ભાત ભાત કે લોગ : ડ્યુક એન્ડ ડચેસ ઓફ વિન્ડસર : કોની દયા ખાવી? કોને ધિક્કારવા?

જ્વલંત નાયક

ગત અંકમાં આપણે એક સમયના (અને માત્ર થોડા દિવસો પૂરતા જ) ઈંગ્લેન્ડના રાજા એવા એડવર્ડ આઠમાની અને એની પ્રેમિકા-પત્ની વોલિસ સિમ્પસનની વાત માંડેલી. એડવર્ડને ‘પ્રિન્સ ઓફ વેલ્સ’નો ખિતાબ મળેલો. અને પોતાના પિતા જ્યોર્જ પાંચમાના નિધન બાદ એણે એ સમયના વિશ્વના સૌથી શક્તિશાળી સામ્રાજ્ય ગણાય એવા બ્રિટનની ગાડી વારસામાં મળેલી. પરંતુ કિંગ એડવર્ડના નસીબમાં રાજપાટ ભોગવવાનું લખ્યું જ નહોતું. પાટવી કુંવર હતો, એ સમયે પણ એડવર્ડ પોતાની રંગીન તબિયતથી પ્રખ્યાત હતો. વળી દરબારી પ્રોટોકોલ્સની ધરાર અવગણના અને મનસ્વી નિર્ણયોને કારણે દરબારના બીજા અધિકારીઓ સાથે એને બહુ મનમેળ નહોતો. આથી જ્યારે એડવર્ડ ગાદીએ બેઠો ત્યારે અનેક અધિકારીઓના મનમાં આશંકા હતી. એમાં રાજા બનેલા પ્રિન્સ એડવર્ડને રાજપાટના થોડાક જ મહિનાઓમાં વધુ એક વખત ‘પ્રેમ’ થઇ ગયો. આ વખતે એ બે વખત પરણી ચૂકેલી વોલિસ સિમ્પસનના પ્રેમમાં ગળાડૂબ હતો. વોલિસ અમેરિકન મૂળની હતી. એણે પોતાના પ્રથમ પતિને છૂટાછેડા આપી બીજા લગ્ન કરેલા. અને આ બીજીવારના લગ્નજીવન દરમિયાન એ એડવર્ડના પરિચયમાં આવી. કિંગ એડવર્ડને આ સ્ત્રી સાથે એવો પ્રેમ થઇ ગયો, કે એ પોતાનો રાજકીય મોભો અને મર્યાદા ભૂલી આ સ્ત્રીનો ત્રીજો પતિ બનવા તલપાપડ થઇ ગયો!

પોતાનો રાજા એક અમેરિકન બાઈ માટે ‘ત્રીજો પતિ’ બને એ બાબત, એ સમયનો રૂઢિચુસ્ત બ્રિટીશ સમાજ ન જ સાંખી લે. તત્કાલીન વડાપ્રધાને આ સંભવિત લગ્ન સામે કડક વિરોધ નોંધાવ્યો. અને જો કિંગ એડવર્ડ પોતાનું ધાર્યું કરે તો સરકાર બરખાસ્ત કરીને નવી ચૂંટણીઓ યોજવાની ધમકી આપી. જો આવું થાય તો રાજા માટે બંધારણીય કટોકટી ઉભી થાય. વળી આખી વાત ચર્ચાને ચકડોળે ચડે અને રાજાની ભારે બદનામી થાય. એટલે કિંગ એડવર્ડે પોતાના પ્રેમને ખાતર રાજપાટનું બલિદાન આપી દેવાનું નક્કી કર્યું! માત્ર ૩૨૬ દિવસ પૂરતો રાજા રહ્યા બાદ કિંગ એડવર્ડ ગાદીએથી ઉતરી ગયો અને પોતાના નાના ભાઈને રાજગાદી સોંપી દીધી!

