સવેરે કા સૂરજ તુમ્હારે લિયે હૈ… કિશોર કુમારે ગાયેલાં ઓ પી નય્યરનાં ગીતો [૧]

મૌલિકા દેરાસરી

આપણી સંગીતની સફરમાં આજે કિશોરકુમારનો સાથ આપશે, સંગીતકાર ઓમકાર પ્રસાદ નૈયર. જી હાં… એ જ – ઓ.પી. નૈયર સાહબ. ખાસ પ્રકારની ટોપી અને ચશ્મા સાથેનો મુસ્કુરાતો ચહેરો આંખ સામે આવ્યો ને!

તેઓની યાદમાં ભારતીય ટપાલ ખાતાએ ૨૦૧૩માં સ્ટેમ્પ પણ બહાર પાડ્યો છે. કિશોરકુમાર તો ઘણી વખત ટપાલ ખાતાના અને અન્ય સ્ટેમ્પ પર ઝલકી ચૂક્યા છે.

ખેર…વાત નીકળે તો આપણે ક્યાંય દૂર સુધી નીકળી જઈએ પણ આજે તો વાત સંગીતની કરવાની છે એટલે એ તરફ આગળ વધીએ.

ઓ.પી. નૈયર વિશે થોડું જાણી લઈએ. ૧૯૨૬માં લાહોરમાં જન્મેલા આ સંગીતકારે ૨૦૦૭માં મુંબઈમાં વિદાય લીધી.એ દરમ્યાન અનેક ફિલ્મોને તેમના સંગીતથી સજાવાઈ. ભાગલા પછી તેઓ પટિયાલા આવીને વસ્યા અને સંગીત શિક્ષક તરીકે કામ શરૂ કર્યું. ઓલ ઇન્ડિયા રેડિયો પર તેઓ ગીતો પણ ગાતા. તેમની એક રચના પ્રીતમ આન મિલો – જે તેમને ફિલ્મોમાં લઈ આવવા માટે જવાબદાર બની. ૧૯૪૯ની ફિલ્મ કનીઝમાં તેમણે બેકગ્રાઉન્ડ સ્કોર કંપોઝ કરવાથી શરૂઆત કરી. બાકાયદા સંગીતકાર તરીકે તેમની પ્રથમ ફિલ્મ હતી ૧૯૫૨ની આસમાન. ૧૯૯૫ની ફિલ્મ મુકદ્દર કી બાત તેમની અંતિમ ફિલ્મ હતી.

સફરમાં હવે વાત કરીએ  ઓ.પી. નૈયરે સંગીતબદ્ધ કરેલા ગીતોની, જે ગાયા હતા કિશોરકુમારે.

આ જોડીની સંગીત સફર ૧૯૫૫ની સાલમાં રિલીઝ થયેલી ફિલ્મ ‘બાપ રે બાપ’થી શરૂ થઈ.

જાં નિસાર અખ્તર લિખિત મજાના ગીતો હતા આ ફિલ્મમાં.

કિશોરદા અને આશા ભોંસલેના યુગલ સ્વરોમાં –

પિયા પિયા પિયા મોરા જીયા પુકારે. હમ ભી ચલેંગે સૈયાં સંગ તુમ્હારે…

ઘોડાગાડીમાં ફિલ્માવાયેલા આ ગીતમાં કિશોરદાનું મસ્તીભર્યું યોડલિંગ પણ સાંભળવા મળે છે. ઓ.પી. નૈયરે ઘોડાના ડાબલાના અવાજને સંગીતમાં જ વણી લીધો છે. કિશોરકુમાર સાથે આ ગીતમાં જોવા મળે છે ચાંદ ઉસ્માની.

કિશોરકુમાર જ્યારે આ ગીત ગાય છે, ત્યારે એમનો અભિનય જોવાની પણ મજા આવે છે.

ફૂલ સે ગાલોં પે, મતવાલી ચાલોં પે મૈં હું ફિદા.. ઓ દિલરૂબા.

આ નટખટ ગીતમાં કિશોરકુમારને સાથ આપ્યો છે આશા ભોંસલેએ. ઓ.પી. નૈયરે આ ગીતમાં ઢોલકનો અસરકારક ઉપયોગ કર્યો છે.

