કવિરાજ શૈલેન્દ્રની કહાની – અપની કહાની છોડ જા, કુછ તો નિશાની છોડ જા

નરેશ માંકડ

“મખન જીન્સનું પેન્ટ, બોસ્કીનું ખમીસ અને પચાસ સિગરેટનો ગોલ્ડ ફ્લેકનો ડબ્બો – આ શૈલેન્દ્રની સારા દિવસોની તસવીર છે. ઘેરો શામળો વાન અને એના પર ચમકતું એક સ્મિત – એમના જ કોઈ મિસરા જેવું.”

ગુલઝારે દોરેલું શૈલેન્દ્રનું શબ્દચિત્ર કવિરાજની પ્રાથમિક છબિ નજર સમક્ષ ખડી કરી દે છે, પરંતુ શૈલેન્દ્રની અમિટ છાપ તો એમનાં ભાવવાહી અર્થસભર ગીતો જ માનસપટ પર મૂકી જાય છે. ત્યારે જે છબિ ઉભરે છે એ વિષાદમય સ્મિત વેરતા ફિલ્મ ‘બુટ પોલિશ’ (૧૯૫૪)ના ‘ચલી કૌન સે દેશ ગુઝરિયા તુ સજધજ કે ‘ ગીત ગાતા શૈલેન્દ્રની છે. જૂના આસવની જેમ શૈલેન્દ્રનાં ગીતો સમયની સાથે વધુ હૃદયસ્પર્શી બનતાં જાય છે. આપણો માનીતો શાયર સાહિર લુધિયાનવી, કે કૈફી આઝમી કે શકીલ બદાયુની હોઈ શકે પણ શૈલેન્દ્રની અપીલ ચાહકોની સરહદો ઓળંગીને સમસ્ત શ્રોતાગણનાં હૃદયને સ્પર્શી જાય છે. શૈલેન્દ્ર નિર્વિવાદ રીતે હિન્દી ફિલ્મ સંગીતની એક અદ્ભુત ઘટના છે.

રાવલપિંડીમાં ૩૦ ઑગસ્ટ ૧૯૨૩ ના દિવસે એક ગરીબ પરિવારમાં જન્મેલા શંકરદાસ કેસરીલાલ ‘શૈલેન્દ’ ની બાલ્યાવસ્થા મથુરામાં વીતી.  અભ્યાસકાળ દરમ્યાન તેમનો સાહિત્યપ્રેમ તેમ જ ઉત્તર પ્રદેશનાં લોકસાહિત્ય અને પૌરાણિક સાહિત્યનો સંપર્ક તેમની ગીતકારની કારકિર્દીમાં ખૂબ જ સહાયક નીવડ્યો.  વેલ્ડર તરીકે નોકરીમાં શૈલેન્દ્ર મુંબઈ આવ્યા પછી માટુંગા રેલ્વે વર્કશોપમાં કામ કરવાની સાથે મુશાયરા અને કવિસંમેલનોમાં હાજરી આપવાનું શરૂ કર્યું. લગભગ એ અરસામાં શરૂ થયેલ ઇન્ડિયન પીપલ્સ થીએટર એસોસિયેશન (IPTA)ના સભ્ય બની સક્રિય ભાગ લેવાનું શરૂ કર્યું.  ત્યાં જ એમની સલિલ ચૌધરી સાથે મિત્રતા બંધાઈ જે IPTAનાં ગીતોથી શરૂ કરીને ફિલ્મો સુધી લઇ ગઈ. શૈલેન્દ્રની વામપંથી વિચારસરણીને અનુરૂપ ઉગ્ર ભાષામાં એમણે લખેલ કવિતાની પ્રથમ પંક્તિ દેશના એકેએક ટ્રેડ યુનિયનનો નારો બની ગઈ:

हर ज़ोर जुल्म की टक्कर में, हड़ताल हमारा नारा है !

तुमने माँगे ठुकराई हैं, तुमने तोड़ा है हर वादा
छीनी हमसे सस्ती चीज़ें, तुम छंटनी हो आमादा
तो अपनी भी तैयारी है, तो हमने भी ललकारा है
हर ज़ोर जुल्म की टक्कर में हड़ताल
हमारा नारा है !

IPTA સાથેના સંપર્ક સમયનાં શૈલેન્દ્રનાં કાવ્યો વિચારધારા દ્વારા વિશેષ દોરવાયા છે.

तू ज़िंदा है तो ज़िन्दगी की जीत पर यकीन कर
अगर कहीं है स्वर्ग तो उतार ला ज़मीन पर।

ભોજપુરી એમની માતૃભાષા હતી, એમનાં ઘણા ગીતોમાં એ ઝલકે છે.  એમના વિદાય – ગાન સમાં તીસરી કસમમાં ભોજપુરીનો વિશેષ પ્રભાવ દેખાય છે. ‘ચલત મુસાફિર મોહ લિયા રે, સજનવા બૈરી હો ગયે હમાર જેવાં ગીતો ઉપરાંત બંદિની (૧૯૬૩) નું અબ કે બરસ ભેજ ભૈયા કો બાબુલ પણ તળપદી ભાષાની આગવી અસર ઊભી કરે છે.

કૈફી આઝમીનાં પત્ની શૌકતની સ્મૃતિમાં એમનું જે ચિત્ર છે એ “IPTA માં વારંવાર હાજરી આપતા શરમાળ નવયુવાન  જેના શર્ટમાં  વેલ્ડિંગના તણખાથી કાણાં પડેલાં છે”, એવા શૈલેન્દ્રનું છે.  ગુલઝાર પણ શૈલેન્દ્રના એ દિવસોને યાદ કરે છે: એક જગ્યા ભાડા પર એમણે લઇ રાખી હતી – રૂમ, રસોડું અને ઓસરી – જ્યાં તેઓ “એકાંતમાં” લેખનપ્રવૃત્તિ કરી શકે પણ એ જગ્યા તો તેઓએ ત્રણ જણને રહેવા આપી હતી, જ્યાં ક્યારેક સલિલ ચૌધરી સમય પસાર કરવા (કે દારૂ પીવા) અથવા શૈલેન્દ્રને શોધતા આવી ચડતા. મુકુલ દત્ત જેવા કેટલાક સંઘર્ષ કરી રહેલા લોકો ત્યાં પડ્યા રહેતા, વતનમાંથી આવેલા લોકો અને રસોઈ કરી આપનાર માણસ પણ ત્યાં રહેતો, સલિલદાનાં ક્વાયર (choir) ગ્રુપની મીટિંગ પણ ત્યાં થતી.  આ એ જગ્યા હતી જ્યાં એકાંતમાં લખવા માટે શૈલેન્દ્ર આવતા.આ બધા લોકો ત્યાં રહેતા અને શૈલેન્દ્ર જગ્યાનું ભાડું ભરતા ! ગુલઝાર આશ્ચર્ય વ્યક્ત કરે છે કે અહીં શૈલેન્દ્ર ફિલ્મનાં ગીતો ક્યારે અને કેવી રીતે લખતા હશે એ એક રહસ્ય છે.

