નલિન શાહની નવલકથા : પ્રથમ પગલું – પ્રકરણ- ૧૧

વિદ્યાર્થી પાસ થાય કે ફેલ, પેશન્ટ જીવે કે મરે, ધંધો ચાલુ રહે છે.

નલિન શાહ

શશીએ ટપાલમાં આવેલા પરબિડીયા પર રાજુલના અક્ષરો ઓળખીને ઉત્સુકતાથી ખોલી કાગળ વાંચવા માંડ્યો.

દીદી,

સુનિતાબેને એક ભાઈને સ્ટેશન પર મને લેવા મોકલ્યા’તા. હોસ્ટેલની વ્યવસ્થા પણ કરી રાખી હતી. બધું જ નિર્વિઘ્ને પાર પડ્યું. ટેલિફોન પર મેં એમનો ખૂબ આભાર માન્યો. હજી પ્રત્યક્ષ મળાયું નથી. કામમાં બહુ જ રોકાયેલા રહે છે. તક મળે એમને પ્રત્યક્ષ મળીને આભાર પ્રદાન કરીશ.

અહીંનું વાતાવરણ બહુજ રમણિય છે. ઓળખાણો પણ ઘણી થઈ. વધુ લખીશ તો આત્મસ્તુતિ જેવું લાગશે એટલે નથી લખતી પણ એક વાત છે કે ચાર પાંચ છોકરીઓ મારાથી આકર્ષાઈને સામેથી દોસ્તી કરવા આવી ને હવે ગાઢ મિત્રો બની ગઈ છે.

બા-બાપુને અલગ પત્ર લખું છે.

તારી રાજુલ.

રાજુલના પત્રો નિયમિત આવતા રહ્યા. એની સતત થતી પ્રગતિનો ચિતાર એ પત્રોમાં વર્ણવતી રહી. છ મહિના પછી મળેલ એક પત્રે એનું દિલ કુતઘ્નતાના ભાવથી ભરી દિધું.

રાજુલે લખ્યું તું ‘સુનિતાબેનને મળવાનો યોગ પ્રાપ્ત થયો નથી પણ ફોન પર નિયમિત સંપર્ક રહે છે. એ પણ ક્યારેક ક્યારે હોસ્ટેલ પર ફોન કરે છે. કેવળ પૂછવા કે બધું કુશળ છે ને… તકલીફ નથી ને કોઈ… પૈસાની જરૂર હોય તો વગર સંકોચે જણાવજે. તારી બ્હેન ભલે મારાથી નાની હોય… કાર્યમાં મારાથી બહુ મોટી છે… એ ભૂલતી નહીં કે તારી કોઈ પણ તકલીફમાંથી – શારિરીક, માનસીક અથવા આર્થિક – તને ઉગારવાની જવાબદારી મારી છે. વિ. વિ.’

સમય વીતતો ગયો… સુનિતાબેન પણ એમના પત્રોમાં રાજુલનો ઉલ્લેખ કરવાનું ચુકતા નહીં. હવે પરદેશના લાંબા પ્રવાસે જતા હોઈ રાજુલની દેખભાળ રાખવાની જવાબદારી પેઢીના મુનિમને અને એમનું કામ સંભાળતા એમના મદદનીશ બ્હેનને સોંપી હતી.

એકબીજાના ખબરઅંતર પૂછવા સિવાય રાજુલ કોક વાર મહિનાઓના અંતરે પોતાની પ્રગતિનો રીપોર્ટ આપતી. ‘વોટર કલર ઓઈલ પેઈંટીંગ કરતાં વધારે મુશ્કેલ છે પણ બન્ને પર મારો હાથ બેસી ગયો છે. રાજા રવિ વર્માના ફોટોગ્રાફીની ગરજ સારે એવા આબેહૂબ ચિત્રકળા પરથી ઈમ્પ્રેશનીઝમ તરફ વળી છું. વાન ગો ને સીઝાં જેવાની કળામાં કલ્પનાનો ઓપ હોય છે. આ બધું તને શબ્દોમાં સમજાવવું મુશ્કેલ છે. હું મળીશ ત્યારે તેના ચીતરેલાં ઉદાહરણો બતાવીશ.’