આ સ્ટોરી આખી ફિલ્મી લાગે એવી છે. કોઈ પોતાના પ્રેમને ખાતર બ્રિટન જેવા શક્તિશાળી રાજ્યની રાજગાદી છોડી દે, એ વાત તો પરીકથા જેવી જ લાગે. પણ પરીકથા અને વાસ્તવિક જીવન વચ્ચે બહુ મોટો ફરક હોય છે! કિંગ એડવર્ડ પોતાના આ મોટા નિર્ણય બાદ કેટલો સફળ થયો, એ પ્રશ્ન જરા પેચીદો છે. કારણકે વોલિસ સિમ્પસન સાથે એનું લગ્નજીવન લાંબુ તો ટક્યું, પણ એને ધારવા મુજબ ‘સુખી લગ્નજીવન’ ગણી શકાય એમ નહોતું! રાજગાદી છોડીને ‘ડ્યુક ઓફ વિન્ડસર’ બનેલા એડવર્ડના પરિવારે એની પત્ની વોલિસને – જે હવે ‘ડચેસ ઓફ વિન્ડસર’ તરીકે ઓળખાતી હતી – ક્યારેય પુત્રવધુ તરીકે સ્વીકારી નહિ! રાજપરિવારમાં આ બાબતને લઈને ખટપટ ચાલતી રહી. આ બધા સમયગાળા દરમિયાન જર્મનીનો સરમુખત્યાર એડોલ્ફ હિટલર વૈશ્વિક ફલક પર એક મોટા ગજાના નેતા તરીકે ઉભરી આવ્યો. આ એક રાજકીય ઘટના હતી, પણ એણે ડ્યુક ઓફ વિન્ડસર એડવર્ડ આઠમાના અંગત જીવનમાં વંટોળ ઉભો કર્યો.

ઇંગ્લેન્ડના પરિવાર સાથે હિટલરને શું સંબંધ હોઈ શકે?

આમ જુઓ તો એવો કોઈ સીધો સંબંધ નહોતો. પણ ઇસ ૧૯૩૭ના એ સમયગાળામાં હિટલર અને એની નાઝી પાર્ટીના નામના સિક્કા પડતા હતા. દ્વિતીય વિશ્વયુદ્ધ હજી શરુ નહોતું થયું અને વિશ્વના અનેક દેશોના સંખ્યાબંધ રાજવીઓ, બૌદ્ધિકો, રાજકારણીઓ હિટલર અને નાઝી પાર્ટીથી અંજાયેલા હતા! આ વાત કદાચ અત્યારે માનવામાં ન આવે, કારણકે હિટલર બીજું વિશ્વયુદ્ધ હાર્યો એ બાદ લગભગ તમામ દેશોએ એને ખલનાયક ચીતર્યો. દુનિયાનો નિયમ છે કે એ ઉગતા સૂર્યને પૂજે અને ડૂબતા સૂર્યની અવગણના કરે. હિટલરનો સૂર્ય જ્યારે મધ્યાહને હતો ત્યારે એ જ બધા લોકો એના અને નાઝી પાર્ટીના ગુણગાન ગાતા થાકતા નહોતા. નાઝી સેના દ્વારા કરાતી શિસ્તબદ્ધ કૂચ અને હિટલરના પ્રવચનોની વિડીયો ટેપ અનેક દેશોમાં લોકપ્રિય હતી! સ્વાભાવિક છે કે આવા સમયે બીજા નાઝી અફસરોનો દબદબો પણ ભરપૂર હોય!

આવા સમયે ડ્યુક ઓફ વિન્ડસર એવા એડવર્ડ આઠમાની પ્રિય પત્ની એક નાઝી ઓફિસર સાથે પ્રણયફાગ ખેલવા મંડી!! જે સ્ત્રી માટે બ્રિટનના રાજાએ રાજપાટ છોડ્યું, એ સ્ત્રી પારકા દેશના વિદેશમંત્રી જોએકીમ રિબનટ્રોપના પ્રમમાં પડી! આ દરમિયાન એવી પણ વાયકા છે કે વોલિસે એક હાઈ પ્રોફાઈલ પાર્ટીમાં પોતાનો પતિ (ડ્યુક ઓફ વિન્ડસર) એડવર્ડ જાતીય સંતોષ આપવા માટે અક્ષમ હોવાની વાત જાહેરમાં કરેલી!! આ બાજુ રિબનટ્રોપ પણ વોલિસના કામબાણથી પૂરેપૂરો ઘવાયેલો. કહેવાય છે કે એ જમાનામાં કામબાણથી ઘવાયેલો જર્મન વિદેશમંત્રી રિબનટ્રોપ ડચેસ ઓફ વિન્ડસરને રોજ ૧૭ ફૂલોનો ગુલદસ્તો મોકલતો! બેય પ્રેમીપંખીડા કુલ ૧૭ વખત હમબિસ્તર થયેલા, એની યાદગીરી તરીકે રિબનટ્રોપ એકઝેટ ૧૭ ફૂલ મોકલતો!

