“ધરતી” ને “મા” મટાડી – “સોદાબાજીની ચીજ” બનાવી !

હીરજી ભીંગરાડિયા

ખેતી અને વેપાર બન્ને ભલે કહેવાય વ્યવસાય જ ! પણ બન્નેની તાસીર છે એક બીજાથી સાવ જ નોખી ! એકમાં છે નવું પેદા કરવાનું, તો બીજામાં છે માત્ર હેરાફેરી કરી વચ્ચેથી કટકી કરવાનું. બન્નેના સ્વભાવ જ નોખા ! ખેડુત પેદા કરી જાણે અને વેપારી હેરાફેરી કરી જાણે ! કમાવાની દ્રષ્ટિ તો બન્નેની છે, પણ એક મહેનત દ્વારા નવું પેદા કરી કમાય છે. જ્યારે બીજો તૈયાર વસ્તુની લે-વેચ દ્વારા વચ્ચેથી કામ કાઢી લે છે.

આમ ગણીએ તો ખેતી ધંધાનો સ્વભાવ જ છે ધરતી સાથે મળીને હળીભળી જવાનો ! વળતર રૂપે કુદરતને જેટલું દેવું હોય તેટલું દે, એ એના હાથની વાત છે. બાકી એ માટેની મહેનત કરવામાં ઊણા ન ઉતરવું, એ ખેડુતના લોહીના- વારસાગત સંસ્કાર છે. ટાઢ, તાપ, લૂ કે રાત-વરત તો શું ? અહૂર-સવારનેય ગણકાર્યા વગર, પંડ્ય તોડી નાખે એવી મહેનતમાં પાછો પડે તેને ખરો ખેડુત કહેવો કેમ ? બસ, લગાતાર મહેનત કરતા રહી,કંઇક નવું પકાવ્યે પાર કરે, બસ એનું જ નામ ખેડુત !

જ્યારે વેપાર ? એ ધંધાનું લોહી જ જુદા પ્રકારનું છે મિત્રો ! એનું ધ્યાન બસ તૈયાર ચીજ-વસ્તુની લે-વેચમાં જ ! નવું ઉત્પાદન કરવામાં જરીકેય નહીં ! સોંઘામાં સોંઘું ખરીદી- ક્યો ઇલમ અજમાવ્યો હોય, તો મોંઘામાં મોંઘું અને વધુ જથ્થામાં વેચાય તેવી હોય આ ધંધાની માસ્ટરી ! એટલે બીજી લે-વેચની જણસોની જેમ “ખેતીની જમીન” પણ આ નોટો રળનારની નજરમાં આવી ગઇ છે. તેમાં કંઇ ઉગાડી, ઉત્પન્ન લેવાનું બાજુ પર રાખી, એની લે-વેચમાં જ તેના વધુ નાણાં કેમ ઢસડી લેવાય, તે જ લક્ષ બની રહેતું હોય છે.

મિલ્કત બન્ને માટે- પણ મુલવણીમાં ફેર = ખેડુત અને વેપારી બન્ને જમીનને મૂલવે તો છે ‘મિલ્કત’ તરીકે જ, પણ ફેર એટલો કે ખેડુતને મન જમીન, એ એની સેવા થકી મળનારું “અક્ષયપાત્ર” છે. ખરો ખેડુત કદિ જમીન વેચવાનો  વિચાર સુધ્ધાં ન કરે  ભાઇ ! આ મિલ્કતને એમનામ અબાધિત રાખી, તેનું પાણી કે પવનથી ધોવાણ ન થાય, તેને બહારના સંકટોથી રક્ષણ મળતું રહે, તેની ફળદ્રુપતા ન હણાય, તેનું બંધારણ ન બગડે અને તેની જીવંતતા તથા ઉત્પાદકતા ટકી રહે, તે માટે જીવની જેમ જતન કરતા રહી- પાણી, પવન અને પ્રકાશ જેવા કુદરતી બળોને સહારે છોડવા, ઝાડવાં, જીવડાં અને જાનવરોના માધ્યમથી પોતાની મહેનતનો રોટલો રળવાની મહેનતમાં લાગેલો હોય છે. અરે ! માત્ર એ જ નહીં, આખી માનવ જાતિ એના પર ટકી રહી છે. ખેડુતને મન ધરતી ‘માતા’ સમાન છે. અરે ! પોતાની જનેતા “મા” થી જરાય ઉતરતો મોભો એને મંજૂર નથી ! જે માએ પોતાના ધાવણથી આપણને પોષ્યાં, તે માને પૈસાના લોભે કંઇ વેચી દેવાય ?

