ફિર દેખો યારોં : ગધેડા ઉપર અંબાડી મૂકવાનો સમય નજીક આવી ગયો છે

બીરેન કોઠારી

માનવના ગુણદુર્ગુણને પ્રાણીઓમાં આરોપિત કરવાની આપણી જૂની આદત છે. એ મુજબ ગધેડું સાવ મૂર્ખ, ગમાર અને જિદ્દી પશુ ગણાય છે. ગધેડાની આ લાક્ષણિકતાઓની પુષ્ટિ કરે એવી અનેક કહેવતો, રૂઢિપ્રયોગો તેમજ લોકકથાઓ ચલણમાં છે. માનવની દૃષ્ટિએ ગધેડું ગમે એવું મૂર્ખ કે કમઅક્કલ હોય, પોતાનો સ્વાર્થ હોય તો ગધેડાને પણ એ છોડતો નથી. ગધેડાનો માનવો દ્વારા થતો મુખ્ય ઉપયોગ બોજવાહક પ્રાણી તરીકેનો છે.

2019માં આપણા દેશમાં હાથ ધરાયેલી પશુધનની વસતિગણતરીમાં ચિંતાજનક વલણ નજરે પડ્યું. 2007 થી 2012ની વચ્ચે ગધેડાંની વસતિમાં 23 ટકાનો ઘટાડો નોંધાયો હતો, જ્યારે 2012થી 2019 વચ્ચે આ ઘટાડો 61.23 ટકા જેટલો ચિંતાજનક સ્તરનો જણાયો. સંખ્યાની રીતે જોઈએ તો દેશમાં ગધેડાંની સંખ્યા કુલ 1,20,000 જ રહી હોવાનું જાણવા મળ્યું. ગધેડાંની સંખ્યામાં નોંધાયેલો આ ઘટાડો મુખ્યત્વે બે કારણે હોવાની ધારણા છે અને એ બન્ને કારણ પાછળ માનવનું અવિચારી સ્વાર્થી વલણ કારણભૂત છે.

પહેલું કારણ . ગધેડાંની સંખ્યા કેવળ ભારતમાં જ નહીં, વૈશ્વિક સ્તરે ઘટી રહી છે. એનું મુખ્ય કારણ છે ચીન. આ દેશની પરંપરાગત ઔષધિ ગણાતી ‘એજીયાઓ’ની બનાવટમાં ગધેડાની ત્વચા નીચે રહેલા જિલેટીનનો ઉપયોગ કરવામાં આવે છે. ચીનમાંનાં ગધેડાંની સંખ્યા આને કારણે સાવ ઘટવા લાગી એટલે ચીને હવે વિશ્વભરના ગધેડાં પર નજર દોડાવી છે. ગ્લોબલ એનિમલ વેલ્ફેર ઓર્ગેનાઈઝેશનના એક અહેવાલ અનુસાર ચીનના આ ઉદ્યોગને વરસેદહાડે 48 લાખ ગધેડાંની ત્વચાની જરૂર પડે છે. તેની સામે ચીનમાંનાં ગધેડાંની વસતિ 1992માં 1.1 કરોડ હતી, જે હાલ ઘટીને સીધી 26 લાખ થઈ ગઈ છે. મુખ્યત્વે રક્તપરિભ્રમણને બહેતર બનાવવા માટે વપરાતી આ ઔષધિની માંગને પહોંચી વળવા માટે ગધેડાંની ચીનમાં કાયદેસર કે ગેરકાયદે આયાત કરવામાં આવે છે.

ગધેડાંના વસ્તિઘટાડા પાછળનું આ આંતરરાષ્ટ્રીય કારણ થયું. બીજું કારણ સ્થાનિક છે. આ વસતિગણતરીમાં મુખ્યત્વે આંધ્ર પ્રદેશમાં ગધેડાંની સંખ્યામાં દેખીતો ઘટાડો નોંધાયો. 2012માં કુલ 10,161ની સરખામણીએ 2019માં એ ઘટીને 4,678 થઈ ગયાં. આના મૂળમાં પણ માનવીય સ્વાર્થ રહેલો છે. એવી ગેરમાન્યતા પ્રચલિત છે કે ગધેડાના માંસનું ભક્ષણ કામોત્તેજક હોય છે. ખાસ કરીને આંધ્ર પ્રદેશના ચારેક જિલ્લામાં ગધેડાની ગેરકાયદે કતલ વધુ થઈ રહી હોવાનું જણાયું, જેની પાછળ આ મુખ્ય કારણ છે. રાજ્યના પશુપાલન વિભાગનાં નિદેશક ડૉ. ધનલક્ષ્મીના જણાવ્યા મુજબ ‘ભારતીય ખાદ્ય સંરક્ષા અને માનક પ્રાધિકરણ’ (એફ.એસ.એસ.એ.આઈ.)એ ગધેડાના માંસના ભક્ષણને ગેરકાયદે ઘોષિત કરેલું છે. આ ઉપરાંત પશુ ક્રૂરતા નિવારણ અધિનિયમ તેમજ ભારતીય દંડસંહિતાની કેટલીક કલમ હેઠળ આમ કરવું અપરાધ પણ બને છે. આમ છતાં, આ વલણ સતત વધતું રહ્યું છે.