છે ને કમાલની વાત? ક્યા પોતાના પ્રેમને ખાત્ર રાજગાદી છોડવાની વાત, ક્યાં પેલી પ્રેમને નામે સંભળાતી પરીકથાઓ … અને ક્યાં આ જગતની ક્રૂર વાસ્તવિકતાઓ! જેમના પ્રેમ ઉપર અનેક રોમેન્ટિક ફિલ્મો બની શકી હોત, એવા દંપત્તિની જીવનકથાના પાનાઓ પર અચાનક દેશદ્રોહ, દગો, છળકપટ, વાસના અને જાસૂસીના ઓળા ઘેરાઈ ગયા!

એડવર્ડની દયા ખાવી જોઈએ?

લગ્ન બાદ ડચેસ ઓફ વિન્ડસરનો ખિતાબ પામેલી વોલિસે પોતાની વાસનાલોલુપતાને કારણે સાબિત કરી બતાવ્યું કે એ ખરેખર રાજ્પરીવારને લાયક નહોતી! બીજી તરફ જેના પ્રેમને ખાતર પોતે બ્રિટનનું રાજપાટ છોડી દીધું હોય, એવી પત્ની જો દુશ્મન દેશના અફસર સાથે પ્રણયફાગ ખેલવા માંડે, તો ડ્યુક ઓફ વિન્ડસરની માનસિક હાલત કેવી દયાજનક થાય? સ્વભાવિક છે કે આ કિસ્સામાં તમ એડવર્ડની દયા ખાતા થઇ જાવ. પરંતુ સિક્કાની બીજી બાજુ પણ જાણવા જેવી છે.

તત્કાલીન એફબીઆઈ અધિકારીઓના માનવા મુજબ એડવર્ડભાઈ પણ નાઝીઓને માટે પૂરી નિષ્ઠા સાથે કામ કરી રહ્યા હતા! એટલે કે પોતાના જ દેશ સાથે ગદ્દારી! એડોલ્ફ હિટલર સાથેની એડવર્ડની દોસ્તીને એફબીઆઇ અધિકારીઓ ‘એક્સ્ટ્રીમલી ફ્રેન્ડલી’ની કેટેગરીમાં મૂકે છે. એવું મનાય છે કે હિટલરે આ મિત્રતાનો લાભ લઈને એડવર્ડને એક કઠપૂતળીની જેમ વાપર્યો! હિટલરે જ્યારે યુદ્ધ છેડી દીધું, ત્યારે પણ ડ્યુક એન્ડ ડચેસ ઓફ વિન્ડસરની એડોલ્ફ હિટલર સાથેની દોસ્તી પર ઉની આંચ નહોતી આવી! બે દેશો યુદ્ધભૂમિ પર લડતા હોય ત્યારે એ પૈકીના દેશના સર્વોચ્ચ નેતાને બીજા દેશના રાજપરિવાર સાથે ઘરોબો હોય, એવી વાત તમે કલ્પી શકો ખરા? સ્વાભાવિક રીતે એ સમયે કોઈને આ ‘દોસ્તી’વાળી વાત હજમ નહોતી થતી. અને એટલે જ મોટા ભાગના લોકો માનવા માંડ્યા હતા કે એડવર્ડ અને એની પત્ની વોલિસ સિમ્પસન, બન્ને જણ હિટલર માટે જાસૂસી કરી રહ્યા છે. કેટલાકને લાગતું હતું કે રાજપરિવારમાં ચાલતા કાવાદાવાને પ્રતાપે, યુધ્ધના માહોલમાં એડવર્ડ અને વોલિસ વિષે આવી અફવા ઉડાડવામાં આવી હોય એમ બને.

કંઈક જુદી જ ‘ખીચડી’ પાકતી હતી!

