બંદિશ એક, રૂપ અનેક (૭૭) : ” દિલ-એ-નાદાન તુઝે હુઆ ક્યા હૈ”

નીતિન વ્યાસ

ગ઼ાલિબની ગઝલ – ચિત્રકાર શ્રી અબ્દુલ રહેમાન ચુઘતાઈ

પ્રાસ્તાવિક
ગ઼ાલિબનાં સુખ્યાત સર્જનમાં જેની ગણના થાય છે, તેવી આ ગ઼ઝલ નોંધપાત્ર છે અને લગભગ તમામ
શેરની સરળ ભાષા હોઈ ઘણાને એ ગ઼ાલિબની ગ઼ઝલ ન હોવાનું લાગે; પરંતુ વાસ્તવમાં આ તેમનું જ સર્જન છે. પ્રત્યેક શેરના ધ્રુવપદમાં આવતું શબ્દયુગ્મ ‘ક્યા હૈ’ ગ઼ઝલના પઠનમાં એક પ્રકારનો અનેરો લુત્ફ
(આનંદ) પ્રતીત કરાવે છે. આ પ્રશ્નાર્થસૂચક શબ્દો ‘ક્યા હૈ’ માત્ર પ્રશ્નો જ નથી ઉઠાવતા, પણ તે તેમાં
આશ્ચર્યનો ભાવ પણ જગાડે છે. આ ગ઼ઝલમાં ગ઼ાલિબે કાવ્યમય અને આલંકારિક ઢબે શાશ્વત અને દિવ્ય
પરમ શક્તિ એવા ઈશ્વરને સંબોધીને જીવન વિષેના કેટલાક મૂળભૂત પ્રશ્નો પૂછ્યા છે. ગ઼ઝલના બધા જ શેર આશ્ચર્યભાવ સમેત ઝીણવટ ભરી બ્રહ્માંડોના રહસ્યની શોધખોળને ઉજાગર કરે છે. આ વિખ્યાત ગ઼ઝલ એ ગ઼ાલિબની સૂક્ષ્મભેદક દૃષ્ટિને સો સો સલામ કરવાનું આપણને મન થાય તેવી રીતે તે આસપાસ ની સૃષ્ટિની ઘટતી ક્રિયાઓને કાવ્યમય તાણાવાણામાં ગૂંથે છે. ‘ક્યા હૈ’થી પુછાતા દરેક શેરમાંના પ્રશ્નો ભાવકને પણ વિચારતા કરી મૂકે છે. ચાલો, આપણે ગ઼ઝલના શેરોને ઊંડાણથી સમજીને તેમનાં રહસ્યોને પામીએ.
ગ઼ાલિબ ની આ મશહૂર ગઝલમાં ૧૧ જેટલા શેર છે. તે પૈકી ચાર થી પાંચ શેર ગઝલ ગાયકો સ્વપ્રસ્તુતિ માં સામેલ કરે છે તે છે શેર ક્રમાંક ૧,૨,૩, ૮ અને ૧૦. શ્રી વલીભાઈ નાં પુસ્તક, “ગ઼ાલિબ નું સર્જન- સંકલન, અર્થઘટન અને રસદર્શન” બધા શેર સામેલ કર્યા છે. દરેક શેર અને તેનું રસદર્શન લાજવાબ છે. અહીં તે પૈકીના પાંચ શેર નો સમાવેશ કર્યો છે.

* * *

દિલ-એ-નાદાન તુઝે હુઆ ક્યા હૈ
આખ઼િર ઇસ દર્દ કિ દવા ક્યા હૈ (૧)

(દિલ-એ-નાદાન= નાદાન દિલ, બહાવરા મન)

