નલિન શાહની નવલકથા : પ્રથમ પગલું – પ્રકરણ ૧૨

તું કેવળ નામ અને ધનને કેન્દ્રબિન્દુ બનાવી બધું કરતી હોય તો એટલું કહીશ કે તારી જાતને ના છેતરતી.

નલિન શાહ

 

નાનીની એક માત્ર આકાંક્ષા હતી કે માનસી અમેરિકામાં ભણીને હૃદયરોગની નિષ્ણાત બને અને લાચાર ગરીબોની સેવા કરે. માનસીની માનું મોત હજી એની નજરની સામે હતું. એ માનતા હતા કે પૈસાની અછત ના હોત તો કદાચ એની દિકરી જીવતી હોત. માનસીને ફિઝીશીયન થવું હતું, સર્જન નહીં. એ નાનીને સમજાવતી કે અહીં જ રહીને એમ.ડી. કરવામાં શું ખોટું હતું. પણ નાની કોઈ બાંધછોડ કરવા તૈયાર ન્હોતાં. તે કહેતાં: ‘ભલે અહીં એમ.ડી. કર પણ અમેરિકા તો જવાનું જ છે.’

નાની ગવર્નમેન્ટ હોસ્પિટલ કે.ઈ.એમ. જોડે બહુ વર્ષોથી સંકળાયેલાં હોવાથી એમની વગ સારી હતી. એમણે હાર્ટ ડિપાર્ટમેન્ટના ઈનચાર્જ ડૉ. આસિત બેનર્જીને માનસીની જવાબદારી સોંપી. ચાલિસને વટાવી ચુકેલા અને આકર્ષક વ્યક્તિત્વ ધરાવતા ડૉ. બેનર્જી અતિશય કાબેલ હાર્ટ સ્પેશ્યાલિસ્ટ હતા. ગરિબ જનતાના લાભાર્થે પંકાયેલી આ હોસ્પિટલમાં તવંગર દરદીઓ પણ ક્યારેક ક્યારેક આવતા હતા-  કેવળ ડૉ. બેનર્જીના નિષ્ણાત નિદાન માટે. માનસીને ખાત્રી હતી કે ડૉ. બેનર્જીની દેખરેખ નીચેની તાલિમ અમેરિકા જતા પહેલાં બહુ જ ઉપયોગી થશે.

માનસીની ઉત્કંઠા નિહાળી ડૉ. બેનર્જી એનામાં ખાસ રસ લેતા. અલગ અલગ પ્રકારના હૃદયરોગોનું નિદાન અને માનવજાતની ચર્ચામાં તેઓ સારો એવો સમય ગાળતા. જેમ જેમ ઘનિષ્ઠતા વધતી ગઈ તેમ તેમ મેડિકલ ઉપરાંતના વિષયોમાં પણ એકબીજાની રૂચીઓને તે પામી ગયા હતા અને એની ચર્ચા પણ એટલા જ ઉત્સાહથી કરતાં જેટલા હૃદયરોગની. શાસ્ત્રિય સંગીત અને અંગ્રેજી સાહિત્ય બન્નેના માનીતા વિષયો હતા. સમય જતાં સિનિયર તરીકે ડૉ. બેનર્જી જે અંતર જાળવતા એ લગભગ નહિવત થઈ રહ્યું. માનસીને એ વાતનું મહત્ત્વ ન્હોતું કે ડૉક્ટર એનાથી સત્તર-અઢાર વરસ મોટા હતા, પણ ડૉક્ટર બેનર્જી એ વાત પ્રત્યે સભાન હતા અને સાથે સાથે એ વાત પર પણ કે એક પત્નીની જવાબદારી હતી એમના પર.

એક દિવસ રૂમમાં બેસી માનસી પેશન્ટના કેસપેપર્સ તપાસી રહી હતી. ત્યાં જ ડૉ. આસિત બેનર્જી દાખલ થયા.

‘સોરી ડૉ. માનસી.’

‘હું માનસી છું, સર!’

‘કેમ ડૉક્ટરને ડૉક્ટર ના કહેવાય?’

‘બહુ ઔપચારિક લાગે છે. ફોરમલ.’

‘આપણે હોસ્પિટલમાં ફરજ પર છીએ.’

