વ્યાવસાયિક આરોગ્ય અને સલામતી : ૨૮ એપ્રિલ- આંતરરાષ્ટ્રીય કામદાર સ્મૃતિ દિવસ કે વર્લ્ડ ડે ફોર સેફટી એન્ડ હેલ્થ એટ વર્ક?

જગદીશ પટેલ

૧૯૮૫ના ૨૮ એપ્રિલના દિવસે કેનેડીયન પબ્લીક સર્વીસ યુનીયને કામને કારણે થયેલા અકસ્માતમાં માર્યા ગયેલા કામદારોને અંજલી આપવાનો કાર્યક્રમ ગોઠવ્યો. વિશ્વભરમાં કામદારોના આરોગ્ય અને સલામતીને મુદ્દે કામ કરતા સંગઠનોએ આ વિચારને આગળ વધાર્યો. ધીમે ધીમે આ ઝુંબેશને વેગ મળ્યો. હવે સો કરતાં વધુ દેશોમાં દર વર્ષે આ દિવસ આંતરરાષ્ટ્રીય કામદાર સ્મૃતિ દિવસ તરીકે મનાવાય છે. ૧૯૯૨માં યુરોપિયન વર્ક હેઝાર્ડ કોન્ફરન્સમાં મારે હાજરી આપવાનું થયું ત્યારે મને જાણ થઇ. તે પછીના વર્ષથી અમે ગુજરાતમાં આ દિવસ મનાવવાનું શરૂ કર્યું. ખરૂ કહેતાં વડોદરા ખાતે અને પછી ખંભાતના અમારા કાર્યવિસ્તારમાં. પાછળથી બાંધકામ મઝદુર સંગઠનને રસ પડતાં એ દર વર્ષે અમદાવાદ—સુરત વગેરે સ્થળોએ આ દિવસને ઉત્સાહપુર્વક મનાવે છે.

આઇ.એલ.ઓ. દ્વારા ૨૦૦૩માં આ દિવસને વર્લ્ડ ડે ફોર સેફટી એન્ડ હેલ્થ એટ વર્ક તરીકે મનાવવાનું જાહેર થયા બાદ મોટાભાગે ઉદ્યોગોમાં આ દિવસ આ નામે મનાવાય છે જયારે કામદાર જુથો હજુ તેને ડબ્લ્યુએમડી  વર્કર્સ મેમોરીયલ ડે (કામદાર સ્મૃતિ દિવસ) તરીકે મનાવવાનું પસંદ કરે છે. કયાં કેવી રીતે મનાવાય છે અને કેવી તૈયારીઓ ચાલે છે તે જાણવા આ લિન્કની મુલાકાત લેવી રહીઃ https://28april.org/ .

ભારતમાં ૪ માર્ચ, ૧૯૬૬ને દિવસે નેશનલ સેફટી કાઉન્સિલની સ્થાપના થઇ હતી તેથી ભારતમાં ૪ માર્ચ રાષ્ટ્રીય સલામતી દિવસ તરીકે મનાવાય છે અને કેટલાક લોકો આખું અઠવાડીયું મનાવે છે. તે અગાઉ ૯ જુલાઇ, ૧૯૪૮ને દિવસ જમશેદપુર ખાતે “સોસાયટી ફોર ધ સ્ટડી ઓફ ઇન્ડસ્ટ્રીયલ મેડિસિન”ની સ્થાપના થઇ તેથી ૯ જુલાઇનો દિવસ ભારતમાં વ્યાવસાયિક આરોગ્ય દિવસ તરીકે મનાવાય છે.

