નલિન શાહની નવલકથા : પ્રથમ પગલું – પ્રકરણ-૧૦

દરેક પેન્ટિંગમાં નીચે ખૂણા પર રાજુલનું નામ હતું. આ રાજુલ તો એણે સપનામાં પણ નહોતી કલ્પી.

નલિન શાહ

ઓરડામાં એક જર્જરિત ખાટલા સિવાય બીજું કોઈ ફર્નિચર નહોતું. ચોપડીઓ હંમેશ મુજબ વ્યવસ્થિત એક તરફની ભીંત પાસે ગોઠવેલી હતી. બીજી તરફની ભીંત પાસે જમીન ઉપર વિવિધ રંગનાં ધાબા, પેઇન્ટિંગનાં લાંબાં બ્રશો ને અલગ અલગ રંગોના નાના નાના ડબ્બાઓ નજરે પડ્યાં. એને નવાઈ જરૂર લાગી, ‘રાજુલ આવે એટલે પુછું’ એણે વિચાર્યું ને નીચે જમીન પર બેસી ચોપડીઓ ઊથલાવા માંડી. ત્યાં જ એની નજર ખાટલા નીચે પડેલાં ડ્રોઈંગ પેપરનાં મોટાં મોટાં કૂંડાળાં પર પડી. કુતૂહલતાવશ એણે એક કૂંડાળું ખોલ્યું ને એની આંખો વિસ્મયથી ફાટી ગઈ. મોનાલિસા જેવી દેખાતી સ્ત્રીનું ચિત્રામણ હતું. એક પછી એક એણે બધા કુંડાળાં ખોલ્યાં. ક્યાંક લેન્ડસ્કેપનું ચિત્ર હતું, ક્યાંક ઝુંપડીને ઓછાં; નામ માત્ર કપડામાં આદિવાસી બાઈ, ક્યાંક બાળકનો માસૂમ ચહેરો તો ક્યાંક દરિયામાં ઢળતા સુરજની આભા તો ક્યાંક અડધા ઘુંઘટમાં ઢંકાયેલો નવવધુનો ચહેરો, જેમાં ઘુંઘટની પાછળ પણ ચહેરાની આછી આકૃતિ દૃષ્ટિગોચર થતી હતી. શશી આભી બનીને દરેક પેન્ટિંગ બારીકાઈથી નિહાળી રહી. દરેક પેન્ટિંગમાં નીચે ખૂણા પર રાજુલનું નામ હતું. આ રાજુલ તો એણે સપનામાં પણ નહોતી કલ્પી. રાજુલની કલ્પનાનું ઊંડાણને વાસ્તવિકતાનો નવો ઓપ આપવાની કળા એ એને આશ્ચર્યમાં ગરકાવ કરી દીધી.

ત્યાં જ રાજુલ આવતી દેખાઈ. એની કોઈ ચોરી પકડાઈ ગઈ હોય એવા ભાવથી એ બહેનની સામે જોઈ રહી.

‘રાજુલ!’ શશીના અવાજમાં ચીસનો રણકો હતો, ‘આ બધું તે ચીતર્યું છે ક્યારે!! કેવી રીતે!!! તું તો મને પળે પળે વિસ્મય પમાડે છે. તારું ભણવાનું ને વાંચનનો શોખ પુરતો નહોતો, તે આ બધું પણ કર્યું? હજી શું શું બાકી છે કરવાનું? એની તો હવે કલ્પના પણ કરી શકું તેમ નથી. અને… અને… આ બધા રંગના ડબ્બા ને બ્રશો ક્યાંથી લાવી?’

રાજુલ હસી પડી, ‘દીદી સ્કૂલમાં પેઇન્ટિંગની હરીફાઈ હતી, હું પહેલી આવી, તે આ બધું ઈનામમાં મળ્યું. ડ્રોઈંગ માસ્તર બહુ સારા હતા, એમણે મને થોડું માર્ગદર્શન આપ્યું ને દુનિયાના મશહૂર ચિત્રકારોના પેન્ટિંગની ચોપડી પણ જોવા આપી. મેં એમાંથી એક ચિત્રની નકલ કરી,’ એમ કહીને એણે મોનાલિસાનાં ચિત્રનું કુંડાળું ખોલીને બતાવ્યું, ‘આ જોઈને એ બહુ ખુશ થયા ને મને ચોપડી આપી દીધી, કહ્યું કે તું જ રાખ, તારે વધારે ખપમાં આવશે કારણ ગામમાં એવું કોઈ નથી જે એનો ઉપયોગ કરી શકે ને લાઇબ્રેરીમાં આપીશ તો પડી પડી ઊધઈ ખાઈ જશે.’ રાજુલે એ કપડાની થેલીમાં સંભાળીને મૂકલી મોટી ચોપડી કાઢીને બતાવી.
શશી ફાટી આંખોથી જોઈ રહી, ‘પણ તને વાંચનમાંથી સમય ક્યારે મળ્યો?’

