બીરેન કોઠારી
સંસ્કૃતિગૌરવ ક્યારેક પ્રજાની એકતા માટે ઉપકારક પરિબળ બની શકે, એમ પ્રજાના વિભાજન માટે પણ કારણભૂત બની શકે છે. કેમ કે, સંસ્કૃતિને કોઈ એક વ્યાખ્યામાં બાંધવી મુશ્કેલ છે, તેને કારણે રૂઢિગત માન્યતાઓ અને માનસિક બંધિયારપણાને જ સંસ્કૃતિમાં ખપાવવામાં આવે છે અને તેનું ગૌરવ લેતા રહેવામાં આવે છે. આમાં માનસિક મોકળાશને ભાગ્યે જ અવકાશ રહે છે અને તેથી સુધારાની શક્યતા શૂન્ય બરાબર હોય છે. આવાં કહેવાતાં સંસ્કૃતિવિષયક દૂષણોને દૂર કરવા માટે ગમે એવો કઠોર કાનૂન ઘડાય, માનસિકતાને એ ભાગ્યે જ બદલી શકે છે. ભારતીય સંસ્કૃતિનું આવું એક મહાદૂષણ એટલે વર્ણવ્યવસ્થા.
હજારો વર્ષ જૂના આ દૂષણને નાબૂદ કરવા માટે અનેક કાનૂન બનતા રહે છે, છતાં તેને લગતા અપરાધ બનતા રહે છે. શાસકો પણ પ્રજાના મનમાં રહેલી ઊંડી માનસિકતાનું પ્રતિબિંબ પાડે છે અને વર્ણવ્યવસ્થાને પ્રોત્સાહન આપતા રહે છે. વક્રતા એવી છે કે વર્ણની તમામ શ્રેણીમાં પણ પેટા વર્ણવ્યવસ્થા હોય છે. તેનો સાર એવો નીકળી શકે કે આપણને કોઈ આપણી બરોબરીનું હોય એવું ભાગ્યે જ ગમે છે. કાં કોઈ આપણાથી ઉપર હોવું જોઈએ, કાં આપણી નીચે કોઈક હોવું જોઈએ.
જ્ઞાતિગત-જાતિગત ભેદભાવો અનેક વરવા સ્વરૂપે એકવીસમી સદીના આ ત્રીજા દાયકાના આરંભે પણ સમાચારરૂપે ચમકતા રહે છે. આ ભેદભાવનું, માનવ ગૌરવની સરેઆમ હાંસી ઉડાવતું સૌથી ભયાનક સ્વરૂપ એટલે માનવ દ્વારા માથે મેલું ઉપાડવાની પ્રથા. હળાહળ હકારાત્મકતાના, વિજ્ઞાન અને ટેક્નોલોજીના પ્રાધાન્ય ધરાવતા આ યુગમાં હજી આ પ્રથા અસ્તિત્ત્વમાં છે એ જ શરમની વાત છે. આ શરમ દેશના કોઈ હોદ્દેદારની, કોઈ તંત્રની કે કોઈ જ્ઞાતિસમૂહની એકલાની નહીં, બલ્કે સમાજ તરીકેની સામૂહિક શરમ છે.
આપણા દેશને આઝાદી મળ્યા પછી છેક 46 વર્ષે, 1993માં માથે મેલું ઉપાડવાની પ્રથાને રદ કરતો કાનૂન પસાર કરવામાં આવ્યો. આ કાનૂન પસાર થયે પણ 28 વર્ષ વીત્યાં. આમ છતાં, ખુદ સરકાર આંકડા આપીને કબૂલે છે કે આ હીન પ્રથા હજી અમલી છે. એટલે કે કાનૂનનો અમલ અસરકારક રીતે પોતાનાથી થઈ રહ્યો નથી.
હકારાત્મક વિચારસરણીના કેફમાં રાચતા ઘણા નિર્દોષ લોકોને એ સવાલ થઈ શકે કે આવું કામ કોઈ છોડી કેમ ન શકે? શા માટે તેઓ આવું કામ ચાલુ રાખે છે? આ જ સવાલને જરા જુદી રીતે પૂછવાથી આપણી સામાજિક નગ્નતા ઉઘાડી થઈ જાય છે. શા કારણે, કઈ મજબૂરીને લઈને માથે મેલું ઉપાડનારા આ કામ છોડી શકતા નથી એ બાબતે આંખકાન ખુલ્લાં રાખવાથી જવાબ મળી જાય એમ છે.
