મોજ કર મનવા : પણ

કિશોરચંદ્ર ઠાકર

પોતે સામાજિક પ્રાણી હોવાને કારણે મનુષ્ય સમાજ વિના રહી શકતો નથી એ જ રીતે તેણે શોધેલો શબ્દ પણ ભાષાનું સામાજિક પ્રાણી હોવાથી મનુષ્યની જેમ તે પણ એકલો રહી શકતો નથી. મનુષ્યની ઓળખ સમાજના જુદા જુદા ઘટકોના સંદર્ભે બદલાતી રહે છે. પરિવારમાં તે માતા, પિતા, પુત્ર, પુત્રી કે કાકા, કાકી  વગેરે વગેરે હોય છે. ઓફિસમાં તે સાહેબ, કારકૂન કે પટાવાળો છે. ક્યાંક તે રાજા, પ્રજા , નેતા, પ્રધાન, ઉમેદવાર કે મતદાર છે. તેવી જ રીતે શબ્દ પણ વાક્ય પ્રમાણે પોતાની ઓળખ બદલતો રહે છે.   સંતો કે જ્ઞાનીઓ શબ્દબ્રહ્મ કહીને ભલે શબ્દને બ્રહ્મની કક્ષાએ મૂકતા હોય, પણ એકલો અટૂલો તો તે ભ્રમ જ ફેલાવે છે. કવિ મનોજ ખંડેરિયાને શબ્દ ભલે કંકુ સાથેનો ચોખા લાગ્યો હોય પણ ચોખાનો એકલો દાણો કપાળ પરથી સરકી જાય છે તેમ એકલો શબ્દ પણ અર્થની ભૂમિમાં ટકી શકતો નથી.

           વાચકો મિત્રોને  લાગતું  હશે કે અહીં હવે શબ્દની પારાયણ થશે. પરંતુ સૌ મિત્રોને આશ્વસ્ત કરી દ‌ઉં કે શબ્દનાં બ્રહ્મત્વ બાબતે કે સાહિત્યકારો કરે છે તેવી શબ્દની સાધનાની વાત કરીને આપને આધ્યાત્મિકતાનાં દુર્ગમ અરણ્યમાં લઈ જવા માગતો નથી. અહીં  ‘પણ’ નામનો શબ્દ જુદે જુદે વખતે પોતના વિવિધ અર્થરૂપો દેખાડતો હોય છે તે બાબતે મારા અવલોકનો રજૂ કરવાનો ઉપક્રમ માત્ર છે.

         આરંભ આપણે પેલા પરંતુના  અર્થના ‘પણ’થી કરીશું. જ્યારે જ્યારે આ ‘પણ’ મને ભટકાયો છે ત્યારે ત્યારે એ રસ્તા પર મૂકાયેલા પથ્થર જેવો  કે  રોડ પર ઊભા કરાયેલા બમ્પ જેવો લાગ્યો છે. કોઈવાર તે આંદોલનકારીઓને પોલીસે મૂકેલા બેરિકોડ લાગે છે તેવો જણાય છે. આથી હંમેશા તેને હટાવવાની ઇચ્છા થાય છે. છતાં ગુજરાતી ભાષામાં વાંચતી, લખતી સાંભળતી કે વિચારતી  વખતે તે મારી સન્મુખ આવીને ઊભો જ રહી જાય છે.  આમ ‘પણ’ મને અનિવાર્ય અનિષ્ટ જેવો લાગ્યો છે. સુજ્ઞ વાચકોને મારી આ અનુભૂતિને ઉદાહરણ આપીને સમજાવવા પ્રયાસ કરું છું.

         રસ્તા પર પડેલો પથ્થર આપણી ગતિ અટકાવવાનું કે ઓછી  કરાવવાનું કામ કરે છે, તો ક્યારેક ‘અહીંથી પાછા વળો’ એવી સૂચના આપતો હોય તેમ લાગે છે.  “હું ઓફિસે આવવા તો સમયસર નીકળ્યો  હતો પણ ટ્રાફિકમાં ફસાઈ ગયો.”  “ કાલે હું ચેન્નાઈ જવા નીકળ્યો પણ બધી જ ફ્લાઈટો બંધ હતી.”  માત્ર પ્રસ્થાન બાબતે જ નહિ બીજી અનેક બાબતોમાં ‘પણ’  આપણને અટકાવતો હોય છે. જેમ કે  “હું તમારા બાકી પૈસા આપવા ઈચ્છું  છું  પણ હમણા સગવડ નથી.”  “હું ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવવા ઈચ્છું છું પણ કોઈ ટેકો આપનાર નથી” આ રીતે ‘પણ’ની ભૂમિકા  આપણને ઓફિસે  કે ચેન્નઈ  જતા રોકવાની ,પૈસા પરત કરતા કે ચૂંટણી લડતા અટકાવવાની હોય એમ લાગે છે.

