લુત્ફ-એ-શેર : મણકો # ૪૫

ભગવાન થાવરાણી

મહાન ગઝલ ગાયક મેંહદી હસનને પહેલી વાર જે ગઝલ દ્વારા સાંભળ્યા એના ગઝલકાર હતા જનાબ  ‘ હફીઝ ‘ હોશિયારપુરી. ખરેખર તો એ ઉમદા ગઝલને દુનિયા સૂધી પહોંચાડવાનું કામ પણ મહદંશે મેંહદી હસન સાહેબે જ કર્યું, એ જ ગઝલ પછીથી ફરીદા ખાનમ, જગજીત સિંહ અને શ્રેયા ઘોષાલ દ્વારા પણ ગવાઈ હોવા છતાં ! એ ગઝલનો પ્રખ્યાત મત્લો :

મુહબ્બત કરનેવાલે કમ ન હોંગે
તેરી મેહફિલ મેં લેકિન હમ ન હોંગે

ગઝલના બધા જ શેર બેહતરીન છે પરંતુ મારો માનીતો શેર :

ઝમાને ભર કે ગમ યા એક તિરા ગમ
યે ગમ હોગા તો કિતને ગમ ન હોંગે..

ત્રાજવાના એક પલ્લામાં બાકી બધા ગમ અને બીજામાં કોઈ એક જ ‘ શખ્સ ‘ ના ગમ ! અને મજાની વાત એ કે કવિ આ પરિસ્થિતિમાં પણ એ કારણે આશ્વસ્ત છે કે એક મોટા ગમની હાજરીના કારણે બીજા નાના-નાના ગમથી આબાદ બચી જવાય છે ! જેમ કોઈ મોટા ઘાના કારણે નાના ઘસરકાઓ ધ્યાનમાં જ ન આવે !  ( જેમ કોરોના-કાળમાં અનેક લોકો એ ભૂલી ગયા છે કે પહેલાંના નાના-નાના રોગ તો હજી પણ છે જ ! ) 

આપણા ગાલિબ એટલે કે મરીઝ સાહેબ આ વાત અલગ અંદાઝમાં કહે છે :

આ નાના – નાના દર્દ તો થાતા નથી સહન
દે એક મહાન દર્દ અને પારાવાર દે ..


શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ પત્રવ્યવહાર સરનામે થઈ શકશે.

Author: Web Gurjari

3 thoughts on “લુત્ફ-એ-શેર : મણકો # ૪૫

Leave a Reply

Your email address will not be published.