લ્યો,આ ચીંધી આંગળી :એનું નામ પડઘાયા કરે…શાયર ગની દહીંવાલા

રજનીકુમાર પંડ્યા

(૧૯૮૨થી ૧૯૮૫ના વર્ષોમાં મારે નોકરી અર્થે નવસારી રહેવાનું થયું હતું. એ દિવસોમાં મારે અવારનવાર સુરત જવાનું થતું અને લેખકદંપતિ રમણ પાઠક અને સરોજ પાઠકના માધ્યમથી સુરતના સાહિત્યિક વર્તુળમાં મારી બહુ સારી ઉઠક-બેઠક રહેતી. એવી જ બેઠકોની અંતર્ગત શાયર ગની દહીંવાલા સાથે સારી એવી નિકટતા સાંપડી. એ નિકટતા દરમિયાન સાંપડેલી કેટલીક વાતો આ લેખમાં રજૂ કરી છે.

એમના વિષે થોડી વિશેષ માહિતી: જન્મ: ૧૭–૦૮-૧૯૦૮, અવસાન: ૦૫-૦૩-૧૯૮૭, પૂરું નામ: અબ્દુલગની અબ્દુલકરીમ દહીંવાલા, વતન: સુરત, અભ્યાસ: ત્રણ ધોરણ સુધી. ૧૯૨૮ માં અમદાવાદમાં અને તે પછી મરણપર્યંત સુરત. વ્યવસાય: દરજીકામ અને જરીભરત. ૧૯૪૨ માં મહાગુજરાત ગઝલ મંડળની સ્થાપના કરી. વિશેષ કાવ્યસંગ્રહો: ગાતાં ઝરણાં, મહેક, મધુરપ, ગનીમત, અને નિરાંત.

લેખક)


સુરતની એક ખૂબસૂરત સાંજ હતી. વર્ષ પાકું યાદ નથી. કદાચ ૧૯૮૩ પણ વાતાવરણ બરાબર યાદ છે.

“જુઓ, ગનીભાઈ.” મેં શાયર ગની ને કહ્યું હતું : “તમારા વિષે મેં જે ‘ઝબકાર’ લખ્યું છે તે વાંચો….” એમણે કહ્યું હતું : “ઈર્શાદ.”

*******

કુંભમેળાના શોરબકોર વચ્ચે બાળક અબ્દુલગનીને એક સાધુએ પૂછ્યું  : “બચ્ચે, માલપૂઆ ખાયેગા?”

“જી, હાં.”

“ઔર શરબત પિયેગા ?”

“જી, હાં.”

“ઔર હાથી પર બૈઠેગા?”

અબ્દુલગનીએ આ વખતે જવાબ ન આપ્યો. પાંખની જેમ હાથ પહોળા કર્યા. સાધુએ એને ઊંચકી લીધો અને સૂંઢ ઝુલાવતા હાથી પર બેસાર્યો.

બાળક જ્યારે હાથી ઉપર કુંભમેળામાં ફરતો હતો ત્યારે એના પિતા અબ્દુલકરીમ આ ધાંધલધમાલ વચ્ચે ચોપડા વહીખાતાં ખોલીને બેઠા હતા. ઉઘરાણીની પતાવટ ચાલતી હતી.

“અરે…. અરે… આ ગયા.” એક સાધુ દૂરથી અબ્દુલકરીમને જોઈને ગમ્મત કરતો કરતો હાથમાં ધજા લઈને દોડતો ચાલતો હતો : “કુંભ કે મેલે મેં મુસલમાન આ ગયા. મક્કા મેં હિંદુ આ ગયા….” નજીક આવીને એણે શ્વાસ ખાઈને પૂછ્યું, “અરે અબ્દુલભાઈ, મેરે ગુરુભાઈ જમનાગિરી ને પિછલે સાલ તુમ કો ખત લિખા થા. ઉસકો પતા માલૂમ નહીં થા. સિરફ ઈતના લિખા થા – નિશાનભરિયા, સુરત,–ખત મિલ ગયા થા ક્યા?”

“મિલ ગયા થા,” અબ્દુલકરીમ મીઠું હસીને બોલ્યા: “પૂરે સુરત મેં નિશાનભરિયા મેં એક હી હૂં… ક્યું નહીં મિલેગા?”

એક સાધુએ ચલમનો મોટો દમ મારીને કહ્યું : “અગલે સાલ મુઝે ભી નયા નિશાન જરિયન કપડે પર ભર દેના. અબ્દુલભાઈ, એક તરફ સૂર્યનારાયણ દૂસરી તરફ હનુમાનજી… ભર દેંગે ના ?”

“ક્યું નહીં ભરેંગે ?” જવાબમાં એક કોમળ સ્વર આવ્યો. બાળક અબ્દુલગની હાથી પરથી ઊતરીને નીચે આવી ગયો હતો. બોલ્યો: “હમારા પેશા હૈ.”

સોળ સાધુઓ એકસામટા હસી પડ્યા : “લડકા બડા હોનહાર હૈ. અબ્દુલભાઈ, આપ ઉસકો ભી યહી જરદોસકા (જરીભરતનું) કામ સિખાઈયેગા.”

“ક્યા બતાઉં ?” અબ્દુલકરીમ  બોલ્યા : “ઈતની ઉંમર મેં વહ બડે કારીગર સે ભી જ્યાદા કામ કરતા હૈ. મદ્રેસા જાતા હૈ ફિર ભી દો-ચાર ઘંટે મેં સવા રૂપયે કા કામ કરતા હૈ – હાલાંકિ બડે કારીગર પૂરે દિન મેં એક રૂપયે કા કામ કરતે હૈ.”

“અરે અબ્દુલકરીમભાઈ,” એક બાબાજીએ પૂછ્યું : “કામ તો આપ યું જરદૌસ કા કરતે હૈં – મગર  દહીવાલા ક્યું કહલવાતે હો ?”

