આપણે કેટલા પ્રાચીન ? – લેખાંક ૫

પ્રવાસી યુ. ધોળકિયા

આ પહેલાં આપણે દેવાસુર યુગની કેટલીક મહાન વ્યક્તિઓ અને તે સમયની કેટલીક મહત્ત્વની ઘટનાઓનું સંક્ષિપ્તમાં અવલોકન કર્યું.  આજના અંકમાં હવે એ જ યુગની અન્ય મહાન પ્રતિભાઓની વાત કરીશું.

+                      +                      +

૧) ભૃગુ -૨ : વરૂણદેવના પુત્ર ભૃગુ મહાન ઋષિ હતા. તેઓ વ્યવહારકુશળ હોવાથી પોતાના પિતા વરૂણદેવની માફક અસુરો અને દેવો વચ્ચે સુમેળ રહે તે માટે તેમણે પણ પ્રયત્નો ચાલુ રાખ્યા હતા. તેમના વંશજોમાં શુક્રાચાર્ય (ઉશ્ના), દધિચિ અને પરશુરામ થયા. આપણે જાણીએ છીએ તેમ દધિચિએ દેવોને અસુરો સામે વિજય અપાવવા પોતાની જાતનું બલિદાન કર્યું હતું. તેમના દેહમાંથી નીકળેલ હાડકાંઓ દ્વારા એ દાન આપી આ કાર્ય સંપન્ન કર્યું હતું.

પરશુરામને વિષ્ણુના છઠ્ઠા અવતાર તરીકે પણ આપણે પૂજીએ છીએ. યાદવ કુળના શક્તિશાળી હૈહેયો પ્રજા પર ભારે આતંક વર્તાવતા હતા, એટલે  તેઓએ હૈહેયોના ૨૧ ક્ષત્રિયકુળોનો નાશ કર્યો હતો. પરશુરામે પોતાનું નિવૃત જીવન મહેન્દ્રગીરી પર્વત પર વિતાવ્યું.

૨) શુક્રાચાર્ય: શુક્રાચાર્યને આપણે સંજીવની વિદ્યાના અન્વેષક તરીકે ઓળખીયે છીએ. તે ઉપરાંત તેઓએ વિશ્વના પ્રથમ અર્થશાસ્ત્ર ગ્રંથની રચના કરી હતી. દુર્ભાગ્યે આજે આ ગ્રંથ અપ્રાપ્ય છે. શુક્રાચાર્ય અસુરોના પ્રધાન ગુરુ હતા. ઈન્દ્ર અને વિષ્ણુએ સાથે મળીને બલિરાજા પાસે સ્વતંત્ર દેવલોકની માગણી મુકી, ત્યારે શુક્રાચાર્ય આ બન્નેની રાજરમત સમજી ગયા હતા. તેથી તેઓએ બલિને આ માગણી અસ્વીકાર કરવાની વિનંતિ કરી. પરંતુ બલિરાજાએ તેમ કરવાની ના પાડી. પરિણામે તેઓએ ઇન્દ્રને સ્વર્ગલોકની સ્વતંત્રતા તો આપવી જ પડી, પણ તે સાથે જાતે પાતાળલોકમાં જઈને વસવું પડ્યું.

શુક્રાચાર્ય આથી નારાજ થઈ અસુરલોક છોડી પોતાના સાવકા ભત્રીજા ઔર્વ જયાં રહેતા હતા તે પ્રદેશમાં ચાલ્યા ગયા. ઔર્વ ઋષિએ જે પ્રદેશમાં પ્રજાને સુસંસ્કૃત કરી તે એરેબિયાનો પ્રદેશ હતો. ઔર્વ રૂષિના નામ પરથી આ પ્રજા આરબો  તરીકે ઓળખાઈ. શુક્રાચાર્યે પણ આરબોની સાંસ્કૃતિક અને ધાર્મિક સેવાઓ ચાલુ રાખી. પરિણામે આરબો આજે શુક્રવારમાં માને છે. શુક્રાચાર્યને આ પ્રકારનું માન સન્માન આરબોએ મુસ્લિમ ધર્મ સ્વીકાર્યા પછી આપ્યું.

૩) બૃહસ્પતિ : અંગિરા ઋષિના આ મહાન પુત્ર વરૂણ પછી દેવોના ગુરુ બન્યા. તેઓએ પણ અર્થશાસ્ત્ર ગ્રંથની રચના કરી. તે ઉપરાંત, બૃહસ્પતિએ પ્રજાનાં ઘણાં કલ્યાણકારી કાર્યો કર્યાં, તેથી પ્રજાએ ગુરુ ગ્રહને બૃહસ્પતિ નામ આપ્યું.

