ભારત – ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ – ભાગ ૪ : અંતિમ તબક્કો– ૧૯૩૫થી ૧૯૪૭ :: પ્રકરણ ૩૨: ભારત છોડો (૩)

દીપક ધોળકિયા

ગાંધીજી અને લિન્લિથગોનો પત્રવ્યવહાર અને ગાંધીજીના ઉપવાસ

ગાંધીજીએ યરવડા જેલમાં પહોંચ્યા પછી તરત ૧૪મી ઑગસ્ટે વાઇસરૉય લૉર્ડ લિન્લિથગોને પત્ર લખીને કોંગ્રેસના નેતાઓની ધરપકડનો વિરોધ કર્યો અને સરકારી જાહેરાતનું આગવું વિશ્લેષણ કરીને દેખાડ્યું કે કોંગ્રેસને ધીમે ચાલવામાં રસ હતો પણ સરકાર એવું થવા દેવા નહોતી માગતી.

ગાંધીજીએ કહ્યું કે હું આંદોલનનો આરંભ કરું ત્યાં સુધી સરકારે રાહ જોવી જોઈતી હતી કારણ કે મેં બહુ પહેલાં જ કહી દીધું હતું કે આંદોલન શરૂ કરતી વખતે સૌથી પહેલાં તો હું તમને પત્ર લખીને કોંગ્રેસની માગણી પર ફરી વિચાર કરવાની અપીલ કરીશ. મેં તમારી મુલાકાત પણ માગી હતી પણ તમે મુલાકાત ન આપી. કોંગ્રેસની માગણીઓમાં જે કંઈ ખામીઓ જણાઈ તે અમે દૂર કરી છે અને તમે એવા બીજા કોઈ દોષ દેખાડ્યા હોત તો તે પણ અમે દૂર કર્યા હોત. કોંગ્રેસ બહુ જ સંભાળીને ધીમે ધીમે ‘ડાયરેક્ટ ઍક્શન’ તરફ જતી હતી, કદાચ તમને  એનો જ ડર લાગ્યો કે આવી ધીમી ગતિએ તો કોંગ્રેસ વિશ્વનો અભિપ્રાય ધીમે ધીમે પોતાની તરફ વાળી લેશે; એટલે જ આકરાં પગલાં લીધાં.

ગાંધીજીએ ધ્યાન દોર્યું કે સરકારી જાહેરનામું કહે છે કે “હિંદ સરકાર ધીરજથી રાહ જોતી રહી કે ક્યારેક શાણપણની જીત થશે, પણ એની આશા નિરાશામાં પરિણમી.” એમણે પૃથક્કરણ કરતાં કહ્યું કે “શાણપણની જીત” કહો છો તેનો અર્થ એ કે કોંગ્રેસ પોતાની માગણી પડતી મૂકશે એવી સરકારને આશા હતી, પણ નિરાશા સાંપડી. જે સરકાર હિંદુસ્તાનને આઝાદી આપવાનાં વચનો આપ્યા કરતી હોય તે આ હંમેશની વાજબી માગણી પડતી મુકાવાની આશા શા માટે રાખતી હતી? આ માંગ માની લેવાથી હિંદુસ્તાન ગુંચવાડામાં અટવાઈ જશે એવું કહેવું એ માનવજાત બધું સ્વીકારી લેતી હોવાના ખ્યાલ પર બહુ મોટો મદાર બાંધવા જેવું છે. એમણે કોંગ્રેસ હિંસક આંદોલનની તૈયારી કરતી હોવાના આક્ષેપને નકારી કાઢતાં કહ્યું કે અહિંસક જન-આંદોલનને આ ઘડીએ કચડી નાખવામાં કયું ડહાપણ હતું?

કોંગ્રેસ આપખુદશાહી દેખાડીને સત્તા કબજે કરવા માગતી હોવાના આક્ષેપનો પણ એમણે જવાબ આપ્યો કે જે સરકાર ભારતની સ્વાધીનતામાં આડશો ઊભી કરતી રહી છે તેના મોઢે આ વાત શોભતી નથી. તમારે કોંગ્રેસના હાથમાં રાષ્ટ્રીય સરકારનું સુકાન ન સોંપવું હોય તો મુસ્લિમ લીગને બોલાવો. લીગ જે સરકાર બનાવશે તેમાં કોંગ્રેસ સાથ આપશે. આ ઑફર ઊભી જ છે, અને એ જોતાં આપખુદશાહીનો આરોપ ટકતો નથી.