‘લે, સમય સિવાય મારી પાસે છે પણ શું? બા રસોઈ કરવા દેતા નથી, ને નથી એવી કોઈ સહેલી જેની સાથે હું કોઈ ચર્ચા કરી શકું. રમતગમતનો પણ કોઈ શોખ નથી એટલે આ ગમતું’તું ને કર્યું: છેલ્લાં પાંચ વરસથી કરું છું. ડ્રોઈંગ ટીચરે ઘણું પ્રોત્સાહન આપ્યું. શરૂઆત પેન્સિલથી કરી, પછી ચારકોલ સ્કેચ કર્યા ને પછી વોટર કલર વાપરવાનું શરૂ કર્યું.

‘આટલાં વરસ બધું છુપું રાખ્યું મારાથી પણ. ક્યાં કરતી’તી આ બધું?’

‘કોઈક વાર ઘરમાં; પણ ઘણું ખરૂં ડ્રોઈંગ ટીચરને ત્યાં એમની દેખરેખ હેઠળ. મને એમ કે થોડું શીખી જાઉં પછી તને આશ્ચર્ય આપું.’

‘આશ્ચર્ય? અરે તેં તો મને ચમકાવી દીધી છે. મને સપનાં જોતી કરી દીધી.’

‘ઘરમાં ખબર છે કોઈને?’

‘હોય કાંઈ? બાને ખબર પડે તો તડૂકે ‘બંધ કર આવાં ચીતરામણાં કરવાં. સાસરે જશે તો બે દિવસમાં પાછી મોકલી દેશે.’

શશીએ પ્રેમના ઉમળકાથી રાજુલનાં ગળામાં હાથ નાખી એને પાસે ખેંચી. રાજુલે એના કાનમાં કહ્યું, ‘દીદી, આ ચોપડીમાં પારદર્શક કપડામાં સ્ત્રીઓનાં અર્ધ નગ્ન ચિત્રો પણ છે. બહુ મન થાય છે એની નકલ કરવાનું પણ કોઈ જોઈ જાય એનો ડર લાગે છે અને આમે રંગ પૂરીને પારદર્શકતા બતાવવી બહુ અઘરી છે.’

‘હું તને ઉગારીશ બધી વિડંબનાઓમાંથી. હવે તારે બીજાં કોઈ ક્ષેત્રમાં જવાનો વિચાર કરવાની જરૂર નથી. આજ જો તારું મનગમતું ક્ષેત્ર હોય તો એમાં જ તાલીમ લઈને સફળતા પ્રાપ્ત કર. હું બાપુજી પાસે એક અરજી લખાવી લઉં છું મારી સંસ્થાને મોકલવા. તારી હોસ્ટેલની ને ફી વગેરેની બધી જોગવાઈ થઈ જશે.’

‘પણ દીદી હું કોઈ પાર્ટ ટાઈમ નોકરી લઈ આ બધું કરું તો?’

‘જરા પણ નહીં. હું બેઠી છું, બા-બાપુની જરૂર પડે તો સંભાળ લેવા. બાપુની નોકરી હજી ચાલુ છે ને એમની ઉંમર ને તબિયત એવાં નથી કે ઘેર બેસી આપણી કમાણી પર નભવું પડે. અત્યારે તો તારે બધું ધ્યાન તાલીમ પર કેન્દ્રિત કરવાનું છે.’

થોડી વાર માટે શશી વિચારમાં લીન થઈ ગઈ. પછી ધીમેથી બોલી ‘કેટલું સારૂ થયું હું તારી સાથે અહીં આવી ને આ બધું જોવા-જાણવાનો મોકો મળ્યો. હવે મને વચન આપ કે તું તારું ધ્યેય સિદ્ધ કર્યા પહેલાં અને મને પૂછ્યા વગર લગન નહીં કરે.’

‘દીદી, એટલો વિશ્વાસ નથી કે વચનની જરૂર હોય?’

‘છે, પૂરેપૂરો છે. બીજી એક વાત. હું વચન માગવાની દુષ્ટતા તો નહીં કરું, પણ કેવલ કુતૂહલતાવશ પૂછું છું કે માની લે તું મોટી કલાકાર બની જાય, પ્રસિદ્ધિ પામે, ખૂબ પૈસા કમાય ને ક્યારેક તને મળવાની ઇચ્છા થાય ને આવું તો લપડાક મારી ઘરની બહાર તો નહીં કરે ને?’ શશીની આંખમાં શરારતની ચમક હતી.