૪) મયાસુર: વરૂણના પ્રતાપી વંશોમાં મયનો સમાવેશ થાય છે. તેઓ વિવસ્વાન પાસે સ્થાપત્ય અને શિલ્પકળા શીખ્યા. પોતાની પુત્રી ગુરુને પરણાવી. તેઓ પણ અસુરોની સેવામાં હતા, એટલે મયાસુર કહેવાયા. આ મયાસુરે જ ઈજિપ્ત અને મધ્ય અમેરિકાની માયા સંસ્કૃતિનાં ભવ્ય પિરામિડો અને મંદિરો  બાંધ્યાં હતાં.

દેવાસુર સંગ્રામ

આપણાં પુરાણો બાર દેવાસુર સંગ્રામોની, નીચે મુજબની, યાદી આપે છે –

૧. વારાહ દેવાસુર સંગ્રામ

૨. નારસિંહ દેવાસુર સંગ્રામ

૩. વામન દેવાસુર સંગ્રામ

૪. અમૃતમંથન દેવાસુર સંગ્રામ

૫. તારકામય દેવાસુર સંગ્રામ

૬. આડીવક દેવાસુર સંગ્રામ

૭. ત્રૈપુર દેવાસુર સંગ્રામ

૮. આન્ધક દેવાસુર સંગ્રામ

૯. ધ્વજ દેવાસુર સંગ્રામ

૧૦. વાર્તઘ્ન દેવાસુર સંગ્રામ

૧૧. હાલાહલ દેવાસુર સંગ્રામ

૧૨. કોલાહલ દેવાસુર સંગ્રામ

કુંવરલાલ જૈનના જણાવ્યા મુજબ પ્રથમ બે દેવાસુર સંગ્રામના ક્રમ જ યોગ્ય છે. તે પછી તેમાં કોઈ ક્રમ જળવાયો નથી. તેથી આપણે પણ પ્રધાન દેવાસુર સંગ્રામોની જ સંક્ષિપ્ત વાત કરીશું.

પ્રથમ સંગ્રામમાં હિરણ્યાક્ષ અસુરનો વારાહે વધ કર્યો હતો, જ્યારે બીજા સંગ્રામમાં હિરણ્યકશિપુનો નૃસિંહે વધ કર્યો હતો.

તારકામય: અસુરોમાં તારક અને માયા નામના શાસકો ભારે શક્તિશાળી બની ગયા હતા. ઈન્દ્રએ તેઓનો પરાજય કરવા વિષ્ણુ આદિત્ય અને શિવપુત્ર કુમાર કાર્તિકેયની મદદ માગી. ભારે ભિષણ સંગ્રામને અંતે કાર્તિકેયે આ બન્ને અસુરોને મારી નાખી ઈન્દ્રને વિજય અપાયો.  

ત્રૈપુરમાં તારક અને મયના પુત્રો પણ ભારે બળવાન હતા. તેઓએ અદ્‍ભૂત પ્રકારનાં ત્રણ અજેય નગરો બાંધ્યાં હતાં. દેવો અને આ બે અસુરો અચ્ચે જ્યારે સંગ્રામ છેડાઈ ગયો ત્યારે ભગવાન શિવે આ ત્રણેય શહેરોનો નાશ કરી દેવોને વિજય અપાવ્યો હતો. તેને કારણે તેમને ત્રિપુરારીનું બિરૂદ પ્રાપ્ત થયું.

વાર્તઘ્ન દેવાસુર સંગ્રામમાં દધિચિએ આત્મબલિદાન કરીને પોતાનાં હાડકાંનું  દેવોને દાન કર્યું. આ હાડકાંઓમાંથી શસ્ત્રો બનાવી દેવોએ અસુરો પર વિજય મેળવ્યો.

