લ્યો,આ ચીંધી આંગળી : જીવનજ્યોત ડ્રગ બૅન્ક- એક વિરાટ આરોગ્યવડલો

રજનીકુમાર પંડ્યા

અનેક અનેક ડાળીઓ અને એની પણ અનેક ડાળખીઓ ધરાવતા, હજારો જીવો જ્યાં સુખ-શાંતિ અને સ્વાસ્થ્ય પામતા હોય એવાં આજે પણ લીલાં પાંદડાં ધરાવતાં મોટો ફેલાવ ધરાવતા કોઇ પણ વડલાને જોઇને આપણને માત્ર આનંદ નહિં, જિજ્ઞાસા પણ થવી જોઇએ કે આનાં મૂળ કેટલાં ઉંડા હશે અને કયા પુણ્યશાળીના હાથે એની અસલ રોપણી થઇ હશે.

માત્ર વૃક્ષ જ શા માટે ? પણ વિરાટ ફેલાવો ધરાવતી કોઇ પણ મોટી સેવાસંસ્થાને  જોઇને પણ એવો સવાલ જાગવો જોઇએ.

અને એવું પણ બને કે એ સવાલના જવાબમાં એક અદ્‍ભુત અચંબો મળે.

મુંબઇની એક વિરાટ સંસ્થા જીવન જ્યોત ડ્રગ બૅન્કની અનેકવિધ પ્રવૃત્તિઓનો  વિશાળ  પથરાટ જોઇને કોઈને પણ મનમાં આવો સવાલ ઊઠવો સ્વાભાવિક છે. અને એનો જવાબ મળે ત્યારે એથી પણ મોટો અચંબો થવો પણ એટલો જ સ્વાભાવિક છે કે અરે, આ સાવ સાદાં અને સામાન્ય સિંગલ દેહયષ્ટિ ધરાવતા એવાં ૮૦ પ્લસના એક સાવ સાદગીભર્યાં સન્નારી મંજુબહેન વોરા આ વિશાળ વટવૃક્ષના મૂળમાં હોઇ શકે ?

આ જવાબ પાછળનો જવાબ જ કોઇ પણ માટે પ્રેરણા આપે તેવો છે. મુંબઇના ઉચ્ચ અને સમૃદ્ધ જૈન પરિવારનાં મંજુબેન વોરાએ સાલ 1982ની આસપાસ સ્વયંસ્ફૂરણાથી એક મેરેજ બ્યૂરો જેવું સેવાકાર્ય તદ્દન નિઃશુલ્ક ધોરણે અને નાના અને પાયે શરુ કર્યું હતું. એમાં કોઇ આર્થિક મૂડીરોકાણ નહોતું, પણ એમના બહુવિધ વિશાળ સંપર્કો જ એમની મૂડીરૂપ હતાં. એ સંપર્કોના લૅન્ડલાઇન ટેલિફોનિક નેટવર્ક વડે  વિવિધ પરિવારોનાં વર અને કન્યાઓનાં લગ્ન ગોઠવી આપવામાં તેમને સાત્વિક સંતોષ મળવા માંડ્યો. એ દિવસોમાં ઈ-મેલ ઈન્ટરનેટ તો શું, પણ મોબાઇલ ફોનની કલ્પના કોઇને નહોતી. પરંતુ પોતાના સાદા લૅન્ડલાઇનના માધ્યમથી એ સત્કાર્ય કરવામાં એમને અણધારી સફળતા મળવા માંડી. વિશેષતા એ વાતની હતી કે એ કોઈ પ્રોફેશનલ સર્વિસ નહોતી. અને પરિણામ પ્રોફેશનલ મેરેજ બ્યુરો કરતાં અનેકગણું ગુણવત્તાભર્યુ જોવા મળતું હતું. મોટી મોટી હસ્તીઓના પરિવારો પોતાનાં લાડકાં સંતાનોનું લગ્ન મંજુબહેનના માધ્યમથી થાય એટલે ઉલટભેર એની કદરરૂપે 51,000, 1,00,000 થીય મોટી મોટી રકમો સ્વેચ્છાએ બંધ લિફાફામાં આપી જતાં હતાં. આવા સંપન્ન પરિવારો તો અનેક. પણ એમાંથી થોડાનાં જ નામ લઇએ તો સફારી ઈન્ડસ્ટ્રીઝ, પાનપરાગ, નેશનલ પ્લાસ્ટિક જેવાં નામો નમૂના તરીકે ઉલ્લેખી શકાય. ખૂબ લાગણી અને સ્નેહથી અને ખાસ તો આભારવશતાથી અપાયેલી આ ભેટોનો ઈનકાર શી રીતે થઈ શકે ? અને એને પોતાને ઘેર તો ના જ લઇ જવાય એમ એ દૃઢપણે માનતા હતા. તો શું કરવું ?