ગધેડાની ઘટી રહેલી સંખ્યા ચિંતાનો વિષય બની રહી છે. આ સમસ્યાના ઉકેલ માટે રાષ્ટ્રીય અશ્વ અનુસંધાન કેન્‍દ્રના વિજ્ઞાની ડૉ. શરદ મહેતાએ રાજ્ય સરકારના સહયોગમાં કૃત્રિમ વીર્યદાનની પદ્ધતિ વિકસાવી છે, જે સાવ કિફાયત દરે ગુજરાતમાં આપવામાં આવશે. માલધારીઓ ગધેડાને કેવળ બોજવાહક પ્રાણી તરીકે રાખે તેને બદલે દૂધાળા પશુ તરીકે તેનો ઉપયોગ કરે એવા પ્રયાસો વિવિધ બિનસરકારી સંગઠનો દ્વારા થઈ રહ્યા છે. એ માટે ગધેડીના દૂધમાં રહેલાં વિવિધ તત્ત્વો અને તેની ઉપયોગિતા પર સંશોધન ચાલુ છે. ગધેડાને દૂધાળું પશુ ગણવા માટે ‘ભારતીય ખાદ્ય સંરક્ષા અને માનક પ્રાધિકરણ’ને દરખાસ્ત પણ મોકલવામાં આવી છે. આ દરખાસ્ત સ્વીકારવામાં આવે તો ગધેડાની ઉપયોગિતા નવેસરથી સ્થાપિત થાય એવી ધારણા છે. દિલ્હીસ્થિત આદ્‍વિક ફૂડ્સ પ્રા.લિ. નામની કંપનીએ ઉપલેટા વિસ્તારના માલધારીઓ પાસેથી ગધેડીનું દૂધ મેળવવાનું શરૂ કર્યું છે. અલબત્ત, હજી તે પ્રાયોગિક તબક્કામાં છે અને આ દૂધમાંથી બનતી પેદાશો બજારમાં મૂકવાનું તેમનું આયોજન છે. આ કંપનીએ ઊંટડીના દૂધની વિવિધ પેદાશોને સફળતાપૂર્વક બજારમાં મૂકેલી છે.

માનવના, ખાસ કરીને પુરુષજાતના બે પ્રકારના ઉધામા આદિકાળથી રહ્યા છે. ચિરયુવાન રહેવું અને કામોત્તેજના ટકાવી રાખવી. આનાં ઔષધો બનાવવા માટે અનેક જાતિપ્રજાતિનો ભોગ તે લેતો આવ્યો છે. ગધેડાંની સતત ઘટતી જતી સંખ્યા પાછળનું મુખ્ય કારણ આ જ છે. પર્યાવરણ હોય કે કોઈ પ્રજાતિ, પહેલાં તેનો ખો કાઢવો અને પછી તેના સંવર્ધન માટેના પ્રયાસો કરવા એ માનવજાતની કાર્યપદ્ધતિ રહી છે. દરેક બાબતને તે પોતાની ટૂંકા ગાળાની ઉપયોગિતાના દૃષ્ટિકોણથી જ તોલે છે.

આ પ્રકારે જો કાયદા બનેલા હોય અને અમુક હદે ઘટાડાનું કારણ પણ ખબર હોય તો એ દિશામાં નક્કર પગલાં કેમ ન લઈ શકાય? કાયદાનો અમલ સખ્તાઈપૂર્વક કરવામાં આવે અને આ બાબતે જાગૃતિ કેળવવામાં આવે તો પરિણામ અવશ્ય મળે.

ગાય જેવા, માતાનું બિરુદ પામનાર અતિ પવિત્ર પશુની આપણા દેશમાં જે રીતે બદહાલી કરાઈ રહી છે એ જોઈને ગધેડા જેવા આપણે મૂર્ખ માની લીધેલા પશુ માટે આંકડાના અભ્યાસથી આગળ વધીને કશુંક થશે કે કેમ એ કહેવું મુશ્કેલ છે. ગાય દૂધ અને મત બન્ને મેળવવાના કામમાં આવે છે, જ્યારે ગધેડાનો એટલો ઉપયોગ પણ નથી. ગધેડા પર રાજકારણ રમી શકાતું નથી. જો કે, રાજકારણીઓનું ચાલે તો તેઓ ગધેડાને જ ગાય કે ડુક્કર ઘોષિત કરીને તેની પર રાજકારણ ખેલી શકે એવા પાવરધા છે. ગધેડાની સંખ્યા જે ચિંતાજનક રીતે ઘટી રહી છે એ જોતાં ‘ગધેડે ગવાવું’ શબ્દપ્રયોગ લુપ્ત બની રહે તો નવાઈ નહીં.


‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૦૧-૦૪–૨૦૨૧ના રોજમાં આ લેખ પ્રકાશિત થયો હતો.


શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com 
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.