આજ ફિર જીનેકી તમન્ના હૈ

ઇપ્ટા માં એક વખત કાવ્યપઠન કરતા શૈલેન્દ્રને પૃથ્વીરાજ કપૂરના પુત્ર, નવાગંતુક ઉગતા અભિનેતા અને ફિલ્મ નિર્માતા રાજ કપૂરે સાંભળ્યા અને એમણે શૈલેન્દ્રને પોતાની આગામી ફિલ્મ બરસાત (૧૯૪૯) માટે ગીત લખવાનું આમંત્રણ આપ્યું.  પોતાની કવિતા બિકાઉ નથી એમ કહીને  ત્યારે તો એમણે ઇન્કાર કરી દીધો. રાજ કપૂરે એમને ક્યારેય આ બાબતમાં એમનો વિચાર બદલાય તો પોતાની ઓફિસમાં મળવાનું જણાવ્યું. સમય જતાં પત્નીની પ્રસૂતિ સમયે શૈલેન્દ્રની આર્થિક ભીંસ અસહ્ય બની ગઈ. આખરે તેઓ રાજ કપૂરની ઓફિસમાં જઈ ચડ્યા, પણ હજી પણ ગીત લખવાની ઓફરનો સ્વીકાર કરવાની બદલે પોતાની જરૂરિયાત બયાન કરીને ઉધાર પાંચ સો રૂપિયા માગ્યા. રાજ કપૂર પાસે ત્રણ સો રૂપિયા હતા, બાજુની ઑફિસમાંથી બસો મંગાવીને પાંચ સો રૂપિયા આપ્યા. જ્યારે શૈલેન્દ્ર પૈસા પરત ચૂકવવા રાજ કપૂર પાસે ગયા ત્યારે રાજ કપૂરે પૈસા પાછા આપવાની બદલે ફિલ્મ બરસાત માટે બે ગીત લખી આપવાનું સૂચન કર્યું. આ એવો વળાંક હતો જ્યાંથી શૈલેન્દ્રની સાથોસાથ શંકર જયકિશન ની જ્વલંત કારકીર્દિ નાં મંડાણ થયાં. બરસાત થી શરૂ થયેલી હેલી સુંદર ગીતોથી શ્રોતાઓને ભીંજવતી રહી. શૈલેન્દ્રની કલમની  બહુઆયામી શક્તિને શંકર – જયકિશન અત્યંત કુશળતાપૂર્વક પ્રયોજવા લાગ્યા; હિન્દી ફિલ્મ સંગીત માટે આ નવી હવાની લહેરખી નહીં, વંટોળ હતો  અને એમાં સર્જાયાં બે અભૂતપૂર્વ સફળતા મેળવનાર ગીતો: આવારા હું અને મેરા જૂતા હૈ જાપાની.

આ સામાન્ય માણસની મનમોજી સ્વતંત્રતાની પુરસ્કૃતિ  છે.  રાજા રજવાડાં ગમે તે હશે, અમે તો મનમોજી શહેજાદા છીએ, જ્યારે મન પડે ત્યારે સિંહાસન પર પણ બેસી જઈએ!

હોંગે રાજે રાજકુંવર
હમ બીગડે દિલ શહજાદે
હમ સિંહાસન પર જા બૈઠે
જબ જબ કરેં ઇરાદે

આગળના શબ્દો કવિના વિચાર અંગે કોઇ જ શંકાનું સ્થાન રહેવા દેતા નથી:

સુરત હૈ જાની પહેચાની
દુનિયા વાલોંકો હૈરાની
સર પે લાલ ટોપી રૂસી
ફિર ભી દિલ હૈ હિન્દુસ્તાની

લોકોને આશ્ચર્ય એ વાતનું છે કે આ શકલ તો સામાન્ય માણસની, જાની પહેચાની છે; ભલે માથા પર સામ્યવાદની લાલ ટોપી ધારણ કરી છે પણ હૃદય તો હિન્દુસ્તાની જ છે.

આ ગીત અને “આવારા હું” બંને જાણે રાષ્ટ્રીય ગીતો બની ગયાં, એટલું જ નહીં, એની લોકપ્રિયતા દેશની સીમા વટાવીને રશિયા અને ચીનમાં પણ ફેલાઈ ગઈ.  ચીની વડા પ્રધાન ચાઉ એન લાઇની ભારતની મુલાકાતના સમયનો એક રમૂજી અનુભવ તલત મહેમૂદે કહ્યો છે.  ચાઉ એન લાઇએ એક કાર્યક્રમમાં તલતને આવારા હું ગીતની ફરમાયશ કરી. તલત મૂંઝવણભરી હાલતમાં મુકાઈ ગયા, કારણ કે એમને ગીતની પ્રથમ પંક્તિ જ આવડતી હતી. આખરે પોતાને આવડતી એ એક પંક્તિ એમણે ગાયા કરી!  સોલઝેનીત્સીન ની કૃતિ ‘કેન્સર વોર્ડ’માં ભારતીય ફિલ્મનાં સરસ ગીત તરીકે એક સંવાદમાં “આવારા હું”  ઉલ્લેખ પામે છે, એ દર્શાવે છે કે જનસામાન્યથી પણ આગળ સાહિત્યિક વર્તુળમાં પણ એણે સ્થાન પ્રાપ્ત કરેલું.