ફેબ્રુઆરી, 2021માં રાજ્યસભામાં સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના રાજ્યકક્ષાના મંત્રી રામદાસ આઠવલે દ્વારા લેખિતમાં અપાયેલા ઉત્તર અનુસાર સમગ્ર દેશમાં હાલ ૬૬,૬૯૨ લોકો માથે મેલું ઉપાડવાના કાર્યમાં જોતરાયેલા છે, જેમાં એકલા ઉત્તર પ્રદેશમાં જ અડધાથી વધુ એટલે કે ૩૭,૩૭૯ લોકો છે. ત્યાર પછીના ક્રમે મહારાષ્ટ્રમાં ૭,૩૭૮ લોકો, ઉત્તરાખંડમાં ૬,૧૭૦ લોકો અને આસામમાં ૪,૨૯૫ લોકો આ હીણપતભર્યા કામ સાથે સંકળાયેલા છે. ગુજરાતમાં ૧૦૮ લોકો છે. અલબત્ત, આ કેવળ નોંધાયેલા આંકડા છે અને વાસ્તવિક આંકડા હજી વધુ હોઈ શકે છે, કેમ કે, સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય અંતર્ગત ‘રાષ્ટ્રીય સફાઈ કર્મચારી આયોગ’ દ્વારા દેશનાં તમામ રાજ્યોને માથે મેલું ઉપાડનારના મૃત્યુ અને તેને સંબંધિત ૧૯૯૩થી અત્યાર સુધીની વિવિધ વિગતો પૂરી પાડવા માટે જણાવાયું હતું. વારંવાર યાદ દેવરાવ્યા પછી કેવળ વીસ રાજ્યોએ આ માહિતી આપી હતી.
મંત્રીશ્રીએ જણાવ્યા મુજબ છેલ્લાં પાંચ વરસમાં ગટરની સફાઈ દરમિયાન ૩૪૦ લોકોનું મૃત્યુ થયું છે. આ પૈકીના 217 લોકોને પૂર્ણ અને 47 લોકોને આંશિક વળતર ચૂકવવામાં આવેલું છે. સવાલ એ છે કે શું વળતર ચૂકવવાથી કામ પૂરું થઈ ગયું? આ પ્રથાને સાવ નાબૂદ કરવા માટે કેમ કોઈ પગલાં ન લેવાય?
હાલ કાનૂની જોગવાઈ અનુસાર કોઈ વ્યક્તિને ગટર કે સેપ્ટિક ટેન્કની સફાઈ માટે રોકનાર વ્યક્તિ યા એજન્સીને પાંચ વર્ષ સુધીની કેદ અથવા પાંચ લાખ સુધીનો દંડ યા બન્નેની સજા થઈ શકે છે. એ મુજબ કસૂરવારને આ સજા કરવામાં આવી કે કેમ?
2013માં આ પ્રથાને પ્રતિબંધિત ઠરાવતો અને તેની સાથે સંકળાયેલા લોકોના પુનર્વસન માટેનો કાયદો અમલી બનાવાયો. આ પછી પણ આ પ્રથા ચાલુ રહી છે. વર્તમાન સરકાર હવે આ કાયદામાં સુધારો લાવવાની વાત કરે છે અને તમામ સફાઈને યાંત્રિક બનાવવા પર ભાર મૂકાઈ રહ્યો છે. આ સફાઈ પૂર્ણપણે યાંત્રિક બને એની સાથેસાથે આ કામદારો માટે રોજગારીના અન્ય વિકલ્પ વિશે જોગવાઈ જરૂરી છે. તેમની જ્ઞાતિને કારણે તેમને કોઈ કામ પર રાખશે કે કેમ એ મુદ્દો એટલો જ અગત્યનો છે.
આ કાયદો, તેની જોગવાઈઓ અને વર્તમાન પરિસ્થિતિ એટલું સ્પષ્ટ અવશ્ય કરે છે કે કેવળ કાયદો બનાવી દેવાથી કશું બદલાઈ જતું નથી. રાજકીય ઈચ્છાશક્તિ ઘણો મહત્ત્વનો ભાગ ભજવે છે. એક તરફ દેશના કહેવાતા વિકાસ અને અત્યાધુનિક ટેક્નોલોજીનું ગૌરવ મૂકીએ તો પણ સામા પલ્લામાં માથે મેલું ઉપાડવાની પ્રથાનું અમાનવીયપણું એટલું પ્રબળ છે કે તેનું પલ્લું નમી જાય. દેશને વિશ્વગુરુ બનાવવાનાં સપનાં આપણે જોતાં હોઈએ યા આપણા નેતાઓ દ્વારા આપણને એ દેખાડવામાં આવતાં હોય તો માનવગૌરવ પર કાળી ટીલી સમાન આ પ્રથાની નાબૂદી કરવા માટે નક્કર પગલાં લેવાવાં જોઈએ. અન્ય નાગરિક સંગઠનોએ આની માંગ કે જરૂરી દબાણ ઊભું કરવું પડે. નહીંતર તેના માટેની યોજનાઓ બનતી રહેશે અને કાયદાઓ કાગળ પર કડક થતા રહેશે. માથે મેલું ઉપાડનારા ફરિયાદ નહીં કરે એટલે એમ માની લેવામાં આવશે કે આ પ્રથા નાબૂદ થઈ ગઈ.
‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૦૮-૦૪–૨૦૨૧ના રોજમાં આ લેખ પ્રકાશિત થયો હતો.
શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)