અમેરિકન ડ્રીમ – સ્વપ્નિલ સફર : ઓર્લાન્ડોમાં કેનેડી સ્પેસ સેન્ટર, નાસા

દર્શા કિકાણી

૧૦/૦૬/૨૦૧૭

સવારે શાંતિથી મોડાં ઉઠ્યાં. સ્વિમિંગ પુલ પાસે બેસી નાસ્તો કર્યો. ઘરનું સુંદર  વાતાવરણ માણ્યું. બહાર થોડું ચાલી આવ્યાં. અમે બહાર ચાલીએ નહીં તો મઝા ના આવે. બહાર છુટ્ટામાં ચાલીએ તો આસપાસના વાતાવરણમાં એકાકાર થઈ જવાય. ત્યાંની રહેણીકરણી અને સંસ્કારોનો ખ્યાલ આવે. આજે તો અમે  ૫પ કિમી. દૂર આવેલ કેનેડી સ્પેસ સેન્ટર- નાસામાં જવાનાં હતાં. જયેન્દ્રભાઈની તબિયત સારી ન હતી છતાં અમને કલાક ડ્રાઈવ કરી કેનેડી સ્પેસ સેન્ટર લઈ ગયાં.

મોટી ગાડીમાં અમે ૬ જણ કલાકેકની ડ્રાઈવ કરી કેનેડી સ્પેસ સેન્ટર પહોંચ્યાં. સેન્ટરનું લોકેશન બહુ જ સુંદર છે. રોકેટ લોન્ચ કરવા જરૂરી હશે એટલે એક બાજુ એટલાન્ટિક ઓશન, ઇન્ડિયન નદી અને બનાના નદી અને બીજી બાજુ મેરીટ આઈલેન્ડ વાઈલ્ડલાઈફ નેશનલ પાર્ક.

પાણી અને દ્વીપના સુંદર સંગમ ઉપર કેનેડી સ્પેસ સેન્ટર આવેલું છે. વૈજ્ઞાનિક કામકાજની સાથે પર્યાવરણનું ધ્યાન રાખવું પણ એટલું જ જરૂરી છે, એટલે ગ્રીન પાથ (Green Path) નામની સંસ્થા માણસની શોધખોળ પાછળની ઘેલછા સુંદર વાતાવરણ ને બગાડે નહીં તેનું ધ્યાન રાખે. ખાલી ડ્રાઈવ પણ બહુ મઝા આવે તેવી હતી! પાર્કિંગની સુંદર વ્યવસ્થા હતી.પાર્કિંગ વિસ્તારમાંથી જ રોકેટ દેખાતાં હતાં. અમે તો દૂરથી જ જાણે ચાર્જ થઈ ગયાં. વેકેશન, રજાઓ કે બહુ ભીડ થાય તેવો સમય ન હતો એટલે શાંતિથી ટિકિટ મળી ગઈ. રિસેપ્શન પર બે ભારતીય મિત્રો મળ્યા. એક ભાઈ આઈ.આઈ.ટી. માં ભણ્યા હતા એટલે રાજેશને મળીને આનંદમાં આવી ગયા. બહુ બધાં ફોટા પાડી લોન્ચ સેન્ટરની દૂર ઊભેલી  બસ રાઇડમાં જવા પગ ઉપાડ્યા. ત્યાં તો  ઝરમર વરસાદ ચાલુ થયો એટલે ફોટો પાડવાનો પ્રોગ્રામ મોકૂફ રાખી નજીકની ગીફ્ટ શોપમાં દોડી ગયાં. નાની પણ સરસ વસ્તુઓ ધરાવતી ગીફ્ટ શોપ હતી. પાંચેક મિનિટમાં વરસાદ બંધ થયો અને અમે સિક્યુરિટી ચેક કરાવી લોન્ચ સેન્ટરની બસ માટે ગયાં. ત્રણેક બસ ભરાય તેટલાં મુસાફરો હતાં. એક-પછી-એક એમ બસો આવતી ગઈ અને મુસાફરો બસમાં બેસતાં ગયાં. સાવ રણ પ્રદેશ જેવો વિસ્તાર હતો. બસમાં સરસ કોમેન્ટ્રી ચાલુ હતી. કેવી રીતે સ્પેસ વેહિકલ અથવા રોકેટ આકાશમાં છોડવામાં આવે તેની વિગતે માહિતી અપાતી હતી. થોડી વારમાં એપોલો સેન્ટર  પર બસ આવી. લોન્ચ પેડ અને વેહિકલ એસ્સેમ્બ્લી બિલ્ડીંગમાં સરસ માહિતીસભર ટુર કરાવી. સ્પેસ પ્રોગ્રામ કાર્યક્રમની જરૂરી માહિતી અને જુદા જુદા રોકેટોનાં મોડેલ જોઈ આનંદ અને આશ્ચર્ય થયાં. સ્પેસ પ્રોગ્રામની સરસ ફિલ્મ જોઈ. વર્ષો પહેલાં ચંદ્ર પર જઈ રહેલા એપોલોને ટીવી પર લાઈવ જોયું હતું. એ વખતે ઘણો આનંદ થયો હતો.  એ જ ચંદ્ર પર જઈ આવેલ એપોલો રોકેટને નજર સામે જોઈને ખરેખર અચંબો થયો! ઠેરઠેર સુંદર રીતે દર્શાવેલ માહિતી મનોરમ્ય હતી. કલાકોના કલાકો નીકળી જાય તેવું સેન્ટર હતું. સેન્ટરના માણસો મુસાફરોને બહુ સરસ રીતે ગાઈડ કરતાં હતાં. અવકાશ યાત્રીઓ સાથે જમવાનું લઈ શકાય તેવો પણ એક પ્રોગ્રામ હતો. અમને બહુ મન હતું છતાં સમયના અભાવે અમે તેમાં ભાગ લઈ શક્યા નહીં.