બહુ મથામણને અંતે મંજુબહેને આનો કોઈક રીતે સદુપયોગ કરવાનું વિચાર્યું. ત્યારે એમની નજરમાં આર્થિક સગવડ ન હોવાથી અનેક પ્રકારની તબીબી સારવારથી વંચિત રહેતા સામાન્ય પરિવારનાં કેટલાક લોકો ધ્યાનમાં આવ્યા. એમણે જોયું કે એ લોકો તકલીફ ભોગવતા હતા, પણ તેમની આર્થિક વિટંબણાઓ દૂર કરવાનો કોઇ રસ્તો તેમને જડતો નહોતો. બસ, આ જોયા પછી મંજુબહેને વધુ વિચારવાનું ન રહ્યું. એમને પોતાનો સેવામાર્ગ મળી ગયો, એટલે આ બધી નાણા-સરવાણીનો ઉપયોગ તેમણે આવા લોકોને દવાઓ તેમ જ અન્ય સહાય પહોંચાડવામાં કરવા માંડ્યો. એમને એ દ્વારા જ જાણવા મળ્યું કે આવા જરૂરતમંદ લોકોનો સમૂહ એમની ધારણા કરતાં ઘણો મોટો છે. પણ એ જોઇને મંજુબહેનને પોતાના સેવાકાર્યની કોઇ ચોક્ક્સ મર્યાદા આંકીને જંપીને બેસી રહેવાનું મન ન થયું. ઉલટાનું એમાંથી તો એમને કંઇક વધુ કરવાની પ્રેરણા મળી. પોતાની એ પ્રવૃત્તિને વ્યવસ્થિત રૂપ દેવા માટે તેમણે 1984 માં We all mission નામના ટ્રસ્ટની સ્થાપના કરી. અને પોતાના મનગમતા કાર્યનો પ્રારંભ કરી દીધો.

પ્રારંભમાં મંજુબહેન શાળાના વિદ્યાર્થીઓને વેક્સીનેશન અપાવવા નાનાં નાનાં ગામડાઓની શાળાઓમાં પણ  જવા માંડ્યા, પણ એ પછી એક બહુ મોટું અને અઘરું કદમ ઉઠાવ્યું. એ દિવસોમાં પ્રજામાં હૃદયરોગીઓની સંખ્યા બહુ વધી ગઇ હતી. એમાં વિશેષ હૃદયના વાલ્વની ફરિયાદો બહોળા પ્રમાણમાં હતી. દૂર દૂરના ગામડેથી હૃદયનો વાલ્વ બદલાવવા દર્દીઓ છેક મુંબઇ સુધી લાંબા થતા હતા. એમને માટે મુસાફરીની એ હાલાકી ઉપરાંત સારવારનો ખર્ચ એમની કમર ભાંગી નાખે તેવો થતો હતો. આ હકીક્ત ધ્યાનમાં આવતાં તેમને દરેક રીતે ઉપયોગી થવાનું We all mission  દ્વારા થવા માંડ્યું. એ કામગીરી બહુ નક્કર સ્વરૂપે થવા માંડી. દર્દીને એના સ્વજનો મુંબઈ લાવે તો એને માટે એ પોતાના બૃહદ સ્નેહી વર્તુળમાંથી સ્પોન્સર શોધી કાઢીને દર્દીના હૃદયનો ક્ષતિગ્રસ્ત વાલ્વ બદલવાની વ્યવસ્થા પણ કરી આપવા માંડ્યા. પછી તો એથી પણ આગળ વધીને આગળ જતાં We all mission ના માધ્યમથી મંજુબહેન ગામડે ગામડે પોતાનો આરોગ્યસેવા કેમ્પ લઈ જવા માંડ્યા. એ લોકોને મુંબઈ આવવાની આર્થિક વ્યવસ્થા ન હોય તો એને માટે સ્પોન્સર પણ શોધી આપવા માંડ્યા. લોકો એમનું કામ અને એનો વ્યાપ જોઇને સામેથી પોતાનો ફાળો આપવા માંડ્યા.

