ભાત ભાત કે લોગ : ધી ડ્યુક એન્ડ ડચેસ ઓફ વિન્ડસર : રાજારાણીની બધી વાર્તાઓ ‘પરીકથા’ નથી હોતી!

શ્રી જ્વલંત નાયકની ‘સાયન્સ ફેર’ શ્રેણીની જગ્યાએ હવેથી નવી શ્રેણી ‘ભાત ભાત કે લોગ’ પ્રકાશિત કરીશું.

આ શ્રેણીના લેખનાં વિષય વસ્તુ વિશે ભાઈશ્રી જ્વલંત નાયક કહે છે કે –

“સંસ્કૃતમાં કહેવત છે, ‘બહુરત્ને વસુંધરા’! તદ્દન સાચી કહેવત છે આ. તમે આસપાસ નજર દોડાવો કે સમાચાર માધ્યમોમાં ખૂણેખાંચરે છપાતી ખબર ધ્યાનથી વાંચો, તો જણાશે કે આપણી આસપાસ કેટકેટલી પ્રતિભાઓ મોજૂદ છે. એમાંના કેટલાય તો ચીંથરે વીંટેલા રતન જેવા હોય છે. ખેર, એવું નથી કે માત્ર ‘રત્નો’ વિષે જાણવાથી જ ઝવેરી થવાય. ઘણી વાર કાચના ટુકડાઓ કે નકરા પથ્થરો વિષે પણ માહિતી મેળવતા રહેવું જોઈએ. જેમ દુનિયાની કોઈ ચીજ નકામી નથી, એમ આ ધરાતલ પર એક્કેય વ્યક્તિ નકામી નથી. દરેક પાસે કંઈકને કંઈક જાણવા જેવું છે જ! સાથે જ એવી અનેક ઘટનાઓ પણ છે, જે અચરજ પમાડે કે રહસ્ય જન્માવે એવી હોય છે.

બસ, એવી જ ઘટનાઓ કે પાત્રોની વાત માંડીશું નવી શરુ થઇ રહેલી સિરીઝ ‘ભાત ભાત કે લોગ’માં. આમ તો મારી આ કોલમ વિખ્યાત સમાચરપત્ર ‘મુંબઈ સમાચાર’માં દર શનિવારે પ્રકટ થાય છે. પણ વેબગુર્જરીના માધ્યમથી હવે એ દેશવિદેશના વાચકો સુધી પહોંચશે એનો આનંદ અનેરો. આ તક આપવા બદલ વેબગુર્જરીનો ખૂબ ખૂબ આભાર.”

સંચાલન મંડળ – વેબ ગુર્જરી


હિરોઈન મસ્તીભર્યા અંદાજમાં ગાઈ નાખે છે… ‘કિસી દિન બનુંગી મૈં રાજા કી રાની…’ અને સામે આપણો હીરોભાઈ પણ માદક અવાજનો દીવાનો થઈને હિરોઈનના મોઢે આ વાત ફરી સાંભળવાની ફરમાઈશ મૂકતા સામું લલકારે છે, “ઝરા ફિરસે કહેના…”! (આ લોકપ્રિય ગીત માધુરી દીક્ષિત અને સંજય કપૂર અભિનીત ફિલ્મ ‘રાજા’નું છે.)

હિન્દી ફિલ્મોએ આપણી સામે રોમાન્સની એક અજબ સૃષ્ટિ ખોલી આપી છે. અહીં હીરો-હિરોઈન પ્રેમમાં પડે છે, અને એકબીજાને રાજા-રાણીની જેમ ટ્રીટ કરે છે. શા માટે? દરેક કપલ રાજા રાણી તરીકે જીવાતા જીવનને પ્રેમની ચરમસીમા તરીકે ઈચ્છે છે. કેમ? કદાચ, રાજા અને રાણી તો સુખી જ હોય, એ વાત આપણી સાઈકીમાં સજ્જડ બેસી ગઈ છે, માટે. સામાન્ય માણસ લગ્ન કરે પછી રોજી-રોટી સહિતના સંખ્યાબંધ ચક્કરોમાં એવો અટવાય છે કે એક સમયના વહાલા પ્રિયતમ માટે ખાસ સમય નથી ફાળવી શકાતો. પણ રાજા-રાણીને રોજી-રોટી સહિતના પ્રશ્નોની ચિંતા નથી હોતી. (એવી આપણી માન્યતા છે.) માટે એ લોકો લગ્ન પછી પણ એક બીજાને પહેલાની જેમ જ સમય ફાળવી શકે છે, અને એમનો ‘ઇડન ગાર્ડન’ હંમેશા નવપલ્લવિત જ રહે છે. (આ પણ આપણી માન્યતા જ છે) આથી રાજા-રાણીનું લગ્નજીવન ‘પરીકથા’ જેવું રહેતું હોવાનો આપણને વહેલ હોય છે.

