અમેરિકન ડ્રીમ – સ્વપ્નિલ સફર : એનિમલ કિંગ્ડમ, મેજિક કિંગ્ડમ અને હોલીવુડ સ્ટુડિયો

દર્શા કિકાણી

૦૭/૦૬/૨૦૧૭

રાતના બરાબર થાક્યાં હતાં. સવારે ઊઠતાં મોડું થઈ ગયું. વળી કૉફી મશીન પણ ચાલ્યું નહીં. બાલ્કની ખોલી બ્રેડ-બટર, જ્યુસ અને ફળોનો બ્રેકફાસ્ટ કરવાનું વિચારી બારણું ખોલ્યું અને…… સામે જ બે મોટાં શાહમૃગ અમારી રાહ જોતાં હતાં! અમે બધાં આનંદમાં આવી ગયાં ! શાહમૃગ સાથે બ્રેકફાસ્ટ! કેટલું  રોમાંચક ! દસ વાગે અમે મેજિક કિંગ્ડમ જવા બસ લીધી. ૨૦ કી.મિ.નો રસ્તો ૨૦ મિનિટમાં કાપ્યો.

મેજિક કિંગ્ડમ ૧૦૭ કિમી.માં ફેલાયેલો છે અને ૬ વિભાગમાં વહેંચાયેલો છે :

 • મેઈન સ્ટ્રીટ,
 • એડવેન્ચર લેન્ડ,
 • ફ્રન્ટીએર લેન્ડ,
 • લિબર્ટી સ્ક્વેર,
 • ફેન્ટસી લેન્ડ,
 • ટુમોરોલેન્ડ

ગયા વર્ષે બે કરોડથી વધારે લોકોએ આ પાર્કની મુલાકાત લીધી છે. છેલ્લાં અગિયાર વર્ષથી આ પાર્ક દુનિયાનું વધુમાં વધુ મુલાકાત લેવાયેલ સ્થળ છે.

અમે બસમાંથી ઊતર્યા કે સામે જ ક્લાસિક ટ્રેનનું સ્ટેશન હતું. અને ટ્રેન આવી જ હતી. વરસાદ શરુ થઈ ગયો હતો. અમે ટ્રેનમાં ચડી બેઠાં. દૂરદૂર પરીકથામાં હોય તેવો સિન્ડ્રેલાનો મહેલ દેખાતો હતો.એક પછી એક સ્ટેશન આવતાં ગયાં, લોકો ચડતાં-ઊતરતાં ગયાં. પણ અમે તો ટ્રેનમાં બેસી જ રહ્યાં. ટ્રેનનો ટ્રેક થોડો ઊંચો બનાવેલ હતો એટલે ટ્રેનમાં બેસીને જ આખા પાર્કનું વિહંગાવલોકન કરી લીધું. પાછાં મેઈન સ્ટ્રીટના સ્ટેશને પહોંચ્યાં ત્યાં સુધીમાં વરસાદ પણ ઓછો થઈ ગયો હતો એટલે અમે ટ્રેનમાંથી ઊતર્યાં.  હોન્ટેડ મેન્શન (Haunted Mansion)માં અમારું બુકિંગ હતું એટલે મેઈન સ્ટ્રીટ પર થઈને અમે લિબર્ટી સ્ક્વેરમાં આવેલ હોન્ટેડ મેન્શન પહોંચ્યાં. ગામમાં આવેલી જૂની-પુરાણી હવેલી કે ભૂત મહેલ જેવું મકાન બનાવ્યું હતું. ઠેકઠેકાણે ‘ચેતતા રહેજો’ ‘ડરશો નહીં’ તો ક્યાંક ડરાવણાં પોસ્ટરો લાગેલાં હતાં. કરોળિયાના જાળા, કલર ઊખડી ગયેલી ભીંતો, જૂનું ફર્નિચર વગેરેથી બીક લાગે તેવો માહોલ બનાવ્યો હતો. બારણું ખુલવાનો અવાજ પણ રામસે બ્રધર્સની ફિલ્મ જેવો આવતો હતો. ત્રીસેક લોકો ગ્રુપમાં હતાં એટલે ડર થોડો ઓછો લાગતો હતો પણ  મેં રાજેશનો હાથ જોરથી પકડી રાખ્યો હતો. ધીમે ધીમે આગળ વધતાં ગયાં અને ભૂત મહેલમાં ફરતાં ગયાં. ક્યારેક એકદમ અંધારું થઈ જાય તો ક્યારેક તમે નજીક જાવો અને ફોટો ફ્રેમ હાલવા લાગે કે ફોટો પર લોહીનો રેલો નીતારવા લાગે, જુદા જુદા અવાજો થવા લાગે, ઓચિંતું રસ્તામાં કંઈક આવી જાય, ફર્નિચર એની મેળે જ ખસવા લાગે વગેરે… નાની નાની ડર લાગે તેવી વસ્તુઓ પાર કરતાં કરતાં ચારેક મિનિટમાં તો બહાર પણ આવી ગયાં અને બગીચો, રસ્તો બધું દેખાવા લાગ્યું ત્યારે થયું કે  જે પ્રમાણે નોટિસો મૂકી હતી તે પ્રમાણમાં આ ભૂત મહેલનું વાતાવરણ ઓછું બિહામણું લાગ્યું. ડરવાની પણ મઝા હોય છે તે ત્યારે સમજાયું!

સામેથી Liberty Square Riverboat  for Rivers of America નામની સરસ રીવર ક્રુઝ શરુ થતી હતી. અમે એક બોટમાં ચડી બેઠાં અને સરસ સહેલ માણી. બોટમાંથી ઊતર્યાં પછી તો વરસાદ સારો એવો વધી ગયો હતો. નજીકના એક સ્ટોરમાંથી અમે રાજેશ અને દિલીપભાઈ માટે પણ રેઇનકોટ લઈ આવ્યાં.

ઘણાં લોકોએ અમને ફેન્ટસી લેન્ડમાં સ્મોલ વર્લ્ડ (Its a small world) જોવાની ભલામણ કરી હતી. એટલે અમે ચાલતાં ચાલતાં ત્યાં પહોંચ્યાં. બાપરે! કેટલી મોટી લાઈન! અમે પણ લાઈનમાં ઊભાં રહ્યાં. અહીં એટલી શાંતિ કે ગમે તેટલી લાઈન હોય, કોઈ ગોલમાલ થાય નહીં. અમે લાઈનમાં ઊભા ઊભા જ થોડી પેટપૂજા કરી લીધી. ફ્રોઝન કોક પણ પીધી! વારો આવ્યો એટલે નાની એવી સરસ બોટમાં બેસાડી સવારી શરુ કરી. આ આખો શો ઇન્ડોર હતો એટલે કે મોટા બંધ મકાનમાં સુંદર વાતાવરણ ઊભું કર્યું હતું. બોટ આગળ સરકતી ગઈ તેમ તેમ દેશદેશની સુંદર ઢીંગલીઓ આવતી ગઈ.અમે તો પરીલોકમાં પહોંચી ગયાં! નાનાં બાળકોને તો ખૂબખૂબ ગમે તેવી રાઈડ હતી. શું રંગો, શું પ્રકાશની ગોઠવણી અને શું ઢીંગલીઓ ! મોટાં માણસો પણ આનંદમાં આવી જાય !

હવે તો કૉફી પીવાનું મન થયું હતું. થોડે દૂર એક કાફે દેખાયું એટલે ત્યાં ગયાં. થોડી લાઈન હતી. દિલીપભાઈ કૉફી લઈ આવ્યાં અને કાઉન્ટર પર એક ગુજરાતી ભાઈ છે તેવી વાત પણ લઈ આવ્યાં. કૉફી પી ને ખાસ તેમને મળવા ગયાં. તેમણે આજુબાજુ જોવાની અને ફરવાની સારી ટીપ્સ આપી. રસ્તામાં  The Muppets Present…Great Moments in American History જોવાની તેમની વાત બહુ ગમી. અમેરિકન ઇતિહાસની વાતો કંઈક વ્યંગમાં, બે મપેટ દ્વારા કરવામાં આવતી હતી. અને રસ્તાની વચ્ચે જ લોકો ત્યાં ટોળે મળીને તેનો આનંદ ઉઠાવી રહ્યાં હતાં.

દક્ષિણ અમેરિકાના પર્વતોના એક નાના ગામમાં ખોદકામ કરતાં ખાણમાંથી સોનું મળી આવ્યું. એ પર્વતમાં કાયમ ધરતીકંપ, પૂર, સુનામી વગેરે આવતાં રહે એટલે ત્યાંના રહેવાસીઓ તેને ધ્રુજતો પર્વત Big Thunder Mountain  કહેતાં. એક સાહસવીરે  એ પર્વતોમાં જવાનું સાહસ કર્યું અને એને શું અનુભવો થયાં તે દર્શાવતી રાઈડ એટલે Big Thunder Mountain Ride.  યુવાનો તો આ અનુભવ લેવાં કલાકો લાઈનમાં ઊભા રહે. બહારથી જોઈએ તો એટલા સરસ પર્વતો બનાવ્યા હતા, વચ્ચેથી નદીઓ જતી હતી, ક્યાંક ખીણો હતી…. હું અને રીટા પાછા ફસાયાં. ધ્રુજાવી દે તેવી આ રાઈડનો જોખમી અનુભવ અમે પણ લીધો!