‘એટલે વ્યક્તિ મટી ગયા ?’

‘ઓકે, ઓકે. તું જીતી હું હાર્યો. હું તને કેવળ નામથી સંબોધિત કરું તો તારે પણ એમ જ કરવું પડશે – કેવળ આસિત, સ્પષ્ટ રીતે વોર્ડમાં બીજાની સામે નહીં.’

માનસી ચમકી ગઈ. ‘એ નહીં બને સર, તમે મારા સિનિયર છો.’

‘હા એ ખરૂં. તારા કરતાં ઉંમરમાં ઘણો મોટો તો ખરો.’

‘હું ઉંમરની વાત નથી કરતી; કેવળ હોદ્દાની ને અનુભવની વાત કરૂં છું.’

‘એ ભલે હોય, પણ ઉંમરના તફાવતને સાવ નકારી ના શકાય.’ ડૉ. આસિતે ગંભિરતાથી કહ્યું.

‘મારે માટે એનું કોઈ મહત્ત્વ નથી અને સાચું કહું તો તમે તમારી ઉંમર કરતાં દસ-બાર વરસ નાના દેખાવ છો.’

‘ઘણા એવું કહે છે પણ એને માટે ઘણી તકેદારી લેવી પડે છે. યોગના આસનો, મોર્નિંગ વોક, સાદો અને સાત્વિક ખોરાક અને કામમાં ઓતપ્રોત થઈ જવું અને એનો આનંદ ઉઠાવવો એ સૌથી વધુ ફાયદાકારક છે. આ બધું શીક્ષણનો એક ભાગ સમજી મગજમાં કોતરી રાખજે.’ હું ઈચ્છું છું કે રીટાયરમેન્ટ પછી પણ ઓછામાં ઓછા બીજા પચીસ વરસ દર્દીઓની સેવા કરવા હું સ્વસ્થ રહી શકું.’

‘તમે પ્રાયવેટ પ્રેક્ટીસ કેમ નથી કરતા? તમારી ખ્યાતિનો ફાયદો ઉઠાવવાનું મન નથી થતું?’

‘અત્યારે તો જરૂરી નથી લાગતું. જીવનનિર્વાહ પુરતું મળી રહે છે, બાળકો છે નહીં ને…’ કહી તે અટકી ગયા.

‘તમારી પત્નીને કોઈ શોખ કે આકાંક્ષા નથી ?’

ડૉ. બેનર્જીએ જવાબ આપ્યા વગર વાતને ટાળી દીધી.

એક દિવસ હૃદયરોગના એક દર્દીને દાખલ કરવામાં આવ્યો. એની સ્થિતિ અત્યંત નાજુક હતી. ડૉ. બેનર્જી હાજર ન્હોતા. માનસી મુંઝાઈ ગઈ. વિલંબ કરવાનું પાલવે તેમ ન્હોતું. નછૂટકે એને નિર્ણય લેવો પડ્યો. એક ઈંજેક્શન આપ્યું, નર્સને જરૂરી સુચનાઓ આપીને અર્ધો કલાક ચિંતાતૂર વદને ત્યાં જ બેસી રહી. ત્યાં જ ડૉ. બેનર્જીએ આવીને દરદીને તપાસ્યો ને માનસીને ટ્રીટમેન્ટ માટે પૂછ્યું ને જાણીને ડૉક્ટરે સંતોષની લાગણી અનુભવી. પેશંટની સ્થિતિ સુધારા પર હતી. રૂમમાં આવી ચા પીતા પીતા ડૉ. બેનર્જીએ માનસીને પૂછ્યું, ‘માનસી, તેં શેક્સ્પીયરનું નાટક “હેમલેટ” વાંચ્યું છે ?’

‘શેક્સ્પીયરના નાટકો વાંચીને સમજવા માટે સાહિત્યના વિદ્યાર્થી થવું પડે. કેવળ સાહિત્યનો શોખ પુરતો નથી; પણ એની કથાઓ જરૂર વાંચી છે.’