જો કે વાસ્તવિક જગતની હકીકત સાવ નોખી છે. અહીં કઈ ‘પરી’ સમય આવ્યે શેતાનની સાળી નીકળશે, એ વિષે કોઈને ખબર નથી હોતી! ડ્યુક ઓફ વિન્ડસર એડવર્ડ આઠમો અને એની પત્ની ડચેસ વિન્ડસર વોલીસ સિમ્પસનની કથા જાણવા જેવી છે. સર્વોચ્ચ કક્ષાના બ્રિટીશ ઉમરાવને ‘ડ્યુક’ તરીકે ઓળખવામાં આવતો. અને એની પત્ની અથવા વિધવાને ‘ડચેસ’નું સંબોધન કરાતું. કોઈ સ્ત્રી આપબળે ‘ડ્યુક’ના પદ સુધી પહોંચે, તો એને પણ ‘ડચેસ’ તરીકે ઓળખવામાં આવતાં. આજે જેની વાત કરવાની છે એ એડવર્ડ આઠમો ‘ડ્યુક ઓફ વિન્ડસર’ હતો, અને આગળ જતાં યુનાઈટેડ કિંગ્ડમ (અને સાથે એ સમયે બ્રિટીશ તાબા હેઠળના ભારતનો પણ) રાજા થઇ શક્યો હોત. પણ એ પ્રેમમાં પડ્યો. અને જેના પ્રેમમાં એ પડ્યો એ કોઈ રાજવી ઘરાણાની સ્ત્રી નહોતી. બસ, ફિર તો વહી હુવા, જે દરેક પ્રેમકથામાં થાય છે. પણ એ બધા પત્તા ખોલતા પહેલા જરા શરૂઆતથી જ શરુ કરીએ.

બ્રિટનની મશહૂર રાણી ક્વીન વિક્ટોરિયા, અને એનો પુત્ર એટલે કિંગ જ્યોર્જ પાંચમો. (જેને આપણે ગુજરાતીઓ ‘પંચમ જ્યોર્જ’ તરીકે ઓળખીએ છીએ.) પંચમ જ્યોર્જ અને એની પત્ની મેરીના ઘરે ૨૩ જૂન ૧૮૯૪ના દિવસે દેખાવડા દીકરાનો જન્મ થયો. એનું એડવર્ડ નામ પાડવામાં આવ્યું. જ્યારે પ્રિન્સ એડવર્ડ સોળ વર્ષનો થયો ત્યારે પિતા પંચમ જ્યોર્જ ઇંગ્લેન્ડની ગાદી પર આરૂઢ થયા. એના સાત જ અઠવાડિયા બાદ યુવાનીના તોખાર પર સવાર થવા થનગનતા એડવર્ડને ‘પ્રિન્સ ઓફ વેલ્સ’ ઘોષિત કરવામાં આવ્યો. યુવાનીમાં પગ મૂકતા જ એડવર્ડે લશ્કરી તાલિમ લીધી, અને એ સમયે ફાટી નીકળેલા પ્રથમ વિશ્વયુદ્ધમાં ભાગ લીધો. યુદ્ધ દરમિયાન એ પોતાના પિતા વતી કેટલાક વિદેશી મોરચાઓ પર ફર્યો. ટૂંકમાં, એક જવાબદાર રાજકુમાર અને ભવિષ્યના રાજા તરીકેના તમામ ગુણ પ્રિન્સ એડવર્ડમાં દેખાઈ રહ્યા હતા. પણ…. આ બધા સાથે પ્રિન્સની રંગીન તબિયત રાજા પંચમ જ્યોર્જ અને તત્કાલીન વડાપ્રધાન સ્ટેન્લી બાલ્ડવિન માટે માથાનો દુખાવો બની ગઈ હતી! નાની વયે પ્રિન્સ એડવર્ડે અનેક સુંવાળા સંબંધો સ્થાપિત કરી લીધેલા! એડવર્ડની ચાર્મિંગ પર્સનાલિટી, મિલીટરી ઓફિસરનો રુઆબ અને પ્રિન્સ ઓફ વેલ્સ તરીકેનો મોભો જાણે બળતામાં ઘી હોમવાનું કામ કરતા હતા!