“બાત ઐસી હૈ, ગંગાગિરીજી,” ચોપડો બંધ કરીને અને બાળકોને પ્યારથી નજીક ખેંચીને એ બોલ્યા : “હમારે ધર્મગુરુ મુલ્લાજીસાહેબ કે બેટેકી શાદી મેં એક મહીને તક દાવતે ચલી થી. ઉસ મેં મેરે પિતાજીને દહીં કા સારા ઈંતઝામ કિયા થા. વો લોગ ઈતને ખુશ હુએ કિ હમારા નામ દહીવાલા રખ દિયા. ઔર હમ જિસ કિરાયે કે મકાન મેં રહતે થે, વો હમકો બક્ષિસ કર દિયા.”

“કિસ વક્ત કી બાત હૈ ?”

“સન ૧૮૪૦ મેં હમેં યે મકાન મિલા થા.”

સુરતના ગોપીપુરામાં આવેલું, આમ ચાર ગાળાનું ગણાય એવું મકાન ખરેખર મકાન નહીં, પણ ટટ્ટીઓનું બનાવેલું ઘર હતું. છાપરુંય કહેવાય. આમાં જ અબ્દુલકરીમ ઉર્ફે નિશાનભરિયાનું જરીભરતનું કારખાનું ચાલતું હતું. એમાં જ અબ્દુલગની અને એ ઉપરાંત એમના બીજા પુત્રોનો જન્મ થયો હતો. હિંદુસ્તાનના ખૂણેખૂણેથી સાધુસંતો એમની પાસે નિશાન (ધજા) ભરાવવા આવતા. આ જ મકાનમાં અબ્દુલગની એટલે કે ગનીભાઈ દહીંવાળા બાળપણથી જ જરીભરતના કામમાં જોતરાઈ ગયા હતા.

જો કે, સાત વરસની ઉંમરે ગનીભાઈ ઉર્દૂ શાળામાં દાખલ તો થઈ ગયા હતા, અને ત્યાં એમના ઉસ્તાદ મુનશી ગુલામ રસુલ પાસે એમણે ઉર્દૂના વિખ્યાત વિખ્યાત કવિ અમીર મીનાઈનો કવિતાસંગ્રહ જોઈ લીધો હતો. સાત વરસની ઉંમરે એમને ગઝલો સમજાતી નહીં હોય – પણ ગમતી જરૂર હતી. સમજાય નહીં છતાં ગમે, તો એનો સંબંધ બુદ્ધિ સાથે નહીં, હૃદય સાથે હોવો જોઈએ. સુરતમાં જ લાલ દરવાજા પાસે ગુંદી શેરીમાં ગનીભાઈનાં નાની રહેતાં હતાં અને ભેંસો રાખીને દૂધ વેચતાં હતાં. ગુજરાતી ભાષાની કહેવતો એમની જીભને ટેરવે હતી. ગનીભાઈનાં માને આ વારસો મળ્યો હતો. ગનીભાઈ એક વાર ઘેર મોડા પહોંચ્યા હશે ત્યાં એમનાથી બોલાઈ ગયું – “અરે, તું ક્યાં હતો અત્યાર સુધી? મારો તો જીવ પડીકે બંધાઈ ગયો હતો.”

“પડીકે બંધાઈ ગયો હતો એટલે શું, અમ્મા ?” ગનીભાઈએ પૂછ્યું.

“આ જીવ એ આપણો નથી, બેટા.” માતાએ કહ્યું : “અલ્લાની માલેકીનો છે.પડીકું વાળીને, સંભાળીને એને પાછો સોંપી દેવાની તૈયારી હતી – ત્યાં તું આવી ગયો. પડીકું છૂટી ગયું.”

ગનીભાઈને શબ્દોનું જ્ઞાન ઊગતું જતું હતું. એમના મનમાં પંક્તિ જાગી : “વાણોતર તું ઈશ્વરના, લઈ જા પડીકું.”

પણ આ બધું તો ઘડી બે ઘડી, બાકી તો પાછું જરી, જરીભરતના કામમાં પરોવાઈ જવું પડતું. આંખો ખેંચવી પડતી. તૂટી જવું પડતું સાંજ થતાંમાં તો.

પિતા અબ્દુલકરીમને કોઈએ કહ્યું : “અબ્દુલકરીમ, તમે ઘરના કામમાં જોતરીને છોકરાની જિંદગી કાં બગાડો ?”

બાપના મનમાં ઊંધું ઊગ્યું – એમને થયું કે વાત સાચી. પારકી મા કાન વીંધે. છોકરાને પારકાને ત્યાં કામ શીખવા મૂકવો જોઈએ.

વારંવાર સત્યાગ્રહની શિશુસેનામાં દોડી જતા અને એ વખતે જેમનો મધ્યાહ્ન તપતો તેવા માસ્ટર વસંતના દેશદાઝથી પ્રજ્વલિત ગીતો જેના મોંમાં રમતાં હતાં એવા છોકરાને ઉઠાડીને એમણે પારકાના કારખાનામાં કામે મૂક્યો. સવારથી સાંજ સુધી કામ. ભણવાનું છૂટી ગયું, પણ મિત્રો છૂટ્યા નહોતા. એવા જ એક મિત્ર સાથે ગનીભાઈને ફિલ્મ જોવાનું મન થયું. સાંજે કામ પત્યે મુનીમ પાસે પૈસા માગ્યા તો માત્ર આઠ જ આના, પણ મુનીમે એ આઠ આનાના પેમેન્ટ માટે પગથિયા શેરીમાં રહેતા શેઠ ઉપર ચિઠ્ઠી લખી આપી. ફિલ્મનું મોડું થતું હતું, છતાં ગનીભાઈ ગયા, ચિઠ્ઠી ધરી અને આઠ આના માગ્યા. ધારી ધારીને શેઠે એના સામે જોયું અને કહ્યું : “ગની,આ માંચડા ઉપર ચડી જા. આ બે ગાડી ઘાસ છે એ માંચડામાં ભરી દે જોઉં. હમણા આઠ આના આપું છું.”

એ આઠ આના માટે બે કલાક મજૂરી કરીને બરડો તૂટી ગયો ત્યારે આઠ આના મળ્યા. ફિલ્મ પૂરી થવા આવી હતી. મિત્ર નારાજ થઈને જતો રહ્યો હતો.

એમની આંખ આ કાળી મજૂરી જોઈને પહોળી થઈ ગઈ. ઘેર જઈને ચોધાર આંસુએ રડ્યા. “મને આ કામ છોડાવો.  બીજો ધંધો કરવા દો.”