શાયર આ પહેલા જ શેરમાં પોતાના દિલને સંબોધીને પૂછે છે કે ‘હે દિલ, તને આ શું થઈ ગયું છે?’
શાયરીમાં ‘દિલ’ શબ્દનો વિનિયોગ સહજ હોય છે, પણ અહીં એ દિલને નાદાન કહેવાયું છે. નાદાન કહેતાં બહાવરું, આકુળવ્યાકુળ એવું દિલ કંઈક એવો ઉત્પાત મચાવે છે કે શાયર એ દિલનો જ ઉધડો લેતાં તેને તેની એ સ્થિતિનું કારણ પૂછે છે અને ઘવાયેલા એ દિલની વેદનાનો શો ઈલાજ હોવાનું પણ તેની પાસેથી જાણવા માગે છે. દિલ સંવેદનશીલ હોઈ તે નાનામોટા આઘાત-પ્રત્યાઘાતો અનુભવે ત્યારે તે દ્રવી ઊઠે તે હકીકત છે. આમ આ ગ઼ઝલની શરૂઆત દિલ સાથેની ગુફ્તગૂ (છાની વાતચીત)થી થાય છે. શેરનો બીજો મિસરા એનો વ્યંજનાર્થ એ પણ સૂચવે છે કે ‘ઈશ્કના એ દર્દનો કોઈ ઈલાજ નથી, સિવાય કે પ્રિયજનનું મિલન.’. કેટલાક વિવેચકો માને છે કે શેરના પ્રથમ મિસરાનો પ્રશ્ન જ દિલને પુછાયો છે, પણ દર્દના ઈલાજ માટેનો બીજો પ્રશ્ન તો ઈશ્વરને જ પુછાયો છે. જો કે પ્રથમ નજરે આ વાત સંદેહાત્મક લાગે છે, પણ પાછળના શેરોના આધારે માનવું જ રહ્યું કે આ અનુમાન સાચું છે. જો કે આ પ્રશ્નના બદલે વિધાન પણ હોઈ શકે કે જેનો મતલબ એ થાય કે ઈશ્કના દર્દનો કોઈ ઈલાજ નથી. ઘણા શાયરોએ તેમની શાયરીઓમાં ઈશ્કના દર્દને મિટાવવામાં હકીમો, વૈદો કે એવા ચિકિત્સકોને નિષ્ફળ ગણાવ્યા છે. ઈશ્કના દર્દને તો એ જ વ્યક્તિ મિટાવી શકે કે જેણે દર્દ આપ્યું હોય, કેમ કે ઈશ્કના દર્દના મૂળની માત્ર તેને જ જાણ હોય છે.

હમ હૈં મુશ્તાક ઔર વો બેજ઼ાર
યા ઇલાહી યે માજરા ક્યા હૈ (૨)

(મુશ્તાક= ઉત્સુક; બેજ઼ાર= અસંતુષ્ટ; યા ઇલાહી= હે ઈશ્વર; માજરા= ઘટના)

ગ઼ાલિબ યાને માશૂક આ બીજા શેરમાં તો સ્પષ્ટ રીતે ઇલાહી (ઈશ્વર) તરફ વળે છે એને તેને સવાલ કરે છે
કે હું તો મારા ઇશ્કમાં તરવરતા ઉત્સાહથી ઓળઘોળ છું અને તે (માશૂકા) તો સાવ અસંતુષ્ટ દેખાય છે; તો ‘હે ઈશ્વર, આ અંગેની હકીકત શું છે?’ પાશ્ચાત્ય વિદુષી કેથરિન પલ્સીફર (Catherine Pulsifer) પ્રેમસંબંધ ની ફલશ્રુતિ અંગે કંઈક આમ કહે છે : ‘એક પાત્ર જ્યારે શીખવાનું, વિકસવાનું અને વૃદ્ધિ પામવાનું ચાલુ રાખે છે અને બીજું પાત્ર સ્થિર ઊભું રહે છે, ત્યારે એ સંબંધ નષ્ટ પામે છે.’
સામાન્ય રીતે ગ઼ઝલના પ્રત્યેક શેર સ્વતંત્ર હોય અને છતાંય અહીં આ બીજો શેર પહેલા શેર સાથે સૂક્ષ્મ
અનુસંધાન સાધે છે. માશૂકના દિલની ગમગીનીના કારણ રૂપ માશૂકાની ઉદાસીનતા છે અને એ
ઉદાસીનતાની હકીકત જાણવા માટે ઇલાહીને પ્રશ્ન કરવામાં આવે છે. આ શેરમાંનો ‘વો’ શબ્દ વ્યાકરણની પરિભાષામાં ત્રીજા પુરુષને દર્શાવે છે અને આમ માશૂક અને ઇલાહી સિવાયની ત્રીજી વ્યક્તિ ‘વો’ છે, જેને માશૂકા જ ગણવી રહી.