બીજી તરફ, રાજા પંચમ જ્યોર્જને ૧૯૧૫માં પ્રથમ વિશ્વયુદ્ધ વખતે ઘોડા પરથી પડી જવાને કારણે ગંભીર ઇજાઓ થયેલી. સાજા થયા પછી પણ આ ઇજાઓ પરેશાન કર્યા કરતી હતી. એમાં રાજાને સ્મોકિંગ (ધુમ્રપાન)ની બૂરી લત વળગેલી. એમાં તબિયત લથડવા માંડી. વધતી ઉંમર પણ પોતાનો ભાગ ભજવી ગઈ. છેવટે ૨૦ જાન્યુઆરી, ૧૯૩૬ના દિવસે રાજાએ અંતિમ શ્વાસ છોડ્યો. કિંગ જ્યોર્જના મૃત્યુ પછી સ્વાભાવિક રીતે પ્રિન્સ એડવર્ડનું રાજા બનવાનું નક્કી હતું. પરંતુ કિંગ જયોર્જની અંતિમ વિધિમાં એક વિચિત્ર ઘટના બની.

થયું એવું કે અંતિમ યાત્રા વખતે રાજાના કોફિન પર ગોઠવાયેલો તાજ (ઇમ્પિરિયલ સ્ટેટ ક્રાઉન) સરકીને નીચે ગબડી પડ્યો! કહેવાય છે કે આ તાજ સીધો ગટરમાં જઈને પડેલો! નવા રાજા તરીકે જેની વરણી થવાની હતી, એ પ્રિન્સ એડવર્ડ આઠમાને આ બાબતમાં અપશુકનના એંધાણ લાગ્યા.

પ્રિન્સની આશંકા અસ્થાને નહોતી…

પ્રિન્સ એડવર્ડ પિતાના મૃત્યુ બાદ રાજા બન્યો, અને કિંગ એડવર્ડ આઠમા તરીકે ઓળખાયો. કિંગ એડવર્ડ એક રાજા તરીકે ક્યારેય દરબારી પ્રોટોકોલ્સમાં પોતાની જાતને બાંધી ન શક્યો. રાજકાજની કાર્યપદ્ધતિ તરફ પણ કિંગ એડવર્ડને સ્પષ્ટ અણગમો રહ્યો. પરિણામે તત્કાલીન રાજકારણીઓને રાજાના આવા વલણ પ્રત્યે ચિંતા પેઠી. એમાં રાજા બનેલા પ્રિન્સ એડવર્ડને રાજપાટના થોડાક જ મહિનાઓમાં વધુ એક વખત ‘પ્રેમ’ થઇ ગયો. અને આ વખતના પ્રેમની તીવ્રતા સૌથી ઉત્કટ નીવડી! કહેવત છે કે ‘રાજાને ગમી એ રાણી’. પણ અહીં મૂળ તકલીફ એ હતી કે કિંગ એડવર્ડને ગમેલી સ્ત્રી કોઈ રીતે રાણી થવાને લાયક નહોતી. એના બે લગ્નો થઇ ચૂક્યા હતા અને બન્ને પતિદેવ જીવિત હતા! એમાંય બીજા પતિ સાથે ડિવોર્સ થવાના તો હજી બાકી હતા! રાજાનો નંબર ત્રીજો હતો! એ ઉપરાંત ‘વિદેશી કુળ’નો મુદ્દો અહીં પણ હતો જ, કારણકે પેલી બાઈ અમેરિકન હતી! જો આખી દુનિયા પર રાજ કરનાર દેશ બ્રિટનનો રાજા બે-બે પતિદેવને છૂટાછેડા આપનાર અમેરિકન સ્ત્રી સાથે પરણે, તો નૈતિક ધારાધોરણને લગતા અનેક પ્રશ્નો ઉભા થાય એમ હતું! પણ પ્રેમ તો આંધળો હોય છે ને! એડવર્ડ પણ પેલી અમેરિકન બાઈને પરણવાની જીદ લઇ બેઠો.

