હસરત જયપુરી : શંકર જયકિશન સિવાયના સંગીતકારો માટે લખેલાં ગીતો : ૧૯૫૯

સંકલન અને રજૂઆત:  અશોક વૈષ્ણવ

હસરત જયપુરી (મૂળ નામ – ઈક઼બાલ હુસ્સૈન- જન્મ: ૧૫ એપ્રિલ, ૧૯૨૨ | અવસાન: ૧૭ સપ્ટેમ્બર, ૧૯૯૯) ની હિંદી ફિલ્મોના ગીતકાર તરીકેની સુદીર્ઘ કારકીર્દી લગભગ ૩૫૦+ ફિલ્મોનાં ૨૦૦૦+ ગીતોને આવરી લે છે. હિંદી ફિલ્મનાં ગીતોના મોટા ભાગનાં વાચકોનાં મનમાં વ્યાપક કહી શકાય એવી છાપ એ છે કે હસરત જયપુરીએ શૈલેન્દ્રની સાથે શંકર જયકિશન માટે વધારે ગીતો રચ્યાં છે. પરંતુ હસરત જયપુરીની કારકિર્દી પર ધ્યાનથી કરાતી એક જ નજર દ્વારા જ જણાઈ આવે છે કે તેમણે અન્ય સંગીતકારો સાથે સંખ્યાત્મક અને ગુણાત્મક એમ બન્ને દૃષ્ટિએ, ઘણું કામ કર્યું છે. તેનું એક કારણ એ હોઈ શકે કે શંકર જયકિશન જે કોઈ ફિલ્મો લેતા તેનાં ગીતોની શૈલેન્દ્ર અને હસરત વચ્ચે વહેંચણી થઈ જતી. પરિણામે, હસરત જયપુરી પાસે ફાજલ સમય રહે તે સ્વાભાવિક છે. વળી તેઓ મુત્સદી વ્યવહારૂ વ્યક્તિ પણ હતા. એટલે તેમણે અન્ય સંગીતકારો માટે ગીતો લખવામાં જરા પણ છોછ નથી રાખ્યો જણાતો. તેમના વિશે કહેવાય છે કે તેઓ એટલી હદે વ્યવહારૂ હતા કે ગીતલેખનની આવકમાંથી જે કંઈ બચત થતી તે તેમણે આવકના અન્ય સ્રોત ઉભા કરવાં રોકી હતી.

તેમણે અન્ય સંગીતકારો માટે રચેલાં ગીતો પૈકી ઓછાં સાંભળવા મળતાં ગીતોને આપણે વર્ષ ૨૦૧૭થી દર એપ્રિલ મહિનાના આપણી આ શ્રેણીના અંકમાં યાદ કરીએ છીએ.

હસરત જયપુરીએ અન્ય સંગીતકારો માટે રચેલાં  કેટલાંક ગીતો આપણે યાદ કર્યાં હતાં.

આજે આપણે હસરત જયપુરીએ ૧૯૫૯માં, રોશન, દત્તારામ અને કલ્યાણજી વીરજી શાહ માટે લખેલાં, પરંતુ આપણી યાદમાંથી કદાચ વિસરાતાં ગીતોને યાદ કરીશું. ૧૯૫૯માં દત્તારામ સાથેની બે ફિલ્મો સિવાય અને સંગીતકારો સાથે કરેલી ફિલ્મોમાં હસરત જયપુરી એકમાત્ર, કે મુખ્ય પણ, ગીતકાર નહોતા. તેમણે જે ગીતો લખ્યાં એ સીચ્યુએશન માટે હસરત જયપુરી જ વધારે યોગ્ય લાગ્યા હશે એટલે તેમની પસંદગી થઈ હશે કે અન્ય કોઈ કારણ રહ્યાં હશે તે વિશે કશે વાંચ્યું હોય તેવું યાદ નથી. તે ઉપરાંત અન્ય સંગીતકારો માટે તેમણે જે ગીતો લખ્યાં તે માટે તેમને શંકર જયકિશન સાથે ગીતો લખવા માટે જે વળતર મળતું તેનાથી વધારે (કે ઓછું) વળતર મળ્યું હશે, અને એમ શા માટે (કયા સંજોગોમાં) થયું હશે, એ પણ જાણવું રસપ્રદ બની રહી શકે છે.