પરંતુ હકીકત જુદી હતી. અમેરિકન એજન્સી એફબીઆઈ અને સોવિયેત ઇન્ટેલિજન્સ ઓફિસર્સને પણ લાગતું હતું કે ડ્યુક એન્ડ ડચેસ ઓફ વિન્ડસર નાઝી સેના સાથે મળીને કંઈક રાંધી રહ્યા છે! આ એજન્સીના જાસૂસોએ શાહી દંપત્તિની પુરતી જાસૂસી કર્યા બાદ સત્ય પકડી પાડ્યું. આખી બાબત પાછળ એક ખતરનાક કાવતરું ઘડાઈ રહ્યું હતું. એક થિયરી એવી ય બહાર આવી, કે મૂળ કાવતરા વિષે ખુદ હિટલરને પણ પૂરી ખબર નહોતી! હિટલર પોતે એડવર્ડને કઠપૂતળી સમજી રમાડતો હતો, પણ બીજી તરફ કોઈક હિટલરની જ ‘ગેમ’ કરી નાખવા માટે જાળ બિછાવી રહ્યું હતું! એ વ્યક્તિ એટલે હિટલરનો ખૂબ નજીકનો સાથે હર્મન ગોરિંગ! બીજા વિશ્વયુધ્ધની શરૂઆતમાં હિટલરની જીત નિશ્ચિત મનાતી હતી. અને હર્મન ગોરિંગ વિશ્વવિજય મેળવ્યા બાદ શું કરવું એનો રોડમેપ તૈયાર કરી રાખ્યો હતો. ગોરિંગ ઈચ્છતો હતો કે યુદ્ધ પૂરું થયે હિટલરને ઉથલાવી પોતે જર્મનીનો સર્વેસર્વા બની બેસે, અને હારેલા બ્રિટનમાં તખ્તાપલટ કરાવડાવીને પોતાને અનુકૂળ એવા એડવર્ડને બ્રિટનનો રાજા ઘોષિત કરવામાં આવે! આ થિયરી કેટલે અંશે સાચી હતી, એ પ્રશ્નનો ઉત્તર આજના સમયે હવે મળે એમ નથી. હિટલર વિશ્વયુદ્ધમાં હાર્યો પછી હર્મન ગોરિંગના આવા કોઈ પ્લાનનું મહત્વ આમે ય પૂરું થઇ જાય છે. પણ જયારે યુદ્ધ એના પ્રથમ ચરણમાં હતું, અને હિટલર બળુકો સાબિત થઇ રહ્યો હતો, એવા સમયે આ સોવિયેત અને અમેરિકન એજન્સીઝની થિયરીએ બ્રિટનમાં કેવો તણાવ પેદા કર્યો હશે, એ સમજી શકાય એવું છે!

આખરે યુદ્ધ પૂરું થયું. હિટલર હાર્યો અને ડ્યુક-ડચેસની જાસૂસી અંગેની ચર્ચાઓનો અંત આવ્યો. એ પછી આ દંપત્તિ ફ્રાન્સ જતું રહ્યું અને બાકીના વર્ષો પેરિસમાં ગાળ્યા. આ સમય પણ કંઈ બહુ સુખરૂપ નહોતો. અહીં એમના ઝવેરાતની ચોરી થઇ. એક વર્ગનું માનવું હતું કે બ્રિટનના શાહી પરિવારે જ ડ્યુકને આપવું પડેલું ઝવેરાત ચોરોની મદદ દ્વારા ફરીથી પોતાના કબજામાં લઇ લીધું. પણ એક મોટા વર્ગનું માનવું હતું કે ઇન્શ્યોરન્સ પકવવાના ઈરાદાથી આ કપલે પોતે જ પોતાનું ઝવેરાત સગેવગે કરી નાખેલું! કારણકે એ ઘટના બની એના પછીના વર્ષે જ વિન્ડસર દંપત્તિએ અનેક છૂટક રત્નો ‘કાર્ટિયર ઇન્કોર્પોરેશન’ નામક લક્ઝરી ગુડ્સ વેચતી ચેઈનમાં ડિપોઝીટ કરાવેલા!

ખેર, અનેક વિવાદો છતાં ડ્યુક એન્ડ ડચેસનું લગ્નજીવન લાંબુ ચાલ્યું. ૧૯૭૨માં ગાળાના કેન્સરમાં એડવર્ડનું મૃત્યુ થયું. જ્યારે ૧૯૮૬માં વોલિસ પણ વૃદ્ધાવસ્થાની સમસ્યાઓને કારણે મૃત્યુ પામી. પણ કાવાદાવા, રહસ્યો, રાજકીય ખટપટ અને વાસનાથી ભરપૂર એવ જીવનને ડ્યુક એન્ડ ડચેસ ઓફ વિન્ડસરની ‘પ્રેમકથા’ ગણવી કે કેમ, એ પ્રશ્ન નિરુત્તર જ રહે છે. આ દંપત્તિ પૈકી કોની દયા ખાવી અને કોને ધિક્કારવા, એ પણ કઈ રીતે નકી કરવું?


શ્રી જ્વલંત નાયકનો સંપર્ક jwalantmax@gmail.com  પર થઇ શકે છે.

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.