બ્રિટીશ સેફટી કાઉન્સીલના એક અહેવાલ મુજબ ભારતમાં દર વર્ષે ૪૮ હજાર કામદારો કામના સ્થળે થતા અકસ્માતોમાં માર્યા જાય છે. બ્રિટનમાં કામને સ્થળે અકસ્માતમાં મૃત્યુનું જે પ્રમાણ છે તે કરતાં આ પ્રમાણ ૨૦ ગણું વધુ છે. વિશ્વ આરોગ્ય સંસ્થાના અહેવાલ મુજબ વિશ્વમાં દસ કરોડ કામદારોને કામના સ્થળે થતા અકસ્માતોમાં ઇજા પહોંચે છે તે પૈકી ૧ લાખના મૃત્યુ થાય છે. ભારતમાં ૧૭ કરોડ કામદારોને ઇજા થાય છે જે વિશ્વમાં થતી ઇજાઓના ૧૭% છે. પણ જીવલેણ અકસ્માતોમાં ૪૫,૦૦૦ના મરણ થાય છે જે વૈશ્વિક આંકડાના ૪૫% છે! આ ઉપરાંત વિશ્વમાં ૧૧ કરોડ કામદારો વ્યાવસાયિક રોગોનો ભોગ બને છે તે પૈકી ૧૯ લાખ ભારતના હોય છે. વ્યાવસાયિક રોગોને કારણે વિશ્વમાં ૭ લાખ કામદારોના મોત થાય છે તે પૈકી ૧.૧૯ લાખ ભારતીય કામદારો હોય છે. જો કે ભારતમાં કોઇ એક સ્થળે કામને સ્થળે થતા અકસ્માતોના આંકડા મેળવવાનું મુશ્કેલ છે. જુદા જુદા સ્રોતોમાંથી તમારે આંકડા શોધવા પડે છે. નેશનલ ક્રાઇમ બ્યુરો રિપોર્ટ, લેબર બ્યુરો, ડીજીફાસલી, ડીજીએમએસ, ઇએસઆઇસી વગેરે અને છતાં તમને સાચું ચિત્ર એ પછી પણ ન મળે તેમ બને. ડીજીફસલી માત્ર નોંધણી પામેલા કારખાનાઓમાં થતા અકસ્માતના આંકડા આપે. રાજય સરકારના મજૂર ખાતા દ્વારા દર વર્ષે એમની પાસે જમા કરાવાતા રિટર્નને આધારે એ લોકો આંકડા આપે પણ ઘણા રાજયો એમને સમયસર રિટર્ન ન મોકલે તો એ રાજયના આંકડા એમાં ન હોય. ૨૦૧૪થી ૨૦૧૬ના ત્રણ વર્ષના ગાળામાં ૫ મહત્ત્વના રાજયોમાં ૩૫૬૨ કામદારોના મોત કારખાનાઓમાં થયા હતા અને ૫૧,૧૨૪ને ઇજા પહોંચી હતી, હવે આ ઇજાને કારણે કેટલાને કાયમી અપંગતા આવી હતી તેની માહિતી તમને ન મળે. ૨૦૧૩માં દર લાખ કામદારે ઇજાનો દર ૦.૩૭ હતો જે ૨૦૧૪માં વધીને ૦.૪૯ થયો. ઇ.એસ.આઇ.કોર્પોરેશનના આંકડા જોઇએ તો ૨૦૧૬—૧૭માં ૨.૪૧ કરોડ અને ૨૦૧૭—૧૮માં ૩.૦૨ કરોડ કામદારોને ઇજા થઇ તે પૈકી ૧૬—૧૭માં ૨.૫૭ લાખને અને ૧૭—૧૮માં ૨.૬૯ લાખને કાયમી ઇજા થઇ. ૨૦૧૬—૧૭માં ૧૭૯૬ કામદારોના કામને કારણે અકસ્માતમાં મોત થયા અને ૧૭—૧૮માં ૧૭૩૯ના.

આઇ.એલ.ઓના અંદાજ મુજબ દરરોજ ૬૪૦૦ કામદારો કામને સ્થળે થતા અકસ્માતમાં માર્યા જાય છે અને ૮,૬૦,૦૦૦ને ઇજા પહોંચે છે. વર્ષે ૩.૫૦ લાખ કામદારો જીવલેણ અકસ્માતોને કારણે જીવ ગુમાવે છે અને બીજા ૨૦ લાખ કામદારોના મોત વ્યાવસાયિક રોગોને કારણે થાય છે. ૩૧.૩ કરોડ કામદારોને અકસ્માતને કારણે એવી ગંભીર ઇજા પહોંચે છે કે તેઓ કામે જઇ શકતા નથી. વર્ષે ૧૬ કરોડ કામદારો વ્યાવસાયિક રોગોનો ભોગ બને છે. આમ અકસ્માતોને કારણે જેટલા મોત થાય છે તે કરતાં છ ઘણા વધુ મોત વ્યાવસાયિક રોગોને કારણે થાય છે.કામને કારણે થતા કેન્સર, સીલીકોસીસ, એસ્બેસ્ટોસને કારણે થતા રોગો, રસાયણોના સંપર્કને કારણે થતા કીડની અને લીવરના રોગો, કેડમીયમ—સીસું—પારો—ક્રોમીયમ જેવી ધાતુઓને કારણે થતા રોગોનો ભોગ કામદારો બનતા હોય છે પણ તે બધું જાહેર જનતાની નજરથી અદ્દશ્ય રહે છે.