રોશન

સીઆઈડી ગર્લ (૧૯૫૯)

આ બે ગીતો સિવાય આ ફિલ્મનાં બાકીનાં બધાં ગીતો આનંદ બક્ષીએ લખ્યાં છે.

ઈક બાત સુન મતવાલે, કહતે હૈ નજ઼ર કે પ્યાલે – આશા ભોસલે

ગીતની ધુન, વાદ્યસજ્જા,  ગીતના બોલ અને ગાયકી એ બધું જ અચુકપણે દર્શાવે છે કે ગીત ક્લ્બમાં ગવાતું નૃત્ય ગીત છે. ગીતના ઉપાડ અને મુખડામાં રોશન પાશ્ચાત્ય વાદ્યો પર હાથ અજમાવે છે પરંતુ અંતરાની શરૂઆત કરતી વખતે તાલ માટે ઢોલક પર આવી જાય છે. અંતરો પુરો થતાં છેલ્લી પંક્તિઓ ફરી પાશ્ચાત્ય વાદ્યો પર આવી જાય છે. એ સમયનાં ક્લબનાં નૃત્ય ગીતોમાં ફિલ્મના મુખ્ય કલાકાર માટે પાછો છુપો સંદેશ પણ હોય ! હસરત જયપુરી એ ગૂઢ સંદેશને પણ ગીતના માદક જણાતા શબ્દોમાં અસાનીથી વણી લે છે.

અખિયોંમેં દિલ ખોયા બતીયોંમેં દિલ ખોયા, મૈં ઈસે ઢૂંઢ લુંગી બાબુ – આશા ભોસલે

આ ગીત પણ છે તો ક્લબ ગીત જ છે પણ વધારે મસ્તીથી લલચાવનારૂં પણ છે.

દત્તારામ

ક઼ૈદી નં ૯૧૧ (૧૯૫૯)

પ્રસ્તુત ફિલ્મમાં હસરત જયપુરી એક માત્ર ગીતકાર છે. ફિલ્મનાં મીઠી મીઠી બાતોંસે બચના જ઼રા (લતા મંગેશકર, ડેઝી ઈરાની) અને પ્યાર ભરી યે ઘટાયેં રાગ મિલન કે સુનાયે (મન્ના ડે, લતા મંગેશકર) ખાસ્સાં જાણીતાં ગીતો છે.

તેરે તીર કો હમને પ્યાર સે દિલમેં રખ લિયા – લતા મંગેશકર, કોરસ

દત્તારામ પણ ક્લબ નૃત્ય ગીત પર સફળતાથી હાથ અજમાવે છે એટલું જ નહીં પણ લતા મંગેશકર પાસે આવું માદક ગીત પણ ગવડાવે છે અને તેમની પાસે ‘દત્તુ ઠેકા’નો પ્રયોગ ગાયકીમાં પણ કરાવી લે છે.

તુને મેરા મૈને તેરા દિલ લે લિયા…દો નૈન મિલાકે હાય દિવાના કર દિયા – લતા મંગેશકર

દત્તારામ ફરી એક વાર લતા મંગેશકરનો સ્વર શેરી ગીત માટે પ્રયોજી શક્યા છે. શેરી ગીતની આગવી પહેચાન સ્વરૂપ હાર્મોનિયમના ટુકડા અને ઢોલકની થાપ એ બન્નેમાં દત્તારામ તેમના ‘ઠેકા’ને અનોખી અદાથી પેશ કરે છે.

યે ખિલે ખિલે તારે હમારે હૈ ઈશારે… આજા રે આજા – લતા મંગેશકર, મહેમૂદ

આ ક્લબ ગીતમાં છદ્મવેશી ‘ખાસ’ મહેમાનને માટે કહેવાનો સંદેશો હસરત જયપુરીએ રમતિયાળ શબ્દોમાં વણી લીધેલ છે.

સંતાન (૧૯૫૯)

અહીં પણ હસરત જયપુરી એક માત્ર ગીતકાર છે. કહેતા હૈ પ્યાર મેરા (લતા મંગેશકર તેમ જ હેમંત કુમારના સ્વરનું જોડીયું ગીત), દિલને જિસે માન લિયા (મૂકેશ) અને બોલે યે દિલકા ઈશારા (મન્ના ડે, લતા મંગેશકર) ફિલ્મનાં લોકપ્રિય થયેલાં ગીતો છે.