મોટાભાઈ આગળ આવ્યા. એમને દયા આવી ગઈ હતી. “એને મારી દરજીકામની દુકાને આવવા દો. હું એને શીખવીશ દરજીકામ.”

ગનીભાઈના જીવનનો બીજો તબક્કો : સાંજ સુધી દરજીકામ કરે અને સાંજ પડ્યે મજુરીના બે પૈસા મળે.

અંદર દિલમાં ઊથલપાથલ અને દેશમાં બહાર ઊથલપાથલ ચાલતી હતી. દેશમાં આકાશે ગાંધીજી-સુભાષબાબુ-નેહરુ તપતા હતા. ગનીભાઈ સવારે પ્રભાતફેરીમાં જાય, દિવસે કપડાં વેતરે, સાંજે સભાસરઘસોમાં જાય, રાતે કવિતા કરે. કેવી કવિતા?

                 દુષ્ટ પાપીઓના અત્યાચારથી ડરતા નથી,
                તોપ કે બંદૂક ગોળીબારથી ડરતા નથી.

આ કદાચ એમની પહેલી ગઝલ હતી, પણ પછી સરવાણી ફૂટી. કવિતાઓ લખી લખીને પ્રભાતફેરીઓમાં ગવડાવવાનું શરૂ કર્યું. દરજીકામ કરતાં કરતાં માસિક ત્રીસ રૂપિયા પગાર તો થયો, પણ હાથ કાતર નહીં, કલમ માગતા હતા. પેટનો તકાજો કલમને નહીં, કાતરને અનુકૂળ હતો.

૧૯૨૮માં અમદાવાદ ચાલ્યા આવ્યા. કાળુપુર ટાવર પાસે સુરતી બ્રધર્સના નામે દરજીકામની દુકાન કરી, ભાઈ સાથે. સરસ ચાલતી હતી, ત્યાં સુરતથી અમ્માને અમદાવાદ બોલાવ્યાં, માત્ર અમદાવાદ જોવા માટે. પણ અમ્મા અમદાવાદ શું જોશે ? એમણે અમદાવાદની સડકો પર એસ.આર.પી. અને મિલિટરીવાળાઓની ભયનો સંકેત આપતી ક્વાયતો જોઈ. દાંડીકૂચના દિવસોની સાથોસાથ તાબૂતના દિવસો શરૂ થતા હતા. લોકો ભયના ઓથાર નીચે જીવતા હતા. માનું દિલ દુઃખી તો હતું જ. એમણે એક છોકરાને પ્લેગમાં ખોયો હતો. બીજા બેને ખોવાની તૈયારી નહોતી. એમને સુરત વળાવતી વખતે અમદાવાદ સ્ટેશને મૂકવા આવેલા ગનીભાઈના ડબ્બાની બારીએ મુકાયેલા હાથ પર એ માથું મૂકીને ચોધાર રડ્યાં. ગનીભાઈ માતાને સમજાવી શક્યા હોત, પણ એમણે પોતાના હૃદયને સમજાવ્યું. એ જ ઘડીએ બીબીને લઈને એ અમ્માની તસલ્લી ખાતર ગાડીમાં બેસી ગયા. પાછા સુરતની ગલીઓમાં.

ફરી પેટનો તકાજો શરૂ થયો. અમદાવાદમાં માંડમાંડ શેઠ બન્યા હતા તે ગનીભાઈ પાછા સુરતમાં ત્રીસ રૂપિયાના પગારે દરજીની નોકરીએ કારીગર રહ્યા. ચળવળમાં ભાગ લેવાનું ચાલુ હતું. કવિતાને હૃદયના ખૂણે થાબડી-થાબડીને છાની રાખી હતી. મીઠો કંઠ હતો એટલે સંગીતની તમન્ના હતી, પણ કવિતા સંગીત ઉપર હાવી થઈ જ ગઈ.

સાત વર્ષ નોકરી કર્યા પછી શેઠની બાજુની દુકાનમાં એક વૉશિંગ કંપનીવાળા સાથે ભાડાની દુકાન રાખીને દરજીકામ શરૂ કર્યું. નાગરો-બ્રાહ્મણો-કાયસ્થો દુકાને આવતા થયા. દિવસે જે પાટલા ઉપર કાપડ વેતરાતું એ પાટલા ઉપર રાતે કવિતાની ગોષ્ઠી ચાલતી. શેરો કહેવાતા. દાદ મેળવાતી.

પણ દેશભક્તિનો રંગ છૂટ્યો નહોતો. ૧૯૩૯ની સાલમાં સુભાષબાબુ સુરત આવ્યા ત્યારે લઘરવઘર ગની એમને ગોપીપુરામાં પધારવાનું આમંત્રણ આપવા ગયા. વેશ જોઈને સુભાષબાબુ ના પાડવા જતા હતા, ત્યાં એમણે ગનીભાઈની આંખોમાં ચમક જોઈ, આતશ જોયો. માની ગયા.

સુભાષબાબુ ગોપીપુરા ઝવેરી બજારમાં આવે છે એ કોણ માને ? પણ જ્યારે કોશ લઈને ગનીભાઈ પોતે મંડપ માટે ખાડો ખોદવા બેઠા અને એમના વૉશિંગ કંપનીવાળા મિત્રે લાલ મધરાસી ઉપર જબરદસ્ત ચિત્ર બનાવ્યું, ત્યારે ઝવેરી બજારના શેઠિયાઓને માનવું પડ્યું. ઝપાટામાં એમણે ભંડોળ ઊભું કર્યું અને મંડપને સાચા જરઝવેરાતથી શણગાર્યો. સુભાષબાબુ દંગ થઈ ગયા.