સફરની હવેનો મુકામ કરીએ ૧૯૫૬માં.

આ વર્ષની પ્રથમ ફિલ્મ છે, ‘નયા અંદાઝ’. કિશોરકુમાર, મીના કુમારી અને કુમકુમ અભિનીત આ મ્યુઝિકલ ફિલ્મ જોવાની અને સાંભળવાની પણ મજા છે. એ જમાનાની સરસ ગણાતી ફિલ્મોમાં એનું નામ સામેલ છે. કિશોરકુમારે આ ફિલ્મમાં હંમેશથી અલગ એક શાંત કિરદાર નિભાવ્યું છે. જ્યારે મીના કુમારીને એક ઉત્તમ નર્તકીના રૂપમાં જોઈને દિલ ખુશ થઈ જાય છે. ફિલ્મના ગીતકાર છે, જાં નિસાર અખ્તર.આ ફિલ્મમાં  ઓમકારબાબુના સંગીતની પણ નોંધ લેવાઈ હતી.

કિશોરકુમારનું શમશાદ બેગમ સાથેના યુગલ સ્વરમાં ચાંદની રાતમાં ગવાયેલું આ મનભાવન ગીત. શમશાદ બેગમનો અવાજ તો મનને અલગ અસર કરે જ છે. પણ કિશોરદાનો હંમેશ કરતા અલગ, શાંત, ધીર ગંભીર અને ઘૂંટાયેલો અવાજ મન તર કરી જાય છે.

મેરી નીંદો મેં તુમ, મેરે ખ્વાબો મેં તુમ..

આ જ બંનેની જોડીએ આ ગીતથી તદ્દન અલગ પ્રકારનું ગીત ગાયું છે. જે આપણને આજે પણ ગરમ જલેબી જોઈને યાદ આવે છે.

કૈસી ભરી દેખો પ્યાર કે રસ મેં.. ખા લો ગરમાગરમ દે જલેબિયા…

હવેના ગીતમાં કિશોરકુમાર ગાય છે: વફા કા અપની સિલા, હમેં તો આજ મિલા. હૈ અબ મઝા હી મઝા, રહા ન કોઈ ગીલા.

શમશાદ બેગમ કહે છે:

તુમ્હી સે પ્યાર તુમ્હી સે કરાર મિલતા હૈ…

આ સાંભળીને મનને કરાર ના મળે તો કહેજો!

એક ગીતમાં કિશોરકુમાર અને શમશાદ બેગમ સાથે મુહમ્મદ રફીએ પણ પોતાનો સ્વર પૂરાવ્યો છે.

આજ સુહાની રાત હૈ અહા…! તું આજા રે.. દિલ હૈ બેકરાર!

નયા અંદાઝના બાકીના તમામ ગીતો કિશોરકુમારે પોતાના આગવા અંદાજમાં ગાયા છે. મોટાભાગના ગીતોમાં કિશોકુમાર સાથે જોની વોકર પણ જોવા મળે છે. ઓ.પી.નૈયરે આ ગીતોમાં પરંપરાગત વાદ્યોનો ઉપયોગ બખૂબી કર્યો છે. ઘણાં ખરા ગીતોનું ફિલ્માંકન ગ્રામ્યજનોને સાથે લઈને કરવામાં આવ્યું છે.

અપના તો ઝમાને મેં બસ ઈતના ફસાના હૈ. કુછ હમ ભી દીવાને હૈ, કુછ દિલ ભી દિવાના હૈ.

હવા પિછલે પહર જબ દૂર સુહાની બજતી હૈ. મુઝે એક બાર ફિર અપની મુહબ્બત યાદ આતી હૈ.

મહેફિલ મેં આજ તેરી દીવાને આ ગયે હૈ, લે કર દિલો જીગર કે નઝરાને આ ગયે હૈ.

સજેલી મહેફિલ અને પ્રાણ સાહેબને મુખમાં સિગાર નાખીને તાકતા જોવાની પણ આ ગીતમાં મજા છે. જો આ ગીતને સાંભળશો તો ઓ.પી. નૈયરના સંગીતનો કમાલ પણ સ્પર્શ્યા વિના રહેશે નહિ.

દુનિયા કે બાઝાર મેં ભૈયા ચલતા ખોટા માલ, બડે બડે ગુન વાલે દેખો ફિરે યહાં કંગાલ!

