સુરાવલી, સિનેમા અને સ્મૃતિઓ (૩) ઉદયથી અસ્ત ભણી (ગઈ કડીથી આગળ)

નલિન શાહ

{નલીન શાહના અંગ્રેજી પુસ્તક Melodies, Movies and Memories (૨૦૧૬) નો અનુવાદ}

(અનુવાદ: પિયૂષ મ. પંડ્યા)

સાવ આરંભિક કાળમાં હિન્દી ફિલ્મી સંગીતમાં શાસ્ત્રીય સંગીતને પ્રચલિત કરનાર સરસ્વતીદેવી નિવૃત્ત થતાંની સાથે સાવ ભૂલાઈ ગયાં. તેમને ભૂલી જનારાંઓમાં ત્યારે સફળ થયેલા એમના નિકટના સહયોગીઓનો પણ સમાવેશ થતો હતો. સરસ્વતીદેવી સને ૧૯૩૫માં બોમ્બે ટૉકીઝમાં સંગીતનિર્દેશક તરીકે જોડાયાં ત્યારે માંડ ૨૩ વરસનાં હતાં. ‘અછૂત કન્યા’( કિત ગયે હો ખેવનહાર – ૧૯૩૬), ‘કંગન’( સુની પડી હૈ સિતાર – ૧૯૩૯), ‘બંધન’ ( રૂક ના સકો તો જાનાચને જોર ગરમ લાયા – ૧૯૪૦) અને ઝૂલા (ના જાને કીધર આજ મેરી નાવ ચલી રે – ૧૯૪૧) જેવી ફિલ્મોમાં એમણે પોતાની અસાધારણ નિષ્ઠા અને સંસ્થા માટેના લગાવથી પ્રેરાઈને  ઉત્તમ પ્રદાન કર્યું. ૧૯૫૦ના દાયકાના શરૂઆતના ગાળામાં એમણે ગરિમાપૂર્ણ નિવૃત્તિ લીધી અને જુહુ બીચ પાસે આવેલી થિયોસોફિકલ સોસાયટીમાં એકાકી જીવન વિતાવવા લાગ્યાં. કોઈ આર્થિક અપેક્ષા વિના, કેવળ સંગીત શીખવીને એ સંતુષ્ટ હતાં. એક વાર બસમાંથી પડી જતાં એમના થાપાનું હાડકું ભાંગી ગયું. એ સમયે એમના પાડોશીઓએ ફાળો એકત્રિત કરી, એમની સારવાર આરોગ્ય નીધિ હોસ્પીટલમાં કરાવી હતી. બોમ્બે ટૉકીઝ સાથે પોતે સંકળાઈ ચૂક્યા હોવાનો ગર્વથી ઉલ્લેખ કરતા સમૃધ્ધ લોકોમાંથી કોઈ એમની મદદે ન આવ્યા. સરસ્વતીદેવી આ બાબતે ફરિયાદ કરે એવાં વામણાં ક્યારેય ન હતાં. એ પછીના ટૂંકા ગાળામાં એ પોતાના મૂલ્યવાન ભૂતકાળની યાદોને વાગોળતાં અવસાન પામ્યાં. કલાકારના જીવનમાં એક એવો તબક્કો આવે છે જ્યારે એની સર્જકતા ખતમ થઈ  દઈ જાય છે  કે પછી કળાનાં બદલાતાં જતાં મૂલ્યોને કારણેએ પોતાની જાતને નિરર્થક માનવા લાગે છે. એ એકાકી અવસ્થામાં વિચારોમાં  ગરક  હોય ત્યારે ભૂતકાળની મધૂર સ્મૃતિઓ એને ઘેરી વળે છે. પણ કેવળ મીઠી યાદો હૃદયની એકલતાને સભર કરવા માટે પૂરતી નથી હોતી. કલાકારો પણ માનસિક નબળાઈથી પીડાતા હોય છે. તેઓ ઈચ્છે કે પોતાના ભૂતકાળના પ્રદાનનો સ્વીકાર થાય; ખાસ કરીને પ્રસિધ્ધીની ચમકદમક એમનાથી દૂર  ચાલી જાય ત્યારે એમને આવી અપેક્ષા હોય છે. એ વાત અલગ છે કે ક્યારેક ટકી રહેવાના સંઘર્ષમાં એ જાતે જ પોતાની સિધ્ધીઓને વીસરી જવા  ઈચ્છે છે. એ દ્રઢતાથી માનતા થઈ જાય છે કે સમાજે એમનાથી મોઢું ફેરવી લીધું છે.