‘મારું અંગ્રેજી સાહિત્યનું જ્ઞાન અને વાંચન ખૂબ જ ડેવલપ થયું છે. ઘણું ખરૂં કોન્વેન્ટમાં ભણેલી સહેલીઓને આભારી છે. મેં પણ મહેનત કરવામાં પાછીપાની નથી કરી. અત્યાર સુધી ઓપોરચ્યુનીટીના અભાવે જે નથી પામી એ હવે ફ્રી ટાઈમનો વાંચનમાં ઉપયોગ કરી કોમ્પેન્સેટ કરૂં છું.’

જો ને, કેટલા બધા અંગ્રેજી શબ્દો કાગળમાં વાપર્યા છે એ સાહજીક છે. તને ઈમ્પ્રેસ કરવા નથી.

ઘણા મહિને હંમેશ મુજબ પોસ્ટકાર્ડને બદલે રાજુલનું એન્વેલપ આવ્યું.

‘સુનિતાબ્હેને મને શુરૂઆતમાં ચેતવી’તી કે આ શહેરમાં પ્રલોભનો ઘણાં છે… જે કાંઈ કરે એ સમજી વિચારીને કરજે… કદી એવું પગલું ના ભરાય જેથી શશીનું દિલ દુભાય વિ.વિ. અને હું પણ કેટલી સાવચેત છું એ પણ તને જણાવવું જરૂરી છે. એક મારાથી બે-ત્રણ વરસે મોટો આર્કિટેક્ટનું ભણતો, આકર્ષક વ્યક્તિત્વવાળો છોકરો વારે ઘડિયે મારી સામે તાકી તાકીને જોયા કરે છે. એણે મને બે-ચાર વાર સ્કુટર પર લિફ્ટ આપવાની ઓફર કરી પણ મેં બહુ સિફ્તથી ટાળી દીધું. હું એને ખાસ વાત કરવાનો પણ મોકો નથી આપતી, અને જ્યારે એણે મોકો ઝડપ્યો છે ત્યારે હું ‘હેલ્લો’થી આગળ નથી વધી. આ એટલા માટે લખું છું કે તને ખ્યાલ રહે કે હું કેટલી સતર્ક છું. ‘દીદી શું કહેશે?’ એ વિચાર હંમેશા મગજ પર તોળાતો રહે છે.’

**** **** ****

પરાગનું શિમલાનું ભણતર પૂરૂં થવા આવ્યું હતું. ક્યારેક ક્યારેક જ્યારે ભૂતકાળની કોઈ યાદ સ્મૃતિપટ પર તાજી થતી ત્યારે હાથ લાંબા કરી ને ‘હું તારી માસી છું’ કહેનાર સ્ત્રીનો ચહેરો તે યાદ કરવા મથતો, પણ સ્પષ્ટપણે યાદ ન્હોતો આવતો. ‘જરૂર એ મા પાસે પૈસા પડાવવા જ આવી હશે. લાગતી તી પણ એવી જ’. એને વિચાર આવતો ‘નહીં તો મમ્મી એનું વગર કારણે અપમાન ના કરે.’ ત્યારે મમ્મીએ એના મગજ પર ઠસાવેલી વાત યાદ આવતી કે માણસનું માન કેવળ પૈસા થકી જ જળવાય છે ને આ પૈસા જ પરાગના શોખો પૂરા કરવા કારણભૂત હતા. બહુ નાની ઉંમરમાં એની માએ એને પૈસાનું મહત્વ સમજાવ્યું હતું અને એણે જાતે અનુભવ્યું હતું.

શિક્ષણ પુરૂં કરીને સ્કુલ છોડતાં પહેલાં વિદ્યાર્થીનું ભવિષ્ય ઘડવા એની સાથે ચર્ચા કરી સલાહ સુચન આપવાની પ્રથા એક પ્રગતિવાદી શિક્ષકે શરૂ કરી હતી. જ્યારે પરાગની વારી આવી ત્યારે એણે કહ્યું કે એના ઉજ્જ્વળ ભવિષ્ય માટે એ શિક્ષણ અથવા તબીબી ક્ષેત્રમાં ઝંપલાવવા માંગતો તો ત્યારે શિક્ષક અચંબામાં પડી ગયા. ‘આ બે તો તદ્‌ન અલગ અલગ ક્ષેત્રો છે’ એમણે કહ્યું. ‘હું જાણું છું. પણ શહેરોમાં કોચિંગ ક્લાસિસ અને નર્સિંગ હોમ ધંધાધારી રીતે અત્યંત ફાયદામંદ પુરવાર થયા છે. બંનેમાં અઢળક કમાણી છે. વિદ્યાર્થી પાસ થાય કે ફેલ, પેશન્ટ જીવે કે મરે, ધંધો ચાલુ રહે છે.’

