નલિન શાહની નવલકથા : પ્રથમ પગલું – પ્રકરણ – ૯

‘માસી ને ફાસી કાઢી નાખ મગજમાંથી. પૈસા હશે તો મામા ને માસીઓનો તોટો નથી.’

નલિન શાહ

શશીના ગાલ પર પડેલો ધનલક્ષ્મીનો તમાચો બાર વર્ષના પરાગના બાલમાનસ પર કારમો ઘા હતો. શશીના શબ્દો ‘હું તારી માસી છું’ એના કાને અથડાતા રહ્યા. ‘મારી માસીને માએ અપમાનિત કરી ઘરની બહાર કાઢી!’ શું વાંક હતો માસીનો એ સમજી ના શક્યો. એને માના વર્તન પર ગુસ્સો આવ્યો ને એના રૂમમાં સૂનમૂન થઈને બેઠો રહ્યો.

ધનલક્ષ્મી એ રાહતનો શ્વાસ લીધો. એણે મંદિરના ઓરડામાં જઈ ભગવાનની આરસની મૂર્તિની સામે હાથ જોડ્યા, ‘હે પ્રભુ તું કેટલો દયાળુ છે. તેં બધું સંભાળી લીધું ને મારી મિત્રોની સામે તમાશો થવા ન દીધો. શશી થોડી મોડી આવી હોત ને મારી સહેલીઓની સામે એનું સગપણ બતાવ્યું હોત તો મારી આબરૂ ધૂળમાં મળી ગઈ હોત. કોઈ પણ પ્રકારના સજાવટ વગરના ગામડિયાં ખાદીધારી એનાં બેન-બનેવી હોઈ શકે એ કલ્પનાએ એને કંપારી છૂટી.’

એક પછી એક મહેમાનો આવતાં ગયાં ને ઠઠ્ઠા મશ્કરીના શોરનું વાતાવરણ સર્જાઈ ગયું. જાણ્યા-અજાણ્યા કૌભાંડોની વાતો, નવી ફેશનની ચર્ચા, યુરોપ, અમેરિકા કે દુબઈના પ્રવાસનું સવિસ્તાર વર્ણન, આર્થિક રીતે નીચી કક્ષાના ગણાતા ઓળખીતાની ચુગલી અને પોતાના ભપકાનું પ્રદર્શન હંમેશ મુજબ પાર્ટીની વિશેષતા બની રહ્યાં.

સભ્ય ગણાતા સમાજની કિંમતી પોષાક ને ઘરેણાંમાં સજ્જ આડંબરયુક્ત સ્ત્રીઓની એના ઘરમાં જમઘટ ધનલક્ષ્મી માટે ઉપલબ્ધિ સમાન હતી. ક્યાં પછાત ગામનું એ ગમગીન વાતાવરણ ને ક્યાં શહેરની ઝાકઝમાળ! ભગવાને જ એને ઊગારી, એ ભગવાને જ એનાં મા-બાપને એનાથી દૂર રહેવાની સદ્બુદ્ધિ આપી. મુફલિસ જેવા દેખાતાં એ મા-બાપની એનાં ઘરમાં હાજરી લાંછન ના કહેવાત!