જ્યારે વેપારી ? વેપારી જમીનને  લે-વેચ કરવાની જરા ‘મોટી જણસ’ ગણે છે. એને ક્યાં અંદરથી ઘઉં-ચોખા પાકે તો જ છોકરાં વાળુ ભેળા થાય એવી ગણતરી હોય છે ? એ શુંકામ જમીનનું જતન કરવાની લપમાં પડે ભૈ ? તમે જુઓ ! વધુ પૈસા કઢાવવા ગરજવાનને ગોતવા પડે ! એક દાખલો આપી સમજાવું. સૌરાષ્ટ્રના ગામડાંઓમાં બળદની લે-વેચ કરવાવાળા ચુનારા, દેવી પૂજક, સંધી વગેરેએ ઢોરવાડામાંથી સસ્તાભાવે બળદિયા ખરીદેલા હોય. તેને ધમારે, શીંગડાં સોરી અણીદાર બનાવે, તેની ઉપર તેલ-મેશ ચોપડી ચળકાટ લાવે, રંબબેરંગી મોરડો પહેરાવે, કપાળે મથરાવટી અને ગળે ઘુઘરમાળ ટીંગાડી જાણે જાનનાં ગાડે જોડવા જ તૈયાર કર્યા હોય, એવા બનાવી બરાબર વાવણી ટાણે ગામને ગોંદરે લાવી ઊભા રાખે. અગાઉ અઠવાડિયું ડારો-બીક બતાવી એવી તાલીમ આપી હોય, કે ખરીદનાર અવાણ લેતી વખતે જ્યાં “ફર” કહે ત્યાં “ફરંગટી” ખાઇ જાય એવું પાણી બતાવે ! ગ્રાહક અંજાઇને એવો ભુંડાઇનો પડે કે ન પૂછો વાત ! શણગારેલ બળદિયો  ખરે ટાણે પછી ટાઢો પડે કે નીકળે ખૂંટલ-ખરીદનારના ભાગ્ય ! એમ વેચાવ જમીન ફરતું  રંગબેરંગી થાંભલા વાળું ફેંન્સીંગ કરી દે, સરસ મજાનો દરવાજો બનાવી ઉપર “ ફલાણા ફલાણા ફાર્મ” એવું બોર્ડ લગાવી દે અને બસ, ટાંપમાં જ હોય કે ક્યારે કોઇ નાણાંવાળાની નજર પડે, અને ક્યારે આ ફાર્મનો ઘડોલાડવો કરી નખાય !

ક્રેજ બદલાયો છે = હમણા હમણાના થોડાં વરસો પહેલાની વાત કરું તો અન્ય વ્યવસાયોમાં સારું કમાયેલા લોકોએ  શહેરોમાં પોપડા, પ્લોટ, તૈયાર મકાન કે સોના-ચાંદીમાં કરાતા રોકાણોની જેમ ખેતીવાડીની જમીનોમાં રોકાણો કરવાનું શરુ કર્યું. અને એય પાછું એ રીતે શરુ કર્યું – જાણે જમીન ખરીદવાનો પૈસાદાર લોકોના મગજ ઉપર ‘તાવ’ ચડી ગયો હોય ! જ્યાંથી મળે ત્યાંથી બસ જમીન ખરીદો અને વધુ રકમ આપનાર કોઇ મળી જાય, તો વેચી મારો ! વળી ખરીદો…વેચો…..ખરીદો…..

હજુ હમણાંના થોડાં વરહ પહેલાની જ વાત કરું = “હીરજીભાઇ ! તમારા ગામમાં નદીકાંઠે કોનું કટકું વેચાવ છે ?” હીરાઉદ્યોગમાં ખૂબ આર્થિક સધ્ધરતા પામેલા સુરતવાસી મારા મિત્રનો ફોન આવ્યો. મેં કહ્યું “મને ખબર નથી ભાઇ 1” તો કહે “ત્યારે શું ગામમાં રહો છો ? ગામમાં કોની જમીન વેચાવ છે, એટલીયે ખબર નથી રાખતા ?” મનેતો ઉધડો લીધો. “ ખેડૂતને માટે તો જમીન માતા તુલ્ય છે. ખબર હોય તોય મારાથી કોઇને કેમ પુછાય કે અલ્યા, તેં માને વેચવા કાઢી છે ?” મેં મારા બરનો ખુલાસો કર્યો. તો કહે-“ઠીક છે ઠીક છે ! જવા દ્યો એ માતા-ફાતા વાળી વાત, અને મને વિગત મેળવી આપો કે  નદીકાંઠાની એ વેચાવ જમીન કોની છે ? કેટલા વીઘા છે, અને શું કિંમત કરે છે વગેરે…”