માર્કેટમાંથી ફળો, ઠંડા પીણાં, ચીપ્સ વગેરે ખરીદી અમે જમ્યાં. જે જગ્યાએ જમવા બેસવાની સગવડ હતી ત્યાં ‘Hollywood Tiki Show’ ટીકી શોનું બોર્ડ માર્યું હતું. લાઈન પણ ન હતી, સીધી જ એન્ટ્રી મળતી હતી. જમીને ઊભાં જ થયાં હતાં અને કોઈની વધુ ચાલવાની ઇચ્છા હતી નહીં એટલે ટીકી શો જોવાનું નક્કી કર્યું.  અમારી ધારણા કે અપેક્ષાથી બિલકુલ વિરુદ્ધ બહુ જ સરસ વાતાવરણ હતું, કૃત્રિમ ઝાડપાનથી મોટો રૂમ જાણે જંગલમાં ફેરવી દીધો હતો અને લીલ્લોછમ બનાવી દીધો હતો. ભીંત પર કલાત્મક ચિત્રો લગાડ્યા હતાં અને ઝાડ પરથી મોટાં ફૂલોનાં બાસ્કેટ લટકી રહ્યાં હતાં જેમાં રંગબેરંગી સુંદર પક્ષીઓ હતાં ( કૃત્રિમ હતાં એ પછી ખબર પડી). ટીકી સંસ્કૃતિ કે હવાયાન સંગીત વિષે અમે કંઈ પણ જાણતા ન હતાં. પણ શો શરુ થયો અને જાણે જાદુ થઈ ગયો! સફેદ, લીલા, પીળા અને વાદળી રંગનાં લગભગ ૧૫૦ પક્ષીઓએ ગીત-સંગીતનો જાદુ ફેલાવી દીધો! ટીકી સંસ્કૃતિના જુદાજુદા દેવી દેવતાઓ અને તેમના સંદેશાઓ સંગીતની ભાષામાં પક્ષીઓ દ્વારા રજુ કરવામાં આવ્યાં છે. આખો શો અતિઆધુનિક  ટેકનોલોજી  વાપરીને બનાવવામાં આવ્યો છે. સંસ્કૃતિ, સંગીત અને ટેકનોલોજીનો આવો સુંદર સમન્વય જોઈ મન તરબતર થઈ ગયું!

સંગીતમય વાતાવરણમાં ધીમાધીમા ચાલતાં હતાં ત્યાં રમકડાના ઘોડા અને પ્રાણીઓવાળું મોટું ચગડોળ (Marry-go-Round) આવ્યું. આમ તો નાનાં બાળકો બેસે તેવું જ ચગડોળ હતું પણ સાઈઝમાં ઘણું મોટું હતું. લાઈન હતી પણ દસેક મિનિટમાં વારો આવી જશે એમ લાગ્યું એટલે અમે ઊભાં રહ્યાં. મારે છેક બહારના સર્કલમાં બેસવું હતું એટલે થોડું આગળપાછળ કરી જોઈતો ઘોડો મેળવી લીધો. ખાસ્સો ઊંચો હતો એટલે બેસતાં તકલીફ પડી. રાજેશે મને બેસવામાં મદદ કરી એટલીવારમાં જોડેનો ઘોડો બીજા કોઈએ લઈ લીધો. અમારે બંનેને થોડા દૂર બેસવું પડ્યું. લગભગ સોથીય વધુ લોકોને બેસવાનું એટલે ચગડોળ શરુ થતાં વાર લાગી. ત્યાં મારી નજર એક મોટી ઉમરના બહેન પર પડી. નેવુથી સોની વચ્ચેની ઉમર હશે. ધીમીધીમે પણ મક્કમ પગલે એકલાં જ ચાલીને આવતાં હતાં. છેક બહારના સર્કલમાં દર આઠ-દસ ઘોડા પછી એક સોફા જેવી સીટ હતી, વડીલો માટે.  ત્યાં આવી એટલાં ગ્રેસફુલી એ સોફામાં બેઠાં કે આદરથી મારું માથું નમી ગયું. ઉમરનો કોઈ ભાર નહીં. બાળસહજ આનંદ કરવાની વૃત્તિ. કેવું સરસ  હરતુફરતું જાજરમાન શરીર! એ આવીને બેઠાં તો આસપાસનાં લોકોએ પણ એકદમ સાહજિકતાથી તેમને અપનાવી લીધાં. કોઈ હોબાળો નહીં.  થોડી વારમાં બધાં ગોઠવાયાં અને સરરર સરરર ચગડોળ ચાલ્યું. વર્ષો પછી ચગડોળમાં બેઠાં. બહુ મઝા આવી!

બપોરે ૩ વાગે  ડિઝનીના પાત્રોની પરેડ હતી. અમે તૈયાર થઈ ગયાં. થોડો વરસાદ હતો પણ પરેડની ઉત્તેજના એવી હતી કે રેઈનકોટ પહેરીને રસ્તા પર ઊભા રહી ગયાં. સિક્યોરીટી અને બીજી વ્યવસ્થા ઘણી સારી હતી. મેઈન પરેડ આવે તે પહેલાં એક ગાડી આવી બધું ચેક કરી ગઈ. થોડી વારમાં તો પરેડ આવી લાગી. એકપછીએક સુંદર શણગારેલી મોટી ગાડીઓ આવવા લાગી. ડિઝનીના પાત્રો મોટી ગાડીમાં બેઠાં હોય, કોઈ નાચતાં હોય, કોઈ  નીચે ઊતરી બાળકો સાથે હસ્તધૂનન કરે….. મીની, ડોનાલ્ડ,સિન્ડ્રેલા, અલ્લાદીન …… કેટલાં નામ લઈએ? બાળકો તો તેમને જોતાં જ ચિચિયારીઓ પાડવાનું શરુ કરી દે ! એટલો આનંદ અને ઉમંગ લાગે ! બાળકોની સાથે તેમનાં વડીલો પણ ભાવવિભોર થઈ જાય. આપણને નવાઈ લાગે કે આટલી ઉત્તેજના છતાં ક્યાંય પડાપડી નહીં, કોઈ ધક્કામુક્કી નહીં. બધાં શાંતિથી ઊભાં હોય!

મનમાં  મીની, ડોનાલ્ડ, સિન્ડ્રેલા, અલ્લાદીન વગેરેને લઈને અમે ચાલવા માંડયું. ટુમોરો લેન્ડ (Tomorrow Land) ની સૌથી વધુ પ્રિય રાઈડ સ્પેસ માઉન્ટેન (Space Mountain) માટે અમારું બુકિંગ હતું. બુકિંગ વગર બે કલાક લાઈનમાં ઊભા રહેવું પડે એટલી જબરદસ્ત ભીડ હતી. આટલી ભીડમાંથી જગ્યા કરી અમે અંદર ગયાં. વળી પાછાં ઠેરઠેર ‘સાવધાન’ નાં પોસ્ટરો! સરસ વૈજ્ઞાનિક માહોલ ઊભો કર્યો હતો. રૂપેરી દડાઓથી સજાવેલ મોટો રૂમ, સાથે સ્ટાર મેપ. સ્પેસ ટનલમાં આગળ જાઓ એટલે સ્પેસ વિન્ડો (બારીઓ) માંથી તારાઓ, ગ્રહો અને સ્પેસ શટલ આવતાં-જતાં દેખાય! આ બધામાંથી પસાર થઈ છેલ્લે સ્પેસ સ્ટેશનમાં અમે પહોંચ્યાં. એક બાજુ ડર અને બીજી બાજુ ઉત્તેજના! હું અને રીટા પાછાં ફસાયાં! બબ્બે જણ બેસી શકે  તેવી સ્પેસ કારમાં પટ્ટા બાંધી બેઠાં. એક જ સેકન્ડમાં જોરદાર ગતિએ સ્પેસ કાર ચાલી કે દોડી કે ઊડી ? ઘોર અંધારું થઈ ગયું! અને ભારે ગતિથી જતી ગાડીએ ૧૮૦ ડીગ્રીએ વળાંક લીધો અને એક જોરદાર ઝટકા સાથે બ્રેક લાગી. જાણે પર્વતની ટોચ ઉપર આવીને ગાડી ઊભી રહી ગઈ. એકાદ સેકન્ડમાં તો બ્રેક છૂટી અને ગાડી ઊંધી ચાલી……અને  સ્પીડ તો વધતી જ ગઈ. બાજુમાંથી બીજું સ્પેસ વાન જતું હોય તેવો અવાજ આવે, અવનવા અવકાશી પદાર્થો આવ-જા કરે, તારાઓ અને આકાશગંગા દેખાય અને ડરથી આંખો બંધ થઈ જાય! દોઢ મિનિટમાં આખા બ્રહ્માંડની સફર થઈ જાય, બંધ આંખે! તમે આટલાં ડરેલા, ગભરાયેલાં હો અને તમારો ફોટો પડી જાય! સ્પેસકારમાંથી નીચે ઊતરો એટલે હાંશ થાય! જીવતા પાછાં આવ્યાંનો આનંદ થાય. ગેલેરીમાંથી બહાર આવતાં હો ત્યારે તમારા ફોટા સ્ક્રીન પર દેખાતા હોય! ગમે તો યાદગીરી તરીકે ખરીદી શકો!