આવારાનાં સર્જન પહેલાંની આ વાત પણ રસપ્રદ છે. રાજકપૂર અને શૈલેન્દ્ર ખ્વાજા એહમદ અબ્બાસ પાસે નવી ફિલ્મની વાર્તા માટે ગયા હતા. નવા નિશાળિયા શૈલેન્દ્ર પ્રત્યે અબ્બાસે ખાસ ધ્યાન આપ્યું નહીં અને રાજ કપૂરને સમાજ દ્વારા તરછોડાયેલા ગરીબ માણસની હૃદયદ્રાવક વાર્તા સંભળાવી. રાજ કપૂરે શૈલેન્દ્ર તરફ ફરીને પૂછ્યું, “કુછ સમઝે, કવિરાજ?”

શૈલેન્દ્રએ પોતાની આગવી રીતે સાર કહ્યો, ” ગર્દિશમેં થા, આસમાનકા તારા થા, આવારા થા.”  અબ્બાસને તત્ક્ષણ આ નવા નિશાળિયાની કુશાગ્રતાનો ખ્યાલ આવી ગયો.

હજી નિષ્ઠુર એકાધિકારવાદી સત્તાનો વરવો સામ્યવાદી ચહેરો ભાવનાશીલ કવિહૃદયોનાં ધ્યાનમાં આવ્યો ન હતો; તેઓના મનમાં કેવળ સમાનતા, સામાજિક ન્યાય અને સર્વે જનાઃ સુખીનો ભવંતુ ની યુટોપિઆ ની કલ્પના હતી, તેથી સમકાલીન કવિઓ સામ્યવાદી વિચારધારાથી પ્રભાવિત હતા પણ એ બાબતમાં  બે મત હોઈ જ ન શકે કે શૈલેન્દ્રની ડાબેરી વિચારધારા માનવતાવાદી હતી, જુલ્મી, દમનકારી, સરમુખત્યારશાહી રાજ્યસત્તાની નહીં.

એમની માનવતાવાદી ભાવના વારંવાર એમના ગીતોમાં પ્રગટ થતી રહે છે:

માના અપની જેબ સે ફકીર હૈં
ફિર ભી યારોં દિલ કે હમ અમીર હૈં

રિશ્તા દિલ સે દિલ કે ઐતબારકા
ઝિંદા હૈ હમીં સે નામ પ્યાર કા
કિ મર કે ભી કિસીકો યાદ આએંગે
કિસી કે આંસુઓં મેં મુસ્કુરાએંગે
કહેગા ફૂલ હર કલીસે બાર બાર
જીના ઇસી કા નામ હૈ.

ક્યારેક કવિ માનવજીવનની કરુણતા વ્યક્ત કરતાં કરતાં સરળ અને સહજ રીતે રમૂજ કરી લે છે ત્યારે પણ એનો મુખ્ય ભાવ  કરુણ રસ છે એ શ્રોતા પારખી શકે છે:

हाय करूँ क्या सूरत ऐसी
गांठ के पूरे चोर के जैसी
चलता फिरता जान के एक दिन
बिन देखे-पहचान के एक दिन
बांध के ले गया पुलिसवाला

અને

बूढ़े दरोगा ने चश्मे से देखा
आगे से देखा, पीछे से देखा
ऊपर से देखा, नीचे से देखा
बोला ये क्या कर बैठे घोटाला
हाय ये क्या कर बैठे घोटाला
ये तो है थानेदार का साला

વાંચતાં કરુણતા મિશ્રિત રમૂજ અનુભવાય છે. આમઆદમીને જ શકની નજરે જોવાની સમાજ અને સત્તાની આદત છે, જ્યારે એમની પડખે જ કૌભાંડો કરનારા માલેતુજાર ભવ્ય મહાલયોમાં મહાલે છે. આ પંક્તિઓ પરથી એક અન્ય ડાબેરી શાયર, સાહિર લુધિયાનવીના શબ્દો દિમાગમાં ઝબકી જાય છે:

ખોલી ભી છીન ગઈ હૈ,
બેંચેં ભી છીન ગઈ હૈ
સડકોં પે ઘૂમતા હૈ અબ કારવાં હમારા…

જેબેં હૈ અપની ખાલી,
ક્યોં દેતા વરના ગાલી
વો સંતરી હમારા, વો પાસબાં હમારા.

દુનિયાભરના ગરીબ લોકોની સમસ્યા એક સરખી છે એટલે માનવતા થી દ્રવી ઊઠતું કવિહૃદય પણ સમાન સંવેદના અનુભવે છે.

બૂટ પોલિશ ફિલ્મનાં ગીતોમાં પણ આ વેદના શૈલેન્દ્ર વ્યક્ત કરે છે એટલું જ નહીં, નિર્દોષ નાની ગરીબ બાળકીના ભાવિ સ્વપ્નોને સહૃદયતાથી ગાઈને મુખ પરના ભાવથી પણ પ્રગટ કરે છે: ચલી કૌન સે દેશ ગુઝરીયા તુ સજધજ કે.

ગુલઝાર કહે છે, “ફિલ્મોના માહૌલમાં રહેતા હોવા છતાં શૈલેન્દ્રના માહૌલમાં ‘લિટરેચર’ મહેકતું રહ્યું. એક સામાન્ય અને મામૂલી પ્રકારની સિચ્યુએશનમાં ગીતને લિટરેચર નો દરજ્જો અપાયો એ શૈલેન્દ્રનો ફાળો હતો.”

શંકર જયકિશન માટે એમણે લખેલાં ગીતોમાં  ઉત્તમ રોમેન્ટિક ભાવ વ્યક્ત કરતાં અસંખ્ય ગીતો છે.  રાજ કપૂર અને એમની સંગીતકાર જોડી સાથે એમનું ટ્યુનિંગ બરાબર થઈ ગયું હતું.  રાજ કપૂરની કલ્પનામાં પરફેક્ટ બેસે એવા ભાવ અને શબ્દો શૈલેન્દ્ર આપતા હતા એટલે ખુશ થઈને રાજ કપૂર એમને કવિરાજ અને પુશ્કીન કહીને બોલાવતા. 