અમૃતમંથન દેવાસુર સંગ્રામથી આપણે બધાં પરિચિત છીએ. તેથી તેની વધુ વિગતમાં ન ઉતરતાં એ વાતની નોંધ લઈએ કે સાચા અર્થમાં સમુદ્રમંથન વિશ્વના સમુદ્રો અને તેમાં સ્થિત દેશોની સંપતિ પ્રાપ્ત કરવા માટે દેવો અને અસુરોનો એક સંયુક્ત પ્રયાસ હતો. સમુદ્રોમાંથી પ્રાપ્ત થયેલી બધી સંપત્તિ વિશે દેવો અને અસુરો વચ્ચે કોઈ ગજગ્રાહ ન થયો. પુરાણો જણાવે છે કે અન્ય સંપત્તિ સાથે આ અભિયાનમાં વિષ પણ પ્રાપ્ત થયું. કાલકૂટ નામનું આ વિષ શિવ પી ગયા અને દેવાસુરોની રક્ષા કરી નિલકંઠનું બિરૂદ પામ્યા. પરંતુ જ્યારે મંથનમાંથી અમૃતની પ્રાપ્તિ થઈ ત્યારે આદિત્ય વિષ્ણુ આ અમૃતકુંભ લઈને દેવોની છાવણીમાં જવા લાગ્યા. પરિણામે દેવો અને અસુરો વચ્ચે યુદ્ધ છેડાઈ ગયું. હંમેશ બનતું આવ્યું છે તેમ છળકપટનો આશ્રય લઈને દેવો અમૃતનું પાન કરી ગયા અને અમરત્વ પામ્યા.

વામન દેવાસુર સંગ્રામની વિગત પણ જગપ્રસિદ્ધ છે. આ યુદ્ધમાં પણ વિષ્ણુએ યુક્તિ કરીને ઈન્દ્રને સ્વર્ગલોક (દેવલોક)નું સ્વતંત્ર સામ્રાજ્ય અસુરો પાસેથી અપાવ્યું હતું. પોતાનું વચન પાળનાર બલિ અસુરને પોતાના સામ્રાજ્યનો ત્યાગ કરીને પાતાળલોકમાં ચાલ્યા જવું પડ્યું.

બાકીના ધ્વજ અને આડીવક દેવાસુર સંગ્રામોમાં તે સમયના ઈન્દ્રને દેવોને બદલે અનુક્રમે માનવશ્રૅષ્ઠ રાજા દશરથ અને કકુત્સ્થની મદદ લેવી પડી હતી.

આ રીતે આપણે જોઈએ છીએ કે દેવો અને અસુરો એક જ પિતા, કાશ્યપ પરમેષ્ટિ,નાં સંતાનો હોવા છતાં રાજ્ય કે સંપત્તિ મેળવવા માટે યુદ્ધોનો આશ્રય લઈ સરવાળે નિર્બળ બન્યા. ઉદાહરણ તરીકે, પાંડવોની ફક્ત પાંચ ગામોની માગણીનો અસ્વીકાર મહાભારતનાં યુદ્ધમાં, અને તેથી આખાંને આખાં કુળોનો નાશમાં, પરિણમ્યો.

આજે ભારતની પ્રજા કોઈ પણ પ્રશ્ન પર લડતી રહે છે તેમાં કયું આશ્ચર્ય હોય?

તેથી ઋગ્વેદે માનવજાતને શાંતિમંત્ર આપતાં કહ્યું છે –

‘હે માનવો ! એકબીજાંની રક્ષા કરો. સાથે રહીને અહીંની વસ્તુઓનો ભોગ કરો. જે વિપત્તિઓ આવનારી છે તેઓ એકજૂથ થઈને સામનો કરો. પ્રકાશમય બની અધ્યયન કરતા રહો, અને એકબીજા વચ્ચે વેરભાવના ન રહે તેમ વર્તો.’

સહનાવવતુ સહ નૌ ભુનક્તુ સહ વીર્યં કરવાવહૈ ।
તેજસ્વીનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહૈ ।

શું આપણે આ આદેશનું પાલન કરી શક્યાં છીએ ?

દેવાસુર યુગ પછી વિશ્વમાં પંચજન્ય યુગનો પ્રારંભ થયો. તે વિશે વાત કરતાં પહેલાં અત્રે રજૂ કરેલા મુદ્દાને ગંભીરતાથી વિચારીએ.

આ લેખ સહિત આ લેખમાળાના પાંચ મણકાઓમાં આપણે વિશ્વના અતિપ્રાચીન સાંસ્કૃતિક ઈતિહાસના કર્તાહર્તા અને તે સમયની ઘટનાઓનું સંક્ષિપ્તમાં આલેખન કર્યું. આજે તમે જોશો તો ભારતની, અથવા વિશ્વની, શાળા-મહાશાળાઓમાં પ્રાચીન દેશોની વિરાસતને જુદી રીતે વર્ણિત કરવામાં આવે છે. તેનું કારણ એ છે કે વિશ્વના અને ભારતના વિદ્વાનો માને છે કે ઉપરોક્ત આલેખનોનો કોઈ આધાર નથી. એ બધું  દંતકથાઓ (mythologies) માત્ર જ છે. આ બુદ્ધિજીવીઓને કોણ સમજાવશે કે ભારતનાં ૧૮ પુરાણો, રામાયણ, મહાભારત અને શતપથ બ્રાહ્મણમાં વારંવાર જે વ્યક્તિ વિશેષો અને ઘટનાઓનું વર્ણન છે તે કપોળકલ્પિત માન્યતાઓ કે કથાઓ નથી.