જવાબ આપ્યા વગર રાજુલ શશી સામે તાકી રહી. ધીરેથી ઊઠીને હાથ પકડી શશીને ઊભી કરી ને ભીંત ઉપર ટંગાતી શ્રીનાથજીની છબી સામે હાથ જોડી ઊભી રહી. ‘હું તને કોઈ વચન કે બાંહેધરી આપતી નથી. ફક્ત ભગવાનની સાક્ષીમાં એટલું જ કહીશ કે જે દિવસે અનાયાસે મને સપનામાં પણ એવો વિચાર આવે તે દિવસે હું ગળે ફાંસો દઈ મારી જિંદગી ટૂંકાવી દઈશ.’

શશી હસી પડી, ‘ગાંડી થઈ છે?, હું તો મશ્કરી કરતી’તી’.

‘પણ હું નહીં’ રાજુલ ગંભીર વદને બોલી. ‘મારે એ સુખની કોઈ કિંમત નથી જેમાં તું ભાગીદાર ના હોય.’

‘શું ગુસપુસ કરો છો બંને જણીઓ ?’ સવિતાએ દાખલ થઈ પૂછ્યું. ‘બીજું શું કરીએ; રસોઈમાં તો તું અમને હાથ લાગાવવા દેતી નથી.’ શશી બોલી, ‘મને તો ઠીક પણ આને તું ટેવ નહીં પાડે તો સાસરામાં ટકશે નહીં.’

‘કેમ બહુ ઉતાવળ છે સાસરે જવાની?’

‘તમારું ભલુ પૂછવું. જે લંગડો-લૂલો મળે એને વળગાડી દો, માથેથી ભાર ઊતારવા.’

‘વળગાડવા જેવી તો તું છે, બહુ ફાટી ગઈ છે ને.’

‘એટલે જ તો મેં મારો રસ્તો શોધી લીધો ને રાજુલને પણ અવો જ રસ્તો બતાવવાની છું.’

‘તું બીજું શું કરે? અમે તો એકને રસ્તો બતાવી હાથ ધોઈ નાખ્યા છે.’

સસ્મિત બધાં એક-બીજાનો હાથ પકડી બહાર આવ્યાં. મા-બાપ હજી અંધારામાં જ હતાં કે એમની વૈધવ્યમાં રાચતાં મુંબઈવાળી દીકરીએ એની બેનની કેવી દુર્દશા કરી હતી.

શશીએ રાજુલને પણ ચુપકીદી સેવવાની તાકીદ કરી હતી. કેવળ મા-બાપનાં દુઃખમાં વધારો ના કરવા ખાતર.

જમીને બંને બેનોએ ઓરડામાં બેસી ભવિષ્યની રૂપરેખા દોરવાનું શરૂ કર્યું.

‘રાજુલ, મને ખબર નથી કે ચિત્ર-કલાનું યોગ્ય શિક્ષણ ક્યાં લેવાય છે?’

‘આપણે માટે વડોદરા નજદીક કહેવાય. મુંબઈ થોડું લાંબું ગણાય. પણ મારી ઇચ્છા મુંબઈની જે. જે. સ્કૂલ ઓફ આર્ટ એન્ડ આર્કિટેક્ચરમાં જવાની છે પણ ખર્ચાનો વિચાર આવતાં ડર લાગે છે. મને આધુનિક ચિત્રકલામાં રસ નથી. સત્તર ને અઢારમી સદીનાં ચિત્રોએ મને ખૂબ પ્રભાવિત કરી છે. ખાસ કરીને ઈટાલિયન પેઇન્ટર લિઓનાર્ડો દ વિન્ચી. મોનાલિસાના ચહેરા પર અંકિત થયેલા ભાવ એને મહાન કૃતિની હરોળમાં મૂકે છે. આવું કરવાની કળા સિદ્ધ કરવી એ તો એક સપનું છે જે કદી સાકાર ન થાય.’