આમ, ધીમે ધીમે આ કાર્યનો વિસ્તાર વધવા લાગ્યો. દરમિયાન, આ બધી ગતિવિધીઓ કરતાં કરતાં તેમણે નોંધ્યું કે અનેક જાતના દર્દીઓમાંથી કિડનીની બીમારીવાળા દરદીઓની સંખ્યા ઘણી વધારે છે. અને આવા દરદીઓને આર્થિક સહાય કરતાં પણ દવાઓની મદદની વધારે જરૂર છે. તેમના દ્વારા કિડનીના દરદીઓને હિમોગ્લોબીનનાં ઈન્જેક્શન પૂરાં પાડવાનું શરૂ કર્યું. શરૂઆત અલબત, સાવ નાના પાયેથી કરી. મંજુબહેન પોતે નેશનલ લીવર ફાઉન્ડેશન સાથે પણ સક્રિય રીતે સંકળાયેલાં હતાં. તેમને કેવળ દરદીઓનો નહીં, તેના કુટુંબની સમસ્યાઓનો ખાસ્સો પરિચય હતો અને આ કારણથી કિડનીના દરદીઓને માત્ર ઈન્જેક્શન કે દવાઓની સહાય કરવાને બદલે વધુ જરૂરી એવા ડાયાલિસીસ માટે મદદરૂપ થઇ શકાય તે માટે તેમણે પોતાના પરિચિતો-સાથીદારો સાથે વિચારવિમર્શ કર્યો. આ વિચાર વિમર્શનું નક્કર પરિણામ એટલે હાલની જીવનજ્યોત ડ્રગ બૅન્ક, જેની સ્થાપના 2004માં કરવામાં આવી.

આજે એ વાતને સત્તર વર્ષો વીતી ગયાં, પણ એટલા નાના ગાળામાં પણ જીવનજ્યોત ડ્રગ બૅન્કે જે જબરદસ્ત કાર્યવિસ્તાર સાધ્યો છે તે સિત્તેર વર્ષના સમયપટની બરોબરીનો છે. આ નાનકડો અને થોડા હજાર શબ્દોનો લેખ તો એની સાવ આછી ઝલક દેવા માટે પણ ટૂંકો પડે. કારણ કે એણે મુંબઇને ભલે કેન્દ્રમાં રાખ્યું પણ એની પ્રવૃત્તિઓ તો મુંબઇ ઉપરાંતના સમગ્ર મહારાષ્ટ્ર અને ગુજરાત-કચ્છ સુધી લંબાવી દીધી છે.