શશીની અણધારી મુલાકાતે એના મનમાં વિચારોનો વંટોળ ઊભો કર્યો’તો. એની દૃઢ માન્યતા હતી કે એનો જનમ એક અકસ્માત હતો ઉપકાર નહીં. ઉપકાર તો એણે કર્યો’તો કે ચૌદ વરસની ઉંમરે મા-બાપના માથેથી એક દીકરીનો ભાર હળવો કર્યો’તો. મારામાં પણ દયા ભાવ છે. લગન થયા પછી મેં પણ મારા ગરીબ મા-બાપને મદદ કરી હોત જો એમણે માગી હોત તો. એમ તો મેં કેટલીયે વાર ટ્રાફિક સિગ્નલ પર ઊભેલી ગાડીમાંથી છૂટા પૈસા ના હોય તો ભિખારીઓને નવીનકોર નોટ પણ આપી છે તો શું હું મા-બાપને ના આપત? પણ બધાં અભિમાનના પૂતળાં છે. સ્કૂલમાં ભણતી રાજુલનો વિચાર આવતાં એનું હૃદય ઘૃણાથી ભરાઈ ગયું. રાકેશના જનમ ટાણે જોઈતી જ્યારે એ ત્રણ વરસની હતી. કદાચ ભણતીય હોય. મારો દીકરો શીમલામાં ભણે છે. ઊંચી જાતનાં ગરમ કપડાંનો કોટ ને ટાઇને મોંઘાદાટ શૂઝ પહેરે છે તો એ વેંત જેવડી છોકરીને હું યુનિફોર્મના ને ચોપડીના પૈસા ના આપત? પણ વગર માગે આપેલા દાનની કોઈ કદર કરતું નથી, ખાવાને ધાન નહીં ને અભિમાન રાજાને લજાવે એવું. ભગવાને કેવળ મારી સામે જોયું, એમાં પણ એનો કાંઈ સંકેત હશે. ભગવાને સમજીને મારા વરને સમયસર ઊઠાવી લીધા નહીં તો બાપની ઉંમરના એ વરને ઘરમાં સંઘરવા પડ્યા હોત, કદાચ પથારીવશ પણ હોત તો શું મોં લઈને મારી સહેલીઓને અહીં બોલાવત? સાચું છે કે જે થાય છે એ સારા માટે જ હોય છે. ભગવાન સામે ધરેલી માટી મોંઘીદાટ મીઠાઈઓ વ્યર્થ ના ગઈ. તેત્રીસ કરોડ દેવતાઓએ ભેગા મળી મને ઉગારી લીધી.’

ધનલક્ષ્મીએ ભગવાનની મૂર્તિની સામે વિનમ્રતાથી માથું નમાવ્યું. બહાર આવી નોકરને સાદ આપ્યો. ‘જા જલદી એક કિલો દેશી ઘીની કેસર-પીસ્તાની મીઠાઈ લઈ આવ. ભગવાન ભૂખ્યા થયા હશે.’

‘પણ બહેન પાર્ટી માટે જે મીઠાઈ મંગાવી’તી એ પણ ઘણી બચી છે.’

‘તે શું ભગવાનને વધેલી મીઠાઈ ધરાવશું? જા, જલદી.’

ધનલક્ષ્મીએ પાછું માથું નમાવ્યું, ‘હે પ્રભુ મારી જેમ તું પણ દયાનો સાગર છે. નોકરનું બોલ્યુંચાલ્યું માફ કરજે. ખોટું ના લગાડીશ.’

પાર્ટીની સફળતામાં એક કમી રહી ગઈ’તી, જે ધનલક્ષ્મીને સાલતી’તી. એના તેર વર્ષના દીકરાનાં અંગ્રેજી પરનાં પ્રભુત્વનું પ્રદર્શન ના કરી શકી. ‘હાય, હાય, કેટલી મોટી તક ગઈ હાથમાંથી. મારો દીકરો અંગ્રેજીમાં ગોખેલી કવિતાઓ બોલતે, સ્કૂલનાં ફંક્શન માટે તૈયાર કરેલા અંગ્રેજીમાં સંવાદો બોલતે, એક સ્કૂલના છોકરાને અંગ્રેજની જેમ પટપટ બોલતાં સાંભળી બધાં છક થઈ જાતે ને મારી ઈર્ષા કરતે એ વધારાનું.’

સામાન્ય બુદ્ધિથી વંચિત રહેલી અભણ જેવી ધનલક્ષ્મીને એ વિચાર સુધ્ધા ના આવ્યો કે જે સમાજની એની સહેલીઓ હતી એ સમાજમાં કોન્વેન્ટમાં ભણતાં છોકરાંઓ માટે અંગ્રેજીમાં બોલવું એક સામાન્ય અને પ્રચલિત પ્રથા હતી. શક્ય છે કે એના દીકરાનું પ્રદર્શન કરતે તો એની સહેલીઓ આંખના ઇશારે એકબીજાની સામે જોઈ મલકાતે ને ખોટી વાહવાહ કરી ધનલક્ષ્મીને ફુલાવતે.