બસમાં બેસીને પાછાં આવ્યાં. બસમાંથી ઊતર્યા તેની  પાસે જ સરસ મિલ્કી વે કાફે હતું. કૉફી પીધી. બાળકોને મઝા આવે તેવા ચાર એક્ષિબિશન એક જ ઠેકાણે હતાં તે જોઈને આવ્યાં ત્યાં તો આઈ-મેક્ષ થિયેટરમાં (I-Max Theatre) 3D  ફિલ્મ  A Beautiful Planet  જોવાનો સમય થઈ ગયો હતો. ‘આપણી પૃથ્વીનું ભવિષ્યમાં શું થશે’ એનો વિચાર કરાવે તેવી એક કલાકની ફિલ્મ જોઈ. ફરી પાછો 3D  ફિલ્મનો અદ્ભુત અનુભવ! અમારો  આ શો આજનો આઈ-મેક્ષ થિયેટર માટે છેલ્લો શો હતો. ચશ્માં પાછાં આપી શાંતિથી  અમે સૌ બહાર આવ્યાં. મુસાફરો એટલે ટુરીસ્ટ અને વિદ્યાર્થીઓ માટે બહુ સરસ અનુભવ કહેવાય એવો આજનો અમારો દિવસ હતો. અમેરિકાના સમાજમાં જે સ્વતંત્રતા છે તે યોગ્ય વ્યક્તિને વિકાસની પૂરેપૂરી તકો આપે છે. સાથેસાથે સામાન્ય માણસને પણ બધી માહિતી સરળ રીતે ઉપલબ્ધ થાય છે. આપણે પણ અવકાશ વિજ્ઞાનમાં સારી એવી પ્રગતિ કરી છે પણ ભારતમાં આવા કોઈ પ્રોગ્રામ કે ફિલ્મોની માહિતી ISRO ની નજીક જ રહેવાં છતાં અમને નથી.ભારતના  સામાન્ય નાગરિક માટે આવી માહિતીનો ઉપયોગ શું હોય એવું વિજ્ઞાનીઓનું માનવું હોઈ શકે!