ખાર જ્યારે દૂરનું પરું ગણાતું ત્યારે શૈલેન્દ્ર ત્યાં ભાડાના એપાર્ટમેન્ટમાં રહેતા.  જૂનાં સમયનાં એ શાંતિમય વાતાવરણમાં એક મોડી રાતે શેવરોલે ઇમ્પાલા માં રાજ કપૂર નશાની હાલતમાં ત્યાં આવીને સતત કારનું હોર્ન મારવા લાગ્યા અને “મેરે કવિરાજકો બાહર બુલાઓ” ની બૂમો પાડવા લાગ્યા. શૈલેન્દ્ર જાગીને બહાર આવ્યા, રાજ કપૂર દોડીને એમને ભેટીને બોલ્યા, “મૈંને અભી અનાડી કા ગાના સૂના, જીઓ મેરે પુષ્કીન”. શૈલેન્દ્ર પૂરા હોશમાં આવીને પ્રતિભાવ આપે એ પહેલાં તો રાજ કપૂર કાર દોડાવીને નીકળી ગયા.

એમની સાથેની શૈલેન્દ્રની કામગીરીની વાતો અને પ્રસંગોના સંસ્મરણો એક પુસ્તક લખાય એટલાં છે.  એક રસપ્રદ ઘટના એ ત્રિપુટીનાં એક લોકપ્રિય ગીતની. કોઈ જગ્યાએથી પાછા ફરતાં માર્ગમાં એક રેસ્ટોરાં પર શંકર જયકિશન અને શૈલેન્દ્ર રોકાયા. શંકર આંધ્ર પ્રદેશથી આવેલા. એક વેઇટર આંધ્રનો છે એવું એમને લાગ્યું. આવા છોકરાઓ માટે તેલુગુમાં રમૈયા શબ્દ વપરાય છે, જેમ સૌરાષ્ટ્રમાં બાંધકામના સ્થળો પર ચોકીદાર તરીકે કામ કરતા દક્ષિણ ભારતીય કામદારને અન્ના કહે છે.   શંકરે એને બોલાવ્યો, “રમૈયા, વસ્તાવૈયા” (રમૈયા, અહીં આવ).  કાવ્યપંક્તિ પૂરી કરતા હોય એમ શૈલેન્દ્ર બોલી ઉઠ્યા: ” મૈંને દિલ તુજ કો દિયા.” શંકરના મનમાં આ શબ્દરચના ગોઠવાઈ ગઈ. એમણે રાજ કપૂરને એ પંક્તિ સંભળાવી અને એમાંથી સર્જાયું લોકપ્રિય ગીત.

+++++++++++++++++++++++++++++++

આ સંદર્ભમાં એક અનધિકૃત વાત યાદ આવે છે. ફિલ્મ ‘સંગમ’ના નિર્માણ દરમ્યાન કોઈ એક ગીતની વાત પરથી જયકિશન અને શૈલેન્દ્ર વચ્ચે ઉગ્ર દલીલબાજી થઈ ગઈ.  અન્ય સંગીતકારે લખેલ એક સફળ ગીતનો અદભૂત આઈડિયા મૂળ પોતાનો હતો એવો દાવો જયકિશને કર્યો, એને હસી કાઢતા શૈલેન્દ્રે કહ્યું કે એ કોઈ મૌલિક આઈડિયા નથી, મેં એક દશક પહેલાં છત્રપતિ શિવાજી ફિલ્મમાં તેનો ઉપયોગ કરેલો છે. દલીલ ઉગ્ર બનતી ગઈ અને જયકિશને કહ્યું કે એ ગીતના સહરચયીતા તરીકે એ પોતાનું નામ જોડશે. શૈલેન્દ્ર બોલી ઉઠ્યા, સારું, તમે એમ કરો, તો પછી  બે અતિ પ્રસિદ્ધ ગીતો – મેરા જૂતા હૈ જાપાની અને આવારા હું -ની ધૂન નું સૂચન અને ગીતલેખન મારાં હતાં એટલે હું પણ ” સંગીત શંકર – જયકિશન અને શૈલેન્દ્ર” એવું લખાવીશ. દલીલનો ત્યાં જ અંત આવી ગયો.

આવી જ એક કથા ‘આમ્રપાલી’ (૧૯૬૬)નાં ગીતની છે. લેખ ટંડન આમ્રપાલી માટે લતાના એક ગીતનું રેકોર્ડિંગ કરવાની તૈયારી કરતા હતા એ જ સમયે રાજ કપૂરનો ફોન આવ્યો. આ ગીત પોતાની આગામી ફિલ્મ મેરા નામ જોકર માટે અનામત રાખવા એમણે શંકર અને લેખ ટંડનને કહ્યું. બંને માટે વિકટ સ્થિતિ થઈ. લતા મંગેશકરનું અત્યારે રેકોર્ડિંગ કરવા માટે તારીખ લીધી હતી. તાત્કાલિક નવું ગીત બનાવવાનું નક્કી થયું. એ લખવા માટે શૈલેન્દ્ર બહાર ગયા. થોડાં સમય પછી ત્રણ અંતરા લખીને પાછા આવ્યા. તરત સંગીત બેસાડ્યું અને રેકોર્ડ પણ થયું એ લોકપ્રિય ગીત:

જાઓ રે જોગી તુમ જાઓ રે.

શૈલેન્દ્રનાં બાળગીતો – નાની તેરી મોરની અને નન્ને મુન્ને બચ્ચે તેરી, નન્હી સી કલી મેરી લાડલી–   એક સમયે ખૂબ લોકપ્રિય બન્યાં હતાં.

દેશભક્તિના ઉત્કટ ભાવની ઉત્તમ અભિવ્યક્તિ આપવામાં પણ શૈલેન્દ્ર અન્ય પ્રકારના ગીતો જેટલા જ સફળ રહ્યા. એમના ‘મત રો માતા’ (બંદિની, ૧૯૬૩) ગીતમાં એમનો સિક્કો જોવા મળે છે:

कल मैं नहीं रहूंगा लेकिन जब होगा अंधियारा
तारों में तू देखेगी हसता एक नया सितारा…
फिर जनमुंगा उस दिन जब आजाद बहेगी गंगा
उन्नत भाल हिमालय पर जब लहराएगा तिरंगा।

ફિલસૂફીની કવિતા પૂરી સહજતાથી લખી શકતા શૈલેન્દ્ર રોમેન્ટિક ગીતોમાં બિલકુલ ઉણા ઉતરતા નથી. ખરું પૂછો તો તેઓ દરેક ઋતુમાં નીખરી રહેતું ફૂલ (મેન ઓફ ઓલ સિઝન્સ) હતા.