ધનલક્ષ્મી પરાગના રૂમમાં દાખલ થઈ. પાર્ટીનાં કપડાંમાં સજ્જ થયેલો પરાગ સૂનમૂન થઈને પથારીમાં પડ્યો’તો.

‘શું થયું દીકરા, તબિયત સારી નથી? તને બોલાવ્યો તોયે કેમ બહાર ના આવ્યો? તને કીધું નહોતું કે તારે બધું ગોખેલું બોલવાનું છે?’ કેટલો મોટો મોકો હાથમાંથી ગયો? હવે પાર્ટી થશે ત્યારે તો તું અહીં નહીં હોય?’

‘મને નથી ગમતા એ બધાં બૈરાંઓ’ પરાગે તોછડાઈથી કહ્યું.

‘લે કર વાત, હાઈ સોસાઈટીનાં બૈરાંઓ માટે એવું બોલાય?’ ગમે તેને ઘેર તો એ લોકો જાય પણ નહીં. એ તો આપણે ત્યાં આવે છે કેમ કે આપણે પૈસાવાળાં છીએ. બંગલામાં રહીએ છીએ, મોંઘી મોટર છે ને ચલાવવા માટે યુનિફોર્મમાં ડ્રાઇવર પણ છે. કોલેજમાં જવા જ્યારે તું પાછો આવશે ત્યારે તારે માટે એક જુદી મોટર લઈશું કે જોઈને તારા મિત્રો તારી ઈર્ષા કરે.

પરાગ વિચારમાં પડી ગયો કે મોટર વાપરવા કરતાં બતાવવાની ચીજ વધારે હતી.

‘મને તો તારી, સ્કૂલનું નામ પણ યાદ નથી રે’તું.’

‘બિશપ કોટન’ પરાગ બોલ્યો.

‘હા, ઈ જ. એમાં તને એટલે ભણાવું છું કે તું ખૂબ ભણ ને ખૂબ પૈસા કમાય ને બધા તને સલામ કરે’ પરાગે વાત બદલી પૂછ્યું, ‘પેલા આવ્યાં એ કોણ મારા માસી હતાં? તેં કેમ તમાચો મારી કાઢી મૂક્યાં?’

‘તે એને જ લાયક હતી.’ ધનલક્ષ્મી ગુસ્સામાં કહ્યું, ‘આવા મુફલિસ માણસો ઘરમાં આવે તો આપણી આબરૂ ધૂળમાં મળી જાય. જોયું નહીં કેવા કેવા મોટા ઘરના ડ્રેસ અપ થયેલાં બૈરાંઓ આવવાનાં હતાં?’

‘પણ તેં એને તમારો કેમ માર્યો? એ તો મારા માસી હતાં ને?’

‘માસી ને ફાસી કાઢી નાખ મગજમાંથી. પૈસા હશે તો મામા ને માસીઓનો તોટો નથી.’

‘પૈસાથી બધાં જ થાય?’ પરાગે અચરજ પામતાં પૂછ્યું.

‘અરે પૈસાવાળાનાં તો કોર્ટમાં દસ ખૂન પણ માફ થાય. ને ગરીબને એક બ્રેડ ચોરવા માટે સજા થાય એટલે જ કહું છું કે ખૂબ ભણ ને ખૂબ કમા. મારા આશીર્વાદ તને જરૂર ફળશે. મારા બોલે તો ભગવાન પણ ના ઉથાપે. બહુ સેવા કરી છે. ને બહુ મીઠાઈઓ ધરી છે ને માંગ્યુ છે કે તું સો વરસનો થાય ને ખૂબ પૈસા ભેગા કરી મોટો માણસ થાય ને પછી એક વહુ આણી દે ને પછી તારી માનો રૂબાબ જો જે એ કેવું રાજ કરે છે. કરશે ને મારો દીકરો મારે માટે આટલું?’ ધનલક્ષ્મીએ પરાગને માથે હાથ ફેરવી મનોમન પ્રાર્થના કરી.