(રજનીકુમાર પંડ્યા પર આવેલું ગની દહીંવાલાનું પોસ્ટકાર્ડ)

 

પૂરાં પચ્ચીસ વર્ષ ગની  નામના દરજી તરીકે મિત્રો પણ કપડાં સિવવા ન નાખે એવા સામાન્ય કારીગર છતાં કવિ તરીકે બહુ ઉત્કૃષ્ટ એવા આ માણસે દરજીકામની દુકાન ચલાવી. શાયર તરીકેની નામનાએ એમને માટે દરજીકામની પણ ખોટ ન રહેવા દીધી. “મારો આ ઝભ્ભો મશહુર શાયર ગનીએ પોતાના હાથે સિવ્યો છે.” એમ બોલતાં બોલતાં, ઓશીકાના ગલેફ જેવી સિલાઈ પણ ગ્રાહક પચાવી જતો. એમને ખાતર જ કાતર અને કલમે પરસ્પર સમાધાન સાધ્યું. ગઝલ, ગીત અને કવિતા સંપીને ગની દહીંવાલા ઉપર ત્રૂઠ્યાં. ૧૯૫૨ માં પહેલા સંગ્રહ “ગાતાં ઝરણાં”ની પ્રસ્તાવના ઉમાશંકર જોશીએ લખી. બીજો સંગ્રહ “મહેક” ૧૯૬૧ માં આપ્યો. એમાં આમુખ સાક્ષરવર્ય વિષ્ણુપ્રસાદ ત્રિવેદીએ લખ્યો. “દિવસો જુદાઈના” જેવી ગઝલ મોહમ્મદ રફીએ ગાઈ. એની રેકોર્ડ થઈ. પુરુષોત્તમ ઉપાધ્યાયે એની તર્જ બાંધી હતી. હતી. પછી બીજા ગાયકોએ પણ એમની ગઝલો ગાઈ. પંડિત ઓમકારનાથ ઠાકુરે એમના ”હૈયું ઠાલવવું છે મારે” એ ગીતને પોતાનો કંઠ આપ્યો. એ પછી પણ “ગનીમત” અને “નિરાંત”( ૧૯૭૨) નામના સંગ્રહ પ્રગટ થયા. એમનો ૧૯૭૧ માં “મધુરપ” સંગ્રહ પ્રગટ થયો હતો.

(ગની દહીંવાલાના હસ્તાક્ષરમાં એમની પ્રસિદ્ધ ગઝલ)

મેં લખેલું આટલું સાંભળીને એમણે સ્મિત કર્યું –કહ્યું : “બરાબર છે, રજનીકુમાર, તમે આપણા ઈન્ટરવ્યૂ પ્રમાણે બરાબર લખ્યું છે.”

એ પછી એ “પણ…” શબ્દ ન બોલ્યા, પણ મને લાગ્યું કે એ એમના બંધ હોઠમાં જ રહી ગયો. એમના હોઠ પાતળા અને ગુલાબી હતા. સુંદર સ્ત્રીના જ હોઈ શકે. પણ એક નરમદિલ  શાયરની છબીને પણ ઉઠાવ આપે એવા-હું જોઈ રહ્યો – કદાચ એમાંથી કોઈ નવી વાત બહાર પડે. એમણે હોઠ બોલવાની મુદ્રામાં ખોલ્યા ને પછી એની પર લીંબુપાણીના ગ્લાસની કિનારી મૂકી દીધી.

એ એમનું પીણું હતું. બહુ બહુ તો ગોલ્ડસ્પોટ કે થમ્સઅપ. અમે સોનેરી પીણું પીતા (હવે મેં છોડી દીધું છે, અલબત્ત), પણ એમને એ કદી લલચાવતું નહીં, મહેફિલમાં રંગત આવી હોય ત્યારે પણ નહીં. રમણ પાઠક, જયંત પાઠક, હું, ચંદ્રકાંત પુરોહિત, ભૂપેન્દ્ર દેસાઈ, સરોજ પાઠક તો હોય જ. ડૉ. પ્રવીણભાઈ અને ડૉ. માલતીબહેન પણ આવે જ. કોઈ પણ કશી બળજબરી ન કરતું. કોઈ પાણીનો ગ્લાસ પી લે તો કોઈ મારી કે રમણ પાઠક જેવો થોડું ઝૂમી લે, પણ ગનીભાઈ સન્નારીઓ વચ્ચે એમના મલાજાદાર ચોકામાં જઈને બેસતા, અને પછી બે ચોકા વચ્ચે આવ-જા કર્યા કરતા.

એમણે લીંબુપાણી પીધું અને પછી મારા તરફથી મોં ફેરવીને ડૉ. માલતીબહેન જોડે કશીક વાતો કરવા માંડ્યા.

“ડોસા બોલ્યા નહીં.” મેં ચંદ્રકાંત પુરોહિત (ગુજરાતમિત્ર)ને કહ્યું : “હું ઝીલવા તત્પર હતો તોય…”

“તમે એમની મુલાકાત લીધી, પણ કદાચ એમના મનોપાતાળ સુધી નહીં પહોંચ્યા હો.” ચંદ્રકાંત પુરોહિત બોલ્યા : “એમ હોય તો જ એવું લાગે.”

“મનોપાતાળમાં શું હોય ?”

“તમારા મનોપાતાળમાં શું છે ?”

ક્ષણભરને માટે મેં અંદર ઊતરીને ખાંખાંખોળાં કર્યા – બહુ ભૂલા પડી જવાય એવું હતું. એટલા બધા ચાસ એમાં હતા. મેં એમાં ઘણું બધું ઉગાડ્યું હતું, પણ બધો પાક ખળામાં જાહેરમાં ઠાલવવા જેવો ન હતો. ક્યાંક આંબા હતા તો ક્યાંક થોર. હું તરત જ સપાટી પર આવી ગયો. બોલ્યો: “એમાં ઘણી કામનાઓ પડી છે, પણ એ બધી કહેવાય તેવી નથી. પુરુષ તરીકે કાંઈક વાસનાઓ છે. નોકરિયાત તરીકે ઘણી છે. લેખક-પત્રકાર તરીકે બહુ લાંબી ડાંફની છે. સંસારી તરીકે, પતિ તરીકે, પિતા તરીકે, મિત્ર તરીકે, મિત્ર પાસેથી ઘણી બધી કામનાઓ પાતાળલોકમાં ઊગી છે. એ બધી ફળીભૂત થાય તો તો મોટો હાહાકાર થઈ જાય. ઘણી આડખીલીઓનો સંહાર થાય તો જ એ પરિપૂર્ણ બને.”

“લેખક તરીકેની જ બોલો ને !”