અમારે થોડી વાર તો ઊભા રહેવું પડ્યું, શું થઈ ગયું તે સમજવા! સહેજ બહાર નીકળ્યાં તો એ જ કેમ્પસમાં ટુમોરો લેન્ડને ફરતી એક ટ્રેન ચાલી રહી હતી. નામ હતું પીપલ મુવર (People Mover).  એમાં બેઠાં અને ફરતો વિસ્તાર જોયો. ટુમોરો લેન્ડમાં જ પ્રગતિની મિજબાની (Carousel of Progress)  નામનો શો જોયો. આ સ્ટેજ શો સૌથી લાંબો સમય ચાલનાર શો તરીકેની ખ્યાતિ ધરાવે છે. ચાર અંકમાં વહેંચાયેલ આ શો ૧૯૦૦ની સાલના અમેરિકાથી શરુ થાય છે અને ૧૯૨૦,૧૯૪૦ અને ૨૧મી સદીમાં જઈ થોભે છે. જુદાજુદા સમયે અમેરિકા કેવું હતું અને ક્યારે ક્યારે કેવા કેવા ફેરફારો આવ્યાં તે સરસ રીતે દર્શાવ્યું છે. અને છેલ્લે ઉજ્જવળ સવારની આશાએ શો પૂરો થાય છે એક ગીત સાથે : “There’s A Great Big Beautiful Tomorrow”

અમે હવે થાક્યા હતાં. આજે ઘણું બધું જોયું . મેજિક કિંગ્ડમનો પૂરતો લાભ ઊઠાવ્યો હતો. થોડાંક આગળ સિન્ડ્રેલાના મહેલ પાસે આવ્યાં ત્યાં તો ભયંકર ભીડ હતી. કેમ આટલી બધી ભીડ હશે? પૂછતા ખબર પડી કે અહીં પણ આતશબાજી થવાની છે. અમે પહેલે દિવસે પણ આતશબાજી જોઈ હતી એટલે અમારો ઉત્સાહ  જરા મોળો હતો. નજીકમાં આઈસ્ક્રીમનું સરસ પાર્લર હતું એટલે હું અને રીટા આઈસ્ક્રીમ ખાવા ગયાં. ત્યાં પણ બહુ લાઈન હતી. થોડી વાર લાઈનમાં ઊભા અને અચાનક લાઈન ગાયબ અને અમે પહેલાં થઈ ગયાં! બહાર જોરદાર કલશોર થાય. અમે કંઈ સમજીએ ત્યાં તો રાજેશે બૂમ પાડી કે આતશબાજી શરુ થઈ ગઈ છે અને જલદી બહાર આવો. જો કે કાઉન્ટર પરના ભાઈએ કહ્યું કે ચિંતા ના કરશો, આતશબાજી તો ૨૦ મિનિટ ચાલશે. આઈસ્ક્રીમ ખાતાં ખાતાં જે આતશબાજી જોઈ છે તે શબ્દોમાં વર્ણવવી મુશ્કેલ છે.૨૦૦૦ની સાલમાં ક્રિસમસની રાત્રે મનીલા (ફિલીપાઈન્સ) માં મેં ભવ્ય આતશબાજી જોઈ હતી તે મારા માટે બેન્ચમાર્ક સમી હતી. પણ લેઝરના ઉપયોગથી કરેલી આ આતશબાજી બિલકુલ અવિસ્મરણીય હતી. Happily Ever After  નામે ઓળખાતી આ આતશબાજી  સિન્ડ્રેલાના મહેલની આસપાસ થાય છે. શો દરમ્યાન મહેલ અનેક વાર જુદાજુદા રંગમાં રંગાય છે. એક સપનાં સાથે મંડાતી વાર્તા તમારા દિલોદિમાગ પર છવાઈ જાય છે. સિન્ડ્રેલા, અલ્લાદીન, ટારઝન, લાયન કિંગ જેવા અનેક પાત્રોને વાર્તામાં વણી લે છે. શોમાં લેઝર,પ્રોજેક્શન અને લાઈટનો સંગમ કરી અને સાંપ્રત ગીતોની ધૂનોનો ઉપયોગ કરી એક અનોખો અને ચીર સ્મરણીય અનુભવ ઉજાગર કરાયો છે. મેજિક કિંગ્ડમની ચરમસીમા સમાન આ અનુભવ પછી અમારા તો કંઈ  બોલવાના હોશકોશ પણ રહ્યાં ન હતાં! હું અને રીટા તો રૂમ પર આવી થોડો નાસ્તો કરી સૂઈ ગયાં. રાજેશ અને દિલીપભાઈ જમવા માટે જમ્બો હાઉસમાં નીચે રોકી ગયા.

લિબર્ટી સ્ક્વેરમાં  આવેલ  ‘હોલ ઓફ પ્રેસિડેન્ટ’ ( Hall of President) નામનો શો  મલ્ટીમીડિયાના ઉપયોગથી અમેરિકાના અત્યાર સુધીના પ્રેસિડેન્ટની માહિતી આપતો રસપ્રદ શો છે. સમયના અભાવથી અમે તેને ન્યાય આપી શક્યા નહીં.

૦૮/૦૬/૨૦૧૭

એનિમલ કિંગ્ડમ

આજે પણ ઊઠતાં મોડું થઈ ગયું. બધાંએ એક-એક કરીને નાસ્તો પતાવી લીધો. અમે રહ્યાં છીએ તે જમ્બો હાઉસ એનિમલ કિંગ્ડમમાં જ છે એટલે પાર્કમાં જવાની બહુ જ સરળતા રહી. આજે જમ્બો હાઉસમાં નીચે લીંબુ અને મોસંબીનું પાણી હતું તે ધરાઈને પીધું અને સીધાં પહોંચ્યાં એનિમલ કિંગ્ડમ.  ૫૮૦ એકરમાં ફેલાયેલ  એનિમલ કિંગ્ડમના પ્રવેશ દ્વારે જે ઓએસીસ ( Oasis) તરીકે ઓળખાય છે ત્યાં એન્ટર થતાં જ એક નાચતું ઝાડ (અથવા કહો કે મોટો છોડ) દેખાયું. લોકો ટોળે વળેલાં હતાં. નાજુક અને નમણું,પાતળું દસેક ફૂટનું ચાર-પાંચ ડાળીઓવાળું ઝાડ આમતેમ ફરતું જાય, બાળકોને વહાલ કરતું જાય, કહો તો તમારી સાથે  હાથ પણ મિલાવે અને ફોટો પણ પડાવે! બહુ આશ્ચર્યજનક હતું! હું થોડીવાર ત્યાં ઊભી રહી અને ધ્યાનથી જોતી રહી. ઓહ! આ તો હતી  એક સાવ જ દુબળી પાતળી કિશોરી જેના હાથ, પગ અને આખું શરીર વૃક્ષ, ડાળીઓ અને લતાથી ઢાંકી દીધું હતું ! એના હાથ-પગ તે એટલી સરસ રીતે હલાવતી હતી કે જાણે પવનમાં ઝાડની ડાળીઓ હાલતી હોય! અને અંગમરોડ પણ એવો આબાદ હતો કે જાણે લતા ઝાડના થડને વળગીને ઊભી હોય! એને ખ્યાલ આવ્યો કે મને ખબર પડી ગઈ છે એટલે એક મીઠું સ્મિત આપી બીજી બાજુ ફરી ગઈ!  કેટલું લીલ્લુંછમ કુદરતી સ્વાગત!