આ સંદર્ભે આઇ.એલ.ઓ.નો ૨૦૦૩નો એક અહેવાલ છે.[1]  જુદા જુદા વ્યાવસાયિક રોગોને કારણે જે ૨૦ લાખ કામદારોના મોત થાય છે તે કયા કયા રોગોને કારણે થાય છે તેના અંદાજ બાંધવામાં આવ્યા છે. તે મુજબ ૩૨% મોત કામ સંબંધી કેન્સરને કારણે થાય છે. કેન્સરજનક રસાયણો અને પ્રક્રિયાઓ, એસ્બેસ્ટોસ, આયોનાઇઝીંગ કિરણો અને રેડોન— પારજાંબલી કિરણો અને રેડીયોધર્મી પદાર્થો, સીલીકા અને અન્ય કેન્સરજનક રજકણ, કામને સ્થળે બીજા લોકો બીડી સિગારેટ પીતા હોય તેના ધુમાડા અન્ય લોકોના શ્વાસમાં જવા. ડીઝલ એન્જીનના ધુમાડા  વગેરેને કારણે કેન્સર થતા હોય છે. તે કારણે ૨૦ લાખ પૈકી ૬.૪૦ લાખના મોત આ કારણે થાય છે. બીજા ૪.૬૦ લાખ કામદારોના મોત રૂધિરાભિસરણતંત્રના રોગોને કારણે થાય છે. લોહીની જરૂર શરીરના તમામ અંગોને પડે છે કારણ લોહી દ્વારા જ પ્રાણવાયુ બધે પહોંચે છે. હ્રદયરોગ, લોહીનું ઊચું દબાણ,પેરીફરલ આર્ટરી ડિસીઝ. લોહીની નળીમાં ગઠ્ઠા જામી જવાને કારણે તેનો પ્રવાહ રૂન્ધાવો વગેરે રોગો આ વિભાગમાં આવે. રાતપાળી અને ફરતી પાળીમાં કામ, કામના લાંબા કલાક અને વધુ પડતા કામને કારણે “કરોશી”ને કારણે થતા મોત, અવાજ, ઇજાનું જોખમ, કાર્બન ડાયસલ્ફાઇડ—નાઇટ્રોગ્લીસરીન, કોબાલ્ટ, સીસું, કાર્બન મોનોકસાઇડ, આર્સેનીક, એન્ટીમની અને તમાકુના ધુમાડાને કારણે આ પ્રકારના રોગો થાય છે. ૧૯% એટલે કે ૩.૮૦ લાખ કામદારો અકસ્માતોમાં માર્યા જાય છે. બીજા ૧૭% ચેપી રોગોને કારણે મૃત્યુ પામે છે.તેમાં ટીબી, મેલેરીયા, કોરોના જેવા રોગોનો સમાવેશ થાય છે.

અકસ્માત અથવા વ્યાવસાયિક રોગોને કારણે ઇજા થાય છે. તે કારણે કામદારો જેટલા દિવસ કામે જઇ શકતા નથી તે કારણે વૈશ્વિક જીડીપીને ૪% જેટલું નુકસાન થાય છે પણ કેટલાક દેશોમાં એ પ્રમાણ ૬% સુધી પહોંચે છે. આ ૪% એટલે કેટલા? ડોલરના રૂ..૭૭/—નો ભાવ ગણીએ તો થાય રૂ..૯૬.૩૫ લાખ કરોડ! જોખમી પદાર્થોના સંપર્કને કારણે વર્ષે અંદાજે ૧૦ લાખ કામદારોના મોત થાય છે.