આડવાત : ‘સંતાન’ શીર્ષક ધરાવતી બીજી ત્રણ ફિલ્મો પણ છે. ૧૯૪૬ની ફિલ્મમાં સંગીત રામચંદ્ર પાલ અને બોલ અન્જુમ પીલીભીતીના છે. ૧૯૭૬ની ફિલ્મમાં સંગીત લક્ષ્મીકાંત પ્યારેલાલનું અને બોલ ફરીથી હસરત જયપુરીના છે , જ્યારે ૧૯૯૩ની ફિલ્મમાં સંગીત આ્નંદ મિલિંદ્ અને બોલ સમીરના છે.

છોટી સી દુલ્હનિયાકી શાદી, પ્યારી સી દુલ્હનિયાકી શાદી – લતા મંગેશકર, કોરસ

નાની બાળકીઓની પાર્ટીમાં લગ્ન સમયના પ્રસંગોને વણી લેતું આ પાર્ટી ગીત છે. હસરત જયપુરી આવી સીધી સાદી સીચ્યુએશન માટે એટલા જ સીધા શબ્દો દ્વારા ઊંડી લાગણીઓ વ્યક્ત કરે છે.

છમ છમ નાચું મૈં ઝૂમતી બહાર મેં, જાને કિસ ખયાલમેં બાજે મન કે તાર – લતા મંગેશકર મનમાં ફૂટતી પ્રેમની સરવાણીઓને હસરત જયપુરી બહુ જ સરળ શબ્દોમાં વહેતી મૂકે છે.

જાને ક્યું યે જિયા લહરાયે
રાઝ હી સમઝમેં ન આયે….
હાયે રે શરમ સી લગી હાયે રે ન બોલા જાયે
હાયે રે ન બોલા જાયે, છલકે હૈ પ્યાર હાયે

જીનેવાલે ખુશી સે જિયે જા, અપને આંસુ તુ ખુશી સે પિયે જા – મોહમ્મદ રફી, કોરસ

કરૂણ સંજોગોમાં ફસાયેલ પાત્રને સંજોગોનો સામનો કરવાની પ્રેરણા મળે તેવા ભાવનાં બેકગ્રાઉન્ડ ગીત પણ એ સમયમાં બહુ પ્રચલિત પ્રકાર હતો.

દત્તારામે કોરસનો કાઉન્ટર મેલોડી માટે સફળ પ્રયોગ કર્યો છે. આ પ્રકારનાં ગીતો માટે મોહમ્મદ રફી પણ તેમની જાણીતી હરકતોને જરા પણ ખુંચ્યા વિના ગીતમાં વણી લે છે.

કલ્યાણજી વીરજી શાહ

ઓ તેરા ક્યા કહેના (૧૯૫૯)

ફિલ્મમાં છ ગીત  માટે પાંચ ગીતકાર – હસરત જયપુરી (બે ગીત) ઉપરાંત ગુલશન બાવરા, ઈન્દીવર, શોર નિયાઝી અને ફારૂક઼ ક઼ૈસર (દરેક એક ગીત)- અને આઠ ગાયક પ્રયોજાયાં છે!

મૈં હું મિસ લાલી દેખો નહીં દેના ઝટકા – સુમન કલ્યાણપુર

ગીતના બોલ અને બાંધણી પરથી આ ગીત પણ ક્લબ ગીત જ જણાય છે. હસરત જયપુરીને આ પ્રકારનાં ગીતો માટે જ બોલાવાયા છે?

બાબુ ના ઓ બાબુ ના….દિલ માંગે દિલ દે દૂં, જાન માંગે જાન દે દૂં, તેરી અદા પે મૈં ચીન ઔર જાપાન દે દૂં – મન્ના ડે, મહેન્દ્ર કપૂર, સુમન કલ્યાણપુર

ગીતના ઉપાડમાં ‘બાબુ ના..’નો પ્રયોગ ગીતની જમાવટને નિખારે છે. તે પછી પુરુષ ગાયકોમાં તો એ સુંદરીને રીઝવવા ‘માગે તે હાજર કરૂં’ની હોડ મચી  છે!