આ ગીતમાં કિશોરકુમાર અને જોની વોકર આપણને મળાવે છે આપણી આસપાસના અલગ અલગ નમૂનાઓ સાથે. રફી સાહેબે જોની વોકરને પોતાનો સ્વર આપ્યો છે.

વર્ષ ૧૯૫૬ની બીજી ફિલ્મ છે ભાગમભાગ. ભગવાન દાદાના લેખન, નિર્દેશન અને અભિનેતા તરીકેની આ ફિલ્મ એક રહસ્યમય કોમેડી ફિલ્મ હતી. મુખ્ય અભિનેતાઓમાં હતા કિશોરકુમાર અને શશીકલા. મજરૂહ સુલતાનપુરી રચિત ગીતો હતા આ ફિલ્મમાં.

જેમ ફિલ્મ નયા અંદાઝના ગીતોમાં કિશોરદા સાથે જોની વોકર હતા, એમ આ ફિલ્મના ગીતોમાં તેઓની સાથે ભગવાન દાદા જોવા મળશે. આ ફિલ્મમાં કિશોરદાને ગીતોમાં સાથ આપ્યો છે, મુહમ્મદ રફીએ.

હવેના આ ગીત માટે રફી સાહેબે પોતાના અવાજને એ રીતે બદલ્યો છે, કે દંગ રહી જવાય. સાંભળીએ ત્યારે એકવાર તો વિચાર કરતાં રહી જઈએ કે આમાં કોણ કિશોરકુમાર ને કોણ મુહમ્મદ રફી!

હેય બાબુ, યે હૈ ઝમાના તેરા.

છોડ ચલે પ્યારી દુનિયા કો, છોડ ચાલે જૂઠી દુનિયા કો…

આ ગીતમાં ભ ભ ભ ભગુ, અને ક ક ક કિશુને જોવાનું ભૂલતા નહિ. કારણકે આ બંનેને સૂરમાં રડતા જોવાનો બીજો મોકો નહિ મળે!

વચ્ચે એક વાત જાણવા જેવી છે કે, રફી સાહેબ ઓ.પી. નૈયરના હંમેશના મનપસંદ ગાયક હતા. જ્યારે લતા મંગેશકર સાથે તેમણે ક્યારેય કામ જ નથી કર્યું.

આ ગીતો માટે નૈયર સાહેબનો મુહમ્મદ રફીના અવાજ માટે આગ્રહ હતો. કિશોરકુમારે એને વધાવી પણ લીધો. કિશોરકુમાર પણ મુહમ્મદ રફીને અત્યંત સન્માન આપતા હતા. ઘણાં ગીતોમાં કિશોરદાએ સામે ચાલીને રફી સાહેબને લેવાની ભલામણ પણ કરી છે.

હવેનું ફિલ્મ ભાગમભાગનું આ ગીત મુહમ્મદ રફી અને આશા ભોંસલેના અવાજમાં છે. આ ગીત એવા ચંદ ગીતોમાંનું એક છે, જેમાં અભિનેતા કિશોરકુમારને પ્લેબેક મુહમ્મદ રફીએ આપ્યું છે.

ચલે હો કહાં કર કે જી બેકરાર..

એક ઓર ગીત, જે કિશોરકુમાર પર ફિલ્માવાયું છે અને એમને પ્લેબેક આપ્યું છે એસ. ડી. બાતિશે. આ ગીત કવાલી શૈલીમાં ગવાયું છે અને જોવામાં મનોરંજક પણ છે.

દિલ દિયા દૌલત કો, અય ઇન્સાન તુને ક્યા કિયા.

બસ… તો આજની સફર અહીં સુધી જ. સફરનો બીજો તબક્કો શરૂ કરીશું આવતા મહિને.

ત્યાં સુધી મજા લો આ ગીતોની, અને ગાતા જાઓ –

આંખો કો મિલા યાર સે પીને કા મઝા લે.. અરે! મિટ કર કિસી દિલદાર પે જીને કા મઝા લે…


મૌલિકા દેરાસરીનાં વીજાણુ સંપર્કસૂત્ર :

· ઇ-પત્રવ્યવહારઃ maulika7@gmail.com
· નેટ જગતઃ મનરંગી

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.