“આપણે ગનીભાઈની વાત કરીએ છીએ. એ મારા કરતાં ઘણા બધા ઊંચા ગણાય. ઓલિયા ગણાય. મારો વાદ એમની સાથે ન હોય.”

“ઓલિયાને પણ પીર થવાની મનશા હોય.” ચંદ્રકાંત પુરોહિત બોલ્યા: “ગનીભાઈની મુલાકાત લીધી, પણ મનશાને વાંચી શક્યા નહીં તમે.”

‘તમને એમણે કહી છે ?”

“એ કહે તેવા નથી. પણ કહેલું સાંભળે તેને કાન કહેવાય. માંહ્યલું સાંભળે તેને દિલ કહેવાય. અમે સાંભળ્યું છે – સુરતમાં રહીએ ને ! બહુ નજીકથી નિદાનની તક મળે.”

“બોલો.” મેં કહ્યું :”નિદાન બોલો.”

 

(ડાબેથી: ગની દહીંવાલા, રવીન્દ્ર પારેખ અને એક મિત્ર)

“ગનીમત’ અને ‘નિરાંત’ પછી એમના કોઈ કાવ્યસંગ્રહો બહાર પડ્યા? ના. બહુ લાંબો ગાળો પડી ગયો. એમાં એમને ઉપેક્ષા દેખાય છે, પોતાની જ નહીં, પણ પરંપરાગત ગઝલની. એમનું મન ઉદાસ રહ્યા કરે છે. આજ ઘણાં વરસથી જૂનીનવી ગઝલો વચ્ચે ઘરડી અમ્મા અને જોરાવર બેટી જેવો સંઘર્ષ ચાલ્યા કરે છે. ગનીભાઈમાં આધુનિકતાનાં તમામ શ્રેષ્ઠ લક્ષણો મોજુદ છે, પણ એમના પર જુનવાણીનું લેબલ લાગી ગયું છે. પરિણામે એક પણ નવો સંગ્રહ એમનો બહાર પડી શક્યો નથી. અરે, બીજી વાત. આટલા મોટા કવિનું એકે પુસ્તક પાઠ્યપુસ્તક તરીકે પણ ક્યાંય નહીં ? નહીં તો એમના નખ જેવા અને જેવડા ગણાય એવા કવિઓએ યુનિવર્સિટીઓ કબજે કરી છે. ભલે એ મોંએથી એકે અક્ષર બોલે નહીં, પણ એમની આંખોમાં, વાતોમાં,ચહેરાની રેખાઓમાં આ બધું અંકાઈ આવતું હોય છે.”

“પણ વગર ભણ્યે પંડિત એવા ફિલસૂફીથી ભર્યાભર્યા કવિને આવાં દુઃખ સ્પર્શે ?”

“ફિલસૂફ પણ આખરે વસે છે તો માણસના જ ખોળિયામાં અને ખોળિયાના દેહધર્મોની જેમ મનધર્મો પણ એને વળગેલા હોય.” ચંદ્રકાંત પુરોહિત બોલ્યા. બહુ સમજવા જેવું બોલતા હતા. ગનીભાઈની છબી પરથી જાણે કે લાગેલી ઝીણી રજોટી લૂછી આપતા હતા. છબી તો હતી જ, વધુ સ્પષ્ટ થતી હતી અને એથી વધુ વાસ્તવિક લાગતી હતી. ચંદ્રકાંત પુરોહિત બોલ્યા : “ભલે અંતે રાજ તો અંદરનો ફિલસૂફ જ કરે, પણ પેલાં નાનામોટાં સ્વાભાવિક દુઃખસુખ પણ વારંવાર ઉપદ્રવ તો કર્યા જ કરે. બસ, એટલું તો થાય કે એ એની પાસે કોઈ પ્રપંચ ન કરાવે, જેમ બીજા કરે.”

મને યાદ આવ્યું. લેખકો, કવિઓ સાથે મારો સહધર્મીનો નાતો છે. મેં ઘણાંને બહુ નજીકથી, ચામડીથી પણ નીચે જોયા હતા, જોઈ લીધા હતા. મારી જાતને પણ વારંવાર જોઈ હતી. એક મોટામાં મોટા કવિને મેં સાહિત્ય પરિષદના સમારંભના બુફેના ટેબલ પર સહેજસાજ કોઈને કોણી મારીને જગ્યા કરતા જોયા છે. એ કવિએ સાહિત્યની દુનિયામાં જગ્યા મેળવવા માટે શું કોણીઓ નહીં મારી હોય ? મેં પણ કોઈ સમારંભમાં આગળની મળેલી સારી જગ્યા ન જાય તે માટે કોઈનાં ચશ્માંને જગ્યા પર મૂકવાની દરખાસ્ત કરી છે; ત્યારે થયું મેં પણ શું ક્યાંક મને મળેલા પદને ટકાવવા માટે એવા તેવા નાનામોટા પેંતરા નહીં કર્યા હોય ? પણ બસ, ગનીભાઈમાં અને અમારામાં અહીં જ ફેર હતો. એક ગનીભાઈને એવા જોયા,એ સિવાય બીજા કોઈને ભાગ્યે જ એવા જોયા હશે કે જે મનમાં થતા સુખદુઃખના ઉપદ્રવને શમાવવા માટે નાનાવિધ પેરવીઓ ન કરતા હોય. ગનીભાઈએ એમના સ્વાગતસમારંભ માટે, ષષ્ટિપૂર્તિ માટે, નવા સંગ્રહ માટે, નવી ગઝલના માંધાતાઓમાંથી પોતાની પ્રશંસાખંડણી ઉઘરાવવા માટે કે ત્યાં કોણી મારવા માટે, સંગ્રહને પાઠ્યપુસ્તક બનાવવા માટે કદી કોઈ ઈલ્ટીગિલ્ટી ન કરી. પણ એનો અર્થ એમ નહીં કે એમને એ ઉપેક્ષાનો રંજ નહોતો. બહુ બારીક ભેદરેખા છે આ –ચંદ્રકાંત પુરોહિતે એ કહી એટલે મારા મનમાં ઊગી. રંજ હતો, પણ એને શમાવવા માટેનો પ્રપંચ એમનામાં ન મળે.