‘તો મને કહે કે “હેમ્લેટ”ની કથામાં નોંધપાત્ર શું લાગ્યું ?’ માનસી વિચારમાં પડી ગઈ. હેમ્લેટે યુનિવર્સીટીમાં ઘણું શિક્ષણ પ્રાપ્ત કર્યું તું.’ આસિતે ગંભિર થઈ કહ્યું, ‘પણ એની સમસ્યા એ હતી કે કોઈ પણ મહત્ત્વનો નિર્ણય લેવાનો સમય આવતો ત્યારે એ વિચારમાં ગરકાવ થઈ જતો. શંકામાં ઘેરાઈ જતો. એને શંકા ઉદ્‌ભવતી કે હું જે પગલું ભરું છું તે યોગ્ય છે ? ક્યાંક ભૂલ તો થતી નથી ને? કદાચ મારી શંકા ખોટી હોય ! હું કોઈને અન્યાય તો નથી કરતો ? હું જેને દોષી માનું છું એ કદાચ દોષી ના હોય તો ? આ વિચારોની ગડમથલ એની મોટી ખામી સાબિત થઈ જેના થકી એના જીવનમાં કરુણતા સર્જાઈ – કારણ જ્યારે નિર્ણયોનો અમલ કર્યો ત્યારે બહુ મોડું થઈ ગયું હતું.’

થોડીવાર ચૂપકીદી સેવીને ડૉ. બેનર્જી બોલ્યા, ‘મારી કારર્કિદીની શરૂઆતમાં જ્યારે અચાનક માટે કટોકટીની સ્થિતિનો સામનો કરવાનો આવ્યો, જેવો તારે આજે કરવો પડ્યો, ત્યારે હું ત્વરિત નિર્ણય નહોતો લઈ શક્યો ને જ્યારે લીધો ત્યારે બહુ મોડું થઈ ગયું તું. મેં મને કદી મારી જાતને એ માટે માફ નથી કરી.’

‘સર’ ડૉ. બેનર્જીએ માનસીને રોકવા માટે હોય એમ હાથ ઉંચો કર્યો. માનસી સમજી ગઈ, ‘સોરી, આસિત, તમે પોતાને અન્યાય કરો છો આમ વિચારીને. નિર્ણય સાચો હોય છતાં કેટલીક વાર એ અમુક દર્દી માટે ઘાતક હોઈ શકે.’

‘સાચી વાત છે. કટોકટીમાં કેટલીક વાર તમારો નિર્ણય જુગારનું રૂપ લે છે. મારે પણ જુગાર રમ્યા સિવાય બીજો કોઈ ઉપાય નો’તો. પણ મેં પાસા ફેંકવામાં વિલંબ ના કર્યો હોત તો હું કદાચ એક જીંદગી બચાવી શક્યો હોત. હેમ્લેટે પણ જે છેલ્લો નિર્ણય લીધો એ સાચો હતો ને સૌથી પહેલાં એ જ લેવા ધાર્યો’ તો, પણ વિચારોની ગડમથલમાં એને અમલમાં મુકવામાં વિલંબ થઈ ગયો અને કરૂણતા સર્જાઈ. તમારો વ્યવસાય ગમે તે હોય;  સાહિત્ય જીવનમાં ઘણું શીખવે છે; જો કોઈ શીખવા માંગે તો.’

‘આસિત, તમને કાંઈ પુછું તો ખોટું તો નહીં લાગે ?’

‘તારે જે પૂછવું હોય તે પુછી શકે છે; આટલા ફોર્મલ થવાની જરૂર નથી.’ થોડી વાર થંભીને માનસી બોલી, ‘તમે સાહિત્ય ને શાસ્ત્રિય સંગીતમાં આટલી દિલચસ્પી ધરાવો છો છતાં પણ કદી કોઈ નાટક કે સંગીતના જલસામાં તમને જતા જોયા નથી !’

‘ઘરે મોડા જવું મને પાલવે તેમ નથી. બસ, બીજું કોઈ કારણ નથી.’

‘કેમ? પત્નીથી ડરો છો ?’ માનસીએ મજાકમાં પૂછ્યું.

