ભગવાન થાવરાણી
મુહમ્મદ ઈબ્રાહીમ ‘ ઝૌક ‘ ઉર્ફે ઉસ્તાદ ‘ ઝૌક ‘ મિર્ઝા ગાલિબના સમકાલીન હતા અને બાદશાહ બહાદુરશાહ ‘ ઝફર ‘ ના ગુરુ. એમના દરબારમાં એ રાજકવિ હતા. ઝૌકની ગાલિબ સાથેની પ્રતિસ્પર્ધા ( અથવા દુશ્મની ! ) ના કિસ્સાઓ મશહૂર છે. ઝૌક મૂળભૂત રીતે કસીદાકાર એટલે કે પ્રશસ્તિ-કાવ્યોના શાયર હતા અને ગાલિબની તુલનાએ એમની હેસિયત ખૂબ મર્યાદિત છે. ગાલિબની જેમ ઝૌક પણ ” મીર ” ના પ્રશંસક હતા. એમનો શેર:
ન હુઆ પર ન હુઆ ‘મીર’ કા અંદાઝ નસીબ
‘ઝૌક’ યારોં ને બહુત ઝોર ગઝલ મેં મારા …
એમનો આ શેર તો હવે તો કહેવત બની ચૂક્યો છે :
લાઈ હયાત આએ કઝા લે ચલી ચલે
અપની ખુશી ન આએ ન અપની ખુશી ચલે
પરંતુ મને એમનો જે શેર ખૂબ પસંદ છે તે છે આ :
હો ઉમ્ર-એ-ખિજ્ર ભી તો હો માલૂમ વક્ત-એ-મર્ગ
હમ ક્યા રહે યહાં અભી આએ અભી ચલે ..
ખિજ્ર એક મુસ્લિમ પયગંબર હતા જેમને અમરત્વ મળેલું. ઝૌક સાહેબ ફરમાવે છે કે જેમને જિંદગી અને એના આનંદો વહાલા છે એટલે કે જેઓ જિંદગી માત્ર પસાર નથી કરતા પણ દરેક રીતે માણે છે એમનામાં જીવવાની લાલસા બહુ તીવ્ર હોય છે. એમને ખિજ્ર જેટલું લાંબું આયુષ્ય મળે તો પણ મોતને સામે ભાળી કહેશે ‘ લો ! હજી હમણાં તો આવ્યા’તા ! ‘ જીવતા હોવાથી મોટું કોઈ સુખ નથી..
શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ પત્રવ્યવહાર સરનામે થઈ શકશે.