પણ એ સાથે જ રિફ્લેક્સ એક્શન જેવો એક પ્રશ્ન મારા દિમાગમાં ઊઠ્યો, તે એ કે તમે આ જાણો છો તો પછી એનું નિવારણ કેમ કરતા નથી ? લાંબા સ્વરે તમે એની વાત કરો ને હું “હા આ… હો…!” કહીને હોંકારો ભણું તેથી ગનીનું શું સાજું થયું ? આ તો આખો મનોમંથનનો સંચો છે. એમાંથી શું પેદા થવાનું હતું ? તમે લોકોએ અઠ્યોતેરમા વર્ષે એમનો સિત્તેરમા વર્ષમાં પ્રવેશ ઊજવ્યો અને “શ્વાસ-ઉચ્છવાસ” નામનો અભિનંદનગ્રંથ બહાર પાડ્યો. એ ચોપડી પણ નર્યો પ્રશંસાપુંજ ન બની રહેતાં સાહિત્યિક ગુણવત્તાવાળી બની રહી. અર્ધામાં પ્રાસંગિક સંસ્મરણલેખો અને અર્ધામાં એમની કવિતા. મજાનું મજાનું. એક અમરેલીને બાદ કરતાં બીજું કોઈ ગામ ગામના સાહિત્યિકને કે પોતાના ગામના સારસ્વતને આ રીતે સન્માનતું નથી. પણ ગમે તેમ તોય એ ગનીભાઈનું રેગ્યુલર પ્રકાશન નથી. એમાં સુરતની માયા વરતાય –પણ ગુજરાતી વાચકો-પ્રકાશકોની ઉદાસીનતા એનાથી ઢાંકી ન ઢંકાય.

**** **** ****

ફરી એક એવી જ મહેફિલમાં ગનીભાઈ અને મારી વચ્ચે ચર્ચા ચાલી. ઈકબાલની વાત થતી હતી. મહેફિલ રંગમાં હતી એટલે અમે જરા દૂર જઈને બેઠા. ડૉ. પ્રવીણભાઈ અને માલતીબહેનની મહેમાનનવાઝીનું શું પૂછવું ? શુદ્ધ અને સાત્ત્વિક એવી એક બેઠકમાં તેઓ વારંવાર આવીને અમારી સામે કાજુ-બદામ-કિસમિસ ધરી જતાં હતાં. અમે વાતોમાં એવા મશગૂલ કે ઘણી વાર તો એમનાં સંતાનો સ્નેહલ કે રૂપલ હાથમાં પ્લેટ ધરીને ઊભા હોય, છતાં મારું કે ગનીભાઈનું ધ્યાન ન હોય. એવામાં વળી વારંવાર ચંદ્રકાંત પુરોહિતને સાયગલનાં ગીતો ગાવાની ચાનક ચડે. બહુ જ સુંદર શરૂઆત કરે. “દુનિયા રંગરંગીલી બાબા, દુનિયા રંગ…” પણ આગળનો “રંગીલી” શબ્દ એમને કોઈ બોલવા જ ન દે. મહેફિલના શોરબકોરમાં એમનું ગાન વિખરાઈ જાય. લોકો કસમયે તાળી પાડે, તો કોઈ પાદપૂર્તિ કરે – આગળનો અંતરો “અહાહા,અહાહા.” કહીને ગાવા માંડે. બીજા ગીતની ફરમાઈશ ત્રીજાને થાય, ને ચોથો કોઈ પાંચમું ગીત ગાવા માંડે. છઠ્ઠો માણસ ડોકી ધુણાવે ને સાતમો એના સાથળ પર તાલ આપે. આઠમો જણ ત્રાડ પાડે, ને પછી બીજી સેકંડે ગદગદ થઈને છેક જમીન પર બેસી પડે. કારણ કે એને આ શબ્દવંટોળમાંથી કોઈક શબ્દે જખમ પર ઉઝરડો પાડી દીધો હોય. સોનેરી પાણીના આ બધા પરચા.

આવા વાતાવરણમાં મારે અને ગનીભાઈને એક શબ્દ પર ચર્ચા જામી. “ગુરબતમેં હોં અગર હમ, રહતા હૈ દિલ વતન મેં” પંક્તિમાં “ગુરબત”એટલે “ગરીબાઈ”- એમણે કહ્યું.

“હું કંઈ તમારી જેમ ઉર્દૂનો જાણકાર નથી.” મેં કહ્યું : “ભણવામાં આવતું હતું એટલું જાણું. ગુરબત એટલે પરદેશ…”

“કેવી રીતે ?” એમણે ‘ગોલ્ડ સ્પોટ’ની સિપ લીધી – પછી ઉર્દૂમાં આવી ગયા : “કૈસે? કોઈ તુક ? કોઈ ગ્રામર ?”

“ના.” મેં કહ્યું : “એવા તો ઘણા શબ્દો હોય છે. જેમ કે ગુજરાતીમાં જોખમ – જોખમ એટલે રિસ્ક…. પણ બીજો અર્થ “જોખમ”નો ધન એવો પણ થાય. કારણ ? કારણ કે ધનની સાચવણી જોખમી ગણાય, એટલે જોખમ એટલે સીધું ધન જ એવું સમીકરણ થઈ ગયું. એવી રીતે પ્રજ્ઞાચક્ષુ એટલે અંધ – એમાં શબ્દકોશની રીતે ક્યાં મેળ પડે ? ખુદાબક્ષ એટલે વગર ટિકિટનો મુસાફર- એમાં શાબ્દિક સમીકરણો ક્યાં ? એમ જ વિદેશમાં માણસ બેહાલ રખડતો હોય, ગરીબ હોય એટલે ગરીબાઈ – ગુરબત એટલે વિદેશવાસ એવો અર્થ થતો હોય, રૂઢ થઈ ગયો હોય કોઈ એવા ‘જે જાય જાવે (જાવા), તે કદી ન પાછો આવે’ એવા યુગમાં. પછી રહી ગયો હોય.”

“સોચૂંગા.”એમણે કહ્યું : “કિતાબ દેખની પડેગી.”