સુશીલા ટેમ્બે
સુશીલા ટેમ્બેએ  માત્ર એક ફિલ્મમાં જ ગાયું, પણ એમની ખાસિયત ખયાલ, ઠૂમરી અને દાદરાની શાસ્ત્રીય સંગીતસભર ગાયકી હતી. તેની અગણિત રેકોર્ડ્સ  બહાર પડેલી. એમની ૭૦ વર્ષની વયે એ મુંબઈના ગીરગામ જેવા ગીચ વસ્તીવાળા વિસ્તારમાં એકલાં રહેતાં હતાં. હું એક વખત એમની મુલાકાત માટે એમને ઘેર ગયો ત્યારે કારમી ગરીબી મારી સામે મોં ફાડીને જોઈ રહી હોવાનું મેં અનુભવ્યું. ઘરનો ચૂલો સળગતો રાખવા  માટે એ એક મંદીરમાં ગાવા જતાં હતાં. એમણે પોતાની કેટલીક ૭૮ RPMની નવીનક્કોર રેકોર્ડ્સ જાળવી રાખી હતી.  એમને આશા હતી કે ક્યારેક રેકોર્ડ  કંપની એમનાં ગીતોની LP બહાર પાડવા ઈચ્છશે ત્યારે પોતાનો સંગ્રહ કામે લાગશે. આવી આશા વધુ પડતી હતી, પણ એ રેકોર્ડ્સ ઉપરાંત એમની પાસે મૂડીમાં માત્ર આ આશા અને ગૌરવ સિવાય બીજું કંઈ નહોતું.
મુબારક બેગમ
મુબારક બેગમનો  પોતાની ગાવાની ક્ષમતા પરનો વિશ્વાસ  લાંબા સમય સુધી ટકી રહ્યો હતો. આ સપનું સાકાર થાય તેની રાહ દિવસો સુધી જોતાં રહ્યાં. પોતાની બિમાર દીકરી સાથે એક રૂમમાં જીંદગી વિતાવી રહેલાં મુબારક બેગમ માટે એ એવી આશા હતી કે જે ક્યારેય પૂર્ણ થવાની નહોતી. સમયને વીતી જતો તે ગમગીનીપૂર્વક જોતાં રહેતાં. ક્યારેક એમના કાને પોતાનું ગાયેલું ગીત કભી તનહાઈયોં મેં યું હમારી યાદ આયેગી પડી જતું ત્યારે એ ઉદાસી અને ઉપેક્ષિત હોવાનું મહેસૂસ કરતાં. બીજું ઉદાહરણ જોઈએ તો કલ્યાણી નામનાં ગાયિકાએ પોતાના ભૂતકાળને ઘણો પાછળ મૂકી દીધો હતો. એ એક એવા જર્જરીત મકાનમાં રહેતાં હતાં, જ્યાં બધું જ ઘસાઈને ખતમ થઈ ગયેલું જણાતું હતું. એ માનતાં હતાં કે એમની ગાયકી ખાસ્સી સક્ષમ હતી. પણ એમણે કાર્યક્રમોમાં ગાવાની દરખાસ્તો ક્યારેય ન સ્વીકારી. શરાબી સોચ ના કર મતવાલે (પંકજ મલ્લિક સાથે, ‘મુક્તિ’, ૧૯૩૯) અને આહેં ના ભરી શીકવે ના કિયે (જોહરાબાઈ અને નૂરજહાં સાથે, ‘ઝીનત’, ૧૯૪૫) જેવાં પોતે ગાયેલાં ગીતોના ચાહકો પર પડેલા ઘેરા પ્રભાવને આંચ આવે એમ કદાચ એ નહોતાં ઈચ્છતાં. એવાં ઉદાહરણો પણ છે જ્યાં કલાકાર પોતાની