વ્યંગ્ય કવન (૫૮) : વોટ્સએપનો દરિયો

રક્ષા શુક્લ

વોટ્સએપના દરિયામાં ડૂબકી જ્યાં દીધી, સરનામાં મળતાં દસ-બાર,
એન્ડ્રોઈડનાં આકાશે ટહુકાની ટોળી, ગજવામાં ભરતા શી વાર ?

‘મોર્નિંગ ગુડ’ રેડી ને મંદિરના દેવો તો સામેથી ફોલ્ડરમાં આવે,
ભક્તો બિચારા પણ હાઈ-ફાઈ દર્શનથી પાઈ અને પૈસો બચાવે.

પંદરમી ઓગસ્ટે ખુરશીમાં બેસી સૌ છબિયુંમાં ધ્વજને ફરકાવે,
મજનૂ તો ‘મિસ યુ’ના મેઘ કરે ખાંગા ને ‘લવ યુ’નું ચક્કર ચલાવે.

ભીંતો તો ખાલી પણ ભરચક્ક મોબાઈલ, પૂછો લાગણીનો કેવો વ્યાપાર ?
વોટ્સએપના દરિયામાં ડૂબકી જ્યાં દીધી, સરનામાં મળતા દસ-બાર.

કોણે કમેન્ટ કરી, કોણે ત્યાં લાઈક કર્યું, FBને થાતો ઉચાટ,
કોનો છે બર્થ ડે ને કોની ટપાલ એની આંખોમાં ભરવાની વાટ.

ફ્રેન્ડશીપ રિક્વેસ્ટુ હકડેઠઠ્ઠ આવતા, ખૂલી સંબંધોની હાટ,
છોકરિયું પિત્ઝાને વોટ્સએપમાં પીરસે ત્યાં કિચનને ચડતો રે કાટ
.

ચેટીંગનું ભૂત હજુ તમને ના વળગ્યું ? એળે ગયો રે અવતાર.
વોટ્સએપના દરિયામાં ડૂબકી જ્યાં દીધી, સરનામાં મળતા દસ-બાર.


સુશ્રી રક્ષાબહેન  શુક્લનો સંપર્ક  shukla.rakshah@gmail.com વીજાણુ સરનામે કરી શકાશે        


વેબ ગુર્જરી પર પ્રકાશન અંગેની વિચારણા સારૂ આપની વ્યંગ્ય કવિતા નીચેનાં વીજાણુ સરનામે પધ્ય વિભાગનાં સંપાદકોને મોકલી શકો છો-

સુશ્રી દેવિકા ધ્રુવ – ddhruva1948@yahoo.com
સુશ્રી રક્ષા શુક્લ – shukla.rakshah@gmail.com

Author: Web Gurjari

1 thought on “વ્યંગ્ય કવન (૫૮) : વોટ્સએપનો દરિયો

Leave a Reply

Your email address will not be published.