એ જ વખતે ટાઈની ગાંઠને સરખી કરતાં કરતાં રમણ પાઠક ત્યાં આવી ચડ્યા. શબ્દશાસ્ત્રના નિષ્ણાત, પણ કદી એ અનધિકૃત ચેષ્ટા ન કરે. અમે એમને આમાં પાડ્યા તો કહે કે ઉર્દૂ શબ્દો વિષે, ફારસી વિષે, અરબી વિષે હું કંઈ ન બોલું. કારણ કે એમાં મારી કોઈ જાણકારી નથી. પણ –એમણે આનંદથી ઉન્માદ પેયનો એક લોભામણો ઘૂંટડો ભરીને કહ્યું : “તમે તે દહાડે મે’ણું મારતા હતા ને, તો એ ભાંગ્યું છે તેની જાણકારી આપવા આવ્યો છું.” વાત કરી તેમણે. ખરેખર સાચી હોય તો (રમણ પાઠક કહે એટલે સાચી હોય જ) સ્વાગતને લાયક વાત. કઈ ? ગુજરાતમાં અમદાવાદમાં જુમ્મા મસ્જિદ સામે, ગાંધી રોડ પરનો આદર્શ પ્રકાશન નામનો ભડવીર પ્રકાશક તૈયાર થયો હતો. કૃષ્ણકાંત અને કમલેશ મદ્રાસી નામના એના માલિકોએ ગનીનાં કાવ્યોનું સંપાદન રમણ પાઠક અને સરોજ પાઠકને સોંપ્યું હતું. કવિ ડૉ. જયંત પાઠક પ્રસ્તાવના લખે;  એમ નક્કી થયું હતું. એમાં એમનાં વિવિધ અલભ્ય સંગ્રહોનાં શ્રેષ્ઠ કાવ્યો લેવાના હતાં. એની તડામાર તૈયારી ચાલતી હતી.

ગનીભાઈ નિર્લેપભાવે એ એમનીમળી ચૂકેલી જાણકારીને મને કહેવાતી ફરી વાર સાંભળી રહ્યા. એમના ચહેરા પર ભલે મુગ્ધ કવિની છલકાઉ પ્રસન્નતા નહોતી, પણ આનંદની- સંતોષની ઝાંય તો આવી જ ગઈ.

એ ક્ષણે મને થયું કે કવિએ – કલાકારે જન્મવા માટે નિયતિ પાસે સારું ગામ માગવું જોઈએ. સારી કલાકૃતિ સારા શોકેસમાં જ મુકાવી જોઈએ. નહીંતર એનાં વિવિધપરિણામો બહાર ન આવે. હીરો તો બહાર રહીને જ હીરા તરીકે ઝગમગવાનો જ. પણ એનામાં જો સંવેદનતંત્રી હોય તો સતત એને પીડા રહ્યા કરવાની કે ખાણમાં એની કોઈ જ કિંમત નહોતી.

વર્ષો પહેલાં મેં જૂનાગઢના એક ચિત્રકાર કલાકાર જમનાદાસ પુરોહિત વિષે “ઝબકાર” લખ્યો હતો. એનું શીર્ષક હતું, “આવતે વર્ષે હું રોમમાં જન્મીશ.” એ એમનું જ વાક્ય હતું. પણ મારા માટે “થીમ” બની ગયું. પંકજ ઉધાસે એક વાર મારી સાથેની વાતચીતમાં જેતપુર તરફની પીડા વ્યક્ત કરી હતી. (જેતપુર અમારા બન્નેની જન્મભૂમિ છે.) એ ઉમદા માણસ તો કદી ન બોલે. શું કામે બોલે? એમને આખા વિશ્વના ગઝલચાહકો ચાહે છે – એ આખા દેશમાં છૂટે હાથે વરસે છે. શું જેતપુર એમને યાદ નહીં આવતું હોય ? પણ જેતપુર ક્યાં એમને યાદ કરે છે ? જેતપુરવાસીઓને અનેક પ્રકારના “યજ્ઞો” કરવાનું સૂઝે છે, પણ એની જ ધરતી પર જન્મીને દુનિયાભરમાં વિસ્તરી જનાર કલાકારને બોલાવીને એનો લાભ લઈને એને સન્માનવાનું સૂઝતું નથી. લેખકની કે કોઈ પણ કલાકારની પીડા આ હોય છે.

ક્યારેક એમ પણ થાય છે કે ચં.ચી. ગુજરાતને બદલે ઉત્તર ભારતમાં જન્મ્યા હોત તો ! જયંત ખત્રી જેવો વાર્તાકાર રશિયામાં જન્મ્યો હોત – મોહમ્મદ માંકડ જેવો સમર્થ લેખક ફ્રાન્સમાં પેદા થયો હોત !

વિચાર આવ્યો, પણ પછી બુઝાઈ ગયો. નિરર્થક હોય છે આમ વિચારવું. મેં રમણ પાઠક સામે સ્મિત કર્યું. એમને પણ તાર પહોંચ્યો હશે. એમણે બીજી વાતો શરૂ કરી. એમાં પણ તળિયે તો ચચરાટ જ હતો એક પ્રકારનો. વાત જ એવી હતી – ૧૯૭૧ માં ગુજરાત રાજ્યની દશાબ્દી ઊજવાઈ ત્યારે સુરતમાં એના વિખ્યાત રાષ્ટ્રિય કલાકેન્દ્રના ઉપક્રમે મોટા ઉત્સવનું આયોજન કર્યું હતું. એમાં ગુજરાતદર્શન નામની ગનીભાઈએ તૈયાર કરેલી – લખેલી નૃત્યનાટિકા પેશ કરી, અદભુત હતી. મૂળ તો અઘરામાં અઘરું કામ. પૂરા ગુજરાતની સંસ્કૃતિના આદિથી વર્તમાન પર્યતના બહુરંગી પટને સમેટીને ત્રણ કલાકમાં રજૂ કરવાનો હતો. જેવા તેવાનું કામ નહીં. કોઈ જવાબદારી ઉપાડવા તૈયાર નહીં. ગનીભાઈએ બીડું ઝડપ્યું. સૌરાષ્ટ્રનાં લોકગીતો-લોકકલાથી માંડીને દક્ષિણ ગુજરાતના ખારવાઓ, લગ્નવિધિ, ચોરી, અરે, આદિવાસીઓનાં નૃત્યો અને ઉત્તર ગુજરાતની ભવાઈને પણ એક સૂત્રે પરોવીને એમણે ભવાઈના સ્વરૂપમાં જ આખી નૃત્યનાટિકા રચી આપી. એની ભજવણીમાં વિખ્યાત લેખિકા સરોજ પાઠકે હોંશભેર ભાગ લીધો. રંગલીનું પાત્ર એવું બખૂબી ભજવ્યું કે જોનારા આફ્રીન પોકારી ગયા. જો કે, સરોજબહેન આનંદના એવા ઉદ્રેકમાં છેલ્લે આવી ગયાં કે છેલ્લો પ્રવેશ પૂરો થયા પછી સ્ટેજ પર જ બેહોશ થઈને ઢળી પડ્યાં. દેકારો થઈ ગયો. પ્રેક્ષકોમાંથી ડોક્ટરને બોલાવવાનો પોકાર થયો. કોઈ ડોક્ટર આવ્યા ને સરોજબહેન ફરી સચેત થયાં, પણ નૃત્યનાટિકાની અસરનો જ એ એક ભાગ હતો.