સિધ્ધી ઉપર ગૌરવ અનુભવતા હોય પણ નસીબે ક્યારેય એમનો સાથ ન આપ્યો હોય. સપના બન સાજન આયે ( લતા મંગેશકર, ‘શૌકિયાં’, ૧૯૫૧) અને દેવતા તુમ હો મેરા સહારા ( રફી અને મુબારક બેગમ, ‘દાયરા’, ૧૯૫૩) જેવાં સુમધુર ગીતો આપનાર સંગીતકાર જમાલ સેને ગુણવત્તા સાથે ક્યારેય સમાધાન ન કર્યું. ન એમની ક્ષમતાનો પૂરો ઉપયોગ થયો કે ન એમને યોગ્યતા પ્રમાણેની પ્રસિધ્ધી મળી. આમ છતાં પોતે પૈસાની લાલચમાં ક્યારેય ન લપેટાયા હોવાનું એમને ગૌરવ હતું. મોડે મોડે ભારત સરકારના સાંસ્કૃતિક વિભાગને  વયોવૃદ્ધ  કલાકારોની જરૂરીયાતોનો ખ્યાલ આવ્યો. પરિણામે તીમિર બરન (‘દેવદાસ’, ૧૯૩૫, ‘બાદબાન’, ૧૯૫૩) અને માધુલાલ દામોદર માસ્ટર (‘ખુદા દોસ્ત’, ૧૯૩૫, ‘પરિવર્તન’, ૧૯૪૯) જેવા સંગીતકારો અને હીરાબાઈ બરોડેકર જેવાં ગાયિકાને જીવનપર્યંત માસિક રૂપિયા ૬૦૦/- નું ભથ્થું મળતું રહ્યું.
મીનૂ કાત્રક
ધ્વનિમુદ્રણની શરૂઆત કરનારાઓમાંના એક એવા મીનૂ કાત્રકે અન્યોના સ્વરને સુંદર ઢબે સજાવ્યા. એમણે પોતાનો જ અવાજ ગળાના કેન્સરને લઈને ૧૯૭૭માં ગુમાવી દીધો!  ૮૫ વર્ષની ઉમરે પણ એમની શ્રવણેન્દ્રીય અને સ્વરની પરખ સાબૂત હતાં. એક સંગીતનિર્દેશકે ગીતના ધ્વનિમુદ્રણ માટે એમની સેવા લેવાનું વિચાર્યું.  પોતાનો અવાજ ગુમાવી બેઠેલા મીનૂની ધ્વનિમુદ્રણ કરવાની ક્ષમતા અંગે બાબતે એ ગીતના ગાયકે શંકા વ્યક્ત કરી. આ ઘા એમને માટે વસમો  નીવડ્યો. આવો માનભંગ સહન કરવાને બદલે એમણે નિવૃત્તિ લઈ લેવાનું પસંદ કર્યું. રેકોર્ડીંગના ઇતિહાસનો અગત્યનો અંશ  બની ચૂકેલા કાત્રકને ખ્યાતનામ ધ્વનિમુદ્રક કૌશિક એ ક્ષેત્રના શ્રેષ્ઠ કસબી ગણાવે છે. પણ સંગીત(મુદ્રણ)નો તખતો બદલાઈ ગયો હતો અને સાથેસાથે ગુણવત્તાની વ્યાખ્યા પણ! . પોતાની કારકિર્દીને ઓચિંતો ઝટકો લાગે ત્યારે કલાકારો સામાન્ય રીતે ઊંઘતા ઝડપાઈ જતા હોય છે. ૧૯૩૦ના દાયકાની શકવર્તી ફિલ્મ ‘આદમી’( આ ફિલ્મ મરાઠીમાં ૧૯૩૯માં ‘માણૂસ’ નામે બની)માં જબરદસ્ત દેખાવ કરીને લાખો હૈયાંને જીતી લેનાર સુખ્યાત અભિનેત્રી શાંતા હૂબલીકરનું ઉદાહરણ જોઈએ.