‘ડરતો નહીં; પણ ચિંતા જરૂર કરવી પડે છે. એ માનસીક સંતુલન ગુમાવી બેઠી છે. હવે કદાચ તને એ પણ નવાઈ લાગતી હશે કે હું સ્વાસ્થ્યની આટલી પરવા કરૂં છું છતાં લંચમાં હોસ્પિટલની કેન્ટીનનું ખાવું પડે છે. એનું કારણ એ છે કે જે બાઈ ઘરમાં રાંધે છે ને આખો દિવસ મારી પત્નીની સંભાળ રાખે છે એણે સાંજે મારા આવતા સુધી રોકાવું પડે છે ને એજ કારણે સવારે આવતા મોડું થાય છે, મ્હારા જવાના સમયે આવે છે.’

માનસીને સખત આઘાત લાગ્યો આ સાંભળીને. ડૉ. બેનર્જીની એકલતા ને મૌનનું કારણ સમજાયું. એને એની ઉજ્જવળ કારર્કિદી અને આકર્ષક વ્યક્તિત્વ એળે જતા લાગ્યા. ‘ક્યારે ખબર પડી એની માનસીક અવસ્થાની ?’ માનસીએ સંવેદનશીલતાના ભાવથી પૂછ્યું.

‘લગ્નના થોડા મહિના પછી લક્ષણો દેખાયા.’

‘એ પહેલાં ખ્યાલ ના આવ્યો ?’

‘ના. શક્ય છે કે જૂજ મુલાકાતોમાં મેં બહુ ધ્યાન ન આપ્યું હોય કે પછી પ્રેમ આંધળો હોય છે એવું કાંઈ હોય.’

‘બીજો કોઈ વિકલ્પ નથી વિચાર્યો ?’

‘હું જાણું છું તું શું પુછવા માંગે છે. હું એને મારા સ્વાર્થ ખાતર તરછોડી ના શકું; ન એને મેન્ટલ અસાયલમમાં મુકીને મુક્ત થઈ શકું.’

‘હજી બહુ લાંબી જીંદગી તમારી સામે છે; સમય કેમ ગુજારશો ?’

‘હું સમયને ગુજારતો નથી; સમય એની મેળે ગુજરે છે.’

‘તમે ઘણા કાબેલ છો, પ્રાયવેટ પ્રેક્ટિસમાં ધૂમ કમાણી કરી શકો એમ છો. છતાં… છતાં…’

માનસી આગળ કાંઈ પૂછે એ પહેલાં જ ડૉ. બેનર્જીએ કહ્યું,

‘માનસી તારી તો હજી શરૂઆત છે. તારા કામમાં તું બહુ જ ઓતપ્રોત થઈ જાય છે ને જે કરે છે એની પાછળ એક લગન છે, ધ્યેય છે એવું મને લાગે છે. એ જ વિચારે મને તારામાં રસ પેદા કર્યો છે. જો હું ખોટો હોઉં, એ કેવળ મારો ભ્રમ હોય, તું કેવળ નામ અને ધનને કેન્દ્રબિન્દુ બનાવી બધું કરતી હોય તો એટલું જ કહીશ કે તારી જાતને ના છેતરતી. આ વ્યવસાયમાં આગળ ના વધતી. પૈસા કમાવવાના બીજા ઘણા રસ્તા છે. એક જમાનામાં લોકો વૈદ્ય અને ડૉક્ટરોને ‘મસિહા’નું ઉપનામ આપતા. આ વ્યવસાયને કેવળ પૈસા બનાવવાનું સાધન સમજી એને બદનામ કરવાનો ગુન્હો કરી પાપમાં ના પડતી. આ જ હોસ્પિટલમાં ડૉ. સેન નામના નામાંકિત હાર્ટ સર્જન હતા. એના હાથ નીચે તાલિમ પામેલા કેટલાય ડૉક્ટરો આજે ધૂમ કમાણી કરે છે. પણ ડૉ. સેનને એની કારકિર્દીમાં શું મળ્યું એનો સંતોષ હતો; શું ના મળ્યું એનો અફસોસ નહીં.’

‘કેટલું સામ્ય છે તમારા ને મારા વિચારોમાં!’ એટલું બોલી માનસી ચુપ થઈ ગઈ. ઘણું કહેવું હતું પણ કહી ના શકી; કારણ હવે એનો કોઈ અર્થ સરે તેમ ન્હોતો. બન્ને ચૂપકીદી સેવીને બેઠા રહ્યા.