‘તું સરસ્વતીની આ જ કદર કરે છે ?’ શિક્ષકે નારાજગી દાખવતાં કહ્યું.

‘મારી માએ મને શિખવ્યું છે કે જીંદગીમાં સફળતા માટે સરસ્વતીની પૂજા કરવી ને લક્ષ્મીના શરણમાં જવું.’ પરાગ ગોખેલું વાક્ય બોલી ગયો. પણ એને એ ન સમજાયું કે શિક્ષકે એનો તિરસ્કાર કરીને જાકારો કેમ આપ્યો.

જ્યારે મુંબઈ પાછા ફરી માને વાત કરી ત્યારે ધનલક્ષ્મીએ મોં સંકોડી કહ્યું, ‘એ પંતુજીઓ બધા એવા જ હોય. સિદ્ધાંતોનું પુછડું પકડી બેસે ને નિવૃત્ત થયા પછી પૈસાની જોગવાઈ કરવા માનભંગ થઈને ટ્યુશન માટે ધક્કા ખાય. એવાનું બોલવું બહુ ધ્યાન પર ના લેવું. તારે હવે એમનું કામ પણ શું છે. તું તારે હવે એવું કાંઈક કર કે નામ ને દામ બંને સામે ચાલીને આવે.

લાગતાવળગતાઓના સૂચનથી એમ કર્યું કે પરાગે હૃદયરોગના નિષ્ણાત થવું. આધુનિક જીંદગીમાં તનાવ એટલો વધી ગયો હશે કે સાચા અને કલ્પિત હૃદયરોગથી પીડાતા દરદીઓની સંખ્યામાં ધરખમ વધારો થયો હતો ને સાથે સાથે ડૉક્ટરોની કમાણીમાં પણ. કાર્ડિયોલોજીસ્ટ ડૉક્ટર મહેતાનો દાખલો એની માની સામે હતો. ‘કેવા વટથી આવતા હતા એની મર્સિડીસ ગાડીમાં ને કાર્ડિયોગ્રામ તો અચૂક કાઢતા.’ ધનલક્ષ્મીએ અહોભાવથી કહ્યું, ‘ઢગલાબંધ કાર્ડિયોગ્રામ મેં સાચવી રાખ્યા છે. ‘તારા બાપુ નસીબદાર હતા. કેવા સુખથી એના હાથ નીચે મર્યા. બીજો કોઈ મામૂલી ડોક્ટર હોત તો એને રિબાડી રિબાડીને જીવાડત.’

જે ધનલક્ષ્મી એના દિકરાને આધુનિક ઢબના કપડામાં સજ્જ થઈ ખાસ એને માટે ખરીદેલી મોટરમાં કોલેજ જતાં જોઈ ફૂલી ન્હોતી સમાતી એ ધનલક્ષ્મી આજે આનંદનો અતિરેક અનુભવી રહી હતી. પરાગ ડૉક્ટર થઈને હાર્ટ સર્જરીની તાલિમ લેવા અમેરીકા જવાની તૈયારી કરી રહ્યો હતો.

ગામડામાં ઉછરેલી ધનલક્ષ્મી માટે તો અમેરિકાની મુલાકાત માત્ર એક ઉપલબ્ધિ હતી; અને આ તો દિકરાની લોકોને આંજી દે એવી ડીગ્રી પ્રાપ્ત કરવાની વાત હતી. વગર પ્રયાસે વાત સર્વત્ર ફેલાવા માટે તેણે મોટા પાયે આ પ્રસંગની ઉજવણી એક હોટલમાં યોજી. ઉંમરની સાથે ઉભરેલું પરાગના વ્યક્તિત્વનું પ્રદર્શન પણ અનાયાસે છતું થાય જે એના ઉજ્જ્વળ ભવિષ્ય માટે જરૂરી હતું. ધનલક્ષ્મીનાં દિલ અને દિમાગ ન રોકી શકાય એવા આતુરતાના ભાવથી છલકાઈ ગયા. એ દિવાસ્વપ્નમાં ગરકાવ થઈ ગઈ. મારી સહેલીઓ અદેખાઈની આગમાં બળીને ખાક થઈ જશે. મોટા ઘરની કન્યાઓના માંગા આવવા માંડશે ને વર્ષોથી સેવેલા સાસુ બનવાના કોડ પુરા થશે.


(ક્રમશ: )

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.