આપણે સૌ જાણીએ છીએ કે આજ કાલના કપરા સમયમાં જ્યારે જીવનજરુરી વસ્તુઓ અને સગવડોના ભાવ રોજેરોજ તીવ્ર ગતિએ ઉપર જઇ રહ્યા છે ત્યારે સામાન્ય જનને પોતાના ઘરખર્ચના બે છેડા ભેગા કરવાનું પણ દુષ્કર બની રહ્યું છે. આવા સમયે ઘરમાં કોઇ સભ્યની બિમારીનો પ્રસંગ આવે ત્યારે તો આવા વર્ગના લોકોના મોતીયા જ મરી જાય છે. મોટા ભાગના એવા લોકો સારવાર કરાવવાનું જ માંડી વાળે છે. અને કોઇ દેશી ઔષધિય ટૂચકાનો આશરો લે છે અથવા પછાત વર્ગના હોય તો દોરા-ધાગા-ભૂવા-ભારાડીના શરણે જાય છે અને અંતે હથિયાર હેઠાં મૂકીને દર્દીને મરણને શરણ થવા દે છે. કારણ કે તબીબી સારવારનો ખર્ચ આ ભયાનક ઝડપે ઉંચે જઇ રહ્યો હોવાથી એમને માટે રેગ્યુલર અને વ્યવસ્થિત સારવારના મેડીકલ ખર્ચને પહોંચી વળવું અસંભવ બની ગયું છે. આ સમસ્યાને નિવારવા માટે આરંભમાં જીવનજ્યોત ડ્રગ બૅન્કે સામાન્ય દવાઓ અને ઈન્જેક્શનો દર્દીને પરવડે તો રાહત દરે અને તે પણ ન પરવડે તો નિઃશુલ્ક આપવાનું શરુ કર્યુ. અસલમાં તો કિડની રોગીઓને જરૂર ઉભી થાય તો ડાયાલિસીસ માટે મદદરૂપ થતી આ સંસ્થા હતી, પણ આજે આટલા વર્ષે એ જાણીને અચરજ થાય તેવું છે કે મહારાષ્ટ્ર અને ગુજરાતની હૉસ્પીટલોને 200 જેટલા ડાયાલીસીસ મશીનોની ભેટ જે તે વિસ્તારના આર્થિક રીતે નબળા વર્ગના રોગોના દર્દીઓની નિઃશુલ્ક સારવાર કરવા માટે આપી છે. એના કારણે એ વિસ્તારના દર્દીઓને ડાયાલીસીસ માટે મુંબઇ  કે પોતાના સ્થળથી દૂર જવાની આવશ્યકતા રહી નહિં અને પોતાના વિસ્તારમાં જ એ આસાનીથી મળી રહે તેવી પરિસ્થીતિ ઊભી થઈ. આવા સંજોગોમાં આર્થિક રીતે નબળા વર્ગના લોકોએ બહુ સહન કરવું પડે છે અને તેમના માટે સારવાર લેવી તેમના ગજા બહારની વાત બની જાય છે. આરોગ્ય સેવાઓની વાત કરીએ તો એવા સામાન્ય સ્તરના લોકો માટે ડોક્ટરોની કન્સલ્ટેશન ફી, પેથોલોજિકલ અને અન્ય મેડીકલ ટેસ્ટ અને ચેક-અપ તેમજ હોસ્પીટલોમાં લેવાની થતી સારવારના મોંઘા બીલ્સ ભરવા અસંભવ બની રહે છે. આવા સંજોગોમાં ડીસ્પેન્સરિઝ, ચેરીટેબલ ટ્રસ્ટનાં દવાખાનાઓ, નિદાન કેન્દ્રો એમને માટે બહુ આશીર્વાદરૂપ નિવડે છે.

આવા સમયમાં, આ મધ્ય મુંબઇમાં આવેલી અને છેલ્લા પંદર વર્ષથી કામ કરતી આ જીવનજ્યોત ડ્રગ બૅન્ક એક દેવદૂત બનીને આવી છે. માનવસેવા એ જ પ્રભુસેવાના જીવનમંત્રને અનુસરનારી આ અનોખી ‘બૅન્ક’ દર મહિને કિડની ફેઈલ્યોરના10,000 જેટલા દર્દીઓને એમની આવી આપદાઓ દૂર કરવામાં સહાયરૂપ બને છે. જ્યારે આવા કિસ્સામાં દર્દીની સ્થિતી ક્યારેક વધુ ગંભીર હોય અને દર્દીને ડાયાલીસીસની આવશ્યકતા ઉભી થાય ત્યારે આ જીવનજ્યોત ડ્રગ બૅન્ક તરફ્થી ડાયલાઇઝર, ટ્યુબ્સ, અને બીજી જરુરી સારવાર સામગ્રી તદ્દન નિઃશુલ્ક મળે છે. એ દર્દી માટે એ વખતે જરૂરી મોંઘા ભાવની દવાઓ અને ઈન્જેક્શનો એમનાં સ્વજનોએ બહારથી ખરીદવા પડતાં નથી, પરંતુ જીવનજ્યોત ડ્રગ બૅન્ક તરફથી જ એને રાહત દરે પૂરાં પાડવામાં આવે છે. અમુક મોંઘી દવાઓ અને ઈન્જેક્શનો તો તદ્દન મફત પણ આપવામાં આવે છે. આને કારણે ગરીબ દર્દીઓને ભારે રાહતનો અનુભવ થાય છે. આ ઉમદા કાર્યમાં મંજુબહેન વોરા પોતે એટલાં તો ઓતપ્રોત છે કે એમની સંપૂર્ણ પ્રેરણા અને એમના ખુદના આર્થિક સહયોગથી છેક કચ્છ ભુજમાં એલ એન એમ ગૃપ લાયન્સ હૉસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટરમાં એક નિઃશુલ્ક ડાયાલિસીસ સેન્ટર કીડનીના અનેક દર્દીઓની સારવાર કરી રહ્યું છે.