આઈ-મેક્ષ થિયેટરની બહાર નીકળ્યાં ત્યારે પણ વરસાદ તો ચાલુ જ હતો. જયેન્દ્રભાઈ થાક્યા હતા અને રાજેશ કે દિલીપભાઈ અમેરિકામાં ગાડી ચલાવી શકે નહીં, એટલે માલાએ જ ગાડી ચલાવી અને દોઢેક કલાકમાં તો અમે સૌ  ઘરે આવી લાગ્યાં. ગુજરાતીઓને વરસાદમાં ગરમાગરમ ભજિયાં તો યાદ આવે જ ! ઘરે જઈ માલાએ પાંચ-છ જાતનાં ભજિયાં બનાવ્યાં અને બધાંએ ભેગાં મળી ખાધાં. વાતો કરતાં કરતાં રાતના બાર વાગી ગયા. બધાં પોતપોતાના રૂમમાં સૂવા ગયાં. મારા ફોનમાંથી ઈન્ટરનેશનલ કોલ થતાં એટલે મેં રાજેશ પાસે ફોન માંગ્યો. રાજેશે જેવો ખિસ્સામાં હાથ નાખ્યો કે તરત તેમણે બૂમ પાડી : ‘મારું પાકીટ નથી!’ અમે શાંતિથી ટેબલ પર, બેગમાં અથવા જ્યાં જ્યાં શક્યતા લાગે ત્યાં ત્યાં ચેક કરી લીધું, પણ પાકીટ ક્યાંય મળ્યું નહીં. પાકીટમાં રોકડ ડોલરની સાથે સાથે બેન્કનું ડોલર કાર્ડ હતું. રાજેશનું ડ્રાઈવીંગ લાઈસન્સ અને બીજી નાની-મોટી ઘણી વસ્તુઓ હતી. હવે શું કરવું ? ઘરમાં બધાંને ઉઠાડવા કે સવાર સુધી રાહ જોવી? ત્યાં તો માલા સવાર માટે કંઈક કહેવા અમારા રૂમમાં આવી. અમને જોઈને તેને ખ્યાલ આવી ગયો કે કંઈક તકલીફ છે. મેં એને વાત કરી અને ઘડીના છઠ્ઠા ભાગમાં બધાં અમારા રૂમમાં ભેગાં થઈ ગયાં.

‘પાકીટ નાસામાં ખોવાયું હશે તો મળી જ જશે’ એવું બધાંનું માનવું હતું. પણ બેન્કનું ડોલર કાર્ડ પાકીટમાં હતું એટલે સાવ નિષ્ક્રિય બેસી રહેવાય તેવું પણ હતું નહીં. અમદાવાદ અમારી બેંકમાં ફોન કર્યો પણ અહીં રવિવાર હોવાથી બેંક બંધ હતી! મેં બેન્કની અમારી પર્સનલ રીલેશનશીપ  મેનેજર આયુશીને ફોન કર્યો. તેણે બહુ સ્વસ્થતાથી અને ત્વરાથી અમને ઇન્ટરનેશનલ હેલ્પ માટેના નંબર આપ્યા અને એક જ ફોન કરવાથી સહેલાઈથી કામ પતી જશે તેવી હૈયાધારણ આપી. શરૂઆતમાં તો આપેલા નંબર પર ફોન લાગે જ નહીં. પછી ફોન લાગ્યો ત્યારે, અમે અમારા અમેરિકાના ફોન-કાર્ડથી ફોન કરીએ એટલે ઓરીજીનલ બેંક એકાઉન્ટ સાથે આપેલ ફોન નંબર ટેલી થાય નહીં એટલે કોઈ પણ કામ કરવાની ના કહે. કંટાળીને ફરી પાછો આયુશીને ફોન કર્યો. રવિવારની સાંજ હોવાં છતાં એણે અમને બહુ મદદ કરી. પોતાના ફોનથી ઇન્ટરનેશનલ કોલ કરી અમને કોન્ફરન્સ કોલમાં લીધાં અને જાતજાતનાં કન્ફર્મેશન પછી (બર્થ ડેટ, માતાનું લગ્ન પહેલાનું નામ વગેરે વગેરે ) અમારું ખોવાયેલ કાર્ડ ડીસકનટીન્યુ  કરી રિપ્લેસમેન્ટ કાર્ડ ચાલુ કરી આપ્યું. આયુશીનો તો જેટલો આભાર માનીએ તેટલો ઓછો છે! ડોલર કાર્ડ વાળી  મોટી ઉપાધી તો સોલ્વ થઈ ગઈ પણ હજી નાના નાના પ્રશ્નો તો ઊભા જ હતા. રાતના બે વાગી ગયા હતા અને ‘હવે સવારે કંઈક કરીશું’ વિચારી અમે સૂઈ ગયાં.

