવ્યવહાર સરનામું: kishor_thaker@yahoo.in  । મો. +91 9714936269

Author: Web Gurjari

1 thought on “સમાજ દર્શનનો વિવેક : પ્રસાર માધ્યમોથી દોરવાયેલા આપણે

  1. કિશોરભાઇ , આપનો લેખ “પ્રસાર માધ્યમોથી દોરવાયેલા આપણે “ વાંચ્યો સાચી વાત છે કે સોશ્યલ મિડિયા જેવા માધ્યમોની પ્રબળ અસર નીચે માણસ નીરક્ષીરનો વિવેક ભૂલીને ગેરમાર્ગે દોરવાય છે ક્યાં જઇને અટકશે આ બધુ ?

Leave a Reply

Your email address will not be published.