રાજાની આવી જીદને કારણે જબરી બંધારણીય કટોકટી ઉદભવી. પ્રજાની ધાર્મિક લાગણી પણ દાવ પર લાગી હતી. કારણકે ઇંગ્લેન્ડનો રાજા પોતાના હોદ્દાની રુએ ચર્ચ ઓફ ઇંગ્લેન્ડનો પણ વાળો ગણાય. અને જો પૂર્વ જીવનસાથી જીવિત હોય, તો એવા સંજોગોમાં એ સમયે ચર્ચ પુનર્લગ્નની પરમિશન નહોતું આપતું! આવા સંજોગોમાં જો રાજા પોતાની અમેરિકન પ્રેમિકાને પરણે તો ચર્ચના વડા દ્વારા જ ચર્ચનું મર્યાદાનું અપમાન થયું ગણાય! એડવર્ડને ખબર હતી કે આ બંધારણીય કટોકટી જો લાંબી ખેંચાશે તો પ્રધાનમંત્રી સરકારને બરખાસ્ત કરીને રાજીનામું આપી દેશે અને દેશમાં નવી ચૂંટણી આવી પડશે. સાથે જ પ્રજામાં પોતાની આબરુ ઓછી થશે. આથી કિંગ એડવર્ડે રાજપાટ છોડી દેવાનો ઐતિહાસિક નિર્ણય લીધો! પોતાના નાના ભાઈને રાજા બનાવીને એડવર્ડે પોતાની અમેરિકન પ્રેમિકા સાથે પરણી જવાનું પસંદ કર્યું. એડવર્ડ આઠમાએ માત્ર ૩૨૬ દિવસ માટે રાજાનું પદ ભોગવ્યું!

વાહ! આને કહેવાય સાચો પ્રેમ! પ્રેમને ખાતર રાજપાટને ઠોકર મારી દેનાર એડવર્ડ તમને રોમાન્ટિક હિન્દી ફિલ્મના હીરો જેવો લાગે એ વાત સ્વાભાવિક છે. પણ આ પ્રેક કહાણીમાં હજી ટ્વિસ્ટ બાકી છે. કારણકે આ કોઈ પરીકથા નહિ પણ વાસ્તવિક જીવનની વાત છે!

વોલિસ સિમ્પસન અને રાજપરિવારના કાવાદાવા

એડવર્ડે જેના પ્રેમમાં પાગલ બનીને એ સમયે દુનિયાના સૌથી શક્તિશાળી દેશ ગણાતા બ્રિટનનું રાજપાટ છોડી દીધું, એ અમેરિકન સ્ત્રી એટલે વોલિસ સિમ્પસન. આ સ્ત્રી કંઈક રહસ્યમયી સોશિયલાઈટ લેડી હતી. પ્રથમ પતિને છૂટાછેડા આપ્યા બાદ બીજા લગ્ન કર્યા. અને એ દરમિયાન એડવર્ડ સાથે પણ પ્રણયફાગ ખેલી નાખ્યો! પરિણામે બીજી વાર છૂટાછેડા લીધા અને જૂન ૧૯૩૭માં એડવર્ડ, એટલે કે ‘ડ્યુક ઓફ વિન્ડસર’ સાથે પરણીને ‘ડચેસ ઓફ વિન્ડસર’ બની ગઈ!