બીજા વિશ્વયુધ્ધ દરમિયાન મોરચે યુધ્ધ લડતા સૈનિકોને ખાવા—પીવા—ઓઢવા—પાથરવા—દવા—દારુ—શસ્ત્રો અને દારુગોળા એમ અનેક ચીજોની સતત જરૂર પડે અને તે બધું તાકીદે પહોંચાડવા વાહનો જોઇએ અને રસ્તા જોઇએ. તે સમયે સમયસર ઉત્પાદનનું મહત્ત્વ સૌને સમજાયું. કામને સ્થળે થતા અકસ્માતોને કારણે સેંકડો કામદારો મોરચે ગયા વિના જ ખાટલે પડેલા અને અનુત્પાદક થતા જોવા મળેલા જે પોતાના અને પોતાના કુટુંબ માટે તો ખરા જ પણ સમાજ માટે પણ એક મોટો બોજ બને. કામ કરવાની ઉંમરમાં જે ખાટલે પડયા છે તેમને સારવાર આપવી પડે અને તેમની અન્ય જરૂરિયાતોનું ધ્યાન આપવું પડે અને તેમાં ઘણા સમય, શક્તિ અને સંસાધનો વપરાય. તેને કેમ કરી ફરી ઉત્પાદક બનાવી શકાય તે બાબતમાં રોકાણ કરવું,  તેને તેની અપંગતા સાથે નવા કામ માટે તૈયાર કરવા નવી તાલીમ આપવી અને તેને અનુકુળ કામ શોધી આપવા જેવા કામ મહત્ત્વના હોવાનું સમજાયું.

કામના સ્થળો કામ કરનારને માટે સલામત હોવા જોઇએ અને તે માટે કાયદા પણ હોવા જોઇએ, કાયદાનું પાલન કરાવનાર ચુસ્ત તંત્ર હોવું જોઇએ, એ તંત્રને તાલીમ આપી તૈયાર કરવા પડે. બીજી બાજુ યંત્રો અને ટેકનોલોજી કામદારને અનુકુળ આવે અને ફેઇલસેઇફ હોય તેવી ડિઝાઈનના હોવા જોઇએ અને કામદારોને સલામતપણે કામ કરવાની તાલીમ વારંવાર અપાવી જોઇએ. મોટાભાગના અકસ્માતો અટકાવી શકાય તેવા હોય છે તે પણ વૈજ્ઞાનિક સંશોધનોને કારણે સમજાયું. અકસ્માતો નસીબ કે દૈવીઇચ્છાને કારણે થતા નથી. અકસ્માતો પછી તેનું વૈજ્ઞાનિક પૃથકકરણ કરવામાં આવે તો કઇ ત્રુટીને કારણે અકસ્માત થયો તે જાણી શકાય અને ભવિષ્યમાં એ પ્રકારના અકસ્માત ફરી ન થાય તે માટે જરૂરી પગલાં લેવાય તો ફરી એવા અકસ્માતનું પુનરાવર્તન ન થાય.

એજ રીતે વ્યાવસાયિક રોગોને અટકાવવા કામના વાતાવરણ પર દેખરેખ રાખવી, તેનું વૈજ્ઞાનિક ઢબે માપન અને આકલન કરવું, કાનુની મર્યાદાઓને ધ્યાનમાં રાખી તેનું નિયંત્રણ કરી કામના વાતાવરણને પ્રદુષણમુકત રાખવાની ફરજ માલીકોની રહે છે.

આ પ્રદુષણોની કામદારોના આરોગ્ય પર શી અસર પડી રહી છે તેનું આકલન પણ જરૂરી છે. તે માટે બાયોલોજીકલ મોનીટરીંગ કરવું પડે. કાર્યસ્થળમાં વપરાતા પદાર્થોના જોખમોના સંદર્ભમાં કામદારના લોહી, પેશાબ કે અન્ય નમુનાઓ તપાસીને જોવું પડે અને તેને આધારે નિર્ણયો લેવા પડે. વ્યાવસાયિક રોગોના નિષ્ણાત તબીબોની મદદ લેવી પડે. આપણા કાયદાઓમાં વ્યાવસાયિક રોગોની યાદી આપવામાં આવી છે. તે રોગનું નિદાન કરનાર તબીબે તે અંગેની માહિતી સરકારના ચોકકસ વિભાગને આપવાનું ફરજીયાત છે. તેને આધારે જે તે કારખાનામાં તપાસ કરી ઘટતાં પગલાં લેવામાં આવે તો અન્ય કામદારોને તેનો ભોગ બનતા બચાવી શકાય. જો કે આપણે ત્યાં તબીબો એવી તસ્દી બીલકુલ લેતા નથી. અરે બીજા બધા છોડો, ઇએસઆઇના તબીબો પણ જુદા નથી.