આપણાં અને વિશ્વ ઈતિહાસનાં આજનાં પુસ્તકોમાં ભારત દેશના ઈતિહાસના જુદા જુદા યુગોનું નીચે પ્રમાણે હાસ્યાસ્પદ અને પાયાવિહિન આલેખન કરવામાં આવ્યું છે. આ વિભાજન નીચે પ્રમાણે છે.

૧) વૈદિક કાળ, ૨) બ્રાહ્મણ કાળ, ૩) આરણ્યક અને ઉપનિષદકાળ, ૪) મહાકાવ્ય યુગ અને ૫) બુદ્ધ કાળ.

તેને સ્થાને ભારતીય વિદ્વાનોના ગ્રંથોને આધારે આપણી લેખમાળામાં જે રીતે યુગ વિભાજન કરવામાં આવ્યું છે તે વધારે આધારભૂત અને સત્યના પાયા પર રહેલું છે. 

યુગકાળસમય (વર્ષોમાં)
૧) આરંભિક યુગબ્રહ્માજીનું સૃષ્ટિ સર્જનકરોડો વર્ષ
(અ) માનવ જાત સંસ્કૃતિના પંથેપૂર્વમન્વંતર કાળ૧૩,૦૦૦ વર્ષ
૨) મનુ-પ્રજાપતિ-સપ્તર્ષિ યુગ    મન્વંતર કાળ ૧૭,૫૦૦ વર્ષ
૩) ચાક્ષુસ મનુ – દક્ષ પ્રાચેતસ્‍ યુગમન્વંતર કાળ પૂર્ણ થયો કૃત-સત, ત્રેતા, દ્વાપર અને કળિ એમ ચતુર્યુગની કાળગણના સ્વીકારવામાં આવી ૨,૫૦૦ વર્ષ
૪) દેવાસુર યુગકૃત-સત યુગ ૩,૬૦૦ વર્ષ
૫) પંચજન્ય યુગત્રેતા યુગ૫,૦૦૦ વર્ષ (આશરે)
૬) સૂર્ય-ચંદ્ર વંશ (ભારતના ઈતિહાસનો  પ્રાંરભ)ત્રેતા યુગ૪૫,૦૦૦ વર્ષ
(અ) રામ-રાવણના યુદ્ધ સુધીનો કાળ દ્વાપર યુગ  ૮,૪૦૦ વર્ષ
(બ) મહાભારતનું યુદ્ધ કળિયુગના પ્રારંભથી ઈ.સ ૧૯૭૮-૧૯૭૯ સુધી હાલમાં કળિયુગની ૧૦૦ વર્ષની યુગ સંધિ ચાલે છેકળિ યુગ૫,૦૦૦ વર્ષ

આરંભિક કાળનાં છેલ્લાં ૧૩,૦૦૦ વર્ષ

આપણે અત્યાર સુધી આરંભિક કાળ તરીકે ઓળખાતા પ્રથમ યુગ વિશે કોઈ ચર્ચા નથી કરી, કેમકે એ સમયની વિશ્વના સર્જનની અતિ ક્લિષ્ટ પ્રક્રિયાને આપણી લેખમાળાના વ્યાપમાં વર્ણવવી અશક્ય છે. છતાં સુગમતાની ખાતર એમ કહી શકાય કે પરમ બ્રહ્મની ઈચ્છા માત્રથી વિશ્વની રચના થઈ ગઈ. અહીં સૌ પ્રથમ સત્ત્વ, રજસ અને તમસનાં તત્ત્વો આપોઆપ સર્જાયાં અને પછી તેમનો વિક્ષોભ થવાથી સર્જનની પ્રક્રિયા પ્રારંભ થઈ.

પુરાણકર્તાઓ એ વાતથી સુપરિચિત હતા કે આવી અઘરી પ્રક્રિયા સામાન્ય લોકો નહીં સમજી શકે. તેથી તેઓએ ત્રિમુર્તિનો વિચાર (concept) પ્રસ્તુત કર્યો, જેમાં શેષશૈયા પર પોઢેલા સત્વગુણી વિષ્ણુના નાભિકમળમાંથી રજોગુણી બ્રહ્માજી પ્રગટ થયા. બ્રહ્માજીએ શક્તિનું સર્જન કર્યું. 