કિડની રોગ ઉપરાંત ઉપરાંત બ્લડ પ્રેશર, ડાયાબીટીસ, લીવર અને કેન્સરની બિમારીઓ અને એવા બીજા અનેક રોગો જેમાં વર્ષો સુધી દવા લેવી પડે તેવા કિસ્સામાં પણ ડોક્ટરોએ સૂચવેલી દવાઓ જીવનજ્યોત ડ્રગ બૅન્ક દ્વારા એકદમ રાહતભાવે પૂરી પાડવામાં આવે છે. એકદમ રાહતભાવથી એ સંકુલમાં દંત વિભાગ પણ ચલાવવામાં આવી રહ્યો છે. ચામડીના રોગો માટે પણ ત્યાં ઉપચારની સગવડ કરવામાં આવી છે. જેને લીધે ચર્મરોગોના અનેક દર્દીઓ સારા થયા છે. વર્તમાન સંજોગોમાં કોરોનાના ઉપદ્રવને લીધે એમાં સાધારણ ફેરફાર કરવો જરૂરી બને તે સ્વાભાવિક છે. આ બધી સેવાઓ ઉપરાંત હજુ એક મહત્વની સેવાનો ઉલ્લેખ પણ એટલો જ અગત્યનો છે અને તે છે યુવાનોના ફેલાતા ટીબી કહેતાં ક્ષય રોગનો. આ રોગની દવાઓ અને ઈન્જેક્શનોનો ખર્ચ ગરીબ વર્ગના પરિવારોને પરવડે તેવો નથી હોતો. આવા વર્ગના દર્દીઓને એની સારવારના પૂરા ગાળાની દવાઓ તદ્દન નિઃશુલ્ક અથવા તેમની આર્થિક સ્થિતીના હિસાબે તદ્દન ઓછા ભાવે આપવામાં આવે છે. આ સગવડનો લાભ લઇને આ જીવલેણ ગણાતા રોગ ટીબીના હજારો દર્દીઓ રોગમુક્ત થયા છે.

(એક મહિલાદર્દીને સાંભળી રહેલાં મંજુબેન)