૨૮ એપ્રિલના જાહેર કાર્યક્રમો દરમિયાન કામદાર સંગઠનો કે જુથો આ સમસ્યા પ્રત્યે સમાજ, સરકાર, ઉદ્યોગોનું ધ્યાન ખેંચે છે અને પોતાની માગણીઓ રજુ કરે છે. ધરણા, પ્રદર્શન, રેલી કાઢે છે,                             સુત્રો અને બેનરો દ્વારા પોતાની માગણીઓ અને રાજય, દેશની સ્થિતિનો ચિતાર રજુ કરે છે અને પીડીત કામદારોની  પીડા રજુ કરે છે. આ કાર્યક્રમોમાં પીડીત કામદારો જોડાય તે માટે તેમને પ્રોત્સાહિત કરવામાં આવે છે તો કેટલાક દેશોમાં પીડીત કામદારો જાતે જ સંગઠીત થઇ પોતાના સંગઠનો દ્વારા કાર્યક્રમોનું આયોજન કરતા હોય છે. પીડીત કામદારો અકસ્માતોની યાદમાં સ્મારક બનાવવાની માગણી કરતા હોય છે અને જયાં એવા સ્મારકો છે તેની આસપાસ કાર્યક્રમ ગોઠવી માધ્યમોની મદદથી પોતાનો સંદેશ વહેતો મુકે છે. તેઓ “મૃતકોને અંજલી અને જીવિતો માટે સંઘર્ષ” જારી રાખવાના શપથ લે છે. ગત વર્ષ દરમિયાન અકસ્માત કે વ્યાવસાયિક રોગોને કારણે માર્યા ગયેલા કામદારોની તસ્વીરો ગોઠવવામાં આવે છે, મૃતકના કુટુંબીજનો અને મિત્રો મૃતક માટે આંસુ સારી શોક વ્યકત કરે છે અને તેમની તસ્વીરોને ફુલોના હાર અર્પે છે. કર્મશીલો આ અકસ્માતો કોની ચૂકને કારણે થયા, તે માટે ગુનેગારોને સજા કરવા, મૃતકના કુટુંબીજનોને યોગ્ય વળતર આપવા માગણી કરે છે અને આવા અકસ્માતો ફરી ફરી ન બને તે માટે પગલાં લેવા રાજય પાસે માગણી કરે છે.

આ બધું અટકાવવા કે ઘટાડવા સરકારી નીતિઓ અગત્યની છે. નીતિઓનો આધાર આંકડા હોય છે. આપણા અને બીજા ઘણા દેશોમાં અકસ્માતો અને વ્યાવસાયિક રોગોના વિશ્વસનીય આંકડા જ ઉપલબ્ધ નથી તે કારણે સારી નીતિ કે કાયદા બનતા નથી. ૨૦૦૯માં ભારત સરકારે કામને સ્થળે સલામતી, આરોગ્ય અને પર્યાવરણ માટેની રાષ્ટ્રીય નીતિ જાહેર કરી ખરી પણ તે પછી આવેલી નવી સરકારે તેને પોટલામાં બાંધીને મુકી દીધી અને હવે મજૂર કાયદાઓનું સરળીકરણ કરવા અનેક કાયદાઓનું ચાર કોડમાં એકત્રિકરણ કરવામાં આવ્યું પણ પેલી રાષ્ટ્રીય નીતિ વિષે કોઇ ચર્ચા નથી. જયાં આંકડા નથી ત્યાં એ સમસ્યા જ નથી. જયાં સમસ્યા જ નથી ત્યાં તેના ઉકેલ માટે નાણાંકીય સ્રોતો કોણ મેળવી આપશે? નાણાં વગર શું કોઇ કાર્યક્રમ શકય છે?