બ્રહ્માજીનું પ્રાગટ્ય પ્રથમ થયું. મુન્ડકોપનિષદ ઘોષિત કરે છે કે ब्रह्मा देवानां प्रथमः संबभूव विश्वस्यकर्ता भुवनस्य गोप्ता. વળી સૃષ્ટિ સર્જવા તેઓએ પોતાનો જ આશ્રય લીધેલો, એટલે તૈતિરિય ઉપનિષદ પ્રમાણે  બ્રહ્માએ બ્રહ્માંડ સર્જવા માટે પોતાનામાં જ પ્રવેશ કરેલો જે માટે મૂળ સંસ્કૃત પ્રયોગ ‘तत्सृष्ट्वा तदैवानुत्राविशत’ છે.

મહાભારતમાં જણાવ્યા પ્રમાણે બ્રહ્માની છેલ્લી સાત સૃષ્ટિનાં નામ નીચે પ્રમાણે છે –

૧. માનસબ્રહ્મા; ૨. ચાક્ષુસ બ્રહ્મા ૩. વાચસ્પત્ય; ૪. શ્રાવણ; ૫. નાસિક્ય; ૬. અનુજ હિરણ્યગર્ભ બ્રહ્મા અને ૭. કમલોદ્‍ભવ (પદ્મજ) બ્રહ્મા.

સૃષ્ટિનાં સર્જનની પ્રક્રિયા અવિરત ચાલતી રહે છે. તેથી –

૧) શ્રમણ પરંપરા (બુદ્ધ અને મહાવીર) સર્જનને અનાદિ માને છે;

૨) આધુનિક વિજ્ઞાનના સર્વમાન્ય મત મુજબ આપણું વર્તમાન વિશ્વ ૧૩.૭ અબજ વર્ષ જૂનું છે, અને હજુ તેની સર્જન પ્રક્રિયા ચાલુ જ છે;

૩) સદ્‍ગુરુ વાસુદેવ યોગિક પરંપરાને ટાંકીને પ્રતિપાદિત કરે છે કે આ સર્જનનો ક્રમ ચોર્યાશીમો છે. ભવિષ્યમાં હજુ બીજી અઠ્યાવીસ  સૃષ્ટિ થવાની છે;

૪) પુરાણો પણ સર્જન પ્રક્રિયાને લય-પ્રલયનું નામ આપે છે. એટલે બીજા અર્થમાં જગત અનાદિ છે. એક ચોક્કસ સમયની અવધિ પુરી થાય એટલે પ્રલયંકર શિવ સૃષ્ટિનો વિનાશ કરીને ભગવાન વિષ્ણુ અને બ્રહ્માજીને નવી સૃષ્ટિનું સર્જન કરવા પ્રેરિત કરે છે. પુરાણો પ્રમાણે આ કલ્પનો ક્રમ છત્રીસમો છે અને આ શ્વેતવરાહ કલ્પનાં ૧.૯૭ અબજ વર્ષ પુરાં થઈ ગયાં છે. તેનાં ૨.૩૩ અબજ વર્ષ હજુ શેષ છે. ભવિષ્યમાં હજુ અનેક કલ્પો થશે.

પાંચમા, પંચજન્ય, યુગ પર હવે પછી….


ક્રમશઃ….ભાગ ૬ માં       


શ્રી પ્રવાસી ધોળકિયાનો સંપર્ક pravasidholakia@yahoo.com.વીજાણુ સરનામે થઈ શકે છે.

Author: Web Gurjari

3 thoughts on “આપણે કેટલા પ્રાચીન ? – લેખાંક ૫

  1. આપની લેખમાળા સમજવાની અને વાંચવાની એટલી મજા આવે છે કે શું કહું,? ખૂબ ખૂબ આભાર ધોળકિયા સાહેબ .

  2. સૃષ્ટિની ઉત્પત્તિ, સર્જન અને વિનાશ, લય પ્રલય આ વિચારોને સમજવા અને વિચારવા માનવ મન ઘણું જ અસમર્થ છે.આપની સંશોધન વૃતિ ખરેખર પ્રસંશનિય અને ધન્યવાદને પાત્ર છે. આભાર ઉમાકાન્ત વિ.મહેતા. (ન્યુ જર્સી)

Leave a Reply

Your email address will not be published.