માનસીએ હંમેશા આસિતની સોબતમાં આત્મિયતાની લાગણી અનુભવી હતી. ‘હું અમેરિકા જઈશ તો મારે એનો સાથ છોડવો પડશે.’ એણે વિચાર્યું, ‘અને એ પણ કેટલા લાંબા સમય માટે! અહીં જ રહીને એમ.ડી. થવાનું મહત્વ પણ ઓછું ન્હોતું !’ પણ નાનીની આકાંક્ષા પૂરી કરવા એ વચનબદ્ધ હતી. સાથે સાથે જીવનની વાસ્તવિકતા પણ નજર સામે આવી. ‘આસિતનો સાથ જળવાઈ રહે તો પણ શા કામનો ?’ અને આસિતની લાચારીનો વિચાર આવતાં એક નિ:સાસો સરી પડ્યો.

દરવાજા પર ટકોરાના અવાજે બન્નેને ધ્યાનભગ્ન કર્યા. ‘કમ ઈન.’ ડૉ. બેનર્જીએ કહ્યું ને નર્સ દાખલ થઈ, ‘સર, દસ નંબરનો પેશંટ….’

‘હું જાણું છું. ડીસ્ચર્જ પેપર્સ તૈયાર કર; હું આવું છું.’

નર્સ દરવાજો બંધ કરી ચાલી ગઈ.

ડૉ. બેનર્જી ઉભા થયા. માનસી પણ સાથે જવા માટે ઉભી થઈ. જેવા ડૉ. બેનર્જીએ પગ ઉપાડ્યા માનસીક મૂર્તિવત્‌ સામે જ ઉભી રહી. બન્નેની આંખો મળી. એ આંખો દિલની સુષુપ્ત ભાવનાઓને વાચા આપી રહી. અચાનક ઉદ્‌ભવેલા લાગણીના આવેગમાં બન્ને એકબીજાના બાહુમાં સમાઈ ગયા. પળ બે પળના આલિંગનમાં બન્નેએ ઝંખના અને લાચારીની તીવ્રતા અનુભવી.

માનસીના સહવાસમાં આસિત ઘણે ખરે અંશે એની એકલતાને વિસારે પાડી શક્યો હતો. પણ બિમાર પત્નિ પ્રત્યેની ફરજ અને ઉંમરના તફાવતને કારણે જે લક્ષ્મણરેખા એણે સ્વેચ્છાએ સ્વિકારી હતી એનું ઉલ્લંઘન એ કદી થવા ન્હોતો દેતો. છતાં માનસી પ્રત્યેના પ્રેમમાં અનુભવાતી લાગણીની એ અવગણના પણ હંમેશા ન્હોતો કરી શકતો.

જ્યારે માનસીએ આસિતનું કેન્ટીનનું ખાવાનું મંગાવાનું કારણ જાણ્યું ત્યારથી એણે એના માટે પણ આસિતના વિરોધને ન ગણકારીને ઘરનું લઈ લાવવાનું શરૂ કર્યું. હોસ્પિટલનો સ્ટાફ એના ને આસિતના સંબંધની શી ચર્ચા કરે છે એની કદી પરવા ના કરી. ન કદિ જાણવાનો પ્રયત્ન કર્યો.

શનીવારે ફુરસતનો દિવસ હોવાથી માનસીએ આસિતની સાથે લોંગ ડ્રાઈવ પર જવાનું શરૂ કર્યું. આખી બપોર તેઓ ખંડાલાના જંગલનુમા પહાડી વાતાવરણમાં ગુજારતા. વ્યવસાયિક વાતો કદી ન્હોતા કરતા. કેવળ સાહિત્યમાં પ્રેમ અને કરૂણતાનું પૃથક્કરણ કરતાં. માનસી શેલી ને બાયરનની પ્રેમકવિતાઓની ચર્ચા કરતી તો આસિત મેકબેથ, કીંગ લીયર, ઓથેલો ને હેમલેટ જેવા મહત્ત્વના પાત્રોના ચારિત્રમાં કેવળ એક ખામીને લીધે સર્જાતી કરૂણતાની વાતો કરતો.