અહીં અગાઉ જણાવાયું છે કે શેરના બીજા મિસરામાં ઈશ્વરને પ્રશ્ન પૂછવામાં આવ્યો છે તેમ ન સમજતાં અન્ય ભાવાર્થે એમ પણ સમજી શકાય કે ‘યા ઇલાહી’ ઉદ્ગાર માત્ર પણ હોઈ શકે અને માત્ર અલ્લાહનું સ્મરણ કરીને માશૂક તો માત્ર પોતાની વ્યથા જ ઠાલવે કે પોતે બિન્દાસ્ત છે અને માશૂકા હતોત્સાહ હોવા પાછળની હકીકત તેમને સમજાતી નથી. જો કે શેર તો પોતાની પ્રવાહિતાને અવરોધ્યા વગર માશૂકારૂપી ઈશ્વર તરફી જ વહે છે, અર્થાત્ અહીં કોઈ વિષયાંતર થતું નથી. વળી અહીં દુન્યવી માશૂકા તરફથી મળતા દર્દની રાવ (ફરિયાદ) પારલૌકિક માશૂકા એવા ઈશ્વરને કરવામાં આવી રહી હોવાનું પણ સ્પષ્ટ જણાઈ આવે છે.

મૈં ભી મુઁહ મે જ઼બાન રખતા હૂઁ
કાશ પૂછો કિ મુદ્દા ક્યા હૈ (૩)

(કાશ= ઇચ્છવાયોગ્ય ઉદ્બોધન – કાશ, આમ થયું હોત તો!; મુદ્દા= ઉદ્દેશ્ય, હેતુ)

ગ઼ઝલનો આ ત્રીજો શેર માશૂકના દિલનો હાલ દર્શાવે છે. તે વિચારે છે કે માશૂકા તરફથી તેની ઉપેક્ષા થઈ રહી છે. ઉપેક્ષા એ અર્થમાં કે માશૂકા હકીકત શું છે તેવું સીધું તેને પૂછવાના બદલે તે અંગેની પૂછપરછ અન્યોને કરે છે. બહેતર તો એ જ હતું કે તેણે તેને સીધું પૂછી લેવું જોઈતું હતું, કેમ કે તે પોતાના મોંઢામાં જીભ ધરાવે છે અને તેને જવાબ આપી શકવા માટે સમર્થ છે. માશૂકા માશૂકના પ્રેમ અંગેની પોતાની કોઈ શંકા-કુશંકાની જે કંઈ માન્યતા ધરાવતી હોય તે પૂછપરછથી સ્પષ્ટ થઈ શકે તેમ હતી. માશૂક પોતે દૃઢ વિશ્વાસ ધરાવે છે કે તેના માશૂકા પરત્વેના ઇશ્ક વિષે તેણે જે કંઈ સાંભળ્યું હોય અને કોઈ ગેરસમજ થઈ હોય તો તેનો સંતોષકારક ખુલાસો તેની પાસેથી મળી રહેત. અહીં ઈશ્વરને સંબોધીને માશૂક તેની (ઈશ્વરની) આગળ પોતાનો પક્ષ રજૂ કરતાં કહે છે કે માશૂકાએ ખરી હકીકત જાણવા માટે તેને નજર અંદાઝ કરવો જોઈતો ન હતો. શેરના પહેલા મિસરામાંના ‘મૈં ભી મુઁહ મે જ઼બાન રખતા હૂઁ’ શબ્દો દ્વારા માશૂકનો હળવો આક્રોશ વ્યક્ત થાય છે.
પ્રેમીયુગલોમાં ઉભયની કોઈ ગેરસમજો, કોઈ નોકઝોક, રીસણાં-મનામણાં થતાં રહેવાનાં અને આવી હરકતોનો ગ઼ાલિબ પ્રખર અભ્યાસુ હોવાની આપણને પ્રતીતિ થાય છે. જો કે ગ઼ાલિબનો આ કલ્પનાવિહાર માત્ર જ છે. જન્મગત સાહિત્યકારોને આ ઈશ્વરીય દેન મળેલી હોય છે કે તેઓ કોઈ સંવેગનો સ્વયં આત્મઅનુભવ કર્યા વગર પણ પરલક્ષી સાહિત્ય રચી શકે છે. ગ઼ાલિબની ગ઼ઝલોની માશૂકા વાસ્તવિક કોઈ પાત્ર નથી, કે જેના મોહપાશમાં પોતે જકડાયા હોય અને આવી બધી સ્વાનુભવ જેવી શાયરીઓ કહી સંભળાવતા હોય.
ગ઼ાલિબનું જીવન જાણનારને ખબર છે કે તેઓ ગૃહસ્થી હતા અને તેઓ એવો કોઈ લગ્નેતર સંબંધ પણ ધરાવતા ન હતા. જો કે સામાન્ય માનવીની જેમ તેમનામાં પણ કેટલીક જુગાર અને શરાબપાન જેવી લતો વિદ્યમાન તો હતી જ, પરંતુ તેમના ચારિત્ર્યસ્ખલનની કોઈ નક્કર હકીકત જાણવા મળતી નથી. તેમનાં શરીકે હયાત (યાને ધર્મપત્ની) સાથેનો એક પ્રસંગ જાણવા મળે છે. પોતે ધૂનમાં અને ધૂનમાં પગમાં પગરખાં સમેત ઘરમાં દાખલ થઈ જાય છે. તેમનાં પત્ની પરહેઝગાર અને નેક ઓરત છે. શૌહરની આ ગુસ્તાખી બદલની નારાજગી સામે ગ઼ાલિબે એમ કહ્યું હોવાનું મનાય છે કે, ‘બેગમ, મને ખબર ન હતી કે તમે આપણા ઘરને મસ્જિદ બનાવી દીધું છે!’ આવો મધુર સંવાદ જે યુગલ વચ્ચે થતો હોય, ત્યાં પેલી અપ્રિય વાતને અવકાશ જ રહેતો નથી કે તેમનું દાંપત્યજીવન ત્રિશંકુની સ્થિતિમાં વ્યતીત થઈ રહ્યું હોય!