જીવનજ્યોત ડ્રગ બૅન્કના આ બહુપરિમાણી એટલે કે અનેક સેવાધારાથી રાતદિવસ ધમધમતા રહેતા સેવાકાર્યનાં મુખ્ય મશાલચી છે મંજુબહેન વોરા કે જેઓ સમાન વિચારધારા ધરાવતા અન્ય ટ્રસ્ટીઓ સાથે મળીને આ પ્રવૃત્તિનો વધુ ને વધુ વિકાસ સાધી રહ્યાં છે. કુદકે ને ભૂસકે એની પ્રગતિ સધાઇ રહી છે. એમની આ કામગીરીમાં એમને એમના કર્મચારીગણનો શિસ્તબધ્ધ સહયોગ એ તેમની મોટી મૂડી છે. એવું જ એમના અગણિત શુભેચ્છકો અને ઔષધ ઉત્પાદક કંપનીઓનું છે. તેમના સક્રિય સહયોગ વગર આ સેવાકાર્યની કલ્પના જ ન થઇ શકે. દવાઓનો જથ્થો સાવ પડતર જેવા અથવા તો ક્યારેક એથી પણ નીચા ભાવે એ ઉત્પાદકો પૂરો પાડવા તૈયાર ન હોય તો આ સેવાચક્રની યાત્રા અટકી પડે. એવો જ સહયોગ દવા ઉત્પાદકો અને આ જીવનજ્યોત ડ્રગ બૅન્ક વચ્ચે સેતુરૂપ બનનારા જથ્થાબંધ અને છૂટક વ્યાપારીઓનો મળી રહે છે. આના કારણે જીવનજ્યોત ડ્રગ બૅન્કની એક અતૂટ વિશ્વસનિયતા ઉભી થઇ છે અને એના બળ ઉપર દાતાઓ અને આર્થિક સહયોગીઓ આ સંસ્થાને કદી આર્થિક મૂંઝવણ અનુભવવાનો વખત આવવા નથી દેતા. અને આ બધાની ઉપર સૌથી વધુ મૂલ્યવાન છે અહીંથી  લાભાન્વિત થઇને પુનઃ આરોગ્ય પ્રાપ્ત કરનારા દર્દીઓ અને એમના પરિવારના અંતરમાંથી સ્ફૂરતા આશીર્વાદ.

(જીવનજ્યોત ડ્રગ બૅન્કની વિવિધ પ્રવૃત્તિઓ 1)

જીવનજ્યોત ડ્રગ બૅન્કની પ્રવૃત્તિઓ કેવળ દવા-ઈન્ક્શનો કે ડાયાલીસીસ, દંતચિકિત્સા કે ચર્મરોગોના ઇલાજ સુધી જ સીમિત નથી રહી. એની સેવાની તો અનેક અનેક શાખા-પ્રશાખાઓ છે.ડાયાલીસીસનો સામાન્ય અર્થ માત્ર કિડનીના સંદર્ભમાં જ આપણે કરીએ  છીએ પણ એનો એક નવો જ આયામ જીવનજ્યોત ડ્રગ બૅન્કની વલસાડ જિલ્લાના આદિવાસી વિસ્તારની એની કામગીરી જોવાથી ખૂલે છે. ત્યાંના સી એમ દેસાઇ જેવા પ્રખર લોકસેવકની મદદથી એ પ્રદેશ ઉંડા જંગલ વિસ્તારમાં કામ કરતા વનવાસીઓમાં સર્પદંશના જે અસંખ્ય બનાવો બને છે તેની સારવારમાં જીવનજ્યોત ડ્રગ બૅન્કના ધરમપુર ગામના ડાયાલિસીસ સેન્ટરની કામગીરી બહુ મોટા જીવનરક્ષક તરીકેની છે. એ સેવાઓ ન હોય તો ત્યાં સર્પદંશને કારણે થતાં મૃત્યુનો આંક બહુ ઉંચો હોત. સર્પના કાતિલ ઝેરને લોહીમાં ભળી જઇને જીવલેણ બનતું અટકાવવા જીવનજ્યોત ડ્રગ બૅન્કનું આ ડાયાલિસીસ સેન્ટર જીવનદાતા બની રહે છે.

તાજેતરની જ વાત કરીએ તો સિનીયર સીટીઝન્સને માટે જીવનજ્યોતની પોતાની ઓફીસે જ તેમને માટે મેડિકલ કેમ્પ્સનું આયોજન કરીને તેમને એકદમ નિઃશુલ્ક અથવા રાહત દરે દવાઓ આપવાથી માંડીને તબિબી માર્ગદર્શન આપવાનું ઉમદા કાર્ય પણ થઇ રહ્યું છે. આ કોવીડ-19 (કોરોના)ની મહામારીનો કાતિલ સમયગાળો પણ જીવનજ્યોત ડ્રગ બૅન્કના જુસ્સાને દબાવી શક્યો નથી. આ દિવસોમાં પણ તેના દ્વારા 6000 ઉપરાંત પરિવારોને તારદેવ પોલિસ સ્ટેશનના સહકારમાં રાશનની કીટ્સનું વિતરણ કરવા ઉપરાંત કોરોના સામે પ્રતિકારક શક્તિ વધારવા માટે પૂરક વિટામિનોની ગોળીઓનું મફત વિતરણ કરવામાં આવ્યું. અને રાહત દરે તબિબી સેવાઓ પણ પૂરી પાડવામાં આવી.