પરાગ માના વહુના કોડને રાજ કરવાની ઉત્કંઠા વચ્ચેનું અનુસંધાન ના સમજી શક્યો પણ એક વસ્તુ એના મગજમાં કોતરાઈ ગઈ કે જીવનમાં કેવળ પૈસા જ સર્વોપરી છે.

ધનલક્ષ્મીના ભગવાને એને રજ માત્ર પણ સંકેત ના આપ્યો કે પૈસા પરાગની જિંદગીમાં ક્યો ભાગ ભજવશે.

+ + + +

રાજુલના આવ્યાંને ત્રીજે દિવસે ગામના કોઈ માણસ સાથે એનાં બાની ચિઠ્ઠી આવી. ‘તારા બાપુએ ખાસ લખાવ્યું છે કે તું આવે ત્યારે ભેગી શશીને લેતી આવજે. કહે જે કે આવેશમાં બોલ્યુંચાલ્યું માફ કરે, ગુસ્સો થૂંકી નાખે વગેરે…’ વાંચીને શશીને હસવું આવ્યું ‘કેમ મને એકલીને જ બોલાવી છે? ખરી વાત છે; નીચી જાતના જમાઈ જો આવે તો એમનો ધરમ ભ્રષ્ટ થઈ જાય. નીચી જાત ગણી ગ્રેજ્યુએટ થયેલા પ્રતિભાશાળી યુવકને જમાઈ તરીકે સ્વીકારતા શરમ આવતી’તી જ્યારે ચૌદ વરસની દીકરીને એકાવન વરસના ત્રીજી વાર ઘોડે ચઢતા ને ખપપુરતા ભણેલાની સાથે, વળાવતાં રાજીના રેડ થતાં’તાં કારણ કે એ જમીનદાર હતા ને ‘દીકરી રાજ કરશે’ એમ માની ખુશ થતાં’તાં. આજે એ જ દીકરી મા-બાપને એમની ગરીબીના કારણે અસ્પૃશ્ય ગણે છે. જ્યાં મારા વરનું સ્થાન ના હોય ત્યાં મારું પણ ના હોય છતાં હું આવીશ, જરૂર આવીશ કારણ મારે મારા મનનો ઉકળાટ ઠાલવવો છે કેવળ તારા ઉજ્જવળ ભવિષ્યને ખાતર.

બે દિવસ બાદ શશી ને રાજુલ પાલણ પહોંચ્યાં. શશીએ મા-બાપની ચરણ રજ લીધી. માએ એને છાતીએ લગાવી આંસુ સાર્યાં ને બાપે માથે હાથ મૂકી મૂંગા આશીર્વાદ આપ્યા. ‘કેમ સુધાકર ના આવ્યા?’ રતિલાલે પૂછ્યું. જે નીચી જાતના ગણાતા છોકરાને નજર સામે ઊછરતા જોયો તો એને માટે માનાર્થે કરેલું સંબોધન સાંભળીને શશીને મનમાં હસવું આવ્યું. ‘મને ખબર નહીં કે એમને પણ આમંત્રણ હતું.’ શશીએ કટાક્ષમાં જવાબ આપ્યો.

‘લે, એમને આમંત્રણની જરૂર હોય?’ સવિતાએ શિષ્ટાચાર કર્યો. શશી વાતને લંબાવવા નહોતી માગતી એટલે ચૂપ રહી. હાથ મોં ધોઈ બધાં રસોડામાં ચા પીવા બેઠાં. રાજુલ ચૂપચાપ પડોશના ઘરમાં ચાલી ગઈ હતી. ન કોઈ એ એની ગેરહાજરીની નોંધ લીધી, ન કોઈએ એને સાદ પાડ્યો. મા-બાપ ગરીબીથી નહોતાં ડર્યાં પણ શશીની શેહમાં જરૂર હતાં.