નવા નિર્માતા મહેમૂદ અને નવા સંગીત નિર્દેશક રાહુલ દેવ બર્મન માટે છોટે નવાબ (૧૯૬૧)જેવી હળવી ફિલ્મનાં જે ગીતો લખ્યાં એ એમની વિવિધ થીમનાં ગીતો લખવાની ક્ષમતા બતાવે છે. રાહુલને માત્ર ઓગણીસ વર્ષની ઉંમરે  ગુરુ દત્ત દ્વારા નિર્માણ પામનારી એક ફિલ્મ, ‘રાઝ’, નું સંગીત સર્જવાનું કામ મળેલું પણ આટલી નાની વયમાં એ સ્વતંત્ર સંગીતકાર બની જાય તે બર્મન સિનિયરને ગળે ઉતરતું  ન હતું. શૈલેન્દ્રની સમજાવટ પછી બર્મન સંમત થયા, રાહુલે બે ગીતો તૈયાર કર્યાં પણ ફિલ્મ અધૂરી છોડી દેવાઈ. એમાંનું એક ગીત છોટે નવાબ (૧૯૬૧)માટે પસંદગી પામ્યું. એ હતું લતાનું ભાવવાહી ગીત ‘ ઘર આજા ઘીર આએ બદરા’, જે કવિની ભાવ અને ચિત્ર સર્જવાની કુશળતા પ્રગટ કરે છે. ધક ધક અને ટીપ ટીપ તથા સૂના સૂના અને બૈઠે બૈઠે જેવા ધ્વનિ સંબંધિત અને પુનરાવર્તિત શબ્દો ભાવની અને લયની અનુભૂતિને  તીવ્ર બનાવે છે:

घर आजा घिर आए बदरा सांवरिया
मोरा जिया धक धक रे चमके बिजुरिया

सूना सूना घर मोहे डसने को आए रे
खिड़की पे बैठे बैठे सारी रैन जाए रे
टिप टिप सुनत मैं तो भई रे बावरिया।

શૈલેન્દ્રની કવિતાનું સ્વાભાવિક અને સહજ સ્વરૂપ ગીત હતું એ એમની સફળતાનું રહસ્ય હતું. ધરતીની ભાષા અને અભિવ્યક્તિથી ઘડાયેલાં એમનાં ગીતોમાં પ્રાકૃતિક સૌંદર્ય, લોકસંગીતની સાહજિકતા, સચોટતા અને અસરકારકતા જોવા મળે છે. તેઓ ઊંડી ફિલસૂફી અને ચિંતનની વાતો કબીર, મીરાં, નરસિંહ મહેતા જેવા દૃષ્ટાઓની જેમ એટલી સરળતાથી મૂકી દે છે કે શ્રોતાનું ધ્યાન પણ નથી જતું કે કોઈ ભારેખમ વિચાર એમને સરળતાથી સમજાવી દીધો છે.

એક ધ્યાન આકર્ષે એવો મુદ્દો એ છે કે ઉપર જણાવ્યું એમ શૈલેન્દ્રની ગીત રચનામાં માટીની સોડમ છે, આપણી સંસ્કૃતિ,સભ્યતા અને એમાંથી આવતી પ્રાણવાન વિચારધારા એમનાં ગીતોમાં પ્રતિબિંબિત થાય છે. એની સામે શંકર જયકિશનનું સંગીત હિન્દી ફિલ્મ સંગીતના વાતાવરણમાં વાવાઝોડાની જેમ ફૂંકાયું, અને વાવાઝોડું વાતાવરણને બદલી નાખીને જળવૃષ્ટિથી સૃષ્ટિને અભિભૂત કરી દે છે એવી જ અસર એમનાં સંગીત થી થઈ. સ્થાપિત ગાયન, વાદ્યો, વાદન,  બધાંની એક ચીલા પર ચાલતી શૈલી કરતાં એ એકદમ અલગ અનુભવ લઈને આવ્યું. શૈલેન્દ્રની  ગીત – રચનાની શૈલી અને શંકર જયકિશન ની સંગીત – રચનાની શૈલી આમ જુઓ તો તદ્દન અલગ પડી જવાં જોઈએ, એથી ઊલટું આધુનિકતાની છડી પોકારતું તાજગી અને નવી ઉર્જાથી સભર સંગીત પ્રકટ થયું. શંકર જયકિશનની આધુનિકતાને શૈલેન્દ્રએ પોતાનો સ્પર્શ આપ્યો.

એક ઉદાહરણ

મહતાબ તેરા ચહેરા
કિસ ખ્વાબમેં દેખા હૈ
અય હુસ્ને જહાં બતલા
તૂ કૌન મૈં કૌન હું

અહીં મુખડાના બોલમાં શૈલેન્દ્ર બહુ સહજતાથી ઉર્દુ શબોના પ્રયોગ પણ કરી લે છે. તે પછીનું આખું ગીત શૈલેન્દ્રની આગવી શૈલીમાં બન્ને પ્રેમીઓ વચ્ચેના મુગ્ધ રોમાંસને બન્ને વચ્ચેના સંવાદ સ્વરૂપે વર્ણવે છે. સામાન્ય રીતે આ પ્રકારનાં ગીતોમાં આપણે તાલ વાદ્ય તરીકે ઢોલકની સંગતની અપેક્ષા કરીએ, પણ શંકર જયકિશન અહીં બોંગો/કોંગો પ્રયોજે છે. અંતરામાં સિતારના સ્વરની સાથે પિયાનો એકોર્ડીયન અને વાયોલીન સમુહના પ્રયોગ પણ ગીતના ભાવ સાથે સહજપણે ભળી જાય છે.