આખું એનિમલ કિંગ્ડમ ૬ વિભાગોમાં વહેંચાયેલું છે :

 • ઓએસીસ
 • એશિયા
 • આફ્રિકા
 • ડીનોલેન્ડ યુ.એસ.એ.
 • ડિસ્કવરી લેન્ડ
 • પ્લેનેટ વોચ
 • પેન્ડોરા

ઓએસીસથી આગળ જતાં રસ્તા પર પાર્કની બરાબર મધ્યમાં  ડિસ્કવરી લેન્ડ હતું. આ નાના Zoological Park નું નામ પહેલાં સફારી વિલેજ રાખવામાં આવ્યું હતું.અમે ત્યાંથી શરૂઆત કરી. એક મોટું ઝાડ તમારું ધ્યાન ખેંચી લે. ઝાડને શિલ્પકારોએ સુંદર રીતે કોતરી નાખ્યું હતું.પછી ખબર પડી કે આ Tree Of Life  માનવ સર્જિત ઝાડ હતું! તેની પર જાતજાતનાં પ્રાણીઓનાં શિલ્પ કોતરવામાં આવ્યાં હતાં!  આ મોટા ઝાડની નીચે આવેલાં એક નાના થિયેટરમાં 3D/4D ફિલ્મ જોવાની હતી. અમને સ્પેશિયલ ચશ્માં આપ્યાં. અમે સીટ લીધી ત્યાં તો ફિલ્મ શરુ. ફિલ્મનું નામ હતું : જીવડું થવું અઘરું છે! (It is Tough to Be a Bug!) :  ડિઝની પિક્ષરની ફિલ્મ પર આધારિત આ નાની ફિલ્મ અજબગજબની હતી. માંડ પંદર મિનિટની ફિલ્મ હતી પણ શું કરામત હતી ટેકનોલોજીની! તમે જાણે સુંદર ઉપવનમાં પહોંચી ગયાં હોવ તેવો અનુભવ થાય, તમારી આસપાસ ભમરા ગણગણતા હોય, ફૂલો ડોલતાં હોય અને નાનું જીવડું કેવી રીતે પોતાનું જીવન જીવતું હોય તેની વાત તમને કરે! તમે જીવડાના જીવનમાં ઓતપ્રોત થઈ ચરમસીમાએ હો અને તમારી ખુરશી પણ તેના તાલે ડોલવા લાગે! અદ્ભુત! અકલ્પ્ય! ટેકનોલોજી અને કળાનો સુભગ સંગમ! ફિલ્મ પૂરી થઈ અને થિયેટરની બહાર નીકળ્યાં તો ચશ્માં પરત કરવાની સુંદર વ્યવસ્થા. દરેક માણસ પોતપોતાનાં ચશ્માં બકેટમાં મૂકી આવે જેથી આવનારા લોકેને ફિલ્મ જોવા કામ લાગે.

થિયેટરની અંદર ગયાં ત્યારે તો ભારે તડકો હતો અને ફિલ્મ જોઈ બહાર આવ્યાં ત્યાંતો વરસાદ શરુ થઈ ગયો હતો. અમારી પાસે રેઈનકોટ હતાં એટલે નજીક આવેલી રેઇનફોરેસ્ટ કાફેમાં કૉફી પીધી અને મોટી ગીફ્ટ શોપમાં નજર પણ નાંખી લીધી. નજીકમાં જ એડવેન્ચર આઉટ પોસ્ટનું પાટિયું જોયું. મિકી માઉસ અને મિનીના ફોટા જોયાં. તેમને મળવાની ઇચ્છા રોકી શક્યા નહીં. બહુ લાઈન હતી નહીં એટલે તરત નંબર લાગી ગયો. તેમને મળ્યાં તો અમે પણ બાળકો બની ગયાં. તેમની સાથે ફોટા પડાવ્યા.

હવે આવ્યાં એશિયાના વિભાગમાં. કાલી નદીના રેપીડ્સમાં  (Rapids) અમારું બુકિંગ હતું એટલે પહેલાં ત્યાં ગયાં. મને ઉત્તરકાશીમાં રેપીડ્સનો ખરાબ અનુભવ થયેલો હતો એટલે મેં તો બુકિંગ હોવાં છતાં એ રાઈડ લેવાની ના પડી દીધી. પણ કાલી-નદીના બીજા સાહસમાં  હું અને રીટા જોડાયાં. ગેરકાનૂની લાકડાંની જંગલમાંથી થતી ચોરી પકડવાના થીમ વળી વાર્તા સાથે કાલી-નદીનું સહાસ શરુ થાય છે.તિબેટિયન પેગોડામાં બધાં ભેગાં થઈ રાફટમાં બધાં મુસાફરી શરુ કરે છે.પર્વતો અને જંગલોમાં થઈ જતી ચક્રનદીમાં ૧૨ જણના રાફટમાં શરૂઆતમાં ખડકો અને ધોધ, પશુઓ અને પક્ષીઓથી વાતાવરણ ખુશનુમા હતું. પણ જેમ જેમ આગળ જતાં ગયાં તેમ તેમ ઝડપ અને ચઢ-ઊતર વધતી ગઈ. પાણીમાં રાફટ ૨૫-૩૦ ફૂટ પડતી અને પછી ચાલતી. પાણી ગળતી ગુફામાંથી અને પછી લાકડાના પુલ નીચેથી  રાફટ ગઈ ત્યારે તો અંદર બેઠેલાં બધાં ભીના થઈ ગયાં. મોટું સાહસ કરી રાફટ પાછું પેગોડા પાસે આવી લાગ્યું! સરસ વાર્તા સાથેનું દિલધડક સાહસ!

રસ્તામાં આનંદપુરના મહારાજના જંગલમાં પ્રવેશ કરવો એ જ એક લહાવો કહેવાય! અમારું તો બુકિંગ હતું એટલે વરસાદ છતાં અમે જંગલમાં ફરવાં હાજર થઈ ગયાં. બહુ સુંદર વ્યવસ્થા હતી. દર વખતે સુંદર વ્યવસ્થાનો ઉલ્લેખ કરતાં સહેજ ખૂંચે છે…… અહીં બધે જ સુંદર વ્યવસ્થા હોય અને આપણે ત્યાં સુંદર વ્યવસ્થા શોધવી પડે! જંગલમાં અમે ભયાનક પ્રાણીઓ જેવાકે બ્લેક-બગસ, બંગાળના વાઘ, હરણાં, શિયાળ વગેરે જોયાં. ક્યારેક તો ડર લાગે! જીવનું જોખમ લાગે ! છેલ્લે સુંદર પક્ષીઓ જોઈ બહાર નીકળી ગયાં. બહુ વ્યવસ્થિત રીતે કંડકટ કરેલી જંગલ ટુર હતી.

વરસાદ તો હજી ચાલુ જ હતો. એક ઠેકાણે થોડી ઓછી ભીડ લાગી અને હિમાલયમાં મંદિર હોય તેવું મંદિર દેખાયું એટલે બેઠાં. શીંગ-ચણા ખાધાં અને વાતો કરતાં હતાં ત્યાં તો તડકો નીકળવા લાગ્યો. અને એકદમ લોકો દોડતાં દોડતાં અમે બેઠાં હતાં ત્યાં આવવાં લાગ્યાં. અમારી અજાણતામાં જ અમે સૌથી વધુ લોકપ્રિય રાઈડ એવરેસ્ટ એક્ષ્પિડીશન ( Expedition Everest) ની લાઈનમાં હતાં! વરસાદને લીધે કલાકથી રાઈડ બંધ હતી અને લાઈનમાં ઊભેલા લોકો જતાં રહ્યાં હતાં અને અમે અજાણતામાં જ ત્યાં આવી ગયાં હતાં! દૂરથી હિમાલયની બે મોટી શીખાઓ  દેખાતી હતી અને બંને વચ્ચેથી ટ્રેન જોરથી ઉપર ચડીને ઊતરતી હતી. અમે તો ધ્રુજી ગયાં. બહાર નીકળાય નહીં અને આગળ જવાય નહીં! બે-પાંચ મિનિટમાં તો ટ્રેનમાં બેસવાનો વારો આવી ગયો. ફરી એવી જ ‘સાવધાન’ ની ચેતવણીઓ અને કસકસાવીને બાંધેલા પટ્ટાઓ! શું થશે એ વિચારીએ તે પહેલાં અમે હવામાં હતાં! અત્યાર સુધી લીધેલી સાહસવાળી  બધી રાઈડ્સ બંધ મકાનોમાં હતી. અમારાં કમનસીબે આ રાઈડ ખુલ્લામાં,  ઊંચે, બે પર્વતો વચ્ચે, જોરદાર ઠંડો પવન …… ટ્રેન તો ઊપડી એવી જ ફૂલ સ્પીડમાં આવી ગઈ. જોતજોતામાં એવરેસ્ટ શિખર પર ચઢી ગઈ. પેટમાં ગલૂડિયાં બોલવા લાગ્યાં. અજબ ચૂંથારો થવા લાગ્યો. ચારે બાજુ ખુલ્લું આકાશ અને તમે આટલી ભયંકર સ્પીડથી એવરેસ્ટ શિખરની ટોચ પર. એવરેસ્ટ  ખરેખર તો સુંદર હશે અને ટોચ પરથી તો આસપાસનું દ્રશ્ય કેટલું ભવ્ય લાગતું હશે  એવું હું માનતી હતી પણ અત્યારે તો મને તેનું વિકરાળ સ્વરૂપ દેખાતું હતું! આગળ જવાનો તો કોઈ અવકાશ જ ન હતો. ટ્રેન ક્ષણેક અટકી. મને લાગ્યું કે હાશ! ચઢાણ પત્યું અને હવે ઉતારી દેશે. ત્યાં તો ડબલ ગતિએ ટ્રેન ઊંધી ચાલી! અને સામે ઉપર જતી બીજી ટ્રેન ક્રોસ થઈ! ઓ, માડી રે! અમે થીજી ગયાં ! મગજ શૂન થઈ ગયું. કંઈ જ વિચારી શકાય નહીં. આવી જ સ્થિતિમાં નીચે આવી ગયાં. નીચેથી ઉપર જતી રાઈડ જોઈ તો માની જ ન શકાય કે અમે આવું સાહસ કર્યું! આ બધી રાઈડ્સ બહુ ચોક્કસાઈ અને સારી ટેકનોલોજી વાપરીને બનાવવામાં આવતી હોય છે. અમેરિકાના ઈન્સ્યોરન્સના કાયદાઓ પણ ઘણાં ચુસ્ત હોય છે. હજી સુધી કોઈ અકસ્માત થયો નથી. એટલે આવી રાઇડમાં બેસવાનું લગભગ ૧૦૦% સુરક્ષિત હશે. પણ અમે જે માનસિક યાતનામાંથી પસાર થયાં તે તો અમે જ જાણીએ છીએ! અમે એટલે હું અને રીટા. બાકી રાજેશ અને દિલીપભાઈએ તો બધી જ રાઈડ્સ ખૂબ મોજથી માણી. કદાચ દીકરીઓને વધારે સુરક્ષિત વાતાવરણમાં ઉછેરવાનો ભારતીય અભિગમ હશે કે સ્ત્રીઓ આમ જ બીકણ હોતી હશે!