આ તરફ બ્રિટીશ રાજપરિવારે વોલિસને હજી પુત્રવધુ તરીકે હૃદયપૂર્વક સ્વીકારી નહોતી. જ્યારે એડવર્ડે રાજા તરીકેનું પદ પોતાના નાના ભાઈને સોંપ્યું, ત્યારે નાના ભાઈ જ્યોર્જે એડવર્ડને ‘ડ્યુક ઓફ વિન્ડસર’ બનાવ્યો હતો. આની પાછળનો હેતુ એ હતો કે એડવર્ડને એક શાહી માનમરતબો મળતા રહે. સાથે જ, એડવર્ડને પરણીને આવેલી એની પત્ની વોલિસ સિમ્પસન ‘ડચેસ ઓફ વિન્ડસર’ તરીકે ઓળખાય. ભવિષ્યમાં ભૂલેચૂકે ય કોઈ એને ‘ક્વિન’નો ખિતાબ ન આપી દે એ માટેની આ ગોઠવણ હતી! પણ બીજી તરફ એ સમયના બ્રિટનના રાણી ક્વિન એલિઝાબેથને જ્યોર્જનું રાજા બનવું બહુ પસંદ નહોતું. આથી જ્યોર્જના રાજા બનવા માટેના સંજોગો જેના કારણે પેદા થયા, એવી વોલિસ સિમ્પસન તરફ ક્વિન એલિઝાબેથને આજીવન અણગમો રહ્યો. એવું કહેવાય છે કે તેઓ હંમેશા વોલિસને માટે ‘ડચેસ’ને બદલે ‘ધેટ લેડી’ જેવા તુચ્છકારવાચક શબ્દો વાપરતા! (ટિપિકલ સાસુ, યુ નો!)

અત્યાર સુધી પરીકથા અને ડ્રામા સિકવન્સના મિશ્રણ જેવી લાગેલી આ સ્ટોરીમાં હવે ખતરનાક વળાંક આવે છે, અને એન્ટ્રી થાય છે જર્મનીના સરમુખત્યાર એડોલ્ફ હિટલરની! વોલિસ સિમ્પસન અને ડ્યુક ઓફ વિન્ડસર એડવર્ડના લગ્ન થયા, એ સમયગાળામાં દ્વિતીય વિશ્વયુધ્ધના ડંકા વાગી રહ્યા હતા. હિટલરની મંશા ધીરે ધીરે દુનિયા સમક્ષ છતી થઇ રહી હતી. તેમ છતાં દુનિયાભરના અનેક રાજપુરુષો અને જર્મનીની પ્રજા હિટલરને હજી એક સક્ષમ રાજનેતા તરીકે જ જોતા હતા. હિટલરને જર્મનીના ઉધ્ધારક તરીકે જોનારો વર્ગ બહુ બહોળો હતો. વિશ્વના બીજા દેશોના રાજપુરુષો પણ હિટલર સાથે સંબંધ રાખવામાં કદાચ ગર્વ અનુભવતા હતા. બ્રિટીશ રાજપરિવાર પણ એમાંથી બાકાત નહોતો.

આ બધા હાઈ વોલ્ટેજ પોલિટિકલ ડ્રામાનું શું પરિણામ આવ્યું? પેલા પ્રેમી પંખીડાની લવસ્ટોરીમાં આખરે શું થયું? પરીકથાના રાજા-રાણીની જેમ જ આ વાર્તના હીરો-હિરોઈને પણ છેલ્લે ખાધું, પીધુંને રાજ કર્યું કે નહિ? જાણીશું હવે પછીના અંકમાં ૯-૪-૨૦૨૧ના રોજ.


શ્રી જ્વલંત નાયકનો સંપર્ક jwalantmax@gmail.com  પર થઇ શકે છે.

Author: Web Gurjari

1 thought on “ભાત ભાત કે લોગ : ધી ડ્યુક એન્ડ ડચેસ ઓફ વિન્ડસર : રાજારાણીની બધી વાર્તાઓ ‘પરીકથા’ નથી હોતી!

Leave a Reply

Your email address will not be published.