૧૧/૦૬/૨૦૧૭

ઉઠ્યાં ત્યારે પણ બધાં થોડાં તો હતાશામાં જ હતાં. નાહી-ધોઈને નાસ્તો કરવા ટેબલ પર બેઠાં ત્યાં ડોરબેલ વાગી. અહીં તો કોઈ ઓળખીતું હોય નહીં તો કોણ આવ્યું હશે? માલાએ બારણું ખોલ્યું. પાડોશી ……. કેળાની મોટી લૂમ લઈ મળવા આવ્યાં હતા! એમના જ બગીચામાં એમણે વાવેલી કેળ પર સરસ કેળાં થયાં હતાં એટલે આપવા આવ્યા હતા. એમણે રાતના જોયું હતું કે સાથે મહેમાનો છે એટલે બધાં માટે ઢગલો ફળો લાવ્યા હતા! આપણે અહીં તો પાડોશીઓ વચ્ચે કંઈ ને કંઈ વાટકી વહેવાર ચાલતો જ હોય, પણ પરદેશમાં આવું જોઈ બહુ આનંદ થયો! થોડા સમય પહેલાં પાડોશીના માતા-પિતા આવ્યાં હતાં ત્યારે  માલાએ તેમને નાસ્તાપાણી માટે બોલાવેલ. એ લાગણીનો કેવો સુંદર પડઘો! પછી તો એમની સાથે બેસીને વાતો કરી. તેઓ આલ્બેનિયા  દેશમાંથી આવી અમેરિકામાં સ્થાયી થયા હતાં. તેમની તેમના દેશની અને અમેરિકાની વાતો અને ભારતીય લોકો સાથેની સરખામણી વગેરેમાં અમારી હતાશા ઓગળી ગઈ!

સવારે નવ વાગે અમે રાજેશના ખોવાયેલ પાકીટની તપાસ માટે નાસામાં ફોન કર્યો પણ હજી જરા વહેલું હતું. તેમણે અમારી ફરિયાદ નોંધી લીધી. અમને શંકા હતી કે આઈ-મેક્ષ થિયેટરમાં જ પાકીટ પડી ગયું હશે અને અમારો શો દિવસનો છેલ્લો શો હતો. એટલે તેમના ‘Lost & Found’  વિભાગમાં  જયેન્દ્રભાઈનો ફોન નંબર, ઈ-મેઈલ આઈડી, સરનામું વગેરે બધી માહિતી આપી ફરિયાદ લખાવી દીધી. તેમણે કહ્યું કે સાફસૂફી થશે પછી જે હશે તે ફોનથી જણાવીશું.

અમે સાડા દસ વાગે અમારા આગલા મુકામે જવા નીકળ્યાં. અમે અને દિલીપભાઈ બે દિવસ માટે પોતપોતાનાં મિત્રો  કે સંબંધીઓ સાથે સમય ગાળવાના હતાં. એક નક્કી કરેલી જગ્યાએ દિલીપભાઈને લેવા ડૉ.અક્ષયભાઈ અને અમને લેવા મારી માસીની દિકરી ડૉ. દીપ્તિના જમાઈ પાર્થિવ આવવાના હતા. પબ્લિક ટ્રાન્સપોર્ટ વ્યવસ્થાના અભાવે કે કોઈ પણ કારણે અહીં મહેમાનોને આ રીતે અડધા રસ્તા સુધી કે આગળના મુકામ સુધી  મૂકી જવાની સરસ પ્રથા છે. બહુ સગવડભરી પ્રથા છે. યજમાનને પણ અનુકૂળ રહે અને મહેમાનો પણ સચવાઈ જાય. અમે જયેન્દ્રભાઈના ઘેરથી  નીકળ્યાં પછી લગભગ બે કલાકની ડ્રાઈવ હતી. વરસાદ ધીમો ધીમો ચાલુ જ હતો. વાતો કરતાં કરતાં બે કલાક ક્યાં જતા રહ્યા તે ખ્યાલ પણ ના આવ્યો. લગભગ સાડા બારે જયેન્દ્રભાઈના ફોનની ઘંટડી રણકી. નાસામાંથી ફોન હતો. રાજેશનું પાકીટ મળી ગયું હતું ! અમે અત્યારે તો નાસાથી લગભગ સાડા ત્રણ કલાક દૂર હતાં એટલે તરત તો લેવાં જવાય તેમ હતું નહીં. રાજેશની ગેરહાજરીમાં કોને પાકીટ કેવી રીતે મળે તેની વ્યવસ્થા જરા અઘરી હતી. જયેન્દ્રભાઈએ બહુ મહેનત અને પ્રયત્નો પછી પાકીટ કુરીયરથી શિકાગો અમારા મિત્ર શ્રી પુલિનભાઈને ત્યાં પહોંચી જાય તેવી વ્યવસ્થા કરી. અમે નાસાના કર્મચારીઓ અને સ્ટાફની ઈમાનદારી અને મદદ કરવાની વૃત્તિના વખાણ કરતાં થાકતાં નથી!