ઉચાટ અને ભયવાળા વાતાવરણને છોડી એશિયામાંથી હવે અમે આફ્રિકાના કુદરતી વાતાવરણમાં આવી લાગ્યાં. પહેલી જ રાઈડ કીલીમાંજારો સફારીની લીધી. આ સફારી એનિમલ કિન્ગડમનું સૌથી મોટું આકર્ષણ છે. પર્વતો, વૃક્ષો અને લેન્ડસ્કેપિંગની ડીઝાઇનથી આબેહૂબ આફ્રિકાના જંગલની પ્રતિકૃતિ ઊભી કરી છે. સાચ્ચેસાચ આપણે આફ્રિકાના જંગલમાં આવી ગયાં હોઈએ તેવું લાગે. હરામ્બે વિલેજ પાસેથી ઉપડતી કીલીમાંજારો સફારીની રાઈડ માટે અમે તૈયાર હતાં. મોટી જીપમાં બાર બાર મુસાફરોને બેસાડી જંગલ બતાવવા લઈ ગયાં. જંગલનું લેન્ડસ્કેપિંગ એટલું સરસ ડીઝાઇન કર્યું છે કે આપણી અને સિંહ કે હાથી વચ્ચે કંઈ જ ન હોય તેવું લાગે. ડ્રાઈવર સુંદર કોમેન્ટ્રી આપી બધું વિગતવાર સમજાવતા હતા. દૂરથી જંગલી પશુ દેખાય કે તમને ચેતવી દે. ધીમેથી જીપ ત્યાં લઈ જાય અને આપણને પ્રાણીઓ કુદરતી વાતાવરણમાં હોય તેમ દેખાય. અમે એક પછી એક કરીને સિંહ, હાથી, રહાઈનો, હિપ્પો, ઝીબ્રા અને  જિરાફ જોયાં. જાણે આફ્રિકા જ ફરી આવ્યાં એવો સંતોષ થયો.

બહાર નીકળ્યાં તો હરામ્બે વિલેજના બજારમાં આફ્રિકન પરંપરાગત નૃત્યો થઈ રહ્યાં હતાં. આફ્રિકન બહેનો તેમના ટીપીકલ પરંપરાગત પોશાકમાં તેમનો ડાન્સ કરતી હતી. ચાર ઠેકાણે ચાર જુદાજુદા ગ્રુપ હતાં. જોવાની બહુ મઝા આવી. થોડી વાર તો અમે પણ તેમની સાથે ડાન્સ કર્યો. સંગીત અને કલાને કોઈ સરહદ નથી હોતી, કોઈ સીમા કે કોઈ મર્યાદા નથી હોતી તે આનું નામ! ત્યાં થઈને જ ગોરિલ્લા ધોધનો રસ્તો હતો. એટલો સુંદર, કુદરતી રસ્તો… બંને બાજુ ટ્રોપિકલ જંગલ અને વૃક્ષો, નાના ટેકરાઓ, નાની ખીણો અને ખરબચડો પાતળો રસ્તો. જાતે જ રસ્તો પસંદ કરી જવાનું. રસ્તામાં ગોરિલ્લા કે બીજા પ્રાણીઓ મળે પણ ખરા ! પક્ષીઓના અવાજો સંભળાય. એકદમ પ્રકૃતિના ખોળે હોઈએ તેવું લાગે. થોડા આગળ ગયાં તો સરસ મોટો ધોધ આવ્યો. ભરપૂર પાણી હતું. આવા જંગલમાં આટલો સરસ ધોધ? માહિતી ભેગી કરતાં ખબર પડી કે ધોધ કુદરતી ન હતો પણ માનવ સર્જિત હતો. આસપાસના જંગલને પાણીની ખોટ ક્યારેય ના પડે તે માટે બનાવવામાં આવ્યો હતો. એટલું તો કહેવું જ પડે કે કુદરતી ધોધ કરતાં પણ વધુ સુંદર હતો.

ફેસ્ટીવલ ઓફ લાયન કિંગ (Festival of Lion King) નો શો બુક કર્યો હતો જેનો સમય થઈ રહ્યો હતો, એટલે ધોધ પાસે ફોટા પડાવી અમે લાયન કિંગ તરફ પ્રયાણ કર્યું. બહુ લોકો એક જ બાજુ જઈ રહ્યાં હતાં એટલે લાગ્યું કે મોડાં તો નથી ને ? પણ ના, બહુ મોટું થિયેટર હતું અને એકદમ ઊંચું સ્ટેજ હતું એટલે ક્યાંય  પણ બેસો, શો તો સારો જ દેખાય. ૩૦ મિનિટના આફ્રિકન ધમાકેદાર નૃત્ય અને સંગીતના શો માટે બધાં તૈયાર હતાં. હાથી, સિંહ અને પપેટ સાથેનો ભવ્ય  એનેર્જી પેક્ડ ( Energy packed ) શો. હકુના મતાતા ગીતથી ધમાકેદાર શરૂઆત થઈ. સિંહનું બચ્ચું કેવી રીતે રાજા બનશે તેની વાત ગીત-સંગીતમાં વણી લીધી છે. ‘સીમ્બા’ અને તેના મિત્રો જાતજાતનાં મનોરંજક પ્રોગ્રામો ચાલુ જ રાખે  છે. ભાતભાતના રંગોથી આખું વાતાવરણ રંગીન થઈ  જાય છે અને ૩૦ મિનિટના અંતે તમને લાગે છે કે જાણે તમે પણ તેમનામાંના જ એક છો! શો જોઈને બહાર નીકળ્યાં તો અંધારું થવા આવ્યું હતું.

યુવાનોમાં પ્રિય એવા ડીનોલેન્ડ યુ.એસ.એ.માં અમે કંઈ જોઈ શક્યા નહીં. વરસાદને કારણે ડીનોલેન્ડ યુ.એસ.એ. લગભગ આખું બંધ હતું. ડાઈનોસોરનો લોકપ્રિય શો પણ વરસાદને કારણે અમે જોઈ શક્યા નહીં એ એક અફસોસ રહી ગયો.