ચાલો, વળી પાછા આપણે ૨૮ એપ્રિલના કાર્યક્રમો તરફ પાછા વળીએ. દર વર્ષે તેની તૈયારીના ભાગ રૂપે આઇએલઓ અને/અથવા ઇન્ટરનેશનલ કોન્ફડરેશન ઓફ ટ્રેડ યુનિયન્સ દ્વારા ચોકકસ વિષય જાહેર કરવામાં આવે છે જેની આસપાસ જે તે વર્ષના કાર્યક્રમો અને કેમ્પેઇન ડિઝાઈન થાય છે.

ભારત આજે વિશ્વગુરૂ બનવાની હોડમાં ઉતર્યું છે. એ ચીનને પછાડી અમેરિકાની હારોહાર ઉભવા મથતું હોવાની ડંફાસો મારે છે. લાખો, કરોડો અપંગ, અશકત, રોગી કામદારોની ફોજ તમારું સપનું પુરું કરી આપશે એવો તમને વહેમ છે ? કે પછી એ કામ કામદારોનું તો નહી જ, દેશના થોડા ઉદ્યોગ સાહસિકો જ તમને વિશ્વગુરૂના પદે બેસાડી આપશે એમ લાગે છે? અમને ડર છે કે મોટી મોટી હાંકવામાં તમે પાયાના પથ્થરોને જ નજરઅંદાજ કરો છો અને તે જ કારણે તમે આગળ વધી શકતા નથી. કામદારો જેટલા મજબૂત એટલો જ દેશ અંદરથી મજબૂત એ વાત સૌએ સમજવી અને સ્વીકારવી પડશે. લોકડાઉન સમયે સ્થળાંતરી કામદારોના ટોળેટોળાં ભર ઉનાળે વતન જવા પોતાનો સામાન અને ટાબરીયાં સાથે નીકળી પડયા તે તેમની મજબૂરી અને તાકાત બંને બતાવે છે. એમને એ મજબૂરીમાંથી બહાર કાઢી સશકત કરવાનું કામ કોઇપણ સમજદાર સરકારની પ્રાથમિકતા હોવી જોઇએ. ઇન્ટરનેશનલ ટ્રેડ યુનીયન કોન્ફડરેશન એક આંતરરાષ્ટ્રીય મજૂર સંગઠનોનું સંગઠન છે. તે છેલ્લા સાત વર્ષથી ગ્લોબલ રાઇટસ ઇન્ડેકસ પ્રગટ કરે છે.[2]  ૨૦૨૦ના તેના અહેવાલમાં દુનિયાના મજૂર અધિકારોનું ઉલ્લંઘન કરતા સૌથી ખરાબ દસ દેશોની યાદીમાં ભારતનો સમાવેશ કરવામાં આવ્યો છે. અન્ય દેશો છે  બાંગ્લાદેશ, ઇજીપ્ત, હોન્ડુરાસ, બ્રાઝિલ, કોલંબીયા, કઝાકસ્થાન, ફીલીપાઇન્સ, ટર્કી અને ઝીમ્બાબ્વે. આમાં નથી પાકિસ્તાન કે નથી ચીન. તે બંનેને આપણે શરમાવીએ તેવા મજૂર વિરોધી છીએ.