દર શનિવારનો આ ક્રમ અનિવાર્ય બની ગયો. માનસીની સોબતમાં એનું વ્યક્તિત્વ જ બદલાઈ જતું. જ્યારે ડ્રાઈવ પર જતા ત્યારે માનસી શરૂઆતમાં માની શકતી ન્હોતી કે આસિત આટલા રોમાન્ટીક અને રમુજી સ્વભાવની વ્યક્તિ હોઈ શકે. ધીરે ધીરે એને ખ્યાલ આવ્યો કે આ જ એનો કુદરતી સ્વભાવ હતો. જીવનની વિષમતાઓએ આસિતનું સ્વાભાવિકપણું દબાવી દીધું હતું.

ડૉક્ટર તરીકેની આસિતની કાબેલિયત અને પ્રામાણિકતા માટે માનસીને અહોભાવ હતો અને માનસીક રોગથી પીડાતી પત્ની પ્રત્યે એમની નિષ્ઠાની માનસી કદર કરતી હતી. લોંગ ડ્રાઈવમાં એમનું સાન્નિધ્ય ઘણું ખરૂં તો એકબીજાની પડખે હાથમાં હાથ રાખીને બેસવા પૂરતું જ હતું. આલિંગનની પળો માણતા, પણ તે જવલ્લે જ લાગણીના અતિરેકમાં. માનસીને કોક વાર વિચાર આવતો, ‘કાશ ! એવા સંજોગો ઉભા થાય કે હું આસિતને પતી તરીકે પામી શકું !’ અને તુરંત એના તાત્પર્યનો ખ્યાલ આવતાં પોતાને માટે ઘૃણાનો ભાવ ઉપજતો, ‘હાય, હાય હું આવું વિચારું છું ! એવા સંજોગોનો અર્થ એક જ થાય – એની પત્નીનું મોત !!’

એક વાર અનાયાસે એ પૂછ્યા વગર ના રહી શકી, ‘આસિત, આપણા લગ્નની કોઈ શક્યતા તમે કલ્પી શકો તેમ નથી ?’

‘ના’ આસિતે કહ્યું, ‘એવી કોઈ શક્યતા જો ઉભી થાય તોયે હું ના સ્વિકારું, કારણ કે હું તારા સુખમય જીવનની કામના કરું છું. પ્રેમના આવેગમાં ઉંમરનો તફાવત તને નહીં સમજાય, પણ જ્યારે તું ૫૦-૫૫ની થશે ત્યારે તને પારાવાર પસ્તાવો થશે. કારણ હું સિત્તેર વય થઈ ચૂકેલો વૃદ્ધ કહેવાઈશ. પ્રેમની વ્યાખ્યા કદાચ બદલાઈ જાય. હજી તને ઘણી વાર છે- જીવનની વિષમતાઓને સમજવા માટે.’

‘મનના મેળ વધુ જરૂરી છે કે ઉંમરના ?’

‘પોતપોતાની જગ્યાએ બંનેનું મહત્ત્વ છે.’

‘તમે તો જાણતા હશો કે ઉના એના પતિ અભિનેતા ચાર્લિ ચેપ્લિનથી ૩૬ વરસ નાની હતી – છતાં એમનું લગ્નજીવન અતિ સફળ રહ્યું. આવા દાખલાઓનો તોટો નથી.’

‘અપવાદોને દાખલા તરીકે ના ટંકાય- કેવળ દલીલ જીતવા માટે.’

‘જે રીતે તમે તબિયતની માવજત કરો છો એ રીતે તમે પંચોતેર વર્ષે પણ સાઠ જેવા લાગતા હશો.’

‘અને તું સાઠ વર્ષે પણ ચાલીસ જેવી સ્ફૂર્તિ ધરાવતી હશે.’

‘તમારી સાથે દલીલ કરવાનો કોઈ અર્થ નથી. તમારી જીદ નહીં છોડો.’ આસિતે કોઈ જવાબ ના આપ્યો. એનું મન વંટોળે ચઢ્યું હતું. ‘માનસી વગરની જીંદગી કેવી હશે ?’ એ જીંદગી તો ના હોય. હશે તો કેવળ અસ્તિત્વ.’ એના વિચારોને વાચા આપી એ માનસીને વ્યથિત કરવા ન્હોતો માંગતો. એને ડર હતો કે એ વ્યથા માનસીના ઉજ્જવળ ભવિષ્યમાં વિષાદનો પડછાયો ન બની રહે.


(ક્રમશ: )

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.