એવરેસ્ટ  પેવેલિયનની બહાર ડિસ્કવરી નદી (Discovery River)  આવેલ છે. ધીમે ધીમે લોકો ત્યાં ભેગાં થવા લાગ્યાં હતાં. બેસવા માટે નદીને  કિનારે ઘાટના આકારમાં પગથિયા ઉપર ખુરશીઓની વ્યવસ્થા કરવામાં આવી હતી. લગભગ ૫,૦૦૦ માણસો બેસી શકે તેવી વ્યવસ્થા હતી. પ્રકાશની નદીઓ (Rivers of Light) નામના નવા શોની જાહેરાત થઈ હતી અને ઘણાં લોકોએ અમને તે જોવા માટે ખાસ ભલામણ કરી હતી. બરાબર અંધારું ન થાય ત્યાં સુધી ૧૫ મિનિટનો આ શો શરુ થઈ શકે તેમ ન હતો એટલે અમે વાતો કરતાં કરતાં રાહ જોતાં રહ્યાં અને નદી પરથી આવતી ઠંડી લહેરોને માણતાં રહ્યાં.પાણી, પ્રકાશ અને સંગીતનો આ શો ડિસ્કવરી નદી પર ભજવાવાનો હતો. નદી જ તેનું સ્ટેજ હતું! ધીમેથી દૂરથી  દેખાતી  Tree of Life માં પ્રકાશ દેખાવા લાગ્યો. બે બાજુથી બે હોડીઓ પણ આગળ આવી. ફુવારા અને ધુમાડાથી એક રહસ્યમય, ગૂઢ અને આધ્યાત્મિક વાતાવરણ રચાઈ રહ્યું હતું. મધુર સંગીત શરુ થયું. લેઝર અને  ફટાકડાથી એક નવું જ રંગીન વિશ્વ રચાઈ રહ્યું હતું. આખો શો પાંચ ભાગમાં વહેંચાયેલો છે.

Act I: Gifts of Light: પ્રકાશની ભેટ :  ચારે બાજુથી એકએક કમળ આકારની હોડી આવે છે. હોડીમાં કથાકાર છે. એ સમજાવે છે કે માત્ર પૃથ્વી પર આકાશ, પ્રકાશ અને પાણી છે અને એટલે જીવન છે. આ પૃથ્વી પર આ પ્રકાશનો ઉત્સવ ઊજવવા આપ સૌનું સ્વાગત છે!

Act II: Parade of the Animal Spirits:  પાશવી અંશની કવાયત : આકાશમાં પ્રકાશથી રચાતી આકૃતિઓ દ્વારા કથાકાર ચાર પશુઓની ઓળખાણ કરાવે છે. વાઘ(આગ), હાથી (પૃથ્વી), કાચબો(પાણી), ઘુવડ (હવા/આકાશ).

નદીમાં સુંદર કમળ-મંદિર રચાય છે.

Act III: Dance of the Lotus કમળનું નૃત્ય : કમળ મંદિર મધ્યમાં આવે છે અને તેમાં કાચબા અને ઘુવડનું સુંદર નૃત્ય થાય છે.

Act IV: We Are One આપણે સૌ એક : ‘આપણે સૌ એક’ નામનું ડિઝનીનું  ઓરીજીનલ ગીત ગવાય છે.

Act V: Rivers of Light પ્રકાશની નદી : આપણા સૌમાં એક પ્રકાશ છે. આપણે તે પ્રકાશનો જ એક ભાગ છીએ. આપણને જોડતી આ કુદરતી કડીનું આપણે માન રાખીએ. કમળ મંદિર ખૂલે છે અને અંદરથી પ્રકાશનો એક ધોધ વહે છે.

આટલા પવિત્ર સૂર સાથે શો સમાપ્ત થાય છે. પ્રકાશ અને સંગીતનું વશીકરણ અટક્યું! બધાં મોહાવાસ્થામાંથી ધીરે ધીરે બહાર આવ્યાં. આટલાં બધાં લોકો હતાં એટલે પાર્કની એન્ટ્રી સુધી આવતાં વાર લાગી. વચમાં કૉફી અને થોડો નાસ્તો કરી લીધો.

રાજેશ અને દિલીપભાઈ પેન્ડોરમાં ‘અવતાર’ નામનો શો હજી જોવા માંગે છે જે રાતના એક વાગે શરુ થવાનો હતો. હું અને રીટા રૂમ પર જઈ સૂવાં માગતાં હતાં. છેવટે નક્કી કર્યું કે અમે બસમાં જમ્બો હાઉસ જઈને સ્ટોરમાંથી કેળાં, સફરજન, બ્રેડ વગેરે લઈ લઈશું. કાલે રૂમ ખાલી કરવાનો હતો એટલે બધું સમેટી લઈશું અને ખાઈ-પીને વહેલાં સૂઈ જઈશું. સાવ અજાણ્યા દેશમાં રાતના દસ વાગે અમે બે બહેનો એકલાં ગયાં પણ ચિંતા કરવા જેવું કોઈ કારણ હતું નહીં. નક્કી કર્યા મુજબ સ્ટોરમાંથી ખરીદી કરી રૂમ પર જઈ સામાન ગોઠવી થોડું ખાધું. બહુ ઊંઘ આવતી હતી. પડ્યા ભેગાં સૂઈ ગયાં.

પેન્ડોરાનો ‘અવતાર’ શો કદાચ ડિઝની વર્લ્ડનો સૌથી લોકપ્રિય શો હતો. રાતના દસ વાગ્યા પછી રાજેશ અને દિલીપભાઈ લાઈનમાં ઊભા રહ્યાત્યારે ખબર પડી કે એક મશીન ચાલતું નથી! પણ તેઓએ  લાઈનમાં રાહ જોવાનું જ નક્કી કર્યું હતું. લગભગ એક વાગે તેમનો વારો આવ્યો. Virtual Reality નો અદ્ભુત અનુભવ થયો. એક જ સીટમાં બેસીને આખા બ્રહ્માંડમાં ભમી આવ્યા. એક અગોચર પક્ષીની પીઠ પર બેસીને પાતાળથી આકાશમાં ફરવાની રોમાંચક યાત્રા તેમણે કરી. પક્ષી ઉડતાં ઉડતાં દિશા બદલે તો સીટ પણ તે રીતે દિશા બદલે. ઉડવાની ગતિ વધે તેમ તેમ સીટના કંપનો પણ વધે ! કાલ્પનિક જગતની 3D / 4D ની દિલધડક સફર એક જ જગ્યાએ બેસીને તેમણે અનુભવી અને માણી. મોડી રાતે  આટલી રાહ જોવાનું સાર્થક હતું! રાતના લગભગ બે વાગે તેમને જમ્બો હાઉસ આવવા માટે સહેલાઈથી બસ મળી ગઈ! રૂમ ઉપર આવીને થોડી પેટપૂજા કરીને તેઓ સૂઈ ગયા.

૦૯/૦૬/૨૦૧૭

આજે ડિઝની લેન્ડમાં રહેવાનો અમારો પાંચમો અને છેલ્લો દિવસ હતો. સવાર સવારમાં જિરાફના દર્શન કરી લીધા. શાહમૃગને પણ મળી લીધું. પાર્કમાં અંદર જ એટલું ચાલતાં હતાં કે બહાર ચાલવા માટે  સમય કે શક્તિ હતાં જ નહીં. સામાન લઈ દસ વાગ્યાની આસપાસ અમે નીચે ઊતર્યા. રાજેશ વહેલાં જઈ ચેક-આઉટની વિધિ પતાવી આવ્યા હતા એટલે બહુ શાંતિથી લગેજરૂમમાં સામાન મૂકી અમે હોલીવુડ સ્ટુડિયો (Hollywood Studio) જવા નીકળ્યાં. આમ તો અમને અહીં ચાર-પાંચ દિવસ જ થયાં હતાં પણ જાણે કેટલુંય જોઈ નાખ્યું હતું! રોજ આટઆટલું  ચાલીને થાકી જતાં હતાં. આજે તો એવાં થાક્યા હતાં કે દિવસ દરમ્યાન શું કરીશું તેનો પ્લાન પણ કર્યો ન હતો. ક્યારેક થતું કે દસ વર્ષ વહેલાં ડિઝનીલેન્ડ આવવા જેવું હતું!

રોજની જેમ જ બસ તરત મળી ગઈ અને અમે પહોંચી ગયાં હોલીવુડ સ્ટુડિયો! સખત આકરો તડકો હતો. તાપમાન તો ૩૦ ડીગ્રી જ હતું. અમદાવાદની ગરમી કરતાં ત્યાંની ગરમી જુદી હોય છે. તડકો આપણને વાગે અને કરડે. અસહ્ય ગરમી લાગે. બાકી અમદાવાદના ૪૫ ડીગ્રી તાપમાનમાં આપણે રહીએ જ છીએ અને કામ પણ કરીએ છીએ. હશે! આજે તો ગરમી સહન કર્યા વિના છૂટકો જ ન હતો! હોલીવુડ સ્ટુડિયો પહોંચીને હજી તો વિચારતાં હતાં કે આજે શું શું કરીશું?, શું શું જોઈશું?,  ત્યાં તો જાણે આકાશમાંથી એક બહેન ટપકી પડ્યાં! ત્યાંના જ કાર્યકર્તા હશે તેવું લાગ્યું. અમારી મનોસ્થિતિ પામી ગયાં હશે. તેમણે અમને પૂછ્યું : આજે શું કરવું તેનો પ્લાન કર્યો છે કે કરવાનો છે? અમે હજી શું જવાબ આપવો તેની ગૂંચવણમાં હતાં એટલી વારમાં નજીકનાં બુથ પર જઈ હોલીવુડ સ્ટુડિયોનું પેમ્ફલેટ લઈ આવ્યાં અને જો એક જ દિવસ હોય તો જોવા / કરવા જેવી ૬ વસ્તુઓના નામ ( Must do activities) પર ટીક મારી આપી. હોલીવુડ બુલેવર્ડમાં  The Great Movie Ride અમારું પહેલું સ્ટોપ હતું. તે બહેન અમને છેક ત્યાં સુધી મૂકી ગયાં અને આભાર માનીએ એટલી વારમાં જેટલી ત્વરાથી આવ્યાં હતાં તેનાથી પણ વધુ ઝડપથી ગાયબ થઈ ગયાં!