મેં તપાસ કરી તો ખ્યાલ આવ્યો કે એક દેવીપૂજક કુટુંબને વરસો પહેલાં સરકાર તરફથી સાંથણીમાં મળેલ અને એમનામ પડી રહેલ, જેને ખેડુતની ભાષામાં તો જમીન બનાવવી પડે, તેવો નદીકાંઠાના ધોવાણથી ચરેરા પડી ગયેલો એ ટુકડો, મઠા હમીરે વેચવા કાઢ્યો છે તે મારા મિત્રની વાત સાચી હતી. મેં બીજા દિવસે ફોનથી બધી વિગત જણાવી તો કહે, “ સાંથણી-બાંથણી તો સમજ્યા હવે !  7-12 અને 8-અ ના પાનિયાં નીકળે એટલું પૂરતું છે. કાયદાતો ફરી જાય ! ઇ તો આજ પૈસા ખરચીએ એટલે દસ્તાવેજે થઇ જાય અને એંટ્રીએ પડી જાય ! એની ચિંતા તમે કરો માં 1 આપણે ક્યાં એને મૂકી રાખવી છે કે અંદર ખેતી કરવી છે ? તે આવી છે – ને –તેવી છે વગેરે ચીકણાઇ કરો છો ? કિંમત શું કરે છે તે કહોને !” મેં કહ્યું,” નાના વીઘે પાંચ લાખ, અને દસ્તાવેજ ખર્ચ રાખનાર માથે.” “ ભલે પાંચ લાખના કાકા ! પછી ? એમ કરો, એને પચાસ હજાર બાનું પકડાવી દ્યો અને સાટાખત  કરાવી લ્યો. બે ચાર દા’ડામાં હું ત્યાં આવી બાકીના રોકડા ગણી દઇશ અને દસ્તાવેજ કરાવી જઇશ.” હું તો “તું બીજાને વચમાં નાખ, આવા સોદા કરવાનું મારું કામ નહીં,” કહી, એ લપમાંથી છૂટ્યો. કોઇ વીઝિટ-ફી આપે તોય આંટો જવાનું મન ન થાય –એવી ખારા-ખરાબા અને ઉખડ બુખડિયા-ધોવાણિયા અને ભયંકર અસા વાળી જમીનોના પાંચ પાંચ ને છ છ પેટી પૈસા બોલાઇ ગયા અને કૈંક  “या होम” કરીને કૂદી પડ્યા છે. ખબર નથી આ હંગામો ક્યાં જઇ પહોંચશે !

ખરી ચિંતા અહીં છે = પણ ખેતીની જમીનની આ થઇ રહેલી સોદાબાજીના કારણે જમીનની ઉત્પાદકતા પર ધ્યાન અપાતું નથી. પૈસા પેદા કરનારને ઉત્પાદકતા જોઇતી નથી. આ કારણે જમીન નિર્માલ્ય અને બીનઉપજાઉ બની રહી છે. અને ખરેખર ખેતીમાંથી જ રોટલો રળે છે, એવા ખેડૂતોને તો વિઘોયે જમીન લેવી આકરી છે. ખેતી કર્યે કંઇ આટલું નાણું તો ન જ નીકળે ને ! આ ધાંધલ જો  અટકશે નહીં, તો આવતા દિવસોમાં ખેતી અને ખેડુત બન્ને ભાંગી જવાનાં .