ગાંધીજી જાહેરનામાના પૃથક્કરણમાં આગળ વધે છે અને કહે છે કે હવે સરકારની ઑફર શી છે તે જોઈએ. સરકાર કહે છે કે યુદ્ધ સમાપ્ત થયા પછી બધા પક્ષો ભેગા મળીને – કોઈ એક પક્ષ નહીં – નક્કી કરશે કે એમને કયા પ્રકારની સરકાર જોઈએ, અને તે નક્કી કરવાની પૂરી આઝાદી મળશે. આ દલીલમાં કેટલું વજન છે?  યુદ્ધ પછી આવું કેમ બની શકશે? આઝાદી હાથમાં આવ્યા પહેલાં તો સરકાર આજ સુધી જે કરતી રહી છે તે જ યુદ્ધ પછી પણ કરશે; એટલે કે, જે પક્ષો બિલાડીના ટોપ જેમ ફૂટી નીકળેલા હોય અને મોઢેથી આઝાદીની વાત કરતા હોય પરંતુ ખરેખર કોંગ્રેસનો વિરોધ કરતા હોય તે બધાને સરકાર આવકારશે, ભલે ને એ પક્ષની પાછળ જનતા હોય કે ન હોય. આમ આઝાદી પહેલાં મળે તો જ ભવિષ્યનું રાજતંત્ર કેવું હોય તે નક્કી કરી શકાય.

તે પછી, ભારતના સંરક્ષણની જવાબદારી હોવાના સરકારના દાવાને ગાંધીજીએ ધૂળ ચાટતો કરી દીધો. એમણે કહ્યું કે ભારતને આઝાદી ન આપવાના બહાના તરીકે સરકાર એના સંરક્ષણની વાત કરે છે, પણ મલાયા, સિંગાપુર અને બર્મામાં શું થયું, તે જાણ્યા પછી આ દાવો માત્ર સત્યની ઠેકડી ઉડાડવા જેવો છે. (બ્રિટિશ ફોજ આ વસાહતોમાં સામ્રાજ્યવાદી જાપાન સામે મોરચા છોડીને ભાગી છૂટી હતી). ગાંધીજી આગળ કહે છે કે ચીન અને રશિયાની આઝાદીને બચાવવી એ બ્રિટિશ સરકાર અને કોંગ્રેસ બન્નેનું લક્ષ્ય છે. પરંતુ ભારતને આઝાદી આપવા બ્રિટન તૈયાર નથી! આમ ગાંધીજીએ મૂલ્યનો સવાલ ઊભો કર્યો. કોઈની આઝાદીને બચાવવા માટે બીજા કોઈને પરતંત્ર રાખવા જોઈએ? ગાંધીજી કહે છે કે બ્રિટન ખરેખર તો પોતાના સામ્રાજ્યવાદી હેતુઓ માટે જ બધું કરે છે.

લિન્લિથગોએ આના જવાબમાં એટલું જ કહ્યું કે  ભારત સરકાર ગાંધીજીની દલીલો સ્વીકારીને પોતાની નીતિમાં ફેરફાર કરી શકે તેમ નથી.

“કોંગ્રેસની ભૂલ દેખાડો”

૧૯૪૩ના વર્ષની પૂર્વસંધ્યાએ ગાંધીજીએ લિન્લિથગોને ‘અંગત’ પત્ર લખ્યો. એમણે લિન્લિથગોને મિત્ર ગણાવતાં કહ્યું કે આ પહેલાં કોઈ પણ વાઇસરૉય સાથે એમને આટલી આત્મીયતાનો અનુભવ નહોતો થયો.  આમ કહ્યા પછી એમણે સરકારે લીધેલાં જલદ પગલાંની ટીકા કરી અને વાઇસરૉયને કહ્યું કે એમને કોંગ્રેસની કંઈ ભૂલ દેખાઈ હોય તો ધ્યાન દોરવું જોઈતું હતું. એના માટે પોતે ઉપવાસ કરવા તૈયાર હોવાનો સંકેત આપ્યો.

લિન્લિથગોએ આ પત્રનો એવો અર્થ કર્યો કે ગાંધીજી હવે પોતાની “ભૂલ” સુધારવા માગે છે. એણે ભૂલ દેખાડી કે કોંગ્રેસે જે રસ્તો લીધો તેને કારણે હિંસા થઈ અને ગાંધીજીએ અથવા કોંગ્રેસ વર્કિંગ કમિટીએ એની નિંદા પણ ન કરી. ગાંધીજીએ એનો જવાબ આપ્યો તેમાંથી ૧૯૨૦ના ગાંધી અને ૧૯૪૨ના ગાંધી વચ્ચેનો તફાવત પ્રગટ થાય છે. એમણે લખ્યું કે તમારો પત્ર મળતાં મને રાહત થઈ કે હજી હું તમારી નજરમાંથી ઊતરી નથી ગયો.  ૩૧મી ડિસેમ્બરના મારા પત્રમાં મેં તમારી સામે ઘુરકિયાં કર્યાં હતાં, હવે તમે વળતું ઘુરકિયું કર્યું છે. એનો અર્થ એ કે તમે મારી ધરપકડને વાજબી માનો છો. તમે  મારા શબ્દોનું જે અર્થઘટન કર્યું છે તે વાંચ્યા પછી મેં મારો પત્ર ફરી વાંચ્યો, અને મને લાગે છે કે તમે કહો છો એવો કોઈ અર્થ એમાંથી નીકળતો નથી. કોંગ્રેસના કાર્યકરો કદાચ પૂરી અહિંસા રાખી ન શક્યા હોય તો એની મેં ટીકા કરી જ છે, પણ મેં આ હિંસા માટે સરકારને જવાબદાર ઠરાવી છે.