         સંસદ કે ધારાસભાનાં ગૃહમાં કોઈ સભ્યને પ્રવચન આપવું હોય છે ત્યારે ‘અધ્યક્ષ મહોદય’ ને સંબોધન કરવાની પ્રણાલિકા છે. પરંતુ સરકારના પ્રસ્તાવનો વિરોધ કરવા પ્રતિપક્ષ જ્યારે ‘અધ્યક્ષ મહોદય’ એવું ઉચ્ચારણ કરે છે ત્યારે તે ‘પણ’ની અવેજીમાં ઉચ્ચારાયેલું હોય છે.

         ક્યારેક ‘પણ’ એ બે દુશ્મન દેશો વચ્ચેની સરહદનું કામ પણ કરે છે.  “ચંપકલાલમાં બધા જ સદગુણ છે પણ એક મોટો અવગુણ લોભ તેમનામાં છે. અહીં  સદગુણ અને અવગુણ જેવા પરસ્પર વિરોધીઓ વચ્ચેની ‘પણ’  નામની સરહદ જોવા મળે છે.

         “પણ પણ.. મને સાંભળો તો ખરા” “પણ પણ.. મેં કાંઈ એવું ખોટું કામ કર્યું જ નથી.” ‘પણ’ના આવા પુનરાવર્તિત પ્રયોગ કરીને  કરાતા આ પ્રકારના ઉચ્ચારણો કોણે  સાંભળ્યા  કે ઉચ્ચાર્યા  નહિ હોય?  જેમ કેટલીક વાર વધારે ભાર વહન કરવા માટે ટ્રેનને બે એંજિનો  લગાડવામાં આવે છે  તેમ જો સામો  પક્ષ મજબૂત હોય તો વિરોધ કરવા અથવા પોતાનો બચાવ કરવા(આમ તો બચાવ પણ આરોપી તરફથી કરવામાં આવેલો વિરોધ જ છે.)  માટે એક ‘પણ’ નો હોર્સપાવર ઓછો પડશે એમ લાગતા એક કરતા વધારે ‘પણ’ ને જોતરવામાં આવે છે.

         ફિલ્મોમાં મુખ્યત્વે વિલનની ભૂમિકા કરતો અભિનેતા ક્યારેક સજ્જનની ભૂમિકા પણ કરી લેતો હોય છે,  તે જ રીતે કાંઈક અંશે વિલન જેવો ભાસતો ‘પણ’ કોઈવાર એકલા અટૂલા પડેલાને સહકાર આપવા જેવા સત્કાર્યો પણ કરી લેતો હોય છે. ‘છગનની સાથે મગન પણ આવશે” “કોથમીરની સાથે આદુ પણ લાવશો.”  “માણસમાં ધનની સાથે સંસ્કાર પણ આવવા  જોઈએ.”  આમ છગનને સાથ આપવા  મગનને, કોથમીરની સાથે જોડાવામાં આદુને, ધનને સહકાર આપવા ઈચ્છતા સંસ્કારને  મદદ કરવા ‘પણ’ હાજર થઈ જાય છે.

         “લીધેલું પણ પ્રાણ ત્યાગે પણ ન છોડવું “   આ ઉપદેશ વચનમાં પ્રતિજ્ઞાના અર્થમાં પ્રયોજાયેલો ‘પણ’ પોતાનો દૃઢતાનો ગુણ દર્શાવે છે.

         આ રીતે ક્યારેક ખલનાયક, ક્યારેક સહકાર આપવાની ભાવના ધરાવતો, તો ક્યારેક દૃઢતાનું પ્રતીક એવો ‘પણ’  પોતાની આસપાસ ગોઠવાયેલા પોતાના શબ્દંબંધુઓની ગોઠવણી અનુસાર  પોતાની ઓળખ પણ બદલતો  રહે છે.  આથી    જેમ કેટલાક મનુષ્યો  ગંગા ગયે ગંગાદાસ, જમના ગયે જમનાદાસ હોય છે તેવો ભલે કોઇને લાગતો હોય, પરંતુ  આ ગંગાદાસો કે જમનાદાસો તો પોતાની ઓળખ મીટાવીને ચાલુ પ્રવાહમાં ભળી જતા હોય છે, પરંતુ આપણો ‘પણ’ તો સમગ્ર વાક્યને નવો અર્થ આપીને વાણીના અર્થપ્રવાહને જ બદલી નાખે છે.


શ્રી કિશોરચંદ્ર ઠાકરનં સપર્ક સૂત્રો :-પત્રવ્યવહાર સરનામું: kishor_thaker@yahoo.in  । મો. +91 9714936269

Author: Web Gurjari

4 thoughts on “મોજ કર મનવા : પણ

  1. કિશોરભાઇ , આપનો લેખ “પણ “ વાંચ્યો , ગમ્યો
    “પણ” કાના માત્ર વગરનો એક નાનકડો અને હળવો શબ્દ છે પણ એના પર હળવો લેખ લખવો એ અઘરું કામ છે

  2. આ અદભુત શબ્દ નો આસ્વાદ કરાવવા બદલ કિશોરભાઈ નો ખુબ ખુબ આભાર.
    કેવી સિફત થી આ નાનકડો શબ્દ સંમતિ સાથે અસંમતી દર્શાવી શકે છે .દા. ત. હું તમારી સાથે સંમત છું….. …પણ ……સમજાઈ જાય કે સંમતિ નથી જ !!

Leave a Reply

Your email address will not be published.