શશીએ ચા પીતાં-પીતાં પૂછ્યું, ‘જાણવા મળ્યું છે કે રાજુલના લગનની ચિંતા કરી રહ્યાં છો?’

‘ના, એવું તો ખાસ કંઈ નથી.’ માએ ડરતાંડરતાં કહ્યું.

‘આ તો એણે પૂછ્યું તું એટલે અમથું કહ્યું’ પછી થોડી ચુપકીદી સેવી આગળ ઉમેર્યું, ‘હવે ઉંમરલાયક થઈ એટલે વિચાર તો કરવો રહ્યો ને.’

‘હવે કાયદો ઘડાયો છે કે અઢાર પહેલાં લગન ના થાય.’

‘એમ તો સતિની પ્રથા વિરૂદ્ધ પણ કાયદો ઘડાયો છે તો એ ક્યાંક ક્યાંક સતી થયાનું સાંભળવા મળે છે.’ બાપુએ ધીમેથી કહ્યું.

‘તો તમારી મોટી દીકરીને કેમ સલાહ ના આપી સતી થવાની?’

‘ઈ થોડી અમને પૂછવા આવી’તી?’

‘ને આવી હોત તો?’ શશીના સવાલનો જવાબ નહોતો એમની પાસે એટલે ચૂપ રહ્યાં.
એમ તો કાયદા વિરૂદ્ધ ચોરી, લૂંટફાટ ને ખૂન પણ થાય છે એટલે તમારે પણ કરવું? શશીએ પૂછ્યું. કોઈએ જવાબ ના આપ્યો ને ચાની વિધિ પતાવી બધાં ઓસરીમાં આવી બેઠાં.

‘તમે મને આશીર્વાદ આપવાની ઔપચારિક વિધિ કરી એ તમારો ઉપકાર.’ શશી મક્કમતાથી બોવી, ‘પણ હું આજે આવી છું તમને તાકીદ કરવા કે રાજુલની બધી જવાબદારીથી હવેથી મારી છે. જ્ઞાન અને બુદ્ધિમાં એ પુખ્ત વયના લોકોને પણ લજાવે એવી છે. હું નથી ઇચ્છતી કે અત્યારથી લગનનાં બંધનમાં પડી એની શક્તિઓ વેડફી નાખે. મારે એને ભણાવવાની છે, ખૂબ ભણાવવી છે. તમારે એનાં ભણતરનો ખર્ચો ઊઠાવવાની જરૂર નથી. તમારે મન એ બાળક હશે પણ એ એનું ભવિષ્ય ઘડવા શક્તિમાન છે. જિંદગીભર એ કુંવારી નહીં બેસી રહે એની તમને ખાતરી આપું છું. એને માટે વર શોધવાનો કોઈ પ્રયત્ન તમારે કરવાની જરૂર નથી. તમારા સમાજ અને ગામની બહાર પણ કોઈ દુનિયા છે એની તમને જાણ થવી જોઈએ. તમારે એના પર કોઈ અંકુશ કે દબાણ લાવવાની જરૂર નથી ને લાવશો તો એ બંડખોર થશે ને નહીં થાય તો હું એને બંડખોર થવા પ્રેરીશ. એ મારી પણ બહેન છે, ને તે પણ માનીતી. બસ આથી વધુ મારે કશું કહેવું નથી.’

શશીએ વાતનો અંત લાવતાં કહ્યું, ‘બા, રસોઈમાં શું કરવું છે? ઘરમાં બહુ શાક પડ્યું’તું; બધું જ લેતી આવી છું.’ એણે થેલી સવિતાના હાથમાં આપતાં કહ્યું, ‘લાવ, સમારી આપું છું.’

‘ના, તું રાજુલના ઓરડામાં આરામ કર. રસોઈનું કામ હું પતાવું છું.’

રતિલાલ ચિંતાતુર વદને ઓસરીમાં હિંચકા પર બેસી રહ્યા ને શશીએ એની વિદાય પછી હવે રાજુલના કહેવાતા ઓરડામાં પ્રવેશ કર્યો.

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.