વાંચનમાંથી ટાંચણ : વૃક્ષમાતા – સાલુમરાદા થિમક્કા

સુરેશ જાની

       હા. આ માજી ૩૮૪ વડના ઝાડની મા છે ! ૧૯૧૦ કે ૧૯૧૧ માં કર્ણાટક રાજ્યના તુમ્કુર જિલ્લાના ગબ્બી તાલુકમાં જન્મેલ એ પણ વડની જેમ જ હજુ ખખડધજ છે. બન્ગ્લુરૂથી ૬૩ કિ. મિ. દૂર આવેલા કુડુર અને હલિકલ ગામ વચ્ચેના રસ્તાની બન્ને બાજુએ માજીએ એ વૃક્ષો જાતમહેનતથી રોપ્યાં છે. આમ તો એમનું નામ થિમક્કા છે. પણ સાલુમરાદા (વૃક્ષમાતા) કન્નડ ભાષામાં એમના બહુમાન રૂપે મળેલ લોકજીભનો ખિતાબ છે.

      ચાળીસ વર્ષની ઉમરે બાળકને જન્મ ન આપી શકવાના કારણે હતાશ બની ગયેલ થિમક્કાએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. પણ એના સમજદાર પતિએ એને એ ઉણપના ઉકેલ તરીકે વૃક્ષના છોડ રોપવા પ્રેરણા આપી. બસ, ત્યારથી એ જ લગન એના દિલમાં ઘર કરી ગઈ. આમ તો એણે ૮,૦૦૦ થી પણ વધારે વૃક્ષો રોપ્યાં છે. પણ આ ૩૮૪ વૃક્ષો રોપી, એમની માવજત કરવાના કારણે માજી જગતભરમાં પ્રસિદ્ધ થઈ ગયાં છે.

      સાવ નાના ગામમાં જન્મેલી થિમક્કાને કશું શિક્ષણ મળ્યું ન હતું. સમજણી થઈ ત્યારથી જ ખેતરોમાં મજૂરીથી એના સક્રીય જીવનની શરૂઆત  થઈ હતી. લગ્ન કરવાની ઉમરે રામનગર જિલ્લાના માગડી તાલુકાના હલ્લિકલ ગામના બિકાલુ ચિક્કૈયા સાથે તેનાં લગ્ન થઈ ગયાં અને બાજુની ખાણમાં મજુરી ચાલુ થઈ ગઈ. આમ તો તેનું જીવન એમ જ પસાર થઈ ગયું હોત, પણ બાળકના અભાવે એની જિંદગીમાં આવેલ વળાંકે એ વૃક્ષમાતા બની ગઈ.

     જીવનનો બીજો આઘાત – ૧૯૯૧ માં પચીસ વરસના લગ્નજીવન બાદ તેણે પતિ ગુમાવ્યો. પણ હવે તેનું કુટુમ્બ લીલી હરિયાળીથી છવાયેલું હતું . આથી આ આઘાત તે જીરવી શકી. આમ તો તેને હવે ઘરમાં કોઈ વ્યક્તિની જરૂર સાલતી ન હતી; પણ એક દા’ડો પોતે ય વિદાય લેવી પડશે, અને ‘વૃક્ષો રોપવાનું કામ કોણ ઊપાડી લેશે?’ – એ  ખયાલે થિમક્કાએ ઉમેશ નામના યુવાનને દત્તક લીધો છે.

      આમ તો આવા નાનકડા ગ્રામ વિસ્તારમાં એણે કરેલ કામની કોને ખબર પડે? પણ ૧૯૯૬ માં એના આ  કામની જાણ ભારતના કેન્દ્ર સરકારને થઈ અને તેને રાષ્ટ્રીય નાગરિક સન્માન એવોર્ડ એનાયત થયો. પછી તો સાવ સામાન્ય થિમક્કા આંતરરાષ્ટ્રીય સ્તરે જાણીતી બની ગઈ અને એની પર એવોર્ડોનો રીતસર વરસાદ વરસવા લાગ્યો .

  • Nadoja Award,
  • Karnataka Kalpavalli Award
  • Godfrey Phillip Award
  • Vishwathama Award,

      અને બીજા ઘણા બધા. બીબીસીની ૧૦૦ સૌથી વધારે અસરકારક અને પ્રેરણાદાયી સ્રીઓના લિસ્ટમાં પણ થિમક્કાનું નામ છે. 

       પણ એની ચરમસીમા રૂપે ૨૦૧૯ માં તેને પદ્મશ્રી એવોર્ડ એનાયત થયો ત્યારે તેમનાથી ઉમરમાં ઘણા નાના,  ભારતના રાષ્ટ્રપતિ કોવિદે તેમને પ્રણામ કરેલા, ભલી ભોળી થિમક્કાએ એમને આશિર્વાદ પણ આપેલા! તેના હાથે રાષ્ટ્રપતિ ભવનમાં એક વૃક્ષ પણ તેણે રોપી આપ્યું છે.

      વુક્ષારોપણ ઉપરાંત તેણે હલ્લિકલમાં વરસાદના પાણીન એ સંઘરવાની ટાંકી પણ બનાવી છે. હવે તેની ઉમેદ ગામમાં હોસ્પિટલ બને તેવી છે.

      કોન્ક્રિટના જંગલમાં વસતા આપણે બે ચાર નાના કુંડામાં હરિયાળી વસાવીએ તો ?


૧૧૦ વર્ષના આ માજીની વાત વાંચીને આપણને જાપાનના ઓકિનાવા ટાપુ પર મજાની જિંદગી જીવતાં ૧૦૦ + ઉમરના વયસ્કોની અને એ સુખથી જીવવા માટેના પર્યાય જેવો જાપાની શબ્દ ‘ઈકિગાઈ’ યાદ આવી જાય.


સંદર્ભ –

https://changestarted.com/the-changeblazers-when-passion-meets-purpose/

https://en.wikipedia.org/wiki/Saalumarada_Thimmakka

https://bookofachievers.com/articles/saalumarada-thimmakka-the-mother-to-more-than-8000-trees


શ્રી સુરેશભાઈ જાનીનાં સંપર્કસૂત્રઃ

· નેટજગતનું સરનામું: ‘ગદ્યસૂર’ અને ‘કાવ્યસૂર’નો સમન્વય – સૂરસાધના

· ઇ-પત્રવ્યવહારનું સરનામું: sbjani2006@gmail.com

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.