શાંતાબાઈ હૂબલીકર
ફિલ્મ બન્યાનાં ૪૦ વર્ષ પછી આ ફિલ્મ ટેલીવિઝન ઉપર પ્રદર્શિત થઈ ત્યારે મુંબઈના છેવાડેના પરા વસઈમાં આવેલા શ્રદ્ધાનંદ આશ્રમમાં ગરીબીમાં અને તરછોડાયેલી અવસ્થામાં આશરો લઈ રહેલાં શાંતાબાઈ પણ એ ફિલ્મ નિહાળી રહ્યાં હતાં. હકડેઠઠ ભરાયેલા એ હૉલમાં ફિલ્મ જોઈ રહેલી સ્ત્રીઓ શાંતાબાઈના દેખાવ અને અભિનયની ઉત્સાહભેર ચર્ચા કરી રહી હતી.  એમાંની કોઈને અંદાજ સુદ્ધાં ન હતો કે ત્યાં જ દૂરના ખૂણામાં બેઠેલાં શાંતાબાઈ પોતાનાં આંસુ છુપાવવાની કોશિશ કરી રહ્યાં હતાં. પોતાનું ગૌરવ જળવાઈ રહે એટલા સારું એ ત્યાં અન્ય નામ ધારણ કરીને રહેતાં હતાં. મરાઠી દૈનિક ‘લોકસત્તા’ના માધવ ગડકરીએ જ્યારે એમની હાલત વિશે લખ્યું ત્યારે અચાનક જ લોકોના ધ્યાને એ બાબત આવી. એ પછી સૌએ ઉદાર હાથે નાણાંકીય સહાય કરી,  જેનાથી શાંતાબાઈના જીવનનાં બાકી બચેલાં ચાર વર્ષ શાંતિથી વિત્યાં. કેટલાંયે કલાકારો પ્રસિધ્ધીની ચમકદમક દૂર થઈ જતાંની સાથે વણઓળખાયેલી હાલતમાં, લોકોની  જાણ બહાર મૃત્યુ પામ્યાં હશે, એ કોઈ જાણતું નથી. મહેબૂબની ફિલ્મ ‘અંદાઝ’ (૧૯૪૯)માં મહત્વની ભૂમિકા ભજવનાર નૃત્યાંગના-અભિનેત્રી કુકૂની એક જમાનામાં ભારે માંગ હતી. કોઈ પણ ફિલ્મમાં એનું નૃત્યગીત હોવું અનિવાર્ય હતું. પણ જ્યારે એ મ્યુનીસિપાલીટીની હોસ્પીટલમાં જીવન-મરણનો સંઘર્ષ લડી રહ્યાં હતાં ત્યારે પોતાની ફિલ્મોની સફળતા માટે એમને લેનારા નિર્માતાઓમાંના કોઈ એમને મદદ કરવા માટે આગળ નહોતા આવ્યા.