સટ્ટા બાઝાર (૧૯૫૯)

ફિલ્મમાં ગુલશન બાવરાએ ત્રણ ગીત લખ્યાં છે, ઈન્દીવરે બે અને શેલેન્દ્રએ એક ગીત લખ્યું છે.  આમ ચાર અલગ મિજ઼ાજ઼ના ગીતકારોને ગીતો લખવાનું સોંપવા પાછળ કઈ ગણતરી હશે તે જાણવા મળે તો કેટલી બધી બાબતોનો ઉકેલ મળી શકે ! અહીં આપણે બીજી એક બાબતની પણ નોંધ લઈએ કે આણંદજીના જોડાયા પછી આ સંગીત બેલડી ખાસ્સી જામી ગઈ હતી, અને તેમની સાથે અમુક ગીતકારોનું હોવું જ સામાન્ય નિયમ બની ગયો હતો, તે પછી પણ હસરત જયપુરીએ જી ચાહતા હૈ (૧૯૬૫; બધાં જ ગીતો), ઘર ઘરકી કહાની (૧૯૭૦, બે ગીત), રખવાલા (૧૯૭૧, એક ગીત), અપરાધ (૧૯૭૨,બે ગીત)માં પણ કલ્યાણજી આણંદજી માટે ગીતો લખ્યાં

આડવાત:  પ્રસ્તુત ફિલ્મ રવિન્દ્ર દવેએ તેમનાં નિર્માણ ગૃહ ‘નગીના ફિલ્મ્સ’ના નેજા હેઠળ નિર્માણ કરી હતી. સહાયક તરીકે (માત્ર) લક્ષ્મીકાંત જ હતા. આમ એક સમયની સંગીતકાર અને સહસંગીતકારની જોડીઓ હજુ નિર્માણ નહોતી પામી.

કહેતી હૈ મેરી આંખેં, યે જાદુ ભરી આખેં, હુઆ હૈ તુમ સે પ્યાર….તુમ્હારી યાદ આયે જીયા કો તડપાયે – લતા મંગેશકર

હસરત જયપુરીએ અહીં બહૂ જ ટુંકી કહી શકાય એવી ‘સાખી’ – કહેતી હૈ મેરી….તુમ સે પ્યાર – લખી જરૂર છે પણ તે મુખડા સાથે જ ગવાય છે. મુખડાના શરૂના બોલને અંતરાના અંતમાં તકિયા કલમ તરીકે ‘તુમ્હારી યાદ આયે…’ સ્વરૂપે પ્રયોજાતા સાંભળીએ ત્યારે જ આ મુજરા ગીતમાં સાખીની અલગ ઓળખ થાય છે.

ઝરા ઠહેરો જી અબ્દુલ ગફાર, રૂમાલ મેરે લેકે જાના.. ઓ મૈં તો લાયી હું  જામુન સે બહાર, રૂમાલ મેરા લેતે જાના – મોહમ્મદ રફી, સુમન કલ્યાણપુર

પરદા પર તો ગીત શેરી ગીત સ્વરૂપે ભજવાય છે પણ ગીતની ધુનની બાંધણી સંપુર્ણપણે ગરબાના ઢાળ પર કરવામાં આવી છે.

શેરી ગીત ભજવતાં બે પાત્રો  – સબિતા બેનર્જી અને જોહ્ની વૉકર – વચ્ચેની મીઠી નોકઝોકને હસરત જયપુરીએ ગરબાની ધુનમાં વણી લીધી છે. જૉહ્ની વૉકર તેમની આગવી ગીત ગાવાની શૈલીને પણ ગરબાના ઠુમકાના તાલે ઝુલાવે છે.

આડવાત:  કરૂણ મુદ્રામાં ગીતને સાંભળતા મુખ્ય પાત્રમાં સુરેશ છે જે આપણી યાદમાં સુહાની રાત ઢલ ચુકી (મોહમ્મદ રફી; દુલારી, ૧૯૪૯; સંગીતકાર નૌશાદ; ગીતકાર શકીલ બદાયુની)ને પરદા પર જીવંત કરનાર અભિનેતા તરીકે કંડારાઈ ગયેલ છે.

હસરત જયપુરીએ અન્ય સંગીતકારો સાથે રચેલાં ગીતોની યાદોની સફર આવતાં વર્ષના મણકામાં ચાલુ જ રહે છે.

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.