હમકો ઉનસે વફ઼ા કી હૈ ઉમ્મીદ
જો નહીં જાનતે વફ઼ા ક્યા હૈ (૮)

(વફ઼ા= પ્રેમની વફાદારી)

પ્રણયમાં પરસ્પરની વફાદારી અપેક્ષિત હોય છે. આ શેરના ઉલા મિસરામાં માશૂકની અપેક્ષા છે કે માશૂકા તેમના પ્રત્યેની વફાદારી સંપૂર્ણપણે નિભાવે. પરંતુ સાની મિસરામાં માશૂકની નિરાશા પ્રગટ થઈ છે. તેનું માનવું છે કે માશૂકાને એ ખ્યાલ પણ નથી કે વફાદારી શું છે! આમ જેને વફાદારીની ખબરસુદ્ધાં નથી તેની પાસે વફાદારીની ઉમ્મીદ રાખવી વ્યર્થ છે. ગ઼ાલિબની ગ઼ઝલોમાં આપણને માશૂક-માશૂકાના સંબંધોમાં ભાવવૈવિધ્ય જાણવા મળે છે. હર્ષ, વ્યથા, ઉપેક્ષા, વિસાલ (મિલન), વિપ્રલંભતા (વિયોગ), ફરિયાદ, પરિતૃપ્તિ, આરજૂ, નોકઝોક, સહનશીલતા, શંકા-કુશંકા આદિ સંવેગો જે તે ગ઼ઝલના શેરના પ્રાણ સમાન બની રહે છે. આ શેરમાં શંકા-કુશંકા અર્થાત્ અવિશ્વાસનો ભાવ ગુંથાયો છે. પ્રેમીયુગલો તો અહર્નિશ એમ જ ઇચ્છતાં હોય છે કે બેઉની વચ્ચે ત્રીજું કોઈ ન આવે અને પરસ્પર પ્રેમ જળવાઈ રહે. આમ છતાંય એવાં પ્રેમી યુગલો કંઈ દૈવી હોતાં નથી, આખરે તો તેઓ માનવી જ છે અને માનવસહજ ગુણદોષ ધરાવતાં હોય છે. આ શેરમાં માશૂકા ઉપર બેવફાઈનું દોષારોપણ લાગુ પાડવામાં આવ્યું છે, જે વાસ્તવિક દેખાતું તો નથી જ; પરંતુ માશૂકના મનનો એવો કોઈક વહેમ હોવાનું જણાઈ આવે છે. પ્રેમસંબંધે જોડાતાં પાત્રો પ્રારંભિક તબક્કે તો માત્ર લાગણીશીલતાના પ્રવાહમાં ખેંચાતાં હોય છે. સમય જતાં જ્યારે તેમનો પ્રેમ પરિપક્વ થતો હોય છે, ત્યારે તેમનામાં એકબીજા પરત્વેની વફાદારી અને પ્રેમ દૃઢિભૂત થતાં હોય છે.