‘રાજુલ! કોઈ પણ પ્રકારની કોઈ સગવડ વગર ગામડામાં રહી આ કુશળતા તેં પ્રાપ્ત કરી; ને તે પણ આટલી ઉંમરમાં અને મને ગંધ સુદ્ધા ના આવી!! તારી પ્રતિભાને ખીલવા માટે હવે આ ગામમાં કોઈ તક નથી ને તું એમ કેમ માને છે કે કળા સિદ્ધ કરવાનું સપનું સાકાર ન થાય? એને માટે ભોગ આપવાની ધગશ જોઈએ. હવે સવાલ રહે છે ખર્ચાનો. સંસ્થાને અરજી આપતાં પહેલાં એ જાણવું જરૂરી છે કે શિક્ષણનો હોસ્ટેલનો ખાવા પીવાને ગાડી ભાડાંનો અંદાજે કેટલો ખર્ચો થાય?’

‘તારા પેલા પત્રમિત્ર છે ને મુંબઈના એને ના પૂછાવાય?’

‘સુનિતાબેન, અરે હા એ તો યાદ જ ન આવ્યું.’

‘તને ખાતરી છે કે આ બધી જોગવાઈની માથાકૂટ એ કરે?’

‘તું જાણતી નથી સુનિતાબેનને. એ તો દેવી છે. સંપન્ન અને સેવાભાવી. મારા ગ્રામ સેવાના કામની નોંધ લીધી, પત્ર વ્યવહાર શરૂ કર્યો, પ્રોત્સાહન આપ્યું ને વગર માગે સંસ્થાને આર્થિક મદદ કરતાં રહે છે. અબજોપતિ છે પણ અભિમાન લેશમાત્ર નથી. આર્થિક રીતે નબળી સ્ત્રીઓની કેળવણીમાં ખાસ રસ ધરાવે છે. હું કદી મળી નથી પણ મને મુંબઈ આવવાનું આમંત્રણ વારંવાર આપે છે, પણ જોગ ના આવ્યો. એ વખતે મુંબઈ ગઈ ત્યારે એ અમેરિકા ગયાં’તાં. મારાથી બાર-તેર વર્ષ મોટાં છે પણ પત્રો એવી રીતે લખે છે’ જાણે મારા સમવયસ્ક હોય. પણ મને એ કહે કે વડોદરા છોડી આટલે લાંબે મુંબઈ જવાની વાત કેમ કરે છે?

‘મારા અંગ્રેજીના શિક્ષકે અંગ્રેજી સાહિત્યમાં મારી રુચિ જોઈ મને જૂનાં સાહિત્યમાં રસ લેતી કરી. ચાર્લ્સ ડીકન્સ, થોમસ હાર્ડી, જેન ઓસ્ટિન વગેરેની ચોપડીઓ વાંચી. સમજવામાં મુશ્કેલી બહુ પડી. ત્યારે વિચાર આવ્યો કે ચિત્રકળા, સાહિત્ય વગેરેમાં વિકાસ કરવા એવું વાતાવરણ પણ જોઈએ જેની તક મુંબઈમાં સારા પ્રમાણમાં મળી શકે.’

‘અને સાથે સાથે બગડવાની તક પણ ઘણી મળે.’ શશીએ હળવાશથી કહ્યું.

‘દીદી, તને મારામાં વિશ્વાસ ના હોય તો હું વડોદરા જઈશ પછી તો મારી ચિંતા નહીં કરે ને?’

‘અરે ગાંડી, હું તો મશ્કરી કરૂં છું.’ કહી રાજુલના ગળામાં હાથ નાખ્યો ને બોલી, ‘તું બીજી એક તકની વાત કરવાનું તો વીસરી ગઈ.’

‘કઈ તક?’ રાજુલે વિસ્મયથી પૂછ્યું.

‘પ્રેમમાં પડવાની.’ રાજુલે શરારતભર્યા લહેજામાં કહ્યું.

‘એ તો દીદી, એમ છે ને કે કે કાલ કોણે જોઈ છે?!’ રાજુલે પણ એવા જ લહેજામાં જવાબ આપ્યો.

‘સાંભળ્યું છે કે ત્યાં વરણાગી એટલે કે છેલબટાઉ છોકરા ઘણા હોય છે.’

‘હોય પણ ખરા.’

‘અને ભગવાને રૂપ પણ તને સારું અવું આપ્યું છે એટલે ઓચિંતા કોઈની નજર પડે પણ ખરી.’

‘ઓચિંતી નહીં, કદાચ ઇરાદાથી એ પડે પણ સવાલ તો ત્યારે ઉદ્ભવે જ્યારે મારી નજર કોઈ પર પડે, સમજ્યા બેનબા.’

‘હવે વાત પર પૂર્ણવિરામ મૂકો ને કાગળ લખો એટલે હું સપનાં જોવાનું શરૂ કરું.’ ને રાજુલ ત્વરિત પગલે બહાર ચાલી ગઈ. શશીએ કાગળ ને પેન હાથમાં લીધાં.

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.