મીના શોરી
  ‘લારાલપ્પા ગર્લ’ તરીકે જાણીતાં મીના શોરી પણ ભૂલાઈ ગયેલી અવસ્થામાં કરાંચીની એક ધર્માદા હોસ્પીટલમાં પડી રહેલાં. . એમની પછીના સમયગાળાનાં કલાકારો શારિરીક ચેનચાળા થકી ગમે તેવા હલકટ લોકોને ખુશ રાખવામાં મગ્ન હતાં. કાન ફાડી નાખે એવા એ ઘોંઘાટમાં એમને કાને એક વિસ્મૃત કલાકારના કણસવાનો અવાજ ક્યાંથી પડે?  કમનસીબીનો શિકાર બનતા આવા કલાકારો મોત થકી જ આવી હિણપતમાંથી ઉગરતા. ફિલ્મજગતના કૃતઘ્નીપણાનો સૌથી હચમચાવી મૂકે એવો દાખલો સરદાર ચંદુલાલ શાહનો છે. સુપ્રસિધ્ધ સંસ્થા ‘રણજીત મૂવીટોન’ના સ્થાપક ચંદુલાલને ફિલ્મનિર્માણની શરૂઆત કરનારાઓમાંના એક ગણાવી શકાય.
ચંદુલાલ શાહ પત્ની અને નિર્માતા સી.કે.ત્રિવેદી સાથે
એ ફિલ્મોદ્યોગના પિતામહ સમાન હતા અને યોગ્ય રીતે જ ‘સરદાર’નું બિરૂદ પામ્યા હતા. 1940ના દાયકામાંના એમના બહેતર દિવસોમાં એમણે કરાવેલા મોતીયાના ઓપરેશનનો સમયગાળો એમનાં પાડોશીઓને બરાબર યાદ છે. તેમની ખબર પૂછવા આવેલા લોકોની કતાર એમના બીજા માળે આવેલા રહેઠાણથી છેક નીચે સુધી વિસ્તરેલી હતી એ વાતની સાક્ષી પાડોશીઓ પૂરાવે છે. સને ૧૯૪૬માં રૂના વાયદામાં ચંદુલાલે એક જ દિવસમાં રૂપીયા ૯૬ લાખ ગુમાવી દીધા. શાખ જાળવી રાખવા માટે એમણે એક પખવાડીયામાં જ દેવું ચૂકવી દીધું. એમણે પોતાનો સ્ટુડીઓ ગુમાવવો પડ્યો. જે માણસે ફિલ્મોદ્યોગને એની બાલ્યાવસ્થાથી વિકસાવવામાં મહત્ત્વનું પ્રદાન કર્યું હતું એ ૧૯૭૫માં ૭૭ વર્ષની ઉમરે ભગ્નહૃદયી અવસ્થામાં મૃત્યુ પામ્યા. તે સમયે શોક પ્રદર્શિત કરનારા ફિલ્મોદ્યોગના મુઠ્ઠીભર લોકોમાં અગ્રણી નિર્માતા તરીકે ગણાવી શકાય એવા એક માત્ર રાજ કપૂર હતા. એમના અંતિમ સંસ્કારમાં હાજર રહેવાનું કશું વ્યાપારી મૂલ્ય નહોતું, એટલે ફિલ્મોદ્યોગના આ સરદારને શ્રધ્ધાંજલી આપવાનો સમય કોઈની પણ પાસે નહોતો. ૧૯૬૫માં નિવૃત્તિ લઈ લીધા પછી એક પણ ફિલ્મ માટે સંગીત આપવાની દરખાસ્ત ન સ્વીકરનાર મૂર્ધન્ય સંગીતનિર્દેશક અનિલ બિશ્વાસ ‘ફિલ્મી સમુદાય’થી વેગળા જ રહ્યા. એ દિલ્હીથી મુંબઈ આવતા ત્યારે આ ઉદ્યોગના પોતે છોડી દીધેલા પરિચયોને તાજા કરવાની સહેજ પણ ઉત્સુકતા ન બતાડતા. આ ઉદ્યોગને  તેમણે નજીકથી પીછાણ્યો હતો. આ એ ઉદ્યોગ હતો, જેને માટે એક વાર્તાલાપ દરમિયાન ઓ.પી. નૈયરે અશોભનીય શબ્દપ્રયોગ કર્યો હતો. આ એ ઉદ્યોગ હતો, જેણે અંતરાત્માનો ડંખ કદી અનુભવ્યો નહોતો!

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.