લિન્લિથગોએ જવાબમાં લખ્યું કે હિંસા માટે સરકાર જવાબદાર છે એવું તમારું મંતવ્ય હું સ્વીકારી શકું તેમ નથી. એણે કહ્યું કે મારો સ્પષ્ટ મત છે કે નવમી ઑગસ્ટ વિશેનો કોંગ્રેસનો ઠરાવ પાછો ખેંચી લેવાય અને ગાંધીજી માને કે આ ઠરાવને કારણે આજની સ્થિતિ ઊભી થઈ છે, તો વાતચીત માટે રસ્તો નીકળે.

વળી ગાંધીજીએ એનો જવાબ આપ્યોઃ  કોંગ્રેસના ઠરાવને કારણે હિંસા  ફેલાઈ છે એ તમારો અભિપ્રાય છે અને તમે કહો છો કે એ બાબતમાં તમે બહુ સ્પષ્ટ છો. પરંતુ એક અભિપ્રાય હોવો એ સ્પષ્ટતા નથી. હું ખોટો છું કે મારી ભૂલ છે તે તમારે દેખાડવું જોઈએ. નવમી ઑગસ્ટે હિંસાચાર થયો, અને એવું કોંગ્રેસ નેતાઓની ધરપકડ થયા પછી બન્યું. એ સાચું હોવા છતાં કોંગ્રેસની પોતાની નીતિ અહિંસાની જ રહી છે. કોંગ્રેસની જવાબદારી વિશે મારો જવાબ છે કે સરકારે લોકોને ઉન્માદની હદ સુધી ધકેલ્યા છે. કોંગ્રેસના અગ્રગણ્ય નેતાઓની ધરપકડ શરૂ થઈ તે સાથે હિંસા શરૂ થઈ પરંતુ બદલામાં સર્વ-શક્તિમાન સરકારે દમનનાં પગલાં ભર્યાં તે મોઝિસના “દાંતને બદલે દાંત”ના સિદ્ધાંતને પણ પાછળ મૂકી દે છે.

મને આ વેદનાના શમન માટે બામ ન મળે તો સત્યાગ્રહીએ જે કરવું જોઈએ તે મારે કરવું પડે. આથી હું નવમી ફેબ્રુઆરીના સવારના નાસ્તા પછીથી શરૂ કરીને બીજી માર્ચની સવાર સુધી એકવીસ દિવસના ઉપવાસ કરીશ. પહેલાં હું ઉપવાસ દરમિયાન મીઠું નાખીને પાણી લેતો પણ હવે મારા શરીરને એ પાણી ફાવતું નથી એટલે હું ખાટાં ફળ (લીંબુ)નો રસ ભેળવીશ. મારી ઇચ્છા આમરણ ઉપવાસની નથી, અને ઈશ્વર ઇચ્છતો હોય તો હું આ કસોટીમાંથી પાર ઊતરવા માગું છું. પરંતુ સરકાર ધારે તો બધી રાહતો જાહેર કરીને મારા ઉપવાસનો જલદી અંત આણી શકે છે.

લિન્લિથગોએ આનો લાંબો જવાબ આપ્યો અને કહ્યું કે તમે ઉપવાસ કરવાનો નિર્ણય લીધો છે તેનાં પરિણામોની જવાબદારી તમારી રહેશે.

આના પછી સરકારે એક નિવેદન તૈયાર કરીને ગાંધીજીને મોકલ્યું. ઉપવાસ શરૂ થાય તો આ નિવેદન બહાર પાડવાનું હતું. એમાં ગાંધીજીને થોડા વખત માટે છોડવાની ઑફર હતી, પણ ગાંધીજીએ એનો અસ્વીકાર કર્યો. આ ઑફર એટલા માટે હતી કે સરકાર જેલમાં ગાંધીજીને કંઈ થાય તેની જવાબદારી લેવા તૈયાર નહોતી. ગાંધીજીએ કહ્યું કે એક કેદી તરીકે જેલના સત્તાવાળાઓને હેરાનગતી ન થાય તેનું હું ધ્યાન રાખીશ અને આઝાદ નાગરિક તરીકે મને જેલની બહાર ઉપવાસ કરવાનો અવસર મળી જ જશે.

નવમી ફેબ્રુઆરીથી ગાંધીજીએ ઉપવાસ શરૂ કરી દીધા.

000

સંદર્ભઃ

Gandhiji’s Correspondence with the Government -1942-44 (Navajivan Publishing House, Ahmedabad) ઇંટરનેટ પર ઉપલબ્ધ.


શ્રી દીપક ધોળકિયાનાં સંપર્કસૂત્રો
ઈમેલઃ dipak.dholakia@gmail.com
બ્લૉગઃ મારી બારી

Author: Web Gurjari

1 thought on “ભારત – ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ – ભાગ ૪ : અંતિમ તબક્કો– ૧૯૩૫થી ૧૯૪૭ :: પ્રકરણ ૩૨: ભારત છોડો (૩)

Leave a Reply

Your email address will not be published.