સચિન દેવ બર્મન, સલિલ ચૌધરી જેવા શ્રેષ્ઠ સર્જકોની તર્જને અનુરૂપ શબ્દાવલી ઘડી કાઢવાની શૈલેન્દ્રની કુશળતા સંગીતકારની કલાને ચાર ચાંદ લગાવી દે છે. સલિલ ચૌધરી તો IPTA ના સમયથી શૈલેન્દ્રની સાથે નિકટના સંપર્કમાં હતા તેથી બંને વચ્ચે સમજદારીનો સેતુ બંધાઈ ગયો હતો. સમાન ડાબેરી વિચારધારાના મૂળને કારણે બંને Comrades in arms જેવા હતા. ઉપરાંત સલિલ પોતે પણ એક સારા ગીતકાર હતા, પણ હિન્દી ફિલ્મો માટે હિન્દી ભાષામાં સલિલના વિચારોને યોગ્ય અભિવ્યક્તિ મળી શકે  એવી  નિકટતા શૈલેન્દ્ર સાથે હતી.  પોતાના મૂળ બંગાળી પરથી હિન્દી ગીતો લખવાનું કામ પણ શૈલેન્દ્રને સોંપતા અને શૈલેન્દ્રની બંગાળી ભાષાની સારી સમજને કારણે તેઓ પોતાની આગવી રીતે સુંદર હિન્દી ગીત રચી આપતા. બર્મનની જેમ સલિલ પણ પહેલાં ધુન સર્જતા, પછી ગીતકાર પાસે ગીત લખાવતા. એક વખત એક બંગાળી દરવાન પાસે નેપાળી ગીત સંભાળ્યું હતું, તેની તર્જ શૈલેન્દ્રને સંભળાવી. તરત શૈલેન્દ્રએ એના પરથી ‘ છોટા સા ઘર હોગા બાદલોંકી છાઓ મેં ‘ લખી આપ્યું. 

બિમલ રોય ‘પરખ’ (૧૯૬૦) ફિલ્મ ગીત વગરની બનાવવા માગતા હતા. એની વાર્તા સલિલ ચૌધરી લખે અને સંવાદ શૈલેન્દ્ર લખે એવું નક્કી થયું હતું પણ સલિલ અને શૈલેન્દ્ર ગીતો રાખવા માટે બિમલ રોયને સમજાવવામાં સફળ રહ્યા, પરિણામે આજે સલિલ ચૌધરીનાં શ્રેષ્ઠ સંગીત તરીકે ગણાવાય છે એવું ઉત્તમ સંગીત મળ્યું. ઓ સજના બરખા બહાર આઇ, મિલા હૈ કિસી કા ઝુમખા, યે બંસી ક્યું ગાએ, મેરે મન કે દિયે જેવાં ઉત્તમોત્તમ કાલાતીત ગીતો શૈલેદ્રએ આપ્યાં.

‘જાગતે રહો’ (૧૯૫૬) માં વારંવાર તરસથી વ્યાકુળ રાજ કપૂર પાણી માટે નિષ્ફળ પ્રયત્ન કરે છે ત્યારે આજા રે પરદેસી ની ધુંનનો ઉપયોગ કર્યો હતો. શરૂઆતની ચૌદ મિનિટ પછી પાર્શ્વ સંગીતમાં આ ધુન સંભળાય છે.  શૈલેન્દ્રએ મધુમતી માટે તેનો ઉપયોગ કરવાનું સૂચન કર્યું એના પરથી આજા રે પરદેશી ગીત સર્જાયું. સલિલ એમને યાદ કરતાં કહે છે, “He was a genius.”

શૈલેન્દ્રનું કાવ્યસર્જન ઉત્કૃષ્ઠ હતું એ નિર્વિવાદ છે, પણ એની ફિલ્મી ગીતો તરીકે અદભુત સફળતા અને ચિરંજીવીતા નું કારણ સંગીતનાં માધ્યમની એમની સૂઝ છે જેને ગીતના સર્જનમાં પ્રયોજી શકવાની એમની કુશળતા શૈલેન્દ્રને ગીતસર્જનની ટોચ પર મૂકે છે.

સચિનદેવ ધુન તૈયાર કરીને ગીત લખાવતા એ આપણે જાણીએ છીએ. ‘કાલા બાઝાર’ (૧૯૬૦) નું રફીનું ગીત ખોયા ખોયા ચાંદ સંગીતનો જે માહોલ બનાવે છે એમાં ગાયન અને વાદનના લય સાથે સુંદર સુમેળ ધરાવતા શબ્દોની અસર મહત્વની છે.

મસ્તી ભરી હવા જો ચલી,
ખિલ ખિલ ગઈ યે દિલકી કલી,
મન કી ગલી મેં હૈ ખલબલી

આ ગીત માટે શૈલેન્દ્રએ સચિન દેવને કંઇક વધુ રાહ જોવડાવી. બર્મનના  યુરોપના પ્રવાસની તારીખ નજીક આવતી હતી, તેથી તેઓ ઉતાવળા અને અધીરા બન્યા હતા. છેવટે એમણે શૈલેન્દ્રને આખરીનામું આપી દીધું હતું. એટલે એક ચાંદની રાતે જૂહુ બીચ પર બેઠા બેઠા એક જ બેઠકમાં શૈલેન્દ્રએ આ સુંદર ગીત રચી કાઢ્યું. ટેકરીઓ પર નાચતો ગાતો દેવ આનંદ જે મૂડમાં હતો એને અનુરૂપ ધુન બર્મને બનાવી અને શૈલેન્દ્રએ ખિલ ખિલ અને દિલ, ચલી, કલી અને ખલબલી જેવા શબ્દો વડે અભિનેતાના અને ધુનના રમતિયાળ મિજાજને ઓપ આપે એવી રચના સર્જી.  સચિનદેવ તેમના માનીતા ગાયકો લતા અને કિશોર વિના જ આટલુ સુંદર આલ્બમ બનાવીને લોકપ્રિયતાના શિખરે પહોંચ્યા એમાં શૈલેન્દ્રનાં ગીતોનો પણ ફાળો હતો.

‘બંદિની’ના નિર્માણ સમયે શૈલેન્દ્રએ બર્મનના પોતાના ગાયન માટે રચેલ ‘મેરે સાજન હૈ ઉસ પાર‘ ખૂબ અસરકારક બન્યું. બર્મનના સંગીત સાથે એના શબ્દો એક અદ્ભુત વાતાવરણ ઊભું કરી દે છે.  માનવીનાં મનની દ્વિધા અને અકળામણને ગીતના છંદ અને સંગીતની માત્રા મુજબ યુક્તિપૂર્વક શબ્દનિયોજન કરીને ગીત શ્રોતાઓના મન પર છવાઈ જાય છે. આ વાતાવરણની અસર ઊભી કરવા માટે બર્મનદાએ રેકોર્ડિંગ સમયે પ્રકાશ ઝાંખો કરી દેવાનો આગ્રહ રાખ્યો હતો. શૈલેન્દ્ર અને બર્મનના અદભૂત સંધાનનું આ ગીત એક ઉદાહરણ છે.   ‘ઓ જાનેવાલે હો સકે તો લૌટ કે આના‘ ટાગોરના જોખોં પોરબે ના મોર પાયેર ચિન્હો એઈ બાતે નો આધાર લઈને બનાવવામાં આવ્યું છે અને શૈલેન્દ્રની ગીતરચના સંગીત સાથેના સુંદર તાલમેલને કારણે મૂળ ગીતની યાદ અપાવે છે.  અન્ય એક સુંદર રચના છે “ઓ પંછી પ્યારે સાંજ સકારે“.  શૈલેન્દ્ર પીંજરે કી મૈના, પંખ, ફાગુન, સાગર વગેરે ચિત્ર અને ઉપમા યોજીને સુંદર કાવ્ય રચે છે અને બર્મનદા સાથે મળીને એક સૂક્ષ્મ રીતે પ્રચ્છન્ન પ્રેમગીત પ્રશ્નોત્તરીનાં રૂપમાં આપે છે. એમાં મુખડાનો પ્રશ્ન માટે અને અંતરાનો ઉત્તર માટે ઉપયોગ કર્યો છે.