બે મુદ્દે કઠણાઇ બેઠી છે = ખરીદનારને પૂરી ખબર છે-જમીનમાં રોકેલા નાણાંનું  અંદર ખેતી કરવાથી બેંકવ્યાજ પણ છૂટવાનું નથી. એટલે આ ‘તાજા માલિક’ ની દ્રષ્ટિ અંદર ખેતી કરવાની તો છે જ નહીં ! પછી તે શા માટે સારી ખેડ, ખાતર-પોતરનું ઉમેરણ કે ધોવાણ અટકાવી જમીનની ગુણવત્તા જાળવવાના ખર્ચા કરે ? એ તો ખાલી કબ્જાહક્ક જાળવવા કામચલાઉ મજૂર-ભાગિયા શોધીને કહે “ બોલ ! તને બીજા ખેડુતો  25 કે વધીને 30 ટકા તારી મજૂરીનો ભાગ આપે છે ને ? પણ મારી જમીન જો તારે વાવવા રાખવી હોય તો- તારે જે વાવવું હોય તે વાવવાની તને છૂટ ! જે ઉપજ આવે તે બધી તારી ! છતાં ઘટે તો મને કહેવાની છૂટ ! જો કબૂલ હોય તો આવતી કાલથી તારો ધબાલો-રસાલો લઇ, આવી જા આપણા ફાર્મ પર. આ લે, આ  મારું  કાર્ડ ! એમાં ફોન નંબર છે-કંઇ જરૂર લાગેતો  ફોન કરજે. ફોન તારી પાસે ન હોય,તો એય મોકલીશ ! હવે તો રાજીને ?’’ બોલો, આવી ફાફડાની ફાંટ, આંકડે મધ માખીઓ વિનાનું, न लगे हींग,न फीटकरी, रंग गाढा आये ! શુંકામ અન્ય ખેડુતને ત્યાં 25-30 ટકાવાળી મજૂરીની ભાગીદારી કરવા જાય ? “એયને….વગર ખર્ચે – નહીં નાખવાનું ખાતરકે નહીં બાંધવાનો ક્યાય પાળો ! સાંઠી ને તલહરા તો પડામાં જ સળગાવી દેવાનાં ! વગર ખર્ચે અને ઓછી મહેનતે જે મળ્યું તે-એમાં આપણાં બાપનું શું જાય છે ? નહીં મળે, નહીં મળે તોય  આપણા રોટલા પુરતું તો મળી જ રહેવાનું ! અને નહીં તો શેઠિયો તો ઘટ પુરવાનું  કહી જ ગયો છે ને ! આપણે શુંકામ વધુ પેદા કરવાની માથાકાહટીમાં પડવું ભલા ! એય ને ફારમનું રખોપું રાખીએ, જે મળે તેને શેઠિયાની મેરબાની ગણીએ અને લીલાલહેર કરીએ !”  મજૂર પણ આ વિચાર સરણીનો જ અમલ કરે છે.

પરિણામે સારી સારી જમીનો પણ જરૂરી માવજતો ના અભાવે પોતાની ઉત્પાદકતા ગુમાવી નબળાઇ દેખાડવા લાગી છે. આ જમીન રાખનાર શેઠિયાને મન ભલે અંદરથી ઉત્પાદન મળે કે ન મળે તેની કોઇ કિંમત ન હોય, પણ દેશને દેખીતું નુકશાન થઇ રહ્યું છે. અને જેને ખેતી ધંધામાંથી રોટલો રળવો છે, તેવા સાચકલા ખેડુતને સમયસર કામ આટોપવા પૈસા દેતાંય મજૂર મળતા નથી અને ધાર્યું ઉત્પાદન લેવું છે છતાં લઇ શકતા નથી.

જોજો ક્યાંક આવું ન થઇ બેસે ! = અગાઉનો ઇતિહાસ તપાસો. હજુ બહુ વેળાએ નથી વીતી એની માથેથી. રજવાડાંના રાજવીઓ ખૂબ જમીન જથ્થાના માલિકો હતા.પણ ખેતી તો “ગણોતિયા” બની ખેડુતો જ કરતા હતા. ધરતી તો ખેડે એની થાય છે ભાઇ ! અને આપણે અનુભવ્યું છે કે રજવાડાં ગયાં અને જમીનની એની માલિકી પણ ગઇ. અને જેઓ ખરેખર જમીન ખેડનારા હતા, તેઓ ગણોતિયા મટી “ખાતેદાર’’ બન્યા.

એ સમય ફરી આવી જાય તો આંચકો ન ખાશો ભલા ! આપણ પૈસાદારોને જમીન ખેડવામાં નહીં,-એના માલિક બની માલેતુજાર થવામાં રસ છે. કાયદો કંઇ અગાઉથી ચેતવણી આપી નથી બહાર પડાતો. પાછલા છ-બાર માસના કે 5-7 વરસના સમયથી અમલવારીનો આદેશ બહાર પડે અને હાલના ખેતી સંભાળી રહેલા “ભાગિયા” બધા જમીનના માલિક બની બેસે, તો એમાં કાંઇ ખોટું થયું થોડું ગણાશે ? ધરતી તો ખેડે એની જ થાયને ? એને પણ બંદી બનાવી- એના માલિક થઇ બેસી, સોદાબાજીની ચીજ ગણી લઇ , ઘેર ઘેર રખડાવ્યા કરે, એવા જમીન-સોદાગરોની બજારુ ચીજ બનવા કરતા શ્રમિક બની સેવા કરનાર વહાલા છોરું ખેડુતની જનેતા બનવાનું જ વધારે પસંદ કરેને ભઇલા !


સંપર્ક : હીરજી ભીંગરાડિયા , પંચવટીબાગ, માલપરા જિ.બોટાદ [મો.+91 93275 72297] ǁ ઈ-મેલઃ :krushidampati@gmail.com

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.