વિજ્ઞાનની પ્રગતિ સાથે માનવીય મૂલ્યોનું પણ રક્ષણ થાય તે બહુ જરૂરી છે. નાસાના સ્પેસ સેન્ટરની વિજ્ઞાનની પ્રગતિની સાથે તેમના કર્મચારીઓના સહયોગને અમારી લાખ લાખ સલામ! અમારે જેની પણ સાથે પાકીટ ખોવાયાની વાત થઈ તે દરેકે એક વાક્ય તો કહ્યું જ હતું : જો નાસામાં પડી ગયું હશે તો જરૂર પાછું મળશે! માનવીય મૂલ્યોમાં દરેકને કેવી અખૂટ શ્રદ્ધા! અને ખરેખર ખોવાયેલ પાકીટ પાછું મળ્યું ત્યારે અમારી એ શ્રદ્ધા બેવડાઈ ગઈ!ક્રમશઃ 


સંપર્ક : દર્શા કિકાણી : ઈ –મેલ – darsha.rajesh@gmail.com

Author: Web Gurjari

11 thoughts on “અમેરિકન ડ્રીમ – સ્વપ્નિલ સફર : ઓર્લાન્ડોમાં કેનેડી સ્પેસ સેન્ટર, નાસા

 1. Nice story about your lost wallet and recovery! This is a sure beauty of human kindness and desire to help!
  Enjoyed!
  Amrish

 2. નાસામાં થયેલો પ્રસંગ ખુબ સરસ રીતે વર્ણવી આવી પરિસ્થિતિમાં પણ શું થઈ શકે અને કેવી રીતે એનો ઉકેલ લાવી શકાય એ જાણવા જેવું છે.

 3. Thanks, Manishbhai! It was a difficult experience…. Yes, but finally faith in humanity won!

 4. Yes, public honesty is great in US. Probably what you have not come across is the help given by unknowns. Though busy, an average stranger yankee would spend few minutes for you if you seek guidance regarding travel, road, monuments etc.
  Another peculiar manners is greeting. In Chicago outskirts, I was walking in a deserted area. A beautiful, around 18 year old girl was coming from opposite side, she profusely greeted me with a big Hi! This I have never found anywhere in India.

 5. Thanks, Deveshbhai! US is great because it’s people are great!

  Thanks for reading and responding!

 6. Enjoyed reading your visit to NASA. How Rajeshbhai lost and found his wallet.As you rightly said that faith in humanity won.

  1. Thanks, Nalini! Yes, at NASA, science and humanity, both won! But, it was a trying experience!

 7. It seems you guys have few memorable incidents throughout your whole trip, ended up very nicely to cherish in your lifetime besides sight seeing bonanza

  Your 5-6 days trip of Sunny state of Florida, nicely described in words by you seems like R2D2 earned some magic feeling in Disney’s Kingdom state.

  Making you guys to get ready for wonderful journey in western part of the beautiful country to have plenty of scenery.

  1. Thanks, Bhargavi n Nikhilbhai! We had wonderful experiences through out the trip! Credit goes to all the US friends!

 8. Thank you all for spending couple of days with us at our home. NASA was a great experience to all of us. We got a big relief when NASA called and said that Rajesh’s wallet was found intact,
  Enjoyed the details in this episode and the positive experience during this trip.
  Mala & Jayendra

Leave a Reply

Your email address will not be published.