જાન તુમ પર નિસાર કરતા હૂઁ
મૈં નહીં જાનતા દુઆ ક્યા હૈ (૧૦)

(નિસાર= ન્યોછાવર)

આ શેરમાં માશૂકની માશૂકા પરત્વેની પ્રેમની પરાકાષ્ઠા જાણવા મળે છે. માશૂકાનો પ્રેમ પ્રાપ્ત કરવા માટે માશૂક વહાલામાં વહાલો ગણાતો પોતાનો જાન (જીવ) પણ ન્યોછાવર કરવા તૈયાર છે. શેરના સાની મિસરામાં માશૂકના જેવા અન્ય પ્રેમીઓની તેમની માશૂકા પ્રત્યેની દુઆઓ (પ્રાર્થનાઓ) ઉલ્લેખાઈ છે. અહીં માશૂક કહેવા માગે છે કે તેમની દુઆઓના શબ્દો કયા હશે તેની મને જાણ નથી. સંભવ છે કે તેઓ પોતાની માશૂકાને પામવા માટે અલ્લાહ આગળ દુઆઓ દ્વારા કાકલૂદી કરતા હોય. તેઓ માત્ર માશૂકાનો પ્રેમ જ મેળવવા માગતા હોય, પણ તેમની માગણી સામે કોઈ બલિદાન આપવાની તેમની કોઈ તૈયારી ન પણ હોય! પરંતુ પોતે તો માશૂકાને પામવા માટે પોતાના જાનની બાજી લગાવવા માટે પણ તૈયાર છે. આમ માશૂકની આત્મબલિદાન માટેની તત્પરતા પેલાઓની દુઆઓ કરતાં પણ ચડિયાતી સાબિત થાય છે. ઇશ્કે હકીકી સંદર્ભે આ શેરમાંની માશૂકાને ઈશ્વર ગણી લઈએ તો તેને પ્રાપ્ત કરવા માટે ભક્તની પ્રાણ તજી દેવા માટેની પણ તૈયારી હોવી જોઈએ. એક બોધાત્મક પદમાં કહેવાયું પણ છે કે ‘જીવ હો દેતાં, રબકુ જો પાવે; તો સ્હેલા મન જાણો, જી સુણ ભાઈ.’ આમાં ગૂઢાર્થ એ સમાયેલો છે કે ઈશ્વર આગળ જિંદગીની કોઈ વિસાત નથી. વળી જિંદગી સમર્પી દેતાં પણ જો રબ (ઈશ્વર)ને પ્રાપ્ત કરી શકાય તો માની લેવું કે એ સહેલાઈથી (સસ્તામાં) મળી ગયો.

મિર્ઝા ગ઼ાલિબ (ગ઼ઝલકાર)
વલીભાઈ મુસા (સંકલનકાર અને રસદર્શનકાર)

મિર્ઝા ગ઼ાલિબ ની રચનાઓનો ખૂબ ઊંડાણ પૂર્વક અભ્યાસ કરી ‘વેબગુર્જરી’ ઉપર નિયમિત રીતે લખનાર શ્રી વલીભાઈ મુસા નો ખરા દિલ થી આભાર.

આજે આ ખૂબસૂરત બંદિશ જુદા જુદા કલાકારો પાસેથી સાંભળીયે :
મિર્ઝા અસદઉલ્લા બેગ ખાન યાને કે ગ઼ાલિબની આ ગઝલ સાથે યાદ આવે સુરૈયા અને તલત મહેમૂદ ના સ્વરમાં, સંગીતકાર ગુલામ મહંમદની બંદિશ રાગ તિલક કમોદ અને ફિલ્મ ‘મિર્ઝા ગ઼ાલિબ’. ૧૯૫૪ માં બનેલી આ ફિલ્મના નિર્માતા અને નિર્દેશક હતા શ્રી સોહરાબ મોદી. દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવનમાં એક ખાસ શૉ જોઈ શ્રી જવાહરલાલ નહેરુ એ સોહરાબજી ને બિરદાવતા કહ્યું કે ” આપને ગ઼ાલિબ ફિર સે જિંદા કર દિયા”. ફિલ્મની વાર્તા અને પટકથા શ્રી રાજેન્દ્ર સિંહ બેદી અને શ્રી સાદત હસન મન્ટો એ લખી હતી. આ ફિલ્મને ૧૯૫૪ ની શ્રેષ્ઠ ફિલ્મનો નેશનલ એવોર્ડ મળ્યો હતો.
શરૂઆત કરીએ “દિલે નાદાન તુઝે હુવા ક્યાં હૈ” ફિલ્મ મિર્ઝા ગ઼ાલિબ