શો સારો હતો એટલે લાઈન પણ લાંબી હતી. લાઈનમાં ચાલતા ચાલતા અમે એક હોલમાં આવ્યાં. હોલમાં જુદાજુદા દેશોના કલાત્મક ચિત્રો લગાડ્યા હતાં તે જોવામાં સમય ક્યાં પસાર થઈ ગયો તે ખ્યાલ જ આવ્યો નહીં.પંદરેક મિનિટમાં વારો આવી ગયો.એક હોલમાંથી બીજા હોલમાં અને ત્યાંથી નાનકડી ટ્રેનમાં. આજે તો ગાઈડ સાથે બેસવાનો લહાવો મળી ગયો! સરસ બહેન અને રસસભર વાતો કરતાં હતાં. ટ્રેનમાં હોલીવુડની સફરની સાથે સાથે નાનામોટા સ્ટંટ પણ ચાલુ જ હતા. હોલીવુડની  પ્રખ્યાત અને યાદગાર ફિલ્મોની ૨૨ મિનિટની સફર! અમે તો સાથે સાથે બોલીવુડની ફિલ્મો પણ સરખાવતા જતાં હતાં. ૨૨ મિનિટમાં તો એક આખો યુગ ફરી આવ્યાં! દિવસની શરૂઆત બહુ સુંદર રીતે થઈ હતી.

ત્યાંથી નીકળી ઇકો લેક થઈ આગળ જતાં હતાં ત્યાં ફ્રોઝન કોકની દુકાન જોઈ. અમે હજી જૂના દિવસોની યાદોમાં જ ખોવાયેલાં હતાં એટલે અમદાવાદમાં ડીલાઈટ પાસે મળતી ફ્રોઝન કોકને યાદ કરી અમે પણ ફ્રોઝન કોક પીધી. હોલીવુડને સાહસ અને સ્ટંટ સાથે સારો સંબંધ. આવા સ્ટંટ કેવીરીતે થતાં હશે તે જોવા મળે તો કેવી મઝા આવે ? અમારું આગલું સ્ટોપ હતું :  Indiana Jones Adventure Outpost. ઇન્ડિયાના જોન્સની જૂની ફિલ્મ પર આધારિત ૨૫ મિનિટ ચાલનારા દિલધડક સ્ટંટ જોવા એક ખુલ્લા થિયેટરમાં આવી પહોંચ્યાં.પેરુના મંદિરમાંથી સોનાની મૂર્તિ ચોરી થયાનો સીન બતાવ્યો. મારામારી અને ઝપાઝપી ચાલતી હતી ત્યાં સ્ટેજ ફર્યું અને સીન બદલાઈ ગયો! અમે કેરોની ગલીઓમાં પહોંચી ગયાં જ્યાં એક જીપમાં દારૂગોળો ભરી હીરો ભાગવાની તૈયારી કરે છે. અને ત્રીજો સીન …… એક નાના વિમાનમાંથી ચોરેલી મૂર્તિઓ લઈ ઊતરતા ગુંડાઓ અને જીપ લઈ આવેલ હીરો વચ્ચેની જોરદાર લડાઈ! કાન ફાડી નાખે તેવા અવાજો અને આંખો સામે આટલી ખૂનખરાબી પહેલી વાર જોઈ હશે. ભયંકર ફફડાટ અને ડર લાગે. શરીર ધ્રુજવા લાગે! આમાંનું મોટાભાગનું નજર સામે થતું હોવાં છતાં સાચું ન હતું! કોમ્પુટર અને ટેકનોલોજીની મદદથી બધાં સીન પૂરેપૂરા કંટ્રોલમાં હતા અને કોઈ પણ અકસ્માત થવાની શક્યતા ન હતી છતાં કલાકારો જે રીતે દિલ દઈને કામ કરતાં હતાં તે જોઈ તેમને સલામ કરવાનું મન થાય!

એનિમલ વર્લ્ડના  3D film ‘It’s Tough to be a Bug!’ના અમારા સુખદ અનુભવને યાદ કરીને અમે મપેટ વિઝન ( 3D Muppet Vision )  જોવા ગયાં. ૧૫ મિનિટના આ શોમાં કરમીટ નામના દેડકાએ તો મઝામઝા કરાવી દીધી! કોમ્પુટર અને ટેકનોલોજીની વિવિધ કરામતો, પ્રકાશનું સુંદર સંચાલન, જાતજાતનાં પ્રોજેક્શન, ધુમાડા અને વાદળોની ઈફેક્ટ, સાબુ અને પાણીના પરપોટા, જીવતા જાગતા કલાકારો…… બાળકોની સાથે મોટેરાઓ પણ આનંદમાં આવી જાય.

બ્રોડવે મ્યુઝિકલની ૨૫ મિનિટની નૃત્ય નાટિકા ‘Beauty and Beast’ જોવા આખું ઓપન થિયેટરમાં ભરાઈ ગયું હતું. એક વૃદ્ધ ભિખારણના શ્રાપથી રાજકુંવર પશુ બની જાય છે અને સાથેસાથે આખો મહેલ પણ શાપિત થઈ જાય છે! આ શ્રાપમાંથી રાજકુંવર કેવી રીતે મુક્ત થાય છે તે વિખ્યાત બાળવાર્તા સ્ટેજ પર ભજવાય છે. કલાકારોનું ગ્રુપ, તેમનાં વસ્ત્રો, મહેલનું વાતાવરણ, નાચતાં કૂદતાં પશુઓ  (!), તેમની એનર્જી વગેરે ભેગાં થઈ સ્ટેજ પર જાદુ ફેલાવી દે છે! ૨૫ મિનિટમાં વર્ષોવર્ષની વાર્તા ભજવી જાય છે. અદ્ભુત!

વોલ્ટ ડિઝનીની ફિલ્મોમાં એનીમેશન જેટલું જ મહત્ત્વ તેના સંગીતનું છે. હોલીવુડ સ્ટુડિયોમાં આ ઉનાળામાં સંગીત શો ‘The Music of Pixar- Live’  શરુ થયો હતો. અમે જ્યાં બ્યુટી એન્ડ બીસ્ટ જોયું હતું તે જ થિયેટરમાં  આ લાઈવ શો જોવા પાછાં આવ્યાં. આપણા ભારતીય સંગીતથી જુદું સંગીત અને મોટા અવાજે વાગે. ન્યુમેનનું પ્રખ્યાત  ગીત હજી પણ મારા કાનમાં ગુંજી રહ્યું છે : ‘You have got a Friend In Me’

આખો દિવસ સખત તડકો હતો અને રખડવાનું પણ ખાસ્સું થયું હતું. પાંચ દિવસની ડિઝનીવર્લ્ડની મુલાકાતે અમને છેલ્લા દિવસે થકવી દીધાં હતાં. તડકાને લીધે મારું માથું દુખતું હતું અને ઊલટી જેવું થતું હતું. ચાલુ શોમાંથી હું ઊઠીને બહાર આવી. મારી ના કહેવા છતાં રાજેશ પણ શો છોડી બહાર આવ્યા. નજીકમાં જ વોશરૂમ હતો. ત્યાં જઈ જરા સ્વસ્થ થઈ અને એક બેંચ ઉપર આવીને બેઠી. રાજેશ કૉફી લેવા ગયા. ડીસ્પીરીન હતી એટલે કૉફી સાથે લઈશ તો સારું લાગશે એમ વિચારી હું આંખો બંધ કરી બેંચ પર બેઠી હતી. મારી નજીક કોઈ આવીને ઊભું રહ્યું હોય તેવું મને લાગ્યું. મેં આંખો ખોલી. ડિઝનીવર્લ્ડના એક કર્મચારી હતા. મને પૂછ્યું : ‘આપની  તબિયત ખરાબ લાગે છે. હું કંઈ મદદ કરી શકું?’ ‘મારા પતિ કૉફી લેવા જ ગયા છે, હમણાં આવતા જ હશે.’ એટલું બોલું ત્યાં તો ઠંડા પાણીની બોટલ લઈ આવ્યા અને ખોલીને પ્રેમથી મને આપી. ‘ગરમી બહુ છે. પાણી પીતાં રહેશો તો સારું લાગશે. Take care!’ આટલું કહી શાંતિથી મારી બાજુમાં ઊભા રહ્યા. એક વડીલને છાજે તેવું આદરપૂર્ણ વર્તન. માથાનો દુખાવો ભૂલી હું તેમની પ્રશંસાના વિચારમાં ગરકાવ થઈ ગઈ. રાજેશ કૉફી લઈને આવ્યા પછી તેમને ખાતરી થઈ કે કોઈ મારું ધ્યાન રાખનાર છે પછી જ તે વડીલ તેમના બીજા કામે લાગ્યા.