બર્મનની કારકિર્દીના ઉચ્ચ સ્થાનોમાં મેરી સુરત તેરી આંખેં નાં બે ગીતો – પૂછો ના કૈસે મૈંને રૈન બિતાઈ તથા તેરે બીન સૂને નયન હમારે – ને પૂરા ઈત્મીનાન સાથે ગણાવી શકાય. બંનેની એક અજબ શાતાદાયક અસર છે. બર્મન અને શૈલેન્દ્રની એકબીજાના ક્ષેત્રમાં આપ – લે પણ આશ્ચર્ય પમાડે એવી હતી.

તેરે ઘર કે સામને માં હસરત જયપુરી સાથે બર્મનની ભાગીદારી સફળ રહી તેથી સ્વાભાવિક રીતે ગાઈડ (૧૯૬૫) ફિલ્મ માટે એ પ્રથા ચાલુ રાખવાનું નક્કી થયું હતું. હસરતે બે ગીતો લખી પણ નાખ્યાં હતાં, પણ દિન ઢલ જાએ ગીતમાં સમસ્યા ખડી થઈ. અત્યારે આપણે જાણીએ છીએ એ ગીતની જગ્યાએ  પહેલાં હાફિઝ જાલંધરીનું  ગીત કંપોઝ કરાયું. પછી હસરતનું લખાયું. આ સંબંધે શૈલેન્દ્રના પુત્ર રસપ્રદ જાણકારી આપે છે.

હસરતનાં ગીતથી આનંદભાઈઓ સંતુષ્ટ ન હતા, તેથી બર્મન સાથે ખારમાં આવેલા શૈલેન્દ્રના નવા બંગલોમાં પહોંચ્યા. શૈલેન્દ્ર વાત સાંભળીને એક પેગ ચડાવીને એક ખૂણામાં બેસીને “દિન ઢલ જાએ” લખી આપ્યું. પછી હસરતને આપવાની રકમ કરતાં એક લાખ રૂપિયા વધારે આપવાની માગણી કરી, જે ૧૯૬૪માં સારી એવી મોટી રકમ કહેવાય. રસપ્રદ આડવાત: હસરતની પુત્રી કહે છે,  દેવ આનંદની ઉદારતા એ હતી કે હસરત પાસેથી એમણે પૈસા પરત ન માગ્યા.

‘ગાઈડ’ ફિલ્મનો સાર કે આત્મા કહેવાય એવું ગીત “વહાં કૌન હૈ તેરા, મુસાફિર જાએગા કહાં” હતું. એમાં જીવનની  ફિલસૂફી, તલસાટ, કામનાઓ, પ્રેમની નિરર્થકતા બધું આ ગીતમાં વ્યક્ત થયું. જે બીજા માટે ગાઈડ – માર્ગદર્શક હતો તે પોતે જ માર્ગ ભૂલ્યો.

तुने तो सबको राह दीखायी
तु अपनी मंझिल क्युं भूला
सुअलझाके राजा
औरोंकी उलझन
तु कच्चे धागोंमें झूला

– અને પછી કવિનો વેધક પ્રશ્ન:

ક્યું નાચે સપેરા?

સપેરાની બીનથી નાગ ડોલે છે, એના બદલે સપેરો પોતે કેમ નાચવા લાગ્યો?

कहते हैं ज्ञानी, दुनिया है फानी
पानी पे लिखी लिखाई
है सबकी देखी, है सबकी जानी
हाथ किसी के ना आनी
कुछ तेरा ना मेरा
मुसाफिर जाएगा कहाँ

‘ગાઈડ’નાં ગીતોએ શૈલેન્દ્ર અને બર્મનની જોડીને પ્રતિષ્ઠાની ટોચ પર સ્થાપિત કરી દીધી.

ગાઇડની સફળતા પછી એનાથી અલગ દેખાવ અને વાતાવરણ ધરાવતી ફિલ્મ જવેલ થીફ આવી ત્યારે શૈલેન્દ્ર દેખીતા જ પ્રથમ પસંદગીના ગીતકાર હતા. વિજય આનંદ એવા દિગ્દર્શક હતા જેની બાજ નજર ફિલ્મનાં દરેક ડિપાર્ટમેન્ટ પર ફરી વળતી. શૈલેન્દ્રએ લખેલ ગીતના શબ્દો ” રૂલા કે ગયા સપના તેરા” માં ફેરફાર કરીને ” મેરા ” શબ્દ લખવાનું વિજય આનંદે સૂચવ્યું કારણ કે વૈજયંતી માલા પોતાનાં દુઃખથી દેવ આનંદને આકર્ષિત કરવા માગતી હતી. ફિલ્મના અંત વખતે આવતું ગીત “હોટોં મેં ઐસી વાત મૈં” લખાવવા માટે ગોલ્ડીએ શૈલેન્દ્રનાં ઘરના ઘણાં ચક્કર લગાવવા પડ્યાં અને દર વખતે શૈલેન્દ્ર ઘરમાં નથી એવો જવાબ મળતો. પછીથી તેમને જાણ થઈ કે શૈલેન્દ્ર તીસરી કસમ (૧૯૬૬) પછીની આર્થિક સમસ્યાઓમાં ફસાઈને ડિપ્રેશનમાં આવી ગયા હતા.