આમ તો ગ઼ાલિબની આ ગઝલ જ્યારથી હિન્દીમાં બોલાતી ફિલ્મો શરૂ થઈ ત્યારથી તેમાં ગવતી આવે છે. સામે ૧૯૩૧ માં “અનંગ સેના” ફિલ્મ માં આ ગઝલ ગાયિકા ઝોહરા એ ગયેલી તેવો ઉલ્લેખ છે. ૧૯૩૨ માં ‘ગુલે બકાવલી’, ૧૯૩૬ માં ‘કીમિયાગર’, ૧૯૪૩ માં ‘હન્ટર વાલી કી બેટી’ માં ખાન મસ્તાના એ આ ગઝલ ગાયેલી..૧૯૪૯ માં રિલીઝ થયેલી વી. શાંતારામ ની ફિલ્મ “અપના દેશ” માં ગાયિકા પુષ્પા હંસ ને સાંભળીયે:

૧૯૧૭ માં જન્મેલા શ્રીમતિ પુષ્પા હંસને સાલ ૨૦૦૭ માં પદ્મશ્રી એનાયત કરાયેલ.

ફિલ્મ “હન્ટર વાલી કી બેટી” ગાયક શ્રી ખાન મસ્તાના, સંગીતકાર શ્રી છન્નાલાલ નાયક, ફિલ્મના દિગ્દર્શક શ્રી બટુક ભટ્ટ, કલાકાર નાદિયા અને જોન કાવસ

રાજસ્થાન માં માંડવા શહેર પાસે નાં શેખવાડી ગામ માં ૧૯૨૭ માં જન્મેલા શહેનશાહે ગઝલ શ્રી મહેંદી હસન,ના પિતા અને કાકા ધ્રુપદ ગાયકીમાં માહિર હતા.

ટેલિ સીરીઅલ “મિર્ઝા ગ઼ાલિબ” શ્રીમતી ચિત્રા અને જગજીત સિંહ

આશા ભોસલે

પાકિસ્તાની ફિલ્મ “મિર્ઝા ગ઼ાલિબ” માં મલ્લિકા એ તરન્નુમ નૂરજહાં

પતીયાલા ઘરાણાના બડે ગુલામ અલી ખાં અને બરકત અલી ખાંના શાગિર્દ શ્રી ગુલામ અલી

સૂફી સંગીતમાં માહિર, ચિત્રકાર,પોતાનો જ્વેલરી અને ફેશન ડિઝાઈનર બિઝનેસ ધરાવતાં શ્રીમતિ આબીદા પરવીન

નવસારીમાં જન્મેલા પદ્મ એવોર્ડથી સન્માનિત શ્રી પિનાઝ મસાણી

ગઝલ ગાયક શ્રી તલત અઝીઝ

દક્ષિણ ભારતના સુપ્રસિદ્ધ ગાયિકા શ્રી ગાયત્રી અશોકન

કાશ્મીરના મશહૂર ગાયક શ્રી અબ્દુલ રશીદ હાફિઝ

શ્રી સ્વરણ બહેલ

ગઝલ ગાયિકા શ્રી કવિતા સિંહનો સ્વર ફિલ્મ “સુટેબલ બૉય”

સંગીતકાર અને ગાયિકા શ્રી ગાયત્રી ગાયકવાડ

ગાયક શ્રી આયુષમાન ખુરાના, ફિલ્મ “હવાઇજાદા”

કથ્થક નૃત્યાંગના શ્રી અદિતિ અને અપૂર્વા હલદર

એક નવતર પ્રયોગ, પારિતોષિક વિજેતા દિગ્દર્શક ગજેન્દ્ર આહીરે ની ફિલ્મ “દિલ એ નાદાન ” વીતી ગયેલા જમાના નાં બે સંગીતકારો ની વાત:


શ્રી નીતિન વ્યાસનો સંપર્ક ndvyas2@gmail.com સરનામે કરી શકાશે.

Author: Web Gurjari

3 thoughts on “બંદિશ એક, રૂપ અનેક (૭૭) : ” દિલ-એ-નાદાન તુઝે હુઆ ક્યા હૈ”

  1. Excellent excerpt and commentary. Yes; he is one of my most favorite and he was also a close friend of Bagadur Shah Zafar, the last Mogul king who died in a jail in Rangoon, Barma. He had nobody with him; the guard found his dead body next morning..! I wish you can do similar research/commentary on Amir Khushru also. He was also quite a prolific poet. Thank you for sharing your thoughts.

  2. નીતિનભાઇ,
    ખૂબ સરસ ગઝલ ,વલિભાઈ મુસાનો આસ્વાદ . જુદા જુદા ગાયકોની ગાયકી સાંભળવી ગમી.

Leave a Reply

Your email address will not be published.