‘ડિઝનીવર્લ્ડની મુલાકાતે આવેલ દરેક મુલાકાતી મારી જવાબદારી છે અને તે અહીંનો સારામાં-સારો અનુભવ લઈને જાય તે માટે હું મારો પૂરો પ્રયત્ન કરીશ’ આવો ભાવ ડિઝનીવર્લ્ડના એકેએક કર્મચારીના મનમાં દ્રઢ થયો હોય છે. હરતાં ફરતાં તમને બધે એ કર્મચારીઓ મોં પર મીઠા સ્મિત સાથે જ જોવા મળે. આવી ભાવના હોય તે જગ્યા વિશ્વની સૌથી વધુ મુલાકાત લેવાયેલ જગ્યા બને તેમાં નવાઈ શી?

મ્યુઝિકનો શો પણ પતી ગયો હતો એટલે દિલીપભાઈ અને રીટા પણ આવી ગયાં. તેમની સાથે અમારો અનુભવ શેર કરતાં કરતાં અમે કૉફી અને નાસ્તો કર્યાં. સાંજ પાડવા આવી હતી અને અમે જમ્બો હાઉસ જવાની બસ પકડી. અમારાં મિત્રો માલા અને જયેન્દ્રભાઈનો ફોન આવી ગયો હતો. તે લોકો અમને લેવા આવી રહ્યાં હતાં. નજીકમાં જ હતાં. અમે જમ્બો હાઉસ પહોંચી લગેજરૂમમાંથી સામાન બહાર લઈ આવ્યાં ત્યાં માલા અને જયેન્દ્રભાઈ પણ આવી લાગ્યાં. જાણે વર્ષો પછી મળ્યાં હોઈએ તેવી લાગણી થઈ. ભેટી પડ્યાં અને આંખમાં પાણી આવી ગયાં. આનંદ આનંદ થઈ ગયો!

ડિઝનીવર્લ્ડની બહાર નીકળી મેઈન રોડ પર આવ્યાં. ટ્રાફિક ઘણો હતો. જયેન્દ્ર ભાઈએ ટોલ આપી ટોલરોડ લીધો જેથી ટ્રાફિક ઓછો મળે અને વાતો કરતાં કરતાં શાંતિથી જઈ શકાય. ડિઝની વર્લ્ડથી લગભગ ૪૫-૫૦ મિનિટે  તેમનું ઘર એક સુંદર ગામ એવેલોન પાર્કમાં    (Avalon Park) આવેલું હતું. રસ્તામાં બહુમાળી મકાનોવાળાં ગામો જોતાં જોતાં અમે તેમને ઘેર આવી લાગ્યાં. ઘર બહુ જ સુંદર અને મોટું હતું. પ્રેમથી સજાવ્યું હતું. ભોંયતળિયે ડ્રોઈંગરૂમ, ડાઈનીંગ રૂમ, રસોડું, એક બેડરૂમ, મોટો બેઠકરૂમ વગેરે. ઘરની પાછળ સરસ સ્વિમિંગ પુલ હતો. અને સ્વિમિંગ પુલની પાછળ સરસ તળાવ હતું. તળાવ પાણીથી છલોછલ ભરેલું હતું અને તેમાંથી ઊડતા  ફુવારાથી  તેને વધુ તાજગી અને સુંદરતા પ્રાપ્ત થતાં હતાં. ઉપરના માળે ૩ બેડરૂમ હતા અને એક સરસ મંદિર કે પૂજાનો રૂમ હતો. અમે થાક્યા હતાં  અને ભૂખ્યા પણ થયાં હતાં. અમારા કહેવા પ્રમાણે માલાએ સરસ ખીચડી, શાક, ભાખરી, સલાડ વગેરે બનાવ્યું હતું. જમીને વાતો કરતાં કરતાં અમે સૂઈ ગયાં.ક્રમશઃ 


સંપર્ક : દર્શા કિકાણી : ઈ –મેલ – darsha.rajesh@gmail.com

Author: Web Gurjari

20 thoughts on “અમેરિકન ડ્રીમ – સ્વપ્નિલ સફર : એનિમલ કિંગ્ડમ, મેજિક કિંગ્ડમ અને હોલીવુડ સ્ટુડિયો

  1. Thanks, Heenaben! Yes, this episode is little longer as it covers 3 days to cover the Disney world tour. But the Disney world part was really really interesting!!

 1. Disney parks are for each and every age group. Very nice details of tours and rides. I still remember my thrilling “space mountain “ experience.
  Really enjoyed details about Animal kingdom.

  1. Thanks, Toral! True! Disney parks cater to all the age groups, but if we have more energy, we can utilize more rides and attractions offered to us!

 2. Really enjoyed this episode of your tour to Disney World. We visited Disney Worlds few times but had never collected the information you have mentioned here, step by step and in full detail.
  😊😊Mala & Jayendra

  1. Thanks, Mala & Jaybhai! Most credit for the Disney world part of our trip goes to you! You only had insisted that we stay on the campus, which was the best suggestion. Thanks and join us every Friday!

   1. Everything happened by Shree Nathaji’s Krupa. You are right that staying in Disney and enjoying the parks is completely different experience. We were very happy to know that you guys have enjoyed as much as possible even though all of you were exhausted every night😊😊.

 3. દરેક સ્થળ અને તેની સાથેના સ્મરણનું તાદૃશ, સ…રસ વર્ણન!

  ડીઝનીવર્લ્ડના કર્મચારીઓ મુલાકાતીઓની કેવી ખેવના કરે છે તે વાત હ્રદયસ્પર્શી છે. (પશ્ચીમના લોકો શુષ્ક ગણાય છે). (રાજેશભાઈની સંવેદનશીલતા પણ સલામ યોગ્ય!)

  1. Thanks, Nitinbhai! Yes, all the employees/ executives of Disney world were fully dedicated to their work. Absolutely consumer friendly!
   And Rajesh is beyond any comments!!

   1. અંતિમ વાક્ય સાથે સંપૂર્ણ રીતે સહમત!
    તમારા મિત્ર હોવાનું અમને ગૌરવ છે!

 4. સુંદર વર્ણન. અમેરિકામાં ખરેખર અદભૂત અને અવિસ્મરણીય parks and Amusement parksનો દેશ છે. આને અનુભવ કરવો એ એક લ્હાવો છે.એટલે જ દુનિયા માં ધણી જગ્યાએ આવા Parks લોકો નું Entertainment કરે છે.પ્રવાસી ભારતીય આને વિદેશ માં વસતા ભારતીયો ની વચ્ચે ની સુંદર રજૂઆત કરી. યાદગાર પળો.

 5. સુંદર વર્ણન. અમેરિકા ખરેખર અદભૂત અને અવિસ્મરણીય parks and Amusement parksનો દેશ છે. આને અનુભવ કરવો એ એક લ્હાવો છે.એટલે જ દુનિયા માં ધણી જગ્યાએ આવા Parks લોકો નું Entertainment કરે છે.પ્રવાસી ભારતીય આને વિદેશ માં વસતા ભારતીયો ની વચ્ચે ની સુંદર રજૂઆત કરી. યાદગાર પળો.

 6. અદભૂત લેખન શૈલી….. ખરેખર
  સ્વપ્નસૃષ્ટિ તાદ્રશ્ય કરી નાખી…
  મનો-આશ્ચર્ય થી બાળક બની જવાયું
  રોમાંચકારી પરંતુ ર્હદય સ્પર્શી વર્ણન

 7. તમે ખૂબ જ સરસ લખો છો દર્ષા બેન. તમારી પોસ્ટ વાચતા વાચતા હું એમાં ખોવાઈ જાવ છું. અમે તમારી સાથે સાથે પ્રવાસ કરતા હોય એવું લાગે. અને તમારી વર્ણન શક્તિ એવી અદ્ભુત કે તમે જે પણ જોયું છે, માણ્યું છે એ જ અમે પણ માણી લઈએ એવું લાગે. તમારા પ્રવાસના ફોટાને લીધે અમને ઇમેજિન કરવામાં વધારે સરળતા રહે એટલે જો હજી વધારે ફોટા જોવા મળે તો મજા પડી જાય. ફોટાની સંખ્યા વધે એવું કઈક કરજો.

  – આપના લેખમાં ખોવાઈ જતો એક વાચક

Leave a Reply

Your email address will not be published.