જીવનજ્યોત ડ્રગ બૅન્કના પાયામાં તો મંજુબહેન વોરા ખરાં જ, પણ એમનાં સાથીઓના નામો પણ બહુ માતબર છે. એમાંના એક છે રસિકભાઇ દોશી કે જેમનું બહુ મોટું પ્રદાન અમદાવાદમાં  આવેલી આખા એશીયા ખંડમાં સુપ્રતિષ્ઠિત એવી Institute of Kidney Disease and Research Centre ની  સ્થાપનામાં પણ રહ્યું છે. આ ઉપરાંત બીજા પણ એવા પ્રતિષ્ઠિત મહાનુભાવો આ ટીમમાં છે. જેવા રજનીકાંત આર દોશી, મધુકર શેઠ, રવીન્‍દ્રભાઇ સંઘવી, શૈલેશભાઇ ઝવેરી, મનીષભાઇ દોશી  અને ઇંદરજિતભાઇ કોઠારી. આ અગાઉ જૈન અગ્રણી પ્રાણલાલભાઇ દોશી જેવા સમર્થ સજ્જનો પણ આ આખા સેવાકાર્યમાં ટ્રસ્ટી તરીકે સાથે રહ્યા છે. હવે તો સ્વર્ગસ્થ એવા જયંતિભાઇ શાહ પણ આજીવન સહયોગ આપતા રહ્યા હતા.

શ્રીમતિ મંજુબહેન વોરાના નાનકડા 1981માં શરુ થયેલા એવા બિન-વ્યાવસાયિક લગ્ન બ્યુરોમાંથી જેના બીજ રોપાયાં અને જેણે આજે વિરાટ વડલાનું સ્વરૂપ ધારણ કર્યું છે તે  જીવનજ્યોત ડ્રગ બૅન્કને નાણાંકીય સહયોગની જરુરત રહે તે સ્વાભાવિક છે. તેને આપાતું દાન આવકવેરાની કલમ 80 G અન્વયે કરમુક્ત છે.

સંપર્કો:

JIVAN JYOT DRUG BANK

G-3, GanjawalaTower, Sane Guruji Marg, Behind Suman Jewellers, Tardeo, MUMBAI CENTARL-400 034.

Tel-+91 22- 2352 9047 /2352 3715/ Manjubahen Vora-Mobile and Whatsapp-+9193222 31845

Website: http://jivanjyotdrugbank.org/ || Facebook: facebook.com/jivanjyot
Email: jjdb08@gmail.com


<p>લેખકસંપર્ક-</p>
<p>રજનીકુમાર પંડ્યા.,<br>બી-૩/જી એફ-૧૧, આકાંક્ષા ફ્લેટ્સ, જયમાલા ચોક,મણિનગર-ઇસનપુર રૉડ,અમદાવાદ-૩૮૦૦૫૦<br>મો. +91 95580 62711 ( વ્હૉટ્સએપ) / લેન્ડલાઇન- +91 79-25323711/ ઇ મેલ: rajnikumarp@gmail.com</p>

Author: Web Gurjari

3 thoughts on “લ્યો,આ ચીંધી આંગળી : જીવનજ્યોત ડ્રગ બૅન્ક- એક વિરાટ આરોગ્યવડલો

  1. આજનાં ત્રણે પ્રેરણાદાઈ લેખો વાંચી, એમનાં સેવાકર્મોને વંદન.
    સરયૂ પરીખ

  2. શિક્ષણ અને આરોગ્યને લગતી સેવાને જ સેવા કહી શકાય.બીજી સેવાઓ તો કાં તો કોઈના ઘર ભરે છે અથવા સમાજમાં નુકસાન કરે છે.મંજુબેન ને પ્રણામ.

  3. આપ શ્રી તરફ થી હંમેશા ખૂબ જ રસપ્રદ અને ઉપયોગી લેખ વાંચવા મળે છે.

Leave a Reply

Your email address will not be published.