કવિ ફિલ્મનિર્માણની નાણાકીય આંટીઘૂંટીથી વાકેફ ન હતા. ફિલ્મના શૂટિંગમાં ગાડાંના બળદની જોડીની વારંવાર જરૂર પડતી. કોઈએ સલાહ આપી કે એક જોડી ખરીદીને તબેલામાં રાખવાથી અગવડ ઓછી થઈ જશે. બળદ ખરીદ્યા પછી અઠવાડિયામાં જ તબેલાનો માલિક શૈલેન્દ્રને ઘરે પહોંચ્યો મોકાણના સમાચાર આપવા, કે બળદ મારી ગયા છે! દિનેશ શૈલેન્દ્ર મુશ્કેલીઓનું બયાન કરતાં કહે છે કે આ ફિલ્મના નિર્માણમાં બધા જ કમાણી કરી રહ્યા હતા, જ્યારે શૈલેન્દ્ર તો કેવળ બિલ ચૂકવતા હતા. નિષ્ફળતા અને નુકસાનના સમાચારો વચ્ચે તેઓ નિરાશાની ગર્તામાં સરી પડ્યા. પરિણામે શરાબ વધુ પડતો પીવાનું શરુ કર્યું. વિજય આનંદે જ્યારે ચિઠ્ઠી મોકલીને સલાહ આપી કે તેમણે નિરાશામાં ડૂબેલા ન રહેવું જોઈએ અને જાતને સાંભળી લેવી જોઈએ, ત્યારે શૈલેન્દ્ર એમને મળવા બહાર આવ્યા. આખરે ‘હોટોમેં ઐસી બાત’ મજરૂહ પાસે લખાવવું પડ્યું.

દિનેશના કહેવા મુજબ ગીત લખવાનું શૈલેન્દ્ર જેટલું ઊંચું મહેનતાણું ચાર્જ કરતા એ જોતાં નાણાકીય રોકાણનો ધક્કો એટલો મોટો ન હતો, પણ માનવીય રોકાણમાં લાગેલ પછડાટ અત્યંત આઘાતજનક હતી, જેના કારણે જીવનમાંથી રસ ઊડી ગયો.

આ ઘટનાના ત્રણ ચાર માસમાં શૈલેન્દ્ર લિવરના સિરહોસિસથી રાજ કપૂરના જન્મદિન – ૧૪મી ડિસેમ્બર ના રોજ અવસાન પામ્યા.


શ્રી નરેશ માંકડનો સંપર્ક nareshmankad@gmail.com વિજાણુ સરનામે થઈ શકે છે.

Author: Web Gurjari

6 thoughts on “કવિરાજ શૈલેન્દ્રની કહાની – અપની કહાની છોડ જા, કુછ તો નિશાની છોડ જા

  1. આભાર. આવા વિષયવસ્તુ પર લખતી વખતે સમસ્યા એ થાય છે કે ઘણી જરૂરી લાગતી વિગતો જતી કરવી પડે છે, એનો અસંતોષ રહે છે.

 1. અદભુત લેખ,નરેશભાઈ !
  કેટલાય જાણીતા ના હોય તેવા પ્રસંગ જાણવા મળ્યા.જ્વેલ થિફ ના ગીત વિશે નવી વાત જાણવા મળી.
  એવું લાગે છે કે તિસરી કસમ ના નિર્માણ માં તેમને આયોજન નો અભાવ નડી ગયો પણ એક કવિ પાસે થી નાણાં આયોજન ની અપેક્ષા કેટલી રાખી શકાય ?
  ખૂબ ખૂબ આભાર અને આશા છે કે આપ લખતા રહેશો !!

 2. આભાર, સમીરભાઈ. શૈલેન્દ્રનું શબ્દનિયોજન આગવી અસરકારકતા ધરાવે છે અને એ અસરકારકતા સાહિર લુધિયાનવી જેવા સમર્થ શાયર કરતાં તદ્દન અલગ છે. એ જ તેનું આકર્ષણ છે. શૈલેન્દ્રના પુત્રોનો અભિપ્રાય જોઈએ તો એમ લાગે છે કે એને અસહ્ય આઘાત તો એમના નજીકના સાથીદારો તરફથી થયો હતો.

  1. મહાન ગીતકારના લેખન- ક્ષેત્રના લગભગ સર્વે પાસાને આવરી લેતો વિશદ આલેખ.
   સામાન્ય માનવીની લાગણીઓને એમની જ ભાષામાં વ્યક્ત કરવાની જે હથોટી એમને હસ્તગત હતી એ વિરલ હતી ! એમની માન્યતાઓ સ્પષ્ટ હતી. જેમના માટે લખાયું, જેમને ઉદ્દેશીને લખાયું એ લખાણ ભાષાની ક્લિષ્ટતાના કારણે એમના હૃદય લગી જ ન પહોંચે તો એ રચનાનો શો અર્થ !
   એમની સાવ હલકી – ફુલકી અને રમુજી લાગતી ગીત – રચનાઓમાં મોટી વાતો છુપાયેલી હોય છે. ‘ છોટી બહેન ‘ અને ‘ દિલ તેરા દીવાના ‘ ના ગીતો ‘ મૈં રીક્ષાવાલા ‘ અને ‘ રિક્ષે પે મેરે તુમ આ બૈઠી ‘ ના શબ્દો ધ્યાનપૂર્વક સાંભળીએ તો ખ્યાલ આવે.
   જલસો પડી ગયો ! સમીર કુમાર કહે છે તેમ, લખતા રહેજો રાજ !

 3. આપના પ્રોત્સાહક પ્રતિભાવ માટે આભાર, ભગવાનભાઈ. શૈલેન્દ્રના આપના જેવા ચાહક અને અભ્યાસુ સમજી શકે કે આ વિષય પર એક લેખ લખીને તેને ન્યાય આપવાનું શક્ય નથી. સચિન દેવ બર્મન વિશે લખાયેલાં પુસ્તકોમાં બે પુસ્તકો તો સમય, રિસર્ચ અને મહેનત ખર્ચીને લખાયાં છે, એવો પ્રયાસ શૈલેન્દ્ર માટે થાય એ જરૂરી છે. ખરું પૂછો તો ફિલ્મી ગીત – સંગીતના મહારથીઓ માટે એવું વ્યવસ્થિત કામ થાય તો એ વિષયના શોખીન વર્ગનો બહોળો આવકાર પામશે.

Leave a Reply

Your email address will not be published.