આજે વિશ્વ આખાને કોરોનાએ છેલ્લા એક વર્ષથી બાનમાં લીધો છે. લાખોના મોત થયા છે. નોકરી, ધંધા, રોજગાર પર એવી અસર પડી છે કે કરોડો ગરીબીમાં ધકેલાઇ ગયા છે. ભારતમાં લાખો તબીબો, નર્સો અને બીજા આરોગ્ય કાર્યકરો કોવીડ—૧૯નો ભોગ બન્યા અને વિશ્વમાં પણ આરોગ્ય કાર્યકરો માર્યા ગયા. આ ઉપરાંત પોલીસ કર્મચારીઓ, સફાઇ કર્મચારીઓ અને બીજા સરકારી કર્મચારીઓ, બેન્કના કર્મચારીઓ પણ ભોગ બન્યા જેમને માથે કાયદાનું કોઇ રક્ષણ નથી. ખાનગી ઉત્પાદન અને સેવાક્ષેત્રના કામદારો પણ ભોગ બનતા હોવાના, દુકાનદારો ભોગ બનતા હોવાના સમાચાર પણ મળતા રહે છે પણ શું આપણી પાસે કોઇ આંકડો છે ખરો કે કેટલાને કામને કારણે ચેપ લાગ્યો અને તે કારણે કેટલાના મોત થયા?  કેમ નથી? આ સૌને કામને કારણે આ રોગ લાગુ પડયો તે નિ:શંક છે. કામને સ્થળે તેમના આરોગ્યનું રક્ષણ કરવામાં કોણ નિષ્ફળ ગયું? શું એ માટે ભારતમાં પુરતા કાયદા છે? જવાબ છે ના. હવે નવા લેબર કોડ આવશે તેમાં પણ આરોગ્ય કાર્યકરોના રક્ષણ માટે કોઇ જ જોગવાઇ નથી. એવા તો અનેક ક્ષેત્રો છે જે ક્ષેત્રના કામદારોના રક્ષણ માટે કોઇ કાનુની વ્યવસ્થા જ નથી. મ્યુનિસિપલ કોર્પોરેશનના કામદારો હોય કે ટપાલ ખાતાના કામદારો હોય કોઇને માટે કાનુની છત્ર નથી. ઇન્ટરનેશનલ કમિશન ઓન ઓક્યુપેશનલ હેલ્થનો અંદાજ છે કે ૨૦૨૦માં વિશ્વમાં ૬૦,૦૦૦ કામદારોના કોરોનાને કારણે મોત થયા તે કામને કારણે થયા. સંસ્થા માને છે કે જેટલા લોકોને ચેપ લાગે છે તેના ૨૦%ને કામના સ્થળને કારણે ચેપ લાગે છે. માત્ર આરોગ્ય કર્મચારી જ નહી પણ રંગકામ કરનારા, સફાઇ કામદાર, વાહન ચાલકો, શિક્ષકો, અને બીજા અનેક ક્ષેત્રના કામદારોને માથે કામને સ્થળે ચેપ લાગવાનું જોખમ છે.

ભારતમાં કર્મચારી વળતર કાયદો અને કામદાર રાજય વીમા કાયદો છે. બંને કાયદામાં પરિશિષ્ટ  ૩ સામાન્ય છે. આ પરિશિષ્ટ એવા રોગોની યાદી આપે છે જે રોગો માટે કામદાર વળતર દાવો કરી શકે છે. આ યાદીમાં “અ” વિભાગમાં ચેપી રોગોનો સમાવેશ કરેલ છે. માત્ર એક દિવસ પણ કામ કર્યું હોય અને ચેપ લાગે તો વળતરનો દાવો કરી શકાય છે. એટલે અમે માનીએ છીએ કે જેમને કામને કારણે કોરોના થયો અને મૃત્યુ પામ્યા તેમના કુટુંબીજનો વળતરનો દાવો કરી શકે. કેટલા એ કર્યો, કેટલાને વળતર મળ્યું તેની કોઇ માહિતી આપણી પાસે નથી તે દર્શાવે છે કે આપણે કેટલા પછાત છીએ અને વિશ્વગુરૂ બનવાની વાત કરતાં આપણું મોં ગંધાવું જોઇએ.

તાજેતરમાં આઇએલઓની બેઠકમાં કામને સ્થળે સલામતી અને આરોગ્યને પાયાનો અધિકાર(ફંડામેન્ટલ રાઇટ) ગણવાની માગણી થઇ. આ વર્ષે ૨૮ એપ્રિલના કાર્યક્રમ માટે વ્યાવસાયિક આરોગ્ય અને સલામતી માટેની રાષ્ટ્રીય વ્યવસ્થા (સીસ્ટમ)ને મજબુત કરવાની રણનીતિ પર કેન્દ્રીત રહેશે. કોલેજીયમ રામાઝીની નામની પ્રતિષ્ઠિત સંસ્થાએ પાયાના અધિકારની માગણીને ટેકો આપતું નિવેદન પ્રગટ કર્યું છે તો ઇન્ટરનેશનલ કમિશન ઓન ઓક્યુપેશનલ હેલ્થ દ્વારા પણ એવું જ નિવેદન પ્રગટ કરાયું છે. આઇ.એલ.ઓ. ત્રિપક્ષી સંસ્થા છે તેથી આ વાત મહત્ત્વની છે. હવે આ અંગે આગામી દિવસોમાં સર્વસંમતિથી ઠરાવ પસાર થાય તો પછી જે તે દેશની સરકારોએ પોતાના દેશના બંધારણમાં સુધારા કરી પાયાના અધિકારોની યાદીમાં કામને સ્થળે સલામતી અને આરોગ્યના અધિકારને સામેલ કરવો પડે અને સરકારની બંધારણીય જવાબદારી આવી જાય.