પણ એ નૃત્યનાટિકાને કોઈએ ગ્રંથસ્થ ન કરી, રમણ પાઠકને એનું દુઃખ હતું. જે ફરી એમની શકલ પર છપાઈ ગયું.

એમના એ દુઃખને ભુલાવવા જ ગનીભાઈએ એ વખતે વાત બદલી. કોઈની પેરોડી શરૂ કરી, મિમિક્રી શરૂ કરી, એમાં એ માહેર હતા. કરુણ-મધુર રસનો કવિ આવો હાસ્યરસ પણ ફુવારાની સ્ફૂર્તિથી પ્રસરાવી શકે એ ન મનાય એવી વાત. અરે, પોતાની ગઝલ “ન ધરા સુધી, ન ગગન સુધી, નહીં ઉન્નતિ ન પતન સુધી, અહીં આપણે તો જવું હતું બસ, એકમેકના મન સુધી”ની પણ એ ખુદ પેરોડી (પ્રતિકાવ્ય) કરતા.

એ મહેફિલના માહોલમાંએ એમણે ગઝલના ચમકતા સિતારાઓનું સ્મરણ કર્યું. મનહર ચોકસી, મુકુલ ચોકસી, નયન દેસાઈ, સુશીલા ઝવેરી.

રંજન અને રંજના રંગારંગ શેરડાવાળી એ મહેફિલ પૂરી થઈ ત્યારે સવારના ચાર વાગ્યા હતા.

**** **** ****

ફેબ્રુઆરી ‘૮૭ ના અંતમાં એમણે મોતિયાનું ઑપરેશન કરાવ્યું. એકદમ સફળ થયું. એમના પરમ મિત્ર ડૉ. પ્રવીણભાઈએ કર્યું – કહેવાપણું જ શું હોય ? જેમના હાથે જયંત પાઠક કે એવા બીજા અનેક સાહિત્યકારોના મોતિયાનાં સફળ ઑપરેશનનો થયાં હોય ! ગનીભાઈ પણ ખુશમિજાજમાં હતા. કદાચ એ ખુશીને કારણે જ એ દવાખાનામાં હતા અને એમને હાર્ટ એટેક આવ્યો. ૧૯૮૭ ના માર્ચની પાંચમીએ એ આ ધરાથી ગગન સુધી પહોંચી ગયા. એમની “સ્વજન સુધી” ગઝલના શબ્દો સાચા પડ્યા.

જો હૃદયની આગ વધી “ગની”,
તો ખુદ ઈશ્વરે જ કૃપા કરી,
કોઈ શ્વાસ બંધ કરી ગયું
કે (એનો) પવન ન જાય અગન સુધી.

અથવા

કલાકારે ફના થૈને કૃતિને માતબર રાખી,
જીવનનું ચિત્ર ભૂંસી કોઈની રેખા અમર રાખી.

                                    *************

એમના ગયા પછી એ વૃદ્ધ કવિની બન્ને સુષુપ્ત આકાંક્ષાઓ ફળી. રમણ પાઠક –સરોજ પાઠકે સંપાદન કરેલાં એમનાં કાવ્યોનો સંગ્રહ આદર્શ પ્રકાશન તરફથી બહાર પડયો અને એમનો એ સંગ્રહ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં પાઠ્યપુસ્તક તરીકે જાહેર થયો.

પણ રેવાલ ચાલે અશ્વ દોડી ગયા પછી પાછળથી એના પગલાંની પૂજા ? કરો ! કંઈ ખોટું નથી. બસ જોનારને જરા ચચરાટ થાય કે એકાદી વાર જો ઉંબરાની આ તરફ પણ ફૂલ મૂકી શકાયાં હોત ?

તા.ક.  :  ‘હોય ના વ્યક્તિ ને એનું નામ પડઘાયા કરે.’ એ ગનીભાઈના જ શેરની એક પંક્તિ છે.

(વિશેષ નોંધ: વલી ગુજરાતી ગઝલ કેન્દ્ર અંતર્ગત  ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા તે સમયના સભ્ય સચીવ વાર્તાકાર કિરિટ દુધાતના પ્રયત્નોથી સ્વ ગની દહીંવાલાનો ગઝલ સંગ્રહ ( સંપાદકો: ભગવતીકુમાર શર્મા અને રવિન્દ્ર પારેખ) ‘હોય ના વ્યક્તિ ને એનું નામ બોલાયા કરે‘ ૨૦૦૯ માં પ્રગટ કરવામાં આવેલો.)


લેખકસંપર્ક

રજનીકુમાર પંડ્યા.,
બી-૩/જી એફ-૧૧, આકાંક્ષા ફ્લેટ્સ, જયમાલા ચોક,મણિનગર-ઇસનપુર રૉડ,અમદાવાદ-૩૮૦૦૫૦
મો. +91 95580 62711 ( વ્હૉટ્સએપ) / લેન્ડલાઇન- +91 79-25323711/ ઇ મેલ: rajnikumarp@gmail.com

Author: Web Gurjari

2 thoughts on “લ્યો,આ ચીંધી આંગળી :એનું નામ પડઘાયા કરે…શાયર ગની દહીંવાલા

Leave a Reply

Your email address will not be published.