યુનાઇટેડ નેશન્સ દ્વારા સભ્ય દેશોને માટે લક્ષ્યાંકો જાહેર કરવામાં આવ્યા છે જેને સસ્ટેનેબલ ડેવેલપમેન્ટ ગોલ્સ (એસ.ડી.જી) કહે છે. આ એસ.ડી.જીમાં લક્ષ્યાંક નં.૩ છે “ગુડ હેલ્થ એન્ડ વેલબીઇંગ” અને નં.૮ છે “ડીસન્ટ વર્ક”. આમાં બધું આવી જાય, કામને સ્થળે સલામતી અને આરોગ્ય એક મહત્ત્વનો માનવ અધિકાર છે જે હજુ આપણા કામદારોને આપણી સરકારો આપી શકી નથી.

આપણા દેશમાં કામદાર સંગઠનો છે જે આંતરરાષ્ટ્રીય મજૂર ચળવળનો ભાગ છે અને તે છતાં આપણે ત્યાં બહુ બહુ તો ૧ મેના કાર્યક્રમ યોજાય છે પણ કેન્દ્રીય કામદાર સંગઠનો મોટા પાયે ૨૮ એપ્રિલ મનાવતા હોય તેવા સમાચાર જોવા મળતા નથી. દેશના થોડા રાજયોમાં વ્યાવસાયિક આરોગ્ય અને સલામતીને મુદ્દે કામ કરતા ભલે થોડા પણ જુથો છે ખરા જે સીલીકોસીસ કે એસ્બેસ્ટોસને કારણે થનારા રોગો માટે ઝુંબેશ ચલાવે છે પણ તે પૈકી પણ બહુ થોડા આ દિવસ મનાવવા આગળ આવે છે તે શોચનીય છે. આટલી ગંભીર સમસ્યાને આપણે કેટલી હળવાશથી લઇએ છીએ! બિલ્ડિંગ એન્ડ વુડવર્કર્સ ઇન્ટરનેશનલની સભ્ય સંસ્થાઓ જો કે આમાં અપવાદ ગણાય. આ ૨૮ એપ્રિલ કામદારોને માટે કામ કરનારા અને તેમને માટે સહાનુભૂતિ રાખનારા સંગઠનો મનાવે અને તેમની માગણીઓ જાહેર જનતા સમક્ષ, સરકાર અને ઉદ્યોગો સમક્ષ બુલંદ અવાજે રજૂ કરે તેવી આપણે અપીલ કરીએ. જેઓ આ દેશનું ભવિષ્ય ઉજળું જોવા માગે છે તે સૌએ પોતાની રીતે પહેલ કરવી જોઇએ.

તો કહો, તમે શું મનાવશો?  આંતરરાષ્ટ્રીય કામદાર સ્મૃતિ દિવસ કે વર્લ્ડ ડે ફોર સેફટી એન્ડ હેલ્થ એટ વર્ક? આમ તો પાયાનો ફરક છે બંનેમાં પણ તમને જે અનુકુળ હોય તે પસંદ કરો પણ ચૂપચાપ બેસી ન રહેતા. હવે બેસી રહેવાના દિવસો ગયા!

[1] https://www.ilo.org/safework/info/publications/WCMS_142840/lang–en/index.htm

[2] https://www.ituc-csi.org/IMG/pdf/ituc_globalrightsindex_2020_en.pdf


શ્રી જગદીશ પટેલના વિજાણુ સંપર્કનું સરનામું:  jagdish.jb@gmail.com  || M-+91 9426486855

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.